વાત-વડાંઓ તળી તળીને ફીફાં ખાંડે.
વકતાઓ સહુ હળીમળીને ફીફાં ખાંડે.
ઢોલનગારા તિકડમબાજી શૂરાપૂરા
લડવૈયાઓ મળી મળીને ફીફાં ખાંડે.
ઓડીકારે શેઠજી ઊતરે તાજામાજા
ધજા ચઢાવી લળી લળીને ફીફાં ખાંડે.
કઇ સોગઠી કેવી રીતે કયારે રમવી
ખેલાડીઓ કળી કળીને ફીફાં ખાંડે.
રામ ને રાવણ ખુશ કરવાં છે બંનેને
કથાકાર તો ગળી ગળીને ફીફાં ખાંડે
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 16
![]()


દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પંજાબ, ગોવા અને ઉત્તરા ખંડના મતદારોને આગામી વિધાનસભા ચૂંટણીમાં જો તેમનો પક્ષ વિજયી થશે, તો ૩૦૦ યુનિટ સુધી ઘરવપરાશની વીજળી મફત આપવાનું વચન આપ્યું છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર વીજળી અને પાણી મફત આપી રહી છે. હવે ૨૦૨૨માં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ છે, તે રાજ્યોમાં તેમણે મફત વીજળીનો રાગ આલાપ્યો છે. ઉત્તરા ખંડની ભા.જ.પા. સરકારના ઊર્જા મંત્રીએ સામી ચૂંટણીએ ૧૦૦ યુનિટ મફત વીજળીની જાહેરાત કરી છે, પણ એમના પક્ષના ગોવાના વીજળી મંત્રીએ મફત વીજળીની માંગને અશક્યવત્ ગણી નકારી દીધી છે. પંજાબમાં હાલમાં ખેડૂતોનું સિંચાઈ માટે સંપૂર્ણ અને ઘરવપરાશનું ૧૦૦ યુનિટ સુધીનું વીજળીબિલ માફ કરી દેવામાં આવે છે, પરંતુ કેજરીવાલે ૩૦૦ યુનિટનું વચન આપતાં પંજાબની કૉન્ગ્રેસી સરકાર મૂંઝવણમાં છે. મતદારોને મફત વીજળી આપીને વોટ પેદા કરવાનો કસબ સમયાંતરે લગભગ બધા જ રાજકીય પક્ષો અપનાવતા હોય છે.