Opinion Magazine
Number of visits: 9571874
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધૂંધળા કેડા પર મશાલ લઈને ઊભો છું : વિપુલ કલ્યાણી

સોનલ પરીખ|Diaspora - Features|16 May 2021

‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકોને ‘લંડન કૉલિંગ’ કૉલમ અને એના લેખક વિપુલ કલ્યાણી જરૂર યાદ હશે. ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર અને યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ વિપુલભાઈ બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર જાણે ભેખ લીધો હોય એમ સતત કાર્યશીલ રહ્યા છે. માત્ર મહેફિલો-મુશાયરા નહીં, બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે, શિક્ષકો અને પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં-કરાવ્યાં છે અને ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિપુલભાઈએ બ્રિટનમાં રહીને ગુજરાતી ભાષામાં ચલાવેલા ‘ઓપિનિયન’ સામયિકને પચીસ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે પ્રસ્તુત છે ‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકો માટે લીધેલી તેમની ખાસ મુલાકાતની ખાસ ખાસ વાતો.

••••••

‘હું જન્મ્યો આફ્રિકામાં. મોટો થયો ઢેબરભાઈવાળા ગુજરાતમાં અને ગાંધી-વિનોબાના ભારતમાં. ભણ્યો મુંબઈની વિલ્સન કૉલેજમાં. યુનિવર્સિટીમાં એમ.એ. કરતો ત્યારે ઉષાબહેન મહેતા અને આલુબહેન દસ્તૂર મારાં શિક્ષકો હતાં. મણિભવન, ભારતીય વિદ્યાભવન અને ફાર્બસમાં અવરજવર. ચોપાટીની જાહેરસભાઓ, બેઠકોમાં જાઉં. રાજાજી જોડે સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાનસાહેબને લેવા એરપોર્ટ પણ ગયો હતો. 60-70ના એ દાયકાઓ કોઈ પણ મુંબઈગરા માટે ગોલ્ડન પિરિયડ સમા હતા. મોટા પત્રકારો-તંત્રીઓ-લેખકો અને દિગ્ગજ નેતાઓ ત્યારે પાક્યા હતા. એમાં પાછી કૉલેજમાં મને પ્રખર સ્વાતંત્ર્યસૈનિકની દીકરી કુંજ મળી ને અમે પરણ્યાં. આમ મનની માટી એવી તૈયાર થતી આવી કે કંઈ ન નીપજે તો જ નવાઈ.’

‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકો માટે વિપુલ કલ્યાણી અને એમની કલમ અજાણ્યા નથી. આ પૃષ્ઠો પર પ્રગટ થયેલી એમની કૉલમ ‘લંડન કૉલિંગ’ આપણે માણી છે. ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર અને યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ વિપુલભાઈ બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર જાણે ભેખ લીધો હોય એમ સતત કાર્યશીલ રહ્યા છે. માત્ર મહેફિલો-મુશાયરા નહીં, બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે, પાઠ્યપુસ્તકો અને શિક્ષકો તૈયાર કરાવ્યા છે અને ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિપુલભાઈએ બ્રિટનમાં રહીને ગુજરાતી ભાષામાં ચલાવેલા ‘ઓપિનિયન’ સામયિકને પચીસ વર્ષ પૂરાં થયા. એ નિમિત્તે પ્રસ્તુત છે ‘જન્મભૂમિ પ્રવાસીના વાચકો’ માટે લીધેલી તેમની ખાસ મુલાકાતની ખાસ ખાસ વાતો.

1975માં કટોકટી આવી ત્યારે વિપુલભાઈ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પત્રકાર હતા. બ્રિટિશ પાસપોર્ટ તો હતો જ. તેઓ લંડન ચાલ્યા ગયા અને ત્યાં જ સ્થાયી તયા. બ્રિટનમાં અંગ્રેજી ભાષાનું અને યુરોપના બીજા દેશોમાં જે તે દેશની ભાષાનું સામ્રાજ્ય. આ દેશોમાં વસતા ગુજરાતીઓમાં ગુજરાતી ભાષા પ્રત્યેની સમજણ અને લગાવ આવે તેવો ત્યારથી જ વિપુલભાઈનો પ્રયત્ન રહ્યો. એ પહેલા છૂટાંછવાયાં કામો અને પ્રવૃત્તિ થતાં. સામયિકો, કાર્યક્રમો, કવિઓ, લેખકો અને લહિયાઓ, ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો બધું ખરું, પણ એકવાક્યતા નહીં. તેથી ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓ તેમ જ પ્રવૃત્તિઓને વેગ આપવા, ગુજરાતી ભાષાની અસ્મિતાનો વિકાસ કરવા અને ગુજરાતી સંસ્કૃતિનો પ્રસાર-પ્રચાર કરવા 1977માં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના કરવામાં આવી.’ અકાદમીનું મહામંત્રીપદ વિપુલભાઈએ 1978ના અરસામાં 37 વર્ષની ઉંમરે સંભાળ્યું અને સન 2010ના માર્ચ અંતે સિત્તેરની ઉંમરે નિવૃત્ત તે પદેથી થયા.

અકાદમીના ઉપક્રમે નવ ‘ભાષા-સાહિત્ય પરિષદો’ યોજાઈ. મુશાયરા, નાટક, કૃતિવાંચનસભા, વગેરે પણ યોજાતાં રહ્યાં. છ પાઠ્યપુસ્તકો મુંબઈસ્થિત ‘નવભારત સાહિત્ય મંદિરે’ પ્રકાશિત કરેલાં. ‘આચમન’ નામે ડાયસ્પોરિક સાહિત્યસંગ્રહની ચોપડી થઈ. મર્યાદિત અને સીમિત સહકાર સતત મળતો રહ્યો. અકાદમી, અકાદમીની પ્રવૃત્તિ તેમ જ વ્યક્તિ તરીકે વિપુલભાઈ અરસપરસ રસાયાં, સમૃદ્ધ બન્યાં અને વિકસ્યાં.

‘ઓપિનિયન’ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પત્રકાર-લેખકના જીવને આંદોલન માટે કોઈક પત્રિકા તો જોઈએ. પત્રિકા વગર લોકઘડતરનું કામ થઈ શકે નહીં. ચારે તરફ ફેલાયેલા ગુજરાતીઓ માટે એક પ્લેટફોર્મ પણ ઊભું કરવું હતું. એટલે ૧૯૯૫માં ‘ઓપિનિયન’ શરૂ કર્યું. એ અંગે મારે બે વ્યક્તિઓનાં પ્રદાનને ખાસ યાદ કરવું જોઈએ. પછીતે રહીને સૌથી મોટો ભોગ કુંજે આપ્યો છે. ઘરખટલાથી મને બને તેટલો મુક્ત રાખે. ઉપરાંત લેખો જુવે-વાંચે, ટીકા પણ કરે, સમજણ પણ આપે. એનું વાંચન મારા કરતાં પણ અગાધ અને સમજણવાળું છે. બીજા મારા મિત્ર રમણભાઈ ડી. પટેલે ‘ઓપિનિયન’ને ઊભું કરવા માટે તન-મન-ધનથી જહેમત ઉઠાવી. ‘ઓપિનિયન’ નામ સૂચવે છે તેમ તેમાં અભિપ્રાય, મત, વિચાર વગેરેને સ્થાન હતું. પણ ‘ઓપિનિયન’નો વિશાળ અર્થ પ્રગટ કરે તેવો ગુજરાતી પર્યાય મળ્યો નહીં તેથી એ જ નામ રાખ્યું. ઉપરાંત મહાત્મા ગાંધીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ તો ખરું જ, પણ અમારા ટાન્ઝાનિયાના ઝાંઝીબારમાં વર્ષો પહેલાં ‘જંગબાર ઓપીનિયન’ શરૂ થયેલું અને હું વિલ્સન કૉલેજમાં મુંબઈ ભણતો ત્યારે ત્યાં એ.ડી. ગોરવાલા નામના એક આઈ.સી.એસ. ઓફિસરે નિવૃત્ત થયા પછી ‘ઓપીનિયન’ નામની પત્રિકા બહાર પડેલી. એ પોતે બહાર નીકળીને લોકોને વહેંચતા, અને એમાં મુખ્ય પ્રવાહનાં છાપાંઓ અને સામયિકો લેતાં ડરે એવી સામગ્રી મૂકતા. ‘ઓપિનિયન’ નામ પાછળ આ ત્રણનો પ્રભાવ પણ ખરો. ‘ઓપિનિયન’માં ગુજરાતી ડાયસ્પોરાના પ્રશ્નોની રજૂઆત કરતાં લેખો, કાવ્યો વગેરે બધું જ આપી શકાયું છે, અને એને આધારે કેટકેટલાં પુસ્તકો પણ થયાં છે. સંઘર્ષ તો આવે. હિતો પણ ટકરાય. પણ ટટ્ટાર ઊભા રહેવાનું – સ્વાન્તસુખાય.’

‘શરૂઆતનાં પંદર વર્ષ તો એ મુદ્રિત સ્વરૂપે આવતું. એ વખતે લેખો પસંદ કરવાના, ટાઈપ કરવાના, પ્રિન્ટ કાઢવાની, પાનાં બાંધવાનાં, અંકો પોસ્ટ કરવાના બધું ઘરમાં જ, એકલે હાથે કરતો. સવારે 3-4 વાગ્યે ઊઠું ને કામે વળગું. સામગ્રી માનવધર્મને સંકોરે ને છેવાડાના માણસનું હિત ચિંતવે એવી પસંદ કરું. પછીનાં ત્રણ વર્ષ ડિજિટલ સ્વરૂપે પી.ડી.એફ.માં આવ્યું અને એ વર્ષોમાં વેબસાઈટ ઉપર ગયું છે. રોજેરોજ કંઈક નવી સામગ્રી એની વેબસાઈટ ઉપર મૂકાતી આવે છે. 76 લાખથી વધારે વિઝિટર્સ થયા છે. એના વાચકો માત્ર યુનાઈટેડ કિંગ્ડમ અને ભારતમાં નથી, પણ નાના નાના દેશોમાં પણ એના વાચકો છે. પાકિસ્તાનના મિત્રો પણ ‘ઓપિનિયન’ જોતા હોય છે.’

પચીસ વર્ષ પૂરા કરવાની ઘટના માટે વિપુલભાઈએ ‘રજત રાણે ઓપિનિયન’ એવા શબ્દો યોજ્યા છે, ‘રજતને પચીસ વર્ષની વાત સાથે સાંકળું, અને રા’ણનું બહુ સરસ મજાનું વૃક્ષ અને રાયણનાં મીઠાં, મજેદાર ફળ. તો એને છાંયડે બેસીને એક પડાવ કર્યો છે. શરૂ કર્યું ત્યારે કુંજની દસ વર્ષની મર્યાદા હતી, મારી પંદર વર્ષની હતી, એ વધીને આજે પચીસે પહોંચાયું છે. આ છવીસમું વર્ષ છે. મને ખબર નથી કે હવે કેટલું લાંબુ ખેંચી શકાશે.

અકાદમી અને ડાયાસ્પોરા લેખકો વિશે તેઓ કહે છે. ‘અકાદમીએ નક્કર કાર્યો ઘણાં કર્યાં છે. પણ બ્રિટનમાં આજે ગુજરાતી ભાષા એવી જગ્યાએ ઊભી છે જ્યાંથી કેડો ધૂંધળો થતો લાગે છે. યુરોપ અને અમેરિકામાં ગુજરાતી ભાષાનો સૂર્ય હળવે હળવે આથમતો જવાનો છે તે વાત નક્કી. ગુજરાતી ડાયસ્પોરાના બંકાઓ પોતાની કલમ સતત ઘસ્યા કરે; વિવેક, ધૈર્ય, લગની અને અવિરત પ્રયાસ કર્યા કરે તો તે લેખક, કવિ થાય ખરા. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પબળ હોય, અભ્યાસ અને અધ્યાસ પણ હોય તો તે સાહિત્યકાર પણ બની જાય અને પછી તળને અને બૃહદ્દને ઝળાંહળાં કરી જાય તેમ બને.’

વર્તમાન પરિસ્થિતિ વિશે તેઓ ખેદપૂર્વક કહે છે, ‘હવે ધોરણો કથળી ગયાં છે. આપણે કથળવા દીધાં છે. ધનની, સત્તાની છડેચોક પૂજા થાય છે. ગાંધીજી પૂરા વિવેકથી વર્તતા ને સત્તાને, શોષણને પડકારતા એ તાકાત રહી નથી. જાતને પૂછવાની જરૂર છે કે ક્યાં શું ચૂક્યા છીએ.’

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પ્રકાશ ન. શાહ ચૂંટાયા એ પછીની સભામાં વિપુલભાઈએ જે કહ્યું તેમાં ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા-સાહિત્ય તરફની એમની વ્યાપક ખેવના દેખાય છે : ‘આપણા પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતા અને કનૈયાલાલ માણેકલાલ મુનશી કહેતા તેમ પરિષદે ગુજરાતના અને ભારતના સીમાડાઓ ઓળંગવા જોઈશે. અમે બ્રિટનમાં નક્કર કામ કર્યું છે. અન્ય દેશોએ સરસ ગુજરાતી કવિલેખકો આપ્યાં છે, તે દરેકને ગુજરાતી સાહિત્ય પરિષદે પોતાના કેન્દ્રવર્તી દાયરામાં સક્રિયપણે દાખલ કરવા જ રહ્યાં. ગુજરાતનાં ગામોથી માંડી દુનિયાના ખંડે ખંડે વિસ્તરેલી ગુજરાતી જમાત પરાયી નહીં રહેવી જોઈએ. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં મહાત્મા ગાંધીએ કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો’, આમ કહી વિપુલભાઈએ એક સદી પહેલાનું પણ અર્થદૃષ્ટિએ તાજુંમાજું એ પ્રસિદ્ધ અને પ્રેરણાદાયક ગાંધી-અવતરણ ટાંક્યું હતું, ‘મારું ઘર બધી બાજુએ દીવાલોથી ઘેરાયેલું રહે અને એનાં બારીબારણાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’

જીવનના આ તબક્કે વિપુલભાઈ શું અનુભવે છે? ‘મને જીવાડ્યો છે ગાંધી-વિનોબા-જયપ્રકાશની અને લિંકન-મંડેલા-જૉન સ્ટુઅર્ટ આ બધાની પેઢીએ. આંખ મિંચાય ત્યારે મારી ફરજ ચૂક્યો નથી એવો સંતોષ લઈને જઈશ. કંઈક સારું કામ કરી શક્યાનો આંનદ ખૂબ માણ્યો છે ને એને કારણે કેટકેટલાં મિત્રો અને એમનો સ્નેહ મળ્યા છે. વધારે શું જોઈએ?’ 

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ,“જન્મભૂમિ – પ્રવાસી”, 16 મે 2021

Loading

ભારતની કોવિડ-૧૯ કટોકટી

ધ લાન્સેટ|Opinion - Opinion|16 May 2021

ભારતનાં પીડાનાં દૃશ્યોનો તાગ મેળવવાનું કઠણ છે. રોજના લગભગ ૩.૭૪ લાખ કેસની સરેરાશથી, મે ૪ સુધીમાં કોવિડ-૧૯ના ૨.૦૨ કરોડ કેસ નોંધાયા છે. મૃત્યુઆંક છે ૨.૨૨ લાખ (બે લાખ બાવીસ હજાર), જે નિષ્ણાતોના મતે વાસ્તવિક આંકડા કરતાં ઘણો ઓછો હોઈ શકે છે. હૉસ્પિટલો ઉભરાયેલી છે, આરોગ્યકર્મીઓ નીચોવાઈ ગયા છે અને ચેપગ્રસ્ત બની રહ્યા છે. મેડિકલ ઑક્સિજન, બેડ અને બીજી જરૂરિયાતો માટે ડૉક્ટરોની તેમ જ સામાન્ય લોકોની અપીલોથી સોશિયલ મીડિયા ભરચક છે. છતાં, માર્ચ(૨૦૨૧)ના આરંભે કોવિડ-૧૯નું બીજું મોજું આવ્યું, તે પહેલાં ભારતના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જાહેર કર્યું હતું  કે ભારતમાં મહામારીનો ખેલ ખતમ થવામાં છે. વાઇરસનાં સ્વરૂપાંતરોની અને બીજા મોજાના ખતરાની વારંવાર અપાયેલી ચેતવણીઓ છતાં, ભારત સરકાર તરફથી એવી જ છાપ ઊભી કરવામાં આવી કે મહિનાઓથી સતત ઘટતા કેસોના પગલે ભારતે કોવિડ-૧૯ને હરાવી દીધો છે. આંકડાકીય મૉડેલો દ્વારા ખોટી રીતે એવું સૂચવાયું કે ભારત હર્ડઇમ્યુનિટીના તબક્કે પહોંચી ગયું છે. તેના કારણે ગાફેલિયતને પ્રોત્સાહન મળ્યું અને તૈયારીનું કામ ઢીલું પડ્યું. પરંતુ જાન્યુઆરીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સીરોસર્વેમાં જણાયું હતું કે વસ્તીના માત્ર ૨૧ ટકા લોકોમાં SARS-CoV-2નાં પ્રતિરોધક દ્રવ્યો હતાં. તે વખતે વડા પ્રધાન મોદીની સરકાર મહામારી પર કાબૂ મેળવવાને બદલે ટિ્‌વટર પરથી ટીકાઓ દૂર કરવા માટે વધારે ઉત્સુક જણાતી હતી.

મોટા પાયે ચેપ ફેલાવનારાં સુપરસ્પ્રેડર આયોજનો અંગે ચેતવણીઓ છતાં, સરકારે બેરોકટોક ધાર્મિક ઉત્સવો થવા દીધા, જેમાં દેશભરમાંથી લાખો લોકોએ ભાગ લીધો. વિશાળ રાજકીય રેલીઓ યોજાવા દીધી, જેમાં કોવિડ-૧૯નો ફેલાવો અટકાવવા માટેની કશી વ્યવસ્થા ન હતી અને તે ઊડીને આંખે વળગે એવું હતું. કોવિડ-૧૯નો છેડો આવી ગયો છે, એવા સંદેશને કારણે ભારતમાં કોવિડ-૧૯ની રસીકરણ ઝુંબેશની શરૂઆત ધીમી થઈ. બે ટકાથી પણ ઓછી વસ્તીને રસી મળી છે. કેન્દ્રના સ્તરે ભારતનો રસીકરણ-કાર્યક્રમ વેરવિખેર થઈ ગયો. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે વાતચીત કરવાને બદલે ઓચિંતો પાટો બદલ્યો અને ૧૮ વર્ષથી ઉપરના સૌ કોઈ રસી મેળવી શકશે, એવું જાહેર કરી દીધું. તેના કારણે રસીના જથ્થાની ઘટ પડતાં ભારે ગૂંચવાડો સર્જાયો અને રસીનું એવું બજાર ઊભું થયું, જેમાં રાજ્યો અને હૉસ્પિટલો રસી માટે સ્પર્ધામાં ઊતર્યાં.

કટોકટી બધે એકસરખી નથી. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યો કેસમાં ઓચિંતા ઉછાળા માટે તૈયાર ન હતાં. ત્યાં જોતજોતાંમાં મેડિકલ ઑક્સિજન ખાલી થઈ ગયો, બેડ ખૂટી પડ્યા, સ્મશાનોની ક્ષમતાનો છેડો આવી ગયો. કેટલીક રાજ્ય સરકારોએ ઑક્સિજન કે બેડની માગણી કરનારા સામે રાષ્ટ્રીય સુરક્ષાને લગતા કાયદા લાગુ પાડવાની ધમકી આપી. કેરળ અને ઓડિશા જેવાં રાજ્યો પ્રમાણમાં વધુ તૈયારી ધરાવતાં હતાં. એટલે બીજા મોજા વખતે તે બીજાં રાજ્યોમાં મોકલી શકે એટલી માત્રામાં ઑક્સિજનનું ઉત્પાદન કરી શક્યાં.

ભારતે હવે બેપાંખિયો વ્યૂહ અપનાવવાનો રહે છે : પહેલાં તો ખોટકાયેલા રસીકરણ-કાર્યક્રમને વ્યવસ્થિત સ્વરૂપ આપીને યથા યોગ્ય ઝડપે તેને શરૂ કરવો. આ કામમાં તત્કાળ બે અડચણો છે : રસીનો જથ્થો વધારવો (તેમાંથી કેટલોક જથ્થો પરદેશથી આવવો જોઈએ) અને વિતરણની એવી વ્યવસ્થા ગોઠવવી કે જે ફક્ત શહેરી જ નહીં, ગ્રામીણ અને ગરીબ નાગરિકોને પણ આવરી લે. ભારતની વસ્તીમાં તેમનો હિસ્સો ૬૫ ટકાથી વધારે (૮૦ કરોડથી વધારે) છે, પણ તે વર્ગ જાહેર આરોગ્ય અને પ્રાથમિક સારવારની સુવિધાઓની તીવ્ર અછત વેઠે છે. સરકારે સ્થાનિક અને પ્રાથમિક આરોગ્યકેન્દ્રો સાથે કામ કરવું જોઈએ, જે સ્થાનિક લોકસમુદાયને બરાબર જાણતા હોય અને જે રસીના વિતરણની સમાનતાપૂર્ણ વ્યવસ્થા ગોઠવી શકે.

બીજું, વૅક્સિન આવે ત્યાં સુધી ભારતે SARS-CoV-2નો ફેલાવો શક્ય હોય એટલો અટકાવવો પડશે. કેસ આવતા જાય તેમ સરકારે સમયસર રીતે ચોકસાઈપૂર્વકની માહિતી જાહેર કરવી જોઈએ. શું થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર તરફથી લૉકડાઉન જાહેર કરવાની સંભાવના સહિત, કોવિડનો ચડતો આલેખ સપાટ કરવા માટે બીજું શું કરવું પડશે, તે લોકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવવું જોઈએ. SARS-CoV-2નાં નવાં અને વધુ ચેપી સ્વરૂપાંતરોનું પગેરું દાબવા માટે, તેમની સમજ મેળવવા માટે અને તેમની પર કાબૂ મેળવવા માટે જિનોમ સિક્વન્સિંગનો – વાઇરસના બંધારણના અભ્યાસનો – વિસ્તાર થવો જોઈએ. સ્થાનિક સરકારોએ રોગનો ફેલાવો અટકાવવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે, પરંતુ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સમૂહમિલનો પર બંધી, સ્વૈચ્છિક રીતે ક્વૉરન્ટાઈન રહેવું અને ટેસ્ટ કરાવવા જેવી બાબતો લોકોને સમજાવવામાં કેન્દ્ર સરકારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. કટોકટી દરમિયાન ટીકાને અને મુક્ત ચર્ચાને રૂંધવાના મોદીના પ્રયાસો કોઈ રીતે વાજબી ઠરાવી શકાય એવા નથી.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૅલ્થ મૅટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યુએશનના અંદાજ પ્રમાણે, ઑગસ્ટ ૧ સુધીમાં ભારતમાં કોવિડ-૧૯ને કારણે થયેલાં મૃત્યુનો આંકડો ૧૦ લાખે પહોંચશે. જો આવું થશે તો પોતાના રાજમાં જાતે વહોરી લીધેલી આ આફત માટે મોદી સરકાર જવાબદાર હશે. શરૂઆતના તબક્કે કોવિડ-૧૯ પર કાબૂ મેળવવામાં હાંસલ થયેલી સફળતા ભારતે વેડફી નાખી. એપ્રિલ (૨૦૨૧) આવ્યો, ત્યાં સુધી તો સરકારના કોવિડ-૧૯ ટાસ્કફોર્સની મહિનાઓથી મિટિંગ પણ મળી ન હતી. તેનાં પરિણામ આપણી સામે ઉઘાડાં છે. કટોકટી કારમી છે ત્યારે ભારતે નવેસરના આયોજન સાથે તેનો મુકાબલો કરવો પડશે. આ પ્રયાસોની સફળતાનો આધાર પોતાની ભૂલોનો સ્વીકાર કરી શકતી સરકાર પર, જવાબદાર અને પારદર્શક નેતૃત્વ પૂરું પાડવા પર તથા જેના કેન્દ્ર સ્થાને વિજ્ઞાન હોય એવાં જાહેર આરોગ્યને લગતાં પગલાં લેવા પર રહેશે.

(સુપ્રતિષ્ઠ મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’ના મે ૮, ૨૦૨૧ના અંકનો તંત્રીલેખ, અનુવાદ : ઉર્વીશ કોઠારી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 03

Loading

ભાઈ બુન

ભરત મહેતા|Poetry|15 May 2021

કહે છે કે કોરોના
ગંધ અને સ્વાદ વગરનાં કરી મેલે છે!

કહે છે કે કોરોના
નિશાળ કૉલેજ કારખાનાંને ખંડેર કરી મેલે છે!

કહે છે કે કોરોના
લેવા નથી દેતો શ્વાસ, કરાવે છે મોતનો ભાસ!

કહે છે કે કોરોના
ને પરવડતું નથી કોઈ કોઈને ભેટી ભેટીને કરે વ્હાલ!

કહે છે કે કોરાના
નામશેષ કરવા ફાંફાં મારી રહ્યાં છે સહુ કોઈ!

છતાં મારો રાષ્ટ્રવેપારી તાનાશાહ
ઝૂમી રહ્યો છે દીદી ઓ દીદી ગાતો ચૂંટણીઓની સભાઓમાં!
લાશો ભરી, સાયરન વગાડતી, ભાગતી, ઍમ્બ્યુલન્સને જોઈ
એ કરી દે છે કુંભમેળામાં શ્રાદ્ધનું સ્નાન!
તાળી થાળી ને ઘંટ વગાડતો મચી પડ્યો છે રામમંદિરમાં!

તાબડતોબ એક દંતકથા વહેતી થઈ છે
કહે છે કે કોરોના
ને તાનાશાહ માજણ્યાં ભાઈ બુન છે!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 15

Loading

...102030...1,8921,8931,8941,895...1,9001,9101,920...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved