Opinion Magazine
Number of visits: 9571863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Fool

રવીન્દ્ર પારેખ|Poetry|14 May 2021

તમારે ફૂલને વખાણવું છે
કહેવું છે કે 
તે 
સુંદર છે
ડાળની શોભા છે
આકાશ જોઈને મલકે છે
કવિતાને જન્મ આપે છે
ન જોનારને કલ્પના આપે છે
જોનારને બતાવે છે કે
ઝાકળ
કેવી રીતે ઝીલાય
પાંદડીના ખોબામાં
મસ્તીથી ડોલીને 
હવાને આકાર આપે છે
– આવું તો ઘણું ઘણું કહેવું છે
પણ મુશ્કેલી એ છે કે
તે હજી ડાળ પર છે …

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ

ભરત મહેતા|Opinion - Opinion|14 May 2021

હાલમાં દેશમાં આસામ, તામિલનાડુ, કેરળ અને બંગાળ એમ ચાર રાજ્યોમાં ચૂંટણી થઈ, પરંતુ નરેન્દ્ર મોદીને તો જાણે બંગાળ જ સર કરવું હોય એમ દિલ્હી-કોલકાતા વિમાનની ઊડાઊડ ચાલી! સામે મમતાની વ્હિલચૅરની હરીફાઈ : પરિણામ આવતાં જ સસલા-કાચબાની વાર્તા યાદ આવી ગઈ !

પરિણામો આગોતરાં જાહેર કરનાર તમામેતમામ ખોટાં ઠર્યાં. કોરોનાકાળમાં આ ચૂંટણી એક રાષ્ટ્રીય ઉત્સવ બની ચૂકી હતી. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનની ગરિમા બાજુએ મૂકીને અઢાર રેલીઓ કરીને, રણશિંગુ ફૂંકીને એક યુદ્ધનું એલાન કર્યું હોય એવો માહોલ હતો. રાજ્યની ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણીમાં પરિવર્તિર્ત થઈ ચૂકી હતી. આખી કૅબિનેટ, ઢગલો સાંસદ, ભા.જ.પ.ના મુખ્ય મંત્રીઓ અને સેંકડો કાર્યકરોએ બંગાળ ઘમરોળી નાખ્યું હતું. શુભેન્દુ જેવા ઘણા વિપક્ષી નેતાઓને ભા.જ.પ.માં સામેલ કરવા ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં નહોતો કર્યો એટલો સાતથી આઠ હજાર કરોડનો ખર્ચ કર્યો. ચૂંટણી આયોગને ય આગોતરું કામે લગાડ્યું હતું. લોકસભામાં ઈ.સ. ૨૦૧૯માં જે વિસ્તારોમાંથી ભા.જ.પ. ચૂંટાયેલું ત્યાની ચૂંટણી પહેલા યોજવાની. ટી.એમ.સી. પ્રભાવિત જિલ્લાઓને બે-ત્રણ-ચાર ભાગમાં વિભાજિત કરી નાખવાના, ચૂંટણી આઠ તબક્કામાં જેવા નાના-મોટા ખેલ પણ પડ્યા, છતાં ય પરિણામ ન મળ્યું.

બસોથી વધુ બેઠકોનો હુંકાર અમિત શાહે કરેલો એ તો ક્યાં ય દૂર રહી ગયો. રાષ્ટ્રીય ચૂંટણીમાં સેનાસમેત પધારેલ રાષ્ટ્રીય નાયકે દીદી … ઓ … દીદીનો વરવો અભિનય કરેલો. ‘અમે હાથપગ ચલાવીશું તો બૅન્ડેજ પણ ઓછાં પડશે’ … જેવી દિલીપ ઘોષની કે ‘બીજી મે પછી ટી.એમ.સી.ના કાર્યકરોએ જાનની ભીખ માંગવી પડશે,’ એવી યોગીજીની ધમકીઓ. આમ સામ, દામ, દંડ, ભેદ બધું ય ચાલ્યું, છતાં ય ભા.જ.પ.ને લોકસભા કરતાં ૩% વોટ ઓછા મળ્યા. લોકસભામાં ૪૧% મળ્યાં હતા. આ વખતે ૩૮% જ મળ્યા.

મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ એનાં કારણો અને એની આગામી અસરો ખૂબ જ મહત્ત્વની બની રહેવાની. ચારમાંથી ત્રણ રાજ્યોમાં સમાંતરે મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ થયો. તરત જ ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં પણ એનો પ્રભાવ દેખાય છે. મોદી બ્રાંડ રાજનીતિની લોકપ્રિયતામાં આવેલી ઓટનું આ સીધું પરિણામ છે. જે લોકસભાના વિસ્તારો ભા.જ.પે. જીતેલા એ વિસ્તારોમાંથી ૧૨૨ ધારાસભ્યો જીતવા જોઈએ. જેમાંથી પચાસ જેટલા ઓછા છે, તેથી એવું આશ્વાસન લેવાનું કે અમે ત્રણમાંથી આટલે પહોંચ્યા એ મન મનાવવાની વાત છે, તોતિંગ ભીડ મતમાં પરિવર્તિત ન થઈ.

બંગાળ જ મોદીજીની ચિંતાનું કારણ કેમ હતું એ સમજી શકાય તેમ છે. બંગાળ રાજા રામમોહનરૉયથી આજ લગી સર્વધર્મસમભાવની નીતિવાળું છે. એ જીતી બહુસંખ્યક રાજનીતિનો દબદબો કરવાનો મોદીજીનો મનોરથ હતો. એમની લડાઈ મમતા સામે નહીં, વિકાસ માટે નહીં, પણ પરિવર્તન માટે હતી. પરિવર્તન એટલે સર્વધર્મસમભાવમાંથી બહુસંખ્યક રાજનીતિનું પરિવર્તન, પણ ધ્રુવીકરણની લડાઈ પ્રજામિજાજને અનુકૂળ ન આવી. હિંદુબહુલ વિસ્તારમાંથી ટી.એમ.સી.ને ખૂબ મત મળ્યા છે; મુસ્લિમોના વોટ ઓવૈસીને, કૉંગ્રેસને નથી મળ્યાઃ આ પરિવર્તન થયું. ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર માટે જરૂરી પરિણામ આવ્યું.

મમતાને અગાઉ વિધાનસભામાં કે લોકસભામાં ન મળ્યા હોય એટલા મત મળ્યા ! એનો અર્થ એ થાય કે શાહીનબાગ અને કિસાનઆંદોલને ઊભી કરેલી હવા એમને ફળી. ૬૨% મત ભા.જ.પ.વિરોધમાં પડ્યા છે. જો રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યથી રાજ્યની ચૂંટણીને જોઈએ તો વિપક્ષને આટલા બધા મત મળવા એ રાષ્ટ્રીય નાયકનો પરાભવ છે. સ્થાનિક અસ્મિતા અને હિંદુત્વનું  રંગીન શરબત ત્રિપુરાને માફક આવી ગયું અને ડાબેરી સરકાર ગઈ હતી. અહીં પણ એ જ નીતિ અખત્યાર થઈ. બંગાળમાં એક કરોડ લોકો હિન્દીભાષી છે. આ હિન્દીભાષી લોકોને બંગાળના નવજાગરણનો એટલો પરિચય નથી, તેથી એ સાંપ્રદાયિક સૂત્રોચ્ચારમાં ફસાઈ જાય પણ ખરા. તેથી ‘જય શ્રીરામ’નું ચાલ્યું. ‘જય શ્રીરામ’ અવશ્ય બોલવું જોઈએ. મંદિરમાં જઈ બોલો, ધર્મનું સંમેલન હોય ત્યાં બોલો, જ્યાં હનુમાનચાલીસા કે રામાયણનો પાઠ ચાલે ત્યાં બોલો, પણ ચૂંટણીની સભામાં ‘જય શ્રીરામ’? આ તો લોકતંત્રમાં સંવિધાનને બાજુએ મૂકીને ધર્મને કેન્દ્રમાં મૂકવાની જ મોદી બ્રાંડ રાજનીતિ થઈ. જો ધર્મ આટલો જ પ્રિય હોય તો સંત બની જાવ, સંકીર્તન કરો. રાજનીતિને પ્રદૂષિત ન કરો. ‘કસમ રામ કી ખાતે હૈં, વિધાનસભા હમ બનાયેંગે’ … આવાં સૂત્રો આ પ્રદૂષણનો જ ભાગ છે. ‘હિન્દુ હિન્દુ ભાઈભાઈ, દૂસરી જાતિ કહાઁ સે આઈ?’ જેવા સૂત્રોચ્ચાર માટે ચૂંટણીઆયોગે હરફ સરખો ય ઉચ્ચાર્યો નથી.

મોદી બ્રાંડ રાજનીતિમાં ધર્મ રાજનીતિથી મોટો છે, તેથી કોરોના ગમે તેટલો વકરે પણ કુંભનો મેળો તો થવો જ જોઈએ. ધર્મનિરપેક્ષતા વિરુદ્ધ બહુસંખ્યક સાંપ્રદાયિક રાજનીતિમાં આ ધર્મનિરપેક્ષતાનો વિજય છે બંગાળનું પરિણામ. અહીં મમતાનો વિજય મહત્ત્વનો નથી, કૉંગ્રેસ-ડાબેરીની હાર મહત્ત્વની નથી. મોદી બ્રાંડની ‘મિશન બંગાલ’ની રાજનીતિનો પરાભવ મહત્ત્વનો છે. ભા.જ.પે., ભા.જ.પ.માં ભળી ગયેલાએ આ મોદીબ્રાંડમાંથી બહાર નીકળવું જરૂરી છે. કિસાન-આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે બંગાળની ચૂંટણી ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, મોદી સરકાર કોરોનામાં સરિયામ નિષ્ફળ ગઈ છે ત્યારે બંગાળની ચૂંટણી ખુદ ભા.જ.પ.ને પુનઃ વિચાર કરવાની તક આપે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 06

Loading

ભાલો ખેલા હોલો

મેહુલ દેવકલા|Opinion - Opinion|14 May 2021

બીજી મેની ધોમધખતી બપોરે દોઢ વાગ્યાની આસપાસ કોલકાતાથી અંતરા-દેવસેનનો મૅસેજ આવે છે કે, ‘ભાલો ખેલા હોલો’. દેશદુનિયાની જેના પર નજર હતી એ બંગાળ વિધાનસભાનાં પરિણામો આવવા માંડ્યાં હતાં. મમતા બેનરજી સતત ત્રીજી વાર અને પહેલાં કરતાં વધારે બહુમતીથી બંગાળમાં સરકાર બનાવવા જઈ રહ્યાં હતાં. બંગાળમાં ‘ખેલા હોબે’નો નારો લોકજીભે હતો અને હરકોઈ ખેલા જોવા આતુર હતું. આ પરિણામો દેશની દશા-દિશા પર ઘેરી અસર કરવાનાં હતાં એ સૌ કોઈ જાણતું હતું.

કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષે બંગાળમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવું જોર લગાડ્યું હતું. યોગ્ય ઉમેદવારો ન મળતાં સાંસદોને, સાંસદપદું ત્યાગીને પરાણે ધારાસભ્ય બનવાની હોડમાં ઉતારવામાં આવ્યા. બહુચર્ચિત નંદીગ્રામ વિધાનસભા ક્ષેત્રમાંથી તૃણમૂલના જ સાંસદને દીદી સામે હરીફ બનાવવામાં આવ્યા. એકંદરે મામલો ‘અભી નહીં તો કભી નહીં’-નો હતો.

ત્રીજો મોરચો વામદળોનો પણ હતો જેમના માટે દીદી જોડે જૂના હિસાબો ચૂકતે કરવા એ જ એક માત્ર ધ્યેય હતું. કદાચ પહેલી વાર બન્યું કે કોઈ વડા પ્રધાને ભારત બહાર જઈને ભારતના કોઈ એક રાજ્યની ચૂંટણી માટે પ્રચાર કર્યો હોય. બાંગ્લાદેશના મટુઆ જાતિના લોકો કે જેમની સારી એવી વસ્તી પશ્ચિમ બંગાળમાં પણ છે, એમને આકર્ષવાનો આ પ્રયાસ હતો.

આ ચૂંટણીમાં ચૂંટણી પંચના નિર્ણયો ખાસ્સા વિવાદમાં રહ્યા. એમ પણ કહેવામાં આવ્યું કે કેન્દ્રીય સત્તાધીશો બંગાળની વણખેડી ધરતીના ખૂણેખાંચરે જઈને પ્રચાર કરી શકે એટલે આઠ ચરણોમાં ચૂંટણી વહેંચવામાં આવી છે જે કોરોનાનાં કપરા કાળમાં ટાળી શકાયું હોત. દીદી પર ચોવીસ કલાકનો પ્રચાર માટે બેન લગાવવામાં આવ્યો, જે એકંદરે સહાનુભૂતિમાં પરિણમ્યો. ટૂંકમાં ખેલા બરાબર જામ્યો હતો.

બીજી પણ ઘણી રાજનૈતિક વાતો થઈ શકે એમ છે. પરંતુ વાત મારે સાંસ્કૃતિક પરિબળોની કરવી છે. બંગાળને અને ત્યાંનાં લોકોને હું જેટલો નજીકથી જાણી શક્યો છું એના ઉપર આ અભિપ્રાયો આપી રહ્યો છું. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નેજા હેઠળ ચૂંટણીમાં ઊતરતો પક્ષ બંગાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોનાં કારણે ભોંય ભેગો થયો છે એ જાણવું રસપ્રદ રહેશે.

પ્રારંભથી વાત માંડીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રીએ શાંતિનિકેતનની મુલાકાતથી ચૂંટણીપ્રચારની શરૂઆત કરી. પોસ્ટર્સમાં ટાગોરથી મોટા ફોટા નેતાઓના મૂકવામાં આવ્યા. ટાગોર બંગાળનાં લોકો માટે એક પ્રતીક માત્ર નથી. પરંતુ એમના જીવનનો એક ભાગ છે. વિવાદ થતાં પોસ્ટર્સ હટાવવામાં આવ્યાં, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા ઘાટ થયો. વડા પ્રધાનને બંગાળ માટે ટાગોરનું શું મહત્ત્વ છે, એનો સુપેરે ખ્યાલ હતો, એથી એમણે ચૂંટણીપ્રચારના ભાગ રૂપે ટાગોરનો વેષ પણ ધારણ કર્યો. એ વાત પણ બંગાળના લોકોને ટાગોરના અપમાન જેવી જ લાગી. ગુજરાતથી ઊલટું બંગાળના કલાકારો અને લેખકો પોતાનો રાજનૈતિક લગાવ-અલગાવ જાહેરમાં વ્યક્ત કરે છે. બંગાળના લોકોના માનસ પર એની અસર પણ જણાતી હોય છે. ચૂંટણીપ્રચાર દરમિયાન નામી લેખકો અને કલાકારોના બહુ મોટા જૂથે કેન્દ્રના શાસકો વિરુદ્ધ પોતાની લાગણી જોરશોરથી મૂકી હતી. કોલકાતામાં અડ્ડા કલ્ચર બહુ જાણીતું છે. અહીં વિવિધ વિચારધારાના સમર્થક બૌદ્ધિકો, વિદ્યાર્થીઓ, કલાકારો ચર્ચા-વાદવિવાદ કરતાં હોય છે. કૉલેજ સ્ટ્રીટના કૉફીહાઉસ અડ્ડા પર પહેલી વાર પોસ્ટર્સ ફાડવાની અને ઉગ્ર નારાબાજી થવાની ઘટના બની જેની વિદ્યાર્થીઓના બહુ મોટા વર્ગ પર અસર પડી. બંગાળ પહેલાથી જ વિચારોના ખુલ્લાપણાની ભૂમિ રહી છે. કહેવાય છે કે બંગાળ જે આજે કરે છે એ દેશ આવતી કાલે કરે છે.

કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષની હારનું એક બહુ મોટું કારણ જો કોઈ ઘટના બની હોય તો વડા પ્રધાન દ્વારા જાહેર સભાઓમાં બંગાળનાં મહિલા મુખ્ય મંત્રીને ‘દીદી ઓ દીદી’ તરીકે કટાક્ષના લહેજામાં મશ્કરી રૂપે સંબોધવું – દુર્ગાના દેશમાં મહિલાઓનો બહુ મોટો વર્ગ કે જે અગાઉથી દીદીનો સમર્થક રહ્યો છે તે આ કૅટ-કૉલ(છેડતીરૂપ ઉદ્‌બોધન)થી ભારે નારાજ હતો. ભાષાનું અજ્ઞાન અહીં ભારે પડ્યું.

સતત ચાર દાયકા સુધી વામદળોએ બંગાળમાં શાસન કર્યું હતું, પરંતુ આ ચૂંટણીઓમાં બંગાળે એમના પર સંપૂર્ણપણે ચોકડી મૂકી દીધી. મારી મિત્ર શાયરાના પતિ ફાઉદ હાલીમ (બંગાળ વિધાનસભામાં સૌથી લાંબો સમય સ્પીકર રહી ચૂકેલા હાશીમ હલીમના પુત્ર) જેઓ ખૂબ જાણીતા તબીબ પણ છે, તેઓ બેલીગંજ વિધાનસભા ક્ષેત્રથી વામદળ અને ત્રીજા મોરચાના સંયુક્ત ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. તેઓ તૃણમૂલના ઉમેદવાર સામે પરાજિત થયા.

જાન્યુઆરી ૨૦૨૦માં ‘ધ બંગાલ’ અને કોલકાતા પોલીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત સન્માન-સમારંભમાં જવાનું બન્યું હતું. જાણીતા ચિત્રકાર જોગેન ચૌધરી અને આશિષ નંદી ત્યાં ઉપસ્થિત હતા. મારું બહુમાન જેમનાં હાથે થયું હતું તે જાણીતા ફૅશન ડિઝાઇનર અગનમિત્રા પોલ સાથે સમારંભના અંતે રાત્રિભોજ પર બંગાળની સંસ્કૃતિ વિશે ઘણી વાતો થઈ હતી. અગનમિત્રા આ ચૂંટણીઓમાં આસનસોલ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાઈ આવ્યાં છે.

અંતે વાત આ સમગ્ર ખેલામાં સૌથી અનોખા ઉમેદવાર મનોરંજન બ્યાપારી વિશે. એમની જીવનયાત્રા એક ચમત્કારથી ઓછી નથી. મનોરંજન બ્યાપારીનું બાળપણ અત્યંત ગરીબીમાં ફૂટપાથ અને ચાની લારી પર વાસણ ધોતાં પસાર થયું છે. શાળામાં જવાનું તો સ્વપ્નમાં પણ શક્ય નહોતું. યુવાનીમાં આંદોલનકારી તરીકે જેલવટો ભોગવવાનો આવ્યો. કાળા અક્ષરો જોડે પહેલી વાર પનારો પડ્યો. જેલમાં જ જાતે શિક્ષિત થયા. વાંચવાનું-લખવાનું શરૂ કર્યું. જેલમાંથી છૂટ્યા બાદ દાયકાઓ સુધી કોલકાતાની સડકો પર પેદલ રીક્ષા ખેંચવાનું કામ કર્યું. એક દિવસે એમની પેદલ રીક્ષામાં જે સવારી આવી એણે મનોરંજન બ્યાપારીનું જીવન જડમૂડળથી બદલી નાંખ્યું. તે સવારી એટલે જ્ઞાનપીઠ પુરસ્કૃત જગવિખ્યાત લેખિકા મહાશ્વેતાદેવી. તેઓ હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ફરિસ્તા સમાન હતાં. એમણે મનોરંજનની વાતો સાંભળીને લખવા માટે પ્રેરિત કર્યા. મહાશ્વેતાદેવીએ એમની વાર્તાઓ અને લેખો છાપવા માંડ્યાં. જોતજોતાંમાં બંગાળભરમાં સાહિત્યકાર તરીકે એમની ખ્યાતિ વધવા માંડી. એમનાં ઘણાં પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદિત થયાં, ચર્ચિત બન્યાં અને મનોરંજન બ્યાપારીની ખ્યાતિ બંગાળના સીમાડાઓ ઓળંગી ગઈ. એમની આત્મકથાના અંગ્રેજી અનુવાદ ‘ઈન્ટરોગેટિંગ માય ચાંડાલ લાઇફ’ને ૨૦૧૯નું બહુ પ્રતિષ્ઠિત ‘ધ હિન્દુ લિટરરી’ સન્માન મળ્યું. મમતા બેનરજીએ સૌ પ્રથમ વાર બંગાળ દલિતસાહિત્ય અકાદમીનું ગઠન કર્યું ત્યારે મનોરંજન બ્યાપારીને એના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા. આ ચૂંટણીમાં એમનો રાજકારણમાં પ્રવેશ થયો. તૃણમૂલના ઉમેદવાર તરીકે બાલાગઢ વિધાનસભા ક્ષેત્રથી ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા. મનોરંજન બ્યાપારી જેવા ‘માટીર માનુષ’ ઉમેદવારનું ચૂંટાવું ભારતીય લોકશાહીમાં આપણી આસ્થાને મજબૂત કરે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 07

Loading

...102030...1,8971,8981,8991,900...1,9101,9201,930...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved