Opinion Magazine
Number of visits: 9674729
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિવેચન વિશે મારાં મન્તવ્યો (3)

સુમન શાહ|Opinion - Literature|19 October 2021

વર્ણનપરક વિવેચનાત્મક વિધાનો : ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટમૅન્ટ્સ :

‘વિધાન’ શબ્દ સાંભળીને કેટલાક વાચકો ભડકી જતા હોય છે. અંગ્રેજીમાં શબ્દ છે, સ્ટેટમૅન્ટ. બોલીને કે લખીને વાતને સ્પષ્ટ સમજાય એમ મૂકીએ એટલે સ્ટેટમૅન્ટ કર્યું કહેવાય.

વિવેચનાત્મક વિધાનોને અંગ્રેજીમાં ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ કહેવાય છે. એનો અર્થ અનુક્રમે એમ લેવાનો છે કે કૃતિને ચૉકક્સ વીગતોમાં વર્ણવવી; ઊંડાણથી સમજાય તે માટે તેનું અર્થઘટન કરવું; વધારે સમજાય તે માટે તેની સમજૂતી આપવી; અને તેનું સાહિત્યકલાલેખે મૂલ્ય શું છે તે દર્શાવતું મૂલ્યાંકન પીરસવું.

આ ચારેય બાબતોમાં લોચાલાપસી કરીએ, કે ગલ્લાંતલ્લાં, તે ન ચાલે. કૃતિની એ ચારેય બાબતો વિશે લખાણમાં ચોખ્ખી વાતો કરીએ એટલે કહેવાય કે આપણે વિવેચનાત્મક વિધાનો કર્યાં.

વિધાનનો અહીં આથી કશો ભારે અર્થ છે જ નહીં. અહીં કૃતિપરક બાબતોનો 'જડબેસલાક સિલસિલો' નથી રજૂ કરવાનો. કૉર્ટકચેરીમાં કશી 'ખરાખરીના ન્યાય માટેની જુબાની' નથી આપવાની. થઈ ચૂકેલી ઘટનાનું 'પોલિસચૉકીમાં બયાન' નથી કરવાનું.

અહીં વિધાન એટલે સાદો શબ્દ પ્રયોજીએ તો, નિવેદન. વસ્તુ શું છે, તેમાં શું શું બાબતો છે, બાબતો એકમેક સાથે કેવા સમ્બન્ધે જોડાયેલી છે, તેને વિશેનું નિવેદન.

વર્ણનપરક વિધાનોમાં શું શું આવી શકે તેનો એક સામાન્ય નિર્દેશ કરું :

કૃતિ, કાવ્યસંગ્રહ વાર્તાસંગ્રહ નવલકથા કે નાટક છે – વગેરે દર્શાવવું જરૂરી છે. કર્તાના નામનો નિર્દેશ, કર્તાની સાહિત્યકાર તરીકેની ઓળખ, પ્રકાશનસાલ, પ્રકાશક, પૃષ્ઠસંખ્યા, મૂલ્ય વગેરે વીગતો આપવી જરૂરી છે.

કૃતિ કથાવિષયક હોય, તો વિષયવસ્તુ (ટૂંકો નિર્દેશ), વસ્તુગુમ્ફન, પાત્રાલેખન, સન્નિવેશ વગેરેનો પરિચય કરાવવો જોઈશે.

કૃતિ, કાવ્યવિષયક હોય તો ગીતસંગ્રહ છે કે સૉનેટસંગ્રહ, છાન્દસ કે અછાન્દસ કાવ્યોનો સંગ્રહ છે, તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

કાવ્યો પ્રયોગશીલ પદ્ધતિએ લખાયાં છે છે કે પરમ્પરાગત, તેનો ફોડ પાડવો જોઈશે.

ધારો કે, છાન્દસ કાવ્યોનો સંગ્રહ હોય ને બધાં જ કાવ્યો કોઈ એક એક જ છન્દમાં હોય તો એ વીગત તરફ ધ્યાન દોરવું જોઈશે ને કવિની એ પસંદગીનાં કારણ અને પરિણામનો વાચકોને અછડતો પણ ખયાલ આવે એમ કરવું જોઈશે. કાવ્યો અનેક છન્દમાં હોય તો જણાવવું જોઈશે કે કયા કયા છન્દ પ્રયોજાયા છે. એ દરેક છન્દની પસંદગી વિશે પણ કંઈક ચૉક્કસ કહેવું જોઈશે.

કાવ્યસર્જનનો સમ્બન્ધ અલંકારો, કલ્પનો, પ્રતીકો, કાવ્યબાની સાથે વિશેષે હોય છે, તેની વાત કરવી જોઈશે.

પુસ્તકનો કોઈએ લખી આપેલો પ્રવેશક, પાછલા પૂંઠા પરનાં ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ દર્શાવતાં શુભેચ્છાવચનો વગેરે પણ વર્ણનનો વિષય છે. પુસ્તકનું મુખપૃષ્ઠ અને અંદર મૂકેલાં ચિત્રો પણ. કેમ કે એ બધું લેખકની સહેતુક દૃષ્ટિથી મુકાયું હોય છે, એને ટાળી શકાય નહીં.

નૉંધવા જેવું છે કે વર્ણનપરક વિધાનો કૃતિના અવલોકન કે આલોચન કે રીવ્યૂના લેખનમાં ઘણાં ઉપકારક નીવડે છે. વડીલ કે નીવડેલા વિવેચકોએ લખી આપેલા પ્રવેશકો પણ આવાં વિધાનોથી ઘડાયા હોય છે. 

ખાસ તો વિદેશમાં, પુસ્તકના પાછલા પૂઠા પર આ જાતનાં વર્ણનો જોવા મળે છે. કેટલીક પ્રકાશક-સંસ્થાઓ પાસે એવા પગારદાર લેખકો હોય છે. એમાં કૃતિના ગુણ દર્શાવતાં વિશેષણો મોટે ભાગે પ્રામાણિકપણે વપરાયાં હોય છે. મર્યાદા જરાક ન ચીંધી હોય એવું નહીં, પણ ધ્યાનમાં ભાગ્યે જ આવે.

છાપાં પણ પુસ્તક-પરિચય માટે જગ્યા ફાળવતાં હોય છે. સુવિદિત છે કે TLS – ટાઇમ્સ લિટરરી સપ્લિમૅન્ટ – એનાં પુસ્તકાવલોકનોને કારણે જગ-પ્રસિદ્ધ થયું. એ અવલોકનો એવાં તો પરિચાયક હોય કે ધંધાદારી વિવેચકો અને ઠાંસુ વિવેચકો ફાવી જાય, એમને મૂળ પુસ્તક લગી રાતોરાત દોડી જવાની જરૂર જ ન પડે !

દેખાદેખીથી વકરતી વિદ્વત્તા એ કે જો એક બોલ્યો કે ‘ઑથર ઇઝ ડેડ’, એટલે કશું જ સમજ્યા-વિચાર્યા વિના બાકીના બોલવા માંડે ડેડ. ડેડ. ડેડ. આપણાથી તો એવું બોલાય જ નહીં, કેમ કે સરેરાશ ગુજરાતી લેખક કદી પુખ્ત, પ્રૌઢ કે વૃદ્ધ થયો જ નથી હોતો ! એના મૃત્યુની વાતો તત્ત્વાર્થમાં પણ શોભતી નથી. 

Book review is dead : અવલોકનલેખનનું મૃત્યુ :

Pic courtesy : Bookmarks reviews

પશ્ચિમમાં આ અવલોકનલેખન વિશે પણ બોલાયું છે કે ‘બુક રીવ્યૂ ઇઝ ડેડ’ – અવલેખનલેખનનું મૃત્યુ. પરન્તુ આપણાથી એવું ન સ્વીકારાય, ન બોલાય. ઉઠમણાના એ સમાચારમાં ન જોડાવાય, કેમ કે આપણને આપણું સાહિત્ય અને ખાસ તો સમગ્ર વિવેચન-સાહિત્ય સુધરે એ માટે સૌ પહેલાં જેની સખત જરૂરત છે, તે છે સાર્થક અવલોકનો.

અમદાવાદમાં બનેલો એક બનાવ મને યાદ રહી ગયો છે. કેટલાક ચડી વાગેલા આધુનિકો, કદાચ હઠીસિંહ આર્ટ ગૅલરીમાં, ગુજરાતી સાહિત્યનું ‘ઉઠમણું’ ઊજવતા’તા. કાર્યક્રમનું એવું નામભિધાન એમણે જ કરેલું. જે સૂઝે તે બકતા હશે. પરન્તુ મેં જાણેલું કે નવી પેઢીના જુવાનોએ એમનો એવો તો ઊધડો લીધેલો કે પેલાઓને, જાણે, શેતરંજી લઈને ભાગી જવું પડેલું !

ટૂંકમાં, વર્ણન એવું હોવું જોઈશે કે માણસને પુસ્તક જોયા કે વાંચ્યા વગર જ દૃષ્ટિગોચર થવા લાગે. પુસ્તક માટે વાચક અધીરો થઈ જાય. ઉદાહરણ અતિશયોક્તિભર્યું લાગશે છતાં કહું કે ‘સરસ્વતીચન્દ્ર’-ના ચાર ભાગ જોયા વિના જ વાચકને થાય કે લાવ લઈ આવું ને વાંચવા માંડું. જો કે વાંચીને એને એમ પણ થાય કે ના ના, અત્યારે નથી વાંચવું, બીજી કોઈ વાર; મુલતવી રાખે, પણ ક્યારેક તો જરૂર વાંચે. સારો અવલોકનકાર પુસ્તક અને વાચકને લગ્નસમ્બન્ધે બાંધી આપે છે. એ રીતનો એ ગૉરમા’રાજ છે.

પરન્તુ ‘સરસ્વતીચન્દ્ર’-નું કે કોઈ પણ પુસ્તકનું અવલોકન લખનારે તો સઘન વાચન કર્યું જ હોવું જોઈશે. બે કે ત્રણ ભાગને ગુપચાવી જઈને કરે તે અવલોકન નથી. ૭૦૦ પાનના શોધનિબન્ધનાં ૫૦૦ પાનાં બાજુએ રાખીને કરે તે અવલોકન નથી.

એવાઓને લોકો પાખંડી કહે છે. કેમ કે એમનાં એ કૃત્યો વિદ્યાધર્મનાં દ્રોહી છે. એથી મૂળ લેખકને અન્યાય અને સાહિત્યસમાજને પારાવારનું નુક્સાન થાય છે.

બીજા મોટા પાખંડી છે – એકનું લખેલું વિવેચન વાંચીને પોતાનું ઘસડી નાખનારા.

બન્ને પાખંડીઓથી ચેતવું ને એમને ઉઘાડા પાડવા.

આપણા એક સામયિકના તન્ત્રીએ તો પોતાના પુસ્તકનું અવલોકન છદ્મનામે જાતે જ લખીને એ જ સામયિકમાં છાપેલું ! એને મહા પાખંડી કહેવો? કીર્તિલોલુપ કહેવો? સ્વાશ્રયી મજૂર કહેવો? શું? હું કન્ફ્યુઝ્ડ છું …

= = =

(October 19, 2021:USA)

Loading

ભારત વિશ્વનો ‘સૌથી ડિપ્રેસ્ડ’ દેશ કેમ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 October 2021

આજે [10 ઑક્ટોબર 2021] વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે. ૨૦૧૭માં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના કોન્વોકેશનમાં કહ્યું હતું કે ભારતમાં માનસિક આરોગ્યની મહામારીનો ખતરો છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારતને વિશ્વનો ‘સૌથી ડિપ્રેસ દેશ’ ઘોષિત કરેલો છે. તેણે અંદાજ આપેલો છે કે ભારતમાં સાતમાંથી એક વ્યક્તિનું માનસિક આરોગ્ય નબળું છે. અનેક અભ્યાસ પરથી આવેલા તારણ અનુસાર, ભારતમાં ૧૦ ટકા વસ્તી એવી બીમારીઓથી પીડાય છે જેને નિષ્ણાતની મદદની જરૂર છે. ભારતમાં માનસિક આરોગ્યને લઈને જાગૃતિની એટલી અછત છે કે ૧૩૬ કરોડ લોકોના દેશમાં ૯,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૨,૦૦૦ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ છે, જ્યારે જરૂર છે ૩૦,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૩૮,૦૦૦ સાઇકોલોજિસ્ટની.

૨૦૨૦માં, મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે ‘આઘાત’ વ્યક્ત કર્યો હતો વિશ્વ આરોગ્ય સંગઠને જે દેશને ‘સૌથી ડિપ્રેસ’ કહ્યો છે, તેમાં કેન્દ્ર સરકાર માનસિક આરોગ્ય પાછળ પ્રતિ વ્યક્તિ દીઠ માત્ર ૨૦ પૈસા ખર્ચે છે. બેન્ચે કહ્યું હતું કે આટલા મોટા દેશમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ નામની એક જ રિસર્ચ સંસ્થા છે, અને દેશમાં ૧૯૨૫ પછી આવી મહત્ત્વની બીજી સંસ્થા સ્થપાઈ જ નથી.

ભારતમાં આજે પણ માનસિક તંદુરસ્તીને શારીરિક તંદુરસ્તીથી અલગ ગણવામાં આવે છે અને મોટા ભાગે એમાં શરમનો ભાવ હોય છે એટલે તે છુપાવામાં આવે છે. આ કારણથી જ દેશમાં બાવાઓ અને ઊંટવૈદ્યો પાસે જેટલા લોકો જાય છે તેટલા સાઇકોલોજિસ્ટ પાસે નથી જતા. એટલા માટે જ સાઇકોલોજિસ્ટ બનવું એ ફિઝિશ્યનની સરખામણીમાં ‘ખોટનો ધંધો’ છે. જે લોકો સાઇકોલોજિસ્ટ બને છે તે પણ કોઈ જગ્યાએ બાંધ્યા પગારની નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. પરિણામે, તમને ગલીના નાકે ડોકટરોનાં ત્રણ પાટિયાં દેખાશે, પણ સાઇકોલોજિસ્ટનું સરનામું શોધતાં દમ નીકળી જશે.

માનસિક આરોગ્યની બાબતમાં ભારત કેટલું ગંભીર છે તેનો પુરાવો એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા છે. ડિપ્રેસનથી પીડાતા આ તેજસ્વી અને આશાસ્પદ બોલીવૂડ એક્ટરે ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ આત્મહત્યા કરી, તે પછી લગાતાર બે મહિના સુધી આ દેશમાં મીડિયામાં એની ચર્ચા ન હતી કે આ એક્ટરની માનસિક તંદુરસ્તીના પ્રશ્નો શું હતા, પણ એની ચર્ચા હતી કે તેની ગર્લફ્રેન્ડે તેની હત્યા કરી છે કે નહીં અને બોલીવૂડના માધાંતાઓએ તેને પરેશાન કર્યો હતો કે નહીં.

ડિપ્રેસનથી પીડાતા દેશના લાખો લોકો મીડિયાનો આ તમાશો જોઈને હબકી ગયા હશે અને સાઇકોલોજિસ્ટોને દેશની દયા આવતી હશે. સુશાંત સિંહની પાછળ જે તમાશો થયો તે પછી કોને તેની બીમારી જાહેર કરવાની હિમ્મત આવે? આ એક જ કિસ્સાથી દેશમાં માનસિક આરોગ્યને લઈને ગંભીર વિચારણા થાય અને સરકારથી લઈને તેના નિષ્ણાતો આવનારા ભવિષ્યની ચિંતા કરતા હોત, તેના બદલે એ કિસ્સાને ‘કૌભાંડ’માં ફેરવી નાખીને આપણે દેશને પાછળ ધકેલી દીધો છે. જે બાબત વધુને વધુ જાહેરમાં આવવી જોઈતી હતી, તે હવે કાર્પેટ હેઠળ ધકેલાઈ ગઈ છે.

એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તેના ડિપ્રેસનનો સાર્વજનિક એકરાર કર્યો, તે પછી આમીર ખાનની 'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર'થી લાઇમલાઇટમાં આવેલી ૧૭ વર્ષીય ઝાહીરા વાસીમે ટીનએજ ડિપ્રેસન સાથેના તેના દંગલનો એકરાર કર્યો હતો. ઝાહીરાએ તેમાં એ જ વાત લખી હતી જે લાખો પીડિતોની ભાવના હતી. તેણે કહ્યું હતું કે, "હું છેલ્લા ૪ વર્ષથી સખત ઉદ્વેગ (એન્ગઝાઇટી) અને વિષાદ(ડિપ્રેસન)થી પીડાઈ રહી છું એનો એકરાર કરવા આ લખી રહી છું. ડિપ્રેસનની વાત કરવી શરમજનક છે એટલા માટે આ કહેવાની મને બીક લગતી હતી એટલું જ નહીં, ડર એ પણ હતો કે લોકો તો એવા ય ટોણા મારે કે, "તું તો યુવાન છે, તને શેનું ડિપ્રેસન?" અથવા એવું કહીને એને ખારીજ કરી દે કે "આ તો ટાઈમબીઈંગ છે."

"ટાઈમબીઈંગ હોત તો સારું, પણ હું રોજ ૫ એન્ટીડિપ્રેસન્ટ લેવાની, એન્ગઝાઇટી એટેકમાં અડધી રાતે હોસ્પિટલ ભેગી થવાની, ખાલીપામાં જીવતા રહેવાની, અજાણ્યા અવાજો સાંભળવાની, સતત ઘોર્યા કરવાથી લઇને અઠવાડિયાં સુધી જાગતા રહેવાની, ખૂબ ખાવાથી લઈને ભૂખ્યા મરવાની, નર્વસ બ્રેકડાઉનની, જાત પ્રત્યે તિરસ્કારની અને આત્મહત્યાના વિચારોની સ્થિતિમાં આવી ગઈ છું. આ ટાઈમબીઈંગ નથી. મને આ બીમારીને સ્વીકારતાં ૪ વર્ષ લાગ્યાં છે. મારે બધાથી — મારા સામાજિક જીવનથી, કામથી, સ્કૂલથી અને ખાસ તો સોશ્યલ મીડિયાથી સંપૂર્ણ બ્રેક લેવો છે. હું રમઝાનના મહિનાની રાહ જોઉં છું જ્યાં હું મારી આ સ્થિતિ વિષે સરખું વિચારી શકું.”

ભારતમાં માનસિક આરોગ્યને લઈને તંદુરસ્ત ચર્ચા નહીં થવાનાં ત્રણ કારણો છે. એક ભ્રમ એવો પેદા થયો છે કે જે યુવાન છે, સફળ છે, પૈસાવાળા છે તેમને કોઈ માનસિક બીમારી નથી હોતી. માનસિક પ્રશ્નો બેકાર અને ઘરડા લોકોની સમસ્યા છે. બોલીવૂડના એક્ટરો અને અન્ય સેલિબ્રિટીઓ તેમની સમસ્યાઓની પ્રસંગોપાત વાત કરે તો પણ તેને એવું કહીને ખારીજ કરી નાખવામાં આવે છે કે આ લોકોને ‘નખરાં સૂઝે છે.’ માનસિક આરોગ્ય ગરીબ લોકોની સમસ્યા છે એવી એક વ્યાપક માન્યતા છે.

બીજો ભ્રમ એ છે કે ‘સામાન્ય’ લોકોમાં કોઈ સમસ્યા નથી હોતી. દાખલા તરીકે, આપણા ઘરમાં કામ કરતો નોકર, ડ્રાઈવર કે ઓફીસનો કર્મચારી કોઈ માનસિક બાબતોથી ઘેરાયેલો હોય તેવું આપણે સ્વીકારી જ નથી શકતા. એવા માણસો તો ‘ગાંડા’ હોય અને તેમના વર્તન પરથી જ તેમની ઓળખાણ થઇ જાય એવું આપણે માનીએ છીએ. એટલે કોઈ સામાન્ય વ્યક્તિ તેની માનસિક સ્થિતિની વાત કરે તો પણ તેની આસપાસના લોકો તેન હસી કાઢે છે અથવા ઉપેક્ષા કરે છે.

ચોથું, મોટા ભાગે પુરુષો તેમના ડિપ્રેસનની વાત કરતા નથી. 'મર્દ' હોવાની તેમની ભાવનાની આડે તે આવે છે. તેમની સરખામણીમાં સેલિબ્રિટી સ્ત્રીઓ, જેમ કે – દીપિકા પાદુકોણ, મનીષા કોઈરાલા, સમા સિકંદર, અનુષ્કા શર્મા, શાહીન ભટ્ટ, ઈલિના ડિક્રુઝે તેમના ડિપ્રેસનની ખૂલીને વાત કરી છે, કારણ કે તેમને ‘લોકો શું કહેશે’ની ચિંતા એટલી નથી સતાવતી જેટલી દેશની બહુમતી સ્ત્રીઓને સતાવે છે.

કોઇ પણ વિકસિત સમાજની સાબિતી એ નથી કે તે તેના મજબૂત લોકોનાં કેવાં આછોવાનાં કરે છે, પણ એ હકીકતમાં છે કે તે તેના કમજોર લોકોને કેવી રીતે જગ્યા આપે છે. ભારતે અસલી વિકાસ કરવો હશે તો આ ભેદભાવ ખતમ કરવો પડશે.

પ્રગટ : બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 ઑક્ટોબર 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ગઝલ

રવીન્દ્ર પારેખ|Poetry|18 October 2021

આગ હૈયે ને જાત ખોડી દે,
એવી ધીરજ મનેય થોડી દે.

વાંક ના હોય ને વખોડી દે,
એવી હાલત ન કો' કફોડી દે.

હોઉં નિર્દોષ, પણ ન માને તો,
બે તમાચા ભલે તું ચોડી દે.

તાંતણા પર ટકેલ છું તારા,
ના ગમે તો તું એય તોડી દે.

ભાગ્યમાં ડૂબવું જ નક્કી હો,
રાખ સાગરને, નાવ છોડી દે.

કોઈ ચ્હેરો બીજો નહીં આપે,
એમ કર, આયનો જ ફોડી દે !

કેમ, ખૂટે છે શ્વાસ તારા પણ?
લે, આ મારાય તું જ જોડી દે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,7571,7581,7591,760...1,7701,7801,790...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved