Opinion Magazine
Number of visits: 9571175
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃષ્ણના નામે ફરાળી વાતો!

વિજય ભટ્ટ|Opinion - Opinion|1 September 2021

જય  શ્રીકૃષ્ણ!

આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. કૃષ્ણના નામે ઉપદેશ આપવાની સીઝન!!

મને થયું હું કેમ રહી જાઉં, ઉપદેશ આપ્યા વગર? હવે આજે નોમ તો થઈ! માત્ર પાંચ-છ દિવસ બાકી રહ્યા શ્રાવણ ને પૂરો થવામાં. આવી તક છેક હવે વરસ પછી આવશે.

મને પણ બધા જ્ઞાનીમાં ગણે. મને પણ ફોરવર્ડ કરે. મને લાઈક કરે, તેથી થયું આ પ્લેટફોર્મ સારું છે. બધા મિત્રો જ છે. એટલે વાહ વાહ થશે અને નામ થશે! કહ્યું જ છે ને કે અહં બ્રહ્માસ્મિ ! હું જ બ્રહ્મ છું તો પછી બતાવી દઉં મારું જ્ઞાન આજે.

તો ચાલો, હું પણ કૃષ્ણ-જ્ઞાનીઓ શાહ સાહેબ, વસાવડા સાહેબ, ત્રિવેદી સાહેબ, વૈદ સાહેબ અને પેલા જોશી સાહેબની કોમ્પિટિશન કરું. સહેજ કોપી પણ કરું. ઓશોની થાય છે જ ને?

આ તો ભાઈ શ્રાવણ મહિનો છે! જે ફરાળી હોય તે બધું જ  ચાલે!

લ્યો શરૂ કરું મારું લોક-ઉદ્ધારક જ્ઞાન પ્રવચન?

આ સાંભળ્યા પછી હવે તમે જ કહેશો કે “વિજયભાઈ, આ મોંઘા અને વ્યસ્ત સેલિબ્રિટી વક્તાઓને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપી અને બોલાવીએ તેને બદલે તમે એમ જ કરો ને …. તમે તો યુ.એસ.એ.માં જ છો તેથી તમને પોષાય. તમારી જાતે જ તમારી ટિકિટ લઇ ને આવી જાવ અમારા શહેરમાં. અમારામાંથી કોઈ એકના ઘરે પોતાનું સમજીને જ રહેજો, એર-બી-એન-બી કે હોટલમાં રહેવાની જરૂર નથી. અમારા ઘરે શુદ્ધ ગુજરાતી ભોજન અને સાંજે અમારી ક્લબમાં તમારું ભાષણ. ભાષણ પછી તાળીઓ અને ફોટા પડાવીશું. બીજે દિવસે તમને થોડું અમારા શહેરની આજુબાજુ ફેરવીશું. વળી લોકલ ન્યૂઝપેપર, ઇન્ડિયન ટી.વી., ઇન્ડિયન ન્યૂઝપેપર વગેરે જો છાપશે તો તમને એક્સપોઝર પણ મળશે. બીજે કોઈ ફરીથી તમને બોલાવશે, તે નફામાં!"

આમ લ્યો પ્રસ્તાવ મેં જ આપ્યો. આપજો આમન્ત્રણ મને.

ચાલો હવે મારી કૃષ્ણસભર, કૃષ્ણથી તરબોળ, કૃષ્ણ-પ્રેરિત વિદ્વતાનું પ્રદર્શન કરું. આ લ્યો કરું શરૂ? પણ હા એક રાધા-કૃષ્ણનો ફોટો પણ મૂકજો મારી પાછળ. હં!  વળી હું તો હીંચકા ઉપર બેસીને જ બોલીશ, જેથી વીડિયો સારો લાગે. બાજુમાં સરસ કૃષ્ણની મૂર્તિ, સાથે એક મોર પીંછનો ફોટો રાખજો. પાછળ મોટા સાહિત્યિક વડીલોના ફોટા અને પેલા એવોર્ડ્સનું કાચનું કબાટ પણ સરસ લાગશે,  કેમ?

ઓકે! તો આઈ એમ રેડી!

રમેશ, કેમેરા બરોબર સેટ કર આઈ-ફોન નો. અને હા, પેલો મારા ઝભ્ભા પરનો પિતામ્બર કલરનો ખેસ લાવો ને. સાહિત્ય કે સંગીતના કાર્યક્રમમાં ગાયકો અને સંચાલકો હંમેશાં સરસ અને પ્રસંગને અનુરૂપ ખેસ પહેરે છે એવો જ!

