Opinion Magazine
Number of visits: 9752203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પર્યાવરણની કટોકટીને કારણે ચાર ધામ યાત્રા સ્વધામ યાત્રામાં ફેરવાઇ જાય તેવી આફત આવી પડી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 October 2021

કુદરતને અગત્યના સ્રોત તરીકે જોઇ, તેની જાળવણી સલામતી માટે થાય તે જરૂરી છે પ્રગતિને નામે કુદરતનું નિંકદન નિકળશે તો જિંદગીઓનો આમ જ કચ્ચરઘાણ વળી જશે

મોક્ષના દ્વાર ખૂલે, બધા પાપ ધોવાઇ જાય એ માટે ચાર ધામની યાત્રા હિંદુ સંસ્કૃતિમાં લાંબા સમયથી અગત્યની રહી છે.  બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમ્‌ – આ ચારેય ધામની યાત્રા હિંદુઓએ કરવી જ રહી એવું આદિ શંકરાચાર્યએ કહ્યું છે. વળી ઉત્તરા ખંડમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને છોટા ચારધામ કહેવાય છે અને ચાર દિશાના ચાર ધામ કરતાં આ છોટા ચારધામની યાત્રાનું મહત્ત્વ ક્યારે ય ઘટ્યું નથી.  શિયાળામાં બરફને કારણે આ ચાર ધામ બંધ રહેતા હોય છે, અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉત્તરા ખંડમાં આવેલા આ છોટા ચાર ધામના પર્યાવરણની એવી વલે થઇ છે કે ચાર ધામમાં મોક્ષના દરવાજાનો માર્ગ તો ખુલતાં ખુલશે પણ સ્વધામનો દરવાજો જ ફટાક દઇને ખૂલી જાય તેવી દહેશત શ્રદ્ધાળુઓમાં ફેલાઇ છે.  ૨૦૧૬માં વડા પ્રધાને આ ઉત્તરા ખંડમાં આવેલા આ ચારેય ધામ વચ્ચે કનેક્ટિવીટી વધે એટલે ચાર ધામ હાઇ વે ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

વાઇરસના ભરડામાં જરા હળવાશ અનુભવાઇ, એટલે ‘ફુલ્લી વેક્સિનેટેડ’ શ્રદ્ધાળુઓએ તો ઉત્તરા ખંડ જવાના પ્લાન બનાવ્યા. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી તો વાઇરસને કારણે વેન્ટિલેટર પર છે જ પણ વેક્સિનેશનને કારણે અને લોકોમાં વાઇરસનો ભય જરા ઘટવાને કારણે (જો કે ગુજરાતીઓએ તો બહુ પહેલાં જ વાઇરસને ‘ઠીક હવે’-વાળું સર્ટિફિકેટ આપી દીધું હતું.) ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં જરા હલચલ થઇ. છેલ્લા એક અઠવાડિયાં નૈનિતાલ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદે જે હાલત કરી છે, તેમાં ક્લાઇમેટ ક્રાઇસિસ – શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો પર્યાવરણીય કટોકટીની ગંભીરતાનો વરવો ચહેરો અને પ્રભાવ આપણે ફરી એકવાર વેઠ્યો છે.

કુદરતી આફતોની તીવ્રતા સમયાંતરે વધતી ચાલી છે. ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ છે કે આ બધી કુદરતી આફતો ખરેખર તો માનવ સર્જીત જ છે. આ ક્લાઇમેટ ઇમર્જન્સીને જો ગંભીરતાથી નહીં લેવાય તો શું વલે થઇ શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વળી આ હાલત માત્ર ઉત્તરા ખંડમાં જ છે તેમ નથી, કેરળમાં પણ ઘર ધસી પડ્યાં છે તો આસામમાં તો ફ્લેશ ફ્લડ્ઝ, જંગલી પ્રાણીઓની અવદશા વિશે આપણે અગાઉ વિગતવાર વાત કરી છે. છેલ્લા ચાર દિવસમાં થયેલા મોતના આંકડા અગાઉ મૃત્યુ પામેલાની યાદીમાં ઉમેરો છે.  હિમાલયમાં ગ્લેસિયર્સનું પીગળવું, દરિયાની સપાટી ઉપર આવવી, તીવ્ર ટ્રોપિકલ તોફાનો, પૂર અને અંધાધૂંધ વરસાદ વિશે ઇન્ટરગવર્મેન્ટ પેનલે તો પહેલાં જ આગાહી કરી હતી પણ મને ખાતરી છે કે આવી આગાહીઓ તો પહેલાં પણ થઇ હશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ખડા થતા ચક્રવાતી તોફાનો દેશ આખામાં ખડી થયેલી પર્યાવરણીય આફતનું કારણ છે. આમ જોવા જઇએ તો જેને પર્યાવરણવિદ્ ‘રિટ્રીટીંગ મોનસૂન’ કહે છે તે સંજોગોમાં કેરળ અને ઉત્તરા ખંડમાં વરસાદ થયો છે જે કુદરતી ચક્રનો ભાગ છે પણ વરસાદની તીવ્રતા કોઇ ભોગે સાધારણ માની શકાય તેવી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે કુદરતી આફતોનું પ્રમાણ વધ્યું છે તે જો આપણે એક રાષ્ટ્ર તરીકે ક્લાઇમેટને સંતુલિત કરવાના લક્ષ્ય પર ધ્યાન આપવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે. જાનમાલનું નુકસાન થાય જેની અસર ફુડ સિક્યોરિટી પર પણ પડે. અંગ્રેજીમાં જેને ‘ડોમિનો ઇફેક્ટ’ કહીએ છીએ આ એવી જ કંઇ વાત છે, કે એક તરફ કંઇક ઘટના ઘટે તેનો પ્રભાવ એક પછી એક બાબતો પર, જોડાયેલી કડીઓની માફક પડતો જાય.  હવાનું પ્રદૂષણ, આકરી ગરમી વગેરેને કારણે દરિયાના પાણીનું તાપમાન પણ વધે જે તોફાનોને વધુ ચક્રવાતી બનાવે.

અત્યારે ભારતના ૭૫ ટકા જેટલા જિલ્લાઓ આકરા મોસમનો ભોગ બની ચૂક્યા છે અને બનતા રહેશે. ચાળીસ ટકાથી વધુ જિલ્લાઓમાં પર્યાવરણીય અસંતુલન થયું છે જેમ કે જ્યાં પૂર આવતાં હતાં ત્યાં હવે દુકાળ જેવા સંજોગો થાય છે, અને જ્યાં દુકાળ પડતો ત્યાં અતિવૃષ્ટિ થાય છે. વૈશ્વિક સ્તરે બદલાતી આબોહવા પણ અચોક્કસ વરસાદ પર અસર કરે છે.  ઉનાળામાં દરિયાઇ બરફ પીગળે એટલે ચોમાસું પાછું ખેંચાય પણ જતા જતા ઝપાટો બોલાવીને જાય. માત્ર ભારતની જ વાત કરીએ તો જે ખેડૂતો જી.ડી.પી.માં ૧૬થી ૨૦ ટકા જેટલું યોગદાન આપે છે, તેમાં નિયમિતતા રહે તેવી શક્યતાઓ ઓછી છે, કારણ કે વરસાદની અચોક્કસતાને પગલે તેઓ પાક અંગે કોઇ જ યોગ્ય પ્લાનિંગ નથી કરી શકતા. 

કોરોના વાઇરસના રોગચાળાને પગલે આપણે ન્યુ નોર્મલ શબ્દનો ઉપયોગ કરતાં શીખી ગયા પણ કમનસીબે મોસમની અરાજકતા અને અંધાધૂંધી પણ આપણા દેશ માટે ન્યુ નોર્મલ બની ગયાં છે.  ક્યાંક વાદળ ફાટે છે, ભેખડો ધસે છે તો ક્યાંક સાવ સૂકું ચોમાસું જાય છે.  હવામાન ખાતું વરસાદને માટે ભલે જે આગાહી કરે પણ સરેરાશ આંકડા તોફાનોમાં ધોવાઇ જાય છે.  જૂનમાં ધમધોકાર શરૂ થતો વરસાદ જુલાઇ અને ઑગસ્ટમાં ગાયબ થઇ જાય છે અને પછી ચોમાસાની ઋતુ જવાનો વખત થાય ત્યાં તોફાનો, ચક્રવાત, પૂર જેવા સંજોગો ખડા થાય. ચોમાસાની ઋતુમાં કોઇ સાતત્ય જ નથી, તેમાં દર મહિને કે પંદર દિવસે ફેરફાર આવતા રહે છે.  બદલાતા મોસમની અસર દેશના અર્થતંત્ર પર, ખેડૂતોની જિંદગીઓ પર, પાણીની સ્થિતિ પર પણ પડે છે. મોસમમાં આવી તીવ્ર સ્થિતિ થવા પાછળ એક માત્ર કારણ હોય છે ક્લાઇમેટ ચેન્જ! પશ્ચિમી હિમાલયના પ્રદેશોમાં અતિવૃષ્ટિ તો દક્ષિણમાં વરસાદનું કોઇ નામોનિશાન નહોતું.  એક સંશોધન અનુસાર ટૂંક ગાળાનો અને આકરો વરસાદ વૈશ્વિક સ્તરે વિસ્તરતી સ્થિતિ છે. ક્લાઇમેટમાં ગરમી વધતી જશે તેમ તેમ વાદળ ફાટવાના બનાવો પણ અવારનવાર બનશે.

આ જ સંજોગો રહ્યા તો ચાર ધામ યાત્રા સ્વધામનું સરનામું બની જાય તેવી હાલત થતી રહેશે અને હિંદુ શાસ્ત્રોમાં જે સ્થળોનું મહત્ત્વ છે, અર્થતંત્ર માટે જે પ્રદેશો અગત્યનાં છે તેની હાલત વખતો વખત બદતર થતી જશે.

બાય ધી વેઃ

સરકારના અભિગમની વાત કરીએ તો ટૂંકા ગાળાના લાભ ખાટવામાં લાંબા ગાળાનું વિચારવાનું ચૂકી જવાય છે. ઇલેક્ટ્રીક વાહનોની રેસમાં આગળ આવવા પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. પર્યાવરણને કોઇ અગ્રિમતા અપાતી નથી. પીગળી રહેલાં ગ્લેશિયર્સ, વાદળોનું ફાટવું, અંધાધૂંધ વરસાદ સામે પગલાં લેવા હશે તો આપણે કુદરતને એક મિલકત – એક એસેટ તરીકે જોવી પડશે તો જ તેના સાચા રસ્તા મળી શકશે. નદીઓ જળવાય, જંગલો જળવાય, પહાડી વિસ્તારો પણ જળવાય – અહીં ક્યાં ય ‘એનક્રોચમેન્ટ’ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે, પણ માળું આપણે ત્યાં મોટું માથું નર્મદાની મુલાકાતે જવાનું હોય તો મગરોનાં સરનામાં બદલી દેવાય છે એમાં પર્યાવરણની ચિંતા ક્યારે થશે તે વિચારવું રહ્યું. કુદરતને અગત્યના સ્રોત તરીકે જોઇ તેની જાળવણી સલામતી માટે થાય તે જરૂરી છે પ્રગતિને નામે કુદરતનું નિંકદન નિકળશે તો જિંદગીઓનો આમ જ કચ્ચરઘાણ વળી જશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  24 ઑક્ટોબર 2021

Loading

યસ, આઈ લાઈક માય માર્ગારિટા : 


વિજય ભટ્ટ|Opinion - Opinion|24 October 2021

શનિવારે સવારે આરામથી આઠ વાગે ઊઠી ને "હેપી બર્થ ડે "ની કિસ હનીને કરી ને, હગ આપી ને સુંદર દિવસ શરૂ કર્યો! 
જોબ પર લાગ્યા …

નિયમિતતાના આદર્શ ઉદાહરણ અને દુનિયા સાથે ટચમાં રહેવા ફેસબુકની જોબ પર લોગ ઈન થઈ ગયા.



લગ્ન પહેલાંનો, પહેલી વારનો, 'નક્કી થયા પછી'નો, જે મોબાઈલમાં સાચવી રાખ્યો હતો, તે ફોટો જડી ગયો! 
સાથે સાથે હવે હની માટે વિશેષણો શોધવા માટે મિત્રોની જૂની 'પોસ્ટ' ખોલી ને શોધવા માંડ્યું કે શું લખું?

આ લ્યો, પેલા કીર્તિ અને મધુ પોસ્ટ મળી ગઈ! સરસ લખ્યું છે! એ જ લાઈનો લખું.



સામે જ બેસી ને ચા સાથે અને ગઈકાલ રાતની વધેલી સરસ કડક ખારી ભાખરી અને અથાણું ખાતી વ્યક્તિની મોજૂદગીની હળાહળ ઉપેક્ષા કરી, તેને બીજો-પુરુષ એકવચનમાંથી તેને ત્રીજો-પુરુષ એકવચન કરી દઈ ને…. 'પૂરી દુનિયા કે સામને, અપને પ્યાર કા એકરાર કરતે હુએ' – લખી નાખ્યું! 


લોકોને થશે હાઉ સ્વીટ … કોઈને જરા વધારે પડતું લાગે તો લાગે. આઈ વોન્ટ ટુ એક્સપ્રેસ માય લવ! 

ચડાવી દીધું ઊંચે! .. યાની, અપ-લોડ ..! .. ફેસબુક પર સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ એ જ ફોટો અને કોમેન્ટ શેર કરી દીધી!  આપણી બર્થ ડે પાર્ટી શરૂ!


ટાઈમ સર એક મોટું સરસ કામ પત્યું ..! ગયા વર્ષે પોસ્ટ જરા મોડું થયું હતું.



ચા-બા પણ પીવાઈ ગઈ …. હવે બાથરૂમ જવું પડશે … બે ત્રણ ડગ એ તરફ ભર્યાં ને પાછા વળ્યાં .. અરે મોબાઇલ તો રહી ગયો. લઈ લીધો મોબાઇલ સાથે જ ….


(લેખકની ક્ષમાનોંધ : વાચક મિત્રો, ક્ષમા, બાથરૂમની અંદરની ગતિવિધિ લેખકના  જ્યુરીશડિક્સનની બહાર છે.)



બહાર આવી ને હવે બેઠક રૂમમાં :


"કેટલા આવ્યા?"


"શું લાઈક કે કૉમેન્ટ્સ?"


"બન્ને"


"ખાસ નથી, હજી ઇન્ડિયામાં તો સાંજે બધા ફરી ને ઘરે આવશે પછી જોશે ને!"


"પણ ત્યાં તો શનિવારની સાંજ … હવે તો ત્યાં બધ્ધું જ ખૂલી ગયું છે. લોકો રખડે છે બધ્ધે, લગ્નો, ગરબા, બેસણાં બધું જ ચાલુ થઇ ગયું છે ત્યાં."


"પણ પેલા આપણા ઇસ્ટ કોસ્ટ-વાળા અને  લન્ડનવાળા તો જુએ જ ને?"


"તારી વાત ખરી, તારા મામા અને પેલા સરલા ફોઈ તો વહેલાં ઊઠી જાય છે, ને વોટ્સ-એપ પર તો લગભગ બધા જ ગ્રુપ ઓલરેડી એક્ટિવ થઈ ગયા લાગે છે. પણ કોઈએ હજી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોયું નથી લાગતું, બધ્ધા પેલા આર્યન ખાનનું અને અનન્યાનું જાણવામાં લાગ્યા છે."



"પણ તેં અમુકને ટેગ તો બરોબર કર્યાં છે ને તારી પોસ્ટમાં?"


"હા,  અરે .. જો એટલી વારમાં ત્રણ લાઈક આવી ગઈ !"


"આઈ ડુ નોટ લાઈક ખાલી લાઈક જ. જરા કંઈક લખે તો સારું લાગે. મને પેલા સ્ટીકર પણ નથી ગમતા. ખોટા ખોટા ઝબકારા કર્યા કરે. મને તો કંઈક લખે તો જ એમ લાગે કે ધે રિયલી કેર ફોર મી.”

"બધા પાસે આપણા  જેટલો સમય ના હોય, મને તો રિસ્પોન્ડ કરે એટલે જ સન્તોષ."


"આપણી એનિવર્સરી વખતે પેલા રમેશે કેવું નેસ્ટી લખ્યું હતું? એના કરતાં તો ખાલી લાઈક જ કરી દે તો સારું?"


"પણ  તેં  તો  તેને થેંક્યુ લખ્યું પણ હતું ને?"


"ના, ખાલી તેની કોમેન્ટ ને લાઈક જ કરી હતી, હસતી લાઈક, એમાં બધું આવી ગયું."


"એ બરાબર ના કહેવાય, કોઈ જો થોડી લાંબી કોમેન્ટ લખે તો રિસ્પોન્સ તો કોમેન્ટથી જ કરવો જોઈએ."


“ના .., પછી એ લાંબુ ચાલે … જો એ પાછો મારી કોમેન્ટ પર કોમેન્ટ કરે તો? એટલે મેં ટૂંકમાં પતાવ્યું 'તુ."



બપોરે :


શનિવારના દોઢ વાગ્યા. અડધો દિવસ લાઈક અને કોમેન્ટ ગણવા, રાહ જોવા, અને જવાબ આપવામાં જ પૂરો ગયો. લન્ચમાં તો કંઈક પણ થોડું ચાલશે. સાંજે તો મેક્સિકન રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ વેજી એન્ચીલાડા અને માર્ગારિટા ડ્રિન્કથી સેલિબ્રશન !  



છ વાગ્યે :


"જો મારા મોબાઈલની બેટરી ઉતરી ગઈ.”

"તો ઉતરી જ જાય ને .. કેટલી વાર ચેક કર્યા કરે છે .. ફેસબુકને ઇન્સ્ટાગ્રામ ને?”


“અરે .. જો મને ખબર જ નહીં કે પેલા નેહલ-શશીની એનિવર્સરી આજે છે. આ જો લાંબું લાંબું લખ્યું છે શશીએ.”


"એ જરા વાયડાઈ કરે છે, ફેસબુક પર .. આપણે તો જાણીએ જ છીએ અંદરની વાત.”


"પણ બહાર સરસ લાગે કે લવિંગ કપલ.”


“લે, વોટ્સએપ ગ્રુપ્સ પર પણ એમણે મૂકી દીધું, હવે કતાર ચાલુ .. કોમેન્ટની.”

"એમાં તારું શું ગયું?"


"તું સોશિયલ મીડિયા નહીં સમજે, હવે લોકોનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય, આજે તો તારો દિવસ!"


"ફેસબુક કૈં આપણા એકલાનું છે?"



"સાડા છનું ટેબલ રિઝર્વેશન કરાવ્યું છે, પપ્પુએ, ચાલો.”


"સાડી પહેરું કે ડ્રેસ?"


“અરે, સાડી કરતાં તું ડ્રેસમાં યન્ગ લાગે છે. બ્લેક ડ્રેસ પહેરજે, પાતળી લાગીશ, ફોટા સારા આવશે."



રેસ્ટોરન્ટમાં :


સરસ થીજેલું સ્ટ્રોબરી માર્ગારિટા ડ્રિન્ક ટેબલ પર આવી ગયું! 


ગરમાગરમ એન્ચીલાડા પણ ટેબલ પર!


પેલી વેઈટરેસને બોલાવી .. બધાના સાથે ફોટા પડ્યા.


"બીજા ફોટા હવે કેક આવે પછી … ફરીથી પડાવીશું.”



“જો, પેલી પૂજા અને તેના કાકા પેલા ખૂણાના ટેબલ પર બેઠાં છે.”


"તેણે તો લાઈક કરી દીધું હતું. સવારે જ. મેં પોસ્ટ મૂકી કે  ત..ર .ત..જ. "


“જો, તે ત્યાંથી દૂરથી હાથ હલાવી ને હલો કહે છે."



એટલામાં પૂજા તેના ટેબલ પરથી ઊઠી ને પાસે આવી. "અરે વાહ … આજે કેમ બધા સાથે … અને મેક્સિકનમાં?"


"આજે એનો સ્પેશિયલ ડે છે ને! એટલે!"


"ઓહ! રિયલી …ગ્રેટ … શું છે સ્પેશિયલ આજે ?"


"એની બર્થ ડે!"


"આજે? વેલ! વેરી હેપી બર્થ ડે!"


"થેન્કયુ!"


“ચાલો, તો એન્જોય યોર ડે એન્ડ મેક્સિકન ડિનર વિથ ફેમિલી!"



પૂજા પાછી ગઈ તેના ટેબલ પર.



"જો ને.. આજે સવારે તો તેણે લાઈક કરી મારી પોસ્ટ ને… અને અત્યારે પૂછે છે… કે શું સ્પેશિયલ છે, આજે?


લોકો પણ કેવા છે! મારો આખો મૂડ બગાડી નાખ્યો, કેટલા ઉત્સાહથી મૂકી હતી મેં પોસ્ટ!"


"હશે હવે .. છોડ ને. તેમાં શું મોટી વાત!"


"શું છોડ? .. … મેં .. અરે ..  આટલી સરસ પોસ્ટ મૂકી અને તેણે લાઈક પણ કરી છે … અને હવે ભૂલી ગઈ?"



"જો અત્યારે આપણે બધા, સૌથી અંગત અને અગત્યના, સાથે છીએ!


છોડ … પૂજાને અને તારી પોસ્ટને. … તને આ માર્ગારિટા ડ્રિન્ક ગમે છે ને? તો મજા કરીએ સાથે!"



"યસ, આઈ  'લાઈક' માય માર્ગારિટા !"



ઘરે પહોંચ્યાં :


પછી બધાએ સાથે નેટફ્લિક્સ પર મુવી જોયું. મજા આવી!



સાડા બાર થયા .. હવે સૂઈ જઈએ … થયું … જરાક ચેક કરી લઉં. કેવો રિસ્પોન્સ છે પોસ્ટ નો!


પણ પેલી પૂજા .. જતી નથી હજી મનમાંથી …


પાછા ફરતાં એ જ વિચારો કે .. શું બીજા બધા જ  લાઈક અને કોમેન્ટનું એવું જ હશે ને ..?



બીજે દિવસે સવારે ઊઠી ને મૉટેથી બૂમ પાડી "યસ, આઈ 'લાઇક' માય માર્ગારિટા! "


……


યસ, આઈ લાઈક માય માર્ગારિટા :

e.mail : vijaybhatt01@gmail.com

Loading

અર્થઘટનપરક વિવેચનાત્મક વિધાનો (4) : ઇન્ટરપ્રીટેટિવ સ્ટેટમૅન્ટ્સ :

સુમન શાહ|Opinion - Literature|23 October 2021

(સંભવ છે કે આ લેખ સહેલો ન લાગે. સહેલો લાગે તેણે જ આગળ ધપવું. એમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે.)

ધારો કે તમે મને સરસ મજાનું પરફ્યુમ ભેટ આપો છો. હું જોઈ રહું છું ને મલકાઈને થૅન્કસ કહું છું. ત્યારે મેં એ પરફ્યુમનો અર્થ ઘટાવ્યો હોય છે – તમારો મારા માટેનો, ‘સ્નેહાદર’. મેં ત્યારે ‘પ્રેમ’ કે ‘મૈત્રી’ અર્થ પણ ઘટાવ્યો હોત. મેં ત્યારે ‘વ્હાલ’ કે ‘વાત્સલ્ય’ અર્થ પણ ઘટાવ્યો હોત – આપનાર કોણ છે એ પર આધારિત છે.

પરફ્યુમમાં આમાંનો એકે ય અર્થ સંભરવામાં નથી આવ્યો, એમાં તો પરફ્યુમને શક્ય બનાવનારાં માત્ર કૅમિકલ્સ છે ! પણ મેં એ અર્થ કર્યો, ઘટાવ્યો. ભેટરૂપ પરફ્યુમનું મેં અર્થઘટન કર્યું.

પરફ્યુમ ઉપરાન્ત, લૉ ગાર્ડન, કમાઠી બાગ, કીર્તિમન્દિર, લક્ષ્મીવિલાસ પૅલેસ, યુનિવર્સિટી ટાવર, તાજમહાલ, વગેરે બિલ્ડિન્ગોનાં કે સ્થાનોનાં આપણે – કેટલું રળિયામણું છે – કેટલું કલાત્મક છે, એમ અર્થઘટન કરતા હોઈએ છીએ.

સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી, સ્ટૅચ્યુ ઑફ યુનિટી, ખજૂરાહોની કામરત નર-નારી મૂર્તિઓ, શિવલિન્ગ, શિવનો નાન્દી, રાધા-કૃષ્ણ અને સીતા-રામની કે મહાવીર અને બુદ્ધની મૂર્તિઓનાં – જુઓ ને, કેવાં આબેહૂબ છે, કેટલાં ભવ્ય છે – જુઓ ને, કેવો ભક્તિભાવ જગાડે છે – જુઓ ને, કેટલી શાતા આપે છે, એમ અર્થઘટન કરતા હોઈએ છીએ.

ફળિયામાં ભેગી થયેલી બધી જ સ્ત્રીઓ સફેદ સાલ્લામાં દેખાય તો આપણે એ દૃશ્યનો અર્થ ઘટાવીએ છીએ. ખોપરીની નીચે ક્રૉસમાં બે હાડકાંનું ચિત્ર જોવા મળે તો એનો અર્થ ઘટાવીએ છીએ. કહો કે, આપણને જોવા મળતાં દૃશ્યોનાં, ચિત્રોનાં, અર્થઘટન કરતા હોઈએ છીએ.

રાગ મલ્હાર, દીપક કે શિવરંજનીનાં ગાયન અને શ્રવણ મનુષ્યચિત્તને અમુક અર્થભાવમાં દોરી જાય છે. કહો કે ત્યારે આપણે એ સંગીતી ગાયનના અર્થસંકેત પકડતા હોઈએ છીએ, અર્થ ઘટાવતા હોઈએ છીએ.

અરે, આપણે આંસુ પરસેવો નિસાસો હાસ્ય ગુસ્સો વગેરેના પણ અર્થ ઘટાવતા હોઈએ છીએ.

પરન્તુ ‘મારું ઘર રસ્તા પર છે’ એવું વાક્ય સાંભળીએ કે વાંચીએ ત્યારે વાત ૪ બાબતે થોડી બદલાય છે :

૧ :

ત્યારે આપણી સામે પરફ્યુમ સ્ટૅચ્યુ શિવલિન્ગ ખોપરી કે રાગ મલ્હાર નહીં પણ ભાષાના શબ્દો આવે છે.

૨ :

પરફ્યુમ વગેરે વસ્તુસંજ્ઞાઓ બિનભાષિક છે. ‘મારું ઘર રસ્તા પર છે’-માંની બધી જ સંજ્ઞાઓ શાબ્દિક છે, ભાષિક છે.

૩ :

પરફ્યુમ વગેરેના અર્થ આપણે ઝાઝું વિચાર્યા વિના મરજી પડે એમ ઘટાવેલા. જેમ કે, રાધા-કૃષ્ણ, સીતા-રામ, મહાવીર કે બુદ્ધની મૂર્તિઓ ભક્તિભાવ જગાડે છે એવું અર્થઘટન આપણે વગર વિચાર્યે જ કરેલું, આપણાથી ટેવવશ થઈ ગયેલું.

૪ :

પણ ‘મારું ઘર રસ્તા પર છે’ એ વાક્યનો અર્થ મરજી પડે એમ નથી ઘટાવી શકાતો. પ્રશ્ન જાગે છે કે ઘર રસ્તા પર શી રીતે હોઈ શકે. તાત્પર્ય, બિનભાષિક સંજ્ઞાઓની સરખામણીમાં ભાષિક સંજ્ઞાઓ આપણને બાંધે છે, રોકે છે, વિચારવા કહે છે, ઊંડે ઊતરવા કહે છે.

સમજવાનું એ છે કે બિનભાષિક અને ભાષિક, તમામ સંજ્ઞાઓ, હકીકતો છે અને તે મનુષ્યજીવન સાથે જોડાયેલી છે અથવા મનુષ્યજીવન સંજ્ઞાઓ સાથે જોડાયેલું છે. ફિલસૂફો જ્યારે એમ કહે છે કે આખું વિશ્વ એક ટૅક્સ્ટ છે, એથીયે આગળ વધીને એમ કહે છે કે શબ્દ બ્રહ્મ છે, ત્યારે તેઓ આ જ હકીકતને ફિલોસોફાઇઝ કરે છે.

પરન્તુ નૉંધો કે સાહિત્ય-વિવેચનમાં અર્થઘટનો અભાનપણે ન કરાય, ઊલટું, એ માટે એકદમના સાવધ રહેવું પડે. કૃતિના એકમ એકમને જાણવો રહે, એકમ એકમ વચ્ચે રચાયેલા સમ્બન્ધને જાણવો રહે – જેમ કે, ‘રસ્તા પર ઘર’-માં ‘રસ્તો’ ‘પર’ અને ‘ઘર’ એ ત્રણ એકમો વચ્ચેનો વ્યાકરણી સમ્બન્ધ બરાબર છે, પણ એનો અર્થ પકડવા જઈએ છીએ તો એ શબ્દો એકબીજા જોડે અથડાતા લાગે છે. એ વાક્યનો સીધો અર્થ નથી કરી શકાતો. આપણું ચિત્ત એ પર કામ કરે છે, એ અથડામણને ખસેડી નાખે છે, અને અર્થ ઘટાવે છે કે ‘રસ્તા પર ઘર’ એટલે ‘રસ્તાની સામે ઘર, પાસે ઘર’.

Pic Courtesy : Spanish Solutions Language Services

આપણે શી રીતે સમજી લીધું કે ઘર રસ્તા પર છે એટલે રસ્તાની સામે કે પાસે છે? જવાબ એ છે કે ‘રસ્તા પર’ – એ બે શબ્દોના મૂળ અર્થ પર આપણે ઊંડો વિચાર કર્યો અને ‘રસ્તાની બિલકુલ પાસે’ એવો એક નવો અર્થ કર્યો. અર્થ હતો જ પણ આપણે એક બીજો અર્થ ઘટાવ્યો.

આ એટલી બધી ત્વરાથી થયું કે શી રીતે થયું તેની આપણને ખબર ન પડી. પણ એ રીતનું નામ છે, અર્થઘટન. હોશિયાર લોકો તો એ નવા અર્થને પણ વિકસાવતા હોય છે – રસ્તા પર એટલે તરત મળી જાય એવું – રસ્તા પર એટલે ગલીકૂંચીમાં નહીં – રસ્તા પર એટલે માણસને આમન્ત્રણ આપતું ઘર. વગેરે.

સાહિત્યકૃતિ તો ભાષિક શબ્દોની બનેલી છે. છતાં એમાં પરફ્યુમ, સફેદ સાલ્લો, રાગ મલ્હાર, આંસુ, પરસેવો, નિસાસો, હાસ્ય, વગેરે બિનભાષિક વસ્તુઓ આપોઆપ ‘સરજાય’ છે. એ રૂપે શબ્દ ખૂબ શક્તિશાળી છે.

આમેય ભાષામાત્ર પરિદૃશ્યમાન વાસ્તવનું એક પ્રકારનું સંહિતાકરણ છે – કોડિફિકેશન. કહો કે, ભાષામાં વાસ્તવનું નિસ્યંદન થઈ ગયું હોય છે. ભાષિક સંજ્ઞાઓ નિશ્ચિત અર્થો તો આપે જ છે પણ ન-નિશ્ચિત સંકેતો પણ કરે છે. ભાષા એવી સંદિગ્ધ છે તેથી સંદિગ્ધતાને જુદી જુદી રીતે ઘટાવી શકાય છે. વિલિયમ ઍમ્પસને સાત સંદિગ્ધતાઓની વાત કરેલી, એ સુવિદિત છે.

સાદી રીતે એમ કહેવાય કે એ શક્તિને કારણે એક અર્થ લેવા જતાં બીજા અનેક અર્થ ખૅંચાઈ આવે છે. દાખલા તરીકે, ‘ગુલાબ સરસ છે’ એમ કહીએ એટલે મોગરો વગેરે બીજાં ફૂલ તેમ જ ‘ગુલાબ’ નામનો ઑફિસ-પ્યૂન, ‘ગુલાબ-બા’ અને ‘ગુલાબદાસ’-નો સંકેત થઈ જાય છે. સંકેતકનો એક સંકેતિત અર્થ નિશ્ચિત પણ બીજા સંકેતિતોની શક્યતા ઘણી.

પણ શબ્દની એવી શક્તિને લીધે જ સાહિત્યકૃતિનું અર્થઘટન કરવું પડે છે. ક્યારે આપણે કૃતિના મૂળ શબ્દાર્થ સ્વીકાર્યા, ક્યારે એ અર્થોને અમુક અર્થમાં ઘટાવ્યા, કેમ ઘટાવ્યા, એથી શી પ્રાપ્તિ થઈ, એ બધું સમજવું પડે છે. એટલું પાયાનું સમજીએ એટલે અર્થઘટનની પ્રક્રિયાને સમજવાની શરૂઆત થઈ કહેવાય.

ઍમ્પસને ભલે સાત સંદિગ્ધતાઓ શોધી આપી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ તો સદીઓ પૂર્વે ભાષાની વાચિક અને બહુવ્યંજક પ્રકૃતિને ઓળખીને બેઠા છે. તેઓ આ સમજને ૪ પ્રકારની શબ્દશક્તિઓનું પરિણામ કહે છે – અભિધા – લક્ષણા – વ્યંજના – તાત્પર્ય.

તેઓ વાચ્યાર્થ, વાચ્યાર્થનો બાધ, લક્ષ્યાર્થ, લક્ષણા-પ્રયોજન, અને વ્યંગ્યાર્થ દર્શાવીને આખી વાતને નિરાંતે સમજાવે છે. ‘મારું ઘર રસ્તા પર છે’ એમ હું જ્યારે કહું છું ત્યારે મારું ‘તાત્પર્ય’ એ હોય છે કે હું રસ્તાની સામે, બિલકુલ પાસે, રહું છું ને હું એકદમનો સરળ માણસ છું, તમને આમન્ત્રણ આપું છે કે ખુશીથી પધારો, મળી જશે.

મારા એટલા સરખા વાક્યમાં વાચ્યાર્થ, વાચ્યાર્થનો બાધ, લક્ષણા, લક્ષણાનું પ્રયોજન અને વ્યંગ્યાર્થ આવી જાય છે. એ વાતને અહીં રમતી મૂકીને અટકું કેમ કે આટલી સાદી રીતે કહેવા જતાં મને ડર લાગે છે હું કશોક શાસ્ત્રદોષ કરી બેસીશ. 

’તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’ એ પંક્તિનું આગામી લેખમાં અર્થઘટન કરીશું અને સમજૂતીપરક વિધાનોની વાત કરીશું …

= = =

(October 23, 2021: USA)

સૂચનાઓ :

• સંભવ છે કે આ લેખ સહેલો ન લાગે. સહેલો લાગે તેણે જ આગળ ધપવું.

• એમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે.

• આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી સુરક્ષિત છે.

Loading

...102030...1,7831,7841,7851,786...1,7901,8001,810...

Search by

Opinion

  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved