Opinion Magazine
Number of visits: 9676912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેવા સાથે તેવા થવું

રમેશ ઓઝા|Opinion - Opinion|18 July 2021

આ કોલમમાં આ પહેલાના લેખમાં મેં જે વિવેચન કર્યું હતું એને ક્રિસ્ટોફ જૅફફરલોટ ‘થિયરી ઑફ સ્ટીગમેટાઈઝેશન એન્ડ ઍમ્યુલેશન’ તરીકે ઓળખાવે છે. આપણે તો બહુ ભલા છીએ, પણ બીજા નઠારા છે તેનું શું? આપણો ઇતિહાસ અને પરંપરા ભલમનસાઈનાં છે, પરંતુ બીજાઓનો ઇતિહાસ અને પરંપરા નફ્ફટાઈનાં છે તેનું શું? આપણે ખાનદાન છીએ પણ બીજા નીચ છે તેનું શું? આપણે દરેક રીતે કલંકમુક્ત છીએ, પણ સામેવાળા દરેક પ્રકારના કલંક (સ્ટીગમા) ધરાવે છે ત્યારે આપણે બાપડાએ શું કરવું? ક્યાં જવું? કેમ જીવવું?

તેમની દૃષ્ટિએ આનો એક માત્ર ઉપાય છે અનુકરણ નકલ (એમ્યુલેશન) એટલે કે તેમના જેવા થવું. જેવા સાથે તેવા થવું. જો તે શઠ છે તો શઠ થવું. નીચ છે તો નીચ થવું. હિંસક છે તો હિંસક થવું. શિવાજી મહારાજે તેમના હિંદુ સિપાઈઓને મુસ્લિમ સિપાઈઓની સ્ત્રીઓ સાથે નીચ વ્યવહાર કરવાની છૂટ ન આપી એ વાતનો તો રોષ છે આપણા મહાન સાવરકરને! આપણે આપણાપણું છોડવું અને બીજાનું બીજાપણું અથવા જેવાનું જેવાપણું અપનાવવું. માટે જૅફ્ફરલોટ તેને અનુકરણ (એમ્યુલેશન) તરીકે ઓળખાવે છે. આનો અર્થ એ થયો કે હિંદુઓએ માના ધાવણમાંથી જે સંસ્કાર મળ્યા છે એ છોડવા. વેદોમાં, ઉપનિષદોમાં, સાંખ્યસૂત્રોમાં, યોગસૂત્રોમાં, જૈનદર્શનમાં, બૌદ્ધદર્શનમાં, મધ્યકાલીન સંતો અને સૂફીઓનાં વચનોમાં, મહાકાવ્યોમાં, કાવ્યશાસ્ત્રમાં, બીજાં ઓછાં જાણીતા દર્શનોમાં, આધુનિક સંતોનાં વચનોમાં, ગ્રંથો અને પરંપરાઓમાં જે કાંઈ માણસાઈની વાત કહેવાઈ છે તેને છોડવી.

આનો અર્થ એવો પણ નથી કે આપણા પ્રાચીન ગ્રંથોમાં અને પરંપરામાં કલંકિત અથવા શરમાવું પડે એવું કાંઈ જ નથી. વર્ણવ્યવસ્થા અને દલિતો સાથે અછૂતપણાનો વ્યવહાર આપણું કલંક છે. સ્ત્રી સાથે કરવામાં આવેલો અને હજુ પણ કરવામાં આવતો અન્યાય આપણું કલંક છે. આવાં બીજાં પણ અનેક કલંક છે. સાચા હિન્દુએ આપણાં કલંકિત ઇતિહાસ અને પરંપરાનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ, શરમ અનુભવવી જોઈએ અને બને એટલી ત્વરાએ કલંકિત પ્રથાને દૂર કરવી જોઈએ. હકીકત એ પણ છે કે આ જગતમાં કોઈ પ્રજા, કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ સભ્યતા કલંકમુક્ત નથી. દરેકનાં પોતપોતાનાં કલંક છે અને પોતપોતાનાં પાપ છે અને દરેકે તેનો સ્વીકાર કરીને શરમાવું જોઈએ. જગતની પ્રજા જ્યારે પોતપોતાનાં કલંકોનો સ્વીકાર કરતી થઈ જશે અને શરમ અનુભવીને તેને છોડવા માંડશે ત્યારે દુનિયામાં રામરાજ્ય અવતરશે.

આમ છતાં ય હું આગ્રહપૂર્વક કહું છું કે દલિતોએ અને અન્યાયનો ભોગ બનેલા અન્ય લોકોએ એ વાત સ્વીકારવી જોઈએ કે એકંદરે ભારતીય પરંપરા ઉદારતાની છે. હું જ્યારે ભારતીય શબ્દ વાપરું છું ત્યારે તેમાં હિંદુઓ, બૌદ્ધો, જૈનો, શીખો, સૂફીઓએ વિકસાવેલ ભારતીય ઇસ્લામને માનનારા મુસલમાનો, પ્રકૃતિપૂજા કરનારા આદિવાસીઓ અને નાસ્તિકોનો સમાવેશ થાય છે. તેમણે મળીને છેલ્લા પાંચ હજાર વર્ષ દરમ્યાન જે પરંપરા વિકસાવી છે તે સહિયારી ભારતીય પરંપરા છે. એમાં શરમાવાપણું જરૂર છે, પણ ગર્વ લેવાપણું ઘણું વધારે છે. જો સાર કાઢવામાં આવે તો આગળ કહ્યું એમ એકંદરે ભારતીય પરંપરા ઉદારતાની છે.

તો સવાલ એ છે કે આપણી સહિયારી પરંપરામાં (જેમાં હિંદુઓનો પ્રભાવ અને હિસ્સો ઘણો મોટો છે.) જે માણસાઈની વાત કહેવાઈ છે તેને પોતીકી ગણીને તેના વારસદાર તરીકે આપણે ગર્વ લેવો જોઈએ અને તેને હજુ વધુ સમૃદ્ધ કરવી જોઈએ કે પછી તેને છોડવી જોઈએ? સાચા હિંદુએ શું કરવું જોઈએ? તમે મને સલાહ આપો તો શું આપો? તમારે તમારાં સંતાનને સલાહ આપવી હોય તો શું સલાહ આપો? તમે પોતે કયો માર્ગ પસંદ કરો અથવા કર્યો છે? અહીંથી આગળ વધતા પહેલાં ક્ષણભર થોભીને વિચારી લો કે તમે તમારાં સંતાનને શી સલાહ આપીને જશો? માના ધાવણ જેવી, આપણી પોતાની, ગળથૂથીમાં મળેલી માણસાઈની પરંપરાને સ્વીકારવાની સલાહ આપીને જશો કે પછી જેવા સાથે તેવા થવા માટે તેને છોડવાની? વિચારો. સાચા ટકોરાબંધ હિન્દુએ શું કરવું જોઈએ?

હિન્દુત્વવાદીઓ કહે છે કે આપણી પરંપરામાં જે માણસાઈનો અતિરેક છે એ આપણી સમસ્યા છે. વિનાયક દામોદર સાવરકરે આમ અનેકવાર અનેક ઠેકાણે કહ્યું છે અને તેઓ જ હિન્દુત્વવાદીઓના એક માત્ર વિચારક છે. કોઈને પ્રમાણની જરૂર હોય તો મરાઠી ભાષામાં સમગ્ર સાવરકર ૧૦ ખંડમાં ઉપલબ્ધ છે એ જોઈ જાય. એમાંનાં કેટલાંક લખાણ ગુજરાતીમાં અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ પણ હશે. પરંતુ બિચારા સાવરકર પણ ક્યાં ઓછા કમનસીબ માણસ છે! તેમના વિરોધીઓએ પણ એક વાત સ્વીકારવી જોઈએ કે તેઓ તેમનો અભિપ્રાય સ્પષ્ટ ભાષામાં વ્યક્ત કરવાની હિંમત ધરાવતા હતા. ઇતિહાસ અને પ્રમાણો સાથે ચેડાં કરશે અને ‘કાલ્પનિક તથ્યો’ પેદા કરશે, પણ અભિપ્રાય શરમાયા વિના આપશે. સ્ત્રીઓને તેમના વિચારો સાંભળીને ઘૃણા થાય એવા વિચારો પણ તેમણે શરમાયા વિના હિંમતપૂર્વક વ્યક્ત કર્યા છે. પણ સાવરકર બિચારા કમનસીબ માણસ છે. તેમના અનુયાયીઓ તેમની વાત સામી છાતીએ મુખરપણે કહેતા નથી, પણ એ જ વાત છાને ખૂણે કહે છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો સાવરકર આજે હયાત હોત તો તેમણે ‘શબવાહિની ગંગા’ નામની બહુચર્ચિત કવિતાના રચયિતા પારુલબહેન ખખ્ખરની ટીકા પોતાના નામ સાથે, બિન્ધાસ્તપણે, સ્ત્રીઓના મનમાં ઘૃણા પેદા થાય એવી ભાષામાં કરી હોત, ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક વિષ્ણુ પંડ્યાની માફક નનામો લેખ લખીને ગોળગોળ ભાષામાં ન કરી હોત. જિંદગીમાં અનેક વાર માફી માગનારા સાવરકર કમ સે કમ અભિપ્રાય તો સ્પષ્ટ ભાષામાં વ્યક્ત કરવાની હિંમત ધરાવતા હતા. બીજી બાજુ પારુલબહેનને છોડવામાં પણ નહોતાં આવ્યાં. અજાણ્યા હિન્દુત્વવાદી ટ્રોલ્સે પારૂલબહેનને અશ્લીલ ગાળો આપીને છાને ખૂણે કહી દીધું હતું કે માણસાઈનો અતિરેક ત્યાજ્ય છે. બહુ માણસાઈના જાપ જપશો તો જેવા સાથે તેવા નહીં થવાય.

બોલો શું કરવું જોઈએ? આપણી પોતાની માતાનાં ધાવણને વફાદાર રહેવું જોઈએ કે પછી જેવા સાથે તેવા થવું જોઈએ?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 જુલાઈ 2021

Loading

વસ્તી નિયંત્રણનાં રાજકારણ કરતાં વૈશ્વિક વસ્તી વિસ્ફોટનો તાર્કિક ઉકેલ લાવવો વધુ જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 July 2021

એક તરફ વસ્તી નિયંત્રણની નીતિ સાથે કૌટુંબિક અધિકારનું દમન અને લઘુમતી-બહુમતીનાં રાજકારણ જેવા બે મોટા પ્રશ્નો જોડાયેલાં છે. બીજી તરફ વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો પ્રતિ વ્યક્તિએ વધતી કાર્બન ફૂટપ્રિન્ટ, માનવ પર્યાવરણનું અસંતુલન, કુદરતી સ્રોતનું પાંખા થતા જેવું જેવી સમસ્યાઓ પણ છે.

આપણા દેશના વસ્તી વિસ્ફોટ વિશે આપણે નથી જાણતા એવું નથી. પડશે એવાં દેવાશે વાળા મિજાજ સાથે બધું ચાલ્યા કરે છે. સૂક્ષ્મ સમસ્યાઓથી માંડીને તોતિંગ પ્રશ્નો બધું ક્યાંક કોઇ રીતે વસ્તી વધારા સાથે સંકળાય છે. ભારત, ૧૪૦ કરોડના આંકડા સાથે સૌથી વધુ વસ્તી ધરાવતો વિશ્વનો બીજો દેશ છે. કેન્દ્ર સરકારે વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવાની કવાયત શરૂ કરી છે. ૨૦૧૯માં ભા.જ.પા.ના ત્રણ સાંસદોએ રાજ્ય સભામાં વસ્તી નિયંત્રણ માટે પ્રાઇવેટ મેમ્બર બિલની વાત કરી હતી અને તે બિલ ફરી ચર્ચામાં છે. આ બિલ અનુસાર બેથી વધુ બાળકો ધરાવતાં પરિવારો પર નિયંત્રણો લાદવાની જોગવાઇ કરવી તથા એક જ બાળક હોય તેવાં પરિવારને વધુ સરકારી સુવિધાઓ આપવાની વાત કરાઇ છે.  આ બિલ સુબ્રમણ્મ સ્વામી, હરનથસિંહ યાદવ અને અનિલ અગ્રવાલે રજૂ કર્યું હતું.

આ બિલની પ્રાથમિક વિગતોથી તો તમે પણ વાકેફ હશો, જેમ કે બેથી વધુ બાળક હોય તો મતાધિકાર છીનવી લેવો, તેઓ પોતે કોઇ ચૂંટણી ન લડી શકે કે કોઇ સંસ્થામાં નામ ન જોડી શકે. વળી સરકારી નોકરી હોય અને ત્રણથી વધુ બાળક હોય તો તેમને સબસિડી ન આપવી વગેરે, નોકરીમાં પણ અમૂક ગ્રેડમાં જ કામ મળી શકે જેવી વાતો આ બિલમાં કરાઇ છે. વસ્તી નિયંત્રણની નીતિને પોતાના રાજ્યમાં લાગુ કરવા અંગે કેટલીક રાજ્ય સરકારો ગંભીરતાથી વિચારી રહી છે. ઉત્તર પ્રદેશ, જેની વસ્તી બ્રાઝીલ કરતાં ય વધારે છે ત્યાં આ લેજિસ્લેશન ડ્રાફ્ટની જાહેરાત કરાઇ અને જનતાની સલાહ માંગી છે. વળી નવી જનસંખ્યા નીતિનું પણ અહીં એલાન કરાયું. ભા.જ.પ.નું શાસન ધરાવતા બીજા રાજ્ય આસામે પણ આ નીતિમાં રસ દાખવ્યો છે તો ગુજરાત રાજ્ય સરકારના મતે પણ જરૂર પડે આ નીતિ અનુસરવા માટે તેઓ તૈયાર છે. ભા.જ.પ.નું જ્યાં શાસન છે ત્યાં આ નીતિ લાગુ કરવા પાછળ મુસલમાનોની વસ્તી પર એક યા બીજી રીતે કાબૂ કરવાની ગણતરી છે તેવું પણ કહેવાઇ રહ્યું છે. આસામ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ ત્રણેય રાજ્યોમાં મુસલમાનોની વસ્તી મોટી છે. આસામના હિમન્તા બિસ્વા સર્માએ તો એવી ટિપ્પણી પણ કરી હતી કે અમારી સરકાર બે મહિના જ નાની છે અને અમે પહેલાં ગૌ રક્ષા કાયદો લાગુ કરીશું પછી બે બાળકોની નીતિ અને ત્યાર પછી લવ જિહાદને લગતો કાયદો લાગુ કરીશું.

તાજેતરમાં એક લેખમાં રાજ મોહન ગાંધીએ જે ટિપ્પણી કરી તે વિચારતા કરી દે તેવી ચોક્કસ છે. તેમણે જે લખ્યું છે તેનો અર્થ કંઇક અંશે આવો છે, ‘ભારતમાં એવા લોકો પણ છે જેમને સ્વતંત્ર સંગ્રામનો ગર્વ છે, બંધારણનું મહત્ત્વ સમજે છે અને માને છે લઘુમતીને દેશની બહુમતીનું રક્ષણ મળે તે સ્વાભાવિક છે; પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી લઘુમતીને અપાતું રક્ષણ – લાડ બની ગયું છે. તેમને લઘુમતી નબળી સ્થિતિમાં છે તે સ્વીકારવું નથી, પછી ભલેને બધા નેશનલ સરવે અનુસાર મુસલમાનો દલિતો કરતાં પણ બદતર હાલતમાં જીવતાં હોય.’

આપણે ત્યાં વ્યવસ્થા અને સ્રોતને મામલે બધું અસ્તવ્યસ્ત છે. વસ્તી એટલી છે કે બધું થાળે પડતાં કે સમાન સ્તરે લાવતાં લાંબો સમય લાગશે. ચીનમાં ૧૯૮૦માં એક જ બાળકની નીતિ લાગુ કરાઇ હતી ૨૦૧૬ સુધી તેનો કડક અમલ કરાયો. ૨૦૨૧માં ચીને ત્રણ બાળકની નીતિ જાહેર કરી. ચીનમાં વૃદ્ધોની સંખ્યા એટલી વધી ગઇ કે વસ્તીનું માળખું અસંતુલિત થઇ ગયું અને આખરે માનવ સંસાધનની જરૂરિયાતોને ગણતરીમાં લઇ વસ્તી વધારા પર ધ્યાન આપવાનું નક્કી કરાયું છે. જો કે ચીનની સ્ટેટ ન્યુઝ એજન્સી ઝિન્હુઆના એક ઓનલાઇન સરવેમાં ભાગ લેનારાઓમાંથી માત્ર ૧,૪૪૩ લોકો જ ત્રીજાં બાળકને જન્મ આપવા તૈયાર છે.

આગામી વસ્તી ઇન્ડેક્સમાં ભારત વસ્તીને મામલે ચીનને પાછળ પાડી દે તેવી પૂરી શક્યતાઓ છે ત્યારે વિવિધ ભારતીય રાજ્યોમાં બે બાળકોની આ નીતિ અંગે ઘણા સવાલો પણ થયા છે.  નેશનલ ફેમિલી હેલ્થ સરવે ૨૦૨૦ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રતિ સ્ત્રીએ જન્મતાં બાળકોની સરેરાશ સંખ્યામાં ઘટાડો થયો છે. આમ તો ભારતના ૧૨ રાજ્યોમાં એક યા બીજી રીતે બે બાળકોની નીતિ લાગુ કરી જ દેવાઇ છે અને ચાર રાજ્યોએ તે પાછી પણ ખેંચી લીધી કારણ કે કોઇ દેખીતો ફેર ન પડ્યો. અહીં કેમ્પેનર્સે કેન્દ્રને શિક્ષણ અને વસ્તી નિયંત્રણના બીજા માર્ગ અંગેની જાગૃતિ પર ધ્યાન આપવા અરજ કરી. રાજસ્થાનમાં પણ બેથી વધુ બાળક ધરાવનારાઓને સરકારી નોકરી નથી મળી શકતી. તો મધ્ય પ્રદેશમાં ૨૦૦૧થી બે બાળકની નીતિ લાગુ કરાઇ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા જેવાં રાજ્યમાં એક યા બીજી રીતે આ નીતિનો અમુક હિસ્સો લાગુ કરાયેલો છે.

એક તરફ વસ્તી નિયંત્રણની નીતિ સાથે કૌટુંબિક અધિકારનું દમન અને લઘુમતી-બહુમતીનાં રાજકારણ જેવા બે મોટા પ્રશ્નો જોડાયેલા છે. બીજી તરફ વૈશ્વિક દ્રષ્ટિએ જોઇએ તો પ્રતિ વ્યક્તિએ વધતી કાર્બન ફૂટપ્રિન્ટ, માનવ પર્યાવરણનું અસંતુલન, કુદરતી સ્રોતનું પાંખાં થતાં જેવું જેવી સમસ્યાઓ પણ છે. વસ્તીનું નિયંત્રણ વૈચારિક હોવું જોઇએ રાજકીય ઇરાદાઓ સાથે જો તે લાગુ કરાય તો તેની કોઇ સારી અસરો વર્તાવાની નથી.

બાય ધી વેઃ

વસ્તી વધારો દેશની નહીં, વૈશ્વિક સમસ્યા છે. આજે ઘણાં યુગલો બાળકોને જન્મ આપવાનું ટાળે છે તેની પાછળ મોડી શરૂ થયેલી જિંદગીથી માંડીને, કરિયર, ગીચતા, વધી રહેલા સામાજિક પ્રશ્નો જેવું કેટલું ય કારણભૂત હોય છે. જિંદગીની ઘટમાળ તો ચાલતી રહેશે પણ નીતિઓના રાજકારણની આરપાર જે વાસ્તવિકતા છે તે જોવાનું આપણે ન ચૂકવું જોઇએ. કોઇ ધર્મ કે જાતિના અપમાન માટે આપણે નીતિઓને આગળ ધરીએ એ આપણા જેવા સુસંકૃત રાષ્ટ્રને કેટલું શોભે? ફરી ભાર મૂકીને કહીશ કે વસ્તી વધારો વૈશ્વિક સમસ્યા છે અને તે પૃથ્વી માટે મુશ્કેલી ખડી કરે છે અને માટે વૈજ્ઞાનિક તથા તાર્કિક કારણોને ધ્યાનમાં રાખી વ્યક્તિગત નિર્ણયો લેવાય તે જરૂરી છે. કૌટુંબિક અધિકારો પર રાજકારણની તરાપ ન હોઇ શકે, હા, તર્ક અને વ્યવસ્થાને મહત્ત્વ આપવું રહ્યું. બીજું એક, બાય ધી વે, એ કે (આમ તો અંગત ટિપ્પણી હતી પણ આ લેખ દરમિયાન યાદ આવી) મને એક વ્યક્તિએ એવી સલાહ આપી કે તમારે બાળકને જન્મ આપવો જોઇએ કારણ કે દેશમાં એક હિંદુ વધશે, આ સાંભળી મારે ગુસ્સો કરવો કે હસી પડવું એ મને સમજાયું નહોતું અને મેં સામે જય શ્રીરામ કહીને વાત અટકાવી દીધી હતી. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  18 જુલાઈ 2021

Loading

આ મુશ્કેલ સમયમાં (58)

સુમન શાહ|Opinion - Opinion|18 July 2021

આ મુશ્કેલ સમયમાં અનેક મિત્રો પોતાનાં સંસ્મરણો લખવા માંડ્યા છે. ઘણા બધા લોકો નવરાશના માર્યા ગપ્પાં તો હાંકે છે પણ વાત વાતમાં પોતાનાં નાનપણની કે જુવાનીની વાતો કરવા લાગી જાય છે.

કોરોનાએ માનવજાતનું ઘણું ઊંધું પાડી દીધું છે. ભવિષ્ય પંગુની જેમ અડવડિયાં ખાય છે. એમ હોય ત્યારે આમ જ બને. ભૂતકાળમાં સંભવેલા કેટલાયે પ્રસંગોની ચિત્તમાં હરફર ચાલ્યા કરે. ઘટનાઓ દેખાયા કરે, કેટલીક તો એવી અવિસ્મરણીય હોય કે ભૂલી ભુલાય નહીં, નજર સામે ભજવાયા કરે – જાણે કશી ફિલમ શરૂ થઈ …

મેં મારા મિત્ર વિપુલ વ્યાસને કહી રાખ્યું છે કે – તું મારી સાથે આપણે ગામ ડભોઈ આવજે. એ પણ ડભોઈનો છે. હું તને ગાયકવાડના સમયની મારી નિશાળ બતાવીશ – જો બચી હશે તો. કાગળકામવાળા નટુ માસ્તર, ડ્રૉઇન્ગટીચર માધુસ્કર ને ગણિત કે અંગ્રેજીના બીજા ટીચરોની વાતો કરીશ. હું ટીચર થયો કેવી રીતે થયો એ કહીશ.

ગલી ગલીમાં, શેરીઓ ને ફળિયાંઓમાં લઈ જઈશ – શેઠફળિયું, ઊંચા ટીમ્બા, પટેલવાગો, તાઈવાગો, મહૂડી ભાગોળ, કડિયાવાડ, આપણી હીરાભાગોળ, ને ક્હૅતો જઈશ – અહીં મને આમ થયેલું, અહીં ઓલાએ આમ કરેલું, તેમ કરેલું. કહેતો જઈશ – એ બધું આ જગ્યાએથી શરૂ થયેલું – અહીં પૂરું થયેલું … યુ પ્લીઝ વિલ વીડિયો મી. તું બધું વીડિઓ કરજે, પછી આપણે બધાં, સાથે બેસીને માણીશું.

વિપુલ કહે, જરૂર જઇશું. પણ આ કોરોનાએ હજી જવા દીધા નથી. ક્યારે તે ય એ જાણે …

બાકી, મને મારા ગામની છીંકણીઓળની છીંકણીની મીઠી પણ તેજ સુગન્ધો યાદ આવે છે, વાર લગાડું તો છીંક પણ આવે. ચૉક્સીઓળનો અમ્બુ સોની કસોટી પથ્થર પર ઘરાકનો દાગીનો પરખતો દેખાય. શંકર ધોબી ઇસ્ત્રી હલાવતો હોય – અંદરના કૉલસા ઠરી તો નથી ગયા ને. ભાડભૂંજાવગામાં ફૂટતી ધાણીની સોડમ યાદ આવે છે. દયારામ સ્કૂલે જતાં એક પેઇન્ટરનું ઘર આવતું’તું. ચીતરેલાં પેઇન્ટિન્ગ્સ ને દુકાનોવાળાનાં સાઇનબૉર્ડ્સ એના ઓરડેથી એણે ઓટલે મૂક્યાં હોય, જોવા ઊભો રહું. નીચે ખૂણામાં પોતાનું નામ અચૂક ચીતરે – પેન્ટર રમણલાલ.

શ્રીમાળીવગામાં થઈને હું નાંદોદી ભાગોળે જતો, ને ત્યાંથી ગામ બ્હારના એક ચૉગાનમાં. ત્યાંથી બા-ના કહેવાથી ઘર માટે માથું ધોવાની કાળી માટી લાવતો. મોટીબાએ શીખવેલું. ને મોટીબાને એની બા-એ. પરમ્પરા તે એનું નામ.

ચૉગાન એવું મોટું કે સૂઇ જવાનું મન થાય, ને ત્યારે આકાશનો ઘુમ્મટ બહુ નીચો લાગે, ઊંઘી પણ જવાય. એ માટીને છાશમાં પલાળીને માથું ચોળવાનું, ધોઈ નાખવાનું ને પછી સરસ ન્હાઈ લેવાનું. ત્યારે, ન્હાવા માટેનો ઉત્તમ સાબુ લાઇફબૉય હતો, સુન્દરી આપણી ઍક્ટ્રેસોનો લક્સ તો પછી આવ્યો. સારામાં સારો ધોવા માટેનો, સનલાઈટ. કાળી માટી પછી આવ્યા અરીઠા, પછી શિકાકાઈ, ને છેલ્લે આવ્યાં શેમ્પૂ. માટીમાં નેચરલ કન્ડિશનર હતું. એથી વાળની સુંવાળપ ચમકતી, હથેળી ફેરવ્યા જ કરો. કૂણા તડકે બેસી સૂકવીએ એટલે એક અકથ્ય પીમળ આવે. ત્યારે હું વાળ લાંબા રાખતો, ઝટકાવીને સામે લાવું, ચ્હૅરો ઢંકાઈ જતો.

ઝારોલાની વાડી, દરજીની વાડી, વાડીઓમાં જમણવાર થતા. બહુ લોક હોય ત્યારે વાડી બ્હાર રસ્તાની બાજુએ પાથરણું પાથરી પંગતમાં બેસવાનું, પતરાળાં-પડિયા ગોઠવી રાહ જોવાની, ક્યારે ગરમ ગરમ દાળ આવશે … અમારી દશાલાડની વાડીમાં નાત આખીને નૉંતરું હોય. બાજુમાં વાવ હતી. સૌ પહેલાં બધી વાનગીઓની થાળી એમાં પધરાવતા, કેમ કે ત્યાંનું કોઈ ભૂત કે કોઈ ડાકણ સઘળી રસોઇને અભડાવે નહીં – બાકી, ઠેર ઠેર કીડીઓ ને ઘિમેલો ઉભરાઈ જતી.

દરજીની વાડીમાં જ્ઞાતિનાં વાર્ષિક સમ્મેલનોની પ્રૅક્ટિસો થતી. હું ત્યારે સારું ગાઈ શકતો'તો, ૧૪-૧૫નો હોઈશ. મારી સાથે કોઇક ગાતું'તું. એકવાર સમ્મેલનવાળાઓએ મને સ્ત્રીનો પાઠ આપેલો. ચોટલો ને સ્ત્રીને હોય એવું બધું બઝાડેલું. જૅન્તી અફીણી મારો 'એ' હતો. વાડી આમ સાંકડી પણ મને ગમતી’તી કેમ કે ઘરની નજીક હતી. દેશી ઘી-ના લાડુ અને લાલ તેલમાં તરતા વાલ ને કમોદના મ્હૅકતા ભાતમાં ભેળવેલી સૂરણવાળી ઊની ઊની દાળના સબડકા હજી ભુલાતા નથી …

સ્મરણોનો પાર નથી. વણજારાની વણજાર સમજો. ઘેટાં ડોકાં ધુણાવતાં એકની પાછળ એક ને જોડે જોડે એવી જ હારોમાં ચાલ્યે જતાં હોય. કોઈ કોઈ સ્મરણો બકરાંની જેમ અકારણ જ બૅંઍંઍં કરી મૂકે … મને સમજાય નહીં કે કેમ … એક ટીચરે મારા કશા જ વાંક વિના મને તમાચો મારેલો. મારી બા ધાઈને નિશાળે પ્હૉંચી ગયેલી – હમજે છે હુ તારા મગજમાં? માસ્તર છે કે રાખ્ખસ? પેલો ક્હૅ, ભૂલ થૈ ગઇ. જવાબમાં બા ગાળ જેવું બબડેલી … મૃત પત્નીના ટાઢાબોળ દેહને બાઝી રહેલા મને મારા ધબકારા આંસુમાં ઠરી ગયેલા અનુભવાતા'તા. કયો અપરાધ પડ્યો? એ શૂળ અહીં તહીં હજી ભૉંકાય છે. સ્મૃતિનાં બકરાં અકારણ જ બૅંઍંઍં નથી કરતાં, વણજારમાંથી બ્હાર નીકળી જાય છે – ઊંચી ડોકે એકલાંઅટૂલાં આકાશે શું યે જુએ છે …

મને થાય, હું આમ યાદોમાં ખૂંપી જઉં છું, કેવો છું …

બોર્હેસ

Picture courtesy : World Literature Today

પણ એવે વખતે મને હોર્હે લૂઇસ બોર્હેસે [Jorge Luis Borhes] લખેલી એક ટૂંકીવાર્તા, Funes the Memorious યાદ આવે છે. એની થોડી વાત કરું : મુખ્ય પાત્રનું નામ છે, ઇરેનેવ ફોનેસ. એ ફોનેસ ‘મેમોરિયસ’ છે. એટલે કે સ્મરણપ્રવણ. સ્મરણશીલ અથવા કહો કે સ્મરણિયો. મારે આ વાર્તાનો અનુવાદ કરવાનો હોય તો શીર્ષક રાખું – સ્મરણિયો ફોનેસ.

ફોનેસ

Picture courtesy : Leer Es Lo Mejor

ફોનેસ ૧૯ વર્ષનો છે. સ્મરણિયો છે એનો અવળો અર્થ એ કે એ કશું જ ભૂલી શકતો નથી. વીતેલાં વરસોમાંથી કોઈ એક દિવસ ખૉળી કાઢે ને એ દિવસને જેવો હતો તેવો કહી બતાવે. એની સ્મૃતિ ખૂલતી જાય, ખૂલતી જાય. મૂળે જે બન્યું હોય, અનુભવાયું હોય, તેની વીગતો બસ ઊકલ્યા જ કરે. એમાં ને એમાં, સ્મરણિયા ફોનેસનો આખો દિવસ ખરચાઈ જાય.

કથક એને ૧૮૮૪માં મળેલો, ઉરુગ્વેના ફ્રે બેન્તોસમાં. એક વાર કથક અને એનો ભત્રીજો બર્નાર્ડો ક્યાંક જતા’તા. એકાએક કશા સધર્ન વિન્ડ શરૂ થયેલા – પ્રચણ્ડ અને ભયાવહ પવનો. વૃક્ષો ગાંડાં થઈ ગયેલાં. કથકને થાય, આ ખુલ્લાંમાં, કડાકાભડાકા સાથે વરસાદ પડશે, તો તો શું યે થશે. કહે છે, અમે તો વંટોળ જોડે યુદ્ધે ચડેલા. ઢાળવાળા સાંકડા રસ્તેથી ઊતરતા’તા, જાણે તૂટેલી કોઈ દીવાલ સૂઈ ગયેલી. ત્યાં એકાએક અંધારું થઈ ગયું. મેં ઉપલાણમાં કોઈનાં ઝડપી ને ભેદી પગલાં સાંભળ્યાં. આંખો માંડીને તાક્યું તો એક છોકરો હતો. સાંકડા રસ્તે થઈને આવતો’તો. કથકને એ પરખાઈ જાય છે. એ એ જ હતો, જેનું કથકે વાર્તાના પ્રારમ્ભે ગ્રાફિક ડિસ્ક્રિપ્શન કર્યું છે – પ્હૉળા પાયજામાવાળો, કંતાનનાં જૂતાંવાળો, કરડા ચ્હેરાવાળા મૉંમાં જેણે સિગારેટ દબાવી રાખેલી, એ ફોનેસ.

આકાશમાં તો ઝંઝાવાતી વાદળો પર વાદળો તોફાને ચડ્યાં’તાં. ત્યાં એકાએક ભત્રીજાએ ફોનેસને પૂછ્યું : કેટલા વાગ્યા છે, ઇરેનેવ? : ઊંચે આકાશમાં જોયા વગર, જરાપણ અટક્યા વગર, ફોનેસ કહે છે : આઠમાં ચાર મિનિટ બાકી છે, બર્નાર્ડો … ફોનેસે વૉચમાં જોઈને ન્હૉતું કહ્યું, મિનિટ ગણવા ય ન્હૉતો રોકાયો.

એક દિવસ ફોનેસ ઘોડા પરથી પડી જાય છે. એ પછી એ જુએ છે કે પોતાની યાદશક્તિ તીવ્ર થઈ ગઈ છે. કોઇપણ ચીજ એને આખે આખી દેખાવા લાગી, એકોએક વીગતો સાથે. દાખલા તરીકે, ફોનેસ વાદળાંના આકાર કેવા છે, તરત કહી શકતો, ભલે ને બદલાયા કરતાં હોય.

આ કથક તે બોર્હેસ પોતે, એમ મનાય છે. એ માન્યતા સાચી છે, પણ મને નથી ગમતી.

૧૮૮૭માં કથક બુએનો ઍરિસ પાછો ફરે છે, એને લેટિન શીખવી હોય છે. ઘોડા પરથી પડી જવાને કારણે ફોનેસને ઇજા તે અરસામાં જ થયેલી. કથકને ફોનેસની ચિઠ્ઠી મળે છે – એમ કે કોઈક એને કથકનાં લેટિન પુસ્તકો અને ડિક્ષનરી આપી ગયું છે. કથક અસમંજસમાં પડી જાય છે, સામું જણાવે છે કે એ પુસ્તકો કેટલાં તો અઘરાં છે, પૂરાં સમજાયાં જ નથી, પોતાનો ભ્રમ ક્યારનો ભાંગી ગયો છે.

દરમ્યાન, કથકના પિતા માંદા હોવાનો તાર આવે છે. કથક નીકળવાની તૈયારી કરતો હોય છે, એને પુસ્તકો યાદ આવે છે, ફોનેસને ત્યાં પ્હૉંચી જાય છે. ફોનેસની મા ક્હૅ છે – એ બેઠો પેટિયોમાં. અચરજની વાત એ કે ફોનેસ પર્ફૅક્ટ લેટિનમાં કથકનું સ્વાગત કરે છે ! એટલું જ નહીં, ‘હિસ્ટોરિયા નેચરાલિસ’ ગ્રન્થના ૭-મા ભાગના ૨૪-મા પ્રકરણના પહેલા ફકરાનું આબાદ પઠન કરી બતાવે છે ! એટલું જ નહીં, ગ્રન્થમાં પ્રોડિજિયસ મેમરીવાળાઓના, એટલે કે નાની વયથી જ અસાધારણ સ્મૃતિ ધરાવનારાઓના, જેટલા કંઈ કિસ્સા વર્ણવાયેલા, એક પછી એક ગણી બતાવે છે.

સ્મરણિયા ફોનેસની યાદદાસ્ત આમ, જેટલી તીવ્ર હતી એટલી જ અકળ હતી. એ શું પ્લેટોના ‘આઇડીઆ’ને સમજતો’તો? ના. સાધારણીકરણ તે શું, અમૂર્તતા તે શું, એને કશી જ ખબર ન્હૉતી. પછીથી તો, એણે ગણકયન્ત્ર બનાવેલું. પણ દરેક સંખ્યાને પોતાને જે ઠીક લાગે એ નામ આપતો'તો. કથક કહેતો – આમ ન કરાય, સંખ્યાને નામ આપવાં બરાબર નથી, દોષ કહેવાય.

પણ ફોનેસને કશું જ પલ્લે પડતું નહીં. એ તો ગામડા ગામનો ગરીબડો ભોળિયો હતો. કથક સરસ જણાવે છે કે એનામાં ‘કશીક તોતડાતી મહાનતા’ હતી. બિચારાને ઊંઘ આવે નહીં કેમ કે આસપાસનાં મકાનોના આકાર ને એની દીવાલોમાં પડેલી તિરાડો દેખાયા કરે …

કથકને એણે કહેલું કે જે કંઈ માર્વેલસ – અજબગજબ ને ચમત્કારી – કહેવાયું હોય છે, એનાથી ચકિત રહેવાની પોતાને હમેશાં મજા પડે છે.

જોવા જઈએ તો ફોનેસ પોતે પણ એવો જ ચમત્કારી પ્રોડિજી હતો.

જોવા જઈએ તો બોર્હેસની સૃષ્ટિ પણ એટલી જ માર્વેલસ છે. સ્પૅનિશ ભાષા-સાહિત્યમાં તો ખરું જ પણ વિશ્વ-સાહિત્યમાં એમનું અનોખું સ્થાન છે. આમ તો આર્જેન્ટિનાના સાહિત્યકાર ગણાય. ટૂંકીવાર્તાઓ, કાવ્યો, નિબન્ધો, લેખો, લખ્યાં છે, અનુવાદો કર્યા છે. યુનિવર્સિટી ઑફ બુએનો ઍરિસમાં અંગ્રેજી ભાષા-સાહિત્યના પ્રૉફેસર હતા. દુખદ વાત એ કે ૫૫-ની વયે દૃષ્ટિ જતી રહેલી, સાવ અન્ધ થઈ ગયેલા.

આ કોરોના પૅન્ડામિક સંસારમાં સારીનરસી અસંખ્ય સ્મૃતિઓ મૂકી જવાનો છે. માણસને ત્યારે સ્મરણિયા ફોનેસ થવું નહીં ગમે, પણ મને ગમશે. કેમ કે, જેવાં હોય એવાં, પણ સ્મરણો વિનાનો હું મને ખાલી ખોખું લાગું …

= = =

(July 17, 2021:USA)

Loading

...102030...1,8471,8481,8491,850...1,8601,8701,880...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved