Opinion Magazine
Number of visits: 9571000
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે વિચારો આ તાલીબાનો ભારત સાથે શું કરશે?

રમેશ ઓઝા|Opinion - Opinion|19 August 2021

આખા જગતમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ આ રીતે એકાએક અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનો નિર્ણય શા માટે લીધો? અમેરિકા આ સવાલનો સંતોષકારક ખુલાસો કરી શકતું નથી. અમેરિકન પ્રમુખ જૉ બાયદને કહ્યું હતું કે અમેરિકા વીસ વરસથી યોગ્ય સમયની રાહ જોતું હતું પણ યોગ્ય સમય આવતો જ નથી એટલે અમેરિકાએ નાછૂટકે આવો નિર્ણય લેવો પડ્યો. બાયદને કહ્યું હતું કે તેમને તેમના નિર્ણયની બાબતમાં કોઈ અફસોસ નથી. અહીં સવાલ પૂછવો જોઈએ કે જો નીકળવા માટે યોગ્ય સમય મળતો નહોતો તો અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પ્રવેશ શા માટે કર્યો હતો? નીકળતી વખતે અફઘાનોને અને વિશ્વસમાજને પૂછવાની જરૂર નહોતી લાગી તો પ્રવેશતી વખતે કોઈને પૂછ્યું હતું?

ઇતિહાસ સાક્ષી પૂરે છે કે અફઘાનિસ્તાન ક્યારે ય ત્રાસવાદી દેશ નહોતો જે રીતે એક સમયે સીરિયા, લીબિયા વગેરે દેશો હતા. તેની પોતાની બસો વરસ જૂની વાંશિક ભાગીદારીવાળી પંચાયત પ્રકારની શાસકીય વ્યવસ્થા હતી જે ‘લોયા જિરગા’ તરીકે ઓળખાય છે. એક અફઘાનિસ્તાનમાં વાંશિક કબિલાઈ (એથનિક) એવા દસ અફઘાનિસ્તાન છે અને તેના નેતાઓએ સત્તાની ભાગીદારીની એવી વ્યવસ્થા વિકસાવી હતી જે ટકાઉ સાબિત થઈ હતી. અફઘાનોએ પારકી ભૂમિ ઉપર ક્યારે ય નજર કરી નથી પણ જો કોઈ અફઘાનભૂમિ પર નજર કરે તો અફઘાનો તેને ક્યારે ય સાંખી ન લે. આફતની ઘડીએ બધી પ્રજા એક થઈ જાય. એશિયામાં અફઘાનિસ્તાન એક એવો દેશ છે જે ઇતિહાસમાં ક્યારે ય કોઈનો ગુલામ થયો નથી. બીજું, અફઘાનોએ વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ(પેન-ઇસ્લામિઝમ)માં પણ કોઈ રસ લીધો નહોતો. જેટલો ઇસ્લામ વહાલો એટલી જ વાંશિક-કબિલાઈ ઓળખ વહાલી અને કદાચ ઇસ્લામ કરતાં પણ વધુ વહાલી. બંદાને ખુદા સુધી લઈ જનારું કોઈ માધ્યમ હોવું જોઈએ એટલા પૂરતો જ તેમને ઇસ્લામનો ધર્મનો ધર્મ તરીકે ખપ હતો. ધર્મના રાજકીય ચહેરા વિશે અફઘાન પ્રજા મહદ્દ અંશે અજાણ હતી. દૈનંદિન જીવનમાં તેમની જીવનશૈલી વાંશિક હતી, ધાર્મિક નહોતી એટલે કે તેઓ કબિલાના રીતિરિવાજ અને આદેશ પાળતા હતા, ધર્મના નહીં.

આમ છતાં ય અફઘાનિસ્તાનને સતાવવામાં આવે છે. જેણે જગતનું કાંઈ બગાડ્યું નહોતું એવા દેશને વગર ગુને સતાવવામાં આવી રહ્યો છે કારણ કે તેનું ભૌગોલિક-રાજકીય મહત્ત્વ છે. અફઘાનિસ્તાનની ઉપર મધ્ય એશિયાને માથે રશિયા છે અને મધ્ય એશિયામાંથી પસાર થતા જમણે હાથે સિલ્ક રોડના માર્ગે ચીન છે. અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોને એમ લાગે છે કે રશિયા અફઘાનિસ્તાનના માર્ગે દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં પ્રવેશશે અને રશિયાને એમ લાગે છે અમેરિકા અને તેના મિત્ર દેશો અફઘાનિસ્તાનના માર્ગે રશિયામાં પ્રવેશશે. આવા ભયથી પ્રેરાઈને અંગ્રેજોએ ૧૯મી સદીમાં બે વખત અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો હતો અને બન્ને વેળાએ ધૂળ ચાટતા પાછા ફરવું પડ્યું હતું. અફઘાનિસ્તાનના ભૌગોલિક-રાજકીય મહત્ત્વનાં કારણે ધર્મઝનૂની મુસલમાનો પણ અફઘાનોની છાતી ઉપર ચડેલા રહે છે. અફઘાનિસ્તાન એક એવી ભૂમિ છે જ્યાં બે સત્તા અથવા બે સભ્યતા અથવા બે રાજ્યતંત્ર અથવા બે અર્થતંત્ર એકબીજાને મળી શકે છે અને કાં અથડાઈ શકે છે. અફઘાનિસ્તાન રણભૂમિ પણ છે અને મિલનભૂમિ પણ છે. હવે આવા અનોખા રાજકીય મહત્ત્વ ધરાવતા દેશની પ્રજા મુખ્યત્વે કબિલાઈ હોય અને ઓછી મુસલમાન હોય એ કેમ ચાલે? અફઘાની મુસલમાન પૂરો મુસલમાન હોવો જોઈએ, તેની મુસ્લિમ ચેતના અને મુસ્લિમ હોવાપણાનું ભાન એક ક્ષણ માટે પણ વિસરાવું ન થવું જોઈએ. અફઘાની મુસલમાન જ્યારે પૂરો મુસલમાન બનશે ત્યારે તેને તેની ભૂમિનું ભૌગોલિક-રાજકીય મહત્ત્વ સમજાશે અને ત્યારે તે તેને વટાવી શકશે.

બસ પછી શું જોઈએ! આ બાજુ ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનની સ્થાપના થઈ. જેમ જેમ પાકિસ્તાન સામે અસ્તિત્વનું સંકટ પેદા થતું ગયું તેમ તેમ પાકિસ્તાન અલ્લાહ, અમેરિકા અને આર્મીને ભરોસે ધકેલાતું ગયું. આ જોઇને એ સમયના સામ્યવાદી રશિયાને ડર લાગ્યો અને રશિયાએ ૧૯૭૯માં પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાં મોકલ્યા અને અફઘાનિસ્તાનમાં કઠપૂતળી સરકાર રચીને અફઘાનિસ્તાન ઉપર કબજો કર્યો. સામ્યવાદી રશિયનો મુકાબલો કરવા પાકિસ્તાનથી ખુદાનું લશ્કર (ધર્મઝનૂની મુસલમાનો), અમેરિકાનું લશ્કર અને પાકિસ્તાનનું લશ્કર એમ ત્રણેયે મળીને અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો. રશિયાએ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે અફઘાનોને પૂછ્યું નહોતું અને તેણે લોયા જિરગા સાથે ચેડાં કર્યાં હતાં. પાકિસ્તાનમાંથી ખુદાના લશ્કરે, પાકિસ્તાની લશ્કરે અને અમેરિકન લશ્કરે અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે અફઘાનોને પૂછ્યું નહોતું અને તેમણે પણ લોયા જિરગા સાથે ચેડાં કર્યાં હતાં. સોવિયેત રશિયા પતન થવાને આરે હતું ત્યારે તેણે પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા. અફઘાનોને પૂછવાની જરૂર તેમને નહોતી લાગી. ૧૯૮૮માં રશિયાએ પોતાનાં સૈનિકો પાછા ખેંચ્યા એટલે અમેરિકાએ પોતાના સૈનિકો પાછા ખેંચ્યા. જેમ પ્રવેશ કરતી વખતે પૂછ્યું નહોતું એમ નીકળતી વખતે પણ પૂછ્યું નહોતું.

સોવિયેત રશિયાનું પતન થયું એટલે રશિયાને અફઘાનિસ્તાનનો ખપ રહ્યો નહીં અને રશિયાએ સૈનિકો પાછા ખેંચ્યા એટલે અમેરિકાને અફઘાનિસ્તાનનો ખપ રહ્યો નહીં. માત્ર અલ્લાહના લશ્કરને અને પાકિસ્તાનના લશ્કરને અફઘાનિસ્તાનનો ખપ હતો. અલ્લાહના લશ્કરને આખા જગતના મુસલમાનોને સાચા મુસલમાન બનાવવા હતા અને એક વાર આખા જગતના મુસલમાન સાચા મુસલમાન બની જાય એ પછી જગતમાં ઇસ્લામના દિગ્વિજયને કોઈ રોકી નહીં શકે એવી તેમની સમજ હતી. પાકિસ્તાન અને પાકિસ્તાનના લશ્કરનો ઈરાદો અલ્લાહના લશ્કરનો ઉપયોગ ભારત સામે કરવો હતો. ભારતે જેમ પૂર્વ પાકિસ્તાનના અસંતુષ્ટ બંગાળીઓનો ઉપયોગ પાકિસ્તાન સામે કર્યો હતો એમ પાકિસ્તાન અલ્લાહના લશ્કરનો ઉપયોગ ભારત સામે કાશ્મીરમાં કરવા માગતું હતું. અલ્લાહનું લશ્કર જે પહેલા ધર્મઝનૂની મુસલમાનોનું હતું એને અમેરિકન અને પાકિસ્તાની લશ્કરે શસ્ત્રો પૂરાં પાડીને અને લશ્કરી તાલિમ આપીને ત્રાસવાદી બનાવ્યું હતું.

ભારતે એની જે કીમત ચૂકવી છે એ નજીકનો ઇતિહાસ છે. અમેરિકાને પણ તેની કીમત ચૂકવવી પડી કારણ કે અમેરિકા પૂછ્યા વિના આવ્યું હતું અને ખપ પૂરતો ઉપયોગ કરીને અફઘાનિસ્તાનને અલ્લાહના ભરોસે છોડીને પૂછ્યા વિના જતું રહ્યું. ત્રાસવાદીઓને અમેરિકા જે મદદ કરતું હતું એ પણ બંધ કરી દીધી. આ બાજુ સામ્યવાદી રશિયાનું પતન થતાં અમેરિકાને હવે પાકિસ્તાનનો લશ્કરી ખપ ખાસ રહ્યો નહોતો, પણ ઊલટું ભારતે આર્થિક સુધારાઓ કર્યા એટલે ભારતનો આર્થિક ખપ નજરે પડવા લાગ્યો. આવો ઉઘાડો સ્વાર્થ અને વિશ્વાસઘાત જોઇને બિનસત્તાવારપણે પાકિસ્તાને અને ઉઘાડે છોગ ત્રાસવાદીઓએ મળીને અમેરિકાને પાઠ ભણાવવાનું શરૂ કર્યું. ૨૦૦૧માં ૯/૧૧ની જે ઘટના બની એ અમેરિકાને પાઠ ભણાવવાની શિરમોર ઘટના હતી અને અમેરિકાએ પાછો અફઘાનપ્રવેશ કર્યો. અલબત્ત પૂછ્યા વિના.

આજે એને વીસ વરસ થઈ રહ્યાં છે. આ વીસ વરસમાં અમેરિકા બહાર નીકળવાની તક શોધતું હતું, પણ બાયદન કહે છે એમ તેને મળતી નહોતી. લોયા જિરગા મુખ્યત્વે વાંશિક ભાગીદારીની વ્યવસ્થા હતી અને તે સરસ ચાલતી હતી. એમાં અમેરિકાએ, પાકિસ્તાને અને મૂળભૂતવાદી મુસલમાનોએ ધર્મનું ઉમેરણ કર્યું હતું. પાકિસ્તાન અને ઈરાનને લાગીને આવેલા અફઘાનિસ્તાનના પખતુન પ્રદેશમાં તાલીબાનો આ ધાર્મિક વાંશિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે સંખ્યામાં વધુ છીએ અને ઉપરથી સાચા મુસલમાન છીએ. બાકીના અફઘાનો કબિલાઈ વધુ છે અને ધાર્મિક ઓછા છે. આવી સ્થિતિમાં લોયા જિરગા સરખી રીતે ચાલી જ ન શકે. અમેરિકાને ડર તો હતો જ અને થોડા પ્રમાણમાં હજુ આજે પણ છે કે અચાનક ચાલ્યા જવાને કારણે અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાશે અને અમેરિકા સામે તેનું વેર વાળવામાં આવશે તો? સાથે અમેરિકા એ પણ જાણે છે કે ત્યારે તાલીબાનો અમેરિકાથી નારાજ હતા એટલે અમેરિકાએ કિંમત ચૂકવવી પડી હતી જ્યારે આજે તાલીબાનોએ સત્તા છીનવી લીધી છે અને સત્તા છીનવી લેવામાં અમેરિકાના લશ્કરની ગેરહાજરી મોટું પરિબળ છે. હવે તાલીબાનો એવું કાંઈ નહીં કરે કે અમેરિકાએ પાછા આવવું પડે.

તો પછી આની કિમંત કોણ ચૂકવશે? સૌથી મોટી કિંમત ચૂકવશે ઉત્તર અને પશ્ચિમ અફઘાનિસ્તાનના કબિલાઈ મુસલમાનો અને સમગ્ર અફઘાનિસ્તાનની સ્ત્રીઓ અને દીકરીઓ. એક યુવતીએ લખ્યું હતું કે અમારા માટે બુક સંતાડવાનો અને બુરખા બહાર કાઢવાનો સમય આવી ગયો છે. બીજી કિંમત ચૂકવશે ભારત. હંમેશ મુજબ નરેન્દ્ર મોદી સરકારની અફઘાનનીતિ ‘ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ’ જેવી છે. આવી નીતિને કારણે ભૂતાન સહિત સમગ્ર દક્ષિણ એશિયા ભારતે ચીન સામે ગુમાવ્યું છે, પણ આંખ ઉઘડતી નથી. આ સિવાય પાકિસ્તાનને ભારત સામે તાલીબાનોનો ઉપયોગ કરવાની તક મળશે અને એ તક તે છોડવાનું નથી. ભારતે પણ કાશ્મીરનું વિભાજન કરીને અને કાશ્મીરીઓને આપવામાં આવેલો ખાસ દરજ્જો ખતમ કરીને કાશ્મીરની પ્રજાને નારાજ કરી છે. બે વરસ થયાં પણ હજુયે ભારત કાશ્મીરમાંથી લશ્કરની સંખ્યા ઘટાડી શકતું નથી. એક ખભા ઉપર ચીન ઊભું છે અને બીજા ખભા ઉપર ઊભું પાકિસ્તાન અને તાલેબાની અફઘાનિસ્તાન. ઉપરથી કાશ્મીરની પ્રજા નારાજ છે. યુદ્ધશાસ્ત્ર એમ કહે છે કે સ્થાનિક પ્રજાના સહકાર વિના યુદ્ધ જીતવું મુશ્કેલ બને છે.

વડા પ્રધાન જીદ છોડીને કુણા પડશે? આ, વળી, હજુ મોટો ચિંતાનો વિષય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 ઑગસ્ટ 2021

Loading

Titi–An Eloquent Artist of Few Words

Natwar Gandhi|English Bazaar Patrika - Sketches|19 August 2021

I first met Dhairyakant “Titi '' Chauhan about twenty-five years ago. My initial impression of him was that he was a man of few words, shy, introvert and somewhat reserved. To get him to speak, one would have to needle him, ask questions.  His answers would always be cryptic and not forthcoming. However, his vivacious wife Darshana, made up for him.  She would do all the talking for him and even answer questions that were addressed to Titi!

It took some time for me to learn that Titi was a distinguished photographer and had a sizable collection of photographs that he had exhibited in India. After some cajoling, he agreed to show a sample of his photographs.  One look at those pictures and I could see his artistic genius.  I could also see that this man of few words was eloquent in his art.  His work spoke volumes.  His abundant artistic talent showed through his photographs that depict how Gujarat’s nomadic and pastoral tribes were struggling to preserve their way of life in a fast-changing world.  In essence, Titi was telling their poignant story through the lens of his camera.

Two distinctive elements of Titi’s photography were lighting and composition.  He always preferred using natural light.  He would patiently wait for hours to get just the right light and also an appropriate  angle that would show the essence of whatever he was photographing.  He also had an eye for exact composition–what to include and what not to.

I immediately offered to help him arrange an exhibition at the Gandhi Memorial Center, a mecca of Indian arts and culture in Washington, DC. The exhibition called, “India’s Original People,” opened in February, 2010 with rave reviews from the members of the Center. Soon after that his work was exhibited at the headquarters of the World Bank in Washington. I also attended Titi’s exhibition at the Nehru Center in London that was organized with help of Vipool Kalyani, a good friend and the distinguished leader of Britain's Gujarati Diaspora.

To expose Titi’s work to the larger Washington arts community, we also tried to explore the possibility of holding an exhibition at the Smithsonian, the world renown museum that would have given Titi national as well as international visibility. But it was not to be. Titi decided to go back to India before the Smithsonian exhibition could be arranged.  His heart was in India and with the nomads of Gujarat with whom he wanted to do more work.

In many ways Titi’s American sojourn was a challenging  adventure.  He cheerfully met the artistic demands of land and people different from what he had known in India. He took every opportunity to travel far and near in the United States.  He was constantly searching for new objects and themes to focus on for his photography.  He was undaunted by the challenge of mobile phone technology that made it easy for any one to be a photographer.  Titi’s faith in photography never wavered. He was a confident artist who knew that as everyone who writes doesn’t become a writer, similarly anyone who whips out a mobile phone to take a picture doesn’t become a photographer.

In recent years, in addition to photography, Titi turned to farming and devoted his considerable energy to grow a special brand  of mango that he would lovingly share with all who would visit his farm in Gujarat.  Every time I go to India, I would make it a point to visit Titi and Darshana at their farm as well as in their fashionable flat in Ahmedabad.  Titi would lovingly cook vegetables he would have grown in his farm.  We would sit for hours at the dinner table and reminisce about our days in Washington and also talk about photography projects he was dreaming about. 

Pandemic like Covid-19 strikes indiscriminately. In losing Titi to this unyielding epidemic, Darshana has lost her devoted husband, many of his admirers like me  have lost a generous friend and Gujarat has lost one of its finest photographers for whom photography was life’s meaning and mission.  I will always cherish my friendship with him and miss Titi, a good hearted man of gentle manners, simplicity and sincerity. 

————————————————————————————————–

Natwar Gandhi is former Chief Financial Officer (2000-2013) of Washington, DC. Presently, he  consults with the World Bank in its efforts to create financially sustainable cities around the world.  He is also a member of Board of Trustees of Gallaudet University and a member of Boards of Honorary Trustees at Shakespeare Theater Company as well as Arena Stage.

Photo courtesy : http://www.dhairyakanttiti.art) 

Dhairyakant Chauhan's wife Darshana Vyas has put together a wonderful website (http://www.dhairyakanttiti.art) in his memory.

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (2)

સુમન શાહ|Opinion - Literature|19 August 2021

એક મિત્રે મને પૂછ્યું – મન્તવ્યોને શીર્ષકો આપો તો? બીજા એક મિત્રે સૂચવવ્યું કે પાંચને બદલે બે કે ત્રણ મન્તવ્યો મૂકો તો સારું, પચાવી શકાય. બન્ને મિત્રોની વાત મને સમીચીન લાગી. પચાવવાની વાત ગમી ગઈ. મેં વિચાર્યું, બે જ આપવાં અને દરેક મન્તવ્યને એક કામચલાઉ શીર્ષક આપવું. આ લેખમાં ને હવે પછીના લેખોમાં સ-શીર્ષક બે બે મન્તવ્યો આપીશ.

૬ : વાર્તાનો એક ગુણ -તે શ્રાવ્ય હોય :

વાર્તા તો કહેવા માટે લખવાની હોય છે. ‘કથા’ શબ્દ જ ‘કથવું’ અથવા ‘કહેવું’ પરથી છે. અને વાર્તા કહેવાય છે તો એ પણ ખરું કે એ સાંભળવા માટે છે. કથનનો ગુણ તેમ વાર્તામાં શ્રાવ્ય ગુણ પણ હોય છે, હોવો જોઈએ.

ચારણો, બારોટો અને પહેલાંના જમાનાના સૌ કથાકારો વાર્તા માંડતા’તા. બન્ને પગને ક્રૉસમાં વાળે ને ભેટ બાંધીને નિરાંતે ચલાવે. એમની એ કહેણીમાં કથનનો ગુણ હતો, વિશિષ્ટ કથનસૂર પણ હતો. ઘણી વાર તો એમણે માંડેલી વાર્તા મધરાત લગી ચાલતી.

અમારા ઘરમાં અવારનવાર સત્યનારાયણની કથા કહેવરાવવાનો એક રિવાજ પડી ગયેલો. કેમ કે ઘરનાં દરેકે નાનીમોટી સફળતા માટે ‘સતનારાયન’-ની બાધા રાખી હોય. બે મા’રાજ હતા. એક ઉપલબ્ધ ન હોય, તો બીજા આવે. એક મા’રાજ કથાની ચૉપડીમાંથી પાંચેય અધ્યાય વાંચી જતા, જ્યારે બીજા મા’રાજ કથારસ જામે અને ભાવાર્થનો અનુભવ મળે એ રીતે સ્વમુખેથી સરસ શૈલી બાંધીને વદતા હતા. એમને કથાપોથીની જરૂર ન્હૉતી પડતી. ત્યારે એમણે આરામદાયક પદ્માસન પલાંઠી લગાવી હોય. એમની એ કહેણીમાં કથનનો ગુણ હતો, કથનસૂર પણ હતો, ઉપરાન્ત, એમાં શ્રાવ્ય ગુણ પણ હતો.

યાદ કરો, દાદીમા વાર્તા ક્હેતાં’તાં, તે પથારીદૃશ્યો. પોતરાને થોડી થોડી વારે થતું, પછી? પછી શું થયું? ‘વ્હૉટ નૅક્સ્ટ’ – પ્રશ્નને બધા હવે કથાસાહિત્યમાં જૂનવાણી ગણે છે. પણ એ પ્રશ્ન કુતૂહલને જાગતું રાખે છે એ કારણે હું એને વાર્તાકલામાં જરૂરી મહત્ત્વ આપું છું.

દાદીમાની વાર્તાનું સુખદ પરિણામ આવતું – દાદી અને પોતરો અમુક સમયે ઊંઘી ગયાં હોય ! અધૂરી રહી ગયેલી વાર્તા બીજે દિવસે આગળ ચાલે, કે પછી, કોઈ બીજી શરૂ થાય. મારા પિતાજી રાતે સૂતી વખતે કોઇ ને કોઇ વાર્તા ક્હૅતા. ઉનાળામાં અગાશીમાં સૂતા હોઇએ, આકાશમાં ચન્દ્ર હોય ને બસ વાર્તાની મૉજ અને ઊંઘ બેયનું ભેગું ઘૅન ચડતું. આમ્સ્ટર્ડામમાં મારી પૌત્રીને એની મૉમ કે એના પાપા રોજ વાર્તા વાંચી સંભળાવે તો જ એને ઊંઘી આવી શકે છે.

આ બધા દાખલા એમ સૂચવે છે કે વાર્તા સરસ લઢણથી, આકર્ષક પદ્ધતિથી, કહેવાય, પણ એવી અદાથી કે સાંભળનારનું મન ધરાઇ જાય. તૃપ્ત થઈને એ મલકી પડે. એને વાર્તાની રઢ લાગી જાય. મને મારા દાખલામાં એમ બન્યું લાગ્યા કરે છે.

પરન્તુ તૃપ્તિનું એ પરિણામ ત્યારે જ આવે જ્યારે કથનસૂર સચવાયો હોય ને એ સૂર પ્રગટે એ માટે સર્જકે પૂરતા જતનથી ભાષાકર્મ કર્યું હોય.

વાચકે પણ વાર્તાને વાંચવા છતાં, સાંભળવાની હોય છે. કેટલાક વાચકો લખાયેલું કે છપાયેલું ઝટ પતાવી દેવાની કુટેવને વર્યા હોય છે. એવો વાચક જો ગગડાવી જશે, કથનસૂરને નહીં અનુસરે, તો કલાને ચૂકી જશે. વિવેચકે પણ તપાસવું જોઈશે કે વાર્તાના પાઠમાં શ્રાવ્ય ગુણ છે ખરો? જો છે, તો કેવી રીતે રસાયો છે તેનો એ ફોડ પાડે.

વાર્તાનાં લેખન શરૂ થયાં એટલે વાચન શરૂ થયાં. બાકી તો એ એવી મજાની વસ્તુ છે કે કહ્યા જ કરીએ ને સાંભળ્યા જ કરીએ.

ટૂંકીવાર્તા આપણે ત્યાં ‘શૉર્ટ સ્ટોરી’-થી પ્રેરાઈ છે. એ વિદેશી રીતભાતે લખાવા લાગી, છપાવા લાગી, એટલે વાચનની વસ્તુ બની ગઈ. એની ના નહીં પણ કથાસરિતસાગરની, પંચતન્ત્રની, હિતોપદેશની, ઇસપની કે અરેબિયન નાઇટ્સની કથાઓ યાદ કરો, સમજાશે કે શ્રાવ્ય ગુણ જ વાર્તાને વાર્તા બનાવે છે. આ હકીકતનું વિસ્મરણ ન થવું જોઈએ – ન તો લેખકને, ન તો વાચકને, ન તો વિવેચકને.

૭ : વાર્તાનો એક બીજો ગુણ – તે દૃશ્ય હોય :

પરમ્પરાગત વાર્તાકારો વાર્તાના પ્રારમ્ભે નાનકડું પ્રકૃતિદૃશ્ય ઊભું કરતા : જેમ કે, આમ : સન્ધ્યાનું આકાશ લાલિમાથી છવાઈ ગયેલું હતું. સૂર્ય ટેકરીઓની પાછળ ઊતરી ગયો હતો. નદીનાં પાણી રતુમ્બડાં લાગતાં હતાં. પક્ષીઓએ પોતાનાં માળાની દિશા પકડી હતી. આવી રહેલી નિશા કોઈ નવી નવેલી વહુરાણી લાગતી હતી : વગેરે. એઓ આવાં આલંકારિક દૃશ્યાલેખન કરીને વાચકને તૈયાર કરતા. સૂચવતા કે હવે જે શરૂ થવાનું છે એ બધું સાહિત્યિક છે, તૈયાર થઈ જાવ. જાણે ભોજન પહેલાંનું ઍપિટાઈઝર !

પ્રકૃતિદૃશ્યનું આલેખન, જો એ પછી શરૂ થનારી વાર્તાને ઉપકારક હોય તો સારી વાત ગણાય. બાકી, વાર્તા સાથે એનો સ્નાનસૂતકનો ય સમ્બન્ધ ન જડે તો શું કરવાનું એ ફાલતુ ગદ્યને? પણ એવી એક ફૅશન પડી ગયેલી.

એથી અવળું માનનારા વાર્તાકારો હતા – ભાઈ ! બસ વાર્તા કહો, દૃશ્યો પાછળ સમય ન બગાડો, શી જરૂર છે? એ તો નાટકમાં હોય. વર્ણનોની શી જરૂર છે? એ તો નવલકથામાં કે નિબન્ધમાં હોય. આવી સલાહો એટલે અપાતી કે વાર્તાકારોને લાબાંલાંબાં વર્ણનો કરવાની ટેવ પડી ગયેલી. એની પણ એક ફૅશન હતી.

સર્જનમાત્રને તેમ વાર્તાસર્જનને કશી પણ ફૅશન ન પરવડે. સર્જન એવા આગન્તુક શણગારોથી કદીપણ દીપતું નથી, વરવું લાગે છે.

મુદ્દો આટલો છે, વાર્તાકથન છે તેમ વાર્તાઆલેખન પણ છે – ટુ નૅરેટ તેમ ટુ ડિસ્ક્રાઇબ. એક હતો રાજા, એક હતી રાણી – કથન થયું કહેવાય. આ રાજા છે, આ રાણી છે – આલેખન થયું કહેવાય. વાર્તામાં કથક કથે તેમ આલેખે. પોતે જુએ તેમ આપણને બતાડે. વાર્તાકલા આલેખનથી પણ વિકસતી હોય છે. એથી દૃશ્યો રચાય, વાર્તાનાં પાત્રોને જોઈ શકાય, જે સ્થળે જેમ બોલતાંચાલતાં હોય, તે સ્થળે એમને તેમ જોઈ શકાય. સ્થળોને લગીરેક ધારદાર વીગતથી દર્શાવ્યાં હોય એટલે સ્થળો પણ દેખાય. બધું જીવન્ત થઈ ઊઠે. પાત્રે શું પ્હૅર્યું છે, એ શું ખાય છે, પીએ છે, વગેરે બતાવવું પણ કેટલીક વાર જરૂરી હોય છે, ખાલી કહી જાઓ તે ન ચાલે.

મારી વાર્તાઓમાં દૃશ્યો અવારનવાર સરજાય છે, વાચકો વાર્તાને સાંભળે છે તેમ જુએ પણ છે. હું વાર્તાનો એ નૉર્થટ્રેઇલ પાર્ક મારા વાચકને બતાવું છું. એ વિશાળ પાર્કનું આકાશ ઘણું નીચે ઊતરી આવ્યું હોય ને પાત્રને થાય – આ ગુમ્બજ નીચે સૂઈ જઉં, ચન્દ્રને ઊંચો કૂદકો મારીને ઝડપી લઉં … કોઇ પણ વાર્તાનું વિશ્વ ખરું – રીયલ – લાગવું જોઈએ. વાચક એક અનુભવ લઈને જવો જોઈએ.

ચિત્રકૃતિઓ સ્થિર દૃશ્યો હોય છે. એ ચિત્રોનાં આધારરૂપ મૉડેલ્સને પણ સ્થિર બેસાડાય છે. કૅમેરાની અને મૂવીકૅમેરાની શોધ પછી, ચિત્રકલાની તેમ કથાસાહિત્યના સર્જનની જાણે દિશા જ બદલાઇ ગઈ છે. વિડીઓગ્રાફીએ પેલા સ્થિર દૃશ્યને હરતુંફરતું કરી દીધું. શબ્દમાં સરજાયેલાં કથનો અને વર્ણનો ચિત્ર બલકે ચલચિત્ર બની રહ્યાં છે. સારી કથાનું મૂવી બનાવવા જાણે પડાપડી થવા લાગી છે.

Pic courtesy : French Institute Alliance Franchise

હમણાં મેં ‘નેટફ્લિક્સ’ પર એક ફ્રૅન્ચ મૂવી જોયું. એમાં, એક સુન્દરી મૉડેલ છે. એને સ્થિર બેસાડાય છે. મૉડેલ છે એટલે એને નગ્ન બતાવી છે, સમ્પૂર્ણ નગ્ન, સમ્પૂર્ણ એટલે સમ્પૂર્ણ. ચિત્રકામો શરૂ થાય, પૂરાં થાય કે અધૂરાં છોડી દેવાય, એ તમામ સર્જનવ્યાપારને અનુવર્તીને વારંવાર એને જુદા જુદા પોઝિઝમાં બેસાડાય છે. મૉડેલ અને ચિત્રકારની છે આ કથા. ચિત્રકારની વર્કશોપ, બધો જરૂરી અસબાબ, ચીતરવાની પદ્ધતિઓ, સર્જનની આદિ મધ્ય અન્ત લગીની પ્રક્રિયા વગેરે બધું હૂબહૂ પૂરી કાળજી લઈને ધીમેશથી બતાવ્યું છે. દીર્ઘ મૂવી છે. બોલ્ડ છે. જો કે એમાં કશી સૅક્સલાઇફ નથી, કશું એમાં અભદ્ર કે અશ્લીલ નથી.

છતાં, આ મૂવી સમજુ યુગલોએ જ જોવું, એકલાં જોવું. હું જાણીને જોવા ન’તો બેઠો. આઇ નેવર ચૂઝ બીફોર કેમકે હમેશાં મારે અન્કન્ડિશન્ડ રહેવું હોય છે. આ મૂવીના કલાગુણ અને મૅસેજ લગી પ્હૉંચતાં સામાન્ય દર્શકને વાર લાગશે. ફ્રૅન્ચ નામ છે, La Belle Noises (1991). અંગ્રેજી નામ છે, The Beautiful Troublemaker.

બીજાં બે મન્તવ્યો હવે પછી, અવકાશે.

= = =

(August 19, 2021 : USA)

Loading

...102030...1,7801,7811,7821,783...1,7901,8001,810...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved