Opinion Magazine
Number of visits: 9677546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉભરતી મહિલા સક્રિયતા

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|30 June 2021

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં, ગત વર્ષ દિલ્હી રમખાણો મુદ્દે એક વર્ષથી જેલમાં રહેલ ત્રણ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો કરેલ હુકમ આજકાલ ચર્ચામાં છે. અલબત્ત, દિલ્હી હાઈકોર્ટના આ હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થયેલ હોવાથી તેના ગુણદોષની ચર્ચામાં આપણે નહીં ઊતરીએ. અહીં ધ્યાન દોરવાનો મુદ્દો એ છે કે ત્રણ આરોપીઓ પૈકી બે મહિલાઓ હતી. નતાશા નરવાલ અને દેવાંગના કલિંત. એક વર્ષ જેલની યાતના સહન કરીને તેમાંથી બહાર નીકળતી વખતે આ બંને મહિલાઓ આત્મવિશ્વાસથી મુઠ્ઠીવાળી સૂત્રો પોકારતી હતી. જેલવાસ દરમિયાન નતાશાને તેના બિમાર પિતાને મળવા જવાની છૂટ પણ અપાઈ ન હતી. પિતાનું મૃત્યુ થતાં પેરોલ પર ૮ દિવસ માટે મુક્ત કરવામાં આવી હતી. પેરોલ સમય પૂરો થતાં તિહાર જેલમાં પ્રવેશતી વખતે ફરી જુસ્સા સાથેનો તેનો ફોટો અખબારોમાં પ્રકાશિત તેમ જ વાયરલ પણ થયો હતો.

રાજ્યની તાકાત સામે લોકશાહી રાજ્યમાં મહિલાઓની ઊભરી રહેલી આ શક્તિ અને તેમની હિંમત પ્રશંશનીય છે. લાંબા જેલવાસથી તેઓ જરા પણ હતોત્સાહ થયાં નથી. અમૂલ્ય લીઓના નામની એક મહિલાએ નાગરિકત્વસુધારાધારા સામે વિરોધની આગેવાની સંભાળી હતી. તેમની સામે રાજદ્રોહનો આરોપ લગાવાયો હતો. તેમણે ૩ માસ જેલવાસ વેઠ્યો. હજારો સ્ત્રીઓ આ વિરોધમાં દિવસો સુધી જોડાઈ હતી. સફોર ઝરગર નામની અન્ય એક મહિલાને પણ રાજદ્રોહના આરોપમાંથી દિલ્હી હાઈકોર્ટે મુક્ત જાહેર કરેલ છે. નવદીપ કૌર નામની એક દલિત મહિલાએ સિંઘુ બોર્ડર પર અનેક મહિલાઓ સાથે કૃષિકાયદાઓ સામે વિરોધી દેખાવો યોજ્યાં છે.

આ મહિલાઓને કોઈ રાજકીય પીઠબળનો અભાવ છે. તેમાં કોઈ કૉલેજ-યુવતીઓ છે, કોઈ પર્યાવરણવાદી તો કોઈ ઘરરખ્ખુ મહિલાઓ છે. મતદાર અને ભારતના નાગરિક તરીકે તેમણે અવાજ ઉઠાવવાની કોશિશ કરી છે. રાજકીય પક્ષોએ મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ આપવાને બદલે માત્ર કેટલાક ઘરગથ્થુ લાભો કે સબસિડી આપવાની પોતાના ચૂંટણી ઢંઢેરાઓમાં જાહેરાત કરી છે, કેન્દ્રિય સંસદ, પ્રધાનમંડળ કે રાજ્યોની ધારાસભા કે પ્રધાનમંડળમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ રહેલું છે. Me-Too ચળવળ વખતે અનેક મહિલાઓએ પોતાની સાથેનાં પુરુષોનાં કારનામાં પ્રગટ કરવાની હિંમત દર્શાવી છે. ગત વર્ષે કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર કેરળનાં તત્કાલીન આરોગ્યપ્રધાન કે.કે. શૈલજાને નવા પ્રધાનમંડળમાં સમાવિષ્ટ ન કરવાનું અને વિરોધ અવગણવાનું વલણ સમજની બહાર છે.

સંસદ અને રાજ્ય ધારાસભાઓમાં ૩૩% મહિલા અનામત ખરડા સંબંધમાં રાજકીય પક્ષો ભલે બહારથી સમર્થન જાહેર કરતા હોય, પરંતુ ખરડો સફળ ન થવા દેવા માટે તમામ રાજકીય પક્ષો અંદરખાને એકમત જણાય છે. રાજકીય પક્ષોનું આ વલણ હતોત્સાહ કરનારું છે. મહિલાઓનાં વલણમાં જોવા મળતી આ સક્રિયતા આવકારદાયક છે અને રાજકીય પક્ષોએ અન્યાય સામે જુસ્સાભેર લડી રહેલ આ મહિલાઓને સમર્થન આપવું જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 08

Loading

લેખન શિબિર

હિમાંશી શેલત|Opinion - Opinion|30 June 2021

તિર્યકી

(ચર્ચા તથા સવાલ-જવાબની ખુલ્લી બેઠક)

સમસ્યા : સરજી, અમે લખીએ તો છીએ પણ અમારું લેખન ક્ષતિગ્રસ્ત છે. અમારે લેખન દ્વારા વાસ્તવદર્શન કરાવવું છે, પ્રજાનો અવાજ બનવું છે, કેમ કે એ તો સર્જકધર્મ કહેવાય. આપે પણ પહેલાં શીખવેલું આવું. સમસ્યા એ છે કે અમારે એ પ્રકારનું લેખન કરવું છે, જેના થકી અરાજકતા ન ફેલાય, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ન જોખમાય, શાસકપક્ષ ન દુભાય, શાસકપક્ષના ભક્તોને ક્લેશ ન થાય, એ ભક્તોના ભક્તોને પણ મનદુઃખ ન થાય, સમાજમાં સંવાદ ટકોરાબંધ રહે (મોબ જેવી ઘટના વખતે પણ), અમારા ઇરાદા મેલા છે, એવો આક્ષેપ ન થાય, અમે વામપંથીઓમાં, ઉગ્રવાદીઓમાં, આતંકવાદીઓમાં, રાષ્ટ્રદોહીમાં, નક્સલવાદીમાં ન ખપી જઈએ, અને છતાં-છતાંયે સરજી, જે દૃષ્ટિવિહીનને પણ દેખાય એવી વાસ્તવિકતા છે, તેનું અમે યથાતથ બયાન કરી શકીએ. કેમ કે, આમ કરવું એ સ્વધર્મ છે લેખકનો, તો અમે તે શી રીતે કરીએ એનો પથ દર્શાવો, સર જી!

ઉકેલ : ભારતીય મૂલ્યો પ્રમાણે કશુંયે અનાવૃત્ત હોય તે શિષ્ટ નથી. સત્ય પણ અનાવૃત્ત હોવું ન ઘટે. એનાથી અશ્લીલતા અને મલિનવૃત્તિઓને વેગ મળે. સત્યને ઢાંકવાની કલા એ જ સર્જન સાચું. સત્યને નગ્ન ન દેખાડવું – અને આ કલા પહેલાં હસ્તગત કરો. જો આ આવડત ન હોય તમારામાં, તો સત્યને રૂપાંતરિત કરો. ઉદાહરણ તરીકે જે નદીમાં વહેતાં દેખાયાં એ શબ નહોતાં. નજરનો દોષ કે તમે એને શબ કહો છો. એ તો ફૂલો ભરેલી છાબડીઓ હતી, જે વહેતી હતી નદીમાં. તમને જે કુરૂપ, આઘાતક લાગ્યું એ તમારો દૃષ્ટિભ્રમ.

ખરેખર તો એ ફૂલોની છાબથી તમને કશુંક સુંદર અને અનુપમ જોયાનો આનંદ થવો ઘટે. એ આનંદ વર્ણવો ને શબ્દોમાં, કોણ રોકે છે? શબને શબ તરીકે જુઓ છો શા માટે ? જે છે તે નથી અને નથી તે છે, આને પ્રત્યક્ષ કરાવે એ જ તો લેખનકલા!

સમસ્યા : પણ સરજી, જે દેશબાંધવો ને ભગિનીઓ પ્રાણવાયુની અછતને કારણે સ્વર્ગે ગયાં, તેમાં શાસકો અને વહીવટીતંત્રને સાવેસાવ ભોળુંભટાક અને નિર્દોષ કેવી રીતે દેખાડીએ? મોતને સંતાડતા વહીવટને ઉત્તમ શી રીતે ઠેરવીએ ? પ્રજાને પડખે કોઈ દેખાતું નહોતું એ સમયને મુલાયમ ભાષામાં શી રીતે મૂકીએ ?

ઉકેલ : આ તો કોઈ સમસ્યા જ નથી. જે પ્રાણવાયુ વિના પ્રભુશરણ થયાં તેઓ શ્વાસ રોકવાની એક યૌગિક ક્રિયામાં વ્યસ્ત હતાં. મહામારીમાં યોગની સહાય કઈ રીતે લેવાય, એના પ્રશિક્ષણમાં તેઓ એ હદે રોકાયાં હતાં કે શ્વાસ થંભાવ્યા પછી પુનઃ છોડવાનો હોય છે, એ વાતનું વિસ્મરણ થતાં આ ગરબડ થઈ. એમાં તો કોઈનો વાંક જ નથી. આ એક વિલક્ષણ પ્રયોગ હતો અને ગફલત થઈ તે અકસ્માત. સર્જક તરીકે તમે આખી ઘટનાને કઈ રીતે સ્વાભાવિક વાસ્તવિક અને પ્રતીતિજનક બનાવી શકો એમાં જ તો સર્જકત્વ દેખાશે! કલમ અજમાવી તો જુઓ એક વખત આ દિશામાં. એમાં જ તો મૌલિકતા ઝળહળશે!

સમસ્યા : બેજવાબદારી, ગેરવહીવટ અને તબીબી-સહાયનો વિલંબ અનેક મૃત્યુનું કારણ બન્યાં તો આવા તંત્રને શ્રેષ્ઠ અને બેનમૂન ગણવા માટે કેવું લેખન પ્રયોજવું, જેથી સામાજિક સુસંવાદ, શાસનની પ્રતિષ્ઠા, શાસકોનો માનવીય કરુણાળુ અભિગમ અને સંસ્કૃતિની ગરિમા પ્રગટ થાય?

ઉકેલ : તમે જોયાં નહીં એમનાં આંસુ ? સાંભળ્યા નહીં એ ગળગળો કંપનયુક્ત અવાજ ? વાંચ્યા નહીં એ નિવેદનો કે જેમાં મહામારી સામેના મહાયુદ્ધની ગૌરવગાથા હોય ? મંકોડાના ગળાની ઘંટડી સાંભળવાની સજ્જતા ધરાવવાની છે તમ સર્જકોએ ન હોય તો લખવાનાં શું, ધૂળ ને રાખ?

સમસ્યા : સરજી, અમે એમ તો લખ્યું કે ભલે હૉસ્પિટલમાં નહીં, સ્વર્ગમાં તો જગ્યા મળી ને, પરંતુ આ હકારાત્મક વલણથી ઘણાં અમારા પર ક્રોધિત છે, તો અમે શું કરીએ આ બાબત ?

(સમય પૂરો થવાથી બેઠક અધૂરી રહી હતી.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 16

Loading

મેગ્નેટમેનના સમાચારોથી ગેરમાર્ગે દોરાશો નહીં

દિલીપ સતાશિયા|Opinion - Opinion|30 June 2021

આજકાલ મોટા ભાગનાં સમાચારપત્રો અને સોશિયલ મીડિયામાં, કોરોના રસી લીધા પછી શરીરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન થાય છે, એવા સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે.  શરીરમાં ચુંબકીય ક્ષેત્રનું કારણ કોરોનાની રસીને બતાવવામાં આવી રહ્યું છે, જે તદ્દન અંધશ્રદ્ધાભર્યા સમાચાર છે.

આ ઘટનાની પાછળ વિજ્ઞાનનું સાચું કારણ જાણવાથી ખ્યાલ આવે છે કે આ એક સામાન્ય ઘટના છે અને તે બધા માટે સમાન રીતે શક્ય છે.

હવે વિજ્ઞાનની વાત કરીએ. સૌ પ્રથમ, જો શરીરમાં ચુંબકત્વ પેદા થતું હોય, તો માત્ર લોખંડની વસ્તુ જ ચોંટે. પરંતુ અહીં લોખંડ સિવાય ટી.વી.-રિમોટ, મોબાઇલફોન, સ્ટીલની ચમચી અને સિક્કાઓ ચોંટે છે, તેથી ચુંબકત્વને આની સાથે કોઈ લેવાદેવા નથી. જેમના ઘરમાં ચુંબક હોય એ લોકો પ્રયોગ કરીને જાતે ચકાસણી કરી શકે છે.

બીજું, આપણા લોહીમાં અમુક ટકા લોહ પણ હોય છે. તેથી જો શરીરમાં ચુંબકત્વ પેદા થાય, તો લોહીના રુધિરાભિસરણ તંત્રમાં પણ ફરક પડી જાય. ટૂંકમાં રસી અને શરીરમાં ચુંબકત્વને કાંઈ લેવાદેવા નથી.

જે લોકો મૅગ્નેટમેન બની ગયા છે તે બધાને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવશે કે શરીરના જે ભાગ ઉપર રૂંવાટી નથી ત્યાં આવી વસ્તુઓ ચોંટેલી દેખાય છે. એટલે કે જે ભાગ ઉપર રૂંવાટી નથી ત્યાં ચામડી ખૂબ જ લીસી હોવાના કારણે તેમના શરીર ઉપર આવી બધી વસ્તુ ચોંટે છે. સ્ટીલનાં વાસણો, સિક્કા, રિમોટ કે મોબાઇલ જેવી વસ્તુઓની સપાટી પણ લીસી હોય છે.

અત્યારે વરસાદની તૈયારી છે એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે, તેથી શરીર ઉપર પરસેવો વધુ થાય અને ચિકાસ જેવું થઈ જવાને કારણે સરફેસટૅન્શન ખૂબ જ વધી જાય છે. ગુજરાતીમાં તેને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રના પૃષ્ઠતાણના નિયમને કારણે શરીરની ચામડી પર આવી કોઈ વસ્તુ ચીપકી જાય એમાં કોઈ ચમત્કાર નથી. અને હા, અહીંયાં વસ્તુઓ ચોંટી જતી નથી, પણ પૃષ્ઠતાણને કારણે થોડોક સમય ચામડી પર ટકી જાય છે. અને શરીરના જે ભાગ ઉપર રૂંવાટી હોય છે, ત્યાં પૃષ્ઠતાણ નહીંવત્‌ હોય છે, તેથી ત્યાં આવી વસ્તુઓ ચોંટી જતી નથી. આમ, કોરોનાની રસીને કારણે આવું થાય તે વાતમાં કોઈ તથ્ય નથી.

આપ સૌને યુનિવર્સ સાયન્સ ફોરમ તરફથી ખાસ વિનંતી કરીએ છીએ કે વર્તમાનપત્રો, ટી.વી. કે સોશિયલ મીડિયામાં મૅગ્નેટમેનના સમાચારોથી ગેરમાર્ગે દોરાશો નહીં, અંધશ્રદ્ધામાં ફસાશો નહીં, કોરોનાની રસી જલદીથી  લઈ લેશો.

યુનિવર્સ સાયન્સ ફોરમ, મો. ૯૯૦૯૧ ૮૯૯૬૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 15

Loading

...102030...1,8671,8681,8691,870...1,8801,8901,900...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved