Opinion Magazine
Number of visits: 9674573
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (63)

સુમન શાહ|Opinion - Opinion|17 October 2021

સમજદાર મનુષ્યો સમજે છે કે આ કોરોનાકાળ ખરેખર મુશ્કેલ છે. હું એમની આગળ મારું એક નમ્ર મન્તવ્ય મૂકું છું કે મુશ્કેલ છે એ તો બરાબર પણ માણસજાત એક એવા સમયમાંથી ગુજરી રહી છે જેને પરિવર્તનકાળ કહેવો જોઈશે. એટલું જ નહીં, એને આવી રહેલા બહુ મોટા બદલાવનો સમય કહેવો જોઈશે. સૂચવાય છે એમ કે કોરોના છે ત્યાં લગી અને જાય પછી તો ખાસ, માણસે બદલાઈને જુદી જ રીતે જીવતાં શીખવું પડશે.

આ દુ:સમયને અનુભવતાં, મને એક સમાન્તર વિચાર એ આવે છે કે માતૃભાષા ગુજરાતી પણ એક બહુ મોટા પરિવર્તનકાળમાંથી ગુજરી રહી છે. ગુજરાતી મરી રહી છે એમ કહેવું એ એક ભાવના છે. ભાષાવિજ્ઞાન વિજ્ઞાન છે એટલે એમાં ભાવનાઓને ઝાઝું સ્થાન નથી.

કહેવું તો એ જોઈએ કે આ બદલાવનો સમય છે તેથી ગુજરાતીનું ખરા શિક્ષિતો વડે સચવાયેલું શુદ્ધ રૂપ ઝડપથી વેરવિખેર થઈ રહ્યું છે. એની જાળવણી કરનારા ઘટવા લાગ્યા છે. બદલાવ વિકસે તો એક એવો દિવસ આવે જ્યારે જાળવણી કરનારાઓને જ ખોટા ગણવામાં આવે ! ઊંધું સમજાય કે ભાષા-સંરક્ષણનો પુરુષાર્થ કર્યો તે વ્યર્થ હતો !

મોટા ભાગના ગુજરાતીઓ શબ્દપ્રયોગો ભૂલવા માંડ્યા છે. એમનું શબ્દભંડોળ ગરીબડું દીસે છે. એમનામાં અતિ વેગે માતૃભાષાનો હ્રાસ થઈ રહ્યો છે. કેટલીયે વ્યક્તિઓ એ હ્રાસનો ભોગ બની રહી છે. ભાષાના તન્ત્રને વિશેનો પ્રેમ અને તેથી નીપજતો ભાષિક લગાવ બહુ ઓછાઓમાં બચ્યો છે. ખાસ તો, ભણેલાગણેલા શહેરીજનો જાણ્યે-અજાણ્યે ભાષાકીય બેદરકારી દાખવી રહ્યા છે – જેને અંગ્રેજીમાં લિન્ગ્વિસ્ટિક નૅગ્લિજન્સ, ડિસ-રીગાર્ડ કે લૅક્સિટી કહી શકાય.

ભાષા-હ્રાસ

Pic courtesy : SlideShare

આપણે રોજે રોજ જોઈએ છીએ કે શિક્ષિતો અને કેટલાક સાહિત્યકારો જોડણી બાબતે ઉદાસીન થતા જાય છે. કોઈ તો વળી અવળું પૂછે છે કે જાણકારો જો સુધારીને વાંચી લે છે, તો પછી તકલીફ શું છે? લોક એમ પણ કહે છે કે જોડણીની ચિન્તા છોડો, લખાણમાં મૂકેલી વાતો જો સમજાય છે, તો બસ છે !

આમાં, યોગ્ય શબ્દની પસંદગી, સરખી વાક્યરચના, વિરામચિહ્નવિનિયોગ, વગેરેની સમુચિતતા તો બહુ દૂરની વાત બની જાય છે, કેમ કે ભાષિક લગાવ નામનું મૂળ જ ન હોય તો શાખા ક્યાંથી હોય !

કેટલાક શિક્ષિતો અને સારા લેખકો પોતાની વાતોમાં કહેવતો રૂઢિપ્રયોગો અને અલંકારો પ્રયોજતા હોય છે. વાતને અસરકારક બનાવવા તેઓ ‘અજાગલ ન્યાય’ કે ‘સ્થાણુખણન ન્યાય’ જેવી ન્યાયોક્તિઓ પણ દાખલ કરતા હોય છે. વાર્તાસર્જકો ગદ્યની મોહિની વડે અને કવિઓ પદ્યલયની મધુરતા વડે કલા સિદ્ધ કરતા હોય છે.

એ સૌ શબ્દસ્વામીઓ સ્ટુપિડ આ જિન્દગીને બે ઘડી માટે જીવવા જેવી બનાવી આપે છે. પણ એ બધું રૂડું ને રૂપાળું હવે ગઈકાલની વાત લાગવા માંડ્યું છે. શાખા ન હોય પછી પાન, ફૂલ ને ફળ ક્યાંથી હોય.

પ્રશ્નો આ છે : બદલાવના આ સમયગાળા દરમ્યાન કે નજીકના ભવિષ્યમાં નવું કે જુદું જોડણીતન્ત્ર રચાશે? અરબી-ફારસી મૂળના કે સંસ્કૃત તત્સમ શબ્દો ઓછા થઈ જશે? દેશ્ય અને તળના શબ્દ બચશે? નવા શબ્દો નીપજી આવશે? નવું કે જુદું વાક્યતન્ત્ર ઘડાશે? ત્યારે ગદ્ય કેવું હશે? ત્યારે પદ્ય કેવું હશે? ત્યારે ભાષા અને મનુષ્યજીવન વચ્ચે ચિર કાળથી જે સમ્બન્ધ દૃઢ થયેલો છે તે કેવુંક રૂપ લેશે?

સાયન્સ ફિક્શનના નવલકથાકારોએ નૉંધ્યું છે કે અંગ્રેજી ભાષા કઠિન અને અતાર્કિક છે. વિજ્ઞાનીય નથી. કાર્યક્ષમ નથી. તેઓ ‘ફ્યુચરિસ્ટિક હ્યુમન લૅન્ગ્વેજ’ શોધી રહ્યા છે. તેઓ ‘અલ્ટ્રા-લૉજિકલ યુનિવર્સલ લૅન્ગ્વેજ’-ની પૂર્વધારણા બાંધી રહ્યા છે. તેઓએ ‘લીગ લૅટિન’  ‘ઍન્ગ્લિક’ ‘બેઝિક’ ‘ઇન્ટરલૅક’ ટ્રિપ્લાનેટેરિયન’ જેવાં નામાભિધાન પણ કર્યાં છે.

ભવિષ્યની માનવભાષા વિશે હું એથી વિશેષ કશું જ જાણતો નથી. પરન્તુ મનુષ્યભાષાને ભાષાવિજ્ઞાન એક અતૂટ રૂઢિ – અન્બ્રેકેબલ ટ્રેડિશન – ગણે છે તે જાણું છું ને તેથી મારાથી કહી શકાય છે કે ભાષા અને જીવન વચ્ચેના સમ્બન્ધનો સર્વનાશ નહીં થાય. અને, મનુષ્યભાષાના ઉદ્ભવમાં ભાષાવિજ્ઞાન યદૃચ્છા – આર્બિટ્રરિનેસ – જુએ છે તેથી મારાથી કહી શકાય છે કે એ સમ્બન્ધ નવા કે જુદા રૂપે પણ અવશ્ય સરજાયો હશે.

ઉત્તર કોરોનાકાળે આપણે માસ્ક પ્હૅરતા થઈ ગયા હોઈશું. પ્રાચીનો કરતા એમ બ્હારથી ઘરે પ્હૉંચ્યા પછી, સૌ પહેલાં હાથ-મૉં ધોઈ લેશું. ન્હાઈ લેશું. ગમે એ ઘડીએ વ્હાલા થવા એકમેકને ભેટશું નહીં. પરદેશી ફિલમોની અસરમાં આવી જઈને મન ફાવે એ સ્થળે કિસ કરવાની જોબનાઈ દાખવશું નહીં. જાહેરમાં થૂકશું નહીં, પેશાબના તો વિચારને પણ જંગાલિયત ગણશું. આ જ રાહે, બને કે આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ આપણી ભાષિક વર્તણૂકો પણ બદલાઈ જશે. નવી જોડણી કે ભાષા માટેનું નવું કંઈપણ શોધાયું હશે તેનો આદર કરતા હોઈશું, પ્રેમથી તેને આચરણમાં મૂકતા હોઈશું.

પણ એ નવ્ય બધું થાય ત્યાં લગી જે કંઈ ભુલાઈ ગયું છે તેને યાદ તો કરી જ શકાય છે. પ્રિયા છોડી ગઈ હોય પણ તેની સાથેનો આહ્લાદક સમય યાદ કરવાથી કેટલું સારું લાગે છે ! જીવન જીવવા જેવું લાગે છે. કોરોના-સંકટ વચ્ચે આપણાથી કેટલીયે ચીજો ભુલાઈ ગઈ છે તેમ આપણાથી કેટલા ય શબ્દપ્રયોગો ભુલાઈ ગયા છે, પણ યાદ કરવાથી સારું લાગે છે. 

જેમ કે, આ દૃષ્ટાન્તો જુઓ —

: એ તો મને તે દિવસથી ‘અક્કારો પડી ગયો’ છે : મારા ‘નાકનો’ સવાલ છે : ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ : એનો મારા માટેનો પ્રેમ હવે ‘ડચકાં ખાય’ છે : રોગ ‘કૂદકે ને ભુસ્કે' આગળ વધી રહ્યો છે : ‘લમણાંઝીક’ છોડો : ‘ભડભડિયો’ છે : ‘વલકુડો’ છે : ‘બુડથલ’ છે : ‘લડવાડિયો’ છે : ‘ગગો’ છે : ‘ચાંપલી’ છે : ‘છીછરી’ છે : ‘વંઠેલી’ છે : 'વઉલી' રમાડે છે : અરે, નાનું ‘ઢીમું’ તો છે, મટી જશે ! : શી ‘મૉકાણ માંડી’ છે !  ‘ફૂટલા નસીબનો’ છે : 'વહુઘેલો' છે : હવે બરાબ્બરનો ‘હલવાયો’ છે : ‘સફાળો બેઠો થઈ ગયો’ : ‘ભેદી’ છે : એ કુટુમ્બનો વિશ્વાસ નહીં, ‘નાગું વાજું’ છે : આવું કરાય? ’છી ગંધાય’ છે? : એનું ‘ઠેકાણું’ નહીં, ‘છટકેલ’ છે : એને તો ‘છીંડાં શોધવા’ સિવાયનું બીજું આવડે છે શું? : સાહેબે એને એવો તો ‘લબડધક્કે લીધો’ કે ન પૂછો વાત : એ પછી એ ‘ડોકાતો’ નથી : 'માવડિયો' છે : કરી કરીને હવે કેટલો ‘ઢાંકપિછોડો’ કરશો? : ‘દાંતિ યાં’ ન કર, સીધું બોલ : ‘હતપત’ બહુ કરે છે : સાલાના ‘પૂઠિયાં’ ભાંગી નાખીશ : તે દા’ડાની એ બહુ ‘ફૂંગરાય’ છે : એ તો ‘લૂલી હલાવી જાણે’ છે : એ તો મારા ‘હૈયાનો હાર’ છે : વગેરે.

આ કે આવા ભુલાઈ ગયેલા પ્રયોગો તમે પણ અહીં મૂકો. આજકાલની આપણી વાતોમાં પ્રયોજવા માંડીશું તો કોરોના-વૅક્સીન કરે છે એવા ભાષિક ફાયદા જરૂર થવા માંડશે; પ્લીઝ શરૂ કરો.

= = =

(October 17, 2021: USA) 

Loading

કોલસા, હાથ તો ઠીક, મોં કાળું ના કરે તેમ ઇચ્છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 October 2021

એમ લાગે છે કે બધું ઠીક ચાલતું હોય ત્યાં કોઈ ડિંગલી કરતું રહે છે. તહેવારો આવે છે કે મીડિયા માર્કેટને ભાન કરાવે છે કે તેલ, શાકભાજી, કઠોળ મોંઘાં કરવાનું ચુકાય નહીં. ભાલો મારો તો પણ અસર ન થાય એવી જાડી ચામડી લોકોની થઈ ગઈ છે. પેટ્રોલ, ડિઝલ રોજ મોંઘાં થાય છે, પણ લોકોને એ કોઠે પડી ગયું છે. બધે જ મોંઘવારીનો માર પડે છે, પણ લોકો હરામની કમાણી ઘણી હોય તેમ ચૂપ છે. એ પણ ખોટું છે કે લોકોની આવક ઘટી છે ને ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. એવું ખરેખર હોય તો લોકો લાશ કરતાં પણ વધારે શાંત કેવી રીતે રહે?

જે પાકિસ્તાન આતંકી ઉપદ્રવ ને સરહદી અટકચાળા કરવામાંથી વાજ ન આવતું હોય ને એની ખો ભુલાવી દેવાની હોય, તેને બદલે દેશના જવાનો વધેરાતા જતા હોય ને સામે બે પાંચ આતંકવાદીઓને ઠાર મારીને સરકાર રાજી રહેતી હોય તો એ વાત પણ આપણું લોહી ઠંડું પડી રહ્યું હોવાની ચાડી ખાય છે. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ અરુણાચલની મુલાકાત લે ને ચીનને તેલ રેડાતું હોય એ પણ વાજબી નથી. ચીન અને પાકિસ્તાન, ભારતને કપાળે ચોંટેલું કારમું કલંક છે, પણ કોઈ અગમ્ય કારણોસર ભારત ભાઈબાપા કરીને દિવસો કાઢે છે. આપણી ઉપદ્રવી સરહદો, રોજ સર્જિકલ સ્ટ્રાઈક માંગે છે, પણ સરકારનું મૌન તૂટતું નથી. એ સાચું કે યુદ્ધ કદી નોતરવું નહીં, પણ આતંકી પ્રવૃત્તિ નિર્દોષોનાં લોહી રેડતી જતી હોય ત્યાં ભારતીય સંયમ, શત્રુને નબળાઈ લાગવાનું પૂરું જોખમ છે.

એમ પણ લાગે છે કે પ્રજા જેનાથી અવગત નથી, એનાથી મીડિયા અવગત કરાવવા તત્પર રહે છે. મોટે ભાગની પ્રજા એના બે છેડા મેળવવાની ફિકરમાં રહે છે ને એકાએક ફણગો ફૂટે છે કે ભારત કોલસાની તીવ્ર અછતથી પીડાઈ રહ્યું છે. ઓચિંતો જ ફણગો ફૂટે છે ને કોલસાની અછત દેશભરમાં ગૂંજી ઊઠે છે. કોલસાની અછત ચીન પણ અનુભવે છે, એવી વાતો પણ વહેતી થઈ જાય છે. હવે આ વાત કૈં લોકોએ શરૂ કરી નથી, એ ક્યાંકથી શરૂ થાય છે ને એવો વહેમ પડે છે કે લોકોનું ભેજું ચકરાવે ચડાવવા કોઈએ ગોળો ગબડાવ્યો છે. એવું એટલે લાગે છે કારણ, સરકાર બચાવમાં આવી જાય છે ને કહેવા લાગે છે કે કોલસાની ક્યાં ય કોઈ તંગી નથી. લોકોએ તો કૈં કહ્યું નથી કે કોલસાની તંગી છે, પણ સરકાર વકીલાત કરવા લાગે છે કે કોલસાની તંગી નથી. ખરેખર તો તંગીની વાત ફેલાવનાર તત્ત્વોને સરકારે પડકારવા જોઈએ પણ એવું થતું નથી ને કેન્દ્રીય ઊર્જા મંત્રી કહેવા લાગે છે કે 11 લાખ ટન દૈનિક જરૂરતની સામે સરકાર 20 લાખ ટન કોલસો રોજ પૂરો પાડે છે. આમાં વિપક્ષને તો ક્યાંક લાવવો પડે એટલે કહી દેવાય છે કે કાઁગ્રેસ કોલસાની કટોકટી અંગે બિનજરૂરી હાઇપ ઊભો કરવા માંગે છે. કાઁગ્રેસે એટલી સગવડ તો કરી આપી છે કે કૈં પણ નબળું તેને માથે નાખી શકાય. ટ્રેન ઊપડે એટલે સ્ટેશન આવે જ એમ સરકારની વાતોમાં કાઁગ્રેસ આવતી રહે છે, જ્યારે સાચું તો એ છે કે કોલસાની કટોકટીની વાત કાઁગ્રેસે શરૂ કરી હોવાનું પ્રમાણ નથી. તે સમસ્યા ઊભી થાય તો માથું મારે છે, પણ શરૂઆત ભાગ્યે જ તેણે કરી હોય છે. બાકી હતું તે નાણા મંત્રીએ પણ સરકારના બચાવમાં સાફ કહ્યું છે કે કોલસાની કટોકટીની વાત જ પાયા વિહોણી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ભારત વીજ સરપ્લસ દેશ છે. જો કોલસાની તંગીની વાત પાયા વિહોણી જ છે તો એ વાત ચલાવી કોણે, એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બીજું, એ કે જો ભારત વીજ સરપ્લસ દેશ છે તો સરકારે એવું કબૂલ કેમ કર્યું કે કોલસાની નીચી ઇન્વેંટરીને લીધે 5 ગીગા વોટનું ઉત્પાદન પૂર્વવત કર્યું છે. પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશેને જણાવ્યું છે કે કોલસાના ઓછા સ્ટોકને કારણે 6 તારીખનું 11 ગીગા વોટનું વીજ ઉત્પાદન 13 ઓકટોબરે 6 ગીગા વોટ થઈ ગયું હતું જે હવે પૂર્વવત થઈ ગયું છે. આ રજૂઆત પણ સરકાર તરફથી છે ને એમાં કોલસાનો ઓછો સ્ટોક હોવાની કબૂલાત છે. જો આ સાચું હોય તો વીજ કટોકટીની વાત પાયા વિહોણી છે એવું સરકાર કયા આધારે કહે છે? સરકાર જો ખરેખર કહેતી હોય કે વીજ કટોકટી નથી, તો કોલસાનો સ્ટોક ઓછો હોવાનું કેમ કહે છે? સરકારમાં અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી, પણ જો કટોકટી ક્યાંક, કોઈ સ્તરે હોય તો એ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. માંડ આર્થિક સ્થિતિ સુધરવા પર હોય, ત્યાં કોલસાની કટોકટી નવો અંધારપટ સર્જે એવું ન થવું જોઈએ.

બીજી કોઈ પણ ગમ્મત કરતાં પહેલાં સરકારે એ ન ભૂલવું જોઈએ કે આજે પણ 70 ટકાથી વધુ વીજમથકો કોલસા પર ચાલે છે. એ વાત પણ મીડિયાએ જ ફેલાવી છે કે દેશનાં બે તૃતિયાંશ વીજમથકો પાસે અઠવાડિયું પણ માંડ ચાલે એટલો કોલસો છે. 27 વીજમથકો પાસે એક દિવસ ચાલે એટલો કોલસો પણ નથી. ઉત્તર પ્રદેશ અને હરિયાણા પાસે ત્રણ અને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં બે એકમો એવાં છે જેની પાસે રિઝર્વ્ડ કોલસાનો કોટા નથી. આ વિગતો કેન્દ્રીય વીજ ઓથોરિટીએ જાહેર કરેલી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડું જેવાં વીજ એકમોની તો એવી સ્થિતિ છે કે વધુ એક દિવસ કોલસાનો પુરવઠો ન મળે તો વીજ ઉત્પાદન અટકી પડે. આ વીજ એકમો પાસે વીસ દિવસ ચાલે એટલો કોલસાનો સ્ટોક રાખી શકાય છે, તેને બદલે એક દિવસનો સ્ટોક પણ ન રહે તો સ્થિતિ કેવી હશે તે કલ્પી શકાય એમ છે. રાજસ્થાન, કેરળ જેવાં રાજ્યો વીજકાપની સ્થિતિમાં આવી ગયાં છે ને કેન્દ્ર કહે છે કે વીજ પુરવઠો પૂરતો છે ને એ અંગે શંકા સેવવાને કોઈ કારણ નથી.

– તો, આ સ્થિતિ છે. એકાએક કોલસાની તંગી જાહેર થઈ ને જુદાં જુદાં રાજ્યો વીજ કટોકટીનો સામનો કરી રહ્યાં છે ને આ વિગતો સરકારની સાઇટ પર જાહેર થાય છે. એ સાથે જ ઊર્જા મંત્રી અને નાણા મંત્રી જાહેર કરે છે કે વીજ કટોકટી જેવુ કૈં છે જ નહીં. એવું પણ જાહેર થાય છે કે એક તબક્કે 5 ગીગા બાઇટ જેટલી ઘટ પડી હતી, પણ સ્થિતિ પૂર્વવત કરી દેવાઈ છે. સ્થિતિ પૂર્વવત કરી દેવાઈ છે એનો અર્થ એવો પણ થાય કે સ્થિતિ બરાબર ન હતી.

મીડિયા એક સવારે કોલસા કટોકટીની આલબેલ પોકારે છે ને સરકાર પણ જાહેર કરે છે કે કોલસાની કટોકટી નથી. મીડિયા કહે છે કોલસા કટોકટી છે ને સરકાર કહે છે, નથી. આમાં સાચું શું? સાચું બંને. તો ખોટું શું? ખોટું પણ બંને. પ્રજા ખરેખર સાચું ન પામી શકે એ રીતે વાતો ચગાવવામાં આવે છે. એ કૈં ગંભીરતાથી વિચારે તે પહેલાં તો નવી ઘટના એવી સામે આવે છે કે પેલી વાત જ ભુલાઈ જાય ને લોકો એની ખરાઈમાં પડે છે. બહુ સ્પષ્ટ કહેવું હોય તો એમ કહી શકાય કે કોઈ એક વાત પ્રજાની સામે એવી રીતે લાવવામાં આવે છે કે તે ગભરાય ને આઘાત પામે. વીજળી ન મળે એવો હાઉ પેદા કરવામાં આવે છે ને પછી સરકાર બચાવમાં આવે છે કે કોઈ સમસ્યા જ નથી. જો નથી તો એ સમસ્યા ઉપસાવી કોણે? એ પ્રજાનાં ભેજાંની પેદાશ છે? એવું તો નથી. એમ લાગે છે કે કોઈ મુદ્દો કોઈ એકાએક ચગાવે છે ને એની બંને બાજુ એવી રીતે મૂકવામાં આવે છે કે પ્રજા કોઈ નિર્ણય પર આવી જ ન શકે ને કદાચ આવે તો તે પહેલાં બીજો મુદ્દો, સામે લાવવામાં આવે છે. લોકોને મૂરખ બનાવીને, કોઈ સમસ્યા સમજી ન શકે કે તેના પર તે વાત જ ન કરી શકે એવો વેપલો થાય છે.

જો કોલસા કટોકટી ખરેખર હોય તો સરકારે ગંભીરતાથી તેને ઉકેલવાની દિશામાં પગલાં લેવાં જોઈએ ને સરકારે પોતે ને પ્રજાએ પણ એમાંથી બહાર આવવા એડીચોટીનું જોર લગાવવું જોઈએ. ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑક્ટોબર 2021

Loading

દિલમાં અનુકંપા હોય તો આ વિશે વિચારો

રમેશ ઓઝા|Opinion - Opinion|14 October 2021

જમ્મુ અને કાશ્મીરના ડિવિઝનલ કમિશનરે કાશ્મીરની ખીણમાં નોકરી કરનારા સરકારી કર્મચારીઓને આદેશ આપ્યો છે કે કાં તો તેઓ ફરજ પર પાછા ફરે અને કાં શિસ્તભંગની કારવાઈ માટે તૈયાર રહે. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે મામલો શું છે. કાશ્મીરની ખીણ અને લડાખ સહિતના વિભાજન પહેલાંના સમગ્ર જમ્મુ અને કાશ્મીરનાં વહીવટીતંત્રમાં ગેર મુસ્લિમ કાશ્મીરીઓનું વર્ચસ છે. ખાસ કરીને ખીણના પંડિતો, પુંચના શીખો અને જમ્મુના ડોગરા અને બીજા હિંદુઓ મોટા પ્રમાણમાં સરકારી નોકરી કરી રહ્યા છે. આ સિવાય ઉચ્ચ કક્ષાએ બહારના કર્મચારીઓ પણ કાશ્મીરમાં નોકરી કરી રહ્યા છે, જેમ બીજાં રાજ્યોમાં જોવાં મળી રહ્યું છે. હવે તેઓ કાશ્મીરની ખીણ છોડીને જમ્મુ જતા રહ્યા છે તે એટલા પ્રમાણમાં કે કાશ્મીરની ખીણમાં આખું વહીવટીતંત્ર જ ઠપ થઈ ગયું છે. ડિવિઝનલ કમિશનરે ધમકાવવા પડે એવી નોબત આવે ત્યારે કલ્પના કરો કે સ્થિતિ કેવી હશે! બીજી બાજુ કર્મચારીઓ પાછા ફરવા તૈયાર નથી. તેઓ કહે છે કે તેમની સલામતીનું શું?

કાશ્મીરની ખીણમાં હિંસા એ કોઈ નવી વાત નથી. ૧૯૮૯ પછીથી ૧૫ વરસ સુધી કાશ્મીરની ખીણમાં લોહી નિંગળતું હતું, પણ ગેર-મુસ્લિમ કાશ્મીરી કર્મચારીઓ એટલા ડરેલા નહોતા જેટલા આજે છે. આનું મુખ્ય કારણ એ છે કે હિંસાના પહેલાં દોર વખતે સરેરાશ આમ કાશ્મીરી મુસ્લિમ હિંસાનું અને અલગતાવાદનું સમર્થન નહોતો કરતો. શા માટે? એક તો તેઓ એમ માને છે કે કાશ્મીરી ઇસ્લામ દક્ષિણ એશિયામાં પ્રવર્તમાન ઇસ્લામ કરતાં અલગ છે. કાશ્મીરી ઇસ્લામ જિયારતી ઇસ્લામ છે જેને તેઓ ઋષિ ઇસ્લામ કહે છે. સમગ્ર ભારતમાં કાશ્મીરની ખીણના મુસલમાનો તેમના મઝહબ પરના હિંદુ પ્રભાવને ખુલ્લીને સ્વીકારે છે અને ગર્વ પણ અનુભવે છે. બીજું, એ સમયે તેમને એમ લાગતું હતું કે ભારતના બહુમતી હિંદુઓ મૂળભૂત રીતે ઉદારમતવાદી છે, એટલે રાજ્ય દ્વારા કરવામાં આવતી હિંસા અને સત્તાના ઘટિયા રાજકારણ પછી પણ, ભારત સેક્યુલર દેશ છે અને રહેવાનો છે. તેમને એમ લાગતું હતું કે તેઓ જે પ્રકારના ઇસ્લામમાં માને છે એ જોતાં તેમની સલામતી અહલે હદીસ કે દેવબંદી મુસલમાનો કરતાં બુતપરસ્ત હિંદુઓ સાથે વધુ છે. આને કારણે તેઓ હિંસાના અને હિંસા કરનારા ત્રાસવાદીઓના સમર્થક નહોતા.

અત્યારે સ્થિતિ અલગ છે. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે ક્સ્શ્મીરની પ્રજાને વિશ્વાસમાં પણ લીધા વિના અચાનક જે રીતે જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કર્યું, આર્ટીકલ ૩૭૦ની કેટલીક જોગવાઈઓ રદ્દ કરી, કાશ્મીરની ખીણને લશ્કરી છાવણીમાં ફેરવી નાખી, સંદેશ વ્યવહાર પહેલાં પ્રતિબંધિત અને પછી કુંઠિત કર્યો એ જોઇને તેમને એમ લાગે છે કે તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. સૌથી મોટો આંચકો તેમને હિંદુઓનો ધાર્મિક ઉન્માદ જોઇને લાગ્યો છે. તેમણે આવી કલ્પના નહોતી કરી. હવે તેમને એમ લાગવા માંડ્યું છે કે હિંદુઓ પણ એવા જ નીકળ્યા જેવા મુસલમાનો અને બીજાઓ છે. પાકિસ્તાની કવયિત્રી ફેહમિદા રિયાઝની બહુ ગાજેલી કવિતા ‘તુમ બિલકુલ હમ જૈસે નિકલે’ની યાદ આવે છે. કાશ્મીરી મુસલમાનોને એમ લાગવા માંડ્યું છે કે ભારત હવે સેક્યુલર દેશ રહ્યો નથી. આને આંચકો પણ કહેવાય, આને કાશ્મીરી મુસલમાનોનો પ્રચંડ મોટો સ્વપ્નભંગ કહેવો જોઈએ. તેમનો મદાર તૂટી ગયો છે.

તમને ખબર છે? આજે કાશ્મીરની ખીણમાં વસતા કે નોકરી કરતાં હિંદુઓ અને બીજા ગેર-મુસ્લિમ કાશ્મીરીઓ કરતાં વધારે અસલામત એવા કશ્મીરી મુસલમાનો છે, જેઓ સરેરાશ હિંદુઓ ઉપર અને સેક્યુલર ભારત દેશ ઉપર શ્રદ્ધા રાખવાનું કહેતા હતા. ભારત સરકારે અને ભક્તોએ મળીને કાશ્મીરની ખીણમાં એક ઝાટકે લાખો ખાન અબ્દુલ ગફાર ખાન પેદા કરવાનું અને તેમને સરહદના ગાંધીની ભાષામાં કહીએ તો ‘વરુઓના મોઢામાં ધેકેલવાનું પાપ કર્યું છે.’ તેઓ તો હિંદુત્વવાદી દેશભક્તો કરતાં પણ સવાયા દેશપ્રેમી હતા અને સવાયા હિંદુપ્રેમી હતા, કારણ કે તેમને તેમના પ્રેમની કિંમત ચૂકવવી પડે એમ હતી જે રીતે ખાન અબ્દુલ ગફારખાને આખી જિંદગી ચૂકવી હતી. આમ છતાં તેઓ હિંદુઓની અને ભારતની તરફેણમાં દલીલો કરતા હતા.

આજે તેઓ ડરેલા છે. તેઓ અચાનક નોધારા થઈ ગયા છે. તેમનો સ્વપ્નભંગ થયો છે. તેઓ પોતે તેમનાં અને તેમનાં સંતાનોના ભવિષ્ય વિષે ચિંતિત છે. બીજું, તેમની સંખ્યા મામુલી નથી, લાખોમાં છે. ૧૯૮૯ પછીના હિંસના પહેલાં દોર દરમ્યાન તેમનો ખીણમાં વસતા હિંદુઓને અને ખીણમાં નોકરી કરતા ગેર-કાશ્મીરી મુસ્લિમ કર્મચારીઓને સધિયારો હતો. તેમના સહારે તેઓ જોખમ ઉઠાવીને પણ ખીણમાં રહેતા હતા અને કામ કરતા હતા. આજે સહારો આપનારા જ બેસહારા છે. તેમને કટ્ટરપંથી મુસલમાનો તેમની જૂની દલીલો યાદ કરાવે છે અને ઇસ્લામદ્રોહી તરીકે ખપાવે છે. ખીણમાં વસતા કે નોકરી કરતા હિંદુઓ, શીખો અને બીજાઓ તો ખીણ છોડીને બીજે ગમે ત્યાં જઈ શકે છે જે રીતે અત્યારે તેઓ જઈ રહ્યા છે, પણ કાશ્મીરની ખીણમાં વસતા લાખો ગફારખાનો ક્યાં જાય?

જો દિલમાં અનુકંપા નામની કોઈ ચીજ ધરાવતા હોય તો આ વિષે વિચારો!

૧૯૪૭ પછી વિભાજનને કારણે જેમ નવનિર્મિત પાકિસ્તાનનું વહીવટીતંત્ર ઠપ થઈ ગયું હતું એમ અત્યારે કાશ્મીરની ખીણમાં થયું છે. માટે સરકારે પરિપત્ર કાઢીને કર્મચારીઓને ડરાવવા પડે છે. અત્યારના શાસકો લાંબુ વિચારવાની આવડત નથી ધરાવતા એ સમસ્યા છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 ઑક્ટોબર 2021

Loading

...102030...1,7601,7611,7621,763...1,7701,7801,790...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved