Opinion Magazine
Number of visits: 9572133
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકાની ધરતી પર ભારતીય ધાર્મિક સંસ્થા દ્વારા દલિતો સાથે ગુલામ જેવો વ્યવહાર.

માર્ટિન મેકવાન|Opinion - Opinion|14 May 2021

તારીખ ૧૧ મે, ૨૦૨૧ ને મંગળવારના દિવસે અમેરિકાના ન્યુજર્સી રાજ્યના રૉબિન્સવિલ્લે મુકામે ૨૦૧૪ની સાલથી નિર્માણ પામી રહેલ ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં અમેરિકાના ત્રણ વિભાગ – એફ.બી.આઇ.; હોમલેન્ડ સેક્યુરિટી અને શ્રમવિભાગના અધિકારીઓએ સામૂહિક રેડ પાડી. હજુ પણ નિર્માણકાર્ય ચાલી રહેલ આ મંદિરમાંથી રેડ વખતે પોલીસને ૯૦ મજૂર કામ કરતા જોવા મળ્યા, જેમની કામના સ્થળની સ્થિતિ અમાનવીય હતી. તેમને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યા.

પોલીસની રેડ એટલા માટે આવી કારણ ન્યુજર્સીની જિલ્લા અદાલતમાં સ્વાતિ સાવંત નામની દલિત મહિલા જે ઇમિગ્રેશન(દેશગમન)નાં વકીલ છે, તેમણે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદની ટૂંકમાં વિગતો આ પ્રમાણે છે.

૧. ૨૦૦ જેટલા મજૂરોને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, જેમણે કરોડોના ખર્ચે મંદિર નિર્માણનું કાર્ય ઉપાડ્યું છે, તેમની સંસ્થા દ્વારા અમેરિકા લઇ જવામાં આવ્યા. મોટા ભાગના મજૂરો દલિત છે.

૨. તેમની પાસે અંગ્રેજીમાં તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં સહી કરાવવામાં આવી.

૩. આ મજૂરોને ધાર્મિક પ્રવૃત્તિ માટે 'આર.૧' (R1) કક્ષાનો વિઝા મળે તે માટે તેમને અમેરિકી દૂતાવાસના અધિકારીઓ સામે એવું કહેવાનું શીખવવામાં આવ્યું હતું કે તેઓ કુશળ શિલ્પકાર અને ચિત્રકારો છે. આ પ્રકારનો વિઝા હંગામી ધોરણે ધાર્મિક પ્રવૃત્તિ માટે આપવામાં આવે છે. તેઓને સ્વૈચ્છીક સેવાધારી દર્શાવવામાં આવ્યા હતા.

૪. અમેરિકા જવાની તક મળે અને ત્યાં સારા પૈસા મળશે તેવી વાતો તેમને કહેવામાં આવી હતી. હકીકતમાં અમેરિકા પહોંચ્યા બાદ આ કારીગરોના પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા હતા. તેમને લોકનજરે ન ચઢે તેમ મોટા ખટારા(ટ્રેલર્સ)માં રાખવામાં આવ્યા હતા. તેમના રહેઠાણની આજુબાજુ કાંટાળી વાળ હતી. અન્ય મુલાકાતી આવે તેમની સાથે તેઓને વાત કરવાની રજા ન હતી. તેમનું ભોજન એટલે દાળ અને બટાકા. તેમની પર સતત નજર રાખવામાં આવતી હતી. કોઈની સાથે વાત કરે તો તેમને જેલમાં મોકલવાની ધમકી પણ આપવામાં આવતી હતી.

૫. અમેરિકામાં આ રાજ્યના લઘુત્તમ વેતનના કાયદા મુજબ શ્રમિકોને દર કલાકના ૧૨ ડોલર (આજની તારીખે રૂ. ૮૮૧) ચૂકવવાના થાય છે, તેની સામે આ કારીગરોને દર કલાકે માત્ર એક ડોલર એટલે કે રૂ. ૭૩ અને ૪૨ પૈસા ચુકવવામાં આવ્યા હતા. આ કારીગરો પાસે ગુલામની જેમ ઘણા કલાકો સુધી કામ કરાવવામાં આવતું હતું. રક્ષણ માટે તેમને માથે હેલ્મેટ પણ ન હતી. વધુમાં અમેરિકાના (ન્યુજર્સી) લઘુત્તમ વેતન કાયદા અનુસાર શ્રમિક જો અઠવાડિયાના ૪૦ કલાકથી વધુ કામ કરે તે તેઓ દોઢું વેતન મેળવવા હકદાર બને છે. આ મજૂરો પાસે દર અઠવાડિયે ૮૭ કલાક કામ કરાવવામાં આવતું હતું.

૬. આ મજૂરોને દર મહિને ૪૫૦ અમેરિકન ડોલર ચુકવવામાં આવતા હતા. તેમાંથી અમુક રકમ તેમના ભારત ખાતેના બેન્ક ખાતામાં જમા કરાવી હોવાનું કહેવાય છે. હકીકત શું છે તે વધુ તપાસનો વિષય છે.

૭. હકીકતે આ મજૂરો શિલ્પકાર નથી પણ કોતરકામ કરેલા ભારેખમ પથ્થરો દીવાલમાં ગોઠવવાનું કપરું કામ તેમની પાસે કરાવવામાં આવ્યું. તેમને શિલ્પકાર તરીકે માત્ર વિઝા મળે તે માટે જ ઓળખાવ્યા હતા. હકીકતમાં તેમની હાલત ગુલામી જેવી બદતર હતી.

૮. ગયા વર્ષે એક મજૂરનું મંદિરમાં જ કામ દરમિયાન મોત થતાં અને ત્યારે સંસ્થાએ યોગ્ય વ્યવહાર ન કરતાં મજૂરોમાં અસંતોષ જાગ્યો. દલિત મહિલા વકીલનો સંપર્ક થયો. ખાનગીમાં વિગતો એકઠી થઇ અને અદાલતમાં ખટલો દાખલ કરવામાં આવ્યો. આ વાત આગળ ન વધી કારણ મૃતકના પરિવાર સાથે સંસ્થાએ સમાધાન કર્યું. કેટલા રૂપિયામાં આ સમાધાન થયું તેની વિગતો જાહેર થઇ નથી.

૯. ૩૭ વર્ષનો મજૂર મૂકેશકુમાર ભારત પાછા આવવામાં સફળ થયો અને ભારત પાછા આવી તેના અથાગ પ્રયત્નોનાં કારણે આ ફરિયાદ શક્ય બની.

વેતનના નિયમન ઉલ્લંઘન સંદર્ભે કાર્યરત વકીલ ડેનિયલ વર્નરના મતે ૧૯૯૫ પછી અમેરિકાના ઇતિહાસમાં બળજબરીથી વેઠ કરાવવાનો આ કદાચ સૌથી મોટો ખટલો છે. ૧૯૯૫માં કેલિફોર્નિયા રાજ્યના એલમોન્ટ ખાતે થાઈલેન્ડના મજૂરો સાથે અમાનવીય પ્રથા બહાર આવ્યા બાદ પ્રથમવાર 'ટ્રાફિકિંગ વિકટીમ પ્રોટેકશન કાનૂન' અમલમાં આવ્યો.

કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ આ મંદિર અમેરિકામાં સૌથી મોટું બને તેવી સંસ્થાપકોની ખેવના છે. અમેરિકામાં આ સંસ્થા વતી એટલાન્ટા, ઓકલેન્ડ, શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જેલસ જેવી જગ્યાઓએ ભવ્ય મંદિરો બાંધવામાં આવ્યા છે.

પોલીસ રેડ અને ત્યાર બાદ ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં મોટી પ્રસિદ્ધિવાળો સમાચાર લેખ છપાતાં, આ મંદિરના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ કનુ પટેલ જણાવે છે કે વેતનના ઉલ્લંઘનના આક્ષેપ સાથે તેઓ સહમત નથી. વધુમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે રોજબરોજની બાંધકામ પ્રવૃત્તિ સાથે તેઓ સીધી રીતે સંકળાયેલા નથી.

મંદિર વતી બચાવપક્ષે લેનિન જોશી જણાવે છે કે હકીકતે વિઝાના નિયમોનો કોઈ ભંગ તેમના પક્ષે થયો નથી કારણ આ મજૂરો ભારતમાં અતિ ચોકસાઈપૂર્વક કોતરકામ થયેલા પથ્થરો ગોઠવવાનું કામ કરે છે, માટે તે કુશળ કારીગરો છે. જો કે તે કુશળ કારીગરો હોય તો તેમને શા માટે ખટારામાં રહેવાનું, દાળ અને બટાકા ખાવાના અને મળવા જોઈએ તેના ૧૦ ટકા પૈસા જ શા માટે તેમને ચૂકવાય છે તેનો તે કોઈ ફોડ પાડતા નથી. એ યાદ રહે કે આ લઘુત્તમ વેતન મજૂરો માટેનું છે, કુશળ કારીગરો માટેનું નથી.

આ મંદિરના સમર્થકો ભારતીય નિવાસીઓ મોટી સંખ્યામાં છે. ન્યુ જર્સીમાં જ ચાર લાખ ભારતીય નિવાસીઓની વસ્તી મનાય છે.

આ સંસ્થાએ દુનિયાઘરમાં ભવ્ય મંદિરો બાંધ્યા છે. આ તમામ મંદિર નિર્માણ કોના શોષણ અને પરસેવાથી બન્યા તે તપાસનો વિષય છે. અયોધ્યામાં બની રહેલ રામ મંદિરના નિર્માણમાં આ સંસ્થાએ અઢી કરોડ રૂપિયા જેટલી રકમનું દાન કર્યાના અખબારી અહેવાલો છે. વિદેશમાં બનનાર આવા એક ભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ ભારતના વડા પ્રધાને કરી છે.

દલિતો સાથે ભેદભાવ અને શોષણની ઘટના નવી નથી. કદાચ અમેરિકાની ધરતી પર આવી ગુલામી થાય તે નવી ઘટના છે. ભારતમાં પણ ધર્મસ્થાનોના નિર્માણમાં શોષિતના પરસેવા-ખૂન રેડાય છે. ધર્મસ્થાન બની જાય પછી તેમને એમાં પ્રવેશવા ન દેવાય તે હકીકત પણ આપણાથી અજાણી નથી.

ગઈ કાલે કોઈ અમેરિકન પત્રકાર સાથે વાત થઇ ત્યારે તેમનો મને એ પ્રશ્ન હતો કે આ સમાચારથી ભારતમાં શું અસર પડશે. મેં એમને કહ્યું કે હજુ સુધી આ સમાચારો ભારતમાં માત્ર અંગ્રેજી અખબારોમાં જ આવ્યા છે. સ્થાનિક ભાષામાં પ્રકાશિત થાય ત્યારે વધુ ખબર પડશે. આજે સવારે જ આ ઘટના અંગે ‘ગુજરાત સમાચાર’માં વાંચ્યું. ઊડીને આંખે વળગે તેવી વાત તે હતી કે આ સમાચારમાં આ મજૂરો દલિત હતા તેઓ ઉલ્લખ નથી પણ એમ લખાયું કે તે ભારતની 'ચોક્કસ જ્ઞાતિ'ના છે. 

Loading

Fool

રવીન્દ્ર પારેખ|Poetry|14 May 2021

તમારે ફૂલને વખાણવું છે
કહેવું છે કે 
તે 
સુંદર છે
ડાળની શોભા છે
આકાશ જોઈને મલકે છે
કવિતાને જન્મ આપે છે
ન જોનારને કલ્પના આપે છે
જોનારને બતાવે છે કે
ઝાકળ
કેવી રીતે ઝીલાય
પાંદડીના ખોબામાં
મસ્તીથી ડોલીને 
હવાને આકાર આપે છે
– આવું તો ઘણું ઘણું કહેવું છે
પણ મુશ્કેલી એ છે કે
તે હજી ડાળ પર છે …

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ

ભરત મહેતા|Opinion - Opinion|14 May 2021

હાલમાં દેશમાં આસામ, તામિલનાડુ, કેરળ અને બંગાળ એમ ચાર રાજ્યોમાં ચૂંટણી થઈ, પરંતુ નરેન્દ્ર મોદીને તો જાણે બંગાળ જ સર કરવું હોય એમ દિલ્હી-કોલકાતા વિમાનની ઊડાઊડ ચાલી! સામે મમતાની વ્હિલચૅરની હરીફાઈ : પરિણામ આવતાં જ સસલા-કાચબાની વાર્તા યાદ આવી ગઈ !

પરિણામો આગોતરાં જાહેર કરનાર તમામેતમામ ખોટાં ઠર્યાં. કોરોનાકાળમાં આ ચૂંટણી એક રાષ્ટ્રીય ઉત્સવ બની ચૂકી હતી. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનની ગરિમા બાજુએ મૂકીને અઢાર રેલીઓ કરીને, રણશિંગુ ફૂંકીને એક યુદ્ધનું એલાન કર્યું હોય એવો માહોલ હતો. રાજ્યની ચૂંટણી રાષ્ટ્રીય ચૂંટણીમાં પરિવર્તિર્ત થઈ ચૂકી હતી. આખી કૅબિનેટ, ઢગલો સાંસદ, ભા.જ.પ.ના મુખ્ય મંત્રીઓ અને સેંકડો કાર્યકરોએ બંગાળ ઘમરોળી નાખ્યું હતું. શુભેન્દુ જેવા ઘણા વિપક્ષી નેતાઓને ભા.જ.પ.માં સામેલ કરવા ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં નહોતો કર્યો એટલો સાતથી આઠ હજાર કરોડનો ખર્ચ કર્યો. ચૂંટણી આયોગને ય આગોતરું કામે લગાડ્યું હતું. લોકસભામાં ઈ.સ. ૨૦૧૯માં જે વિસ્તારોમાંથી ભા.જ.પ. ચૂંટાયેલું ત્યાની ચૂંટણી પહેલા યોજવાની. ટી.એમ.સી. પ્રભાવિત જિલ્લાઓને બે-ત્રણ-ચાર ભાગમાં વિભાજિત કરી નાખવાના, ચૂંટણી આઠ તબક્કામાં જેવા નાના-મોટા ખેલ પણ પડ્યા, છતાં ય પરિણામ ન મળ્યું.

બસોથી વધુ બેઠકોનો હુંકાર અમિત શાહે કરેલો એ તો ક્યાં ય દૂર રહી ગયો. રાષ્ટ્રીય ચૂંટણીમાં સેનાસમેત પધારેલ રાષ્ટ્રીય નાયકે દીદી … ઓ … દીદીનો વરવો અભિનય કરેલો. ‘અમે હાથપગ ચલાવીશું તો બૅન્ડેજ પણ ઓછાં પડશે’ … જેવી દિલીપ ઘોષની કે ‘બીજી મે પછી ટી.એમ.સી.ના કાર્યકરોએ જાનની ભીખ માંગવી પડશે,’ એવી યોગીજીની ધમકીઓ. આમ સામ, દામ, દંડ, ભેદ બધું ય ચાલ્યું, છતાં ય ભા.જ.પ.ને લોકસભા કરતાં ૩% વોટ ઓછા મળ્યા. લોકસભામાં ૪૧% મળ્યાં હતા. આ વખતે ૩૮% જ મળ્યા.

મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ એનાં કારણો અને એની આગામી અસરો ખૂબ જ મહત્ત્વની બની રહેવાની. ચારમાંથી ત્રણ રાજ્યોમાં સમાંતરે મોદી બ્રાંડ રાજનીતિનો પરાભવ થયો. તરત જ ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં પણ એનો પ્રભાવ દેખાય છે. મોદી બ્રાંડ રાજનીતિની લોકપ્રિયતામાં આવેલી ઓટનું આ સીધું પરિણામ છે. જે લોકસભાના વિસ્તારો ભા.જ.પે. જીતેલા એ વિસ્તારોમાંથી ૧૨૨ ધારાસભ્યો જીતવા જોઈએ. જેમાંથી પચાસ જેટલા ઓછા છે, તેથી એવું આશ્વાસન લેવાનું કે અમે ત્રણમાંથી આટલે પહોંચ્યા એ મન મનાવવાની વાત છે, તોતિંગ ભીડ મતમાં પરિવર્તિત ન થઈ.

બંગાળ જ મોદીજીની ચિંતાનું કારણ કેમ હતું એ સમજી શકાય તેમ છે. બંગાળ રાજા રામમોહનરૉયથી આજ લગી સર્વધર્મસમભાવની નીતિવાળું છે. એ જીતી બહુસંખ્યક રાજનીતિનો દબદબો કરવાનો મોદીજીનો મનોરથ હતો. એમની લડાઈ મમતા સામે નહીં, વિકાસ માટે નહીં, પણ પરિવર્તન માટે હતી. પરિવર્તન એટલે સર્વધર્મસમભાવમાંથી બહુસંખ્યક રાજનીતિનું પરિવર્તન, પણ ધ્રુવીકરણની લડાઈ પ્રજામિજાજને અનુકૂળ ન આવી. હિંદુબહુલ વિસ્તારમાંથી ટી.એમ.સી.ને ખૂબ મત મળ્યા છે; મુસ્લિમોના વોટ ઓવૈસીને, કૉંગ્રેસને નથી મળ્યાઃ આ પરિવર્તન થયું. ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર માટે જરૂરી પરિણામ આવ્યું.

મમતાને અગાઉ વિધાનસભામાં કે લોકસભામાં ન મળ્યા હોય એટલા મત મળ્યા ! એનો અર્થ એ થાય કે શાહીનબાગ અને કિસાનઆંદોલને ઊભી કરેલી હવા એમને ફળી. ૬૨% મત ભા.જ.પ.વિરોધમાં પડ્યા છે. જો રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યથી રાજ્યની ચૂંટણીને જોઈએ તો વિપક્ષને આટલા બધા મત મળવા એ રાષ્ટ્રીય નાયકનો પરાભવ છે. સ્થાનિક અસ્મિતા અને હિંદુત્વનું  રંગીન શરબત ત્રિપુરાને માફક આવી ગયું અને ડાબેરી સરકાર ગઈ હતી. અહીં પણ એ જ નીતિ અખત્યાર થઈ. બંગાળમાં એક કરોડ લોકો હિન્દીભાષી છે. આ હિન્દીભાષી લોકોને બંગાળના નવજાગરણનો એટલો પરિચય નથી, તેથી એ સાંપ્રદાયિક સૂત્રોચ્ચારમાં ફસાઈ જાય પણ ખરા. તેથી ‘જય શ્રીરામ’નું ચાલ્યું. ‘જય શ્રીરામ’ અવશ્ય બોલવું જોઈએ. મંદિરમાં જઈ બોલો, ધર્મનું સંમેલન હોય ત્યાં બોલો, જ્યાં હનુમાનચાલીસા કે રામાયણનો પાઠ ચાલે ત્યાં બોલો, પણ ચૂંટણીની સભામાં ‘જય શ્રીરામ’? આ તો લોકતંત્રમાં સંવિધાનને બાજુએ મૂકીને ધર્મને કેન્દ્રમાં મૂકવાની જ મોદી બ્રાંડ રાજનીતિ થઈ. જો ધર્મ આટલો જ પ્રિય હોય તો સંત બની જાવ, સંકીર્તન કરો. રાજનીતિને પ્રદૂષિત ન કરો. ‘કસમ રામ કી ખાતે હૈં, વિધાનસભા હમ બનાયેંગે’ … આવાં સૂત્રો આ પ્રદૂષણનો જ ભાગ છે. ‘હિન્દુ હિન્દુ ભાઈભાઈ, દૂસરી જાતિ કહાઁ સે આઈ?’ જેવા સૂત્રોચ્ચાર માટે ચૂંટણીઆયોગે હરફ સરખો ય ઉચ્ચાર્યો નથી.

મોદી બ્રાંડ રાજનીતિમાં ધર્મ રાજનીતિથી મોટો છે, તેથી કોરોના ગમે તેટલો વકરે પણ કુંભનો મેળો તો થવો જ જોઈએ. ધર્મનિરપેક્ષતા વિરુદ્ધ બહુસંખ્યક સાંપ્રદાયિક રાજનીતિમાં આ ધર્મનિરપેક્ષતાનો વિજય છે બંગાળનું પરિણામ. અહીં મમતાનો વિજય મહત્ત્વનો નથી, કૉંગ્રેસ-ડાબેરીની હાર મહત્ત્વની નથી. મોદી બ્રાંડની ‘મિશન બંગાલ’ની રાજનીતિનો પરાભવ મહત્ત્વનો છે. ભા.જ.પે., ભા.જ.પ.માં ભળી ગયેલાએ આ મોદીબ્રાંડમાંથી બહાર નીકળવું જરૂરી છે. કિસાન-આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે બંગાળની ચૂંટણી ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, મોદી સરકાર કોરોનામાં સરિયામ નિષ્ફળ ગઈ છે ત્યારે બંગાળની ચૂંટણી ખુદ ભા.જ.પ.ને પુનઃ વિચાર કરવાની તક આપે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 06

Loading

...102030...1,8951,8961,8971,898...1,9101,9201,930...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved