Opinion Magazine
Number of visits: 9571335
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક કવિતા – એક ગઝલ

દેવિકા ધ્રુવ|Poetry|9 June 2021

કવિતા:

દરિયાને થાય ..

દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.

કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો ..

 

મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે,

સઘળું હો પાસ પણ ક્યાં ક્યાં જઈ અટકે.

ઊંચેરા વાદળની આંખ છે ધરા પર,

ને ધરતીની વરાળ જાય આભ પર.

સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.

દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.

 

છે મઝધારે રહેવાનું આકરું અકારું,


ને કિનારે પહોંચ્વાને હામ હું ન હારું


જો સમંદર, અંદરથી ફીણ-ફીણ થાતો,


અડકી રેતીને વળી પળમાં વળોટાતો.


‘નથી’તે પામવાની ઝંખનાએ એને તળિયેથી ઊંચકીને ફેરવ્યો.


દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.

(2)

ગઝલઃ

વધાવી દીધો છે ..

સમંદરને અંદર સમાવી દીધો છે.
ને અંગાર રાખે દબાવી દીધો છે.

હતો ભાર એને કળીનો હ્રદય પર,
મૂકી એક પથ્થર હટાવી દીધો છે.

કહ્યું પાંખ કાપી હવે ઊડ આભે,
વફાનો શિરસ્તો નિભાવી દીધો છે.

હતું અશ્રુ પાંપણની કોરે લટકતું,
ન ખાળ્યું તો દરિયો વહાવી દીધો છે.

જરા કળ વળી ત્યાં પૂછે લોક આવી,
‘ખુશી છે’ કહી ગમ છુપાવી દીધો છે.

વળી જઇને પાછા કાં ઉછળે છે મોજાં?
હતો જે મિનારો ઉડાવી દીધો છે.

ખુશી દે કે લઇ લે, ફિકર ક્યાં હવે છે?
કહી દો કે ગમને વધાવી દીધો છે.

e.mail : ddhruva1948@yahoo.com

Loading

અટપટું ચટપટું

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 June 2021

કાવ્યકૂકીઝ

0

"તમારે રીટ ફાઇલ કરવી જોઈએ."
"કેમ?"
"ખોટા ખર્ચા થાય તો રોકવાના નહીં?" 
"હવે તો રીટ ફાઇલ કરવાનો પણ ધરમ નથી રહ્યો."
"તે કઈ રીતે?"
"પહેલાં તો રીટ કાઢી નંખાતી …"
"ઠીક ના લાગે તો પણ કાઢી નાખે …"
"પણ લાખનો દંડ પણ કરે છે."
"દાઝ્યા પર ડામ-તે આનું નામ !"
0
"પરીક્ષા પહેલાં એડમિશન ચાલુ કરી દીધું?"
"હા, ફી આવવાની તો ચાલુ થાય !"
"પરીક્ષા ન થઈ તો?"
"તમ ફી લોને, ભાઈ! પગાર જોઈએ છેને?"
0
“જી.ડી.પી. વૃદ્ધિ દર માઈનસમાં ચાલે છે."
"નેતાઓ તો પ્લસમાં ચાલે છે ને?" 
0
"આપણાં લગ્નને વર્ષ થયું તેની ખબર જ ન પડી !"
"મને તો ડગલે ને પગલે પડી છે."
0
"તને શું ગમે, ઓફલાઇન પરીક્ષા કે ઓનલાઈન?
"માસ પ્રમોશન !"
0
"તમારી હોસ્પિટલને ફાયરનું એન.ઓ.સી. નથી."
"અરે, હોસ્પિટલનું પણ નથી."
0
"ન્યૂયોર્કના પેટ્રોલના ભાવ મુંબઈથી અડધા છે."
"એવું હોય તો ત્યાંથી ભરાવી લો !"
0
"કોર્ટ કહે છે, વૃદ્ધોને બદલે યુવાનોને રસી આપો."
"સાહેબ, આ નેતાઓને તો લાગુ નથી પડતુંને?"
0
"પેટ્રોલનો ભાવ ઘટાડવા શું થઈ શકે?"
"હડતાળ!" 
0
"દુકાનો સવારે 9થી બપોરે 3 ખુલ્લી રહેશે ?"
"હા ."
"કરફ્યુ રાતના 9થી સવારે 6 સુધી રહેશે?"
"હા."
"બપોરે 3થી રાતના 9માં તો ન ધંધો ન કરફ્યુ."
"હા."
"એમાં શું કરવાનું?"
"મુંડન !"
"એ જ કરાવવું છે, પણ કોઈ દુકાન ખુલ્લી નથી."
0
"આ તે ફંગસ છે કે ફિલ્મ?"
"કેમ, શું થયું?"
"બ્લેક, વ્હાઇટની જેમ કલર પણ આવશે કે શું?"
0
"સાહેબ, મારે બર્થડે ઉજવવી છે."
"મને બોલાવજે."
"હું તો 500 માણસને બોલાવવા માંગું છુ."
"કેમ નેતા છે? ભેરવાઈ જઈશ."
0
"સાહેબ, લગનમાં કેટલાને બોલાવાય?"
"પચાસ."
"સરઘસમાં?"
"તારે કામ શું છે?" 
"મારે આનંદનો પ્રસંગ છે." 
"લગ્નનો?"
"ના, છૂટાછેડાનો !"
0 

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

આઈ સ્ટીલ બિલિવ ધૅટ વી શેલ ઓવરકમ …

સોનલ પરીખ|Opinion - Opinion|9 June 2021

ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યા થયાને 53 વર્ષ થયાં. અમેરિકાના અશ્વેતોને નાગરિક અધિકાર અપાવવા માટેની લડત એ જ તેમનું જીવન હતું અને તે જ તેમના મૃત્યુનું કારણ પણ બન્યું. આ લડત તેમણે અહિંસા અને અસહકારના ગાંધીચીંધ્યા માર્ગે ચલાવી, ગાંધીજીની જેમ જ ઇચ્છિત અને ન્યાયી પરિણામ પણ મેળવ્યું અને શાંતિ માટેનું નોબેલ ઇનામ મેળવનારા સૌથી નાની ઉંમરના વિજેતા બન્યા. 1964માં નોર્વેમાં નોબેલ સ્વીકારતી વખતે તેમની ઉંમર માત્ર 35 વર્ષની હતી. તેમણે ત્યારે જે કહ્યું તેનું એક શાશ્વત મૂલ્ય છે.

એક પત્રકારે તેમને પૂછ્યું, ‘નોબેલ મળ્યાનું તમારે મન શું મહત્ત્વ છે ?’

તેમણે કહ્યું, ‘શાંતિ માટેના આ સન્માનને હું નીગ્રો પ્રજાની અદ્દભુત શિસ્તની વિશ્વને થયેલી ઓળખ ગણું છું. અમારી લડતમાં લોહિયાળ તબક્કા પણ આવ્યા છે, પણ અહિંસાની શિસ્ત વિનાનો રક્તપાત ભયાનક બનત.’

આ શબ્દો ઉચ્ચાર્યાને સવાત્રણ વર્ષ થયા અને માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યા થઈ. એમના શબ્દો સાચા પુરવાર થયા. અહિંસાની શિસ્ત સાથેનો એ રક્તપાત ભવ્ય બન્યો. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અમર બન્યા. તેમના વિચારો, તેમની ઊર્જા, તેમની ચેતના દેહના, સ્થળના અને કાળના બંધનથી મુક્ત બની આખા વિશ્વમાં ફેલાઈ ગઈ.

આગળ તેમણે કહ્યું હતું, ‘આ ઈનામ હું સ્વીકારું છું ત્યારે અમેરિકાના સવા બે કરોડ નીગ્રો, રંગભેદની દીર્ઘ કાળરાત્રિના અંત માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ અવૉર્ડ હું સ્વાતંત્ર્ય અને ન્યાયનું સામ્રાજ્ય સ્થાપવા સંકલ્પબદ્ધ અને ભવ્ય બલિદાનો આપવા તૈયાર સિવિલ રાઈટ્સ મુવમેન્ટ વતી સ્વીકારું છું.

‘આ ક્ષણે મને યાદ છે – બર્મિંગહામ અને અલાબામામાં ભાઈચારા માટે તલસતા અમારા યુવાનો પર કૂતરાં છોડવામાં આવ્યાં, એમનાં ઘર બાળવામાં આવ્યાં, એમની હત્યાઓ થઈ એ હજી ગઈકાલની વાત જ છે. ફિલાડેલ્ફિયા અને મિસિસીપીમાં મતાધિકાર માગતા અમારા ભાઈઓ પર ગોળીઓ છૂટી હતી એ હું ભૂલ્યો નથી. અને મને એ પણ યાદ છે કે શોષણ અને ગરીબીનો અભિશાપ આજે પણ અમને ઘેરી રહ્યો છે.

‘તેથી મને એ પ્રશ્ન પણ થયો કે જો આવું છે તો પછી આ શાંતિઈનામનો શો અર્થ છે ? પછી હું એ તારણ પર પહોંચ્યો કે આ ઈનામ હું એ સંઘર્ષ વતી સ્વીકારીશ જે એ જાણે છે કે આજની રાજકીય અને નૈતિક સમસ્યાઓનો જવાબ અહિંસા છે. માણસ હિંસા અને શોષણનો ઉકેલ હિંસા અને શોષણથી નહીં લાવી શકે.

‘સભ્યતા અને હિંસા આ બન્ને વિરોધાભાસી વિભાવનાઓ છે. ભારતના લોકોને અનુસરીને અમેરિકાની શ્યામ પ્રજાએ સાબિત કર્યું છે કે અહિંસા નિષ્ક્રિય બાબત નથી પણ આખા સમાજને બદલી શકે તેવી એક નૈતિક શક્તિ છે અને સમગ્ર વિશ્વને એક દિવસ એ પ્રતીતિ થવાની જ છે કે આ પૃથ્વી પર શાંતિથી જીવવાનો એક્માત્ર રસ્તો ભાઈચારાનો છે.

‘જો આ થાય તો માનવજાત આક્રમણ અને પ્રતિશોધના ભરડામાંથી છૂટે. આ પદ્ધતિનો પાયો પ્રેમ છે. હું મારા હૃદયની ગહનતામાં એ પ્રતીતિ પામ્યો છું કે આ ઇનામ વ્યક્તિગત પ્રાપ્તિ કરતાં ઘણું વિશેષ છે. આ ઈનામે સ્વાતંત્ર્યપ્રાપ્તિના અમારા સંઘર્ષને નવું પરિમાણ આપ્યું છે. દુનિયા આ સંઘર્ષના થોડા નેતાઓનાં નામ જ જાણે છે, પણ બલિદાનો આપવા તત્પર અસંખ્ય અનામી સાથીઓ એ જ તેનું સાચું બળ છે. એમના જ ત્યાગને પરિણામે એક દિવસ એક એવા યુગનો ઉદય થશે જેમાં મનુષ્યો માટે ફળદ્રુપ ભૂમિ અને બહેતર સમાજ હોય.

‘આ અનામી નમ્ર મનુષ્યોએ ન્યાય ખાતર જે જે સહ્યું છે તે એળે નહીં જાય. અત્યાચારો સહેવાનો આ માર્ગ મોન્ટગોમરીથી શરૂ થઈ ઓસ્લો પહોંચ્યો છે તે આ જ સત્યના પ્રકાશથી. લાખો  અશ્વેતો આ માર્ગ પર પોતાની માણસ તરીકેની ગરિમાને શોધવા નીકળ્યા અને ફના થઈ ગયા. આ માર્ગ સમસ્ત અમેરિકાવાસીઓ માટે પ્રગતિ અને આશાના નવા યુગનું મંડાણ છે. આ માર્ગે નવો નાગરિક અધિકાર કાયદો આવ્યો છે. આ જ માર્ગ એક દિવસ શ્યામ અને શ્વેત પ્રજાઓના સહકારનો વિશાળ રાજમાર્ગ બનશે.

‘આ અવૉર્ડ સ્વીકારતી વખતે મારા મનમાં શ્રદ્ધા છે. અમેરિકાના ભવિષ્ય માટે, સમગ્ર માનવજાતના ભવિષ્ય માટે. માનવી જેવો છે તેવો જ રહેશે અને તેને જેવા થવું જોઈએ તેવો તે નહીં થાય એ માન્યતાનો હું ઇનકાર કરું છું. હું એ માનવા તૈયાર નથી કે માણસ પોતાના સંજોગોના પ્રવાહને તરીને કિનારે ન આવી શકે. હું એ માનવા તૈયાર નથી કે રંગભેદની અંધારરાત્રિ અને યુદ્ધની ભીષણતા માણસજાત સાથે એવી રીતે જડાઈ ગઈ છે કે શાંતિ અને બંધુત્વનો સૂર્યોદય થવો અશક્ય છે. વિનાશના નર્કમાં ધકેલતા લશ્કરી બળ સિવાય આપણો છૂટકો નથી એ માનવા હું તૈયાર નથી. નિ:શસ્ત્ર સત્ય અને નિ:સ્વાર્થ પ્રેમ એ જ અંતિમ સત્ય હોઈ શકે. જે સાચો છે તે એક વાર હારી જાય તો પણ દુષ્ટ વિજેતા કરતાં વધુ શક્તિશાળી છે એ નક્કી. એટલે આજે યુદ્ધનાં નગારાં વાગે છે ને શસ્ત્રોની બોલબાલા છે, પણ મને ઊજળી આવતીકાલ વિશે  શ્રદ્ધા છે.

‘હું માનું છું કે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો દરેક માણસ શરીર માટે ત્રણ ટંક ભોજન, બુદ્ધિ માટે શિક્ષણ અને સંસ્કાર અને આત્મા માટે ગરિમા, સ્વતંત્રતા અને સમાનતાનો હકદાર છે. હું માનું છું કે આત્મકેન્દ્રી માણસોએ જે તોડીફોડી નાખ્યું છે તેને માનવકેન્દ્રી માણસો ફરી બાંધશે. હું માનું છું કે એક દિવસ વિશ્વ યુદ્ધ અને રક્તપાત પર વિજય મેળવી ઇશ્વર સમક્ષ નતમસ્તક થશે, એક દિવસ અહિંસાનું સામ્રાજ્ય સ્થપાશે, એક દિવસ દરેક માણસ પોતાના વૃક્ષ નીચે બેઠો હશે. કોઈ કોઈથી ડરશે નહીં. આઈ સ્ટીલ બિલિવ ધૅટ વી શેલ ઓવરકમ.

‘આ શ્રદ્ધા જ આપણને અનિશ્ચિત ભાવિનો સામનો કરવાનું બળ આપે છે, આપના થાકેલા પગમાં નવું જોમ પૂરે છે અને આપણા પ્રાણમાં સ્વાતંત્ર્યભૂમિ તરફ જવાનો ઉમંગ ભરે છે.’

1967માં આપેલા એક પ્રવચનમાં ડૉ. કિંગે કહ્યું હતું, ‘આપણી ભાષામાં કાળાપણા માટે કલંક, દુષ્ટતા, સડો, ડાઘ જેવા 120 પર્યાય છે અને શ્વેતપણા માટે શુદ્ધતા, નિર્દોષતા, સ્વચ્છતા, પવિત્રતા જેવા 134 પર્યાય છે. લેખક-અભિનેતા ઓસ્સી ડૅવિસે કહેલું તેમ અંગ્રેજી ભાષાનું પુનર્ઘડતર કરવું જોઈએ, જેથી શિક્ષકોને તેમના કાળા વિદ્યાર્થીઓને પોતાને ઉતારી પાડતી ને શ્વેતોને ઉપર ચડાવતી ભાષા શીખવવી ન પડે. લઘુતા અને ગુરુતાની ગ્રંથિઓનું સર્જન ત્યાંથી જ થાય છે.

જ્યાં સુધી મન ગુલામ છે, શરીર ગુલામ જ રહેવાનું. મનથી મુક્ત થવું તે આત્મગૌરવ તરફ લઈ જતું પ્રથમ પગથિયું છે. કાયદાના સુધારા ત્યારે જ સાર્થક થાય જ્યારે માણસ પોતાની અંદર મજબૂત મૂળ નાખીને બેઠેલાં બંધનોને તોડશે, પોતાની માનવ તરીકેની હસ્તીના ઘોષણાપત્ર પર પોતે જ સહી કરશે અને ગૌરવથી માથું ઊંચું કરીને વિશ્વને અને પોતાની જાતને કહેશે, હા, હું માણસ છું. મારું પણ અસ્તિત્વ છે. મારું પણ માન છે, પ્રતિષ્ઠા છે. મારો પણ ઉદાત્ત સમૃદ્ધ ઇતિહાસ છે. મને મારા પૂર્વજો ગુલામ હતા તેની શરમ નથી. મને શરમ છે એ વિચારની જે હજી અમને ગુલામ રાખવા માગે છે. હા, આપણે ઊભા થવનું છે, ને કહેવાનું છે – હું શ્યામ છું, હું સુંદર છું – શ્વેત પ્રજાને શોષણ કરતી રોકશે આ જ આત્મગૌરવ.’

e.mail : sonalparikh1000@gmail.com 

Loading

...102030...1,8591,8601,8611,862...1,8701,8801,890...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved