Opinion Magazine
Number of visits: 9570943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી આંખો કેમ ખૂલતી નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|8 September 2021

ધાર્મિક ગુરુઓ; ભક્ત પુરુષો / મહિલાઓનું કઈ કઈ યુક્તિઓથી શોષણ કરતા હતા, તે જાણવા માટે ‘મહારાજ લાઈબલ કેસ’ તથા ‘પોલ કેસ’નો અભ્યાસ કરવો પડે. મહારાજ લાઈબલ કેસમાં ફરિયાદી હતા વૈષ્ણવ મહારાજ જદુનાથજી બ્રિજરતનજી અને આરોપી હતા પત્રકાર / સમાજ સુધારક કરસનદાસ મૂળજી [25 જુલાઈ 1832 – 28 ઓગષ્ટ 1875]. કપોળ જ્ઞાતિના કરસનદાસ ‘સત્યપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા. કરસનદાસે 21 ઓક્ટોબર 1860ના રોજ ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લેખ પ્રસિદ્ધ કર્યો હતો. જેના કારણે ‘મહારાજ લાઈબલ કેસ’ ઊભો થયો હતો. વલ્લભ સંપ્રદાયમાં ગુરુઓ પોતે કૃષ્ણ છે; તેમ કહીને ભક્ત મહિલાઓ સાથે વ્યભિચાર કરતા હતા; તે બાબત તેમણે ખૂલી પાડી. મહારાજોએ કપોળ જ્ઞાતિપંચ ઉપર દબાણ કરીને કરસનદાસને નાત બહાર કાઢી મૂક્યા ! એટલું જ નહીં, જે કોઈ ભાટિયા સ્ત્રી/પુરષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેમને નાત બહાર કરવામાં આવશે; તેવી ધમકી પણ આપી ! તે અંગે ફોજદારી કેસ થયેલ; જે ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ [1861] તરીકે જાણીતો છે. તેનો ચૂકાદો 12 ડિસેમ્બર 1861ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. મહારાજો અને તેમના ભાટિયા ભક્તોને ગુનેગાર ઠરાવીને દંડ કર્યો હતો.

મહારાજ લાઈબલ કેસ 25 જાન્યુઆરી 1862ના રોજ શરૂ થયો હતો. કેસ ચાલુ હતો તે દરમિયાન મહારાજોના ભક્તોએ કરસનદાસ ઉપર હુમલા કર્યા હતા. મહારાજો કેવી કેવી યુક્તિથી વ્યભિચાર કરતા હતા, તેની વિગતો અદાલત સમક્ષ જાહેર થઈ. ભાટિયા/વાણિયા જ્ઞાતિના ભક્તો પોતાની દીકરીઓ/પત્નીઓને સંભોગ માટે મહારાજોને સોંપતા હતા. મહારાજોના ચાવેલાં પાન-સોપારી ભક્તો ખાતા ! મહારાજોના ધોતિયાને નિચોવીને પાણી પીતા ! મહારાજોની પગની રજકણ ચાટતા ! મહારાજોનું એંઠું અન્ન ખાતા ! મહારાજો અને ભક્તાણીઓ વચ્ચેની રતિક્રીડાના ‘દર્શન’ માટે  શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ વસૂલ કરવામાં આવતી ! આ કેસ 40 દિવસ ચાલ્યો; 24 દિવસ સાંભળવામાં આવ્યો. વાદી તરફે 42 સાહેદો અને પ્રતિવાદી તરફે 30 સાહેદોને તપાસવામાં આવ્યા. કેસનો ચૂકાદો 22 એપ્રિલ 1862ના રોજ આપવામાં આવ્યો; [ગાંધીજીનો જન્મ થવાને 7 વરસની વાર હતી; 2 ઓક્ટોબર 1869] જેમાં કરસનદાસને નિર્દોષ ઠરાવેલ. અદાલતે કરસનદાસને રૂપિયા 11,500 જદુનાથજી પાસેથી અપાવેલ. આ કેસમાં એ સિદ્ધાન્ત સ્થાપિત કરવામાં આવ્યો કે ‘જે બાબત નીતિથી નઠારી હોય તેને ધાર્મિક રીતે માન્યતા આપી શકાય નહીં !’

‘મહારાજ લાઈબલ કેસ’ અને ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ અંગે મુંબઈની ‘દી. લખમીદાસ કંપની’એ પુસ્તક બહાર પાડ્યું હતું. આ પુસ્તકની 1911માં ચોથી આવૃતિ બહાર પડી હતી. તેની પ્રસ્તાવનામાં પ્રકાશકે લખ્યું હતું : “જાહેર પ્રજાનો એક વર્ગ સવાલ કરશે કે ‘મહારાજ લાઈબલ કેસ’ના પાને પાને વલ્લભી સંપ્રદાયના કેટલાંક આચાર્યોની અનીતિ તેના ખરાબમાં ખરાબ આકારમાં કોર્ટમાં પુરવાર થયેલી છે, તે ફરી છપાવવાની શી અગત્ય હતી; અમે કહીશું કે તેની ઘણી જ જરૂર હતી. જે સંપ્રદાયની જાળમાં લાખો વૈષ્ણવો પોતાના ધર્મથી વિમુખ થઈ, ફક્ત ટીલાં ટપકાં ખોટા આડંબર અને ‘જે જે’ કરવામાં; જૂઠણો ખાવામાં અને ગોકુળનાથજીની ટીકાવાળા બ્રહ્મસંબંધ [વ્યભિચાર] કરવામાં જ ધર્મ સમજે છે, તેમને પોતાના ગુરુઓના ગુપ્ત ચરિત્રો બતાવવાની ખાસ અગત્ય છે. હજુ પણ આ આચાર્યોમાંના કેટલાંક સુધર્યા હોય તેમ લાગતું નથી !” 1860માં ગુરુઓની કામલીલા ખૂલી પડી છતાં 51 વર્ષ બાદ 1911માં પ્રકાશકે લખ્યું કે ‘કેટલાંક ગુરુઓ હજુ સુધર્યા નથી !’ આ એ બાબત સૂચવે છે કે ધર્મની આડમાં ગમે તેવી અનીતિને પોષણ મળે છે !

ગુજરાતના લોકો ‘પોલ કેસ’ અંગે જાણતા નથી. 26 જુલાઈ 1926ના રોજ ‘પોલ કેસ’નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તક વડોદરા પાસે પુનિયાદ ગામે કબીર આશ્રમની લાઇબ્રેરીમાંથી મળ્યું હતું. તેમાં વૈષ્ણવ ધર્મગુરુઓની અનીતિ સામે સંઘર્ષની વિગતો છે. આ સંઘર્ષ કરનાર હતા, ‘પ્રવાસી પાગલ’ ! તેમનો જન્મ 1886માં વડોદરા ખાતે થયો હતો. તેઓ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિના હતા. 1926માં તેમની ઉંમર 40 વરસની હતી. 17 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડ્યું હતું; 1908-10 સુધી ગુજરાત/કાઠિયાવાડમાં ખૂબ ભટક્યા બાદ મુંબઈ રહેતા હતા, અને મોતીનો ધંધો કરતા હતા. 1917માં તેઓ સિંધ તરફ ગયા. કરાંચીમાં રહેતા હતા. તેઓ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેતા હતા. 1920માં પૂર્વ બંગાળમાં ગયા. અસહકાર/સ્વદેશી/ગૌરક્ષા ઉપર 5થી 6 હજાર ભાષણો તેમણે આપ્યા હતા. નાગપુર કૉન્ગ્રેસમાં, નાસિકથી નીકળી, ગુજરાત થઈ 67 દિવસે પગે ચાલીને નાગપુર પહોંચ્યા હતા. પગની મુસાફરીના કારણે તેઓને ‘પ્રવાસી પાગલ’ તરીકે ઓળખવામાં આવતા હતા ! તેમનું મૂળ નામ હીરાલાલ મંગળદાસ હતું ! અસહકારની ચળવળ વેળાએ, સરકારે તેમને IPC કલમ-124A હેઠળ એક વર્ષ જેલમાં રાખ્યા હતા. પ્રવાસી પાગલે જોયું કે મહારાજ લાઈબલ કેસ પછી પણ પુષ્ટિમાર્ગના ધર્મગુરુઓમાં અતિશય વ્યભિચારનો સડો છે, વળી એ પંથના કેટલાંક પુસ્તકોમાં વ્યભિચાર સેવવા ઉપદેશ આપેલો છે ! તેમણે પુષ્ટિ પંથ વિરુદ્ધ ‘પોલ’ નામનું છાપું કાઢ્યું. બ્લાક્ટાનંદ સ્વામીના પુસ્તક ઉપરથી મહારાજ દેવકીનંદન ઉપર આક્ષેપો મૂક્યા. શેઠ પ્રાગજી સૂરજીએ ફરિયાદ કરી. ‘પોલ કેસ’ 1925માં થયો હતો; 65 વરસ પછી પણ વૈષ્ણવ ગુરુઓનો ધર્મના ઓઠા હેઠળ વ્યભિચાર ચાલુ રહ્યો હતો. પ્રવાસી પાગલે જુદા જુદા 13 પુસ્તકો લખ્યા હતા. તેમની સામે કુલ 14 કેસો થયા હતા; જેની વિગતો મળતી નથી. ‘પોલ કેસ’માં પ્રવાસી પાગલની હાર શા માટે થઈ હતી, તે જાણવું જરૂરી છે. સવાલ એ છે કે લોકોની આંખો કેમ ખૂલતી નથી? ધર્મશ્રદ્ધા માણસની વિવેક શક્તિ છીનવી લે છે. ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ના કારણે વ્યભિચાર અટકતો નથી. કોર્પોરેટ કથાકારો/ધર્મ ગુરુઓનો ઇતિહાસ વ્યભિચાર/અનીતિ/હત્યાથી ખરડાયેલો હોય છે. 2021માં પણ આ સ્થિતિ છે.

આ બન્ને કેસોમાંથી એ બોધપાઠ લેવાનો કે ધર્મશ્રદ્ધા માણસને આંધળો કરી મૂકે છે. ધર્મગુરુઓ ઈશ્વર નથી કે ઈશ્વરના એજન્ટ પણ નથી. પોતે કૃષ્ણ છે, તેમ કહેનાર પાક્કો ઠગ હોય છે. ફેસબૂક ઉપર લખેલા આ લેખો બિલકુલ ટૂંકા; સરળ શૈલીમાં લખેલા હતા. ભવિષ્યની પેઢીને મદદરૂપ થાય તે માટે ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ ઈ.બૂક; ‘અભિવ્યક્તિ બ્લોગ’ના ગોવિંદભાઈ મારુએ ભારે જહેમત ઊઠાવીને તૈયાર કરી છે; તેમનો આભાર માનું છું. આ બન્ને કેસો આપણી આંખો ખોલશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

તાલિબાન તાલી પાકિસ્તાનને આપે છે ને બાન ભારતને રાખે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 September 2021

હવે રાક્ષસો જન્મતા નથી, કારણ એને શરમાવે એવા માણસો જન્મે છે ને તે એની ખોટ લાગવા દે એમ નથી. જે તાલિબાનો લાદેનના મોત પછી બહુ પ્રગટ થયા ન હતા તેમણે, અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તા સ્થાપવાની ને સરકાર રચવાની શરૂઆત કરી છે. શરૂઆતમાં સારા દેખાવાનું નાટક તાલિબાને કર્યું છે, પણ તાલિબાન અને સારાઈ એક બીજાના વિરોધી છે તે જગતે સમજી લેવાનું રહે. એ જગ જાહેર વાત છે કે જગતની આતંકી પ્રવૃત્તિઓનાં મૂળમાં પાકિસ્તાન છે, પણ કોઈ દેશ તેને પૂરેપૂરું દંડી શકતું નથી, તેનું એક કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે શસ્ત્રોની ખરીદ-વેચાણ નીતિ છે. આખું જગત શસ્ત્રોનાં ખરીદ-વેચાણમાં સંડોવાયેલું છે. પાકિસ્તાન પરાવલંબી છે એટલે કોઈ દેશ તેને નિ:શસ્ત્ર રાખીને ખોટ ખાવા તૈયાર ન થાય એ શક્ય છે.

ભારત ધારે તો એક દિવસમાં પાકિસ્તાનનો સફાયો કરી શકે એમ છે, પણ તેને ક્યાંક માણસાઈ નડે છે ને આંતરરાષ્ટ્રીય શરમને કારણે તે 75 વર્ષથી પાકિસ્તાનને વેઠતું આવ્યું છે. પાકિસ્તાન પરોપજીવી રાષ્ટ્ર છે ને તેને ખોળા બદલવાની ટેવ છે. એક સમયે તે અમેરિકાના ખોળામાં હતું તો આજે ચીનનાં આંગળાં ચાટીને પેટ ભરી રહ્યું છે. બાકી હતું તે જેનાં પોતાનાં ટાંટિયાં ભાર નથી ઝીલતાં તે તાલિબાનની સરકારની રચનામાં પાકિસ્તાનની દખલ વધી છે. હક્કાની નેટવર્કને નામે આઈ.એસ.આઈ.ના વડા અને તેમની ટીમ કાબુલમાં ઊતરી પડી છે ને પરિણામ એ આવ્યું છે કે તાલિબાને સરકારની રચના એક અઠવાડિયા સુધી મોકૂફ રાખી છે. તાલિબાન સાથેની ભારતની નીતિ સ્પષ્ટ છે. તે તાલિબાનના ટેકામાં નથી, તો વિરોધમાં પણ નથી. વેપારની નીતિ સંદર્ભે બંનેની એકબીજાની સાથે રહેવાની વાત છે તો પણ તાલિબાનની વાતો તેની પોતાની સગવડ ખાતર બદલાતી રહી છે. તેણે 16 ઓગસ્ટે સત્તા મેળવતાંની સાથે જ એવી જાહેરાત કરી કે ભારત સાથે અમે સારા અને મજબૂત સંબંધો ઇચ્છીએ છીએ. તેણે એમ પણ કહ્યું કે ભારત – પાકિસ્તાન વિવાદમાં તાલિબાનની કોઈ ભૂમિકા નહીં હોય, તો 17 તારીખે તે અપીલ કરે છે કે ભારત અફઘાનમાં અધૂરા પ્રોજેકટ પૂરા કરે ને એમ પણ જાહેર કરે છે કે તાલિબાનથી કોઈ દેશને ખતરો નહીં થાય. 18મીએ વાત બદલાય છે. અફઘાનમાં તાલિબાનોનો વિરોધ કરનારા પર ગોળીબાર થાય છે ને બલ્ખના મહિલા ગવર્નરને બંદી બનાવાય છે. અંધાધૂંધી વધે છે ને 19મીએ કાબુલ એરપોર્ટ બહાર લોકો પર ગોળીબાર થાય છે. એ જ દિવસે આઇ.એમ.એફ. તાલિબાન પર સંસાધનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. બીજી તરફ તાલિબાનોનું જોર વધતાં જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી ગેલમાં આવી જઈને કેન્દ્રને કહે છે કે તાલિબાને અમેરિકાને ભગાડ્યું ને પોતાનો દરજ્જો હાંસલ કર્યો છે તો તમે પણ અમારી ધીરજની કસોટી ન કરો ને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પાછો આપો. તેમ નહીં થશે તો તમે પણ નહીં બચો. એની સામે પહેલી સપ્ટેમ્બરે તાલિબાન ફરી ભારતને કહે છે કે કાશ્મીર મામલે અમે કોઈ હસ્તક્ષેપ નહીં કરીએ. અમે બીજા દેશના મામલામાં દખલ કરતા નથી ને 3 તારીખે એ જ તાલિબાનના પ્રવકતા પૂરી નાલાયકીથી કહે છે કે કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તાલિબાનને અધિકાર છે. 5મીએ તાલિબાન દાવો કરે છે કે તેણે પુંજશીર ઘાટી પર વિજય મેળવી લીધો છે ને વિજયના ઉન્માદમાં હવામાં ગોળીબાર કરે છે, જેમાં 17થી વધુ લોકોનાં મોત થઈ જાય છે. તાલિબાન પ્રજા નથી, તે કેવળ હિંસક ને ઘાતકી માનસ છે. તેનું ટાર્ગેટ માણસ છે. માણસ એટલે મોત, આટલી જ તેની સમજ છે. તેવું ન હોય તો તે જીતની ખુશીમાં આડેધડ 17, 17 માણસોને મારી કઈ રીતે શકે? તાલિબાન જંગાલિયતનું જ બીજું નામ છે. એનું કેવળ આશ્ચર્ય છે કે તેનું માનસ 18મી સદીનું છે ને તેનાં હાથમાં શસ્ત્રો 21મી સદીના છે. તે કોઈ પણ રીતનો વિકાસ કરી શકે એમ જ નથી, કારણ તેને માત્ર વિનાશની જ ખબર છે.

તાલિબાનના સરકાર રચવાના હાલ તુરત તો કોઈ ઠેકાણાં નથી. અત્યારે તો તારીખ પે તારીખનો માહોલ છે. તેના સત્તાધીશો વચ્ચે સમજૂતી સધાય તો વાત આગળ વધે એમ બને, અત્યારે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂર હોય એવી સરકાર રચવાનું તાલિબાનને મુશ્કેલ લાગે છે. અમેરિકાએ પોતાનું વર્ચસ્વ અફઘાનિસ્તાન પરથી ઉઠાવી લીધું છે ને જો તાલિબાન સરખું નહીં ચાલે તો અમેરિકા ફરી દમદાટી આપે એમ બને. તાલિબાને પોતે ચીનને મિત્ર બનાવ્યાની વાત જાહેર કરી છે. એક તબક્કે રશિયા, બ્રિટન ચાંચ મારવાની દાનત રાખતું હતું ને એ ઇચ્છા મરી પરવારી હોય એવું પણ કહી શકાય એમ નથી. ટૂંકમાં, બોડી બામણીનું ખેતર કોઈ પણ ખેડવા માંગે તેવી સ્થિતિ અત્યારે તાલિબાનની છે.

સાચું તો એ છે કે તાલિબાનોની વાતો ભરોસાપાત્ર નથી. બીજા બધા દેશોના સંબંધોમાં ફેર પડે તો પણ તાલિબાનની પાકિસ્તાન સાથેની સાંઠગાંઠ રહેવાની છે. પાકિસ્તાનને પોતાનાં અસ્તિત્વ જેવું ખાસ નથી. તેને તો જ્યાં પણ આતંકી પ્રવૃત્તિઓની બોલબાલા રહે તેની ભક્તિ કરવાનો વાંધો નથી. પાકિસ્તાન હશે ત્યાં સુધી તેનો ઉપદ્રવ રહેવાનો છે, એટલું જ નહીં, તાલિબાને પણ પાકિસ્તાનની ભાષામાં ભારત સાથે વાત કરવા માંડી છે તે ચિંત્ય છે. એક તરફ તે કહે છે કે કાશ્મીરને મામલે તે દખલ નહીં કરે ને હવે કહે છે કે કાશ્મીરના મુસ્લિમોને મામલે તે અવાજ ઉઠાવશે, એટલું જ નહીં, દુનિયાના કોઈ પણ મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તેને અધિકાર છે. તેણે મુસ્લિમોને આપવાના અધિકારો અંગે પણ વિશ્વને નુકતેચીની કરી છે. દુનિયાના કાજી થઈ જવાની તાલિબાનની હિંમતમાં શરમ સિવાય બધું જ છે, ભલે એ સાહસ તે કરે, પણ ભારતને કાશ્મીર મુદ્દે કે તેના મુસ્લિમો મુદ્દે કોઈ પણ સલાહ આપવાનો તેને કોઈ અધિકાર નથી. આ દોઢ ડહાપણ છે અને ભારતે આ મામલે સાવધ થઈ જવાની જરૂર છે. આમાં સૌથી દુ:ખદ વાત તો આ જ દેશના રાજનેતાઓ કરે છે. મહેબૂબા મુફ્તી જેવી બાઈ તો કેન્દ્ર સરકારને શાપ આપતાં સર્વનાશની ધમકી ઉચ્ચારે છે. તેમને પૂછી શકાય કે અમરત્વનું લાઇસન્સ તેમને કોણે આપ્યું છે? તાલિબાને કારણ વગર ભારતને છેડવાનો – છંછેડવાનો નાપાક પ્રયત્ન કર્યો છે તે શરમજનક છે. તેની પોતાની બાબરી ઊતરતી નથી ને ભારતને ટાલ પાડવાની વાહિયાત વાત તે કરી રહ્યું છે. આમ કરીને તે કુહાડી પર જ પગ મારશે તે તેણે સમજી લેવાનું રહે.

એ પણ છે કે સત્તા મેળવતી વખતે તેણે સ્ત્રીઓ સંદર્ભે જે વાતો કરી છે એમાં પણ તાલિબાને યુ-ટર્ન લીધો છે. તેણે પોતે શરૂઆતમાં સ્ત્રીની મોકળાશ અંગે વાતો કરી છે ને હવે તે પીછેહઠ કરી રહ્યું છે. અફઘાન પ્રજા સાથેની તેની વર્તણૂક અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. હિંસાનો આશરો તેણે લીધો છે ને અનેકોને તેણે ઠાર માર્યા છે, તેમાં સ્ત્રીઓ ને બાળકો પણ બાકાત નથી. સ્ત્રીઓને મામલે તાલિબાનો કેટલા નિષ્ઠુર અને નિર્લજ્જ છે તે કહેવાની જરૂર નથી. તેનો સીધો ઇરાદો સ્ત્રીઓને ગુલામ રાખવાનો જ છે. એની સામે સ્ત્રીઓ પડી છે પણ તે સફળ ન થાય એ માટે તાલિબાને મોકળાશને નામે પ્રતિબંધો લાદીને સ્ત્રીઓની તકો પર તરાપ મારવા માંડી છે. તેણે સ્ત્રીઓને શિક્ષણ અને નોકરીની છૂટ આપી છે, પણ શરત મૂકી છે કે નોકરી કરવી હોય તો બુરખો પહેરવાનું ફરજિયાત છે. એ સાથે જ તેણે અમેરિકાને પોતાની સંસ્કૃતિમાં દખલ ન કરવાની તાકીદ કરી છે. બીજી તરફ 20 વર્ષ સુધી મળેલા અધિકારો સ્ત્રીઓ ગુમાવવા તૈયાર નથી ને તે સડકો પર ઊતરી છે. તેમને સફળ ન થવા દેવા શાસકો તૈયાર છે એટલે ગોળીઓ છોડીને પણ તેમને કાબૂ કરવા મથશે, પણ દમન લાંબો સમય સુધી કોઈને સફળ થવા દેતું નથી. તાલિબાને તેનાં સિવાય જગતમાં બીજું કોઈ નથી એમ માનીને સ્ત્રીઓ સાથે વર્તવાનું રાખ્યું છે, પણ તેણે આજુબાજુનું જગત જોઈને જ ચાલવાનું રહે છે. તે જો પછાત રહેવાનું જ ગૌરવ લેવા માંગતું હોય તો તેણે પોતાને પૂછવાનું રહે કે તેના હાથમાં તીરકામઠાને બદલે એ કે 47 કેમ છે? તે પોતે શસ્ત્રો આધુનિક વાપરે છે ને સ્ત્રીઓને બુરખામાં રાખવા માંગે છે, એમાં જ તેનું સ્વાર્થી અને તકવાદી માનસ પ્રગટ થઈ જાય છે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે દેશમાં કે દુનિયામાં તાલિબાનોએ વિશ્વાસ ઊભો કરવાનું બાકી છે ને તાલિબાન અત્યારે કોઇની ગરજ ન હોય તેમ દુનિયા સાથે વર્તી રહ્યું છે, કાશ્મીરનો મુદ્દો છેડીને તેણે ભારતને નારાજ કર્યું છે, વેપારની વાત કરીને ભારત પર પ્રતિબંધો મૂકવા જેવું પણ કર્યું છે, અમેરિકા સામેનો તેનો અણગમો પણ જગજાહેર છે એટલે છેવટે તો તેણે પાકિસ્તાન અને ચીનની દખલ સહન કર્યે જ છૂટકો છે. પોતાની જ મહિલાઓ નારાજ છે ને તેમની સાથેનું તેનું વલણ માનવીય નથી. આ પરિસ્થિતિમાં તે કેટલું ને ક્યાં સુધી ટકશે તે વિચારવાનું રહે. તે પોતે શાસન કરી શકે એવી શક્યતાઓ જણાતી નથી. એવી પૂરી શક્યતા છે અમેરિકાએ ફરી માથું મારવું પડે ને તેણે ફરી ખૂણો પાળવાનો આવે. વધારે સારું તો એ જ હોય કે તે વધુ માનવીય અભિગમ અપનાવે ને પ્રજાને વિશ્વાસમાં લઈને આગળ વધે, મગર વો દિન કહાં કિ …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 સપ્ટેમ્બર 2021

Loading

મારે શ્વાસ લેવો છે!

રૂપાલી બર્ક|Opinion - Opinion|6 September 2021

પાત્રસૂચિ : પ-મિત્ર (પર્યાવરણ મિત્ર)

     ધરતી માતા
     વૃક્ષ
     છોડ
     તળાવ
    આકાશ
    પહાડ
    સાગર
    માણસો

(મંચ પર અંધારું છે. એક જગા પર સ્પૉટ લાઈટ પડે છે. પ-મિત્ર સૂતી દેખાય છે)

પ-મિત્ર :  (પડખું ફેરવા જતાં એકાએક “ઓહ…..!” ચીસ પાડી બેઠી થઈ જાય છે. પરસેવે રેબઝેબ, ગભરાયેલી, ઊભી થઈ જાય છે.)

            ઓ મા, આ કેવું ભયંકર સ્વપ્ન હતું! શું થવા બેઠું છે?! આવી ભયાનક દુનિયા! કોણ બોલતું  હતું? મને તો કંઈ સમજાતું નથી.

(બીજી બાજુ લાઈટ થાય છે. કાળી સાડી પહેરીને ધરતી માતા ઊભાં છે.) 

પ-મિત્ર :  કોણ છો તમે? તમારી ઓળખાણ ના પડી.

ધરતી માતા : ગયા છો તમે મને વિસરી,
                  હું અભાગી તમારી જનની.
                  સદીઓથી મારે ખોળે રમી,
                  અજાણ બનો છો ‘સ્વાર્થી’ બની?
                  રંગબેરંગી સાડી મારી,
                  જુઓ કરી છે કેવી કાળી!
                  જનેતા કોઈ ન હોજો આવી
                  જે છાતીમાં દુ:ખ ભરી
                  કપૂતોની સહે અલ્લડગીરી.
                  સાંભળી લે વાત કાન ખોલી
                  જંપીશ હવે તો શાપ આપી
                  ઝટથી દુનિયાનો અંત લાવી!

(એ બાજુ સ્પૉટ લાઈટ બંધ થઈ જાય છે. ધરતી માતા અદૃશ્ય થઈ જાય છે.)

પ-મિત્ર :  અરે! ક્યાં ગયા તમે? ઓ માવડી, અમને આમ ત્યજી દેશો તો અમારું શું થશે? દયા કરો, કૃપા કરી પાછા આવો. અમને શ્રાપ ના આપશો. (હતાશ થઈ બેસી પડે છે.) હવે તો મારે કંઈ કરવું જ પડશે.  લોકોને ચેતવવા પડશે. પણ મારું સાંભળશે તો ખરા ને?

(ઊભી થઈ જાગૃતિ ઝુંબેશ અર્થે નીકળી પડે છે. બીજે ગામ પહોંચે છે. બીજી સ્પૉટ લાઈટમાં બેઠેલા માણસોનાં ટોળાં પાસે જાય છે.)

માણસ ૧ : પરદેશી લાગો છો! કયા ગામના છો? તમારું નામ શું છે? કંઈ જ્ઞાતિના છો?

પ-મિત્ર :         હતું મારું એક ગામ
                    ને હતું મારું એક નામ.
                    જ્ઞાતિ-ધર્મથી ખૂબ ઓળખાયો,
                    થયું નહીં તેનાથી ખાસ કામ.
                    હતું બધું એ બદલી નાખ્યું છે મેં,
                    હવે છે ઓળખ નવી મારી
                    બની છું હવે હું પ-મિત્ર,
                    હા, બની છું પર્યાવરણ-મિત્ર!

માણસ ૨ : પ-મિત્ર? આ વળી કેવું વિચિત્ર નામ? આ દુનિયા છે, બહેન. નામ-ઠામ-ધર્મ-જ્ઞાતિ વિના અહીં કામ નો હાલે.

પ-મિત્ર :  (પ્રેક્ષકોને) આવા વાડાઓમાં વહેંચાઈને જ આપણાં હાલ બૂરાં થયાં છે. અગત્યની બાબતો તરફ ધ્યાન આપીએ તો સારું. હું એલાન કરવા આવી છું. ધરતી માતા આપણાંથી બહુ નારાજ છે. આપણને શાપ આપવાના છે. મને ચેતવણી આપી ગયા છે. સપૂત મટી આપણે કપૂત બની ગયા છે. હિસાબ તો આપણે ચૂકવવો જ પડશે.

માણસ ૩ : (પ્રેક્ષકોને સંબોધીને) કોઈ પાગલ લાગે છે. ગાંડાની હૉસ્પિટલમાંથી નાસી છૂટી હશે, નહીં તો આવી  લવારી કોઈ કરે?

માણસ ૪ : (ઊભા થઈને) ચાલો, ચાલો, ખૂબ મોડું થઈ ગયું છે. આવા તો કેટલાય આવશે માથું ખાવા.

પ-મિત્ર :  (માણસોને) અરે, સાંભળો! મારો વિશ્વાસ કરો. આપણી સામે જોખમ છે. કુદરત રુઠશે તો આપણી વલે થઈ જશે. હતાં ના હતાં થઈ જઈશું. (માણસો વિંગમાં જતા રહે છે.) હવે તો પૃથ્વીનો અંત થઈને જ રહેશે. હું એકલી કરી પણ શું શકું? તો ય મારે મારી પર્યાવરણ બચાવો યાત્રા ચાલુ રાખે જ છુટકો.

(બીજી બાજુ અંધારું છે. ત્યાંથી અવાજ સંભળાય છે.)

વૃક્ષ :  મારે શ્વાસ લેવો છે,
         મને શ્વાસ લેવા દો.
         મારે જીવવું છે,
         મને શ્વાસ ઉછીના દો!

(ત્યાં સ્પૉટ લાઈટ થાય છે. એક જણ વૃક્ષ બનીને ઊભું છે.)

પ-મિત્ર :  (વૃક્ષને સંબોધીને) દોસ્ત, આ શા હાલ થયા છે તમારા? મને કહો શું તકલીફ છે? હું શી મદદ કરી શકું?

વૃક્ષ :  મદદ? અને તું? અરે, જવા દે! તમે બધાં તો મારી નાખવા બેઠા છો અમને. તમારી વસ્તી બમણી થાય અને અમારી? અમારું નિકંદન કાઢી નાખ્યું છે તમે. કાપો, કાપો, વધારે કાપો. વૃક્ષોમાં ક્યાં જીવ છે? અરે, વાચા નથી એટલે ચીસો નથી પાડી શકતાં અમે. જ્યારે વરસાદ નથી આવતો ત્યારે યજ્ઞો કરો છો. વરસાદ અમે લાવીએ છીએ. અરે, અમે તો તમારું ગ્રીન કવર છીએ. જંગલો નષ્ટ થવા લાગ્યાં  છે ત્યારથી પૃથ્વીનું તાપમાન વધવા લાગ્યું છે. રણ પણ વિસ્તરવા લાગ્યું છે. જોતજોતામાં અમદાવાદ કચ્છના રણમાં સમાઈ ના જાય તો કહેજો!

(સ્પૉટ લાઈટ બંધ થાય છે. બીજી બાજુથી અવાજ આવે છે.)

છોડ :  મારે શ્વાસ લેવો છે,
          મને શ્વાસ લેવા દો.
          મારે જીવવું છે,
          મને શ્વાસ ઉછીના દો!

(ત્યાં સ્પૉટ લાઈટ થાય છે. એક જણ છોડ બનીને ઊભું છે.)

પ-મિત્ર :  (છોડને સંબોધીને) મિત્ર, હું તારા માટે કંઈ કરી શકું એમ હોય તો કહે. જાનની બાજી લગાવી દઈશ. પર્યાવરણવાદ મારો ધર્મ છે. પ-મિત્ર — પર્યાવરણ મિત્ર મારું નામ છે.

છોડ :  મિત્રના વેશમાં દુશ્મન છે તું. આજ દિન સુધી કેટલાં છોડ વાવ્યાં છે તેં? આંગણું તારું ઉજ્જડ છે. પણ, હા, અમારા પાંદડા ખરે એટલે કચરો થાય છે, નહીં ને? એક છોડ ઉછેરવાની ઝંઝટ કોણ કરે? છોડનું જતન કરવાનો સમય ક્યાં છે તમારી પાસે? એક જ વસ્તુ માટે સમય છે. તમારે મન તો सब से बड़ा रुपैया છે. એટલે જ તો વાર-તહેવારે એકબીજાને મોંઘાદાટ બુકે આપો છો. અરે, મૂર્ખ! અમે જ નહીં રહીએ તો ફૂલ ક્યાંથી લાવશો? ફૂલોની સુગંધ ક્યાંથી લાવશો? કાગળ-પ્લાસ્ટિકના ફૂલ તો બનાવશો પણ મધમાખી અને મધ ક્યાંથી લાવશો?

(સ્પૉટ લાઈટ બંધ થાય છે. બીજી બાજુથી અવાજ આવે છે.)

નદી :  મારે શ્વાસ લેવો છે,
         મને શ્વાસ લેવા દો.
         મારે જીવવું છે,
         મને શ્વાસ ઉછીના દો!

(ત્યાં સ્પૉટ લાઈટ થાય છે. એક જણ નદી બનીને ઊભું છે.)

પ-મિત્ર :  (પ્રેક્ષકોને સંબોધીને) વધુ એક જીવ સંકટમાં છે. હવે મને ધરતી માતાની ભવિષ્યવાણીનો અર્થ સમજાય છે. ‘હર હર ગંગે’! ‘નર્મદે સર્વ દે’!

નદી :  પાપી, રહેવા દે તારો બકવાસ. અમારા જળ થકી પાવન થાવ છો અને અમને જ પ્રદૂષિત કરી  પાપ કરો છો. હવે તો ઢાંકણીમાં ડૂબી મરવા પણ પાણીના ફાંફાં પડશે તમને. ગંદુ અને ઝેરી પાણી નદીઓમાં ઠાલવો છો ત્યારે ઠાવકાઈ ક્યાં જતી રહે છે? નદીઓ નામની રહી છે. પાણીના નામે મીંડું. ખાલી રેતી ભરેલા નદીના આકાર રહી ગયાં છે. અમદાવાદ જેના કિનારે ઊભું છે તે સાબરમતી તો હતી ના હતી થઈ ગયેલી. પાણી નહીં, રેતીની નદી, બિચારી. નર્મદાના પાણીથી પાછી ભરાઈ. જ્યારે નર્મદા સુકાઈ જશે ત્યારે શું કરશો? ફેક્ટરીમાં પાણીનું ઉત્પાદન કરશો?

(સ્પૉટ લાઈટ બંધ થાય છે. બીજી બાજુથી અવાજ આવે છે.)

તળાવ : મારે શ્વાસ લેવો છે,
            મને શ્વાસ લેવા દો.
            મારે જીવવું છે,
            મને શ્વાસ ઉછીના દો!

(ત્યાં સ્પૉટ લાઈટ થાય છે. એક જણ તળાવ બનીને ઊભું છે.)

પ-મિત્ર :  (પ્રેક્ષકોને સંબોધીને) એક પછી એક સંકટો વધતાં જાય છે. આપણે આ બધાંનો શ્વાસ બંધ કરી દઈશું એટલે આપણું અસ્તિત્ત્વ પણ જોખમાવવાનું એ નક્કી.

તળાવ :  કાશ, બધાં તારા જેવા સમજૂ હોત. તમે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરો છો અને રાજી થાવ છો. અમે તો અલ્પસંખ્યક છીએ. એક જમાનામાં અમદાવાદમાં ચોરાણું તળાવ-તળાવડીઓ હતી. પાણી તો તમે રહેવા દીધું નહીં; ઉપરથી ખાડા પૂરી પૂરીને કૉન્ક્રીટનાં જંગલો ખડા કરી દીધાં. અમારી કબર પર ઘર બાંધીને ક્યાંથી ખુશ રહી શકશો? જ્યારે પાણીની તંગી ઊભી થાય છે, ત્યારે નવા ખાડા ખોદીને નવા તળાવો ઊભા કરો છો. કાંકરિયા અમારો રાજા છે. એને ય ક્યાં શ્વાસ લેવા દો છો? આપઘાતો કરીને એને કલંકિત કરી નાખ્યો છે. જે હોય તે બધું જ એમાં પધરાવો છો. પ્રાણવાયુની અછતને લીધે માછલીઓ પણ બિચારી એક સામટી મરી જાય છે. આ કંઈ સારા એંધાણ નથી.

(સ્પૉટ લાઈટ બંધ થાય છે. બીજી બાજુથી અવાજ આવે છે.)

આકાશ : મારે શ્વાસ લેવો છે,
              મને શ્વાસ લેવા દો.
              મારે જીવવું છે,
              મને શ્વાસ ઉછીના દો!

(ત્યાં સ્પૉટ લાઈટ થાય છે. એક જણ આકાશ બનીને ઊભું છે.)

પ-મિત્ર :  શું કરું, કંઈ સમજાતું નથી. આ સૃષ્ટિનું શું થવા બેઠું છે? માનવી કેમ ભૂલી ગયો છે કે તેનું અસ્તિત્ત્વ આ જ સૃષ્ટિ પર નિર્ભર છે.

આકાશ : રહેવા દે, રહેવા દે, આ તારી ખોખલી વાતો, તારો આડંબર. તમે લોકો તો વ્યાખ્યાનો, સંશોધનો, સેમિનારો જ કરી ખાવ. એક દિવસ એવો આવશે કે ડાયનસૉરની માફક અમે બધાં પણ ચિત્રો, પુસ્તકો અને મ્યુઝિયમોમાં જ રહી જઈશું. બતાવજો તમારા બાળકોને ઑનલાઈન — “બેટા, આ વૃક્ષ છે”, “દીકરા, નદી આવી હોય”. વાહનોના ધુમાડા, એ.સી. અને ફ્રિજનું સી.ઍફ.સી., ફેક્ટ્રીઓના ઝેરી વાયુઓ હવામાં છોડીને મારું ઓઝોન લેયર ખતમ કરવા બેઠા છો, તેનું શું? પેલી કહેવત સાંભળી છે ને ‘આભમાં થીગડાં મરાતા નથી’. જે દિવસે આભ ફાટશે ને, તે દિવસે તમારું નામોનિશાન  નહીં રહે.

(સ્પૉટ લાઈટ બંધ થાય છે. બીજી બાજુથી અવાજ આવે છે.)

પહાડ :  મારે શ્વાસ લેવો છે,
            મને શ્વાસ લેવા દો.
            મારે જીવવું છે,
            મને શ્વાસ ઉછીના દો!

(ત્યાં સ્પૉટ લાઈટ થાય છે. એક જણ પહાડ બનીને ઊભું છે.)

પ-મિત્ર :  તમે પૃથ્વીના શિખર છો! અડગતાનું પ્રતિક છો. જો તમે આમ દયાની ભીખ માગશો તો અમારું શું થશે?

પહાડ :  શિખરો સર કરવાનો બહુ શોખ છે તમને, નહીં કે? ઊંચામાં ઊંચા શિખરો પર પહોંચી પોતાના દેશનો ઝંડો રોપી રૅકૉર્ડ સ્થાપો છો અને હરખાવ છો. અરે, બધાં જ પવિત્ર તીર્થસ્થાનો અને હિસ-સ્ટૅશનો અમારા પર ઊભાં છે. દર્શન કરી, હરીફરી તમે પાવન થાવ છો, ફ્રૅશ થાવ છો અને કચરો અમને પધરાવતા જાવ છો. કાગળ, પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો, નાસ્તાના ખાલી પૅકૅટો ને કંઈક બધું. પર્યાવરણની દૂત બનીને ફરે છે પણ આ બધાંથી શું નુકસાન થાય છે એનો અંદાજ છે તને? “મેરુ ડગશે તો એને કોણ રોકશે?”

(સ્પૉટ લાઈટ બંધ થાય છે. બીજી બાજુથી અવાજ આવે છે.)

સાગર :  મારે શ્વાસ લેવો છે,
             મને શ્વાસ લેવા દો.
             મારે જીવવું છે,
             મને શ્વાસ ઉછીના દો!

(ત્યાં સ્પૉટ લાઈટ થાય છે. એક જણ સાગર બનીને ઊભું છે.)

પ-મિત્ર :  હે સાગર! તમારી વિશાળતા અને ગહેરાઈનું ઉદાહરણ અમે આપીએ છીએ. પૃથ્વીના પંચોતેર ટકા પર તમારું રાજ છે. અમારી શું વિસાત કે અમે તમને જીવનદાન આપીએ.

સાગર : અરે, પામર પ્રાણી. તમે માનવીઓએ દરિયાઈ ખેડાણો શું કર્યા કે તમને અભિમાન થઈ ગયું કે અમારા ઉપર વિજય મેળવી લીધો છે. અહમમાં તમે ભૂલી ગયા છો કે સાગર નૈયા પાર પણ કરાવી શકે છે અને ઈચ્છે તો નૈયા ડૂબાડી પણ શકે છે! અમને તો તમે ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી દીધાં છે. એક કાંઠે ન્યુક્લિયર વેસ્ટ ઠાલવો છો તો બીજે કાંઠે દરિયો પૂરી શહેરો ઊભાં કરો છો. ક્યાંક બંધ બાંધી નદીને સાગરમાં ભળતા અટકાવો છો તો ક્યાંક ઑઈલ-સ્પિલ માટે જવાબદાર બનો છો. તમને એમ છે કે પર્યાવરણીય અસંતુલનના પરિણામોથી તમને કંઈ જોખમ નથી. આજ નહીં તો કાલ, ફસાયા વગર રહેવાના નથી તમે.

(સ્પૉટ લાઈટ બંધ થઈ જાય છે. પ-મિત્ર હથેળીથી બન્ને કાન ઢાંકી દે છે.)

પ-મિત્ર :  બસ કરો, બસ કરો, તમે બધાં. પ્રેક્ષક મિત્રો, હું તો માત્ર તમારી પ્રતિનિધિ છું. મારી યાત્રા તમે નિહાળી. જે બધું મેં સાંભ્ળ્યું તે તમે પણ સાંભ્ળ્યું. તમે જ કહો, હવે બેસી રહેવાથી ચાલશે? આપણને એમ છે કે કુદરતી હોનારતો તો ભૂતકાળની ઘટનાઓ છે. પરંતુ ૨૧મી સદીમાં પ્રવેશ કરતાં ચાર જ વર્ષોમાં ભયાનક ધરતીકંપ, દુષ્કાળ, પૂર અને સુનામી પણ જોઈ લીધાં આપણે. હવે આપણે જાગૃત થવું જ પડશે. આપણે કુદરતને સાચવીશું તો કુદરત આપણને સાચવશે.

(બીજુ બાજુથી ધરતી માતા પ્રવેશે છે. પ-મિત્ર પાસે આવીને ઊભા રહે છે.  એમણે રંગબેરંગી સાડી પહેરી છે.)

ધરતી માતા : પ-મિત્ર, સ્વસ્થ થા. તારી પર્યાવરણ યાત્રા દરમ્યાન મેં તને જે અનુભવો કરાવ્યાં, તે તારી અને પૃથ્વી-વાસીઓની આંખો ઉઘાડવા માટે હતાં. (પ્રેક્ષકોને સંબોધીને) તમે, હા, તમે બધાં. સાંભળો છો ને મારી વાત. અંબુજા સિમૅન્ટના ઘર બાંધીને, તગડા બેંક બૅલૅન્સ ભેગા કરીને તથા અન્ય તજવીજો કરીને, જો તમે માનતા હોવ કે કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે તો તે તમારો ભ્રમ છે. પૃથ્વી  પર વિકસેલી સૃષ્ટિ અને જીવોની એક સાંકળ છે. તેલ, પાણી, લાકડા, ખનીજ જેવી કુદરતી સંપત્તિને  પૈસાની જેમ કરકસરથી વાપરતા નહીં શીખો તો આ પૃથ્વીને તહસનહસ થતાં વાર નહીં લાગે. મારો    પ્રકોપ તમે અનુભવેલો છે. સાવધાન નહીં રહો તો અંતે મારે ‘કિલર મૉમ’ બનવું જ પડશે!

<<>>

નોંધ:

૨૦૦૫માં લખાયેલું આ નાટક કુટુંબ સંચાલિત ટ્રિનીટી સ્કૂલની સોશ્યો-કલ્ચરલ વિંગ ‘Aahwan: A Clarion Call to Awareness’ના નેજા હેઠળ પ્રાથમિક અને માધ્યમિક ધોરણોના વિદ્યાર્થીઓ માટે યોજેલી ઉનાળું વૅકૅશન દરમ્યાન પર્યાવરણીય જાગૃતિની ૧૦ દિવસીય શિબિરની ફલશ્રુતિરૂપે અમદાવાદના નટરાણી ઑડિટોરિયમ ખાતે ૧ મે, ૨૦૦૫ના દિવસે મંચન પામેલું. પર્યાવરણીય અર્થશાસ્ત્રના અભ્યાસુ મારા પરમ મિત્ર પ્રૉ. ગૌરાંગ યાજ્ઞિકનો સમગ્ર શિબિર દરમ્યાન અને દિગ્દર્શનમાં મને ખૂબ સહયોગ રહ્યો. મુખ્ય મહેમાન તરીકે ‘પર્યાવરણ મિત્ર’ના સ્થાપક મહેશભાઈ પંડ્યા હાજર હતા, વૃક્ષ, નદી, પહાડ, સાગર જેવાં સૃષ્ટિના ઘટકોના જીવવાના અધિકારની વાત તેમણે ખૂબ બિરદાવી હતી.

વિદ્યાર્થીઓનાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હતું પણ માતૃભાષા મોટા ભાગે ગુજરાતી હતી. બીજું કે, નાટકનો હેતુ પૂરેપૂરો વ્યવહારિક હતો. એટલે સીધું સટ અને વાસ્તવ પર આધારિત છે. સાહિત્યિક સ્પર્શનો અભાવ પણ એ જ કારણે, પુનરાવર્તનનો હેતુ એ હતો કે સંદેશો બરાબર મનમાં ઊતરે. મંચ પર ભજવાયું પરંતુ પોત સ્ટ્રીટ પ્લે જેવું છે. ‘નટરાણી’ ઍમ્ફી થિયેટર હોવાથી મંચ જમીન સ્તરે અને પ્રેક્ષકો એથી ઊંચા સ્તરે બેઠેલા હોય. થોડો ખાડાની ભવાઈ જેવો અનુભવ પણ થાય. અમુક ઠેકાણે બન્ને પડખે દિવાલ સાથે ત્યાંનાં વૃક્ષના થડને અડીને પીલર હતાં એના પર વૃક્ષ, આકાશ અને પહાડના પાત્રોને ઊંચે ગોઠવેલા.

‘મારે શ્વાસ લેવો છે!’ લખાયા-ભજવાયા બાદ ૨૦૦૯માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે એપ્રિલ 22ને ‘ઈન્ટરનેશ્નલ મધર અર્થ ડે’ (આંતર-રાષ્ટ્રિય ધરતી માતા દિન) મનાવવાનો ઠરાવ પસાર કર્યો. તે જ વર્ષે ‘હારમની વિથ નેચર’(પ્રકૃતિ સાથે સંવાદિતા)નો ઠરાવ સ્વીકારાયો. ૨૦૧૭માં ઉત્તરાખંડ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે નદીઓ, હિમ નદીઓ અને સંલગ્ન પ્રાકૃતિક ઘટકોને જીવિત વ્યક્તિને હોય એ તમામ હક, ફરજો આપવામાં આવે અને એમને “કાનૂની વ્યક્તિઓ” ગણવામાં આવે. એ જ વર્ષમાં આ જ હાઈ કોર્ટે સમગ્ર પ્રાણી જગતને પણ જીવતી વ્યક્તિને હોય એ બધા હક આપ્યા.

ભારતના કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ૨૦૧૯માં ‘ધ નેશનલ ક્લિન ઍર પ્રોગ્રૅમ’ (સ્વચ્છ હવા માટેનો રાષ્ટ્રિય કાર્યક્રમ) આદર્યો જેનો ઉદ્દેશ હવા પ્રદૂષણ ઘટાડવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ ૨૦૨૦થી ૭ સપ્ટેમ્બરના દિવસને ‘ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લિન ઍર ફૉર બ્લુ સ્કાઈઝ’ (નીલ આકાશ માટે સ્વચ્છ હવાનો આંતર-રાષ્ટ્રિય દિન) તરીકે ઠેરવ્યો છે. આ વર્ષ માટેનું સૂત્ર છે ‘હૅલ્દી ઍર, હેલ્દી પ્લૅનૅટ’ (તંદુરસ્ત હવા, તંદુરસ્ત ગ્રહ). આ સંદર્ભે ‘મારે શ્વાસ લેવો છે’ નાટક જાણે અગ્રદૂત બનવા લખાયું-ભજવાયું એમ લાગે છે.

<<>>

e.mail: rupaleeburke@yahoo.co.in 

Loading

...102030...1,7611,7621,7631,764...1,7701,7801,790...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved