આજથી વિક્રમ સંવતનું એક નવું વર્ષ, ૨૦૭૮નું વર્ષ, શરૂ થાય છે. પણ જેનું નામ આ સંવત સાથે જોડાયું છે તે વિક્રમ હતો કોણ? પૂરેપૂરી ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. પણ લોકકથાઓ, દંતકથાઓ અને લોક માનસમાં ઉજેણી નગરીનો રાજા વીર વિક્રમ આજ સુધી વસી ગયો છે. કદાચ એના નામ સાથે જોડાયેલો છે આ સંવત. આજે દુનિયાના ઘણા દેશોમાં – આપણા દેશમાં પણ – જેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે તે ઇસવી સન કરતાં ૫૬ કે ૫૭ વર્ષ પહેલાં આ સંવત શરૂ થયો છે એટલે વિક્રમ રાજા ઈ.સ. પૂર્વે સો એક વર્ષે થઇ ગયો હોવો જોઈએ. કેટલાકને મતે પોતે શકો સામે વિજય મેળવ્યો તેની યાદમાં વિક્રમે આ નવો સંવત શરૂ કર્યો હતો. એનું આખું નામ વિક્રમાદિત્ય. ‘વિક્રમ’
એટલે પરાક્રમ, અને ‘આદિત્ય’ એટલે અદિતીનો એક પુત્ર, સૂર્ય. પણ ‘વિક્રમાદિત્ય’ એ રાજાનું નામ હતું કે બિરુદ? કારણ બીજા પણ ઘણા રાજાઓએ આ ‘વિક્રમાદિત્ય’ને બિરુદ તરીકે અપનાવ્યું છે. અને ભાટચારણો તો પાંચ ગામના ઠાકોરને પણ ‘પરાક્રમી વીર વિક્રમ જેવો’ એમ કહીને પ્રશંસા કરતા. આજે જેમ આલિયા માલિયા ચળવળિયાને ‘ગાંધીવાદી’ની ટોપી પહેરાવી દેવાય છે તેમ એક જમાનામાં થોડી ઘણી પણ સત્તા જેની પાસે હોય તેને માથે ‘વિક્રમાદિત્ય’નો મુગટ પહેરાવી દેવાતો.
ખેર, કથાસરિતસાગરની વાત માનીએ તો પરમાર વંશના ઉજ્જૈનના રાજા મહેન્દ્રાદિત્યનો પુત્ર હતો વિક્રમાદિત્ય. એટલે બનવાજોગ છે કે આ વંશના બધા રાજાના નામની સાથે ‘આદિત્ય’ બિરુદ જોડાતું હોય. તો ભવિષ્ય પુરાણ કહે છે કે વિક્રમાદિત્ય તો ગાંધર્વસેનનો પુત્ર હતો. અને ગાંધર્વસેન તે ઇન્દ્રનો પુત્ર હતો. પાંચ વર્ષની ઉંમરે વિક્રમે બાર વર્ષનું આકરું તપ કર્યું હતું. તંત્રમંત્રના જાણકાર એક દુષ્ટનો ખાતમો બોલાવવામાં વૈતાળે તેને મદદ કરી હતી. રંભા અને ઉર્વશી એ બે અપ્સરાઓ વચ્ચેના ઝગડાનો નિવેડો વિક્રમ લાવી શક્યો હતો, તેથી તેના પર ખુશ થઈને ઇન્દ્રે તેને સિંહાસન આપ્યું અને તું તથા તારા વંશજો એક હજાર વર્ષ સુધી રાજ કરશો એવું વરદાન આપ્યું.
તો વળી, કેટલાક જૈન ગ્રંથો કહે છે કે વિક્રમાદિત્ય ઉજજૈનનો નહિ, પણ મહારાષ્ટ્રમાં આવેલા ‘પ્રતિષ્ઠાન’(આજનું પૈઠણ)નો રાજા હતો. તેણે ચડાઈ કરીને ઉજ્જૈન જીતી લીધું હતું અને પોતાના એ વિજયના માનમાં ‘વિક્રમ સંવત’ શરૂ કર્યો હતો. તો વેતાળપચ્ચીસી અને સિંહાસન બત્રીસીની અદ્ભુતરસિક વાર્તાઓ અનેક ભાષામાં પ્રચલિત થઈ છે અને તેમણે લોકો સામે વિક્રમ રૂપે એક સર્વશક્તિમાન, પ્રજાવત્સલ રાજાનો આદર્શ રજૂ કર્યો છે. કર્ણાટકની યક્ષગાન પરંપરામાં રાજા વિક્રમ અને નવ ગ્રહોમાંના એક શનિની કથા જોવા મળે છે. માણસના જીવનમાં શનિ ઉથલપાથલ સર્જી શકે છે એ એ વાત માનવા રાજા વિક્રમ તૈયાર નથી. પણ તેણે કરેલા શનિના અપમાનને પરિણામે વિક્રમના જીવનમાં આફતોની પરંપરા સર્જાય છે. જ્યારે તેને લાગે છે કે હવે તો મોત હાથવેંતમાં છે ત્યારે છેવટે તે શનિની પ્રાર્થના કરે છે અને શનિ પ્રસન્ન થઈ તેને વરદાન આપે છે.
ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં ચૈત્ર મહિનાથી વિક્રમ સંવત શરૂ થાય છે. જ્યારે ગુજરાતમાં કાર્તિક મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે. આ ઉપરાંત નેપાળમાં પણ વિક્રમ સંવત પ્રચલિત છે. ત્યાં વૈશાખ મહિનામાં તેની શરૂઆત થાય છે. ભારત સરકારે શક સંવતને સત્તાવાર કેલેન્ડર તરીકેની માન્યતા આપી છે. પણ લોકોમાં આ કેલેન્ડર ઝાઝું પ્રચલિત બન્યું નથી. સરકારી વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ઇસવી સનની સાથોસાથ થાય છે. પણ આપણા દેશના બંધારણના સત્તાવાર હિન્દી અનુવાદમાં એ બંધારણ દેશે અપનાવ્યું તેની તારીખ આ રીતે આપી છે : ‘૨૬ નવેમ્બર, ૧૯૪૯, માર્ગશીર્ષ શુક્લ સપ્તમી, સંવત ૨૦૦૬.’ આ વર્ષગણના વિક્રમ સંવત પ્રમાણેની છે. આનું કારણ એ કે શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે તો ૧૯૫૭ના માર્ચની બાવીસમી તારીખે સ્વીકારવામાં આવ્યો. એટલે ઇસવી સનની સાથે ભારતીય પરંપરાના વર્ષ તરીકે ૧૯૪૯માં વિક્રમ સંવતનો ઉપયોગ થયો હતો. આવા વિક્રમ સંવતનું નવું વર્ષ આજે શરૂ થાય છે ત્યારે આપ સૌને સાલ મુબારક.
e.mail : deepakbmehta@gmail.com
![]()


યશવંત દિનકર ફડકે નામના આધુનિક મહારાષ્ટ્રના ઇતિહાસકાર હતા. તેમણે ‘વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર’ના નામે છ ભાગમાં મહારાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો છે. એમાં તેમણે લખ્યું છે કે ૨૦મી સદીના પહેલા દશકમાં મહારાષ્ટ્રમાં થાણે નાશિક અને પુણે જિલ્લામાં યુવકો દ્વારા હિંસાની નાનીમોટી ઘટનાઓ બનતી રહેતી હતી. એ દરેક ઘટના વખતે તપાસમાં બહાર આવતું હતું કે તેઓ ‘અભિનવ ભારત’ નામના સામયિકમાં આવતા વિનાયક દામોદર સાવરકરના લેખો વાંચતા હતા અને એ વાંચીને તેઓ ઊકળી ઉઠતા હતા. દેશની આઝાદી ખાતર હથિયાર હાથમાં લીધા વિના યુવકનું જીવન વ્યર્થ છે, એમ
સાવરકરને વાંચ્યા પછી તેમને લાગવા માંડતું હતું. લગભગ દરેક હિંસક ક્રાંતિકારી ઘટનાના સગડ ‘અભિનવ ભારત’ અને સાવરકર સુધી જતા હતા.