વળી, પેલા બીજા ભાઈ તો હવે કાનમાં નાનું કુંડળ પણ પહેરે છે. અને નાની ચોટલી પણ સરસ રાખે છે, પણ મારી પત્ની મને એ નહીં કરવા દે. જવા દો!

હા, તો આપણે ક્યાં હતા? હા, આઈફોનનો કેમેરા .. – હા એક જ સ્ટેન્ડ પર ના મુકીશ, રમેશ. થોડો આમ તેમ ફેરવજે. મારો ક્લોસ અપ પણ લેવાય ને. અને જો પિચ્ચર ઈન પિચ્ચર હોય તો તો કૃષ્ણનો ફોટો હંમેશાં મારા ચહેરાની ઉપરની બાજુ આવે એમ ગોઠવજે.

લ્યો, આ ખેસ પણ આવી ગયો! હવે શ્રીમતીજી એક કપ ચા આપે એટલે મારું ઐતિહાસિક ઉપદેશાત્મક કૃષ્ણ-સમર્પિત જ્ઞાન હું  ઉચરીશ!

અરે એક વાત તો રહી ગયી, આ યુટ્યૂબ ઉપર મુકાશે ને? વધારે લોકોને લાભ મળે ને! બિચારાઓનું ભલું થાય એમ જ મારો ઉદ્દેશ છે!

ચાલો હવે શરૂ કરું? ઓકે! સાઇલન્સ, કેમેરા, એક્શન!

કૃષ્ણ એટલે કૃષ્ણ ! જે રાધા સમું કૃષ્ણમય તે બધું જ કૃષ્ણ ! હું, મારું અસ્તિત્વ, મારું હોવાપણું, મારાં શ્વાસ, મારું જીવન એટલે કૃષ્ણ જ! હું જે પાણી પીવું છું તેને હું જમનાનું જળ ગણું .બસ તમે પણ ધારો કે તમે રાધા છો, તમે ગોવાળ છો, તમે ગોપી છો … પછી કૃષ્ણ આપોઆપ તમારી સમક્ષ પ્રગટ થશે.

કટ! એ રમેશ, તું યાર કેમેરા ક્યારેનો ખાલી પકડી ને ઊભો છે, થોડો ક્લોસપ લે. મારા એક્સપ્રેશન આવે. આગળ ચાલવું? હા, ઓકે.

એક વાર તમે કૃષ્ણમય થયા પછી તમને સર્વત્ર વાંસળી જ સંભળાશે. બધે જ કૃષ્ણ સાથે રાસલીલા કરશો, અરે, હશો વઢવાણમાં  પણ વૃંદાવનમાં છો એમ જ લાગશે! રણ લીલાં છમ લાગશે, વિચારોમાં વૃંદાવન આવશે, ગીતમાંથી ગોકુળ ગૂંજશે, ભૂલકાંઓનાં વાળમાં મોરપીંછ દેખાશે, અરે તમને તમારા પટાવાળા મગન ભાઈમાં માધવના દર્શન થશે!  બધું જ કૃષ્ણપૂર્વક થશે.  

તમને પેલા ગુજરાતી કવિઓ શ્રી સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર થી માંડી ને આજકાલના બધા જ કવિઓના કૃષ્ણગીતો આત્મસાત થશે. પછી તો તમે પોતે જ રાધા અને તમે જ પોતે કૃષ્ણ એવી કૃષ્ણસભર લાગણી તદ્દન સહજ! દ્વૈત અને અદ્વૈત બધું જ તમારામાં !  જરા પ્રયત્ન તો કરો, મિત્રો, કૃષ્ણ તમને ગેંડીદડો રમવા બોલાવે છે … તમે ક્રિકેટનું બેટ લઇને ન જાવ પણ હૃદય નો દડો કૃષ્ણને  ધારો!

પત્ની બોલી:

“કટ! .. કટ !..  કહું છું, ખરાબ ન લગાડતા, પણ મારે તો સાચું કહેવું જ પડે, નહીં તો બહારના લોકો હસશે.

 તમારી  એક પણ વાતમાં મને જરા પણ સમજણ ના પડી. વળી એમ થયું કે મારે ખરેખર કરવાનું શું? કેવી રીતે કૃષ્ણમય થવાય? કૃષ્ણપ્રેરિત એટલે? કૃષ્ણપૂર્વક એટલે શું? કૃષ્ણ સમર્પિત એટલે? મને તો મારાં ફુઆ કૃષ્ણકાન્ત ફુઆ જ યાદ આવ્યા. બધું જ ઉપરથી ગયું, પણ એમ લાગ્યું તમે બહુ સરસ શબ્દો બોલ્યા, પણ અર્થ કૈં જ ના સમજાયો. મારે કરવા નું શું? સમજવાનું શું? "

અરે ગાંડી! યાર! એ જ તો મઝા છે આ કૃષ્ણ-ફરાળી વાતોની! આ તો માત્ર વાણી વિલાસ છે.

કશો મતલબ કે સમજણની વાત હોત તો હું ભૂગોળ ઉપર ભાષણ ન કરત?

આ તો કૃષ્ણની વાત છે કૃષ્ણની. કહેવાતા જ્ઞાનીઓ એને અઘરી કરી કરીને આ રોતે લોકોને સમજાવ્યા કરે છે, પણ તેમાં સમજવાનું કે કરવાનું કશું હોતું જ નથી. કૃષ્ણની વાતોના  રૂપકો અને શબ્દોનાં ગતકડાં, વિરોધાભાસવાળા શબ્દો એક બીજાની બાજુમાં મુકીએ એટલે કૈંક નવું, ન સમજણ પડે તેવું લાગે તેથી જે લોકો પોતાને ઇન્ટેલેક્ટયુઅલ ગણતા હોય તેમને થાય કે સાલી સમજણ નથી પડતી પણ કૈંકે સારું જ હોય તેમ લાગે છે, માટે હશે જ, અને આપણને ગમે છે એમ કહો. એટલે લોકો પણ ખુશ અને જ્ઞાનીઓ પોતે પણ ખુશ કે 'કેવી આધ્યાત્મિક, સાહિત્યિક અને કલાત્મક રજૂઆત! બતાવી આપ્યું કે જ્ઞાની છીએ! અધ્યાત્મનાં નામે મનોરંજન.

થોડી લાઈક મળે, થોડી વાહ વાહની કૉમેન્ટ્સ મળે, થોડા અંગત મિત્રો, કે જેમને મેં પહેલાં નવાજ્યા હોય, તેઓ થોડું સરસ લખે મારા માટે … એટલે આપણું કામ પત્યું!  
અહો રૂપમ્મ્‌ અહો ધ્વનિ!

મને આવડી ગયું છે હવે. દરેક વાર-તહેવાર અને ઉત્સવ આવે એટલે મોટી મોટી આદ્યાત્મિક વાત કરીને લોકોને આંજી નાંખીશ મારાં વાણીવિલાસથી.  
હિન્દુસ્તાનમાં કેટલા બધા બાવાઓ, એક્ટરો, સેલીબ્રીટીસ અને એન્ટરટ્રેનર  છે? 
સાલું .. બધાનું ચાલે છે! તો મારું પણ ચાલશે!

કૃષ્ણના નામની બધી જ ફરાળી વાતો ચાલે, ભલે પચે નહીં!


જય શ્રીકૃષ્ણ!

e.mail : vijaybhatt01@gmail.com

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (5)

સુમન શાહ|Opinion - Literature|1 September 2021

(અનેક મિત્રોના સૂચનને વશ થઈ હવેથી દરેક લેખમાં એક જ મન્તવ્ય રજૂ કરીશ.)

ટૂંકીવાર્તામાં શું શું હોવું જોઇએ એ અંગે જાત જાતની વાતો અને સલાહો સાંભળવા મળે છે.

જેમ કે, “ચેખવ’સ ગન”-ની વાત. જેમ કે, ’પ્રૅગ્નન્ટ મૉમેન્ટ’-ની વાત. જેમ કે, ટૂંકીવાર્તામાં ટેલિગ્રામના તાર જેવી ‘બ્રીફનેસ’ હોવી જોઇએ. જેમ કે, ટૂંકીવાર્તામાં ‘એપિક ટેનર’ હોવી જોઇએ. જેમ કે, વાર્તાકાર મિત્રોને હું સલાહ આપતો હોઉં છું કે જીવનની નકલ નહીં પણ જીવનનો પીછો કરો, પછી શું કરવું તે માટે પોતાની સર્જકતાને પૂછો. વગરે વગેરે.

પણ ફોડ પાડીને કોઇ ભાગ્યે જ સમજાવે છે, એવી પૂર્વધારણાને કારણે, કે વાર્તાકારો બધું સમજે છે. પણ કોઈ કોઇ વાર્તાકારો સમજવા માગતા જ નથી, એમને એમ હોય છે કે – મારે સલાહની ક્યાં જરૂર છે, મારું તો વરસોથી સરસ મજાનું ચાલે છે.

આમ, આવી સલાહો નહીં વપરાયેલાં અથવા ઓછાં વપરાયેલાં શસ્ત્રોની જેમ આપણા વિવેચનસાહિત્યમાં પડી રહી છે. કોઈકે સમીક્ષા કરવી જોઈશે કે આવુંતેવું અતિ ઉપયોગી છે છતાં કયાં કારણોથી આપણે ત્યાં અધબોબડું રહી ગયું છે.

આજે, ચેખવ’સ ગન વિશે કહું :

૧૨ : ટૂંકીવાર્તામાં ચેખવ’સ ગન :

ચેખવે કથાલેખકને સલાહ આપેલી કે જો તમે પહેલા પ્રકરણમાં એમ બતાવો કે દીવાલ પર બંદૂક લટકે છે, તો બીજા કે ત્રીજા પ્રકરણમાં એ ફૂટવી જોઈએ. જો ફૂટવાની ન હોય તો એને લાવશો જ નહીં. નાટક માટે પણ કહેવાવા લાગ્યું કે પહેલા અંકમાં બંદૂકને દીવાલ પર બતાવી હોય તો બીજા કે ત્રીજા અંકમાં એ ફૂટવી જોઈએ.

મતલબ એટલો જ છે કે વાર્તાની કોઈપણ વીગત ફન્કશનલ હોવી જોઈશે – એટલે કે બંદૂક ફૂટે એમ એ વીગતે પોતાનું કામ કરવું જોઈશે. નહિતર એ વીગત ન લાવો. કશું પણ, કામ વગરનું નહીં ચાલે; ઘુસાડશો, તો દેખાડો લાગશે. પ્રત્યેક એકમ અખિલનો અંશ હોવો જોઈશે. વાર્તાકારે ઉચિત શબ્દ પર ઉચિત શબ્દ જોડીને વાર્તાની ઇમારત ચણવાની હોય છે. અપ્રસ્તુત, ફાલતુ વસ્તુ ન લાવો, માત્ર અને માત્ર અનિવાર્ય હોય એને જ લાવો. નહિતર, ઇમારતનો વિકાસ નહીં થાય, વાર્તામાં ઝોલ પડી જશે, વાચકો કંટાળશે. અનિવાર્ય જ કારગત નીવડશે. વસ્તુગુમ્ફનમાં કે પાત્રના આલેખનમાં બિનજરૂરી વીગતો લાવશો તો સમય-વ્યય સિવાય જુદું કશું થાય નહીં. નાની કે મોટી અનિવાર્ય વીગત જ વાર્તાના વિકાસમાં ઉપકારક પુરવાર થાય છે. એથી વાર્તા સર્વથા સુસંગત અનુભવાય છે.

વાર્તા કલાસૌન્દર્ય માટે છે. સૌન્દર્યને સુસંગતિ ખપે છે. મધ્યકાલીન કવિઓ સુન્દરીને વર્ણવવા ‘ગ્રીવા કપોત સરીખડી’-થી માંડીને એનાં અંગાંગને વર્ણવવા ઉપમાનો પર ઉપમાનો ખડક્યે જતા. એવો ‘કવિસમય’ હતો – ધાટી, પ્રથા. આપણો શામળ ભટ્ટ ‘નંદબત્રીસી’-માં રાજાએ ‘બેઠી દીઠી ત્યાં કામિની, એવી નહિ ભૂતળ ભામિની’-થી શરૂ કરીને, એને ગજગામિની તો કહે છે, પણ એના મુખને પૂનમનો ચન્દ્ર, નયનના આકારને અંબુજદલ, કટિના લાંકને સિંહાકાર તથા પાયને પોયણપાન સરીખા ને એની શ્રીકાયને કરેણકાંબ સરીખી કહે છે. ઉપમાનો સારાં, પણ સુસંગત નથી. એક જ સુન્દરીનું દરેક અંગ આવું ‘રૂપાળું’ હોય તો એ કેવી લાગે? એ ઉપમાનોથી સૌન્દર્યઘાતક વિસંગતિ અનુભવાય છે.

પ્રદ્યુમ્ન તન્નાએ એ મધ્યકાલીન સુન્દરીને, એક જ સુન્દરીના દેહને, એવાં બધાં ઉપમાનો સાથે ચીતરી બતાવેલી – ભયાનક દેખાતી’તી. એ ચિત્ર બચુભાઈએ ‘કુમાર’માં છાપેલું એમ યાદ આવે છે.

Picture Courtesy : TARDISLOCK – wordpress.co

સંસ્કારનગરી વડોદરામાં, પાંત્રીસેક વર્ષ પહેલાં, દર વર્ષે એકાંકી નાટ્યસ્પર્ધાનું સપ્તાહ ઉજવાતું હતું. રોજનાં ચાર કે પાંચ એકાંકી ભજવાય ને છેલ્લે દિવસે નિર્ણયો જાહેર થાય. એમાં મારે ત્રણ-ચાર વાર બે નિર્ણાયકો ઉપરાન્તના ત્રીજા નિર્ણાયક રૂપે જવાનું થયેલું. એક એકાંકીમાં ઑફિસનું દૃશ્ય હતું. ટેબલ પર ફાઇલો વગેરે હોય તે તો બરાબર પણ એના મોટા મોટા થોકડા ગોઠવેલા. પોતે બરાબર દેખાય તે માટે સાહેબ એને ખસેડ્યા કરતા’તા. લાલ, વાદળી ને કાળો એમ ત્રણ ત્રણ ફોન ગોઠવેલા. પ્યૂનને બોલાવવા માટેના બે બેલ રાખેલા – બન્નેના આકાર અલગ. પાત્રે ડોરબેલ વગાડીને દાખલ થવાનું. શી જરૂર? ઘર થોડું હતું? કારણ વગરનો આ ભભકો ચાડી ખાતો’તો કે દિગદર્શક પ્રૉપનો ઠઠાડો કરે છે પણ કલામાં નથી સમજતો. અમે નિર્ણાયકો મશ્કરી કરતા કે આમાં ફોનના અને બેલના કોઈ વેપારીઓને સંડોવ્યા હશે …

મજાની વાત એ છે કે ચેખવ’સ ગન વિશે વીસેક મિનિટની ફિલ્મ બની છે – ચેખવની એ સલાહનું પિક્ચરાઈઝેશન. એમાં એક પાત્ર ગન શોધી લાવે છે ને એ ફૂટે ત્યાં લગી મંડ્યો રહે છે. ફિલ્મ એક ક્વોટ છે, ક્વોટમાં પાત્રચેખવ બંદૂક ફોડવા આડો મરડાય છે, બીજાં પાત્રો એમાં સહાયક પ્રૉપ્સની ભૂમિકા ભજવે છે.

આમ તો, ચેખવ’સ ગનની વાત કોઈ પણ કલાસર્જનને લાગુ પડે છે. કેમ કે કલા, ન તો અલ્પોક્તિ સહી લે છે, ન તો અતિશયોક્તિ. ગઝલના સર્જકને રદીફ-કાફિયાનો મોટો હારડો સૂઝી શકે, પણ, એથી કરીને એ શેઅર પર શેઅર ઠોક્યે રાખે, તે કેમ ચાલે? આલાપમાં સૂરને અનાવશ્યકપણે લંબાવનારો ગાયક આપણને ચીડવે છે. એનો એ ચાળો આગળના ગાયનને વણસાડી મૂકે છે. કલામાં કશું પણ પ્રદર્શાનાર્થે નથી નભતું. ઊલટાનું એ એમ દર્શાવે છે કે તમે રાચો છો, અણઘડ છો, કલાકાર નથી.

= = =

(September 1, 2021: USA)

Loading

ભાઈબહેનની અજબ જોડી : બેન્જામિન ફ્રેન્કલિન અને જેન મેકમ

સોનલ પરીખ|Opinion - Opinion|1 September 2021

બેન્જામિન ફ્રેન્કલિન વિશ્વવિખ્યાત, જેન સીધીસાદી ગ્રામનારી. બેન્જામિનના જીવનનું કેન્દ્ર એ પોતે હતા. જેનના જીવનનું કેન્દ્ર તેનાં સંતાનો અને તેમનાં સંતાનો હતાં. જેન તેના ભાઈની સતત વધતી પ્રસિદ્ધિથી ચકિત થતી. તેના પ્રકાશમાં તેની બોસ્ટનની જર્જર જિંદગી ઝગમગી ઊઠતી. બેન્જામિને બીજાઓ સમક્ષ જેનનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કર્યો છે.

પણ છ દાયકાથી વધારે લાંબો પત્રવ્યવ્હાર એમના સંબંધની લાઈફલાઈન હતી. બે જુદાં વિશ્વોમાં જીવતાં આ ભાઈબહેનનું સહિયારું પણ એક વિશ્વ હતું. આપણું આપણા ભાઈબહેનો સાથે સહિયારું એવું કોઈ વિશ્વ છે ખરું?

‘તું લખજે. મારી હેસિયત મુજબ હું સમજીશ.’ આ વાક્ય બહેનના પત્રોમાં વારંવાર ડોકાતું. એનો ભાઈ એની ‘હેસિયત’ જાણતો, છતાં પોતાની સિદ્ધિઓ વિશે જણાવતો – બણગા ફૂંકવા માટે નહીં, પણ દુનિયામાં થઈ રહેલાં પરિવર્તનો વિશે બહેન પણ જાણે એવી ભાવનાથી. આ ભાઈનું નામ બેન્જામિન ફ્રેન્કલિન.

બેન્જામિન ફ્રેન્કલિન એટલે જેના ઉલ્લેખ વગર સ્વતંત્ર અમેરિકાનો ઇતિહાસ અધૂરો રહે તેવો બહુઆયામી પ્રતિભાશાળી પુરુષ – લેખક, વિજ્ઞાની, રાજનીતિજ્ઞ, પ્રિન્ટર, પબ્લિશર, પોલિટિકલ ફિલોસોફર. સત્તર-અઢારમી સદીમાં યુરોપની કોલોનીઓમાં વહેંચાયેલા અમેરિકાને સ્વતંત્ર કરવામાં અને દુનિયામાં અગ્રેસર બનાવવામાં બેન્જામિન ફ્રેન્કલિનની નિર્ણાયક ભૂમિકા હતી. જેન આ વિરાટ પુરુષની સીધીસાદી બહેન હતી. ફ્રેન્કલિન પરિવારના સત્તર સંતાનોમાં બેન્જામિન ભાઈઓમાં અને જેન બહેનોમાં સૌથી નાનાં, ને ‘બેની એન્ડ જેની’ તરીકે ઓળખાતાં. રક્ષાબંધનનો શુભ તહેવાર દેશભરમાં ઊજવાઈ રહ્યો હોય ત્યારે ભાઈબહેનની આ અનોખી જોડીને યાદ કરવી ગમશે.

18મી સદીની શરૂઆતમાં આ બન્નેનો જન્મ. દુનિયાના ઇતિહાસમાં 18મી સદીનું ખૂબ મહત્ત્વ છે. અમેરિકન, ફ્રેન્ચ અને હૈતીની ક્રાંતિઓ આ સદીમાં થઈ. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. સમાજ, જીવનશૈલી અને પર્યાવરણમાં મોટા ફેરફારોની શરૂઆત થઈ. બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય દુનિયાભરમાં તપતો હતો. ભારતમાં મોગલ શાસનનો અંત અને આખા દેશ પર બ્રિટિશ પ્રભુત્વ આ જ સદીની ઘટનાઓ હતી.

અમેરિકા બ્રિટિશ અને અન્ય યુરોપીય દેશોની વસાહતોનું નામ હતું. ઈંગ્લેન્ડથી આવીને અહીં વસેલા જોશીઆ ફ્રેન્કલિન સાબુ અને મીણબત્તી બનાવતા. એ સમયની રીત પ્રમાણે દીકરો બેન્જામિન સ્કૂલમાં જતો, દીકરી જેન ભરત-ગૂંથણ અને ઘરકામ શીખતી. બેન્જામિન જે શીખે તે છ વર્ષ નાની બહેનને શીખવે. આમ તે વાંચતાં-લખતાં શીખી.

17 વર્ષની ઉંમરે બેન્જામિને ઘર છોડ્યું ત્યારે જેન 11 વર્ષની. 15 વર્ષની ઉંમરે જેનનાં લગ્ન બાવીસ વર્ષના એડવર્ડ મેકમ સાથે થયા. યુરોપમાં થતી શોધખોળો, લાયબ્રેરી વગેરે બેન્જામિનને આકર્ષતાં. યુરોપ જીતે છે કારણ કે તેની પાસે જ્ઞાન છે. આપણે પણ જીતવું હોય તો જ્ઞાન વધારવાનું છે એ તેને સમજાઈ ગયું હતું. તેમણે પ્રિન્ટિંગ-પબ્લિશિંગમાં નામ કાઢ્યું. લેખક બન્યા, વૈજ્ઞાનિક શોધખોળો કરી, લાયબ્રેરીઓ શરૂ કરી અને આખી પ્રજાની ઊર્જાને સ્વાતંત્ર્ય અને જ્ઞાનના રાજમાર્ગ પર લાવી મૂકી.

સાથે રહેવાનું થતું નહીં, બન્ને પત્રો લખતાં. પહેલો પત્ર બેન્જામિને 21 વર્ષની ઉંમરે લખેલો છે. બેન્જામિન પોતાના બદલાતા વિશાળ વિશ્વ વિશે ઘણું લખતા. જેન રસથી વાંચતી અને લખતી, ‘મને કેટલું સમજાયું તે ખબર નથી, પણ તું લખતો રહેજે.’ અને ‘મારા સ્પેલિંગ, ગ્રામર અને ભાષા ગરબડિયાં છે. પણ તું એને સમજી લેશે એમ ધારું છું.’ બેન્જામિન લખતા, ‘ચિંતા ન કર. તું સારું લખે છે.’ અને લખતા કે ‘જે વાતો મિત્રો સાથે અમસ્તા કરતા હોઈએ એ પત્રમાં લખાય નહીં. ધ્યાન રાખવું જોઈએ.’ પણ પછી મોકળાશથી ન લખવા માટે ઠપકો પણ આપતા.

જેનનો પતિ એડવર્ડ સ્કૉટિશ મોચી હતો અને માનસિક અસ્થિરતાથી પીડાતો હતો. આ અસ્થિરતા તેના બે સંતાનોને પણ વારસામાં મળી. લગ્ન પછી એ ફ્રેન્કલિન કુટુંબ સાથે રહેવા આવી ગયો હતો અને કમાવાના નિષ્ફળ પ્રયત્નો કરી દેવું વધારતો રહેતો. જેન પરિવારના સાબુ બનાવવાના ધંધામાં કામ કરી આવક ઊભી કરતી અને એક પછી એક જન્મતાં સંતાનોને ઉછેરતી. ઝડપથી તેનાં શરીર-મન કંતાતાં ગયાં. ભાઈ બેન્જામિન સાથે નિયમિત ચાલતો પત્રવ્યવહાર તેના જીવનનું બળ હતો.

જે વર્ષે બેન્જામિને અમેરિકામાં પહેલી લાયબ્રેરી શરૂ કરી તે વર્ષે જેન 21 વર્ષની થઈ હતી. બેન્જામિને તેને એક પુસ્તક આપ્યું, ‘ધ લેડીઝ લાયબ્રેરી.’ જેન 38 વર્ષની થઈ ત્યારે બેન્જામિને તેને પોતાની ‘એક્સપેરિમેન્ટ એન્ડ ઑબ્ઝર્વેશન્સ ઓન ઈલેક્ટ્રીસીટી’ મોકલી. બેન્જામિને બીજા કોઈ પણ કરતાં વધારે પત્રો જેનને લખ્યા છે.

બાવીસ વર્ષમાં જેન બાર વાર સગર્ભા થઈ. છેલ્લા સંતાનને જન્મ આપ્યો ત્યારે તે 39 વર્ષની હતી. બેન્જામિનને ત્રણ સંતાનો હતાં. એમની જિંદગી નવાં કામો, પુસ્તકો, પ્રયોગો અને રાજનીતિમાં વ્યસ્ત હતી. જેનનો એક દીકરો ટ્રેન્ટન યુદ્ધમાં ખોવાઈ ગયો હતો. બે દીકરાને માનસિક સમસ્યાઓ હતી. કેટલાક સંતાનોને આજે જેને ટી.બી. કહીએ છીએ તેવી બીમારી હતી. બારમાંના અગિયાર સંતાનોને તેણે પોતાના હાથે દફનાવ્યાં. એક જ સંતાન લાંબું જીવ્યું. પતિ 38 વર્ષના લગ્નજીવન બાદ મૃત્યુ પામ્યો. જેન અને એની બે દીકરીઓને સાબુની દુકાન કરવી હતી ત્યારે એ માટેની સામગ્રી બેન્જામિને લંડનથી મોકલી હતી.

જેન વિશે માહિતી મેળવવાના બે જ સ્રોત છે – બચેલા પત્રો અને એક નાની, ચાર ફૂલસ્કેપ પાનાં સાંધીને બનાવેલી બુકલેટ ‘અ બુક ઑફ એજિસ’. એમાં એણે એના પતિ અને બાળકોનાં જન્મ, લગ્ન અને મૃત્યુની તારીખો લખી છે. આટલી સામગ્રી પરથી જિલ લેપોરે નામની લેખિકાએ એક પુસ્તક લખ્યું છે, ‘બુક ઑફ એજિસ : એ લાઈફ એન્ડ ઓપિનિયન ઑફ જેન ફ્રેન્કલિન’ તેની શરૂઆતમાં તે લખે છે, ‘વિખ્યાત ભાઈના હાથમાં કલમ હતી અને અવિખ્યાત બહેનના હાથમાં સોયદોરા! ભાઈ દુનિયાભરમાં ફરતો હતો. જેનને થતું કોઈ મને કાઢે – આ ઘરમાંથી, બૉસ્ટનમાંથી, આ દુનિયામાંથી.’

જેન બેન્જામિનને પોતાનો ‘સેકન્ડ હાફ’ માનતી. જેન એમને માટે ‘અડધું વિશ્વ’ હતી, પણ આ બે અડધિયાંનાં વિશ્વો કેટલાં જુદાં હતાં! 1870-80ના દાયકામાં બેન્જામિન અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધ અને બંધારણના ઘડતરમાં મગ્ન હતા, ત્યારે જેનની એક દીકરી સેલી ગુજરી ગઈ હતી. તેનાં ચાર છોકરાંને જેન ઉછેરતી હતી. એમાંનાં બે પણ મૃત્યુ પામ્યાં. ત્યાર પછી જેનનો પતિ અને બીજી એક દીકરી મૃત્યુ પામ્યાં. ‘ઈશ્વર આપે છે અને તે જ લઈ પણ લે છે. શું કહું, મારાથી સહન થતું નથી. પણ તું મને તારા લેખો વિશે ચોક્કસ જણાવતો રહેજે.’ જેને લખ્યું. સપ્ટેમ્બર 1767ના દિવસે જેને તેની છેલ્લી નોંધ લખી : ‘મારી વહાલી દીકરી પોલીનું મૃત્યુ થયું.’ આ લખતી વખતે તેના અક્ષર ધ્રૂજી ગયા છે, ‘દરિયાનાં મોજાંની જેમ દુ:ખ મારા પર ફરી વળ્યું છે.’ પછી લખે છે, ‘ઈશ્વર માલિક છે. હું શરણાગત છું.’

જેને પહેલા સંતાનનું નામ પિતાના નામ પરથી ને છેલ્લા, બારમા સંતાનનું નામ માતાના નામ પરથી પાડ્યું હતું. એ બન્ને એક વર્ષના થયા પહેલા જ મરી ગયા હતા. એક સંતાનનું નામ તેણે બેન્જામિન પણ પાડ્યું હતું. વારંવાર સુવાવડો, બાળઉછેર અને બાળમરણો વચ્ચે જેને વૃદ્ધ માની સેવા પણ કરી. બેન્જામિન સેનેટમાં ચૂંટાયા ત્યારે જેને મા વતી પત્ર લખ્યો. મા જેનના હાથમાં જ મરી ગઈ. તેનું દફન પણ જેને જ કર્યું. પછી બેન્જામિને કબર બંધાવી અને લખાણ કોતરાવ્યું. પૈતૃક સંપત્તિમાં મળેલો પોતાનો ભાગ તેમણે જેનને આપ્યો અને એક ઘર પણ, જેમાં તે થોડાં વર્ષ રહી – બચેલી એકમાત્ર દીકરી સાથે. જીવનના છેલ્લાં 30 વર્ષમાં બેન્જામિનના ભાઈઓ બહેનોમાંથી એક માત્ર જેન જીવિત હતી. 1790માં બેન્જામિનનું મૃત્યુ થયું. પોતાના મૃત્યુ પછી દર મહિને એક સરખી રકમ જેનને મળતી રહે એવી વ્યવ્સ્થા એમણે કરી હતી. જેન 1794માં મૃત્યુ પામી.

બેન્જામિન પારિવારિક ઇતિહાસ વિશે ખૂબ સંવેદનશીલ હતા. જેન એમને માટે પારિવારિક માહિતીઓનો સ્રોત હતી. પણ એમને મન પરિવાર એટલે ભૂતકાળ – પોતાના અત્યંત સફળ જીવનની પ્રસ્તાવના અને જેન માટે પરિવાર એટલે તેનું સર્વસ્વ, તેને ઘેરીને ઊભેલો વર્તમાન. બેન્જામિનના જીવનનું કેન્દ્ર એ પોતે હતા. જેનના જીવનનું કેન્દ્ર તેનાં સંતાનો અને તેમનાં સંતાનો હતાં. જેન તેના ભાઈની સતત વધતી પ્રસિદ્ધિથી ચકિત થતી. તેના પ્રકાશમાં તેની બોસ્ટનની જર્જર જિંદગી ઝગમગી ઊઠતી. બેન્જામિને બીજાઓ સમક્ષ જેનનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કર્યો છે.

બે જુદાં વિશ્વોમાં જીવતાં આ ભાઈબહેનનું સહિયારું પણ એક વિશ્વ હતું. આપણું આપણા ભાઈબહેનો સાથે સહિયારું એવું કોઈ વિશ્વ છે ખરું?

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ઑગસ્ટ 2021

Loading

...102030...1,7651,7661,7671,768...1,7801,7901,800...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved