આ શીર્ષક વાંચીને ઘણાંનાં નાકનાં ટેરવાં ચડી જવાના છે, પણ કમ સે કમ જે વ્યક્તિ પુખ્ત વયની નથી એને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ હોવો જોઈએ, એમ તીવ્રપણે કહેવાનું થાય છે. જો 8 વર્ષની બાળકીને બાઇક ચલાવવા માબાપ ન આપતાં હોય તો મોબાઈલ પણ ન જ આપવો જોઈએ, કારણ બાઇકનું છે એથી વધુ જોખમ મોબાઇલનું છે. આપણે બાળકને નાની ઉંમરે, મોટું કરી નાખવામાં ગૌરવ અનુભવીએ છીએ અને તેને પ્રોત્સાહન આપીએ છીએ, પણ એ મુર્ખાઈથી વધારે કૈં નથી. બાળક સાહસિક બને ને એ દિશામાં સક્રિય થાય તો એમાં કશું ખોટું નથી, પણ એ જો ચાલુ ગેસ પર હાથ મૂકવા જાય તો એને આપણે પ્રોત્સાહન આપતાં નથી કે એને સાહસ તરીકે બિરદાવતાં નથી. એ જ રીતે બાળકોનાં મોબાઇલના ઉપયોગને પણ બિરદાવી શકાય નહીં. આજકાલ તો માબાપ સામેથી, બાળકને મોબાઈલનો ઉપયોગ કરવાનું શીખવે છે ને તેનું ગૌરવ લે છે. બાળકને એની ટેવ પડે છે ને પછી ફટાફટ ક્લિક કરવા લાગે છે તો મમ્મીઓ ને પપ્પાઓ હરખથી ઘેલાં ઘેલાં થઈ જાય છે. એક વાર બાળક મોબાઈલનો ઉપયોગ કરતું થઈ જાય છે, પછી આજ માબાપો બાળક મોબાઈલ છોડતું નથી એવી ફરિયાદ પણ કરવા લાગે છે. જો કે, ઘણાં માબાપ તો હવે અણગમો બતાવીને જ રહી જાય છે, કારણ એ બધાં પણ ક્યાંક ને ક્યાંક લાગેલાં હોય છે એટલે મોબાઇલમાંથી પરવારે તો બાળક શું કરે છે તે જુએ ને !
બાળક વધારે ખલેલ ન પહોંચાડે એટલે તેને જેમ કે.જી., નર્સરીમાં ધકેલાય છે, એમ જ ઘરમાં ત્રાસ ન આપે એટલે માબાપ તેને મોબાઈલ પકડાવી દે છે, એટલો વખત તો શાંતિ !
એ ખરું કે મોબાઈલ ઉપયોગી ડિવાઇસ છે. એનાથી વ્યક્તિનો સંપર્ક ઝડપી બને છે ને વિદેશમાં રહેતી વ્યક્તિને વીડિયો કોલ કરીને મહત્ત્વની વાતો શેર કરી શકાય છે, મની ટ્રાન્સફર કે ટ્રેડિંગ સરળ થાય છે, મહત્ત્વના મેસેજિસની આપ-લે શક્ય બને છે, ઓનલાઈન શિક્ષણ જેવી સવલતો ઊભી થાય છે, કોઈ ખેલાડી ગોલ્ડ મેડલ લાવે છે કે કોઈ પર્વત ધસી પડે છે તો તેનો વીડિયો મિનિટોમાં ગમે ત્યાંથી ટપકી પડે છે ને એ જ રીતે પોતાના મોબાઈલ પરથી પણ ક્લિપિંગ્સ શેર કરી શકાય છે. એટલે મોબાઇલ ઉપયોગી છે જ, એ સાથે જ તેના ભયસ્થાનો પણ છે જ ! સ્ત્રી-પુરુષના સંબંધોના અંતરંગ દૃશ્યો મોબાઇલમાં ઝીલીને બ્લેકમેલ કરવાના ઘણા કિસ્સા મીડિયામાં પ્રગટ થતા જ રહે છે, ખરા ખોટા મેસેજિસ દ્વારા વ્યક્તિને ઉશ્કેરવાના, કોઈને ચડાવી મારવાના, કોઈને પછાડવાના બનાવો બનતા જ રહે છે, રાજકીય કે સામાજિક કે ધાર્મિક પ્રચારની પણ ઘણી ખરીખોટી વાતો મોબાઇલના માધ્યમથી ફરતી રહે છે, એમાં સાચું ઓછું જ બહાર આવે છે, મોટે ભાગે તો જાતભાતનો કચરો જ ઠલવાતો રહે છે. સાચી વાત તો એ છે કે સાઇબર સેલની શરૂઆત જ મોબાઇલની ગતિવિધિનું પરિણામ છે. એટલે અનેક સારા ઉપયોગો મોબાઇલના હોય તો પણ, હાથમાં સારું ઓછું જ આવે છે અને એ કચરાના ઢગલામાંથી સોય શોધવા જેવું જ અઘરું કામ બની રહે છે. અફવાઓ પર ધ્યાન ન આપવું એવું કહી કહીને અફવાઓ ફેલાવનારાઓ પણ મોબાઇલમાંથી જ મળી રહે એમ છે.
એ ખરું કે મોબાઇલને કારણે વર્ચ્યુયલ મીટિંગ શક્ય બની, ઓનલાઈન લેક્ચર્સ લેવાતાં થયાં ને દૂર બેઠાં બેઠાં પણ હેતુલક્ષી કામો થયાં. એણે ઘણાં ભૌગોલિક અંતરો ઘટાડીને સંપર્કો વધારી દીધા. મોબાઇલમાં જેમ સભાઓની સગવડો થઈ, એમ જ ઓનલાઈન શિક્ષણનો લાભ પણ મળ્યો. મોબાઇલની મદદથી શિક્ષણની પરોક્ષ વ્યવસ્થાઓ થઈ છે અને ઘણાંને કમાણીનું નવું સાધન પણ મળી ગયું છે, પણ પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ, ઓનલાઈન, જોઈએ એટલું સફળ થયું નથી. એવું બને કે આ રીતે શિક્ષણ આપવાનું અગાઉ બન્યું ન હતું, એટલે એ સ્ટાર્ટિંગ ટ્રબલ હોય, પણ એ પ્રાથમિક કક્ષાએ સફળ થાય એવી શક્યતાઓ નહિવત છે. એનાથી આંખની અને મનની સમસ્યાઓ પણ થઈ શકે એમ છે. ઓનલાઈન શિક્ષણ અંગે શિક્ષણ વિભાગ થોડો ઉદાસીન પણ છે. પૂરતાં સાધનો નથી, અંતરિયાળ ગામોમાં નેટની સુવિધાઓ નથી એટલે શહેરી કક્ષાએ કદાચ સફળ થાય તો પણ ઓનલાઈન શિક્ષણ ગામોમાં ને આદિવાસી વિસ્તારોમાં સફળ થાય એમ નથી. સફળ કરવાના સરકારના પ્રયત્નો પણ ટાંચા પડે છે.
બીજી મહત્ત્વની વાત એ પણ છે કે સાધારણ કુટુંબમાં એકથી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય તો વાલીઓને એ બધાં સંતાનો માટે મોબાઈલ કે લેપટોપ વસાવી આપવાનું પરવડે એમ નથી. વારુ, ઓનલાઈન શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો વ્યવહાર મોટે ભાગે એકતરફી જ જોવા મળ્યો છે. શિક્ષક શીખવે તે વિદ્યાર્થીને સીધું પહોંચે એવી શક્યતાઓ ઓછી જ છે. વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો તેનું નિવારણ તરત આવી જ જાય એ પણ ચોક્કસ નથી હોતું. ટૂંકમાં, ઓનલાઈન પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક તબક્કામાં જ છે ને વર્ગખંડોમાં જ તે વધુ અસરકારક નીવડી આવે એમ બને. વર્ગખંડોમાં અપાતાં પ્રત્યક્ષ શિક્ષણ પછી પણ બાળક મૂંઝાતું હોય, ત્યાં ઓનલાઈન શિક્ષણ કેટલું અસરકારક રહે તે પ્રશ્ન જ છે. એ જ રીતે ઓનલાઈન યોજાતી પરીક્ષાઓમાં પણ ઘણી ગરબડો થઈ છે ને થઈ શકે એમ છે એટલે પણ, ઓનલાઈન શિક્ષણ ને પરીક્ષાઓ યોગ્ય વિકલ્પ જણાતા નથી. આ બધું છતાં ઓનલાઈન પરીક્ષાઓ શિક્ષણ વિભાગ યોજી શક્યું નથી અને વગર પરીક્ષાએ જ પરિણામો આપવાં પડ્યાં છે તે ભૂલવા જેવું નથી. ધારો કે ઓનલાઈન શિક્ષણ ઉત્તમ વિકલ્પ હોય તો પણ, પ્રાઇમરીના વિદ્યાર્થીઓ મોબાઇલથી દૂર રહે એ હેતુ જાળવવા માટે પણ ઇચ્છવા જેવું નથી. કઈ રીતે તે જાણવા વધારે નહીં, એક જ ઘટના જાણવા જેવી છે.
સચિન જી.આઇ.ડી.સી.માં એક પરિણીત પુરુષ તેના ભાઈ સાથે રહે. તેની પત્ની અને દીકરી સહિતનાં ચાર સંતાનો બિહારમાં રહે. ભાઈ પરણી ગયો એટલે જુદો રહેવા ગયો. આ ભાઈ એકલા પડ્યા, પણ પડોશી તરીકે વિશ્વાસુ એટલે બાજુમાંથી બાળકો રમવા આવે ને અંકલ એમને રમાડે ય ખરા. પોતાની પાસે બબ્બે મોબાઈલ, તે દરેકને રમવા આપે. એની એવી ટેવ પડી કે બાળકો રોજ મોબાઇલમાં ગેમ રમવા અંકલને ત્યાં આવે જ !
ગયા સોમવારે રાતના સાડા આઠના સુમારે બંને બાળકો અંકલને ત્યાં ગેઇમ રમવા ગયાં. અંકલે 6 વર્ષના ભાઈને મોબાઈલ રમવા આપ્યો ને એ તો રમતમાં ખોવાઈ ગયો. એવો જ મોબાઈલ અંકલે 8 વર્ષની બાળાને પણ આપ્યો ને એ પણ ફની વીડિયો જોવામાં ખોવાઈ ગઈ ને ક્યાં ય સુધી ખોવાયેલી જ રહી. ઘરે ગઈ ત્યારે માતાએ બાળકીને દુખાવાની ફરિયાદ કરતી ને લોહી નીકળતી હાલતમાં જોઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે અંકલે નાના ભાઈને મોબાઈલમાં વ્યસ્ત રાખીને, તેની હાજરીમાં જ 8 વર્ષની બાળકી જોડે દુષ્કર્મ કર્યું છે. બાળકી મોબાઇલમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે પોતાની સાથે શું થઈ રહ્યું છે તેનો તેને ખ્યાલ જ ન આવ્યો. શ્રમજીવી પરિવાર આ ઘટનાથી ચોંકી ગયો ને વાત પોલીસ સુધી પહોંચી. પોલીસે નરાધમ અંકલની ધરપકડ કરી. એનું તો જે થવાનું હશે તે થશે, પણ દીકરીને ખ્યાલ જ ન આવ્યો એ વધારે આઘાતજનક છે. મોબાઇલનાં વ્યસનનો આ આંખ ઉઘાડતો કિસ્સો છે. મોબાઇલથી સેલ્ફી લેવામાં જીવ ગુમાવવાના બનાવોની હવે નવાઈ રહી નથી. આ અગાઉ મોબાઈલ પર જ બ્લૂ વ્હેલ ને પબ્જી જેવી રમતોનો પવન ફૂંકાયો હતો અને એમાં પણ ઘણાંએ જોખમો વહોર્યાની ઘટનાઓ સામે આવી હતી. સંપર્ક સિવાયની આવી આખી પ્રવૃત્તિ જ આત્મઘાતી છે, વિનાશક છે.
એ સારું હોય કે ખરાબ, આપણે મોબાઈલની ગુલામી ખુશી ખુશી સ્વીકારી લીધી છે. એમાં નાનાં હોય કે મોટાં, સૌ જવાબદાર છે. ખરેખર તો મોટાં વધારે જવાબદાર છે, કારણ તેઓ પોતે તો મોબાઇલથી છૂટી શકતાં નથી ને નાનાંને રમવા માટે મોબાઈલ આપે, અપાવે છે. એની લત લાગી જાય પછી બાળકને તેનાથી દૂર રહેવાનું કહેવાય તો તેની અસર ન પડે એ શક્ય છે, કારણ વડીલો જ એનાથી છૂટી શકતા ન હોય તો તે બાળકોને કયે મોઢે મોબાઇલથી દૂર રહેવાનું કહી શકે?
કોણ જાણે કેમ પણ આપણને ગુલામી વગર ચાલતું નથી. એક લત છૂટે ન છૂટે ત્યાં બીજી લતને ગળે વળગાડી લઈએ છીએ. મોબાઇલના લાભ છે જ, પણ આપણે જ તેનો કઈ રીતે વધારેને વધારે દૂરુપયોગ કરી શકીએ તેની અનેક રીતો વિકસાવી છે. કોઈ પણ વાતનો અતિરેક ઘાતક છે એ કેટલાં નુકસાન પછી શીખીશું તે નથી સમજાતું. નાની નાની આત્મહત્યાઓનું એવું વળગણ છે કે મરવાને જ જીવન માનીને ચાલવાનું ગમે છે સૌને !
વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઑગસ્ટ 2021
![]()


આ સિવાય જજોને ખબર છે કે ન્યાયતંત્રમાં સાઇટેશન એટલે કે પાછલા ચુકાદાઓને પ્રમાણ તરીકે સતત ટાંકવામાં આવે છે. આ વકીલાત અને ન્યાયતંત્રની અનિવાર્ય જરૂરિયાત છે. એક ખટલો એવો નહીં જોવા મળે જેમાં પાંચ-દસ સાઇટેશન ન હોય. અને જ્યારે ખટલો મૂળભૂત અધિકાર વિશેનો હોય, કેન્દ્ર-રાજ્ય સંબંધો અંગેનો હોય કે એવા બીજા ભારતીય રાજ્યના કલેવર અને પ્રાણને લગતા હોય ત્યારે તો એમાં ઢગલોએક સાઇટેશન આપવામાં આવે છે. આને કારણે ભવિષ્યમાં વારંવાર અદાલતોમાં આપણી આબરુની પાઘડી ઉછળવાની છે એ ડરે કેટલાક જજો ન્યાયસંગત ચુકાદા આપે છે. શાસકો તો આવે ને જાય, પણ ભવિષ્યમાં સો-બસો વરસ સુધી દેશની અદાલતોમાં અને કવચિત વિદેશની અદાલતોમાં વકીલો દલીલ કરતી વખતે આપણને હાજર કરવાના છે. આવનારી પેઢી અદાલતોમાં આપણી આવડતની, આપણી પ્રામાણિકતાની અને ન્યાયનિષ્ઠાની કસોટી કરતી જ રહેવાની છે.
આઝાદી પછીની પહેલી પચ્ચીસી આવતા દેશની સામાજિક આર્થિક પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો. તે જ અરસામાં દેશના નામાંકિત અર્થશાસ્ત્રીઓએ તદ્દન ગરીબીમાં જીવનારાઓની દેશની વસતીનો અંદાજ ૬૦ ટકા ઉપર મૂક્યો હતો. ૧૯૬૭ પછી તો દેશને ખાવા માટે અનાજની પણ આયાત કરવી પડેલી. હરિત ક્રાંતિ શરૂ થયી હતી, પરંતુ તેનાં પરિણામો વ્યાપક સ્તર પર મળે તેમાં હજી ઘણી વાર હતી. ગાંધીજીના ગ્રામ સ્વરાજની વાત તો કોરાણે મૂકાઈ ગયેલી. અલબત્ત, વિનોબાએ ભૂદાનની ચળવળ ચલાવી એક નવી ક્રાંતિ સર્જી હતી પણ તેના વ્યાપક સ્તરે મંગલકારી પરિણામો આવે તેવું કંઈ બન્યું નહીં અને કૃષિ ક્ષેત્રે વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતાના કોઈ નવા કીર્તિમાનો સ્થપાયા નહીં. પરંતુ આઝાદીની થોડાં વરસો પહેલાં અને ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં જન્મેલા ગાંધી, સરદાર, સુભાષ અને આંબેડકરના જીવન અને કવનથી પ્રેરણા પામેલા કઈંક યુવાઓ દેશની પરિસ્થિતિથી વ્યથિત થઈ તેમાં પાયાથી ફેરેફાર કરવા થનગની રહ્યા હતા. ૧૯૭૩ – ૭૬ના અરસામાં ગાંધીયુગના નેતા જયપ્રકાશ નારાયણે આ થનગની રહેલા યુવાનોને દિશા ચીંધી સંપૂર્ણ ક્રાંતિના આંદોલનમાં જોડાવા હાકલ કરી હતી. હજારો યુવાઓ જોડાયા. જે.પી. આંદોલનની પ્રક્રિયામાં છાત્ર-યુવા સંઘર્ષ વાહિનીની રચના કરવામાં આવી હતી. સમય જતાં તે પૈકી કેટલાક પક્ષીય રાજકારણમાં સક્રિય થયા. થોડીક વ્યક્તિઓ કેંદ્ર સરકારમાં પ્રધાન બન્યા અને રાજ્યમાં મુખ્ય પ્રધાન પણ બન્યા. કેટલાક લોકોએ લોકો તરફ જ રહીને અધિકાર અને ન્યાય મેળવવા સતત પ્રયાસ કર્યો અને એ પ્રક્રિયામાં રાજ્ય સામે સંઘર્ષ પણ કર્યા. આ હરોળમાં એક્શન રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલોપ્મેન્ટ (આર્ચ) પરિવારનાં રશ્મિ, તૃપ્તિ, અંબરીષ, રાજેશ અને આ લેખક આવે જેઓ વાહિનીના પહેલેથી જ સદસ્યો હતાં.
કઈ રીતે બન્યો, એના તડકા-છાયા, સફળતા-નિષ્ફળતા, માન-અપમાનની વાત ‘હું આ રીતે જોડાઈ’-થી શરૂ કરી ‘આપણે આમ કર્યું’ ‘આવું થયું’ના ભાવમાં જાણે એક કથા કહી રહી છે. આખા ય લખાણમાં હું અને હુંપણું બહુ જ ઓછું છે અને અનિવાર્યપણે જ પ્રગટે છે.
બીક ભાગે છે અને સત્ય ટકે છે તે વાત સરસ રીતે મૂકાઈ છે. રેલી અને ધરણાઓની નોબત વનવિભાગ કોર્ટ દ્વારા મળેલા હુકમોનું પણ અનાદર કરી ગામોમાં મનસ્વી રીતે વરતે છે ત્યારે આવે છે અને આ તમામ દેખાવોમાં અને રેલીઓમાં કાંકરીચાળો પણ ન થાય તે અનુશાસન અને પાલન થાય છે ત્યારે પોલીસ પાસેથી પણ ચાહના મેળવે છે તે પણ આ વાર્તામાં જોઈ શકાય છે. ચૂંટાયેલા રાજકારણીઓ અને લોક્સેવકો પણ ત્રાહિત લોકોને રક્ષણ આપતા શું રમતો રમે છે તેનો કિસ્સો પણ બહુ બોધદાયક છે. સરકાર અને વનવિભાગ કઈ રીતે લોકોના અસ્તિત્વને ગણકાર્યા વગર વિકાસની વિશાલકાય યોજનાઓ બનાવી તેની પર્યાવરણીય નકારાત્મક આડ અસરોને ખાળવા સંરક્ષણના પગલાં લે ત્યારે લોકો પર તેની શું અસર થાય છે તે તરફ કેટલા બેદરકાર હોય છે તેની વાર્તા પણ પહેલા ભાગના એક પ્રકરણમાં મળે છે. નર્મદા બંધના કારણે ડૂબમાં જતી વનરાજી સામે નવીન વનીકરણ કરવાને બદલે દેડિયાપાડાના મોટા જંગલ વિસ્તારોને અભયારણ્યમાં ફેરવી નાખે છે અને એ બાબતમાં આ વનાધારિત કુટુંબો જેઓ ત્યાં માંડ રળી ખાય છે તેમેને માહિતગાર પણ કરતા નથી. અભયારણ્યમાં વનસંરક્ષણ એટલું કડકાઈથી થાય છે કે કોઈ ઘાસ-પાંદડાં પણ પરવાનગી વગર ખસેડી ન શકે. વનવિભાગ આ કાયદા હેઠળ લોકોને નવેસરથી દમે છે. પાઠકો માટે બે બાબતો ધ્યાન આપવા લાયક છે. એક, લોકોનું સંગઠન લેખિકાના નેતૃત્વમાં કઈ રીતે કોર્ટ અને રૅલીના સહારે ખેડાણ હક ટકાવી રાખે છે. બીજું, વાડ ચીભડા ગળેના ન્યાયે વનવિભાગ અભયારણ્યના વાંસ કઈ રીતે કાગળની મિલને જૂના કરારના આધારે માત્ર આપવાનું ચાલુ રાખે છે તેટલું જ નહીં પણ વાંસનો તમામ જથ્થો બેદરકારી આડેધડ કપાવી આપી દેવા માગે છે. આ રસ જગાવતી વાર્તા વાંસ પુરાણમાં (પ્રકરણ ૧૩) વાંચવા મળશે. આ પ્રકરણ વાંચતા અનાયાસે સ્વામી આનંદે લખેલું ચરિત્રચિત્રણ મહાદેવથી મોટેરા માં રેલવે પુરાણની યાદ અપાવી જાય છે. આઝાદ ભારતના સત્તાના અહંકારમાં રાચતા અમલદારો ગુલામ ભારતના અંગ્રેજ અમલદારોને પણ પાછા મૂકે એવા કૃત્યો કરતા દેખાય છે. વરસોથી જંગલની જમીન પર ખેતી કરતા ખેડુઓના બળદ કબજામાં લઈ બંધ કરી દે અને સંગઠનથી બળ પામેલા ખેડૂતો એને છોડાવા જાય એવા એક બનાવમાં લેખિકા પોતે વનવિભાગની કચેરીથી છોડાવી લાવેલાં. વિભાગે થોડા દિવસ રહી બળદ ચોરીનો કેસ કરી એમને એક દિવસ ન્યાયિક હિરાસતમાં રહેવાને ફરજ પાડેલી! ખેડા સત્યાગ્રહના ‘ડુંગળીચોર’ની માફ્ક આઝાદ ભારતની આ મહિલા સત્યાગ્રહી ‘બળદચોર’ બને છે. રાજ્યસત્તાની રીતભાતો સરખી – ગોરા સાહેબ હોય કે કાલા સાહેબ. આવી ઘટનાઓની અસર એવી પડી કે ‘આ તુક્તાબેન જરા પણ બીવે નહીં અને આપણા માટે જેલ હો જાય’ તો આપણે શું બીવાનું? સત્યની લડતમાં નિર્ભય થવું જરૂરી અને જાત પર સહન કરવાનું જરૂરી તો જ સત્યાગ્રહ થાય અને સામેવાળા પર અસર થાય. ગાંધીજીની આ જ શીખ અને તેનો પ્રતાપ દેડિયાપાડાના આદિવાસીઓના સંઘર્ષમાં જોવા મળે છે.