Opinion Magazine
Number of visits: 9676173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (61)

સુમન શાહ|Opinion - Literature|11 September 2021

કોરોના કોરોના મૃત્યુ મૃત્યુ વૅક્સીન વૅક્સીન, એ સિવાયનું કશું જાણે આ સંસારમાં છે જ નહીં !

કોરોનાને કારણે કે અન્ય કારણે થયેલાં સ્વજનસમ મિત્રના, સગાંના અને અનેક પરજનોનાં મૃત્યુ દુખદ નીવડે છે. એ મુશ્કેલ સમયમાં મને હમેશાં સાહિત્ય પાસે જવાનું ગમ્યું છે.

દરેક મૃત્યુની આગળપાછળના બનાવોની કોઈ વાર્તા માંડે તો કેવી હોય, એની કલ્પના કરવા જેવી છે. એ વાર્તા, મા કહે કે કોઈ બીજું સ્વજન કે પ્રિયજન, તો કેવી હોય … અચાનક થાય તો કેવું હોય … પહેલેથી ખબર હોય કે થવાનું છે તો કેવી હોય … વગેરે.

આજે વાત કરવી છે, એ જ મારા પ્રિય નવલકથાકાર ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની ઓછી જાણીતી પરન્તુ હત્યાથી થયેલા મૃત્યુની સુન્દર વાર્તા પીરસતી લઘુનવલ, ‘ક્રૉનિકલ ઑફ અ ડેથ ફોરટોલ્ડ’-ની.

આ કૃતિનો મેં અનુવાદ શરૂ કરેલો અને ઠીક ઠીક ભાગ પૂરો કરેલો, પણ કૉપિરાઇટના કાયદાને કારણે પરવાનગી ન મળી. એ વાતનો અફસોસ છે પણ એ નવલની આમ વાત કરતાં તો મને કોણ રોકવાનું છે? અરે, માર્ક્વેઝ પણ મને જોતા રહી જાય !

મેં અનુવાદમાં શીર્ષક રાખ્યું છે, ‘પૂર્વકથિત મૃત્યુનું વૃત્તાન્ત’.

વાત તો આટલી જ છે કે કોઇની હત્યા થઇ છે ને કથક એનું શ્રોતા આગળ વૃત્તાન્ત માંડે છે.

પણ હત્યા પૂર્વકથિત હતી. તો સવાલ એ કે પૂર્વકથિત કેમ હતી. કથકને અને માર્ક્વેઝને એનો ઉત્તર વાળવાની પડી નથી કે ઉતાવળ પણ નથી. શીખવા જેવી છે, માર્ક્વેઝની કથનકળા.

કથનકળાનો મને દેખાયેલો પહેલો વિશેષ : મુખ્ય બનાવના તોડીફોડીને ટુકડે ટુકડા કરી દીધા છે. બે ટુકડા વચ્ચે જાતભાતનાં કથનની સરવાણીઓ વહે છે.

એ પ્રકારે સ્થળ અને સમયને પણ શકલ શકલમાં વેરવિખેર કરી દીધાં છે. બે શકલ વચ્ચે કથનની સરવાણીઓ એકમેકને મળતી ને વળી છૂટી પડતી સંચરે છે.

ભૂતકાળનો એક શકલ થોડો વહેતો થાય ત્યાં કથક એવા વર્તમાનમાં ચાલી જાય, જે તરત પાછો પેલા ભૂતકાળમાં ભળી જવાનો હોય.

નવલનો પ્રારમ્ભ આ રીતે થાય છે. એનો કેટલોક અંશ આપું :

સાન્ત્યાગો નાસરની એ લોકો હત્યા કરવાના’તા તે દિવસે એ સવારના સાડા-પાંચે ઊઠી ગયેલો કેમ કે બોટમાં બિશપ આવવાના’તા. એના સપનામાં એ ટિમ્બર-વૃક્ષોનાં વનમાં થઇને જઇ રહ્યો’તો. મૃદુ શીકર વરસતી’તી. એને સારું લાગેલું પણ જાગ્યો ત્યારે એને થયું, પોતે પક્ષીની અઘારથી પૂરેપૂરો છંટકાઇ ગયો છે.

“કાયમ એ વૃક્ષોનાં સપનાં સેવતો” – મને ૨૭ વર્ષ પછી સાન્ત્યાગોની મા પ્લાસિદા લિનેરોએ કહેલું. પ્લાસિદા એ દુ:ખદાયી સોમવારની વીગતો વાગોળતી’તી. કહે, “અઠવાડિયા પહેલાં એને સપનું આવેલું – ટિનની ફૉઇલના ઍરોપ્લેનમાં પોતે એકલો છે ને બદામનાં વૃક્ષોનાં વનમાં થઇને ઊડી રહ્યો છે – કશે ય અથડાયા વગર”.

પ્લાસિદાને બીજાંઓનાં સપનાંનાં અર્થો કરતાં સરસ આવડે. જો કે, સપનું એને, એ જમવા બેસે એ પહેલાં કહેવું પડે. દીકરાનાં એ બન્ને સપનાંમાં એને કશા વરવા શુકન કે અપશુકન નહીં વરતાયેલા. દીકરાએ મૃત્યુ અગાઉની સવારોએ કહેલાં વૃક્ષોનાં સપનાંમાં ય એને એવું કશું નહીં વરતાયેલું.

સાન્ત્યાગો નાસરને પણ એવું કશું નહીં વરતાયેલું. કપડાં બદલીને નહીં પણ પ્હેરેલે કપડે સૂતેલો તે ઊંઘ આછીપાછી આવેલી. જાગ્યો ત્યારે માથું દુખતું’તું ને તાળવા પર તાંબાના પૅડલ પરની છિ: હતી ! એનો અર્થ એણે એમ કરેલો કે એ તો લગનની મધરાતે મૉડે લગી ચાલેલી મોજમસ્તીભરી ધમાચકડીને લીધે.

એ પછી : ઘરેથી છ-ને પાંચે નીકળીને લોકોને એ હડીઓ કાઢી વટાવી ગયેલો તેના કલાક બાદ એક ડુક્કરની જેમ એને વધેરી નંખાયેલો.

એને એમ કે પોતે જો કે ઘૅનમાં છે પણ મૂડ સારો છે અને બોલેલો પણ એમ જ કે દિવસ આજનો કેવો સરસ છે. બધાંને એમ લાગેલું કે રોજિન્દા હવામાન વિશે કહે છે. ઘણાંને એમ લાગેલું કે કેળ-વનમાં થઇ આવતા દરિયાઇ પવનોભરી ખુલ્લી સવાર વિશે કહે છે – ફાઇન ફેબ્રુઆરીના દિવસોમાં તો એમ જ હોય ને ! પણ ઘણાંને એમ થયેલું કે હવામાન મુડદાલ છે – વાદળિયું નીચું આકાશ, સ્થિર રહી ગયેલાં પાણી, એની બોજિલ ગન્ધ, બધું શોકગ્રસ્ત. ઘણાંને એમ થયેલું કે એણે સપનામાં જોયેલી એવી જ પાતળી શીકર એ કમનસીબ ઘડીએ ખરેખર વરસતી’તી.

લગન વખતની ધમાચકડી પછી મારિયા ઍલ્યાન્દ્રિના સર્વાન્તેસના ઉપદેશાત્મક ખૉળામાં હું તો જપી ગયેલો ને માત્ર અલાર્મ બેલ્સના ઘંટારવથી જાગી ગયેલો. મને થાય, એ લોકોએ બિશપના માનમાં બધા ઘંટ વાગતારમતા મેલી દીધા છે કે શું …

સાન્ત્યાગો નાસરે શર્ટ અને વ્હાઇટ લિનનનું પાટલૂન પ્હૅરેલાં. બન્ને કપડાં લગનને આગલે દિવસે પ્હેરેલાં એવાં જ – કાંજી વગરનાં. એ એનો ખાસ પ્રસંગો માટેનો પોશાક. કેમ કે બિશપ આવવાના’તા. નહિતર તો સોમવારે સોમવારે ‘ધ ડિવાઇન ફેસ’ જતાં ચડાવતો એ જ એનાં ખાખી ને ઘોડેસવારી વખતના રાઇડિન્ગ બૂટ જ ચડાવ્યા હોત.

‘ધ ડિવાઇન ફેસ’ ઢોરાંને પાળવા-પોષવાનું વિશાળ ફાર્મ. બાપુના વારસામાં મળેલું. પૂરી ચોક્ક્સાઇ ને ગણતરીથી વિકસાવેલું પણ નસીબે યારી નહીં આપેલી …

ગામડે તો એ બેલ્ટમાં મૅગ્નમ.375 ખોસે ને બુલેટોનું પોતાનું બખ્તરબંધ પણ પ્હૅરે. એના કહેવા પ્રમાણે, ઘોડાનાં વચમાંથી ઝટ બે ફાડચાં કરી પાડે ! પાર્ટ્રિચ (બાજ જેવાં પક્ષી) પક્ષીઓની મૉસમ હોય ત્યારે જોડે બાજબાજીનો સરંજામ પણ રાખે. કબાટમાં એ મારિચર શ્યુનવા 30.06 રાઇફલ રાખે, એક હોલાન્ડ મૅગ્નમ 300 રાઇફલ, એક ડબલ-સ્ટ્રૅન્થ ટેલિસ્કોપિક સાઇટવાળી હરનેત.22 અને એક વિન્ચેસ્ટર રીપીટર.

કાયમથી એ બાપુ સૂતા એ જ રીતે સૂતો – ઉશિકા નીચે હથિયાર છુપાવી રાખવાનું. પણ તે દિવસે ઘરેથી નીકળતાં પહેલાં બુલેટ્સ એને કાઢી નાખેલી ને નાઇટ-લૅમ્પના ડ્રૉઅરમાં મૂકી દીધેલી. “કદ્દી પણ એ એને લોડેડ રાખે નહીં”, મને પ્લાસિદાએ કહેલું.

ખબર પડેલી મને ને એ ય ખબર પડેલી કે બંદૂકો એ એક જગ્યાએ સંતાડે છે ને દારૂગોળો ખાસ્સા દૂરની જગ્યાએ – જેથી ઘરમાં કોઈને અમસ્તાં ય લોડ કરવાની લાલચ ન થાય. આમ તો એ બાપુએ પાડેલો ડહાપણભર્યો રિવાજ.

કેમ કે એક વાર બનેલું એવું કે ઉશિકું કાઢવા નોકર છોકરીએ કેસ એવું તો હચમચાવેલું કે પિસ્તોલ બહાર પડી ગયેલી – નીચે ફ્લોર પર – ને ગોળી છૂટેલી તે રૂમનું કબાટ ભાંગીને લિવિન્ગ રૂમની દીવાલમાં થઈ સીધી ડાઇનિન્ગ રૂમની બાજુના બારણે અથડાયેલી – મોટ્ટો ધડાકો, જાણે ખૂંખાર લડાઇ થવાની.

ચૉકની સામેના ચર્ચના પૂજાપ્રાર્થનાના પ્રમુખ ટેબલ પરથી લાઇફ-સાઇઝના સન્ત ઊથલી પડેલા – પ્લાસ્ટર ભાંગીને ભૂકો. સાન્ત્યાગો ત્યારે કિશોર, પણ આ દુર્ઘટનાથી એને અવિસ્મરણીય બોધપાઠ મળી ગયેલો, કદ્દી ભૂલેલો નહીં.

બેડરૂમમાંથી આંખના પલકારામાં એ જે રીતે નીકળી ગયેલો – એ એની એક માત્ર છેલ્લી છબિ મા-ને યાદ હતી. એ પહેલાં સાન્ત્યાગોએ એને જગાડેલી, ઍસ્પિરિન માટે બાથરૂમના કબાટમાં ફાંફાં મારતો’તો, પ્લાસિદાએ લાઇટ કરેલી, હાથમાં પાણીના ગ્લાસ સાથે જોયેલો એને, ડોરવે-માં. મા માટે એ એક જ દૃશ્ય અવિસ્મરણીય બની ગયેલું. પછી સાન્ત્યાગોએ પોતાનું સપનું કહી બતાવેલું. જો કે ત્યારે પ્લાસિદાએ વૃક્ષોને ખાસ કંઈ ધ્યાનમાં નહીં લીધેલાં.

કહેલું, “પક્ષીઓનું સપનું આવે તો સમજવું સ્વાસ્થ્ય સારું છે.”

આ વિસ્મૃત ગામમાં હું ત્યારે પાછો ફરેલો. વેરવિખેર ઘણા બધા ટુકડા ભેગા કરીને સ્મૃતિના તૂટેલા દર્પણને જોડવા કરતો’તો. ત્યારે પ્લાસિદાને મેં એ જ હૅમકમાં – જાળીદાર ઝૂલામાં – ઘરડાપાથી ઝાંખાંપાંખાં દીસતાં સાષ્ટાન્ગે સૂતેલી જોયેલી – જે હૅમકમાં, જે રીતે, એણે સાન્ત્યાગોને જોયેલો.

એનાથી અજવાળું સ્હૅવાતું ન્હૉતું. બેડરૂમમાંથી દીકરો જે પ્રકારે ચાલી ગયો તેથી કે શું, માથાનો દુખાવો એનો સનાતન હશે, તે ઇલાજ રૂપે, ગાલ પર એણે કશાં ઔષધ-પર્ણો ચૉંટાડી રાખેલાં. હૅમકના છેડેની દોરીઓ પકડીને એ બેઠી થવા મથેલી ત્યારે અરધા પડેલા પડછાયાઓમાં બાપ્ટિસ્ટ્રિની – ચર્ચના બાપ્તિસ્મા માટેના સ્નાનકુણ્ડની – કશી સુગન્ધે મને હત્યાની એ સવારે ચૉંકાવી દીધેલો.

જેવો મેં ઊંબરે પગ મૂક્યો કે તરત એણે સાન્ત્યાગો નાસરનાં સ્મરણોથી મને મૂંઝવી માર્યો. “એ ત્યાં ઊભેલો”, એ બોલેલી, “સાદા પાણીથી ધોયેલા સફેદ લિનનમાં હતો, કેમ કે, એની ત્વચા એટલી તો કોમળ કે કાંજીના કડ કડ અવાજ એનાથી કદી સ્હૅવાય નહીં”.

ઘણા વખત લગી એ હૅમકમાં બેસી રહેલી, મરીયાં જેવાં તીખાં કશાંનાં બી ચગળતી રહેલી, ભ્રમણામાં, કે ગયેલો દીકરો જાણે પાછો આવી ગયો છે. પછી નિસાસાથી બોલેલી : “મારી જિન્દગીમાં એ તો હતો મરદનો બચ્ચો."

બીજા અંશ, અનુકૂળતાએ …

= = =

(September 10, 2021: USA)

Loading

ઇન્ટરનેટના નર્કમાં રાઈટ ટૂ બી ફોરગોટન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2021

દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે રાઈટ ટૂ પ્રાઇવસીની અંદર રાઈટ ટૂ બી ફોરગોટન પણ આવી જાય છે. રાઈટ ટૂ બી ફોરગોટન એટલે ગુમનામીનો અધિકાર. કોઈ મારા વિશે ન જાણે તે મારી પ્રાઇવસીનો જ હિસ્સો છે. રાઈટ ટૂ બી ફોરગોટન એ ભારતમાં એક નવી ધારણા છે. હજુ તે સંવેધાનિક અધિકારોમાં સામેલ નથી. ઇન્ટરનેટના પ્રચલન પછી યુરોપનાં ડેટા પ્રોટેક્શન ધારાઓમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એક બંગાળી અભિનેત્રીએ યૂટ્યુબ અને અન્ય વેબપોર્ટલ પર ફરતા તેના નગ્ન વીડિયોને ઊતારી લેવાની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો, ત્યારે જસ્ટિસ આશા મેનને ઉપરોક્ત ટીપ્પણી કરતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ સાર્વજનિક કરવી તે તેની પ્રાઈવસીની ખિલાફ છે.

ભારતમાં આ વિષયમાં આ પાંચમો કિસ્સો છે. ૨૦૧૬માં, દિલ્હીના એક બેન્કરે તેની પત્ની સાથેના વિવાદમાં સમાધાન થઇ ગયું છે, તેવી દલીલ સાથે તેના કોર્ટ કેસની વિગતોને ઇન્ટરનેટ પરથી હટાવવા માટે દિલ્હી હાઈ કોર્ટ સમક્ષ માંગણી કરી હતી. ૨૦૧૭માં, કર્ણાટક હાઈકોર્ટે રાઈટ ટૂ બી ફોરગોટન હેઠળ એક સ્ત્રીનાં નામને ઇન્ટરનેટ પરથી હટાવવા માટે હુકમ કર્યો હતો. આ કેસમાં પણ એ સ્ત્રીનું તેના પતિ સાથે સમાધાન થઇ ગયું હતું.

૨૦૧૭માં, દિલ્હી હાઈકોર્ટમાં એક માણસે તેની માતા અને પત્નીની વિગતોને સર્ચ એન્જીનમાંથી દૂર કરવા માંગણી કરી હતી કારણ કે તેનાથી તેને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. મે મહિનામાં, દિલ્હી હાઈ કોર્ટે ૨૦૧૩માં કોર્ટના જ એક ચુકાદાને ઊતારી લેવા ગૂગલ અને ઇન્ડિયન કાનૂન વેબસાઈટને હુકમ કર્યો હતો, કારણ કે તેનાથી અરજીકર્તાને નોકરી મેળવવામાં તકલીફ પડી રહી હતી.

દિલ્હી કોર્ટ હજુ એ ચર્ચા કરી રહી છે કે રાઈટ ટૂ બી ફોરગોટનને કાનૂની સ્વરૂપ આપવું જોઈએ કે નહીં. તેને જો કાનૂનનું રક્ષણ મળે તો નાગરિકોએ તેમની વિગતોને સર્ચ એન્જીનમાંથી દૂર કરવા માટે કોર્ટ પાસે ધા નાખવાની જરૂર નહીં પડે.

આ કિસ્સાઓ પરથી સમજાય છે તેમ, કોઇ પણ વ્યક્તિને તેની અંગત માહિતી બિનજરૂરી અને અપ્રસ્તુત હોય તો ઇન્ટરનેટ, સર્ચ એન્જીન, ડેટાબેઝ કે વેબસાઈટ્સ પરથી તેને દૂર કરવાનો અધિકાર છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિનો કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યાં સુધી તેને લગતી માહિતી ઉપલબ્ધ હોય તો યોગ્ય છે, પરંતુ કેસ પૂરો થઇ ગયો હોય તે પછી પણ વર્ષો સુધી તેના નામ અને કેસનાં ઢોલ-નગારાં વાગતાં રહે તે તેના જીવન જીવવાના મૂળભૂત અધિકારનું હનન છે.

રાઈટ ટૂ બી ફોરગોટન પ્રગતિશીલ વિચાર છે. એ સાવ નવો નથી. બ્રિટિશરો હંમેશાં સમય સાથે રહ્યા છે. ૧૯૭૪માં તેમણે રિહેબિલિટેશન ઓફેન્ડર્સ એક્ટ પસાર કર્યો હતો, જેની અંતર્ગત જે અપરાધીઓ તેમની સુધારણા(રિહેબિલિટેશન)માં અમુક સમય પસાર કરે પછી તેમના અપરાધ અને સજાનું કલંક મિટાવી દેવું જોઈએ જેથી તેમને કામ શોધવામાં તે આડું ન આવે.

ઇન્ટરનેટના જમાનામાં વ્યક્તિની પ્રાઇવસીને લઈને નવા પડકારો અને જોખમો ઊભાં થયાં છે. અગાઉ સમાચારપત્રોના કિસ્સામાં એવું હતું કે આપણી કોઈ માહિતી તેમાં પ્રગટ થાય તો તે મર્યાદિત સમય પૂરતી જ ઉપલબ્ધ રહેતી હતી, કારણ કે સમાચારપત્રોની આવરદા ટૂંકી હતી. ઇન્ટરનેટમાં એવું નથી. ત્યાં દરેક વિગત આજીવન રહે છે. દિલ્હી કોર્ટના જજે કહ્યું હતું તેમ, "ઇન્ટરનેટના સાર્વજનિક ક્ષેત્રમાં માહિતીનું હોવું એ ટૂથપેસ્ટ જેવું છે. એક વાર પેસ્ટ બહાર નીકળી જાય પછી તે પાછી અંદર ન જાય. કોઈ માહિતી એક વાર પબ્લિક ડોમેનમાં આવી જાય પછી એ ત્યાં જ રહે."

ઇન્ટરનેટ કશું ભૂલતું નથી તે ૨૧મી સદીની ટેકનોલોજીની એક કડવી વાસ્તવિકતા છે. તેની સામે, ઇન્ટરનેટ મને ભૂલી જાય તે મારો મૂળભૂત અધિકાર છે. સ્મૃતિ શું છે તેની એક નિશ્ચિત થિયરી ઘડવી અશક્ય છે. આપણે અમુક બાબતો યાદ રાખીએ છીએ અને અમુક ભૂલી જઈએ છે. અમુક સ્મૃતિઓ દીવા જેવી સ્પષ્ટ હોય છે, અમુક સ્મૃતિઓ જૂના કાગળની જેમ ઝાંખી થઇ જાય છે. સ્મૃતિઓ બૂક-સેલ્ફમાં પુસ્તકો જેવી હોય છે. એ ત્યાં પડી-પડી જીર્ણ થઇ જાય છે. સ્મૃતિઓ કેમ વિસરાઈ જાય છે તેનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીનો એક અભ્યાસ કહે છે કે મગજ બન્યાં છે જ વિસારે પાડવા માટે. આપણે જો બધું જ યાદ રાખીએ તો જીવવાનું દુષ્કર થઇ જાય.

ઇન્ટરનેટે મગજની આ ‘ત્રુટી’નું સમાધાન શોધી કાઢ્યું છે. હવે તે એ બધું જ યાદ રાખે છે, જે કહીકતમાં વિસારે પાડી દેવાનું હોય છે. એકલા ફેસબૂકમાં જ ૫૦ કરોડ યુઝર્સ છે અને દર મહીને તેઓ ૫ લાખ મિનીટ્સ ખર્ચે છે. એ જે લખે છે તે ફેસબૂકના ‘સ્મૃતિગ્રંથ’માં સ્ટોર થાય છે. એ બધું જ તમારી વિરુદ્ધ ઉપયોગમાં લઇ શકાય છે. ઇન્ટરનેટ પર ટ્રોલિંગ કરવાવાળા જૂના વીડિયોઝ અને જૂની પોસ્ટ શેઅર કરીને નફરત અને ઘૃણા પેદા કરે છે.

એવા અનેક દાખલા છે જેમાં લોકોની નોકરી ગઈ હોય, કારકિર્દી ધૂળમાં મળી ગઈ હોય, ઘરમાં કંકાસ થયો હોય, છૂટાછેડા થયા હોય અને આપઘાત પણ થયા હોય. દુનિયાની મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓ સંભવિત ઉમેદવારોના પ્રોફાઇલને ઇન્ટરનેટ પર ચેક કરે છે. લગ્ન કરવા ઈચ્છુક છોકરા-છોકરીઓ એકબીજા વિશે જેટલું ઓનલાઈન જાણી શકે છે તેટલું ‘જોવાવાળી’ મિટિંગમાં જાણી શકતા નથી.

આપણા ધર્મોમાં નર્કની કલ્પના છે, જ્યાં દુષ્ટ આત્મા હંમેશ માટે સબડે છે. બાઈબલમાં ‘શાશ્વત સજા’ની ધારણા છે. આપણી વાસ્તવિક કાનૂન વ્યવસ્થામાં સજાની સીમા મર્યાદિત સમય પૂરતી હોય છે (આજીવન સજા ૧૪ કે ૨૦ વર્ષમાં પૂરી થઇ જાય છે). મર્યા પછી નર્કમાં જવાય છે કે નહીં તે ખબર નથી, પરંતુ ઇન્ટરનેટે નર્કને સાકાર કરી દીધું છે, જ્યાં તમે તમારા એક કલંક, એક ભૂલ કે એક અપરાધ માટે શાશ્વત સજા ભોગવતા રહો છે. એટલા માટે, રાઈટ ટૂ બી ફોરગોટન કાયદો બની જવો જોઈએ.

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઈસબૂક દિવાલેથી સાભાર; 06 સપ્ટેમ્બર 2021

Loading

સ્ત્રીને વિચારવાની મોકળાશ છે ખરી?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 September 2021

બાળક જન્મે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તે છોકરો છે કે છોકરી. છોકરી તરીકે જન્મીને પોતે, પોતાના જ કુટુંબની મુશ્કેલી વધારી છે એવું ભાન પણ છોકરીને હોતું નથી. એને ભાન નથી હોતું ને કુટુંબ નાનેથી જ ભાન કરાવતું રહે છે કે તે અનિચ્છનીય છે. આજે દીકરીના જન્મની બહુ છોછ નથી રહી, છતાં કેટલાંક કુટુંબોની માનસિકતા નથી જ બદલાતી. એવું જ છોકરાને પણ ખબર નથી કે પુત્ર તરીકે જન્મીને તેણે વિશેષ શું સિદ્ધ કર્યું છે? પણ કુટુંબ તેના જન્મથી રાજી થાય છે ને એ રાજીપો ઉછેર દરમિયાન પડઘાતો રહે છે. છોકરીના ઉછેરમાં તેના પર એક પ્રકારનો દાબ વર્તાય છે. એ દાબ છોકરાના ઉછેરમાં ખાસ વર્તાતો નથી. એને અભિવ્યક્તિની મોકળાશ મળતી રહે છે. આ મોકળાશ દીકરીને ઓછી જ મળે છે. એટલે કે છોકરાને મળે છે, તેના કરતાં ઓછી. નાનેથી જ તે વર્તન બાબતે, પહેરવા ઓઢવાને મામલે, ખાવાપીવાની બાબતે ટોકાતી રહે છે. સૂચનો, સલાહો, સાવચેતીનાં ખડકલાં તેની આસપાસ થતાં જ રહે છે ને એ બોજ રોજ બ રોજ વધતો જ જાય છે. આ બોજ વધારવામાં ઘરના પુરુષો ઉપરાંત ઘરની સ્ત્રીઓનો ફાળો પણ ઓછો હોતો નથી. ઘણું ખરું તો મા, દીકરીને પોતાના બીબાંમાં જ ઢાળતી રહે છે, તે એટલે કે એની માતાએ પણ તેને તેનાં બીબાંમાં જ ઢાળી છે. આ બધું છતાં દીકરો કે દીકરી, મા કે બાપની ઝેરોક્સ કોપી જેવાં નથી થતાં કારણ કે કુદરત નથી ઇચ્છતી કે દુનિયા ઝેરોક્સ કોપી બનીને ઠેરની ઠેર રહે. અનેક દબાણ વચ્ચે પણ માણસ અપૂર્વ વિચાર શક્તિ ધરાવતો આવ્યો છે ને એટલે જ દુનિયા સાવ વાસી થતી બચી ગઈ છે.

સ્ત્રીને વિચારની મોકળાશ નથી અથવા તો ઓછી છે એ વિચાર પણ પેલી અપૂર્વતાનું જ પરિણામ છે. માણસ માત્રની ઇચ્છા ગુલામ રહેવાની હોતી નથી. મોડો વહેલો તે ગુલામીમાંથી છૂટવા મથે જ છે. કોઈ લાંબો સમય દબાયેલું રહે કે ઓછો સમય, તે સ્ત્રી હોય કે પુરુષ, ગુલામી કોઈને માન્ય નથી. એમાં સૌથી વધુ તાબામાં સ્ત્રી રહેતી આવી છે. નાની બાળકી પોતીકી રીતે વિચારી શકતી નથી. વિચારે તો કોઈ વિચારવા દે એવું ઓછું જ બને છે. પોતે કોઈ જુદી વાત કરશે તો તરત પિતા કે માતા કે ઘરની વ્યક્તિ તેને રોકશે ને  સમજાવી, પટાવીને તેને પોતાની ઘરેડમાં લાવીને જ છોડશે. છોકરી કે છોકરો માથું ફેરવીને કૈં કરવા જશે તો ડરાવી ધમકાવીને વડીલો ઠેકાણે લાવશે. ઘરમાં પિતાનો અને અન્ય પુરુષોનો તીવ્ર દાબ સ્ત્રીને સ્વતંત્ર રીતે વિચારવાની તક લગભગ આપતો નથી ને જો કોઈ વિચારે તો એટલી દખલ હોય છે કે કોઈ વિચારસરણીનો સ્વતંત્ર ઉદય ભાગ્યે જ થાય છે.

એમાં જો કોઈ કન્યા પરણીને સાસરે આવે છે તો રહી સહી વિચારસરણીનો છેદ ઊડી જવાની પૂરી શક્યતા હોય છે. અપવાદો પિતાને ત્યાં કે સાસરામાં હોય જ છે, પણ સામાન્ય સ્થિતિ એવી હોય છે કે આજના મોડર્ન લાગતાં સમયમાં પણ સ્ત્રીએ, પિયર હોય કે સાસરું, મૌલિક વિચારોને ક્યારેક તો દફનાવી જ દેવા પડતા હોય છે. એમાં પિયરમાં તો થોડી ઘણી તક હોય પણ છે, પણ સાસરામાં તો બ્રેઇન વોશ કરવા માટે પતિ, સાસુ, સસરા, દિયર, જેઠ, દેરાણી, જેઠાણી, નણંદની આખી ફોજ હોય છે. ક્યાંક ને ક્યાંક ને ક્યારેક ને ક્યારેક તો શિકાર થઈને જ રહે છે. એક સગવડ કન્યાને પક્ષે એ રહે છે કે મોટે ભાગે જે પુરુષ તેનો પતિ બનવાનો હોય છે તેના ઘરનો ને તે ઘરની વ્યક્તિઓનો તેને પરિચય હોય છે, એટલે ખાસ અજાણ્યું તેને લાગતું નથી. નવી ને આવનારી વ્યક્તિ તરીકે તેનો ખ્યાલ પણ રખાય છે ને તેની સગવડો પણ સચવાય છે, પણ જેવી તે વહુ તરીકે કાયમી ધોરણે સાસરે આવે છે કે ક્રમશ: તે ઘરમાં દટાતી જાય છે. તેના પર ઘરની નાની મોટી વ્યક્તિઓનો એવો પ્રભાવ વધતો આવે છે કે તે બધાના વિચારોને ઝીલતું રિસિવિંગ સ્ટેશન જ બની રહે છે. તે લાંબું ના વિચારી શકતી હોય તો ગમે તેના વિચારોનો પ્રભાવ તે ઝીલે છે ને તેને અનુરૂપ વર્તતી રહે છે. સૌથી વધારે સંપર્કમાં તે પતિના આવે છે એટલે તેનો પ્રભાવ તેના પર વધુ પડે છે. તેમાં જો તે તેને ચાહતી હોય તો તેની વર્તણૂક, તેની બોલચાલની લઢણો, તેની પસંદગી, નાપસંદગી … વગેરેનો પ્રભાવ તેના પર પડે છે. પતિ જેવા થવાનું તેને ગમે છે ને તેના રંગમાં રંગાવાનું તેને પોતાનું અહોભાગ્ય લાગે છે, ધીમે ધીમે તે હુકમો ઉઠાવતી પૂતળી જ બની રહે છે, તે ત્યાં સુધી કે સંતાનો પર પ્રભાવ પાડવાને બદલે, તે સંતાનોના પ્રભાવમાં રહેતી થઈ જાય છે. એવું પણ બને છે કે થોડું ઘણું વિચારી શકતી આ દાસી ધીમે ધીમે પોતાપણું જ ગુમાવી દે છે ને એવી સ્થિતિમાં રહે છે કે તે સૌની માનીતી બની રહે અથવા તો સૌની મજાકનું પાત્ર બની રહે.

પણ જો કન્યા સ્વતંત્ર રીતે વિચારનારી હશે ને એવું વિચારવાની અનુકૂળતા તેના ઘરમાં હશે તો તે હા-માં હા કરનારી નહીં જ હોય. તે જ્યાં પણ જશે, તેની મૌલિક વાતો પર લોકો વિચાર કરશે ને તેનું માન પણ સમાજમાં વધશે. એમાં બધાં જ તેની વાત સ્વીકારી લેશે એવી અપેક્ષા તો વધારે પડતી છે. એવું બને કે તે એકાએક ન સમજાતી હોવાને કારણે તેનો વિરોધ પણ થશે. વિરોધ થશે તો તે પોતાની વાત સાચી હશે તો સમજાવવાની કોશિશ કરશે અથવા તો સામે સાચી વાત હશે તો સ્વીકારશે પણ ખરી. કારણ કે તે સ્ત્રી છે, તેને એકાએક સ્વીકૃતિ નહીં મળે એમ બને. જો તેની વાતમાં સચ્ચાઈ હશે અને તેની દલીલો તર્કબદ્ધ હશે તો મોડી મોડી પણ તેની વાતો સ્વીકારાશે. ઘણું ખરું તે સ્વમાની હશે એટલે પતિ તો ઠીક છે, બોયફ્રેંડ કે ફ્રેન્ડને પણ પોતાના વિચારો ઠસાવવાની કોશિશ તે કરશે. તે એકાએક લગ્ન કરવા પણ રાજી નહીં થાય. તેને કશુંક નોખું કરવાનું ગમતું હોય છે ને વિચિત્રતા એ છે કે એ ઘણાંને ગમતું હોતું નથી. ભૂલેચૂકે જો એ પરણે છે તો તે તેને ભાગ્યે જ પતિ સાથે કે તેના કુટુંબની વ્યક્તિઓ સાથે બને છે. ક્યાં તો તે છૂટાછેડા લે છે અથવા તો તે અપમૃત્યુ વહોરે છે. તે જો પતિ કે તેના કુટુંબના સભ્યોનું માનીને સમાધાન કરે છે તો ધીમે ધીમે તે પોતાનું સત્વ ને સ્વત્વ ગુમાવી દે છે. જો સ્ત્રી તેવું નથી કરતી તો તેને ઘણું વેઠવાનું આવે છે. અનેક લોકોના વિરોધનો સામનો કરવાનો તેને આવે છે. શરૂઆત પતિના વિરોધથી થાય છે. આમ પણ પત્ની, પતિથી જુદો વિચાર ધરાવતી હોય તો તે પતિને ગમતું હોતું નથી. ઘણીવાર તો પતિ, પત્નીએ શું જુદું કહેવું છે, એ સાંભળવા પણ તૈયાર હોતો નથી. પતિ ઘણી છૂટ આપતો હોય તો પણ તે પતિએ આપેલી છૂટ છે. એમાં જો સ્ત્રી પોતે કોઈ મોકળાશ શોધી લે તો તેનાથી પતિના અધિકાર પર તરાપ પડે છે એવું પતિને લાગે છે. એવા કિસ્સાઓ પણ છે કે પત્ની કોઈ જુદો વિચાર લઈને આવે તો તેને રોકાય ને તે ન માને તો વાત હિંસા ને હત્યા સુધી પણ લંબાય છે. એ તો ઠીક, સંતાનો પણ સમજણા થાય છે તો મમ્મી તેમને નાસમજ લાગવા માંડે છે. સામાન્ય વાતોમાં આ સ્થિતિ હોય તો કોઈ સર્જનાત્મક વિચાર સ્ત્રી પ્રસ્તુત કરે તો તેને સ્વીકૃતિ નહિવત મળે છે.

આ સ્ત્રીને માટે જ છે એવું નથી, કોઈ પુરુષ પણ કોઈ અપૂર્વ વાત લઈને આવે છે તો તેને સ્વીકૃતિ ભાગ્યે જ મળે છે. પૃથ્વી ફરે છે એવું કહેનારની શી સ્થિતિ થઈ છે એ આપણાથી અજાણ્યું નથી. કોઈ એવું સત્ય જે પહેલી વખત પ્રગટ થતું હોય તો તેને સ્વીકૃતિ મળતાં સમય લાગે છે, એમાં જો એ કોઈ સ્ત્રી દ્વારા પ્રગટ થાય છે તો મુશ્કેલી ઑર વધે છે ! તે એટલે કે તે ઘરેડથી અલગ પડે છે ને એવું માની લેવામાં આવે છે કે સ્ત્રી પાસે મૌલિકતા હોતી નથી, પણ સાવ એવું નથી. આ પૃથ્વી પર ઘણા આવિષ્કારો સ્ત્રીઓએ પણ કર્યા છે ને તે એટલે શક્ય બન્યું છે કેમ કે અનેક મુશ્કેલીઓ વચ્ચેથી પોતાની વાત કહેવાની મોકળાશ તેણે મેળવી છે, ઊભી કરી છે. સાચી વાત તો એ છે કે સમાજે સ્ત્રી હોય કે પુરુષ, તેની જુદી ને સાચી વાતને સમજવી જોઈએ ને તે એ વાત કરી શકે એવી મોકળાશ તેને આપવી જોઈએ. બાકી, જેને સત્ય લાધે છે તે તો જગતને પહોંચાડીને જ જંપે છે. જગત તેને સ્વીકારે તો તે વહેલું પ્રગટ થાય છે ને જો નથી સ્વીકારતું તો વાર લાગે છે, પણ અટકી જતું નથી. સૂર્ય થોડો વખત ઢંકાય છે, પણ તેને કાયમ માટે ઢાંકી શકાતો નથી. સત્યનું પણ એવું જ છે ….

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,7951,7961,7971,798...1,8101,8201,830...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved