Opinion Magazine
Number of visits: 9677039
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધીને કેમ કોઈ અંગત મિત્રો ન હતા …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 August 2021

મહાત્મા ગાંધીને અંગત કહી શકાય તેવા મિત્રો ન હતા, પરંતુ  મિત્રતાની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું હતું, "જે મિત્રતા દરેક બાબતમાં સહમતીનો આગ્રહ રાખે તેને મિત્રતા ન કહેવાય. સાચી મિત્રતા એને કહેવાય જે પ્રમાણિક અને તીક્ષ્ણ મતભેદોને પણ સહન કરી શકે." મિત્રતાની તેમણે આ વ્યાખ્યા જાહેરજીવનમાં આવ્યા પછી કરી હતી, કારણ કે તેઓ એ રાહ પર ચાલતા હતા, જ્યાં ડગલેને પગલે મતભેદોને અવકાશ હતો. ગાંધીજી દરેકને પોતાનો મિત્ર જ માનતા હતા, કારણ કે સમભાવ રાખવો તેમનો સૌથી મોટો ગુણ હતો. એટલા માટે જ, ૨૩ જુલાઈ, ૧૯૩૯ના રોજ તેમણે એડોલ્ફ હિટલરને પત્ર લખ્યો, ત્યારે તેમાં તેમણે હિટલરને પણ 'માય ફ્રેન્ડ'નું સંબોધન કર્યું હતું.

એ અર્થમાં તેમના અનેક મિત્રો હતા, પરંતુ આપણે જે ઇન્ટિમેટ અથવા દિલોજાન દોસ્તીની વાત કરીએ છીએ, એ અર્થમાં ગાંધીજીના કોઈ મિત્રો હતા? તમને આશ્ચર્ય થશે, પરંતુ તેમને એવા કોઈ મિત્રો ન હતા એટલું જ નહીં, ગાંધીજી એ પ્રકારની અંગત મિત્રતાના વિરોધી હતા. આપણે મિત્રો સાથે મોટા થઇએ છીએ અને મિત્રતા આપણને મોટા કરે છે. આપણે બે પ્રકારની જિંદગી જીવીએ છીએ; અંગત અને ખુલ્લી. આપણા મિત્રો પણ બે પ્રકારના હોય છે; જેની સાથે સુખ-દુઃખની ખાનગી વાતો શેઅર કરી શકાય તેવા, અને જેની સાથે સામાજિક કે વ્યવસાયિક જીવનની આપલે થઇ શકે તેવા.

એવું કહેવાય છે કે જે લોકો અધ્યાત્મની કક્ષાએ પહોંચી જાય છે, તેઓ અંગત સંબંધોની દુનિયામાંથી મોક્ષ લઇ લે છે. ગાંધીજીના કિસ્સામાં એ પ્રક્રિયા યુવાનીમાં જ શરૂ થઇ ગઈ હતી. એ જ્યારે હાઇ સ્કૂલમાં ભણતા હતા, ત્યારે જ તેમને પહેલીવાર એવો અહેસાસ થયો હતો કે તેઓ અંગત મિત્રતા માટે બન્યા જ નથી. અંગત મિત્રતાથી મોઢું ફેરવી લેવા વિશે તેમણે વિગતવાર લખ્યું છે.

ત્યારે તેમને અમુક અંગત મિત્રો હતા. તેમાંથી બે મિત્રોના સંબંધમાં તેમનો અનુભવ સારો ન હતો. એક મિત્રતા લાંબી ટકી ન હતી, કારણ કે ગાંધીજીએ બીજો એક મિત્ર બનાવ્યો તો પહેલા મિત્રએ નારાજ થઈને સંબંધ કાપી નાખ્યો. બીજાની મિત્રતા ઘણાં વર્ષો ચાલી, પણ ગાંધીજી તે સંબંધને 'મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ' ગણાવે છે.

એ મિત્ર(ગાંધીજીએ તેનું નામ નથી આપ્યું) હકીકતમાં તેમના વચેટ ભાઈ કરસનદાસ ગાંધીનો મિત્ર હતો. આ મિત્ર અને કરસનદાસ એક જ ક્લાસમાં હતા. ગાંધીજી કહે છે કે આ મિત્રમાં દુર્ગુણો હતા (કદાચ એ શરાબ, માંસાહાર અને બીડીઓ પીવા તરફ ઈશારો હતો) અને તેમના ભાઈ તેમાં 'અભડાઈ' ગયેલા હતા. ગાંધીજી તેને સુધરવા માટે તેના મિત્ર બન્યા હતા, પણ એમાં ગાંધીજી પોતે માંસાહાર(અને બીડીઓ પીવાના)ના રવાડે ચઢ્યા.

તેમનાં માતા પૂતળી બાઈ, મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધી અને પત્ની કસ્તૂરબાને ગાંધીજીની આ મિત્રતા ગમતી ન હતી અને ત્રણેએ ગાંધીજીને ચેતવ્યા હતા. ગાંધીજી ન માન્યા. ઉપરથી મિત્રતાને ઉચિત ઠેરવતાં કહ્યું, "તમને તેના દોષની ખબર છે, પણ ગુણ ખબર નથી. મને તે આડે માર્ગે નહીં લઇ જાય, કેમ કે મારો તેની સાથેનો સંબંધ કેવળ તેને સુધારવાને ખાતર છે. તે જો સુધરે તો બહુ સરસ માણસ નીવડે એમ મારી ખાતરી છે. તમે મારા વિશે નિર્ભય રહેજો."

પરિવારે વિશ્વાસ કરી લીધો. આ મિત્રના પ્રતાપે જ ગાંધીજીને 'જ્ઞાન' થયું હતું કે રાજકોટના શિક્ષકો, ગૃહસ્થો અને હાઇ સ્કૂલના વિધાર્થીઓ માંસાહાર અને મદ્યપાન કરે છે. ગાંધીજીને તેનું દુઃખ અને આશ્ચર્ય તો થયું, પણ વાત ત્યાં ન અટકી. આ મિત્ર અને તેના ભાઈબંધોએ ગાંધીજીને એવું ઠસાવી દીધું કે આપણે માંસાહાર નથી કરતા એટલે જ આપણે માયકાંગલા રહી ગયા છીએ અને અંગ્રેજો એ ખાઈને તગડા થયા છે એટલે આપણા પર રાજ કરે છે! તેમના વચેટ ભાઈએ પણ એમાં સૂર પુરાવ્યો.

અંગ્રેજોને સમજવાનું ગાંધીજીનું એ સૌ પહેલું 'લેશન' હતું, પણ એમાં તેઓ એ પાઠનો અમલ પોતાના પર જ કરતા થઇ ગયા. ગાંધીજીની સરખામણીમાં તેમનો મિત્ર પહેલવાન અને હિમ્મતવાન હતો. એ દોડતોકુદતો હતો અને માર ખાવાની શક્તિ હતી. ગાંધીજી માયકાંગલા અને બીકણ હતા. એ બીમાર રહેતા હતા અને ચોર, ભૂત, સાપ વગેરેથી ડરતા હતા. ગાંધીજીએ મિત્ર જેવા થવા માટે માંસાહાર ચાલુ કરી દીધો! “દેશ આખો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય, એમ હું માનતો થયો.” એમ તેઓ લખે છે.

ગાંધીજીએ એક વર્ષ સુધી પાંચ-છ વખત માંસાહાર કર્યો, પણ એમાં ઘરે જૂઠું બોલવું પડતું હતું.  તેમનો આત્મ ડંખવા લાગ્યો, અને માતાપિતાને છેતરવાં ન પડે એટલે પછી માંસાહાર બંધ કરી દીધું. મિત્રનો પ્રભાવ હજુ પણ પડવાનો હતો. એકવાર એ મિત્ર ગાંધીજીને વેશ્યા પાસે લઇ ગયો. પૈસાનો વ્યવહાર મિત્રએ કર્યો હતો. ગાંધીજીએ સ્ત્રી સાથે રૂમમાં પુરાયા. તેઓ લખે છે, “આ કોટડીમાં હું તો આંધળો જ થઇ ગયો. મને બોલવાનું ભાન ન રહ્યું. શરમનો માર્યો સ્‍તબ્‍ધ થઇ એ બાઇની પાસે ખાટલા પર બેઠો, પણ બોલી જ ન શકયો. બાઇ ગુસ્‍સે થઇ ને મને બેચાર ‘ચોપડી’ ને દરવાજો જ બતાવ્‍યો. તે વેળા તો મારી મરદાનગીને લાંછન લાગ્‍યું એમ મને થયું, ને ધરતી મારગ દે તો તેમાં પેસી જવા ઈચ્છ્યું.”

આવા બીજા ચાર પ્રસંગો તેમની જિંદગીમાં આવ્યા હતા, પણ તે તેમાંથી બચી ગયા હતા. આ અનુભવોમાંથી ગાંધીજી અંગત મિત્રતાથી વિમુખ થઇ ગયા. તેમની આત્મકથામાં તેઓ લખે છે, “સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે અંગત મિત્રતા અનિષ્‍ટ છે, કેમ કે મનુષ્‍ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્‍યકતા છે. જેને આત્‍માની, ઈશ્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે.”

ગાંધીજીએ એ પછી ક્યારે ય કોઈ અંગત મિત્રતા કેળવી ન હતી. પાછળથી તેમના જે પણ મિત્રો બન્યા હતા, તે તેમના સાર્વજનિક જીવન સાથે સંકળયેલા હતા. ગાંધીજીએ તેમનું અંગત જીવન જ સાર્વજનિક કરી નાખ્યું હતું એટલે ઘનિષ્ઠ મૈત્રીની જરૂરિયાત ખતમ થઇ ગઈ હતી.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 ઑગસ્ટ 2021

Loading

ગઝલ

રવીન્દ્ર પારેખ|Poetry|1 August 2021

એટલી તો જાણ છે,
મિત્ર ના તો હાણ છે.

હોય તો એ લ્હાણ છે,
જાય તો મોકાણ છે.

મિત્ર, દરિયાદિલ હો તો,
પાર પામે વ્હાણ છે.

એ બચાવે છે મને, 
હું ધનુષ, એ બાણ છે.

એ નથી તો યુદ્ધ છે,
માત્ર કચ્ચરઘાણ છે.

એ ન હો, જીવાય ના?
મિત્ર છે કે પ્રાણ છે?

પ્રાણ પણ તો જાય છે,
શેષ રે' બુમરાણ છે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

આંસુ આવતાં નથી ..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 August 2021

મને ઘણી વાર થયું છે, બા, કે તું સૂતી હોય ને હું તારી બંધ આંખો પર મારી હથેળી ફેરવું, જેમ તું ફેરવતી હતી, મારી આંખો પર, પણ એ દિવસ આવ્યો જ નહીં. હું જાગું ને તું સૂતી હોય એવું થયું જ નહીં. હું ઊઠું એ પહેલાં તું ઊઠી જ ગઈ હોય. મને તો એ ખબર જ નથી પડી કે તું ઊંઘતી ક્યારે હતી ! સૂર્યને ઉઠાડવા પણ તું જ જતી હોય એવો વહેમ મને ઘણી વાર પડ્યો છે.

હું માંદો હોઉં ને તું ઊઠી ગઈ હોય એની તો નવાઈ ન જ હોય, પણ તું માંદી હોય તો પણ ઊઠી તો તું જ ગઈ હોય ! સારવાર મારી હોય કે તારી, કરે તો તું જ ! મને ગોળી ગળાવે ને પાણી પણ તું જ ધરે, તે તો ઠીક, તારી ગોળી પણ તું જ ગળે ને પાણી પણ ..

નાનેથી ખવડાવવા તું જ પાછળ પાછળ ફરતી રહી. નાનો હતો ત્યારે સ્કૂલે જવાનું મોડું થતું ને મોટો થયો તો નોકરીએ જવાની ઉતાવળ રહેતી. જપ મને ન હતો, તો શાંતિ તને ય ક્યાં હતી? એટલો કામમાં રહેતો કે મારા આંસુ ઘણી વાર તારી પાસેથી પડાવતો. અત્યંત કાળજીથી બનાવેલી રેશમી રોટલીને હું મોઢામાં ઠાંસતો ને રોટલીની વરાળ તારી આંખો તરફ છોડતો નીકળી જતો ને તું તે પળથી જ મારી રાહ જોતી તને આટોપવા લાગતી. 

મન થતું તો ખરું કે તારી બનાવેલી એકાદ રોટલી હું પણ તને ખવડાવું, પણ એ ના બન્યું. ઘણી વાર થયું કે તારાથી વહેલો ઊઠું. એક વાર એ થયું પણ ખરું. તને સૂતેલી જોઈ ને હું હરખાયો પણ ખરો. કહેવા જ જતો હતો કે આજે તો હું જીત્યો, પણ કહું કેવી રીતે? તું ઊઠી ન હતી, ઊઠી ગઈ હતી. એ તારી સામેની મારી પહેલી કારમી જીત હતી. 

વર્ષો થયાં એ વાતને ! પછી તો પિતા થવામાં ભૂલી ગયો તને. ગઈ ગુજરી ભૂલી જઈએ એમ તું ગુજરી ગઈ હતી એ વાત જ ભુલાઈ ગઈ. તું મારી આંખોમાં વસી ગઈ હતી. તારી આંખોએ સંતાનોને જોયાં, તું કરતી હતી એ ઉજાગરા મેં ઉછેર્યા મારામાં. સંતાનો મારે હાથે ઊછર્યાં, પણ મારી આંગળીઓમાં હતી તો તું જ ! પછી ફિકર જ શી હોય? સંતાનોને પણ પાંખો આવી ને એમણે પણ પોતપોતાનું આકાશ ઉતાર્યું જુદાં જુદાં શહેરોમાં. એ બધાંમાં તું ક્યાંથી યાદ રહે? તારો ફોટો પણ હાર વચ્ચેથી નીકળી ગયો હતો ને ત્યાં તો પછી તારી વહુ આવીને ગોઠવાઈ ગઈ હતી. એનો હાર પણ લટકી પડ્યો છે.

આજે તો ક્યાંક મને ખોળતો હતો ને તું જડી આવી. કોઈ આલબમમાંથી નીચે ફર્શ પર સરકી આવી હતી.

માથે ઓઢીને જૂનું શરમાતી ઊભી છે, બ્લેક એન્ડ વ્હાઇટમાં. ફોટો જરા વળી ગયો છે એટલે એટલા વાળ જરા ધોળા થઈ ગયા છે. ખાલી હાથે ઊભી છે, પણ એમાં ઘોડિયાની દોર આવવાની હોય એમ તારી આંગળીઓ ઝોળી તરફ લંબાતી લાગે છે, પણ હું હવે ઝૂલી શકું એમ નથી અને તું ઝુલાવી શકે એમ નથી. ફોટામાંની તારી આંગળીઓ હું પકડવા મથું છું ત્યાં તો તું મારો હાથ પકડી લે છે ને હું ઉંબરની ઠેસ ખાતો બચું છું. થાય છે કે મને પડતો અટકાવવા તું ઉંબરે આવી ઊભી છે, પણ તું શાની આવે?

કોઈ પણ મા તેના સંતાનને પસ્તાવાની એક પણ તક આપતી નથી. આવે તો પસ્તાવો જોવાનું થાય ને તે તું જોઈ ન શકે એટલે તું તો નહીં આવે તે નક્કી છે. પણ, તું નથી એવું ક્યાં છે?

તારા ચહેરા પર આંગળીઓ ફેરવું છું તો લાગે છે, તારી આંગળીઓ મારી આંખોએ ફરે છે, એ જોવા કે તારું કોઈ આંસુ એમાં રહી તો નથી ગયુંને ! પણ, મને હવે આંસુઓ આવતાં નથી, કારણ તે રહ્યાં જ …

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,8351,8361,8371,838...1,8501,8601,870...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved