Opinion Magazine
Number of visits: 9663880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિબૂ સોરેનનું જવું અને સંમિશ્ર સ્વરાજસ્પંદનોનું જાગવું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 August 2025

 સ્મરણાંજલિ

શોષણયંત્રણા સામે મજબૂત અવાજ

અગ્રવર્ગની ધરાર હિસ્સેદારીથી નિરપેક્ષપણે કથિત ભ્રષ્ટાચારી કારકિર્દી આવે વખતે ધસમસતી સાંભરી આવે છે, પણ ખૂનામરકીની રાજનીતિથી ઉફરાટે લોકશાહી પ્રક્રિયામાં ભળી શકવાની સ્વરાજસંક્રાંતિ ભદ્રવર્ગને પલ્લે પડતી નથી.

પ્રકાશ ન. શાહ

ઝારખંડ જોધ્ધા શિબૂ સોરેનને જોહાર પાઠવવાની ક્ષણે કમબખ્ત પહેલા જેવી જે યાદ ઊભરી આવી તે 1993માં નરસિંહ રાવની લઘુમતી સરકારને બચાવવા સબબ થયેલી લેતીદેતીની હતી. નહીં કે આ યાદ ખોટી હતી, પણ અણી વેળાએ એનું આગળ પડતું ઊબરી આવવું, ઇતિહાસની પ્રક્રિયા અને મુખ્ય પ્રવાહની રીતે જોતાં બેલાશક માત્ર બહારનું હતું. 

એની બધી મર્યાદાઓ સાથે શિબૂ લડ્યા ને ઝૂઝ્યા હતા એ તો આદિવાસીને સારુ ન્યાયને વાસ્તેઃ ઝારખંડનું રાજ્ય બની આવ્યું એની પૂંઠે, એક રીતે, સ્વરાજની બાકી ને ચાલુ લડાઈનો આવડ્યો એવો ધક્કો હતો. નવમી ઑગસ્ટને સામાન્યપણે આપણે સન બયાલીસના ક્રાંતિ દિવસ તરીકે યાદ કરીએ છીએ, અને એક પ્રેરક ઇતિહાસવિગત તરીકે એ ખોટું પણ નથી. પણ હમણેનાં વરસોમાં આ દિવસ આદિવાસી દિવસ તરીકે વ્યાપકપણે ઉજવાતો થયો છે. બે નવમી ઑગસ્ટની આ જોડકતા, કંઈક અજોડ છે, કેમ કે ‘ક્વિટ ઇન્ડિયા’ની અનુઘટના સ્વરાજ નીચે લગી ઝમે તે સ્તો હોવી જોઈએ. 

શિબૂ સોરેન

આ પ્રક્રિયા સર્વસરલ ને સહજ સંભવ તો ક્યાંથી હોય? ઝારખંડને, વેડછી પંથકને જેમ ગાંધીસરકાર પ્રતાપે જુગતરામ મળ્યા એવું તો સૌના નસીબમાં નયે હોય. છતે સ્વરાજે મહાજની પ્રથા તળે ને શાહુકારી-સરકારી સહિયારાં તલે દબાતાંજીતવાં ‘જીવતર વચાળે ન્યાયનો રસ્તો કદાચ હિંસક જ હોઇ શકતો હતો. સોરેન ને સાથીઓ તે રીતે લડ્યા ઝગડ્યા અને સ્થાપિત કાયદાની દૃષ્ટિએ બેલાશક તેઓ ગુનાઇત પૈકી ઠર્યા. પણ એમના પંથકને કે.બી. સક્સેના, કિચિંગ્યા અને લક્ષ્મણ શુકલ જેવા અધિકારીઓ મળી રહ્યા જેમણે સામાન્ય સંજોગોમાં જે પ્રાયોજિત એન્કાઉન્ટરનું કથિત કાનૂની સુખ અને મુક્તિ પામ્યા હોત એ શિબૂ સોરેનને ગુનો કબૂલ કરી તાબે આવવા સારુ પ્રેર્યા ને શીર્ષ સત્તાસ્થાનેથી તે માટે સહુલિયત કરી આપી. આદિવાસી ઇલાકાને જમીન પરના તળ અધિકારી સહિતની સોઈ મળી રહે તે માટે સંઘર્ષ સારુ સુવાણની આથી ‘એક ભૂમિકા બની રહી. ઇંદિરા ગાંધીનો કાર્યકાળ એને અંગે ઇતિહાસનિમિત બન્યો અને આગળ ચાલતાં ઝારખંડનું અલગ રાજ્ય શક્ય બન્યું.

ઝારખંડ મુક્તિ મોરચાની ચળવળ, એમાં જેમ એક છેડેથી સોરેનનું અર્પણ તેમ બીજે છેડેથી ધનબાદના કોલસા કામદારોના યુનિયને ખ્યાત, માર્કસીય મૂળના એ.કે. રોય તો આ જ વિસ્તારના બિનઆદિવાસી એવા કુર્મી વંચિતો વચ્ચેની બિનોદ બિહારી મહતો સરખાની કામગીરી પણ સંભાળશે. 

આવું સમગ્ર ચિત્ર લક્ષમાં લેતાં શુ સમજાય છે? કોરીધાકોડ તપસીલ વાંચીએ શિબૂ હસ્તકની કથિત હત્યાઓની કે નાગરિક શાંતિનો ભંગ કરતી હિંસક હિલચાલોની, તો એક ભારતીય નાગરિક તરીકે આપણને ભાગ્યે જ કળ વળે. પણ જ્યારે સમજાય કે વાસ્તવિક અન્યાય, હાડમાં પે’ધેલ ગેરબરાબરી, આજન્મ શોષણયંત્રણા સામે લડવાની વાજબી કોશિશ માથાં ભાંગવાની જૂની પરંપરાથી ઊંચે ઊઠી, વંડી ઠેકી ‘એક માથું – એક મત’ની શાંતિમય પ્રક્રિયાના સ્વરાજ પ્રવાહમાં પ્રવેશી રહી છે. ત્યારે કેવું મોટું ગુણાત્મક પરિવર્તન આકાર લઈ રહ્યું છે એ પકડાય. 

કબૂલ કે પરિવર્તનના આ ઝંડાબરદારોને નામે ખૂનો બોલે છે, પણ ઊલટ પક્ષે રાજ્ય પોતે સ્થાપિત સંસ્થીકૃત હિંસા હોઈ શકે એ સંજોગોમાં આવું બધું કદાચ દુર્નિવાર પણ હોવાનું. જંગલમાંથી આવે તે જંગલી એવી આપણી ‘નાગરી’ સમજને આ બધું ઝટ પમાતું નથી એટલે ચાલુ પ્રવાહમાં આવ્યા પછી એમના ભ્રષ્ટાચારો આપણને ટીકા વાસ્તે ઝટ જડે છે. ભાઈ, એમના ભ્રષ્ટાચારો આપણે જે નાગરી સ્થાપિતો, એમની હિસ્સેદારીમાં સ્તો હોય છે. 

વારુ. શિબૂને જોહાર પાઠવતી વેળાએ આ લગરીક પણ ઇતિહાસવિવેક કેળવી શકીએ તો બને કે સ્વરાજે નવમી ઑગસ્ટ(1942)થી આરંભી પંદરમી ઑગસ્ટ (1947) એ ય નહીં અટકતાં છવ્વીસમી જાન્યુઆરી(1950)ની સીમાઘટનાને લાંઘી હજુ જે લાંબો પંથ કાપવાનો છે એને માટે સંબલ મળી રહેશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 06 ઑગસ્ટ 2025

Loading

ઉંમરનું રહસ્યઃ

દેવિકા ધ્રુવ|Opinion - Opinion|7 August 2025

દેવીકા ધ્રુવ

જેમ સમયનું વિસ્મય છે તેમ ‘ઉંમર’ શબ્દનું વિસ્મય પણ છે અને રહસ્ય પણ છે. એક નહિ પણ એના ઘણાં બધાં રહસ્યો છે અને અનેક અર્થછાયાઓ છે. પહેલાં તો વિચાર એમ આવે કે ઉંમર એટલે ઉંમર. એમાં વળી શું રહસ્યો? સાચી વાત છે. પણ ગુજરાતી ભાષાના શબ્દોને સમૃદ્ધિની દેન છે. એટલે કે, શબ્દોમાં, એના અર્થોમાં, ભાવોમાં, સૌંદર્યમાં અનોખી તાકાત છે. જરાક ઊંડા ઉતરીને છણાવટ કરવા બેસીએ તો એમાંથી રસપ્રદ મઝાની વાતો મળતી જશે.

પહેલો સવાલ એ કે, ઉંમર શબ્દ આવ્યો ક્યાંથી? તો એ મૂળ  અરબી શબ્દ उम्र પરથી ઉતરી આવેલો સ્ત્રીલિંગ શબ્દ છે. શબ્દકોષ મુજબ એનો અર્થ વય, વર્ષ, જીવનકાલ, આયુષ્ય વગેરે કરવામાં આવે છે તે તો સર્વવિદિત છે. અંગ્રેજી ડિક્ષનેરી પણ કહે છે કે, the length of time that a person has lived or a thing has existed. એટલે કે,  સજીવ વ્યક્તિ, નિર્જિવ વસ્તુ કે ઘટનાના સમયનું માપ એટલે ઉંમર. પણ એનાયે વિભાગો કેટલા બધા? જો માનવજાતની વાત કરીએ તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વયોવસ્થા વગેરે. જો જીવનની વાત કરીએ તો દશકો, શતકો / સદીઓ, યુગો વગેરે. દિવસનું પણ કલાકો, મિનિટો અને સેકંડમાં વિભાજન. કુદરતની વાત કરીએ તો ૠતુઓના ભાગ. હવે આ દરેક વિભાગ એક યા બીજી રીતે કશાકની સાથે જોડાયેલા છે.

હવે વાત વિચારીશું માણસની ઉંમરની કે એ કોની સાથે જોડાયેલી છે. દરેક વ્યક્તિની ઉંમર મન સાથે જોડાયેલી છે અને તન સાથે તો જરૂર જોડાયેલી છે. આપણે ભલે કહીએ કે, ઉંમર એ માત્ર નંબરો છે. સરસ વાત છે અને એ જીવનને હકારાત્મક રસ્તે રાખવાનું એક જરૂરી મનોબળ પણ આપે છે; પણ  હકીકતે ઉંમર મુજબ દરેકનાં તન અને મન, બંનેના આવેગો સંકળાયેલા હોય છે. એટલે કે, દરેકની ઉંમર પ્રમાણે કાર્ય, કર્મ, ક્રિયાઓ, ગતિ, વિચારશક્તિ, સ્વભાવ વગેરે અલગ અલગ બનતાં જતાં હોય છે. એટલે ઉંમરનું આ એક પહેલું રહસ્ય છે. મા,પા,બા, બોલતા, ભાખોડિયાં ભરતા,પા પા પગલી માંડતા બાળકથી માંડીને જીવનની સંધ્યાએ પહોંચેલ, લાકડીને ટેકે ચાલતી અને સૂના બાંકડે બેઠેલ પ્રત્યેક વ્યક્તિની ગતિ-વિધિ, ઉંમર મુજબ બદલાતી રહેતી હોય છે. બીજું, ઉંમર પ્રમાણે બોલી બદલાય છે, રમકડાં બદલાય છે, ટેવો બદલાય છે, વર્તન બદલાય છે. જ્યારે આપણે ૧૦ની ઉંમરના હોઈએ ત્યારે આઈસ્ક્રીમ, ચોકલેટમાં રસ હોય, ૨૦ વર્ષની ઉંમરે ભણવામાં, કેરિયરમાં અથવા યૌવન સહજ ઊર્મિઓમાં રસ જાગે, ૩૦ની ઉંમરે પરિવાર, ઘર વગેરેમાં રસ હોય અને પછી તો જેમજેમ ઉંમર વધે તેમતેમ જરૂરિયાતો, શોખ અને ઘણું બધું બદલાતું જાય છે.

હવે ઉંમરની આ બધી વિવિધતાને કારણે ભાષામાં એના ઉપરથી કેટકેટલી મઝાની કહેવતો, રુઢિપ્રયોગો વગેરે રચાયાં? બીજા શબ્દોમાં ઉંમર, તેની આ અલગ અલગ ગતિ-વિધિ મુજબ સાહિત્યના ખજાના સાથે સંકળાઈ એ પણ એક રસપ્રદ વાત જ ને?

જુઓઃ

ઉંમરમાં આવવું, પરણવાની ઉંમરે પહોંચવું, ઉંમરે પહોંચવું, અંતિમ પડાવે આવવું, અવસ્થાએ પહોંચવું, વાળ ધોળા થયા. વગેરે વગેરે.

 આટલી વાત પછી આ બધી કહેવતોના અર્થ ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે.

હવે મુદ્દો તનનો વિચારીએ તો, ચહેરાની રેખાઓથી માંડીને ચામડી, ચાલ અને કદ પણ બદલાય છે એ તો સૌ કોઈ જાણે છે. પ્રત્યેક જીવ માત્રને માટે થતી રહેતી એ અનિવાર્ય સ્થિતિઓ છે અને છતાં નવાઈની અને રહસ્યની વાત તો એ છે કે, આપણે આપણને રોજેરોજ દર્પણમાં જોઈએ છીએ પણ ક્યારે અને કેવી રીતે આ બદલાવ થયો એ કોઈને ખબર પડતી નથી. બોલો, આ ઉંમરનો જ તકાજો નહિ તો બીજું શું?

રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું, ક્યારે કાયાને બદલતું.
પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવાયે તારથી જાદૂઈ ખેલ બધા રચતું …..

કુદરતમાં પણ આ જ છે ને?

હવે આટલી વાત અને આ સમજણ તો બધાંને જ છે. તો ઉંમર વિશે બીજી જે ખાસ વાત છે તે એની હળવી હળવી અને મસ્તીભરી ઘટનાઓ. કેટલાક લોકો એવા હોય છે કે તેમને ઉંમર વધવાની સાથે કેટલીક અસમર્થતાઓ ઊભી થતી હોય છતાં તેઓ એ સ્વીકારવા તૈયાર હોતા નથી. આમ તો એ સારી વાત કહેવાય. પણ એમાંથી કેટલીક વાર છબરડાઓ ઊભા થતા હોય છે. ખાસ કરીને આંખ અને કાનની તકલીફને કારણે. આ લખતાંની સાથે – ઓહો, અનાયાસે જ દલપતરામનું એક વર્ષો જૂનું પાત્ર જીવરામ ભટ્ટ સાંભરે છે. એમને રાત્રે દેખાતું નથી અને છુપાવવા જાય છે. પણ પછી તો રાતના જમવાના સમયે કંસાર પીરસતા સાસુને, પાડી સમજીને લાત મારે છે અને પછી પોકળ બહાર પડે ત્યારે કેવું હાસ્ય નીપજે છે! એટલે ઉંમર ન સ્વીકારવાનું મિથ્યાભિમાન આવા ખેલો ઊભા કરે છે.

આવી રીતે કાનની તકલીફને કારણે ઊભા થતા હજારો દાખલાઓ મળી આવે છે. એના ઉપરથી તોઃ “મારી સાસુએ એમ કહ્યું કે ગોખમાં દીવો મેલ. મેં ભોળીએ એમ જાણ્યું કે, સોડમાં દીવો મેલ’ જેવાં ગીતો પણ રચાતાં અને રમૂજી ટુચકા તો અસંખ્ય મળી આવે.

એક માણસ તો વળી ઉંમરને કારણે સાંભળે ઓછું પણ પોતે બહેરો છે તે વાત માને જ નહિ. એની સાથે વાત કરનાર વ્યક્તિ મોટેથી બોલે તો એ તરત તાડૂકેઃ ધીમે બોલ ને, હું કોઈ બહેરો નથી!

અહીં સુરેશ દલાલની એક મઝાની પંક્તિઓ યાદ આવે છે.

આંખ તો મારી આથમી રહી ને કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે:  હમણાં હું તો ચાલી.

આ છે ઉંમરની વાસ્તવિકતા.

કેટલાકને વળી ખરેખર ઉંમર જણાતી નથી હોતી. તંદુરસ્તી એવી જાળવી રાખી હોય કે ૮૦ની ઉંમરે પણ ગરબા ફરી શકે અને નૃત્ય પણ કરી શકે. પણ ખૂબી તો એ છે કે, તેમને જોનાર પ્રશંસા કર્યા પછી એક વાત તો જરૂર ઉમેરે કે, વાહ … આ ઉંમરે પણ તમે સરસ નાચી શકો છો! દેખાવ સુંદર લાગે તો પણ વખાણ કરતાં પેલું વાક્ય તો ઉમેરે જ, “આ ઉંમરે પણ ..” એટલે આ ઉંમરનો ઉલ્લેખ કર્યા વગર તો કોઈ વાત કરે જ નહિ. જો વધુ યાદ કરીશું તો આપણે પણ દાદીમા માટે એમ કહેતા કે બાને “આ ઉંમરે” પણ કેટલું બધું હજી યાદ છે! અને નવાઈ તો એ છે કે આપણને આપણી “એ ઉંમરે” એવી સમજણ નથી હોતી પણ છેક દાદીની ઉંમરે પહોંચીએ છીએ ત્યારે જ સમજાય છે! એટલે ઉંમર, સમજણ સાથે પણ કેવી સંકળાયેલી છે?

સાચે જ, કહેવાયું છે ને કે, “ઉંમરનો સૂરજ આસમાને જેમજેમ ચડતો જાય તેમતેમ આપણા અહંનો પડછાયો અને સકલ બ્રહ્માંડમાં આપણો પોતાનો આપણે જ કાઢેલો ક્યાસ નાનો ને વાસ્તવિક થતો જાય છે.”

આમ, ઉંમર શબ્દને વિસ્તારથી આ રીતે વિચાર્યા પછી કહેવાનું તો એટલું જ રહે કે, ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું. કારણ કે, Age is a matter of mind over matter. If you don’t mind it doesn’t matter.

દરેક ઉંમરને એનું સૌંદર્ય છે. ચહેરાની દરેક રેખા, દરેક કરચલી કે ઉંમરના દરેક સળની પાછળ એક અણકહી વાર્તા છુપાયેલી છે. ઇંગ્રિડ બર્ગ્મેનનું એક સરસ વાક્ય છે જેનો ભાવ એવો છે કે, ઉંમર એ એક પર્વત પરનું ચઢાણ છે. છેક ટોચ પર પહોંચીને પાછું વળી જોઈએ તો દૃશ્ય ખૂબ રળિયામણું લાગે. અબ્રાહમ લિંકને પણ એ જ કહ્યું છે ને કે, It is not years in your life that count. It’s the life in your years.

શારીરિક ઉંમર ભલે વધે, માનસિક ઉંમર વધવા ન દેવી. સફળતાની અને સુખની એ એક જ ચાવી. અમેરિકન એક કવયિત્રી પૅટ્રિસિયા ફ્લેમિન્ગની ઘણી કવિતાઓમાંથી ઉંમરના વર્ણન હોય છે અને તેમાંથી પ્રેરણાત્મક સંદેશાઓ મળે છે. તેમની એક લાંબી કવિતા I’m still hereના થોડા મને ગમતા અંશ સાથે આ લેખનું સમાપન કરું.

My looks are nothing special,
My face reveals my age,
My body shows some wear and tear,
And my energy’s not the same.

Too often my memory fails me,
And I lose things all the time.
One minute I know what I plan to do,
And the next it may just slip my mind.

 I’m still quite aware of the beauty inside,
And my value should not be dismissed.

I’m still here and want so much to live,
And I know that there’s no one in this world quite like me,
And no one who has more to give.

ઉંમરનાં સૌંદર્યની કેવી સરસ વાત!  “I’m still quite aware of the beauty inside,
And my value should not be dismissed.”

ઑક્ટોબર ૨૨, ૨૦૨૪
e.mail : ddhruva1948@yahoo.com

Loading

નફરત ફેલાવવા માટે કલાનો શસ્ત્ર તરીકે ઉપયોગ !

Opinion - Opinion|6 August 2025

રમેશ સવાણી

કોઈ તડીપાર / નફરતી / ગુંડો મિનિસ્ટર બને તો? સત્તાનો સદુપયોગ કરે કે દુરુપયોગ? ગુંડાની માનસિકતા જ બીજાને અન્યાય કરવાની હોય છે. ગુંડાઓ પોતાના સ્વાર્થ માટે દરેક સાધનનો ઉપયોગ  કરે છે. કલાનો પણ ઉપયોગ કરે છે. 

2014 પછી મુસ્લિમો પ્રત્યે નફરત કરતી ફિલ્મો બનવા લાગી. હેતુ ધ્રુવિકરણનો હતો. તેમાં મુસ્લિમ સમુદાયને વિલન દર્શાવવામાં આવે. કોર્પોરેટ કથાકાર અને મોદીભક્ત મોરારિ બાપુએ વ્યાસપીઠ પરથી, 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થયેલ ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોવા હિન્દુ ભક્તોને આગ્રહ કર્યો હતો. મેરારિ બાપુએ ‘કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોઈ ન હતી. મોરારિ બાપુના આગ્રહ ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય કે ‘કાશ્મીર ફાઈલ’ પ્રોપેગેંડા ફિલ્મ હતી. આવી જ ફિલ્મ  હતી : ‘ધ કેરળ સ્ટોરી.’

હવે આ બહુમતી હિન્દુઓના મત લણવા બનેલી ફિલ્મને 1 ઓગસ્ટ 2025ના રોજ, 17મા આંતરરાષ્ટ્રીય દસ્તાવેજી અને ટૂંકી ફિલ્મ મહોત્સવ(મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ)માં માહિતી અને પ્રસારણ મંત્રાલય અને NFDC-રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમે ‘ધ કેરળ સ્ટોરી’ને શ્રેષ્ઠ ફિલ્મનો અને સુદીપ્તો સેનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ આપ્યો છે ! આ નિર્ણય ફક્ત નિરાશાજનક નથી, પણ ખતરનાક પણ છે. નાઝી સિનેમાએ હોલોકોસ્ટને પ્રોત્સાહન આપ્યું હતું. હિન્દુત્વ-સિનેમા રોજિંદા નફરત અને હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગોડસેવાદી સરકારની નાગાઈ તો જૂઓ : આવી પ્રોપેગેન્ડા ફિલ્મને ટેક્સ ફ્રી કરે છે અને એવોર્ડ પણ આપે છે !

તેની સામે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણેના સ્ટુડન્ટ્સ યુનિયને 2 ઓગસ્ટ  2025ના રોજ વિરોધ કર્યો છે. 

તેમણે કહ્યું છે કે “રાજ્ય જો બહુમતીવાદી, નફરતથી ભરેલા એજન્ડા સાથે આગળ વધે તો તે સિનેમાના વેશમાં પ્રચારને પુરસ્કાર આપશે. ‘ધ કેરળ સ્ટોરી’ કોઈ ફિલ્મ નથી, પરંતુ એક શસ્ત્ર છે. આ ફિલ્મ એક રાજકીય એજન્ડા પર આધારિત પ્રચાર છે, જે સત્ય ઘટનાના વેશમાં રજૂ કરવામાં આવી છે. ‘ધ કેરળ સ્ટોરી’ એક કટ્ટરપંથી અને નફરત ફેલાવનાર સંગઠનની વિચારધારા દ્વારા સમર્થિત છે. આ ફિલ્મ ખોટા આરોપો અને દ્વેષપૂર્ણ છબીઓ દ્વારા ઇસ્લામ અને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવે છે. આ ફિલ્મ પહેલાથી જ આપણી સામાજિક એકતા, ભાઈચારો અને શાંતિને નુકસાન પહોંચાડી ચૂકી છે. રાષ્ટ્રીય સ્તરે આવી ફિલ્મને એવોર્ડ આપવાથી આપણા દેશના ફિલ્મ ઉદ્યોગને એવા માર્ગ પર લઈ જઈ રહ્યા છે જ્યાં રાજકીય અને સાંપ્રદાયિક દખલગીરીનો ભય છે. એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જ્યાં સર્જનાત્મક અભિવ્યક્તિ દબાવવામાં આવશે. જ્યારે કોઈ સરકારી સંસ્થા આવી નફરત ફેલાવતી ફિલ્મોનું સન્માન કરે છે, ત્યારે તે ફક્ત એક નિર્ણય નથી; તે આપણા દેશના સામાજિક માળખા પર સીધો હુમલો છે. તે સમાજને જોડવાની, સત્યને ઉજાગર કરવાની અને ન્યાય વિશે વાત કરવાની કલાની શક્તિને નબળી પાડે છે. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે અમે એવી કોઈ પણ વાર્તા સ્વીકારીશું નહીં જે નફરત ફેલાવે છે, અથવા માનવતાને વિભાજીત કરે છે. અમને લાગે છે કે અમારા ઉદ્યોગ, જેને અમે પ્રેમ કરીએ છીએ, તેને આવા પ્રચાર અને નફરતથી ભરેલા વિચારોથી બચાવવો જોઈએ. અમારી લડાઈ ફક્ત ફિલ્મ સાથે નથી, પરંતુ તે માનસિકતા સાથે છે જે નફરત ફેલાવવા માટે કલાનો ઉપયોગ કરે છે. અને અમે – જે અલગ અલગ વિચારો, ઓળખ અને સંસ્કૃતિઓમાંથી આવીએ છીએ – આ મૌન અને હિંસા સામે અવાજ ઉઠાવતા રહીશું. અમે ચૂપ રહેવાનો ઇનકાર કરીએ છીએ કારણ કે અમે જે ઉદ્યોગમાં પ્રવેશવાની આશા રાખીએ છીએ તે જૂઠાણા, કટ્ટરતા અને ફાસીવાદી વિચારધારાને પુરસ્કાર આપવા માટે ફરીથી આકાર આપવામાં આવી રહ્યો છે. રાજ્યએ સમજવું જોઈએ : પ્રચારને પુરસ્કાર આપવાથી તે સાચું થતું નથી. અને અમે, વિદ્યાર્થીઓ અને નાગરિકો તરીકે, તેનો વિરોધ કરીશું.”

કેરળના મુખ્ય મંત્રી પિનરાયી વિજયને કહ્યું છે : “કેરળની છબી ખરાબ કરવાના અને સાંપ્રદાયિક નફરતના બીજ વાવવાના સ્પષ્ટ ઇરાદા સાથે ખોટી માહિતી ફેલાવતી ફિલ્મનું સન્માન કરીને, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જ્યુરીએ સંઘ પરિવારની વિભાજનકારી વિચારધારામાં મૂળ ધરાવતી વાર્તાને કાયદેસરતા આપી છે. કેરળ, એક એવી ભૂમિ જે હંમેશાં સાંપ્રદાયિક શક્તિઓ સામે સંવાદિતા અને પ્રતિકારની દીવાદાંડી તરીકે ઊભી રહી છે, તેનું આ નિર્ણયથી ગંભીર અપમાન થયું છે. માત્ર મલયાલીઓ જ નહીં, પરંતુ લોકશાહીમાં વિશ્વાસ રાખનારા દરેક વ્યક્તિએ સત્ય અને બંધારણીય મૂલ્યોના બચાવમાં પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.”

ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણેના વિદ્યાર્થીઓને શાબ્બાશી આપવી પડે કે તેમણે અવાજ ઉઠાવ્યો !

વિદ્યાર્થીઓ વિરોધ કરે / જાગૃત નાગરિકો વિરોધ કરે / મુખ્ય મંત્રી વિરોધ કરે; પરંતુ તડીપાર / નફરતી / ગુંડાઓ સત્તાનો દુરુપયોગ કર્યા વિના ન રહે ! દેશના વડા પ્રધાન જ બેફામપણે નફરત ફેલાવતા હોય ત્યાં કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ / સદગુરુઓ / શ્રી શ્રીઓ / પ્રગટ બ્રહ્મસ્વરુપો / ડાયરા કલાકારો / ફિલ્મ મેકર્સ / ગોદી લેખકો-પત્રકારોની સહેજ ચામડી ખોતરો તો નફરત સિવાય કંઈ જોવા ન મળે !

05 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...185186187188...200210220...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved