Opinion Magazine
Number of visits: 9663818
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘Food Bank’ કઈ રીતે કામ કરે છે?

રમેશ સવાણી|Opinion - Opinion|8 August 2025

અમેરિકામાં માનો કે કોઈ કમાતી વ્યક્તિને કાર અકસ્માત થાય અને આવક જતી રહે તો તેઓ કઈ રીતે જીવે? ઘર કેવી રીતે ચાલે? ખાય શું? આ સ્થિતિમાં ‘ફૂડ બેન્ક’ ખોરાક માટે મદદ કરે છે.

USAમાં ફૂક બેંકનું વિશાળ વેરહાઉસ જોઈને આશ્ચર્ય થયું કે આવડી મોટી ફૂડ બેન્ક ! જાણે મોટી ફેક્ટરી ! 

જોન આર્નોલ્ડ વાન હેંગેલ

યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી જૂની ફૂડ બેંક ‘સેન્ટ મેરી ફૂડ બેંક’ છે. તેની સ્થાપના 1967માં John Arnold van Hengel – જોન આર્નોલ્ડ વાન હેંગેલે (21 ફેબ્રુઆરી, 1923 – 5 ઓક્ટોબર 2005) એરિઝોનાના ફોનિક્સમાં કરી હતી. તેને વિશ્વની પ્રથમ ફૂડ બેંક માનવામાં આવે છે. તેમને ‘ફૂડ બેંકિંગના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. હાલ USમાં 200થી વધુ ફૂડ બેંકો છે. હ્યુસ્ટન ફૂડ બેંક એ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટી ફૂડ બેંક છે. તે દક્ષિણપૂર્વ ટેક્સાસમાં 18 કાઉન્ટીઓમાં સેવા આપે છે અને 1,600 થી વધુ સમુદાય સંગઠનો સાથે ભાગીદારી કરે છે.

ફૂડ બેંક બિન-લાભકારી / બિન સરકારી સંસ્થા છે. જે ખોરાક એકત્રિત કરીને જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને પરિવારોને વિતરિત કરે છે. આ રીતે લોકોની ભૂખ ભાંગે છે. ફૂડ બેંક ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોને પોષણ આપવા માટે સમુદાયની શક્તિને પ્રજ્વલિત કરે છે. તે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે, દાતાઓને ભૂખનો સામનો કરી રહેલા લોકો સાથે જોડે છે, અને ખોરાક ખરીદવા, પરિવહન કરવા અને સંગ્રહ કરવા તેમ જ ભોજન તૈયાર કરવા સહિત વિવિધ પદ્ધતિઓ દ્વારા કાર્ય કરે છે. તે ઓછી આવક ધરાવતા પરિવારો, વૃદ્ધો, બેઘર લોકો અને નોકરી ગુમાવવા અથવા અન્ય કટોકટીનો સામનો કરી રહેલી વ્યક્તિઓ સહિત વિવિધ સંવેદનશીલ જૂથોને મહત્ત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે.

ફૂડ બેંકો કેવી રીતે કાર્ય કરે છે? ફૂડ બેંકો વ્યક્તિઓ, વ્યવસાયો, ખેડૂતો અને સરકારી કાર્યક્રમો સહિત વિવિધ સ્રોતોમાંથી દાન મેળવે છે. ફૂડ બેન્કની વેબસાઇટ પર જઈને લોકો ડોનેશન આપે છે. તે સ્થાનિક ફૂડ પેન્ટ્રી અને અન્ય સંસ્થાઓના નેટવર્કને ખોરાકનું વિતરણ કરે છે. તેમની પાસે ખોરાક સંગ્રહિત કરવા અને વિતરણ કરવાની સુવિધાઓ છે. ફૂડ બેંકો સ્થાનિક એજન્સીઓ, જેમ કે સૂપ કિચન, આશ્રયસ્થાનો અને સમુદાય કેન્દ્રો સાથે ભાગીદારી કરે છે, જેથી ખોરાકની જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચી શકાય. ફૂડ બેંકો ભૂખમરો ઘટાડવામાં અને વ્યક્તિઓ અને પરિવારોને આવશ્યક પોષણ પૂરું પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફૂડ બેંકો સમુદાયનાં શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યમાં ફાળો આપે છે. ફૂડ બેંકો વધારાના ખોરાકનું પુનઃવિતરણ કરે છે જેથી ખોરાકનો બગાડ અટકે છે.

ફૂડ બેંકો સ્વયંસેવકો આધારિત છે. ફૂડ બેંકનું કામ મુખ્યત્વે સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે. જેઓ ફૂડ સૉર્ટિંગ / પેકિંગ / વિતરણ / ડેટા એન્ટ્રી / ફાઇલિંગ / મેઇલિંગ જેવા કાર્યોમાં સહાય કરે છે.

‘ફીડિંગ અમેરિકા’ એ USમાં સૌથી મોટી ચેરિટી છે, જે ભૂખમરો દૂર કરવા માટે કામ કરે છે, જે 200 થી વધુ ફૂડ બેંકો અને 60,000 ભાગીદાર એજન્સીઓનું નેટવર્ક છે. USમાં 70 થી વધુ સ્વતંત્ર ફૂડ બેંકો પણ છે જે ‘ફીડિંગ અમેરિકા’ નેટવર્કનો ભાગ નથી. 

ફૂડ બેંકો, ફૂડ પેન્ટ્રીથી અલગ છે. ફૂડ પેન્ટ્રી એક વિતરણ કેન્દ્ર છે જ્યાં ભૂખ્યા પરિવારો ખોરાક મેળવી શકે છે. ફૂડ બેંકમાંથી ફૂડ પેન્ટ્રીને ખોરાક પૂરો પાડવામાં આવે છે. ફૂડ બેંકો સ્ટોરેજ અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરો છે, જ્યારે ફૂડ પેન્ટ્રીઓ ડાયરેક્ટ-સર્વિસ પ્રોવાઇડર છે; જે વ્યક્તિઓને ખોરાકનું વિતરણ કરે છે. ફૂડ પેન્ટ્રીઓ તેમના ખોરાક પુરવઠા માટે ફૂડ બેંકો પર આધાર રાખે છે.

સમૃદ્ધ USમાં, 34 કરોડ વસ્તીમાં આશરે 4.9 કરોડ લોકો ચેરિટેબલ ફૂડનો લાભ લે છે ! મતલબ કે 49  મિલિયન લોકો ખોરાકની અછતનો સામનો કરી રહ્યા છે ! ન્યુજર્સીમાં લગભગ 1.1 મિલિયન લોકો છે, જેમાં 2,70,000 થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. 

ન્યુ જર્સીનો SNAP-સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ, ઓછી આવક ધરાવતા પરિવારોને મોટા ભાગના ફૂડ રિટેલ સ્ટોર્સ અને કેટલાક ખેડૂત બજારોમાં સ્વીકૃત બેનિફિટ કાર્ડ દ્વારા કરિયાણું ખરીદવામાં મદદ કરવા માટે ખોરાક સહાય પૂરી પાડે છે. પાત્રતા આવક અને સંસાધનો જેવા ઘણા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે.

જો કોઈ બેઘર ન હોય તો પણ ફૂડ બેંકમાં જવું ઉચિત છે. ફૂડ બેંકો એવી વ્યક્તિઓ અને પરિવારોને મદદ કરવા માટે રચાયેલ છે જેઓ ખોરાકની અસુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે, પછી ભલે તેમની રહેઠાણની પરિસ્થિતિ ગમે તે હોય. સૌથી સારી બાબત એ છે કે ફૂડ લેનારને તેમની આવક / ધર્મ વિશે પૂછવામાં આવતું નથી. 

આપણે ત્યાં પણ રાહત દરે ભોજન કે મફત ભોજનની સગવડ કેટલીક સેવાભાવી સંસ્થાઓ કરે છે. પરંતુ USની ફૂડ બેંકની જેમ વિશાળ પાયા પર / આયોજનબદ્ધ કામગીરી થતી નથી. આપણે ત્યાં સરકારી અનાજ વિતરણમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થાય છે, આવું USમાં જોવા મળતું નથી ! જો કે જે ગેરરીતિ થાય છે તે SNAP- સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ અપાતા food stamps – ફૂડ સ્પેમ્પ્સમાં થાય છે તે પણ ફૂડ સ્પેમ્પ ધારક કરે છે ! જેમાં ખોરાકને બદલે દારૂ / તમાકુની બનાવટો જેવી અયોગ્ય વસ્તુઓ મેળવે છે ! આપણે ત્યાં સરકારી અનાજ વિતરણમાં જે ગેરરીતિ થાય છે તેમાં વિતરક / મામલતદાર / કલેક્ટર / પુરવઠા અધિકારી / પુરવઠા સચિવ / પુરવઠા મિનિસ્ટરની સક્રીય ભાગીદારી અથવા આંખમિચામણ  હોય છે !

06 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તેરી દુનિયા સે હો કે મજબૂર ચલા

સોનલ પરીખ|Opinion - Opinion|8 August 2025

તેરી દુનિયા સે હો કે મજબૂર ચલા

મૈં બહોત દૂર, બહોત દૂર, બહોત દૂર ચલા …

ઈસ કદર દૂર હૂં મૈં લૌટ કે ભી આ ન સકું

ઐસી મંઝિલ હૈ જહાં, ખુદ કો ભી મૈં પા ન સકું 

ઔર મજબૂરી હૈ ક્યા ઈતના ભી બતલા ન સકું …

આંખ ભર આઈ મગર અશ્કોં કો મૈં પી લૂંગા

આહ નિકલી જો કભી, હોઠોં કો મૈં સી લૂંગા

તુઝસે વાદા હૈ કિયા ઈસલિયે મૈં જી લૂંગા … 

ખુશ રહે તૂ હો જહાં લે જા દુઆયેં મેરી 

તેરી રાહોં સે જુદા હો ગઈ રાહેં મેરી

કુછ નહીં પાસ મેરે બસ હૈ ખતાયેં મેરી …

કોઈ ફિલ્મના સફળ થયેલા ને ગાજેલા ગીત પાછળ સરસ પણ અલ્પપ્રસિદ્ધ ગીતો ઢંકાઈ જાય એવું બને છે. ‘ખામોશી’નાં ‘તુમ પુકાર લો’ અને ‘વો શામ કુછ અજીબ થી’ પાછળ એક મીઠું ને દર્દભર્યું ગીત ઢંકાઈ ગયું હતું – એને ગીત પણ ન કહી શકાય – થોડી અમસ્તી પંક્તિઓ જ હતી, ગુલઝારની – ‘આજ કી રાત ચરાગોં કી લૌ ઊંચી કર લો, હો સકે તો દિલ કી આગ આંચલ મેં ભર લો, અપની આગ મેં જલના હોગા, આજ અકેલે ચલના હોગા’ આ પંક્તિઓ ઓછી જાણીતી ગાયિકા આરતી મુખર્જીએ હેમંતકુમારના સંગીત નિર્દેશનમાં ગાઈ હતી. 

1976ની ફિલ્મ ‘તપસ્યા’ માટે તેણે કિશોરકુમાર સાથે ગાયેલા ‘દો પંછી દો તિનકે’ ગીતનું પણ એવું જ હતું. નાયિકા ઇન્દુ(રાખી)એ બલિદાન પર બલિદાન માગતી જિંદગી પસંદ કરી હતી છતાં એ અને સાગર (પરીક્ષિત સહાની) એકમેકને ચૂપચાપ ચાહતા. આ સ્થિતિમાં બંનેએ જોયેલા એક નાજુક-નમણા સ્વપ્નનું આ ગીત ‘જો રાહ ચુની તૂને’ એ જબરદસ્ત ગીત પાછળ ઢંકાઈ ગયું હતું. આ ગીત રચનાર એમ.જી. હશ્મત પણ એ જ ‘ઓછા જાણીતા’ જૂથના સભ્ય છે. 

બલરાજ સહાની અને પરીક્ષિત સહાની

જેવું આ ગીતનું તેવું જ ફિલ્મમાં પરીક્ષિત સહાનીનું છે. તેના સક્ષમ સપૉર્ટ વગર રાખીનું મુખ્ય અને મજબૂત પાત્ર અધૂરું રહી જાત. રાખી અને પરીક્ષિત એકબીજા સાથે એટલાં શોભતાં હતાં કે 1977માં ‘દૂસરા આદમી’માં પણ શશી કપૂરના મૃત્યુથી ભાંગી પડેલી અને એના જેવા દેખાતા રિશી કપૂરને પ્રેમ કરવા લાગેલી રાખીને ચૂપચાપ ચાહતા ને સંભાળતા પુરુષ તરીકે પરીક્ષિતની જ પસંદગી થઈ. 

પ્ર-સિદ્ધ કલાકારોના, એમના જેટલા સફળ ન નીવડ્યાં હોય એવાં સંતાનો માટે ‘દીવા પાછળ અંધારું’ એવા શબ્દો વાપરવા અને પછી એમને તુચ્છ ગણીને ભૂલી જવા એવી આપણને આદત હોય છે. પણ ઘણીવાર એમને ઓળખવાની પણ મઝા આવે છે. જેમ કે પરીક્ષિત સહાની – પ્રતિભાશાળી પિતાનો પુત્ર ને દેખાવડો પણ બહુ ચાલ્યો નહીં એવો અભિનેતા એવી એની ઓળખ. એમાં સચ્ચાઈ નથી એમ નહીં, પણ એ સિવાય પણ એનું એક વ્યક્તિત્વ છે, ને એ જબરદસ્ત છે. મળવું છે એને? ચાલો. ગીત લઈશું ‘તેરી દુનિયા સે હો કે મજબૂર ચલા.’ ફિલ્મ ‘પવિત્ર પાપી’, ગીત-સંગીત પ્રેમ ધવન, કંઠ કિશોર કુમાર. 

‘ઓહ રે તાલ મિલે’ વાળી ફિલ્મ ‘અનોખી રાત’ પરીક્ષિત સહાનીની પહેલી ફિલ્મ. સંજીવકુમારના કહેવાથી એણે નામ બદલીને અજય સહાની કર્યું હતું. એમાં એ ચિત્રકાર હતો. વાસ્તવિક પરીક્ષિત પણ ચિત્રકાર છે, ફિલ્મમાં જે સ્કેચ અને ઇઝલ બતવાયાં હતાં તે પરીક્ષિતનાં પોતાનાં હતાં. એ ફિલ્મમાં તેણે ‘મિલે ન ફૂલ તો કાંટો સે દોસ્તી કર લી’ ગઝલ પડદા પર ગાઈ હતી અને પહેલી જ ફિલ્મ હોવા છતાં ગઝલની સાદગી અને ગૂઢતા બન્ને તત્ત્વોને બહુ સમજપૂર્વક વ્યક્ત કર્યાં હતાં. 

પરીક્ષિત મહાન અભિનેતા બલરાજ સહાનીનો દીકરો અને મહાન લેખક ભીષમ સહાનીનો ભત્રીજો છે. બાળકલાકાર તરીકે બેત્રણ ફિલ્મો તેણે કરી, પછી પિતાએ અભિનય છોડાવી તેને સારી સ્કૂલોમાં ભણાવ્યો અને  મોસ્કો ભણવા મોકલ્યો. બલરાજ માર્ક્સવાદી હતા અને એથી જેલમાં પણ ગયેલા. એથી પરીક્ષિતને સોવિયેત યુનિયન માટે ખૂબ કુતૂહલ હતું. 1965માં 21 વર્ષનો પરીક્ષિત મોસ્કો સિનેમા ઇન્સ્ટિટ્યૂટમાં પાંચ વર્ષ દિગ્દર્શનનો કૉર્સ કરીને મુંબઈ આવ્યો. રાજ કપૂરની ‘મેરા નામ જોકર’માં પરીક્ષિત આસિસ્ટન્ટ દિગ્દર્શક હતો. 1966માં ‘અનોખી રાત’ આવી, પછી તરત ‘પવિત્ર પાપી’ ઑફર થઈ. પરીક્ષિત તેનું દિગ્દર્શન કરવા માગતો હતો, પણ નિર્માતાએ તેને હીરો બનાવી દીધો. પરીક્ષિત કહે છે, ‘ડેડીએ સલાહ આપી – લોકો કેટલું રખડે છે ત્યારે અભિનયની તક મળે છે. તને મળી છે તો લઈ લે. બટ બી યૉરસેલ્ફ. ઈટ ઈઝ બેટર ટુ બી અ ફર્સ્ટ રેટ પરીક્ષિત ધેન અ થર્ડ રેટ બલરાજ.’ 

લેખન પરીક્ષિતનો પહેલો પ્રેમ. કહે છે, ‘ભીષમજી કા પ્રભાવ કહિયે કી મેરે આત્મા કી પુકાર – એક્ટિંગમેં મઝા હૈ, લેકિન રાઇટિંગ એક નશા હૈ, કૈફ હૈ, જૂનુન હૈ’ પરીક્ષિતે બલરાજ સહાની પર એક પુસ્તક લખ્યું છે, ‘ધ નૉન-કન્ફર્મિસ્ટ.’ કર્મશીલ, લેખક, અભિનેતા, સમાજની કંઠી ન બાંધનારા અને માનવતાવાદી પિતા બલરાજ સહાની માટે તેણે વાપરેલા ‘નૉન-કન્ફર્મિસ્ટ’ શબ્દમાં બહુ ઔચિત્ય છે. બીજા પુસ્તક ‘સ્ટ્રેન્જ એન્કાઉન્ટર્સ : એડવેન્ચર્સ ઑફ અ ક્યુરિયસ લાઈફ’માં પરીક્ષિતના પોતાના મોસ્કો અને મુંબઈના ફિલમવિશ્વના અનુભવો છે. 

પોતા વિષે પરીક્ષિતે કહ્યું છે, ‘રશિયા ભણીને આવ્યો ત્યારે ડૅડી મુંબઈમાં પ્રખ્યાત થઈ ગયા હતા. લાંબા સમયે સાથે રહેવા મળ્યું તેથી ડૅડી ખૂબ સાચવતા. ઘરમાં જ મારા માટે મ્યુઝિક રૂમ, પેઈન્ટિંગ રૂમ, ડાર્ક રૂમ, જિમ કરી આપેલા. પણ કંઈક બનું, એવો આગ્રહ રાખે ખરા. મોસ્કોમાં દિગ્દર્શન ઉપરાંત સ્ક્રીપ્ટ-રાઈટિંગ અને એડિટિંગ પણ શીખ્યો, પણ બૉલિવૂડની પદ્ધતિઓ ઘણી જુદી હતી. મારામાં ડૅડી જેટલી પૅશન કે પેશન્સ નહીં. પોતાને સાબિત કરવામાં બહુ રસ નહીં. સામે સહેલાઈથી આવે તે કરી લઉં બાકી મઝા કરું.’ 

‘પવિત્ર પાપી’ 1970ની ફિલ્મ. તેમાં પરીક્ષિત નાયક હતો. પગલે પગલે બલિદાન આપતો ને પ્રેમ માટે, ફરજ માટે ગુનો પણ કરી લેતો એવો નાયક. સંજોગો એવા થાય છે કે તે પોતે જ પૈસા એકઠા કરીને પ્રિયતમા તનુજાને પરણાવે છે. ‘તેરી દુનિયા સે હો કે મજબૂર ચલા’ એ આ ઘડીનું સંવેદન છે. વર્ષો પછી, તનુજા સાસરિયા અને પતિથી હેરાન ને બીમાર હોય છે ત્યારે પતિને સમજાવી, પ્રેમિકાને મળ્યા પણ વિના એ ચાલ્યો જાય છે ત્યાં ફિલ્મ પૂરી થાય છે. પતિની નાની ભૂમિકામાં કોણ હતું, ખબર છે? તરુણ, મૂછ વગરનો ઉપેન્દ્ર ત્રિવેદી. આ ફિલ્મમાં બલરાજ સહાનીની પણ એક સરસ ભૂમિકા હતી. પરીક્ષિત કહે છે, ‘એ ફિલ્મમાં મારે અભિનય કરવો નહોતો, કર્યો. પડદા પર ગાવું નહોતું, ગાયું. દિગ્દર્શન કરવું હતું, ન કર્યું. એથી કારકિર્દી ફંટાઈ ગઈ. નિયતિ. મને અફસોસ નથી.’

પરીક્ષિત 23 વર્ષના હતા ને બહેન શબનમ મૃત્યુ પામી. પછીના વર્ષે બલરાજ સહાની 59 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા. પરીક્ષિત આઘાતથી એવાં ભાંગી પડ્યા કે બેત્રણ વર્ષ શરાબ અને ઊંઘવાની ગોળીઓના સહારે વીતાવ્યાં. ત્યાર પછી પોતાને મજબૂત કરી ઊભા થયા, પણ કરવું શું? પિતા હવે નથી, કોનું માર્ગદર્શન લેવું? આડેધડ ફિલ્મો સાઇન કરી, ન જામ્યું. પણ ચરિત્ર ભૂમિકાઓમાં ખૂબ શોભ્યા. 140થી વધુ ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકાઓ, સરસ સિરિયલોના યુગની ‘ગાથા’, ‘ગુલ ગુલશન ગુલફામ’ જેવી સિરિયલ્સ, દેવ આનંદની ભાણેજ અરુણા સાથે લગ્ન, ત્રણ સંતાનો, સ્પર્ધાત્મક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉમદા મૈત્રીસંબંધો અને ‘નેવર ગિવ અપ’ મોટો – આ પરીક્ષિત સહાની. 

‘પવિત્ર પાપી’ના અન્ય ગીતની પંક્તિઓ સાથે અટકીએ: ઐસી કોઈ રાત નહીં હૈ જિસકા હોતા નહીં સવેરા,  કાંટોં કા દુ:ખ ઝેલનેવાલે ફૂલોં પર ભી હક હૈ તેરા, સુખ દે ચાહે દુ:ખ દે દાતા, હંસ કે ઝોલી ભર પ્યારે ભઈ … અલ્લા હી અલ્લા કર પ્યારે ભઈ …  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 18 જુલાઈ  2025

Loading

રક્ષા બંધન

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|8 August 2025

મધુભાઈ એકલા ડ્રોઈંગરૂમના સોફામાં બેઠા હતા. આંખમાં દુઃખનાં આસું હતાં. મન ઉદાસ અને ખિન્ન હતું. આજે રક્ષાબંધનનો દિવસ છે, પણ મેઘા આવવાની નથી. અરે! એ હવે કદી આવવાની નથી. ક્યાંથી આવે ? ગઈ રક્ષાબંધનનાં દિવસે આવી હતી. ઘરે જતા એક્સિડેન્ટ થયો અને સદાના માટે ભાઈને છોડીને ચાલી ગઈ. આમે ય એ વર્ષમાં એકવાર રક્ષાબંધનનાં દિવસે જ આવતી, એ પણ મંજુલાને પસંદ નહોતું. પણ આવતી, જરૂર આવતી. પરાણે આવતી, એવું કહીને આવતી કે બહેન જીવતી હોય અને રક્ષાબંધનનાં દિવસે ભાઈને રાખડી ન બાંધે એવું થઈ જ ન શકે. બહેને ભાઈને રાખડી બાંધવી જ જોઈએ અને ભાઈએ રાખડી બંધાવી પડે. 

એવું નહોતું કે રક્ષાબંધનનાં દિવસે ભાઈ પાસે કોઈ લાલચથી આવતી. મેઘા તો ખાધે પીધે સુખી હતી. આવતી તો પણ પોતાની કારમાં આવતી. તે દિવસે પણ પોતાની જ કારમાં આવી હતી. મંજુલાના અભદ્ર વર્તનથી દુઃખી થઈ જતી. મંજુલાને મેઘા આવે જરા પણ ગમતું નહીં. મેઘાએ ક્યારે ય મધુભાઈના ઘરમાં માથું માર્યું નહોતું કે કોઈ આડીઅવળી વાત કરતી. છતાં મંજુલાએ ક્યારે ય મીઠો આવકાર આપ્યો નહોતો. અરે! મેઘાના કાર અકસ્માતના દિવસે પણ મંજુલાએ ઘર માથે લીધું હતું. કારણ કે મધુભાઈ ખબર પડે દોડીને હોસ્પિટલ ગયા હતા. મેઘા રક્ષા બંધનના દિવસે આવતી, અચૂક આવતી અને મધુભાઈના હાથે રાખડી બાંધી પોતાનાં આંસુથી ભાઈના હાથને ભીંજવીને જતી રહેતી. મધુભાઈ દુઃખી દુઃખી થઈ જતા, પણ મંજુલાને કંઈ કહી શકે તેમ નહોતા, મંજુલાનો સ્વભાવ જ એવો હતો. મધુભાઈ એક વાત કહે તો સામે દશ વાત મંજુલાની સાંભળવી પડતી. આ બધી વાત યાદ કરી મધુભાઈ દુઃખી થઈ બેઠા હતા.

મંજુલાબહેને ગઈ કાલે મધુભાઈને પૂછ્યું હતું, “આ રક્ષાબંધન ઉપર હવે મેઘાબે’ન તો નહીં આવે.”

 “ક્યાંથી આવે, એ બિચારી પ્રભુને પ્યારી થઈ ગઈ. આવતી ત્યારે તને ક્યાં ગમતી હતી કે આજે એ વાત કરે છો. નથી આવવાની એટલે મને યાદ કરાવે છો કે હવે તમારી બહેન નહીં આવે.”

 “તમે સાંભળો તો ખરા.” 

“હા, બોલો. મારે વાત સાંભળવા સિવાય કરવાનું પણ શું છે.” 

“હું કાલે મારા ભાઈને રાખડી બાંધવા જાઉં?” 

“તને આટલાં વર્ષે તારા ભાઈને રાખડી બાંધવાનું યાદ આવ્યું?”

“કહોને, હું જાઉં કે ન જાઉં.”

 “હા, જા. હું ક્યાં તને રોકું છું? પણ હું નહીં આવું. મને તારા ભાઈ-ભાભી સામે કોઈ જ વાંધો નથી. તારું મારી બહેન મેઘા અને બનેવી સાથેનું ભૂતકાળનું વર્તન મને એમ કરતાં રોકે છે. જેમ તને તારો ભાઈ યાદ આવે છે એમ મેઘાને પણ હું યાદ આવતો. અને બહેન હતી એટલે તારું ગમે તેવું વર્તન હોય, એ રક્ષા બંધનના દિવસે અપમાન સહન કરીને પણ આવતી.” 

“તો સારું, હું એકલી જઈ આવીશ.”

“આવો, બહેન, કેમ એકલા? મધુભાઈ તો ક્યાંથી આવે આજે તો તેની વહાલસોયી બહેન મેઘાની યાદમાં આંખમાંથી આંસુ નહીં સુકાતા હોય. મંજુલાબહેન, તમને પણ તમારા ભાઈની યાદ આવી, તો આજે જ્યારે મધુભાઈને તમારી જરૂર હોય ત્યારે તમે તેને એકલાં મૂકીને આવ્યાં. તમને ભાઈને ત્યાં આવ્યાને ઘણાં વર્ષો વીતી ગયાં ને, બહેન. તમે એક નાની એવી બાબતમાં રક્ષાબંધનનાં દિવસે રિસાઈને ચાલ્યાં ગયાં હતાં તે આજે આવ્યાં. જયારે મધુભાઈએ તો તેની બહેન આજના દિવસે ગુમાવી હતી. તેમના દુઃખનો તમે ક્યારે ય વિચાર કર્યો છે?”

“બેસવાનું નહીં કહો.”

 “બેસો બહેન, આ તમારું જ ઘર છે. હું તમે જેમ મેઘાને હડધૂત કરી હતી, એવું વર્તન તમારી સાથે નહીં કરું.”

 “બસ કર ને તું હવે, કેટલાં વર્ષે મંજુલા આપણા ઘરે આવી છે.” 

“હું તો તમારી વાત સાંભળીને, નહીં બોલું પણ તમારી બહેને મધુભાઈને કોઈ દિવસ સાંભળ્યાં છે. મેઘા ફકત ને ફક્ત એક જ દિવસ, એ પણ રક્ષાબંધનનાં દિવસે મધુભાઈને રાખડી બાંધવા આવતી. કોઈપણ અપેક્ષા વગર અને પોતાની કારમાં આવતી. અડધો કલાક રોકાતી. મધુભાઈને આશીર્વાદ આપી, જમ્યા વગર ચાલી જતી. ક્યારે ય તમારી બહેને તેને જમવાનું કહ્યું નહોતું. અને છેલ્લી રક્ષાબંધનમાં મંજુલાબહેને હદ વટાવી હતી. એવી રીતે હડધૂત કરીને કાઢી હતી કે મેઘા ગઈ એ ગઈ પાછી ન આવી. મારી વાત ખોટી હોય તો કહો. તમારી પણ ફરજમાં આવે છે કે બહેનને બે સાચા શબ્દો કહીએ. જે તમે ક્યારે ય ન કર્યું. ભાઈ-બહેનનો સંબંધ એક સરખો અને સમાન હોવો જોઈએ.”

“તારી વાત સાચી છે, પણ આખરે મંજુલા મારી બહેન છે.” 

“તો શું! મેઘા, મધુભાઈની બહેન નહોતી? ત્યાં શું કોઈ અલગથી સંબંધની પરિભાષા હોય છે કે તમે કરો છો? હું કહું છું એ તમને નથી ગમતું ને એમ મધુભાઈને પણ નહોતું ગમતું. આજે આટલાં વર્ષે મંજુલાબહેન શું કામ આવ્યાં? તમારી ઉપર પ્રેમ, લાગણી છે એટલે ને? એમ મેઘા પણ મધુભાઈની બહેન હતી અને લાગણીથી જ આવતી હતી. દરેકે દરેકની લાગણી સમજી તેને માન-સન્માન આપી આવકારવા જોઈએ. મંજુલાબહેન, તમે ખરાબ કે ખોટું ન લગાડતાં. આટલાં વર્ષે આવ્યાં એટલે કહું છું એવું નથી. આ તો તમારી ઉપર લાગણી છે એટલે આવી વાત થઈ ગઈ. ખોટું લાગ્યું હોય તો માફ કરજો.”

મધુભાઈને નવાઈ લાગી મંજુલા કેમ આટલી જલદી પિયરથી પાછી આવી ગઈ કે પછી ભાઈ-ભાભીને પણ પરચો બતાવીને આવી હશે? “કેમ, આટલી જલદી પાછી આવી ગઈ? ઘરે જમીને આવી છો? કે બહારથી મંગાવું? મોઢું ઉતરેલું લાગે છે, શું થયું? ત્યાં તારા ભાઈ, ભાભી તો કંઈ બોલે એવાં નથી. આપણે કોઈ ખેલ નથી નાખ્યો ને?” મંજુલાની આંખમાંથી શ્રાવણ, ભાદરવો શરૂ થઈ ગયો. 

“મને માફ કરો.” 

“અરે! પણ થયું છે શું?”

 “મેં, મેઘાબહેનને બહુ અન્યાય કર્યો છે.”

 “તો હવે તેનું શું છે? હવે છેક અત્યારે સમજાયું કે તું કરતી હતી, એ યોગ્ય નહોતું. એ તો ચાલી ગઈ. હવે તારી માફી માગવાથી એ થોડી પાછી આવવાની છે. મેં તને ત્યારે ઘણી સમજાવી હતી. આજે તું માફી માંગ કે ન માંગ! મારા માટે તેનું કંઈ મહત્ત્વ નથી.” 

“એમ ન બોલો. મને આજે મારી ભૂલ સમજાણી.” 

“જો, તને જે સમજાયું હોય તે તારી પાસે રાખ. મને તો એટલું જ સમજાયું છે કે તારા લીધે મેં મારી બહેન મેઘાને ગુમાવી. જે હવે મને ક્યારે ય પાછી મળવાની નથી. હવે તારી વાત કે માફીથી મને કંઈ ફરક પડતો નથી.”

“મારી, એક વાત માનશો? કાલે આપણે મેઘાબહેનનાં ઘરે ભાણા, ભાણી, રૂપા અને અજયને મળવા જવું છે.” 

“શું? હજી કંઈ બાકી છે? એ લોકો શાંતિથી જીવે છે તો જીવવા દે ને. અને ત્યાં કોઈ ભવાડો કરીશ તો એ તારા માટેનો મારી સાથેનો અંતિમ દિવસ હશે.”

 “ના, એવું કંઈ નહીં થાય. તમે ચાલો તો ખરા.”

“આવો મંજુલાબહેન, આવો મધુભાઈ. કેમ છો?”

 “મજામાં. બા, બાપુજી, રૂપા, અજય મને મેઘાબહેન સાથેનાં વર્તન માટે માફ કરજો. મારું વર્તન માફીને લાયક તો નથી પણ તમે ઉદાર દિલના છો એટલે વિનંતી કરું છું. અને મારી બીજી વિનંતી છે. મેઘાબહેનને તો હું પાછાં નહીં લાવી શકું પણ રૂપા, બેટા, તારે દરેક રક્ષાબંધનના દિવસે મામાના ઘરે મેઘાબહેનની જેમ જ આવવાનું અને મામાની સાથે મને પણ મેઘાબહેન વતી રાખડી બાંધવાની. મારી આટલી વિનંતી માન્ય રાખશો ને તો હું માનીશ તમે અને મેઘાબહેને મને માફ કરી છે.”

એક સાથે કેટલી ય આંખોમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં હતાં.

ભાવનગર
e.mail : Nkt7848@gmail.com 

Loading

...102030...183184185186...190200210...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved