Opinion Magazine
Number of visits: 9677604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેતપેદાશોના ટેકાના ભાવનું અર્થકારણ અને રાજકારણ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 July 2021

અગાઉ પ્રધાન મંત્રીએ પાર્લામેન્ટમાં ખેડૂતોને ખાતરી આપતાં કહ્યું હતું કે, “એમ.એસ.પી. થી, એમ.એસ.પી. હૈ ઔર એમ.એસ.પી. રહેગી”. વડા પ્રધાનની આ વાતનો પડઘો સરકારે તાજેતરમાં જાહેર કરેલી ખરીફપાકોની એમ.એસ.પી. (મિનીમમ સપોર્ટ-પ્રાઇઝ) અર્થાત્‌ ચોમાસું ખેતપેદાશોના ટેકાના ભાવમાં જોવા મળે છે. છ મહિના કરતાં વધુ સમયથી રાજધાની દિલ્હીના સીમાડે ડેરાતંબુ તાણીને ચાલતા કિસાન-આંદોલનને સરકારનું આ પગલું ‘જુમલાબાજી’ લાગ્યું છે. તેને કારણે ખેતપેદાશોના ન્યૂનતમ સમર્થનમૂલ્યનો સવાલ ફરી એક વાર ચર્ચાની એરણે છે.

આઝાદી મળી ત્યારે દેશમાં અનાજની કારમી તંગી હતી. અનાજની આ અછત દૂર કરવા હરિયાળી ક્રાંતિમાં અનાજનું વિપુલ ઉત્પાદન કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું  તેમાં એમ.એસ.પી. કે ખેતઉપજના ટેકાના ભાવનાં મૂળ રહેલાં છે. લાલબહાદુર શાસ્ત્રીના પ્રધાનમંત્રીત્વકાળમાં અનાજની કિંમતો નક્કી કરવા ૧લી ઑગસ્ટ, ૧૯૬૪ના રોજ એલ.કે. ઝા સમિતિની રચના કરવામાં આવી હતી. અનાજનું, ખાસ કરીને ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધારવું, લોકોને સસ્તું અને જરૂરિયાત મુજબનું ખાદ્યાન્ન પૂરું પાડવું તથા ખેડૂતોને તેમની ઊપજના વાજબી ભાવ આપવા જેવા હેતુઓથી ટેકાના ભાવોની યોજના શરૂ કરવામાં આવી હતી. ખેડૂતો ખેતીને લગતી આધુનિક ટેક્‌નિક અને સારાં બીજ અપનાવી અનાજનું ઉત્પાદન વધારે તથા તેમની સામાજિક-આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને  ન્યૂનતમ સમર્થનમૂલ્યથી સરકાર ખરીદી કરે છે. ખેતપેદાશોની સરકારી ખરીદીના ટેકાના ભાવ રવિ અને ખરીફ – મોસમના આરંભે જ જાહેર કરવામાં આવે છે. આ એમ.એસ.પી.ને કારણે ખેડૂતોને બજારમાં ભાવો ઘટે તો પણ કમ સે કમ સરકારે જાહેર કરેલા ભાવો તો મળે જ છે.

ભારતસરકારના કૃષિમંત્રાલય હેઠળ કાર્યરત, જાન્યુઆરી, ૧૯૬૫માં સ્થાપિત, ઍગ્રિકલ્ચરલ પ્રાઇસીઝ કમિશન, જે હવે કમિશન ફૉર ઍગ્રિકલ્ચરલ કૉસ્ટ ઍન્ડ પ્રાઇસીઝ (સી.એસી.પી.) તરીકે ઓળખાય છે, તે ખેત ઊપજની માંગ અને પુરવઠો, ખેડૂતનાં ઉત્પાદનખર્ચ, સ્થાનિક બજારમાં કિંમત, ગ્રાહકો પર અસર, બીજી ઊપજના ભાવ, સંગ્રહણની વ્યવસ્થા અને કર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ઉનાળું અને ચોમાસું પાકની વાવણીપૂર્વે ખેતઊપજોનું ન્યૂનતમ સમર્થનમૂલ્ય નક્કી કરે છે. ૧૯૬૬-૬૭માં સૌ પ્રથમ ઘઉંના ટેકાના ભાવો આપવામાં આવ્યા હતા. હાલમાં ૭ ધાન્ય, ૭ તેલીબિયાં, ૫ કઠોળ  અને ૪ રોકડિયા પાકો મળી કુલ ૨૩ ખેતપેદાશોની એમ.એસ.પી. જાહેર કરવામાં આવે છે. ગયા વરસથી દેશમાં સૌપ્રથમ વખત કેરળ સરકારે ૧૬ શાકભાજીનું  ન્યૂનતમ સમર્થનમૂલ્ય જાહેર કર્યું  છે.

ખેડૂતોને બીજ, ખાતર, સિંચાઈ માટે થતો રોકડ ખર્ચ ઉપરાંત તેના કુટુંબની ખેતી માટેની મહેનતનું મૂલ્ય પણ એમ.એસ.પી.ની ગણતરીમાં લેવાય છે. ૨૦૦૪ના સ્વામિનાથન આયોગે ખેડૂતના સરેરાશ ઉત્પાદનખર્ચમાં બીજી ૫૦ ટકા રકમ ઉમેરી દોઢી એમ.એસ.પી. નક્કી કરવા ભલામણ કરી હતી. બી.જે.પી.એ ૨૦૧૪માં સ્વામિનાથન આયોગના અમલનું વચન આપ્યું હતું. પણ તેનો અંશતઃ અમલ ૨૦૧૮-૧૯માં કર્યો હતો. સરકારનો દાવો છે કે તે હાલમાં જે એમ.એસ.પી. જાહેર કરે છે, તે ખેડૂતના ખર્ચ કરતાં દોઢ ગણી હોય છે. જો કે સ્વામીનાથન આયોગે ખેડૂતની જમીનનું ભાડું અને ખેતી માટેની તેની મૂડી પરનું વ્યાજ પણ એમ.એસ.પી.ની ગણતરીમાં લેવા સૂચવ્યું હતું, પણ સરકારે હજુ તેનો અમલ કર્યો નથી..

આશરે ૨૦૦ દિવસોથી ચાલતા કિસાન-આંદોલનની માંગણી  ત્રણ કૃષિકાયદા રદ્દ કરવાની અને એમ.એસ.પી.ને કાયદેસર બનાવવાની છે. ન્યૂનતન સમર્થનમૂલ્યથી ઓછી કીંમતે ખાનગી વેપારી પણ ખેડૂતો પાસેથી ખેતપેદાશ ખરીદી શકે નહીં, તેવો કાયદો ઘડવાની કિસાન આંદોલનની માંગ ન્યાયસંગત છે ? શું સરકાર એમ.એસ.પી. નાબૂદ કરી દેશે ? શું એમ.એસ.પી. કાળગ્રસ્ત થઈ છે ? એમ.એસ.પી.નો લાભ તમામ ખેડૂતોના બદલે થોડા મોટા ધનિકવર્ગના ખેડૂતોને  જ મળે છે ? એમ.એસ.પી. સરકાર કે ખેડૂતો પૈકી કોના માટે ખોટનો ધંધો છે, જેવા સવાલો ચર્ચાય તો જ તેનું રાજકારણ, સમાજકારણ અને અર્થકારણ સમજી શકાય.

શાંતાકુમાર સમિતિ અને નીતિ આયોગે ન્યૂનતમ સમર્થનમૂલ્યથી ખેતઊપજોની થતી સરકારી ખરીદી ઘટાડવાની ભલામણ કરી છે. નવા કૃષિકાયદાઓમાં હાલની ખેતઉત્પન બજારસમિતિઓ (એ.પી.એમ.સી.) ઉપરાંત ખાનગી વેપારની છૂટ આપી છે, તેથી સરકાર ક્રમશઃ એ.પી.એમ.સી. અને એમ.એસ.પી. બંધ કરશે, તેવો ખેડૂતોને વાજબી ડર છે. કૃષિઊપજ વધારવામાં અને ખેડૂતોને  ઊપજના  યોગ્ય ભાવ આપી તેમની આવક સુનિશ્ચિત કરવામાં ન્યૂનતમ સમર્થન મૂલ્યનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. સરકાર ૨૩ ખેતપેદાશોનું ન્યૂનતમ સમર્થનમૂલ્ય જાહેર કરે છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને સસ્તા ભાવે રાશન આપવા ટેકાના ભાવે સરકાર ખરીદી કરતી હોય છે. જો કે પી.ડી.એસ.માં ગરીબોને મુખ્યત્વે ઘઉં અને ચોખા જ આપવામાં આવતા હોય છે. એટલે ખરીદી ત્રેવીસ ખેતઊપજોની નહીં, બે-પાંચની જ થાય છે. દેશમાં દોઢસો જેટલા પાક લેવાય, તેના છઠા ભાગના પાકના ટેકાના ભાવ જાહેર કરાય છે અને તેમાંથી માંડ પાંચમા ભાગની ખેતઊપજની સરકારી ખરીદી થતી હોય છે, તેથી એમ.એસ.પી.નો લાભ ખેડૂતોના સીમિતવર્ગને મળે છે.

એમ.એસ.પી.થી દેશના તમામ ખેડૂતોની, તમામ પ્રકારની અને સંપૂર્ણ ખેતઊપજની ખરીદી થતી નથી. બધા જ અભ્યાસો દેશના ૬થી ૨૦ ટકા ખેડૂતોને જ એમ.એસ.પી.નો લાભ મળતો હોવાનું જણાવે છે. દેશનાં તમામ રાજ્યોના ખેડૂતોને નહીં, પણ દસેક રાજ્યોના ખેડૂતોની, ઘઉં-ચોખાના પાક માટે જ એમ.એસ.પી.થી ખરીદી થાય છે. એમ.એસ.પી.ને કારણે દેશ અનાજની બાબતમાં આત્મનિર્ભર બની શક્યો છે અને અનાજના વિપુલ ભંડારો ભરેલા છે, તે હકીકત છે. પરંતુ ઉદારીકરણ અને ખાનગીકરણને કારણે લોકશાહી સરકાર તેના કલ્યાણરાજ્યના આદર્શને ફગાવી રહી છે. ભ્રષ્ટાચાર-નાબૂદીના નામે સબસિડી સીધી લાભાર્થીના બૅન્કએકાઉન્ટમાં જમા કરાવવાનું વલણ લઈ રહી છે. એટલે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જાહેર વિતરણવ્યવસ્થા હેઠળના અનાજની સરકારી ખરીદી પણ શંકાના દાયરામાં હોવી સ્વાભાવિક છે.

ભારતના અર્થતંત્રનાં મોટા ભાગનાં ક્ષેત્રોની વૃદ્ધિ કોરોના મહામારીને કારણે ધીમી છે, પરંતુ ખેતીક્ષેત્રની વૃદ્ધિ જોરમાં છે. છેલ્લાં પાંચ વરસોની તુલનાએ ૨૦૨૦-૨૧માં ખાદ્યાન્નનું ઉત્પાદન ૨.૭ કરોડ ટન વધારે છે. સિંચાઈ પર આધારિત ઘઉં-ચોખા જ નહીં, વરસાદી ખેતીથી પાકતા જુવાર-બાજરાનું ઉત્પાદન પણ વધ્યું છે. કૃષિનિકાસમાં ૧૮ ટકાની વૃદ્ધિ થઈ છે.આખી દુનિયાને એક વરસ ચાલે તેટલો, ૨૮૦ લાખ ટન, ચોખાનો બફરસ્ટૉક ૨૦૨૦ની ખરીફ મોસમપૂર્વે દેશમાં હતો. અનાજની બાબતમાં જો દેશ આટલો બધો આત્મનિર્ભર હોય, તો એમ.એસ.પી.નો મૂળ હેતુ પૂર્ણ થયેલ છે, તેથી તેના ટેકાના ભાવ આપવામાં અર્થકારણ ઓછું અને રાજકારણ વધુ છે તેવી દલીલ થાય છે.

ન્યૂનતમ સમર્થનમૂલ્યના રાજકારણનું શ્રેષ્ઠ ઉદાહરણ પંજાબના ખેડૂતો છે. પંજાબમાં હરિતક્રાંતિને કારણે ઘઉં-ચોખાનું વિપુલ ઉત્પાદન થયું. પણ હવે તેનાં વળતાં પાણી છે. ૧૯૬૦-૬૧માં પંજાબમાં ૧૪ લાખ હૅક્ટરમાં ઘઉં અને ૨.૨૭ લાખ હૅક્ટરમાં ચોખાની ખેતી થતી હતી. સાઠ વરસો બાદ, ૨૦૧૯-૨૦માં, તે વધીને અનુક્રમે ૩૫.૦૮ અને ૨૯.૨૦ લાખ હૅક્ટર થઈ છે. પરંતુ પાણીના બેફામ ઉપયોગ અને એકધારા પાકની ખેતીથી હવે પંજાબનો કૃષિદર ઘટીને ૫.૭ ટકાથી ૧.૬ ટકા જ થયો છે. એમ.એસ.પી.ને કારણે કૃષિપાકોની વિવિધતા ઘટી છે, તે પણ સૌથી મોટો ગેરલાભ છે.

છઠ્ઠી જૂન, ૨૦૨૧ સુધી એમ.એસ.પી.થી ૪૧૮.૪૭ લાખ મૅટ્રિક ટન ઘઉંની સરકારી ખરીદી થઈ છે. ગયા વરસની ૩૭૨.૨૨ લાખ મૅટ્રિકટનની તુલનાએ તે આશરે ૧૨ ટકા વધુ છે. ૨૦૧૯-૨૦માં સરકારે એમ.એસ.પી.થી રૂ. ૬૦,૦૩૮.૬૮ કરોડ ખર્ચીને ૨૯.૭૦ લાખ ખેડૂતો પાસેથી અનાજ ખરીદ્યું હતું. જો કે હજુ પણ અનાજની ખરીદીમાં પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એ પાંચ રાજ્યો જ મોખરે હોય છે. ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે, પરંતુ તે કુલ ઉત્પાદનના ૧૦થી ૨૦ ટકા જ હોય છે. ૨૦૧૯-૨૦માં રાજ્યમાં પાકેલી કુલ મગફળીમાંથી ૧૦.૭૮ ટકાની જ એમ.એસ.પી.થી સરકારી ખરીદી થઈ હતી.

મોટા ભાગના ખેડૂતોને એમ.એસ.પી.થી ઓછા ભાવે ખાનગી વેપારીઓને ખુલ્લા બજારમાં  પોતાની ખેતપેદાશો વેચવી પડે છે. મધ્ય પ્રદેશ સરકારે ટેકાના ભાવ અને ખેડૂતને ઓછા મળેલા ભાવનો તફાવત ચૂકવવા ‘ભાવાંતર ભુગતાનયોજના’ અમલી કરી છે. કેન્દ્ર સરકાર ‘કિસાન સન્માનનિધિ યોજના’ હેઠળ ખેડૂતના ખાતામાં ચોક્કસ રકમ જમા કરે છે, પરંતુ તેમ છતાં ખેડૂતને ઊપજના વળતરદાયક ભાવ મળતા ન હોવાની ફરિયાદ ઊકલતી નથી. ‘પરથમીનો પોઠી’ કે ‘અન્ન્નદાતા’ ગણાતો ખેડૂત તેની મહેનતનું યોગ્ય વળતર પણ ન મેળવી શકે તે સ્થિતિ તાકીદે ઉકેલ માંગે છે. જો સરકાર એમ.એસ.પી.નો વ્યાપક ઉપયોગ કરે, તેને કાયદેસરતા બક્ષે અને પાક વીમાનો યોગ્ય અમલ કરે, તો કદાચ ખેડૂતનું દુઃખ થોડું હળવું થઈ શકે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 10-11

Loading

રૂમઝૂમતું કંઈક આવ્યું છે ….

દેવિકા ધ્રુવ|Poetry|1 July 2021

હવા, પાણી અને પ્રકાશ જેટલાં પ્રકૃતિ માટે જરૂરી છે, તેટલાં જ માનવ જીવન માટે પણ જરૂરી છે. પ્રતિદિન ખૂબ સહેલાઈથી મળી જતાં આ ત્રણે તત્ત્વો વિશે આપણે ભાગ્યે જ ઝાઝું વિચારીએ છીએ. પણ ટેકનીકલના આ યુગમાં, ક્યારેક એકાદી ક્ષણે, જરા આંખ મીંચીને કુદરતને માણવાની તક લઈશું તો એક અનોખો આનંદ મળશે. વ્હેલી સવારની એવી એક પળની અનુભૂતિ …

રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો. 
મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું,
વાદળ-દળને  છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું.
સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો.
સ્મિતની સંગે, અંતર અંગે, ઝળહળ  ઝળહળ  ઝીલી લો  રે, કોઈ લઈ લો …. રૂમઝૂમતું  કંઈક 

બારી મનની ખોલી સૂંઘો, શીતલ પવનની સુરભી.
ખૂલી હવા મદમાતી ગાતી ગુનગુન ગુનગુન ગરબી.
મધુર સાજને તાલે એ તો થનગન થનગન નાચ્યું છે, કોઈ નીરખો રે, કોઈ લઈ લો.
સરસર સરતા સમીરની મસ્તી, ગુલશન ગુલશન જોઈ લો રે, કોઈ લઈ લો ….. રૂમઝૂમતું  કંઈક
 
દડદડ દડીને પરવત પરથી, બનીને ઝરણું રમતું,
ઝીલમીલ ઝરીને, ભળીને બનતું સરિતા મધ્યે મળતું.
ઉછળી ઉછળી ધસમસતું એ દરિયે જઈ સમાયું છે, કોઈ સમજો રે, કોઈ લઈ લો..
બૂંદબૂંદના ગેબી નારા, હરદમ, મનભર સૂણી લો રે, કોઈ લઈ લો. …… રૂમઝૂમતું  કંઈક 

તેજ,પવન, જલ તનમન  ભરતું કણકણમાં ઉભરાયું છે, કોઈ લઈ લો,
કોઈ ઝીલી લો રે, કોઈ જોઈ લો રે, કોઈ સૂણી લો  રે, કોઈ ભરી લો રે … રૂમઝૂમતું  કંઈક

[હ્યુસ્ટન]

e.mail : ddhruva1948@yahoo.com

Loading

લઈ લો… લઈ લો… લક્ષદીપ લઈ લો

ભરત મહેતા|Opinion - Opinion|1 July 2021

ગળામાં હોય એટલું જોર વાપરી, કચકચાવી, ’ભારતમાતાની જય’ બોલતો ભા.જ.પ. કેન્દ્રમાં સત્તા મળ્યા પછી રોજબરોજ ભારતમાતાની લીલામી કરી રહ્યો છે. રોજ છાપું સવારે ઉઘાડીએ ને વાંચવા મળે કે આ વેચ્યું, પેલું વેચ્યું. ગુજરાતમાં ભૂજની હોસ્પિટલ, GMDCના કડી પાણીના પહાડ, આબાદ ડેરી વેચવાનો મહાવરો હતો તે કેન્દ્રમાં પહોંચતાં ખપ લાગ્યો છે. વળી, આ પક્ષની ખૂબી એ છે કે કોર્પોરેટ હિતો માટે કામ કરતી આ પાર્ટી પોતાની વેપારી પ્રવૃત્તિને ઢાંકવા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ભગવી ચૂંદડી ઉપરથી ઓઢાડે છે. હમણાં હવે લક્ષદીપના છત્રીસ રમણીય ટાપુ વેચવાનો સોદો થવાની ગંધ આવી રહી છે. લક્ષદીપના નવા વહીવટદાર પ્રફુલ્લભાઈ પટેલ ડિસેમ્બર-૨૦૨૦માં નિમાયા ને તાબડતોબ એપ્રિલમાં ચાર નવા કાયદાઓ લાવ્યા. કાયદાઓ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું છે તો બીજી તરફ કોર્પોરેટ માટે લાલ જાજમ બિછાવાઈ રહી છે.

આ લક્ષદીપની વસ્તી કેવળ સિત્તેર હજાર છે. માત્ર દસ ટાપુ પર જ લોકો રહે છે. વસ્તીવધારાનું પ્રમાણ અતિ ઓછું, ૧.૪% છે; ગુનાખોરીમાં દેશમાં અંતિમ ક્રમે છે. સ્ત્રીશિક્ષણનું પ્રમાણ ૯૬% છે! માછીમારી, નાળિયેરી અને દોરડાં બનાવવાનો વ્યવસાય કરે છે. ૯૩% મુસ્લિમબહુલ વસતિવાળું આ કેન્દ્રશાસિત સ્થળ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના આક્રમણ માટે સર્વોત્તમ સ્થળ છે. પ્રદૂષણ પણ નથી.

લક્ષદીપને સ્માર્ટ સિટી બનાવવા માટે વહીવટદાર તરીકે પ્રફુલ્લભાઈ પટેલને મૂકાયા છે. ગુજરાતના રાજનેતા, અમિત શાહે ગુજરાતમાં ગૃહ મંત્રી પદ થોડો સમય છોડવું પડેલું ત્યારે ગૃહમંત્રાલય સંભાળનાર, પછી દીવ-દમણ દાદરાનગર હવેલીના વહીવટદાર. આજ લગી લક્ષદીપમાં IPS કે IAS અધિકારીને જ વહીવટીદાર તરીકે મૂકવામાં આવતા હતા, પહેલીવાર રાજનેતા – જે રાજનેતા પોતાના મૃત્યુ માટે જવાબદાર છે એવી ચિઠ્ઠી લખીને સાત વાર ધારાસભ્ય બનેલા મોહન ડેલકરે આત્મહત્યા કરી હતી એ પ્રફુલ્લભાઈ પટેલ.

લોકસભાની ચૂંટણીમાં સો સ્માર્ટ સિટી બનાવવાનો ઢંઢેરો પીટનાર ભા.જ.પે. એક પણ સ્માર્ટ સિટી બનાવ્યું નથી અને લક્ષદીપને હવે સ્માર્ટ સિટી બનાવવું છે. ’લક્ષદીપ વિકાસ અધિનિયમ-૨૦૨૧’ ઘણાં સંદર્ભમાં વિશિષ્ટ છે. અહીં વિકાસનો બોજો – ખર્ચ – સ્થાનિક લોકોને માથે છે. વળી, ફરજિયાત વિકાસ જે કાંઈ સ્માર્ટ સિટીની વચ્ચે આવે એ દૂર કરો. વળી, વિરોધ ન થાય એ માટે ’એન્ટી ગુંડા એક્ટ’ બનાવ્યો! ગુનાખોરીમાં ય લક્ષદીપ ભારતમાં અંતિમ સ્થાને છે. યુ.પી., બિહારમાં સત્તાવાળી સરકાર અહીં, ગુનાખોરીનો કાયદો કેમ બનાવે છે? માત્ર લોકશાહી રીતે અમાનવીય, નિર્દય, મૂળવિહોણા વિકાસના વિરોધીઓને અટકાવવા જ. વળી આ કાયદા અનુસાર ધરપકડ પછી, કારણ આપ્યા વિના સીધા જેલમા એક વરસ માટે મૂકી શકાશે! UAPAની જેમ જ આ પણ લોકશાહીનું હનન છે! લક્ષદીપની અભિનેત્રી-દિગ્દર્શિકા આયેશા સુલતાનાએ જેવો વિરોધ કર્યો કે એના પર ’રાજદ્રોહ’નો કેસ જ દાખલ થયો!

કોર્પોરેટ માટે પડાવતી જગા માટે આખા દેશમાં બીજો ઊહાપોહ ન થાય એ માટે હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ થઈ શકે એવું વચ્ચે મૂકી દેવાનું આ પક્ષને ફાવે છે. તેથી સ્માર્ટ સિટી માટે લેવા દેવા ન હોય તેવા ફેરફારો પણ આ ચાર કાયદામાં છે.

ભા.જ.પ.શાસિત ગોવા, મેઘાલય, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં ગૌ-માંસ પ્રતિબંધ નથી. હમણાં જ આસામની ચૂંટણી વખતે રાડો પાડી પાડીને ગૌ-માંસ પર પ્રતિબંધ નહીં લગાવીએ એમ કહેનાર ભા.જ.પે. જ્યાં ૬૫% લોકો  બીફ ખાય છે એ લક્ષદીપમાં ગૌ-માંસ પર પ્રતિબંધ મૂક્યો! એટલું જ આંગણવાડીઓ, શાળાઓમાં મધ્યાહન ભોજનમાં માંસાહાર બંધ! ગૌ-માંસનો કાયદો તોડનારને ૧૦ વર્ષની સજા, ૭૫ લાખ દંડ!

ગુજરાતમાંથી ગયેલા વહીવટદાર, વડા પ્રધાન પણ ગાંધીજીનો રેંટિયો કાંતનાર હોય એ લક્ષદીપમાં જઈને એક સુધારો એવો કરે છે કે શરમથી માથું ઝૂકી જાય. આઝાદી પછી આજ લગી લક્ષદીપમાં દારૂબંધી છે લાયસંસવાળા માટે ૩૬માંથી એક દ્વીપના રિસોર્ટમાં પરવાનગી વાળી દુકાન છે. ત્યાંથી દારૂબંધી હટાવી દેવાઈ! અહીં જ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ફુગ્ગો ફૂટી જાય છે. સહેલાણીઓ માટેનું સ્વર્ગ જો ખાનગી માલિકોના ચરણે ધરવું હોય તો દારૂ પરના પ્રતિબંધને હટાવીને જ ચિયર્સ કરી શકાય! હવે લક્ષદીપ દારૂબંધીમુક્ત!

આ દારૂબંધીનો પ્રતિબંધ હટાવવાથી જે ગુનાખોરીમાં અંતિમ રાજ્ય છે ત્યાં ગૂનાખોરી વધી પણ શકે, વળી, આ ભલે મુસ્લિમબહુલ પ્રદેશ હોય પણ એ ગણાય છે  અનુસૂચિત જનજાતિ (S.T.) આખું રાજ્ય અહીં અનુસૂચિત જનજાતિ છે. એમની સાંસ્કૃતિક ભાતમાં પણ આ ’વિકાસ’ ગોટાળો કરશે. લોકડાઉનની પ્રથમ લહેરમાં એક પણ કેસ ન હતો. ડિસેમ્બર, ૨૦માં પ્રફુલ્લભાઈના પગલાં થયાં ને પ્રવેશનારને ૧૪ દિવસ કવોરંટાઇનના કાયદો દૂર કરાયો! જાન્યુઆરીથી જૂન’૨૧માં છ હજાર કેસ આવી ગયા! તેથી ’લક્ષદીપ બચાવો’ આંદોલન શરૂ થયું છે. જે I.A.S. એ CAA સંદર્ભે રાજીનામું આપ્યું તે કન્નન ગોપીનાથે પ્રફુલ્લભાઇ પટેલ સાથે દાદરા નગર હવેલીમાં કામ કર્યું છે. એણે આ વિકાસની વાતો પોકળ છે તે જણાવ્યું છે. પંચાયતની ચૂંટણીના નિયમો પણ બદલ્યા છે. રહીસહી લોકશાહી છીનવશે. બે બાળકોથી વધુ બાળકોવાળા ચૂંટણી નહીં લડી શકે. આપણી સંસદમાં ૩૦૩ ભા.જ.પ. સાંસદોમાંથી ૯૬ સાંસદ બેથી વધુ બાળકો ધરાવે છે. પ્રફુલ્લભાઇ પટેલે જતા વેંત હંગામી સરકારી કર્મચારીઓને પણ દૂર કર્યા છે. તેથી ખાનગીકરણની શંકાને બળ મળે છે. એથી પ્રજામાં અસંતોષ થયો છે.

કોર્પોરટ હિતને લક્ષમાં રાખી, ધાર્મિક લાગણી ભડકાવવી અને પોતાનો કક્કો ખરો કરવો એેવી નીતિ ધરાવતી આ સરકાર છે એનું વધુ એક ઉદાહરણ લક્ષદીપમાં આવેલા કાયદાઓ પૂરું પાડે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 09

Loading

...102030...1,8661,8671,8681,869...1,8801,8901,900...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved