Opinion Magazine
Number of visits: 9746903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન (17) શુભ ઘડી

સુમન શાહ|Opinion - Opinion|22 June 2021

લાઇટ થાય ત્યારે જ કહેવાય કે ઇલેક્ટ્રિક કનેક્શન રાઇટ છે. હ્યુમન કનેક્શનમાં ક્યારે કહેવાય કે લાઇટ થઇ? બે જણ સમ્મુખ થાય ને કશું પણ બોલ્યા વિના સમ્બન્ધની ગાંઠ વળે, એ શુભ ઘડી ક્યારે આવે? એ મુહૂર્ત કયું?

જોશીમા’રાજ કુંડળી જોઇને મૂરતિયાના ને કન્યાના ‘ગુણ’ ગણી-મેળવી આપે, અને એઓ લગનના ગોરમા’રાજ હોય તો મુહૂર્ત પણ કાઢી આપે. માબાપો ખુશ થઈ જાય. તારીખ-વાર ને એ ઘડી ગોખતાં થઇ જાય. પણ મુહૂર્ત છેલ્લે તો મા’રાજને જ યાદ હોય છે, અથવા એવું ભાસે છે, અને એ કહી દે છે – કન્યા પધરાવો, સાવધાન …

પણ આજકાલ તો દુલ્હનિયા જ્વૅલરી, હૅઅરસ્ટાઈલ કે મેકઅપથી જ પરવારી નથી હોતી. કોઈ કોઈ તો ઍક્સ્પર્ટ બ્યુટિશ્યનને ભાડે રાખે છે. દુલ્હો પણ ડ્રેસઅપ વગેરેમાં ઘણો જ ગૂંચવાઈ ગયો હોય છે. સૂટ-બૂટ-ટાઇ પછી માથે ફૅંટો પ્હૅરીને બાપોતી પ્રથાને સાચવી લે છે. પણ આ બધાંમાં પેલા મુહૂર્તનો લોચો વળી જાય છે.

અમેરિકામાં હું ઘણી વાર ગુજરાતી વેડિન્ગ સૅરેમનીમાં ગયો છું. મા’રાજ સંસ્કૃત તો જે બોલ્યા હોય, એ જાણે ને જાણકાર જાણે, પણ જે બોલ્યા હોય એનું એમણે ત્યાંની નવી પેઢી માટે અંગ્રેજી પણ કરવું પડે છે. બને છે એવું કે મા’રાજે પોતાના અંગ્રેજીમાં ઘણા ગોટા વાળ્યા હોય છે. પરણનારાંને અને ફ્રૅન્ડ્સને હસવું આવે છે. એકૉર્ડિન્ગ શ્કૅજ્યુઅલ જીવનારી એ નવી પેઢી, એટલું ચલાવી લે છે. પણ એમાં ને એમાં પેલું મુહૂર્ત તો બચારું વીતી ગયું હોય છે. 

પશ્ચિમના સમાજોમાં, ગોરમા’રાજનું કામ કરનારાને મિનિસ્ટર અથવા વેડિન્ગ ઑફિસ્યન્ટ કહેવાય છે. ઉમદા વ્રતો લેવરાવે, પેલાં બન્ને ઠાવકાં થઈને બોલી બતાવે. પછી મિનિસ્ટર ઘોષણા કરે કે – હવે તમે પતિ અને પત્ની છો, પતિને કહે, તમે ચુમ્બન કરી શકો છો. ચુમ્બન થાય ત્યારે જ માનવાનું કે વિધિ સમ્પન્ન થયો. આમ તો પેલાં કેટલીયે વાર ડેટિન્ગ પર ગયાં હોય છે ને કેટલીયે વાર ચુમ્બન વગેરે કરી ચૂક્યાં હોય છે. છતાં, એ ફૉર્માલિટીને પતિ અનુસરે છે, પત્ની પણ અનુસરે છે. કેમ કે ચુમ્બન કરવામાં કશું ગુમાવવાનું તો હોતું નથી.

જોવા જઇએ તો, મુહૂર્ત અને લગ્નનો વિધિ આપણે ત્યાં પવિત્ર ખરો પણ એ એક ફૉર્માલિટી છે. પશ્ચિમના સમાજોમાં પણ ‘પ્રોનાઉન્સમૅન્ટ ઑફ મૅરેજ’ કહેવાતી એ એક ફૉર્માલિટી જ છે.

પ્રવર્તમાન જાગતિક વાદવિવાદોમાં બે મુખ્ય છે : લોકશાહીનું ભવિષ્ય અને લગ્નસંસ્થાની જરૂરિયાત.

રાજનીતિ-વિજ્ઞાનીઓએ અને રાજનીતિ-ફિલસૂફોએ લોકશાહી વિરુદ્ધ લખેલાં પુસ્તકો અનેકાનેક છે. એથી જાગેલી ચર્ચા હવે ‘બીટર નેશનલ ડીબેટ’ ગણાય છે. લોકશાહીથી રૂડી શાસનપ્રણાલિ હોઈ શકે નહીં એના સ્વીકાર પછી પણ નિષ્ણાતોને ભારત, યુ.કે. અને યુ.ઍસે.ની ઉત્તમ મનાયેલી લોકશાહીઓ આજે સડેલી દીસે છે. આપણે ભારતીયો તો એ સડો રોજે રોજ જોઈ-અનુભવી રહ્યા છીએ. વાણીસ્વાતન્ત્ર્ય અને સૅક્યુલારિઝમ હવે નામનાં જ બચ્યાં છે. પરિણામે લોકશાહીનો આત્મા નષ્ટભ્રષ્ટ થઈ રહ્યો છે. રાજાશાહી અને સરમુખત્યારશાહીના દુષ્ટ અવશેષો લોકશાહીમાં નવે રૂપે જાગ્યા છે. લોકશાહો બાદશાહોની જેમ વર્તે છે. રાજ લોકોનું કહેવાય છે પણ હકીકતમાં એ પાર્ટિનું, પાર્ટિના મળતિયાઓનું અને વચેટિયાઓનું હોય છે. લોકશાહી હવે સત્તાકારણને માટેનું ગલીચ રાજકારણ છે. લોકને એ થકવે છે બહુ. વગરે.

દુલ્હનિયા 

પ્રોનાઉન્સ્મૅન્ટ ઑફ મૅરેજ

Picture Courtesy : Tweeter. Pinterest.

લગ્નસંસ્થાની જરૂરિયાત રહી નથી અથવા એ આજે પ્રશ્નાર્થ હેઠળ આવી ગઈ છે ને તૂટું તૂટું થઈ રહી છે, કે થઈ ગઈ છે, એ ખરું, પણ એનાં કારણો એના જન્મ અને વિકાસમાં પડેલાં છે :

નૃવંશવિજ્ઞાનીઓ જણાવે છે કે એક પુરુષ અને એક સ્ત્રી લગ્નથી જોડાયાં હોય એવો પહેલવહેલો સમારમ્ભ ઈ.પૂ. ૨,૩૫૦-માં થયો હતો, મૅસોપોટેમિયામાં. ત્યાર બાદ સદીઓ પછી લગ્ન એક સંસ્થા રૂપે વિકસ્યું. લગ્નસંસ્થા ૪,૩૫૦ વર્ષ પુરાણી કહેવાય છે. એમાં હીબ્રુઓ, ગ્રીકો અને રોમનોનો ફાળો મોટો હતો. પરન્તુ એ પૂર્વે ૩૦-૪૦ મનુષ્યો જૂથમાં રહેતા, પુરુષો એમાં નેતૃત્વ લેતા, એકથી વધુ સ્ત્રીઓને સહભાગે ભોગવતા, ને સન્તાનો થતાં. આપણે ત્યાં કન્યાદાન થાય છે. પ્રાચીન ગ્રીસમાં ય પિતા દીકરી અર્પણ કરતો. ક્હૅતો કે : કાયદેસરનાં હક્કદાર સન્તાનો પેદા કરવા તમને હું મારી દીકરી સૉંપું છું : પ્રાચીન હીબ્રુ પુરુષો અનેક સ્ત્રીઓને પત્ની બનાવી શકે એવો રિવાજ હતો. ગ્રીક અને રોમન પુરુષો પરણેલા હોય તો પણ વાસનાતૃપ્તિ માટે રખાતો રાખી શકતા, વેશ્યાઓ અને ટીનએજ છોકરાઓ જોડે સમાગમ કરી શકતા. સન્તાનો પેદા કરવામાં પત્ની નિષ્ફળ જાય તો એને પીયર મોકલી દેતા, ને બીજીને પરણતા.

કૃષિસભ્યતાનો ઉદય થવાને કારણે સમાજને વધારે સ્થિર થવાની જરૂર પડેલી, અને એ થયેલો. લગ્ન પાછળનો મૂળ આશય નક્કી થયેલો કે એક સ્ત્રી સાથે એક પુરુષ બંધાય, લગ્નાય. નક્કી થાય કે સન્તાનો એમનાં જ શરીરથી છે, ને તેથી, એ પુરુષનાં, તેઓ વારસદાર પણ છે. પરિણામ એ આવ્યું કે સ્ત્રી લગ્નને કારણે જ પુરુષની મિલકત ગણાવા લાગી. યુરપમાં રોમન કૅથોલિક ચર્ચ ક્રમશ: શક્તિશાળી બને છે અને લગ્નની કાયદેસરતા માટે પાદરી અનિવાર્ય મનાવા લાગે છે. એ રીતે ત્યાં લગ્નમાં ધર્મ પ્રવેશ્યો.

ભારતમાં તો લગ્નસંસ્થાનો ધર્મ સાથેનો સમ્બન્ધ પહેલેથી જ અતૂટ રહ્યો છે. પ્રાચીનતમ કાળે આપણે ત્યાં પણ ‘એક સ્ત્રી-એક પુરુષ’ પ્રથા ન્હૉતી. બહુપ્રિયાપુરુષો હતા. બહુવલ્લભા સ્ત્રીઓ હતી. સ્વકીયા-પરકીયાના ભેદ ન્હૉતા. એકપત્નીવ્રત મોટો આદર્શ ગણાયો તે તો લગ્નસંસ્થાના ઉદય પછી. ભારતમાં લગ્ન ત્યારથી મહા મોટો સંસ્કાર મનાય છે, પવિત્ર બન્ધન કહેવાય છે. લગ્ન પ્યુબર્ટિના પ્રારમ્ભથી થાય અને છોકરો-છોકરી વર્જિન હોય. લગ્ન માબાપોએ ગોઠવવાની વસ્તુ ગણાતી. એ અર્થમાં લગ્નનું સ્વરૂપ પહેલેથી ઍરેન્જ્ડ મૅરેજનું રહ્યું છે. લગ્ન બે વ્યક્તિઓનાં થાય પણ સાથોસાથ બે પરિવારનાં ય થાય. માબાપોની લગ્નેતર આશા-અપેક્ષાઓને કારણે લાકડે માંકડું વળગાળવાના બનાવો પણ બનતા. ડોસા-ડોસી કદાચ સ્વાનુભવે એમ માનતા કે ઘીના ઠામમાં ઘી ભળી જશે ને બધું થાળે પડી જશે, પ્રેમ પણ થઈ જશે.

પરન્તુ ભારતીય લગ્નસંસ્થાનો વિકાસ સ્વચ્છ નથી રહી શક્યો. એમાં, પ્રેમ જ લટકતો થઈ ગયો. ભારતીય લગ્નસંસ્થા ક્રમશ: પતનગામી થઈ ગઈ. બાળલગ્ન વૃદ્ધલગ્ન સતીપ્રથા વિધવાપ્રથા અને દહેજપ્રથાએ એના આત્માને રહૅંસી નાખ્યો. સન્તતિનિયમને મુક્ત સહચાર અને સમાગમને વેગ આપ્યો અને તેથી વર્જિનિટી અને પ્યુબર્ટિની તો ઍસીતૅસી થઈ ગઈ. મૈત્રીકરાર અને લિવ-ઇને દામ્પત્યભાવનાના રૂઢ ખયાલને ધૂળભેગો કરી દીધો. ફ્રી-સૅક્સકૉમ્યુન અને વાઇફ-સ્વૅપિન્ગના આગમને કરીને બધાં જ પવિત્ર બન્ધનોના ધજાગરા ઊડી ગયા.

હું પેલી શુભ ઘડીની વાત કરતો હતો. મેં પૂછેલું કે એ ઘડી ક્યારે આવે. એ ઘડી માટેની કોઈ જ જોગવાઈ લગ્ન, સમાજ, સંસ્કૃતિ કે સભ્યતા નહીં કરી શકે. મારે કહેવું છે કે કેટલીક વ્યક્તિઓના જીવનમાં એ મુહૂર્ત આવતું જ નથી. કેમ કે તે વ્યક્તિઓ કાં તો ભૂતકાળના ભારથી ઝૂકી ગઈ હોય છે અથવા તેઓ ભવિષ્યની કલ્પનાઓમાં અદ્ધરિયું જીવતી હોય છે. બને છે એવું કે વર્તમાન એ વ્યક્તિઓના હાથમાંથી સરકી જાય છે ને પછી હતાશા સિવાય કશું બચતું નથી.

કેમ કે એ જોગવાઈ વ્યક્તિએ કરવાની છે કેમ કે એ ઘડી સરજી લેવાની વસ્તુ છે. અને એ વ્યક્તિના જ હાથની વાત છે. એ ઘડી છે :

નયનથી નયન મળે – ગોવર્ધનરામે ‘દૃષ્ટોદૃષ્ટ’ શબ્દ પ્રયોજ્યો છે- સ્મિત થઈ જાય, નજીક પ્હૉંચી જવાય, ગાલે ને કપાળે ચૂમી કરી દેવાય, ભેટી પડાય, ચુમ્બન કરી દેવાય, આલિંગન થઈ જાય …

આ સત્ય છે. અને સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રસંગમાં છે તેમ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેના કોઈ પણ માનુષ્યિક પ્રસંગમાં પણ એ સત્ય જ છે. એ દરેક ઘડી અથવા એ બધી જ ઘડીઓ શુભ હોય છે, કેમ કે ફૉર્મલ નથી હોતી, નેચરલ હોય છે. એના પ્રાગટ્યથી હસ્તમેળાપ ને હૃદયમેળાપ થઈ જાય છે, એટલું જ કે એ મેળાપ દેખાતા નથી.

એ ઘડી ભૂતકાળમાં કે ભવિષ્યમાં નહીં પણ વર્તમાનમાં હોય છે. પણ વિચારો કે, વર્તમાન શું છે. એક રીતે તો, એ નથી. સમજીએ તો, કોઈ પણ મનુષ્યનો વર્તમાન એના વડે જિવાયેલા ભૂતકાળ અને એના વડે કલ્પાયેલા ભવિષ્યનું એક અસમંજસ મિશ્રણ છે.

આપણે ઊભા હોઈએ, કોઈ પાછળ ઊભો હોય, ને કોઈ સામો આવે, તો શું કરીએ? ડહાપણ વાપરીને સલુકાઈથી આપણે એ બેની વચ્ચેથી નીકળી જઈએ, કરીએ કે નહીં? ભૂત-ભવિષ્યના એ અસમંજસ મિશ્રણને પણ એવી જ સલુકાઈથી છૂટું કરવું પડશે. બન્નેને એકબીજાથી થોડા આઘા કરીશું એટલે તરત નાનકડા શુદ્ધ વર્તમાનને પામી શકીશું. એમાં પેલી શુભ ઘડીનું રતન જનમશે, ને પ્રકાશી ઊઠશે. સમ્બન્ધની ગાંઠ આપોઆપ વળશે ને ઝગમગી ઊઠશે. લાઇટ લાઇટ થઈ જશે.

અઘરું લાગે છે પણ કરી જોવા જેવું છે, સહેલું છે.

= = =

(June 18, 2021: USA)

Loading

કોઈ કૈં ખરાબ કરતું નથી અને સારું કૈં થતું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 June 2021

આ ટાઇટલ ઘણાંને નેગેટિવ લાગે એમ બને. અત્યારે પોઝિટિવિટીનો વાવર ચાલે છે. બધાં પોઝિટિવ થઈ ગયાં છે. એ સારું છે, એમ જ ખરાબ પણ છે. નેગેટિવ તરફ ધ્યાન ન આપવું એમ ઘણાં કહે છે, પણ એ સામે આવે તો આંખ તો ન મીંચી દેવાય ને ! એમ જે આંખ મીંચી દે છે તે ખરેખર તો આંખ આડા કાન કરે છે ને એ પોઝિટિવ એટિટ્યૂડ નથી. આ પોઝિટિવ સંપ્રદાય પાછો એટલો પોઝિટિવ નથી કે કોરોના પોઝિટિવ ઈચ્છે. એ તો નેગેટિવ જ ઇચ્છે છે. વાસ્તવિકતાનો નકાર એ પોઝિટિવિટી નથી. આ કહેવાતી પોઝિટિવિટી અપ્રમાણિક અને મર્યાદિત છે. એ સરકારના ભક્તજનોનો સંપ્રદાય છે, જેણે પ્રતિજ્ઞા લીધી છે કે સરકારની નકારાત્મક બાજુ ન જોવી એ સાથે જ વણલખી પ્રતિજ્ઞા એવી પણ લીધી છે કે વિપક્ષની નકારાત્મક બાજુ તો જોવી જ ! આ વલણમાં તટસ્થતા નથી.

આ સંપ્રદાય સરકારની કોઈ ખામી જોવા તૈયાર નથી. એનો અર્થ એવો પણ નથી કે સરકારમાં એકલી ખામી જ છે. સર્જિકલ સ્ટ્રાઈક કે 370ની નાબૂદી જેવાં કામો તો થયાં જ છે. સૌથી મોટું કામ તો દાયકાઓ સુધી અત્યારનો વિપક્ષ સરકારમાં હતો તેને ખદેડવાનું થયું, ગુજરાતમાં થતાં કોમી રમખાણો પર પડદો પડ્યો એ નાનું કામ નથી, પણ 2014માં જે વાયદાઓ નવી સરકારે આપ્યા તે સાત વર્ષે પણ પૂરા ન થઈ શક્યા તે તરફ આંખ આડા કાન ન કરી શકાય. નોટબંધી, જી.એસ.ટી.નો અધૂરો પ્રયત્ન એ સરકારને જમા પક્ષે મૂકી શકાય એમ નથી. સ્વિસ બેંકોમાંથી કાળું નાણું લાવવાની ને ખાતામાં 15-15 લાખ જમા આપવાની વાતોથી લોકો છેતરાયાં. આજે કાળું નાણું લાવવાની વાત તો દૂર રહી, સ્વિસ બેંકોમાં કાળું નાણું વધી રહ્યું છે ત્યારે તેને પોઝિટિવલી કેવી રીતે લેવું તે પ્રશ્ન છે. યાદ રહે, પોઝિટિવિટી અને વિવેક વિરોધાભાસી નથી.

કોરોના પ્રકરણમાં રસીકરણની ઘણી ગરબડો છતાં તે કામ ચાલે છે એટલું આશ્વાસન લઈ શકાય ને ત્રીજી લહેરનું સ્વાગત કરવા સરકારો થનગની રહી છે એને પણ પોઝિટિવલી લઈ શકાય, પણ બજેટમાં કોરોના માટે ફાળવાયેલા 35,000 કરોડ અંગે કે 2020માં જાહેર કરાયેલા 20 લાખ કરોડના પેકેજ અંગે લોકો ખુલાસો ઈચ્છે તો તે બધાં નેગેટિવ છે એમ ન કહેવાય.

આ વર્ષે ધોરણ 10 અને 12માં પરીક્ષાઓ રદ્દ કરવી પડે એમ જ હતું ને બધાંને પાસ કરવાનું આખા દેશમાં ઠરાવાયું, પછી 10 અને 12નું પરિણામ નક્કી કરવા જે ફોર્મ્યુલાઓ નક્કી કરાઈ એમાં શિક્ષણખાતું ખોટો મેસેજ જાય એમ વર્તી રહી છે. વિદ્યાર્થીઓને સરકાર શીખવી રહી છે, ખોટું કેમ કરવું તે ! જ્યાં વિદ્યાર્થીઓને 10 કે 12માં નાપાસ કરવાની નીતિ જ નથી, તો બધાંના ટકા કે ગ્રેડ નક્કી કરીને સરકારે સાબિત શું કરવું છે? અમારા વિદ્યાર્થીઓનું ચોક્કસ ટકાવારી કે ગ્રેડ સાથે શિક્ષણ વિભાગે મહામહેનતે પરિણામ નક્કી કર્યું છે એ? આખો દેશ જાણે છે કે માસ પ્રમોશન અપાયું છે ને પરીક્ષાઓ લેવાઈ નથી, તો આ ટકાવારી શેની છે એની લોકોને ખબર નથી, એમ? જે ધોરણની પરીક્ષાઓ થઈ જ નથી ને નથી થઈ એવું વિધિવત સરકારે જાહેર કર્યું છે તો એ જ સરકાર એ ધોરણનું ચોક્કસ ટકા કે ગ્રેડ સાથે પરિણામ જાહેર કેવી રીતે કરી શકે? જે પરિણામ અપાઈ રહ્યું છે તે આગલાં ધોરણ કે ધોરણો પર આધારિત છે, તે ચાલુ વર્ષનું પરિણામ નથી, તો આગલું પરિણામ આ વર્ષનું પરિણામ કઈ રીતે ગણાય? વારુ, 12માં ધોરણનું પરિણામ 10માં ધોરણનાં પરિણામો પર આધારિત કેવી રીતે હોય? 10માં ધોરણમાં જીવવિજ્ઞાન અલગ વિષય જ નથી ને તેના વિજ્ઞાન વિષયના માર્ક્સ 12માંના જીવવિજ્ઞાનના માર્ક્સ તરીકે ગણવાનું નક્કી કરાયું છે. ધોરણ 10માં જે વિષય જ નથી તેના માર્ક્સ 12માં ધોરણ માટે નક્કી કરવાનું યોગ્ય છે? આમાં પણ 10માંની જેમ 33 માર્કસ તો ગમે ત્યાંથી ઊભા કરવાના જ છે. જેના ન થાય એને ગ્રેસિંગ આપવાનું પણ ઠરાવાયું છે. આટલું ઓછું હોય તેમ માસ પ્રમોશન કયાં ય લખવાનું નથી. તે એટલે કે હોંશિયાર વિદ્યાર્થીને અન્યાય ન થાય. હોંશિયાર વિદ્યાર્થી એટલો ડોબો નથી કે જાણતો ન હોય કે તે માસ પ્રમોશનથી પાસ થયો છે ને એ ન જાણતો હોય તો, શિક્ષણ જગત એટલું અભણ નથી કે આ વર્ષે પરીક્ષાઓ થઈ જ નથી એની એને ખબર ન પડે. ખોટું એ પણ છે કે આ પરીક્ષાઓની માર્કશીટ જુલાઈમાં આવવાની છે ને એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાછલી તારીખમાં 31 મે, 2021નું તૈયાર કરવાનું છે. આટલું ખોટું કરવાની શિક્ષણખાતાને કોણ ફરજ પાડે છે તે નથી સમજાતું. એટલી પ્રમાણિક્તા સરકાર ન દાખવી શકે કે કોરોનાને કારણે પરીક્ષાઓ નથી થઈ અને બધાંને માસ પ્રમોશન અપાયું છે?

પ્રશ્ન આગળની કોલેજોમાં પ્રવેશનો આવે, તો બધાંને જ પ્રવેશ અપવાદ કરીને અપાય ને જેમને પસંદગીની કોલેજો કે વિદ્યાશાખામાં પ્રવેશ જોઈતો હોય એમની કસોટી લઈને પ્રવેશ અપાય. કારણ કોલેજો જાણે છે કે 12નો વિદ્યાર્થી 90 ટકા સાથે પાસ થાય ને ક્યાં ય માસ પ્રમોશન ન લખાયું હોય તો પણ, આ રિઝલ્ટ ન લેવાયેલી પરીક્ષાનું જ છે. ન લેવાયેલી પરીક્ષાનું પરિણામ તૈયાર કરીને સરકાર સ્કૂલો, કોલેજો ને યુનિવર્સિટીઓને છેતરી રહી છે. જે વાત દુનિયા જાણે છે એ છુપાવવાનો સરકારને શો લાભ છે તે નથી ખબર. આમાં પાછું એવું પણ જાહેર થયું છે કે ગુણ ચકાસણી થવાની નથી અને પૂરક પરીક્ષાઓ પણ લેવાવાની નથી. આટલું જક્કી વલણ કોના લાભાર્થે છે તે બોર્ડ કહી શકે એમ છે?

એક તરફ એક પણ માર્ક ન લાવનારને 33 માર્કસ ખુદ બોર્ડ ઉમેરી આપવાનું છે, પણ 10 અને 12ના રિપીટર્સને એ લાભ શિક્ષણ બોર્ડ આપવાનું નથી અને પાંચેક લાખ રિપીટર્સની 15 જુલાઈથી પરીક્ષાઓ લેવાનો ફતવો સરકારે બહાર પાડી દીધો છે. જેમણે એક પણ પરીક્ષા આપી નથી એમને પાસ કરવાનો બોર્ડને વાંધો નથી, પણ જેમણે એક વખત તો પરીક્ષા આપી જ છે, એમને માસ પ્રમોશન આપવા બોર્ડ તૈયાર નથી. બધાં માટે એક નીતિ કેમ નથી?

આમ સીધું કહેવું પોઝિટિવ ન ગણાય, પણ ખોટું કરવું એ પોઝિટિવિટી કહેવાય ! સરકાર છાશવારે પેટ્રોલનો ભાવ વધારે ને બેશરમ થઈને કહે કે પેટ્રોલના ભાવ ઘટે એમ નથી એ પોઝિટિવિટી છે? કમાલ તો એ છે કે ગોલ્ડ (સોનું) સસ્તું થાય છે અને ગોલ્ડ (દૂધ) મોંઘું થાય છે. ખબર નથી પડતી કે લોકો સોનું પીએ છે કે દૂધ? પણ આવી ટીકા કરો તો લોકો નેગેટિવ કહેશે. મે મહિનામાં જથ્થાબંધ ભાવોમાં 12.94 ટકા મોંઘવારી ઓલ ટાઈમ હાઈ રહી છે, ને રિટેલ ભાવોમાં 6.3 ટકાના દરે 6 મહિનાની ટોચે રહી છે. આ મોંઘવારી વધવાનું કારણ એમ અપાય છે કે ખાદ્યાન્ન અને ઈંધણ મોંઘાં થયાં છે. ઈંધણ મોંઘું કરવાનું તો સરકાર જ કહે છે ને ઉપરથી કહે છે કે ઈંધણના ભાવ વધ્યા એટલે ફુગાવો વધ્યો. 4 મેથી 19 જૂન સુધીમાં 24 વખત પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે 6.61 અને 6.91 રૂપિયા મોંઘું થયું. આ ભાવ વધારવાનું લોકો કહે છે? ભાવ ઘટાડવા સરકાર જ રાજી ન હોય તો મોંઘવારી શું કામ ન વધે તે કોઈ કહેશે? 8 મહિનામાં 4,000 રૂપિયે ટનનો કોલસો 8,000 રૂપિયા થઈ જાય તો મિલમાલિકો પણ માથે હાથ દે તેમાં નવાઈ નથી. એક બાજુ ઓર્ડરો મળતા ન હોય, કારીગરોની અછત હોય, ત્યાં કોલસો ડબલ ભાવે પહોંચે તો મિલમાલિકોની હાલત કફોડી જ થાય કે બીજું કૈં? આમાં તકલીફ ગરીબ અને મધ્યમવર્ગની વધી છે. એવો વહેમ પડે છે કે સરકાર ગરીબોનું શોષણ કરે છે ને મૂડીપતિઓનું રક્ષણ કરે છે, તે એટલે કે સરકારો તોડવા કે વિપક્ષમાંથી સભ્યોને ખરીદવા મદદ ગરીબો નથી કરતા, ઉદ્યોગપતિઓ કરે છે.

આવું ખોટું કૈં થતું હોય તો ન ચીંધવું જોઈએ? ભક્ત સંપ્રદાયે એ પણ વિચારવાનું રહે કે ભાવ વધે છે તો તેમનું ગજવું ખંખેરાય છે કે નહીં? જો ખંખેરાતું હોય તો એવું કેવી રીતે મનાય કે ગજવું ખૂલ્યું જ નથી? સાથે એ પણ વિચારવું ઘટે કે અગાઉની પાઘડીવાળી સરકાર હોત ને હાલની સરકાર વિપક્ષમાં હોત તો આ ભાવ વધારાઓ ચલાવી લીધા હોત કે વિરોધથી સડકો ભરી દીધી હોત? પોઝિટિવ રહેવા ન બોલવું, ન જોવું, ન સાંભળવું એ સજીવનું લક્ષણ છે? દેખાતું હોય કે ખોટું થાય છે તો આંખો બંધ કરવી કે કોઈ ખોટું બોલતું  હોય અને એ મામલે ચૂપ રહેવું કે એ સાંભળી રહેવું એ સ્થિતપ્રજ્ઞતા નથી, પોઝિટિવિટી નથી, કાયરતા છે ને એની સામે કોઈ સ્વસ્થતાથી વાત મૂકતું હોય તો તેને તટસ્થતાથી જોવાને બદલે પોઝિટિવિટીનો ઉપદેશ આપવો એ સાધુપણાનું લક્ષણ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જૂન 2021

Loading

વરસાદ -૨

સુમન શાહ|Opinion - Opinion|21 June 2021

જુલાઇ ૭, ૨૦૧૮ ના રોજ લખેલો આ નિબન્ધ ફરી રજૂ કરું છું. 'મેઘદૂત' અને બૉદ્લેરને માણવા માગતા મિત્રોને ખૂબ જ પ્રેરણા મળશે.

= = = = પ્રેમ થયો હોય એને જ વિરહ થાય. અને એને જ સમજાય કે સંદેશ શું ને દૂત શું. હાલ તો ફોનમાં ય આખું ‘આઇલવયુ’ લખતાં ય જોર પડે છે, iluથી પતાવે છે. પ્રેમપત્ર તો શું લખી શકે? અમે તો ‘ફરગેટ મી નૉટ’-ના સ્પેશ્યલ બ્લૂ પેપર પર નિરાંતે ફાઉન્ટનપેનથી સંદેશ લખતા. ગડી વાળેલો એ પત્ર છોકરાએ ખિસ્સામાં અને છોકરીએ બ્લાઉઝમાં સંતાડી રાખવાનો રિવાજ હતો. એ પ્રસ્વેદભીની ગડીઓ ઉકેલતાં ચિત્ત બેકાબૂ થઇ જતું = = = =

= = = = બૉદ્લેરનો કાવ્યનાયક કહે છે : મારા અંતરમનમાંથી પસાર થઇ રહી છે અર્થીઓ – ન ડ્રમ કે ન મ્યુઝિક. હારી છૂટેલી આશા રડે છે અને અત્યાચારી નિરંકુશ વ્યથા મારા મસ્તક પર એની કાળી ધજા ફરફરાવે છે = = = =

ચારે માસ બધે વરસાદી જળની ઠંડક. કશી અનામ સુગન્ધી. હવા કોઇ રમણીના ઉપવસ્ત્ર જેવી આમ તેમ લ્હૅરાતી ફરે. મૂશળધારથી માંડીને કશી જ ઉતાવળ ન હોય એમ ધીમી પાતળી ધારે વરસતો હોય. તો વળી, જતાં જતાં ઝીણો થઇને ત્રાંસો ત્રાંસો થઇ ઝડપથી જતો રહેતો હોય.

એક વાર ‘શબરી ટાવર’-ના આઠમા માળેથી આકાશમાં પાણીની રજોટીના બાચકા ઉછાળતો ભાગતો વરસાદ જોયેલો. સમજો, વર્ષાજળનો પાઉડર ! એક વાર અમે વર્ડ્ઝવર્થને ગામ જવા બોલ્ટનથી નીકળેલાં. એકાએક જોશમાં એટલાં તો બોરાં વરસ્યાં કે લાગ્યું કાર જાણે કચડ કચડ કરતી કીચડમાં દોડે છે – મને થયેલું આ તો વરસાદનો કીચડ છે. હા ભૈ, એને ‘કીચડ’ ના કહેવાય …

એક વાર ડાલાસમાં અમે મારા સાળાને ત્યાં હતાં. મધરાત પછી રૂફ પર એકાએક તડતડ તડતડ તડાકા સંભળાવા લાગ્યા. એ હેઇલસ્ટોર્મ હતું. પાણી થીજીને કાંકરા થઇ ગયું હોય. એને ગુસ્સાથી વરસીને ઝાટકી નાખતું હોય. ‘હેઇલ’ – જેને આપણે ‘કરા’ કહીએ છીએ. ચણા કે લખોટીઓ જેવડા હોય. ટેબલટેનિસના બૉલની સાઇઝના પણ હોય.

એક ધારો વરસતો હોય, પણ ત્યારે બારીએ બેસી પુસ્તકમાં ડૂબી જવાનો લ્હાવો જ જુદો. ‘મેઘદૂત’ તો હું છન્દોલય સાચવીને લલકારતો. આષાઢ-શ્રાવણના કશા વ્રતની જેમ વાંચી જતો. એક વાર ‘ગીતાંજલિ’ વાંચેલી. ‘રવીન્દ્રસૃષ્ટિમાં નારી’ વિષય પર વ્યાખ્યાન આપવાનું’તું ત્યારે રવીન્દ્રનાથની ઘણી નવલકથાઓ વાંચેલી. (એ વ્યાખ્યાન-લેખ માટે જુઓ, મારું પુસ્તક ‘કથાપદ’, ૧૯૮૯). મેં જોયેલું કે એમની સૃષ્ટિમાં વરસાદનાં લગભગ બધાં જ રૂપો પ્રગટ્યાં છે.

પણ ફ્રૅન્ચ કવિ બૉદ્લેરનું ‘સ્પ્લીન’ વાંચ્યા પછી વરસાદને વિશેનો મારો મનોભાવ ચ્હૅરાઇ ગયેલો છે. મોહભંગ થયો છે. એ જુદી વાત છે કે ચોમાસામાં વાંચેલાં પુસ્તકો ચિત્તમાં એક જુદી જ જગ્યા કરી લે છે.

‘મેઘદૂત’ તો ભણવામાં હતું. કૉલેજની લાઇબ્રેરીમાં એની એક જ નકલ હતી. પુસ્તક સુલભ ન્હૉતું. મેં નોટબુક લાવીને આખું ઉતારી લીધેલું : એક યક્ષ હતો. પોતાનાં કર્તવ્યો વિશે પ્રમાદી થઇ ગયેલો. એટલે યક્ષરાજે એને શાપ આપ્યો કે જા, એક આખું વર્ષ તારે તારી પત્નીનો વિરહ વેઠવો પડશે. શાપને કારણે યક્ષનો મહિમા ઘટી ગયો. એ રામગિરિ પર્વત પર રહેવા લાગ્યો. ત્યાં સ્નિગ્ધ છાયા પાથરતાં વૃક્ષો હતાં; જનકતનયા સીતાનાં સ્નાનથી પવિત્ર જળકુણ્ડ હતા.

આ કામી યક્ષના કેટલાક મહિના પત્નીના વિરહમાં વીતી જાય છે. કાંડાં સૂનાં લાગે છે. કેમ કે તે પરનાં કનક-વલય સરકતાં થઇ ગયેલાં. એવામાં આષાઢના પ્રથમ દિવસે એણે પર્વતના શિખર પર ઝળુંબી રહેલા મેઘને જોયો – એને થયું, આ તો જાણે ભેટી મારવામાં શૂરો મસ્તમગન કોઇ હાથી છે. કામની ઉત્કણ્ઠા જગવનારા એ મેઘને યક્ષ જોતો રહી જાય છે. પોતાનાં આંસુને અંદરનાં અંદર રોકી રાખી વિચારે છે કે આવા મેઘને જોઇને તો જેની સન્નિકટ પ્રિયજન હોય તેનું ય ચિત્ત ચળી જાય, તો કણ્ઠાલિંગન માટે ઝૂરતા દૂર પડેલાનું તો શુંયે થાય … શ્રાવણ નજીક આવી ગયો ત્યારે એને થાય છે કે આના દ્વારા પ્રિયાના પ્રાણને સહારો મળે એવો કુશળ-સંદેશ પાઠવું. કવિ સરસ કહે છે – પછી એણે કુટજ કુસુમોનો અર્ઘ્ય આપીને મેઘનું ગદ્ ગદ્ થઇ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું.

ક્યાં ધૂમજ્યોતિ, પાણી ને હવાના સન્નિપાત સમો મેઘ? ને ક્યાં જેને સંવેદનપટુ પ્રાણી જ પ્હૉંચાડી શકે એ સંદેશ? છતાં એ વાતને બાજુ પર રાખીને ઉત્કણ્ઠાવશ યક્ષ મેઘને યાચના કરે છે; કહે છે – કામપીડા વેઠી રહ્યા હોય એ લોકો સ્વભાવવશ ચેતન પાસે દીન થઇ જાય એમ મેઘ જેવા અચેતન પાસે પણ દીન થઇ જતા હોય છે …

પછી યક્ષ સ્વ અર્થ સાધવા મેઘની ભરપૂર સ્તુતિ કરે છે : તારો જન્મ, હે મેઘ, પુષ્કર અને આવર્તક નામના ભુવનપ્રસિદ્ધ વંશમાં થયો છે. તું ઇન્દ્રનો કામરૂપી પ્રકૃતિપુરુષ છું – મુખ્ય અધિકારી. હું મારી પ્રિયાથી વિધિવશ દૂર પડેલો છું એટલે તારો યાચક બન્યો છું. તારા જેવા ગુણીજન પાસે યાચવું નિષ્ફળ જાય તો પણ સારું છે કેમ કે અધમો પાસે કરેલી યાચના ફળે તો પણ ન-સારી છે. સંતપ્તોનો, હે મેઘ, તું રક્ષક છું. કુબેરના ક્રોધને કારણે વિરહી બનેલા એવા મારા સંદેશને મારી પ્રિયાની પાસે પ્હૉંચાડ. તારે યક્ષપતિઓની અલકા નામક પ્રસિદ્ધ નગરીમાં જવાનું છે. વગેરે વગેરે.

વાત એમ છે કે પ્રેમ થયો હોય એને જ વિરહ થાય. અને એને જ સમજાય કે સંદેશ શું ને દૂત શું. હાલ તો ફોનમાં ય આખું ‘આઇ લવયુ’ લખતાં ય જોર પડે છે, iluથી પતાવે છે. પ્રેમપત્ર તો શું લખી શકે? અમે તો ‘ફરગેટ મી નૉટ’-ના સ્પેશ્યલ બ્લૂ પેપર પર નિરાંતે ફાઉન્ટનપેનથી સંદેશ લખતા. ગડી વાળેલો એ પત્ર છોકરાએ ખિસ્સામાં અને છોકરીએ બ્લાઉઝમાં સંતાડી રાખવાનો રિવાજ હતો. એ પ્રસ્વેદભીની ગડીઓ ઉકેલતાં ચિત્ત બેકાબૂ થઇ જતું. તક મળ્યે ભૈબંધ કે બેનપણી પ્હૉંચાડી દે. એ પડી જાય કે ખોવાઇ જાય તો એ ‘લવલેટર’ કશા ટાઇમબૉમ્બની ગરજ સારે. ફજેતીનો પાર નહીં.

વર્ષાઋતુને વિરહની જેમ જ ગમગીની અને અવસાદ સાથે પણ એટલો જ સમ્બન્ધ છે. ભીનાં થયા પછી ઝટ ન સૂકાતાં વસ્ત્રની ગન્ધ દૂરના સમયમાં દોરી જતી હોય છે. હમ્મેશને માટે છોડી ગયેલું સ્વજન દેખાઇ આવે છે. શોકાર્દ્ર જીવ વર્ષાજળ શરીરે ચોળી જુએ. વર્ષા બાળશે. કનડશે. આંખમાં અશ્રુ ઉભરાશે. ટેરવે લઇને એમાં શું જોવાના? નિર્વેદ નિરાશા લાચારી ને ગૂંગળામણ. એકલતા ઘુંટાતી ઘેરી થઇ શૂન્ય થઇ જાય. આંખમાં ઝળઝળિયાં હોય ને સામે વરસતો હોય એથી વધારે કરુણ તો શું હોઇ શકે? એવી ભાવદશા વખતે હમેશાં મને બૉદ્લેર યાદ આવે.

1844-માં Emile-એ દોરેલું બૉદ્લેરનું વ્યક્તિચિત્ર : ત્યારે કવિ માત્ર ૨૩-ના હતા …

Picture Courtesy : Wikimedea.com

બૉદ્લેર પહેલા આધુનિક કવિ કહેવાયા છે. ‘ધ ફ્લાવર્સ ઑફ ઈવિલ’ કાવ્યસંગ્રહનું શીર્ષક સૂચવે છે એમ કવિ દુરિતનાં ય પુષ્પ ભાળી શકેલા, સરજી શકેલા. એમનો ૫૦ ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘પૅરીસ સ્પ્લીન’ પૅરીસના નગરજીવનનો સંદર્ભ ધરાવે છે. આધુનિક સંવેદનશીલતાની વાતમાં આ કાવ્યસૃષ્ટિનું ઘણું મહાત્મ્ય છે.

‘સ્પ્લીન’ એટલે બરોળ. અહીં અર્થ છે – બૅડ મૂડ. રચનાના કેટલાક અંશનો માત્ર નિર્દેશ કરી શકીશ :

કણસતા દુખિયારા આત્મા પર કશા ઢાંકણની જેમ તોળાઇ રહેલું નીચું ઘેઘૂર આકાશ છે. વર્તુળાતી ક્ષિતિજ પરથી ફેલાતો દિવસ, રાતથીયે વધારે અંધારિયો છે. પૃથ્વી ભેજવાળી જેલ લાગે છે. ત્યાં આશા ચામાચીડિયા જેવી છે – ઘડીમાં દીવાલ જોડે પછડાય છે તો વળી છત પર માથાં મારે છે …

અને પછી આવે છે, અદ્ભુત પંક્તિઓ :

વરસાદ આ વિરાટ જેલના જાડા સળિયાની ધારાએ નિરન્તરનો વરસે છે ત્યારે અપાકર્ષક કરોળિયાની ટોળકી આપણાં મગજમાં ઊંડે એમનાં જાળાં રચવાને ચૂપચાપ ચાલી આવે છે …

છેલ્લે કાવ્યનાયક કહે છે : મારા અંતરમનમાંથી પસાર થઇ રહી છે અર્થીઓ – ન ડ્રમ કે ન મ્યુઝિક. હારી છૂટેલી આશા રડે છે અને અત્યાચારી નિરંકુશ વ્યથા મારા મસ્તક પર એની કાળી ધજા ફરફરાવે છે …

ક્યારેક આખી વાત માંડીને કરીશ. 

(June 19, 2021: USA)

= = =

Loading

...102030...1,9071,9081,9091,910...1,9201,9301,940...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved