Opinion Magazine
Number of visits: 9677604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જી-૭ [G-7], કૉર્નવૉલ, યુ.કે. ૨૦૨૧ : ઓપન સોસાયટીઝ સ્ટેટમૅન્ટ

°°°, °°°, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|16 June 2021

અમે, યુનાઈટૅડ કિંગ્ડમ, ઑસ્ટ્રેલિયા, કૅનૅડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, ભારત, જાપાન, ધ રિપબ્લિક ઑફ કોરિયા, સાઉથ આફ્રિકા, ધ યુનાઈટૅડ સ્ટેટ્સ ઑફ અમૅરિકા અને યુરોપિયન યુનિયન, તમામ માટે સન્માન, તક અને સમૃદ્ધિના પાયા તરીકે મોકળા સમાજો (ઓપન સોસાયટીઝ), લોકતાંત્રિક મૂલ્યો અને બહુપક્ષિયતામાં અમારા સહિયારા વિશ્વાસની અને આપણા ગ્રહ પ્રત્યે જવાબદારીપૂર્ણ કારભાર સંભાળવાની નેમની પુન: પુષ્ટિ કરીએ છીએ. લોકશાહીમાં જીવતી વિશ્વની અડધીથી વધુ વસ્તીના નેતાઓ તરીકે અમે માનીએ છીએ કે આંતર-રાષ્ટ્રીય નિયમો અને ધોરણો માટેના આદર સહિત આપણને એકબીજા સાથે જોડતાં મૂલ્યોની પુન: પુષ્ટિ કરવી અને અન્યોને એ મૂલ્યો અપનાવવાં પ્રોત્સાહિત કરવા અનિવાર્ય છે, જેનો સંદર્ભ નીચે મુજબ છે :

• યુનિવર્સલ ડૅક્લરેશન ઑફ હ્યુમન રાઈટ્સ અને અન્ય હ્યુમન રાઈટ્સ સાધનોમાં નોંધાયેલા નિયમો મુજબ સૌ માટે ઑનલાઈન અને ઑફલાઈન એમ બન્ને માધ્યમો સંદર્ભે માનવ હક તથા કોઈ પણ પ્રકારના ભેદભાવનો વિરોધ જેથી સૌ કોઈ સમાજમાં સંપૂર્ણ અને સમાન રીતે હિસ્સો લઈ શકે;

• લોકશાહી, જેમાં દરેક નાગરિકને નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીમાં મત આપવાનો અધિકાર અને ઉત્તરદાયી અને પારદર્શક શાસન મધ્યે શાંતિપૂર્ણ રીતે એકઠા, સંગઠિત અને ભળવાના અધિકાર સમાવિષ્ટ હોય;

• તમામ માટે સામાજિક સમાવેશ, સુદૃઢતા અને સમાન તક જેમાં ડિજીટલ સમાવેશ અને ભૌતિક તથા ડિજીટલ એમ બન્ને ક્ષેત્રોમાં નાગરિક અને રાજકીય હકનો સંપૂર્ણ અવકાશ;

• કન્યા કેળવણી, જાતિ-લિંગ આધારિત હિંસાને નાબૂદ કરવાની દિશામાં પ્રતિભાવ આપીને અને પગલાં લઈને, મહિલા-કન્યાઓના હકને પ્રોત્સાહન આપીને તથા જાતિય અને પ્રજનન સ્વાસ્થ્યને રક્ષણ પૂરું પાડીને જાતિ-લિંગ સંબંધી સમાનતા કેળવવી અને મહિલાઓ તથા કન્યાઓનું રાજકીય, સામાજિક અને આર્થિક સશક્તિકરણ કરવું;

• અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, ઑનલાઈન અને ઑફલાઈન, એમ બન્ને માધ્યમોમાં, એવું સ્વાતંત્ર્ય જે લોકશાહીનું રક્ષણ કરે છે અને લોકોને ભય અને દમનથી મુક્ત થઈ જીવવામાં મદદ કરે છે;

• કાયદાનું પાલન અને અસરકારક, સ્વતંત્ર તથા નિષ્પક્ષ ન્યાયતંત્ર જે ભ્રષ્ટ પ્રભાવ અથવા શિરજોરીથી મુક્ત હોય જેથી દરેક વ્યક્તિ માટે ન્યાય ઉપલબ્ધ હોય અને નિષ્પક્ષ સુનાવણીથી એને લાભ થાય;

• અસરકારક બહુપક્ષીય તંત્ર જે મોકળાશ, પારદર્શક્તા અને ઉત્તરદાયિત્વના સિદ્ધાંતોના પાયા પર ટકેલું હોય અને જેમાં મુક્ત અને નિષ્પક્ષ નિયમ આધારિત વેપાર તથા કોવિડ-૧૯ સામે રસીકરણ સહિત વૈશ્વિક પડકારો અંગે સૌના હિત વાસ્તે સહયોગ આપવો;

• નાગરિક અવકાશનું મહત્ત્વ અને વૈવિધ્યપૂર્ણ, સ્વતંત્ર અને બહુલતાપૂર્ણ નાગરિક સમાજો સાથે ભાગીદારી જેમાં માનવ હક અને  મૂળભૂત સ્વાતંત્ર્યોને  પ્રોત્સાહન આપતા માનવ અધિકાર સંરક્ષકો સહિત;

આ સંસ્થાપન મૂલ્યો આપણાં જીવનનાં સમાવેષક પદ્ધતિને વ્યાખ્યાયિત કરે છે અને આપણા લોકોને લાભ કરે છે. મૂળભૂત સ્વાતંત્ર્યો લોકોને સશક્ત બનાવે છે અને તક મહત્તમ બનાવવા માટે જરૂરી નવપ્રયોગ તથા કૌશલ્યની પ્રેરણા પૂરી પાડે છે, સહિયારા પડકારોનો મુકાબલો કરે છે અને વિશ્વ માટે પ્રગતિ સાધે છે. મોકળાશ સહયોગને પ્રોત્સાહન પૂરુ પાડે છે જેથી કોઈ પણ રાષ્ટ્ર એકલું હાંસલ કરી શકે એના કરતાં વધુ સારાં પરિણામ મેળવી શકાય છે.

મહામારીમાંથી આપણે પાછા બેઠા થઈ રહ્યા છીએ તે દરમ્યાન આપણે આપણા લોકો માટે વધુ સારા જીવનની વ્યવસ્થા કરતા રહેવું પડશે જેમાં કોઈની બાદબાકી કરવામાં ના આવે. આપણે ખૂબ જ નિર્ણાયક તબક્કે ઊભા છીએ જ્યાં વધતી જતી સરમુખત્યારશાહી, મતાધિકાર સંબંધી હસ્તક્ષેપ, ભ્રષ્ટાચાર, આર્થિક જબરદસ્તી, માહિતીની જોડતોડ જેમાં ખોટી માહિતી, ઑનલાઈન હાનિ અને સાઈબર હુમલા, રાજકારણ પ્રેરિત ઈન્ટરનૅટ શટડાઉન, માનવ હકોનું ઉલ્લંઘન અને દુરુપયોગ, આતંકવાદ અને હિંસક કટ્ટરવાદને કારણે સ્વાતંત્ર્ય અને લોકશાહી સામે જોખમોનો સામનો કરી રહ્યાં છીએ. વંશવાદ અને જાતિ-લિંગ સમાનતાના પ્રતિરોધ સહિત સતત અસમાનતા અને ભેદભાવને કારણે આપણા સામાજિક પોત સામેની તવાઈઓનો પણ આપણે સામનો કરી રહ્યાં છીએ. આ તવાઈઓ વચ્ચે તમામ માટે સાર્વત્રિક માનવ હકો અને સમાન તકોને વેગ મળે એવા ભવિષ્ય માટે એક મોકળી અને નિયમ આધારિત આંતર-રાષ્ટ્રીય પરિપાટીનું સર્જન કરવા અમે સાથે મળીને કાર્ય કરીશું. આપણા લોકતાંત્રિક તંત્રો મજબૂત અને સ્થિતિસ્થાપક છે પરંતુ આપણે આત્મસંતોષી બનવું ન જોઈએ — આપણી પોતાની નબળાઈઓ તરફ ધ્યાન આપીને અને સહિયારા જોખમો ભણી ધ્યાન આપવાની જરૂર છે. આ ભાવના સાથે અમે એકબીજાને અને ભાગીદારોને સહયોગ આપવા પ્રતિબદ્ધ થઈએ છીએ:

§ નાગરિક અવકાશ અને સમૂહ માધ્યમોનાં સ્વાતંત્ર્યનું રક્ષણ કરીને, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, સભા અને સંગઠનનાં સ્વાતંત્ર્ય, ધર્મ કે આસ્થાના સ્વાતંત્ર્યને પ્રોત્સાહન પૂરું પાડીને અને જાતિવાદ સહિતના ભેદભાવના તમામ પ્રકારો સામે પગલાં લઈને વૈશ્વિક ધોરણે મોકળા સમાજોને મજબૂત બનાવે છે;

§ માનવ હકો, લોકશાહી અને ખોટી માહિતી અને મનસ્વી અટકાયતો જેવાં કાયદા પાલન સામેના જોખમો અંગે માહિતીનું આદાનપ્રદાન ચાલું રાખવું અને અસરકારક પ્રતિભાવોનું સંકલન કરવું અને રૅપિડ રિપૉન્સ મિકૅનિઝમ જેવી સુસંગત ભાગીદારીઓને ઉચિત ઠેરવવી;

§ આર્થિક મોકળાશ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન પૂરુ પાડવું અને મોકળા બજારો, વાજબી સ્પર્ધા અને કાયદા પાલન પર આધારિત આપણા સહિયારા આર્થિક નમૂનાને પુન:વ્યક્ત કરીને તથા વર્લ્ડ ટ્રેડ ઑર્ગનાઈઝેશનમાં સુધારા આણીને આર્થિક જબરદસ્તીનો વિરોધ કરવો;

§ ભ્રષ્ટાચાર અને ગેરકાનૂની આર્થિક વ્યવહારોને અટકાવી અને એ અંગે પગલાં લઈને સત્યનિષ્ઠા, પારદર્શકતા અને ઉત્તરદાયિત્વને પ્રોત્સાહન આપવું;

§ સર્વસામન્યતાને પ્રોત્સાહન પૂરું પાડતાં અને ડિજીટલ નાગરિક અવકાશનું રક્ષણ કરતા આંતર-રાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલા ધોરણો માટે આદરને પ્રોત્સાહિત કરવું જેમાં ક્ષમતા વધારવા મારફતે ખાતરી કરવી કે નવી ટૅકનૉલૉજી આપણાં સહિયારાં મૂલ્યોને પ્રતિબિંબિત કરતી હોય, માનવ હકો અને આંતર-રાષ્ટ્રીય કાનૂનનો આદર કરતી હોય, વૈવિધ્યને પ્રોત્સાહન પૂરું પાડતી હોય અને જાહેર સુરક્ષાના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરતી હોય;

§ જાતિ -લિંગ સંબંધી સમાનતાને, સ્ત્રી સશક્તિકરણને, વૈશ્વિક સુધારામાં મહિલાઓ અને કન્યાઓના માનવ હકો સંપૂર્ણપણે માણી શકાય, સાથોસાથ શારીરિક અક્ષમતાની સર્વસામન્યતા અને શિક્ષણ અને રોજગારમાં યુવાન લોકોને સમાન તકો મળે એ બાબતોને અગ્રીમતા આપવી;

§ પોતાની સંશોધન પારદર્શિતા અને સત્યનિષ્ઠાને વધારવા દરેક રાષ્ટ્રને આહ્વાન દ્વારા વૈશ્વિક પડકારો પ્રત્યેના વિજ્ઞાન આધારિત પ્રતિભાવો અંગે સહયોગ આપવો અને નવપ્રયોગને પ્રોત્સાહન આપવું;

§ ‘ન્યાયી, શાંતિપૂર્ણ અને સર્વસમાવેશક સમાજો પ્રોત્સાહિત’ કરવા અને ૨૦૩૦ના ઍજૅન્ડાને સિદ્ધ કરવામાં વિકાસશીલ દેશોને ટેકો આપવો જેમાં વિકાસ સંબંધી પડકારો માટે મુખ્ય નાણાંકીય જરૂરરિયાતો અંગે નક્કર પગલા લેવાનો સમાવેશ હોય એવા ટકાઉ વિકાસ ઉદ્દેશો (સસ્ટેનેબલ ડેવલપ્મેન્ટ ગોલ્સ — SDG), SDG 16 સહિત, પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનું પ્રબલીકરણ કરવું.

G20 Summit, UN અને US Summit for Democracy જેવા અન્ય બહુપક્ષીય મંચ પર આ પ્રતિબદ્ધતા મજબૂત કરવા માટે અમે ઉત્સુક છીએ. સર્વના ભલા માટે આ સહિયારાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા ઈન્ડો-પૅસિફિક અને આફ્રિકા સહિત વિશ્વભરના અમારા ભાગીદારોને સહયોગ આપવાનો નિર્ધાર કરીએ છીએ. સમાન વિચાર ધરાવતા ભાગીદારોને અમે આ નિવેદનને ટેકો આપવા માટે આહ્વાન આપીએ છીએ.

~

સ્રોત : https://www.consilium.europa.eu/media/50364/g7-2021-open-societies-statement-pdf-355kb-2-pages.pdf

અનુવાદ : રૂપાલી બર્ક

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

અર્થ-અનર્થ

રમેશ બી. શાહ|Opinion - Opinion|16 June 2021

ભારતનો રસીકરણનો કાર્યક્રમ

મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળમાં પહેલું મહત્ત્વનું કામ આયોજન પંચને વિખેરી નાંખવાનું કર્યું હતું. એ પગલું માર્મિક રીતે સૂચક નીવડ્યું છે. મોદી સરકાર ભવિષ્યમાં મહત્ત્વનાં પગલાં આયોજન વગર, એટલે કે પુખ્ત વિચારણા અને તૈયારી વિના ભરશે એનું સૂચન એમાંથી સાંપડ્યું છે. ગયા વર્ષે ચાર કલાકની નોટિસથી લોકડાઉન કરવામાં આવ્યું તે એનું એક ઉદાહરણ છે. લોકડાઉન કરતી વખતે નીકળી ચૂકેલાં વાહનો અને પ્રવાસે ગયેલા માણસોની શું સ્થિતિ થશે એનો વિચાર કરવામાં આવ્યો ન હતો. તેના કારણે પ્રવાસે ગયેલા લોકો અટવાઈ પડ્યા અને માલવાહક ટ્રકો રસ્તામાં થંભી ગઈ. આટલો સાદો વિચાર પણ એ ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરતી વખતે ન કરવામાં આવ્યો.

આ વર્ષે એ રસીકરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો ત્યારે રસી ક્યાંથી મળશે તેનું કોઈ આયોજન થયું ન હતું અને હજુ પણ કોઈ આયોજન થયું નથી. કેન્દ્ર સરકારે રસીકરણના કાર્યક્રમની જવાબદારી રાજ્યોને માથે નાંખીને પોતાના હાથ ખંખેરી નાંખ્યા છે. યુરોપના દેશો અને અમેરિકાએ નવેમ્બર’ ૨૦માં રસીના લાખો ડોઝનો ઓર્ડર આપ્યો હતો. ભારતમાં જાન્યુઆરીના મધ્યમાં દોઢ કરોડ ડોઝનો ઓર્ડર આપીને રસીકરણની ઝુંબેશ કરવામાં આવી હતી. આપણી કુલ જરૂરિયાત ઓછામાં ઓછી બે અબજ ડોઝની છે. આપણી પાસે રસીના પુરવઠાનું કોઈ આયોજન ન હોવા છતાં આપણે રસીના ૬.૬ કરોડ ડોઝની ભેટ કેટલાક દેશોને આપી હતી. આ પણ એક કામચલાઉ ધોરણે નિર્ણય કરવાનું ઉદાહરણ છે.

ભારતે બીજા મોજાનો અનુભવ કર્યા પછી રસીકરણના કાર્યક્રમની ઝડપ વધારવાની તાતી જરૂર છે ત્યારે રસીકરણની ઝડપ ઘટી ગઈ છે એ ચિંતાજનક બાબત છે. મે માસમાં એપ્રિલની તુલનાએ રસી ૪.૫ કરોડ ઓછા લોકોને અપાઈ હતી. એપ્રિલની ૨૫મી તારીખ સુધી ૮.૯ કરોડ ડોઝ જ આપવામાં આવ્યા હતા. તેની તુલનામાં મેની ૨૫મી તારીખ સુધી ૪.૪ કરોડ ડોઝ અપાયા! આમાં પણ બે ડોઝ લીધા હોય તેનું પ્રમાણ ત્રણ ટકા જેટલું છે. આપણે કેટલી લાંબી મજલ કાપવાની છે તે આમાંથી ફલિત થાય છે.

રસીકરણ અંગે કોઈ આયોજન ન હોવાથી એના પુરવઠાની પ્રાપ્તિ અનિશ્ચિત બની ગઈ છે. કેન્દ્ર સરકારે આ જવાબદારી રાજ્યો માથે નાખી એ પછી કેટલાંક રાજ્યોએ વૈશ્વિક ટેન્ડરો બહાર પાડ્યાં છે. પણ દુનિયાના રસીના ઉત્પાદકો પાસે પૂરતા ઓર્ડર હોવાથી તેઓ મોટા પ્રમાણમાં રસીના ડોઝ પૂરા પાડી શકે તેમ નથી. આયોજનનો અભાવ ક્યાં નડે છે એનું આ ઉદાહરણ છે.

ખરેખર તો આ રસી નાગરિકોને જાહેર સ્વાસ્થ્યના કાર્યક્રમના ભાગ રૂપી કશી કિંમત લીધા વિના રાજ્યે પૂરી પાડવાની છે. રાજ્ય પોતે એ માટે કેટલાંક કેન્દ્રો ચલાવે છે ત્યાં મફત ડોઝ આપવામાં આવે છે, પણ એની સાથે ખાનગી રાહે રસી મુકાવવાનો કાર્યક્રમ પણ ચાલે છે. ત્યાં એની કિંમત ડોઝની હજાર રૂપિયા પણ હોઈ શકે.

શરૂઆતમાં શંકા હતી કે લોકો રસી લેવા માટે નહીં આવે અને તેમને તે માટે પ્રેરવા પડશે પણ હવે રસીનો પુરવઠો અલ્પ હોવાથી લોકો જે સંખ્યામાં રસી માટે આગળ આવે છે તેમાંથી બહુ ઓછાને રસી આપી શકાય છે.

ધારવામાં આવે છે તેમ જો કોવિડ-૧૯નું ત્રીજું મોજું પણ આવે તો ભારતમાં રસીનો કાર્યક્રમ ખોડંગાતી ઝડપે ચાલતો હોવાથી પ્રમાણમાં ઓછા લોકો સલામત રહી શકશે. અમેરિકા અને યુરોપના દેશોએ જે રીતે રસીનો કાર્યક્રમ હાથ ધર્યો તે આયોજન કાર્યક્રમનું એક ઉદાહરણ છે.

ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકામાં બહુ જ કેસ બન્યા એનાથી આપણે એવો ફાંકો મારતા હતા કે આપણી નીતિ અને સરકારની દરમિયાનગીરી ખૂબ સફળ નિવડ્યાં છે. પણ હવે અમેરિકા કોરોનામુક્ત બન્યું છે અને ભારતે એ ભગીરથ કામ કરવાનું બાકી છે.

૧-૬-૨૦૨૧

•••••••

કોરોના અને કાળાબજાર

કોરોનાની મહામારીએ દેશની આરોગ્યસેવાઓની મર્યાદાઓ ઉઘાડી પાડી છે જેને આરોગ્યસેવાઓની પાયાની સગવડો (ઈન્ફાસ્ટ્રક્ચર) કહેવામાં આવે છે તે કેટલી અપૂરતી છે તે ઊપસી આવ્યું છે. દરદીઓને હોસ્પિટલોમાં પથારીઓ મળી નથી. વેન્ટીલેટર અને આઈ.સી.યુ. રૂમોની અછત પણ નડી, ઓક્સિજનની અછત ઊભી થવાથી કેટલા દરદીઓનું અવસાન થયું તેના આંકડાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં નથી. દવાઓની અછત ઊભી થઈ છે ખાસ કરીને રેમડેસિવિરની તંગી વર્તાઈ છે. એના ભાવો આસમાને પહોંચ્યા છે. આપણે ત્યાં બનતું આવ્યું છે તે પ્રમાણે સરકારે તેના ભાવ બાંધ્યા. સરકારે બાંધેલા ભાવ કરતાં ઊંચી કિંમતે વસ્તુ વેચાય તો તેને કાળાબજાર કહેવામાં આવે છે. રેમડેસિવિરના કાળાબજાર થયા છે એટલું જ નહિ તેની નકલી દવાઓ પણ બજારમાં વેચાઈ છે.

કાળાબજારની આ ઘટનાને સમજવી જરૂરી છે. જે વસ્તુની બજારમાં અછત સર્જાય તેની કિંમત બજારમાં વધે છે. જો બજારને એની રીતે કામ કરવા દેવામાં આવે તો એટલા ભાવ વધે જેથી વસ્તુ માટેની માંગ તેના પુરવઠા જેટલી થઈ જાય. આ દાખલામાં વસ્તુની કિંમત વધતી હોવાથી તેના માટેની માંગ ઘટે છે અને તેના પુરવઠામાં વધારો થાય છે. સામાન્ય રીતે ઓછી વસ્તુઓના બજારને એની રીતે જ ચાલવા દેવામાં આવે છે. પણ કેટલાક અપવાદરૂપ દાખલાઓમાં સરકારને બજારની કામગીરીમાં દરમિયાનગીરી કરવી પડે છે. રેમડેસિવિર આવો એક દાખલો બન્યો છે બધા દરદીઓને તેની બજારમાં વધેલી કિંમત પરવડે નહીં તેથી એવા દરદીઓના હિતમાં રેમડેસિવિરનો ભાવ સરકારે બાંધ્યો છે. એટલે કે તેની  મહત્તમ કિંમત નક્કી કરવામાં આવી છે જેનાથી વધારે કિંમત લઈ શકાય નહીં પણ ભાવો બાંધવાથી વસ્તુનો પુરવઠો વધતો નથી કે તેની માંગ ઘટતી નથી. તેના પરિણામે બાંધેલા ભાવે વસ્તુ બજારમાં મળતી નથી અને ખાનગીમાં ઊંચા ભાવે વેચાય છે. આને લોકપ્રિય ભાષામાં કાળાબજાર કહેવામાં આવે છે. આવા દાખલામાં સરકાર વસ્તુના ભાવ બાંધે તે પૂરતું થતું નથી એને અસરકારક બનાવવા માટે સરકારે વહીવટી પગલાં ભરીને તેની માંગને ઘટાડવા પ્રયાસો કરવા પડે છે. રેમડેસિવિરના દાખલામાં ગુજરાત સરકારે આવાં કેટલાંક વહીવટી પગલાં ભર્યાં છે અને તેના દ્વારા રેમડેસિવિરની માંગને સીમિત રાખવા પ્રયાસ કર્યો છે.

સરકારે દરદીઓને જ આ દવા મળે તે માટે દવાનો સ્ટોક સરકાર પોતાને હસ્તક લીધો છે અને કેટલાંક વહીવટી પગલાં ભર્યાં છે અને તેના દ્વારા રેમડેસિવિરની માંગને સીમિત રાખવાનો પ્રયાસ કર્યો છે.

ફિઝીશિયનના સહીસિક્કા જોઈએ તેની સાથે ફિઝીશિયનનું પ્રિસીપ્શન જોઈએ. દરદીનું આધારકાર્ડ જોઈએ અથવા દરદીનો રિપોર્ટ જોઈએ. આ બધું રાત્રે બાર વાગ્યા પછી કલેક્ટરની ઑફિસમાં પહોંચાડવાનું. પણ આ માર્ગે રેમડેસિવિરની માંગ ઘટાડવાનું મુશ્કેલ છે. કારણ કે દવાની માંગ લોકો અનિવાર્ય હોય તો જ કરે તેથી આ વ્યવસ્થા કેટલી સફળ નીવડશે તે અગાઉથી કહી શકાતું નથી. તે માટે કોરોનાએ જ એક દાખલો પૂરો પાડ્યો છે. દેશમાં કોરોનાના દરદીઓને અપાતા ઑક્સિજનની ભારે અછત થઈ છે. ઑક્સિજનના અભાવે કેટલા ય દરદીઓ તરફડીને મૃત્યુ પામ્યા છે. ઑક્સિજનની બાબતમાં કાળાબજારનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી; કારણ કે ઑક્સિજનની કિંમત હોસ્પિટલની ફીના રૂપમાં જ લેવામાં આવે છે. સરકાર ઑક્સિજનનો પુરવઠો વધારી શકી નહીં તે સાથે જ ઉપલબ્ધ પુરવઠાનું મેનેજમેન્ટ પણ કરી શકી નહીં. બીજી બાજુ તેના માટેની માંગમાં ઘટાડો થઈ શકે નહી  તેથી અપૂરતા પુરવઠાની સ્થિતિ નિવારી શકાઈ નહીં અને તેનો ભોગ દરદીઓ બન્યા.

અહીં એક વાતની નોંધ લેવી જોઈએ શાસકોની અણઘડતાને કારણે કેટલાક દરદીઓએ પોતાનો જીવ ગુમાવ્યો પણ શાસકોને તેની કોઈ અરેરાટી થઈ નથી. તેમણે આ દરદીઓનાં કુટુંબીજનોને દિલસોજી પાઠવવાની તકલીફ પણ લીધી નથી આ દાખલો ભાવ બાંધીને તેને કારણે ઉદ્‌ભવતી અછતને પહોંચી વળવાની સરકારની શક્તિ કેટલી છે તેનું ઉદાહરણ પૂરું પાટે છે. જે રીતે અખાારોમાં રેમડેસિવિરના કાળા બજારના સમાચાર આવી રહ્યા છે તે ઉપરથી સરકાર ભાવ અંકુશને અસરકારક રીતે અમલ કરી શકી નથી તે સ્પષ્ટ થાય છે.

૧-૬-૨૦૨૧

તંત્રી : આ બંને નોંધો લખાઈ અને અત્યારે છપાઈ રહી છે તે દરમિયાન ચિત્ર કંઈક બદલાયું છે, પરંતુ આટલે સુધી પહોંચતાં જે ચુક થઈ અને ગોથાં ખવાયાં તેના વહીવટી અને પ્રજાકીય મૂલ્યાંકનમાં તે ઉપયોગી થશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 09-10

Loading

પોઢ્યા

દિનેશ પરમાર|Poetry|16 June 2021

સમી રે, સાંજના ઘોડા હણહણ્યા, જવું, અઘોર ઘનઘોર,
ઘડીએક સંઘડો રોકજો, વીરા ! આરોગવા મોહનથાળ.
રોગીને શું? આરોગવું, મારાં ખૂટ્યાં અન્નજળ!
હલેકે અંધારા ઉલેચિયા, પલમાં જોડ્યા રથ દ્વાર,
અંધારું ઓઢીને વીરા ! ઉડિયા, ઉડ્યા ગગનને પાર,
સીમ-શેઢા, વીરા ! ભૂલિયા ભૂલ્યા, ખેતર પાદર,
ભેંસો ભાંભરે, તમને ના સાંભરે? રસહીન થયા રસધાર,
મનરેગાનાં કામ રઝળ્યાં, રઝળ્યાં, વિલાપતાં ઘરબાર
જનની જોડ તૂટી રે વીરા ! તમે નહીં કસૂરવાર !
કિસાન સભાને ઝાઝેરા જુહાર, સલામ લાલ મોજાર,
ગબીમાનો જાયો ! રત્નો ભઈ, પોઢ્યા પાયાવાર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 10

Loading

...102030...1,8841,8851,8861,887...1,8901,9001,910...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved