Opinion Magazine
Number of visits: 9674571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમે દેશના દુશ્મન નથી

અરુણા રોય|Opinion - Opinion|15 December 2021

૧૯૬૮માં અજિત ડોવાલ પોલીસ સર્વિસ(I.P.S.)માં જોડાયા. એ જ વર્ષે હું ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(I.A.S.)માં જોડાઈ. તાલીમ અગત્યની હતી અને અમે લાલબહાદુર શાસ્ત્રી નૅશનલ ઍકેડમીમાં સૌ તાલીમાર્થી એકસરખા પાયાના શિક્ષણમાંથી પસાર થયાં. તાલીમાર્થી નાગરિક સેવકોને પોતાના અલગ વિચારો હોઇ શકે, પણ કોઈ અપવાદ વગર, જે કોઈ એમાં જોડાય તે ભારતીય સંવિધાનના શપથથી બંધાયેલા રહે છે. એ શપથને ફરી યાદ કરવા જરૂરી છે : “હું … પૂરી ગંભીરતા સાથે દૃઢપણે શપથ લઉં છું કે ભારત પ્રત્યે અને ભારતના સંવિધાન આધારિત ઘડાયેલા કાનૂનો પ્રત્યે વફાદારી અને નિષ્ઠા સાથે દેશની સાર્વભૌમિકતા અને અખંડતા જાળવી રાખીશ અને મારા કામની ફરજો વફાદારી, પ્રામાણિકતા અને નિષ્પક્ષતા સાથે અદા કરીશ.(એ માટે ઈશ્વર મને મદદ કરે).”

મારી તાલીમમાં એવી ઘણી બાબતો હતી જેના વિષે હું ટીકા કરતી, પણ નાગરિકસેવાનો સ્પષ્ટ આદેશ છે કે સંવિધાનનાં મૂલ્યોને જાળવી રાખવાનાં. અને તે સાથે સરકારની સૌથી નબળા વર્ગો પ્રત્યેની નીતિનું મહત્ત્વ, તે એક બાબત એવી હતી, જેનો મેં હૃદયથી સ્વીકાર કર્યો અને તે બાબત મારા I.A.S.માં સાત વર્ષના ટૂંકા ગાળા દરમિયાન સદા ય મારી સાથે રહી. ઍકેડમીમાં તેમ જ નોકરી દરમિયાન અમારી તાલીમમાં એના પર ભાર મુકાતો કે નીતિમયતા, પ્રામાણિકતા અને નિષ્પક્ષતાના સિદ્ધાંતો સંવિધાનના સંદર્ભ વગર પૂરેપૂરા નહીં સમજાય. તેણે એ સ્પષ્ટ કરેલું કે ચૂંટાયેલી સત્તાધારી વ્યક્તિઓ એ આદેશોને ઉવેખી ન શકે. અને દરેક નાગરિક સેવક એ ચોક્કસ કરશે કે તેનું ઉલ્લંઘન ન થાય.

આમ છતાં, રાષ્ટ્રિય સુરક્ષા-સલાહકારે, ૧૧મી નવેમ્બરે હૈદ્રાબાદની પોલીસ-ઍકેડમીમાં નવા પાસ થયેલા પોલીસ-અફસરોની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે મનસ્વીપણે યુદ્ધ અને રાષ્ટ્રની સુરક્ષાનો નવો રાજકીય સિદ્ધાંત મૂક્યો, જે ભારત માટે ખતરનાક પરિણામો આપી શકે.

તેમણે નવા ઉત્તીર્ણ થયેલા પોલીસ-અમલદારોને કહ્યું : “જેને તમે યુદ્ધની પરિસ્થિતિની ચોથી પેઢી કહી શકો તેવી યુદ્ધની નવી સરહદો હવે નાગરિક સમાજ (સિવિલ સોસાયટી) છે. રાજકીય અને મિલિટરી ઉદ્દેશોને પામવા માટે હવે યુદ્ધ એ અસરકારક સાધન નથી રહ્યું. તે હવે અતિ ખર્ચાળ થઈ ગયું છે એ કોઈને પોસાતું નથી અને તેનાં પરિણામો પણ અનિશ્ચિત છે. પણ એ નાગરિક સમાજ છે, જે દેશનાં હિતોને બરબાદ કરી શકે છે, લાંચ આપી શકે છે, ભેદભાવો ઊભા કરી શકે છે, ચાલાકી કરી શકે છે. તમે તેનું ધ્યાન રાખવા ત્યાં છો કે જેથી રાષ્ટ્રહિતોનું પૂરું રક્ષણ થાય.”

જેની સામે તેના ઑફિસરોએ યુદ્ધ છેડવાનું છે, તેવા નાગરિક સમાજની ડોવાલે ના તો વ્યાખ્યા કરવાની તસ્દી લીધી કે ના તો એ ચોખવટ કરી કે તેમને આ યુદ્ધપરિસ્થિતિની ચોથી પેઢી સામે યુદ્ધ જાહેર કરવાનો, દેશના પોતાના લોકો સામે યુદ્ધ કરવાનો અધિકાર કોણે આપ્યો. તેમણે પોતાની આ વાત વધુ વિસ્તારથી સમજાવવી જોઈતી હતી, પણ એ તો સિદ્ધાંત છે જ કે સત્તાધારી સાહેબો અને ખાનગી ઉદ્યોગગૃહો દેશનું ઘડતર કરવાનો પોતાનો કાયદેસર અધિકાર માને છે, અને વિરોધપક્ષો અથવા વિરોધી વિચાર ધરાવતા સંગઠિત નાગરિક સમૂહો(નાગરિક સમાજ)ને વિકાસ અને રાષ્ટ્રિયતાના વિરોધી માને છે. તે બહુ સ્પષ્ટ રીતે લોકશાહી માર્ગોને, સંવિધાને સૂચવેલી સામાજિક અને વિકાસની બાંયધરીને બાજુએ કરી દે છે.

મેં ૧૯૭૫માં સાત વર્ષની I.A.S. તરીકેની સેવા છોડી. ત્યાર પછી હું સામાજિક કર્મશીલ બની ગઈ. હું એ શીખવા લાગી કે કેવી રીતે ન્યાય અને સમાનતા જેવાં સંવિધાનનાં મૂલ્યો ભારતીય, સામાજિક અને રાજકીય જીવનની વિવિધ બાબતોમાં પ્રગટે. મારા સાથીદારો, તેમનાં પ્રચાર અને ચળવળોને હું વખાણું છું, કારણ કે તેણે સ્વતંત્ર ભારતને અખંડિત રાખવાની સાથે તેનો પાયો  મજબૂત બનાવવા ફાળો આપ્યો છે. તે માટે તેઓએ ક્યારે ય હોદ્દાની કે કોઈ પ્રકારના ફાયદાની અપેક્ષા નથી રાખી. સ્વતંત્રતાની લડતમાંથી શીખીને નાગરિક સમૂહો અને કર્મશીલોએ સ્વતંત્રતા, ન્યાય, બંધુતા, સમાનતા અને ગૌરવયુક્ત વર્તન જેવા સંવિધાનનાં સિદ્ધાંતો અપનાવીને વિકાસ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે અને આ સિદ્ધાંતો પર અતિક્રમણ કરનારાઓ પર નજર રાખી છે. કદાચ આ સરકારને તેની સામે વાંધો છે.

ભારત દેશ પર સંભવિત ખતરા તરીકે અમને નિશાન બનાવીને ડોવાલે પોલીસ સર્વિસના નવા સમગ્ર જૂથને પ્રેરણા આપી છે કે તેઓ આ નાગરિક સમાજને સંભવિત દુશ્મન તરીકે જુએ, જેની સામે, આ યુદ્ધપરિસ્થિતિની ચોથી પેઢી સામે, તેમણે જંગ ખેલવાનો. આજે તે કદાચ એકલા જ અમારી બૅચના છે, જે રાષ્ટ્રિય સુરક્ષાસલાહકાર તરીકેનો જાહેર હોદ્દો સંભાળે છે, જે કૅબિનેટ પ્રધાનને સમકક્ષ છે. યુદ્ધપરિસ્થિતિની ચોથી પેઢી અને તેમના તરફથી દેખાતા ખતરાઓ વિષે તેમનાં અંગત મંતવ્યો હોઈ શકે, પણ અમારા બધાં કરતાં વધારે, એક જાહેર સેવક તરીકે તેઓ સંવિધાનની કલમોથી વધુ બંધાયેલા છે. હું સંવિધાનની એક પણ કલમ શોધી શકતી નથી જે તેમને નાગરિક સમાજ તરફ બંદૂક તાકવાની છૂટ આપતી હોય. હકીકતે, એક વરિષ્ઠ સલાહકાર તરીકે સંવિધાનના વાસ્તવિક ખ્યાલ વિરુદ્ધ કામ કરતાં જૂથોને બદલે જો તેઓ ભારતના નાગરિકસમાજ સામે આંતરિક યુદ્ધ છેડશે, તો તેઓ દેશની સુરક્ષાને બહુ મોટા પાયે હાનિ પહોંચાડશે.

રાજકીય રીતે નિમણૂક પામેલા ડોવાલે કદાચ એવું નક્કી કર્યું છે કે જે કોઈ રાજકીય સરકારની ટીકા કરે તે દેશ માટે ખતરા સમાન છે. દેશની અંદર કોઈ પણ પ્રકારનો વિરોધ ઉઠાવનારને દેશનો દુશ્મન કહેવાય છે. તેમાં એવી દલીલ કરાય છે કે લોકશાહીમાં માત્ર ચૂંટાયેલી સરકારનો જ કાયદેસર અધિકાર છે, કારણ કે તે જ કાયદાઓ પસાર કરે છે. પોતાના પ્રવચનમાં ડોવાલ આગળ કહે છે : “લોકશાહીનું સારતત્ત્વ મતપેટીમાં રહેલું નથી. તે એ કાયદાઓમાં પડેલું છે, જે એ લોકો ઘડે છે જેમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે.” અને અલબત્ત, ‘રાષ્ટ્ર’ અને ‘રાષ્ટ્રવાદ’ની  જેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓની રાજકીય વિચારસરણી કાયદાના શાસનની મુખ્ય બાબત બને છે.

આ વિચારધારાની એક ચોક્કસ ભાત છે. રાષ્ટ્રિય માનવ અધિકાર આયોગ (N.H.R.C.), જેણે તાજેતરમાં ‘ટાઇમ્સ નાવ’ ટેલિવિઝન ચૅનલ પર એક ચર્ચાસભા કેન્દ્રિય પોલીસદળ સાથે ગોઠવી, જેમાં તેમણે પૂછ્યું કે “શું આતંકવાદ અને નક્સલવાદ સામે લડવા માટે માનવ-અધિકારો અડચણરૂપ છે ?” કાયદાકીય રીતે સદ્‌વિવેકબુદ્ધિના રખેવાળ એક ચર્ચા ગોઠવે છે કે શું ‘માનવ-અધિકારો’ કાયદેસરનો અધિકૃત આદેશ અને માનવ-અધિકાર આયોગના અસ્તિત્વનો મૂળભૂત આશય) ‘અડચણરૂપ’ છે ?

આ બધું એ બતાવે છે કે આપણા પોતાના લોકો પર આ ખતરનાક હિંસક હુમલો છે. તે આપણને સંવિધાન, લોકશાહી અને નાગરિકતાને બાજુએ રાખી જેનું નિવારણ ન થયું હોય તેવા અન્યાયની આગામી ઘટનાનો ભવિષ્યમાં હલ કેવી રીતે લાવવો તેનો અંદેશો આપે છે. આ બધાં કારણોસર, તે ભારતના મૂળ વિચારને હાનિ પહોંચાડે છે. આ અથવા કોઈ પણ ચૂંટાયેલી સરકારો, લોકશાહી કરારોને અવગણી ન શકે. તે સંવિધાનથી બંધાયેલી છે, જેને તે ના તો બાજુએ મૂકી શકે કે ના તો ગ્રીક લોકોની જૂની પ્રણાલી મુજબ દેવતાને પૂછીને જવાબ માગી શકે.

લેખિકા સામાજિક કર્મશીલ છે (જેમના કારણે Right to Informationનો કાયદો આવ્યો) અને ભૂતપૂર્વ નાગરિક સેવક છે.

અનુવાદક –  મુનિ દવે

(૧૮મી નવેમ્બર ૨૦૨૧ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માંથી, ટુંકાવીને)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 01-02

“ઇન્ડિયન એક્સપ્રેસ” માંહેનો મૂળ લેખ આ કડી પરે :

https://indianexpress.com/article/opinion/columns/ajit-doval-nsa-fourth-generation-warfare-constitution-7628080/

Loading

ભિખારી પીડિત છે, અપરાધી નહીં કેમ કે ભૂખ ભૂંડી છે, ભીખ નહીં

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 December 2021

ગુજરાત પ્રદેશ ભા.જ.પા. અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર સમારંભમાં વડોદરાના મેયરને શહેરને ગાયો અને ભિખારીઓથી મુક્ત કરવા તાકીદ કરી છે. મધ્ય પ્રદેશ કાઁગ્રેસના મંત્રી મનોજ શુકલે નેરલા વિધાનસભા મત વિસ્તારના મંદિરો બહાર ભીખ માંગતા ડઝનેક મહિલાઓ સાથે ભોપાલની ફાઈવ સ્ટાર હોટેલમાં બપોરનું ભોજન લઈને ભાઈબીજ મનાવી છે. દેશના બે ટોચના  રાજકીય પક્ષોના નેતાઓ ભિક્ષા જેવા સામાજિક કલંકના મુદ્દે કેવો અસંવેદનશીલ અને દેખાડાનો અભિગમ ધરાવે છે, તે આ બે પ્રસંગોમાં જણાઈ આવે છે.

ભરેલા પેટવાળા શહેરી સંપન્નો માટે ભિખારીઓ એક દૂષણ છે. તેમને મન ભિખારી એટલે કોઈ કામ ધંધો કર્યા વિના, વગર મહેનતે ટેસથી જીવન ગુજારો કરતા આળસુ લોકો. જાહેર રસ્તાઓ, ધર્મસ્થળો, પર્યટન સ્થળો જ નહીં છેક ઘર સુધી આવીને ભીખ માંગતા લોકો માટે મોટે ભાગે તેમનું વલણ સહાનુભૂતિનું નહીં, સૂગ અને તિરસ્કારનું હોય છે. વળી તેઓ બે ઘડી ગુસ્સો, ઉપેક્ષા કે તિરસ્કાર વ્યકત કરીને જ અટકી જતાં નથી પણ જાહેર સ્થળોએથી ભિખારીઓને હઠાવવા છેક સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગે છે. જો કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડ અને એમ.આર. શાહની બેન્ચે થોડા મહિના પહેલાં આ બાબતે એલીટ વર્ગના દૃષ્ટિકોણનો છેદ ઉડાડી, માનવીય સંવેદના દર્શાવતો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું હતું કે ભીખ માંગવી એ સામાજિક-આર્થિક સમસ્યા છે. શિક્ષણ અને રોજગારીના અભાવે, આર્થિક વિકાસથી વંચિત લોકો પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા ભીખ માંગવા મજબૂર છે. સમાજને ભિખારીઓ પ્રત્યેનો તેનો દૃષ્ટિકોણ બદલવા જણાવી કોર્ટે સરકાર અને સમાજને સવાલ કર્યો હતો કે આખરે લોકો ભીખ કેમ માંગે છે ? ગરીબીને કારણે જ ને?

સંસારી મોહમાયા ત્યાગી ‘ભિક્ષાન્ન દેહિ’ કહી ભિક્ષા માંગતા સાધુ અને ‘માબાપ બહુ ભૂખ્યો છું’ કહીને બટકુ રોટલાની યાચના કરતા ભિખારી વચ્ચે માત્ર ઐચ્છિક અને અનૈચ્છિક ભિક્ષાનો જ તફાવત નથી. એથી વધુ મોટો તફાવત છે. નિરાધાર, લાચાર, ગંભીર શારીરિક-માનસિક બીમાર, અસાધ્ય રોગનો ભોગ, રોજી ન રળી શકે તેવી વિકલાંગતા, વૃદ્ધાવસ્થા, ગરીબી, બેરોજગારી, દુર્ઘટના, કુદરતી આફત અને વિસ્થાપનનો ભોગ બની સર્વસ્વ ગુમાવી ચૂકેલા લોકો કે જેમની પાસે જીવનગુજારાનું કોઈ સાધન નથી તેઓ ભીખ માંગીને જીવવા મજબૂર છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૪,૧૩,૬૭૦ ભિખારી હતા. તેમાં પુરુષ ૨,૨૧,૬૭૩ અને મહિલા ૧,૯૧,૯૯૭ હતાં. આઘાતજનક બાબત એ પણ છે કે ૨૧ ટકા ભિખારીઓ શિક્ષિત અને વ્યવસાયી પદવી ધરાવનારા છે. તેના પરથી અંદાજ આવે છે કે દેશમાં શિક્ષિત બેકારી કઈ હદની છે. સૌથી વધુ ૮૧,૨૪૪ ભિખારી પશ્ચિમ બંગાળમાં છે. તે પછીના ક્રમે ઉત્તર પ્રદેશ અને  બિહાર આવે છે. ગુજરાતમાં ૧૩,૪૪૫ ભિખારી છે. વડા પ્રધાનના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં દસ હજાર ભિખારીઓ છે. તેમાં આશરે પાંત્રીસ સો બાળકો હોવાનો અંદાજ છે. દેશમાં બાળ ભિક્ષુકોનું મોટું પ્રમાણ ચિંતાનો વિષય બનવું જોઈએ. દેશમાં ઠેરઠેર ભિખારીઓ જોવા મળતાં હોય ત્યારે આખા દેશમાં માંડ ચાર લાખ જ ભિખારી હોવાનો સરકારી આંકડો જરા ય સાચો લાગતો નથી.

દેશના પ્રવર્તમાન કાયદા ભીખને ગુનો ગણે છે. બાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં  ભીખ અટકાવ કાયદા ઘડાયેલા છે. આ તમામ કાયદાનો આધાર ૧૯૫૯નો બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એકટ છે. આ કાયદાઓ ભિખારીઓની દૃષ્ટિએ અમાનવીય છે કેમ કે તેમાં પોલીસ અને પ્રશાસનને ભીખ માંગનારને વગર વોરંટે પકડવાની, પ્રથમવાર પકડાયેલાને ત્રણ વરસની અને બીજી વારનાને દસ વરસની સજાની જોગવાઈ છે. દેશમાં ભીખ અંગે કોઈ કેન્દ્રીય કાનૂન નથી. ભિક્ષા નાબૂદી અને ભિખારીઓનું પુનર્વસન વિધેયક ૨૦૧૮ સંસદમાં પડતર છે.

રાજધાની દિલ્હીમાં ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવા દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૧૮માં વડી અદાલતે તેના ત્રેવીસ પાનાંના ચુકાદામાં ૧૯૫૯ના બોમ્બે ભીખ અટકાવ ધારાની પચીસ કલમોને ગેરબંધારણીય ઠેરવી કાયદાને રદ્દ કરવા આદેશ કર્યો હતો. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ભીખ માંગવી તે અપરાધ નથી અને ભીખ માંગવા બદલ કરાતી સજા ગેરબંધારણીય છે. આ કાયદો બંધારણના અનુચ્છેદ ૧૪ના સમાનતા, અનુચ્છેદ ૧૯ના સ્વતંત્રતા અને અનુચ્છેદ ૨૧ના ધંધા-રોજગારના મૂળભૂત અધિકાર પર તરાપ મારે છે. ભીખ માંગવી તે એક વિવશતા છે. ભૂખ ભાંગવાનો અંતિમ ઉપાય છે.  જો સરકાર લોકોને પેટ ભરવા ખાવાનું મળે તેવી રોજી ન આપી શકતી હોય તે કારણે જો એ ભીખ માંગે તો તેના પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. સામાજિક સુરક્ષા પૂરી પાડવાની રાજ્યની નિષ્ફળતાનું કારણ ભીખ છે. દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી ભિખારીઓને ભીખ માંગીને ભૂખ મિટાવવાની આઝાદી મળી હતી.

જો કે અદાલતોએ ભીખને ધંધો બનાવી બેઠેલા લોકો અંગે કાયદો ઘડવાની સરકારને છૂટ આપી છે. એ સાચું કે કેટલાક લોકો માટે ભિક્ષા એક વૃત્તિ કે વ્યવસાય પણ છે. લોકોની દયા, ધરમ અને કરુણાની વૃત્તિની રોકડી કરી લેવા કેટલાંક તત્ત્વો સક્રિય છે. દર વરસે લગભગ અડતાળીસ હજાર બાળકો ગુમ થાય છે અને તેમાંથી અડધા કદી પરત મળતા નથી ભિક્ષા માફિયા જેવા અવાંછનીય તત્ત્વો અને ગુનાહિત લોકો આવા બાળકોને શારીરિક અપંગ બનાવીને તેમને ભીખના ધંધામાં ધકેલે છે. તેમની પાસે વ્યવસાયિક અને મનોવૈજ્ઞાનિક રસમો અપનાવડાવે છે. ભીખ ન આપતા લોકો સાથે આવી ગેંગના લાચાર ભિખારીઓ ત્રાસદાયક વર્તન કરે છે. તેમને ભીખ ન આપવા બદલ શાપ આપે છે. અપશબ્દો અને ગાળો પણ બોલે છે.

ગુજરાત પાસે તેનો કોઈ સ્વતંત્ર ભીખ અટકાવ કાયદો નથી. તેની અવેજીમાં તેણે ૧૯૫૯નો મુંબઈ સરકારનો કાયદો અપનાવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૦માં ગુજરાત હાઈકોર્ટે સશક્ત લોકોને રોજગાર આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં જાણે કે સરકારે ડાકોર, શામળાજી, પાલિતાણા, ગિરનાર, સિદ્ધપુર, ચાંપાનેર અને બહુચરાજી એ સાત ધાર્મિક સ્થળો પર ભીખ માંગવી પ્રતિબંધિત કરી દીધી છે. પરંતુ ભિખારીઓની આ આર્થિક સમસ્યા ઉકેલવા કે તેમના પુનર્વાસ માટે કોઈ નક્કર પગલાં લીધા નથી. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં બે-બે અને ગાંધીનગરમાં એક મળી આખા રાજ્યમાં નવ ભિક્ષુક ગૃહ આવેલા છે. જે ખૂબ જ અપૂરતા છે.

જ્ઞાનપીઠ પુરસ્કૃત ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલે તેમની જાણીતી નવલકથા ‘માનવીની ભવાઈ’માં લખ્યું છે કે ભૂખ ભૂંડી છે, ભીખ નહીં. ભીખનો ઉકેલ તેના પર પ્રતિબંધ નથી. હર હાથને કામ અને કામના જીવનગુજારો થઈ શકે તેટલા દામ છે. ભૂખ્યાને કે ગરીબને સંતાડી દેવા તે ઉકેલ નથી. તેમના યોગ્ય પુનર્વાસ અને રોજીમાં આ સમસ્યાનો ઉકેલ છે. ભૂખ મિટાવવા ભીખ માંગતા ગરીબોને અપરાધી ઠેરવતી માનસિકતા બદલીને સામાજિક-આર્થિક ન્યાયની કસોટીએ આપણે ખરા ઉતરવાનું છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

બંધારણના ઘડતરમાં ડૉ. આંબેડકરનું અનન્ય પ્રદાન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 December 2021

બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની જહેમતભરી કામગીરીથી તૈયાર થયેલું ભારતનું બંધારણ, બંધારણસભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ પસાર કર્યું હતું. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડો. બાબાસાહેબ આંબેડકરનું બંધારણના ઘડતરમાં અનન્ય પ્રદાન હતું. તેથી તેમના અનુયાયીઓ અને ચાહકો વરસોથી ૨૬મી નવેમ્બરનો દિવસ ‘બંધારણ દિન’ તરીકે મનાવે છે. બાબાસાહેબના જન્મના સવાસોમા વરસ, ૨૦૧૫થી, કેન્દ્ર સરકારના આદેશ મુજબ હવે સરકારી રાહે રાષ્ટ્રીય કક્ષાએ ‘બંધારણ દિન’ ઉજવાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં જણાવ્યું હતું તેમ, આ દિવસની ઉજવણીનો સરકારનો ઉદ્દેશ બંધારણ પ્રત્યે તો લોકોમાં જાગૃતિ કેળવવાનો છે જ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના અણમોલ પ્રદાન પ્રત્યે પણ લોકોને  જાગ્રત કરવાનો છે.

ડૉ. આંબેડકર માટે દલિતોના અધિકારો માટે લડવાનું અંતિમ ક્ષેત્ર બંધારણસભા હતું. પરંતુ કાઁગ્રેસ તેમના બંધારણસભા પ્રવેશમાં મુખ્ય અવરોધક હતી. બંધારણસભાના સભ્યોની પરોક્ષ ચૂંટણી પ્રાંતિક ધારાસભાઓ મારફત થતી હતી. મુંબઈ ધારાસભામાં ડૉ. આંબેડકરની ઉમેદવારીને સમર્થન આપનાર કોઈ નહોતું. એટલે બંગાળમાંથી તેઓ બંધારણસભાના સભ્ય બન્યા હતા.

ભાગલા પૂર્વેના અખંડ ભારતની બંધારણસભાની પ્રથમ બેઠક ૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ મળી હતી. તેમાં મુસ્લિમ લીગ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા નહોતા. તેમની ગેરહાજરીમાં બંધારણસભાનું કામ થોડો સમય મુલત્વી રાખવા ડૉ. એમ.એમ. જયકરે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવની તરફેણ અને વિરુદ્ધમાં ઘણી દલીલો થઈ હતી. ડૉ. આંબેડકરે પણ પોતાનું પ્રથમ પ્રવચન બંધારણસભાના પ્રમુખની વિનંતીથી આ વિષયે આપ્યું હતું. ડો. આંબેડકરના જીવનચરિત્રકાર ધનંજય કીરે લખ્યું છે. ‘વિશાળ મસ્તક, મક્કમતાથી ભીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ ઊભું થયું. અત્યંત ગંભીરતાથી, ભાષા પરના અમર્યાદિત પ્રભુત્વ અને હિંમત સાથે ડો. આંબેડકરે પ્રવચન આપ્યું.’ બૌદ્ધિક તટસ્થતા અને વાસ્તવિકતાના રણકાર સાથેના એ પ્રથમ પ્રવચનથી જ બાબાસાહેબે બંધારણસભાના સભ્યો પર અમીટ છાપ પાડી હતી.

૧૫મી જુલાઈ ૧૯૪૭ના રોજ બ્રિટનની સંસદમાં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં ભારતની બંધારણ સભા સાર્વભૌમ બની. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત પાકિસ્તાનના ભાગલા સાથે દેશ આઝાદ થયો. બંગાળના ભાગલાને કારણે બંગાળના સભ્યોની સંખ્યા ઘટતાં ડૉ. આંબેડકર બંધારણસભાના સભ્ય મટી ગયા.

આઝાદ ભારતના બંધારણના ઘડતર માટે જ્યારે દેશ નેતાઓ બ્રિટિશ બંધારણવિદ આયવરી જેનિંગ્સ પર નજર માંડી બેઠા હતા ત્યારે ગાંધીજીએ ‘ઘર આંગણે આંબેડકર છે ને’ એવો આદેશ કરેલો. ડૉ. આંબેડકરને બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટી લાવવાની જવાબદારી સરદાર પટેલના શિરે મૂકાઈ હતી. મુંબઈમાં જયકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર તેમને ચૂંટી લાવવા સરદારે તે સમયના મુખ્ય મંત્રી બી.જી. ખેરને પત્ર લખી જણાવ્યું હતું કે, ‘તમારે ૧૪મી ઓગસ્ટ પહેલાં ડૉ. આંબેડકરને જીતાડવાની વ્યવસ્થા કરવાની છે.’ (સરદાર પટેલ પત્રવ્યવહાર, ખંડ-૫, પૃષ્ઠ-૧૩૯) મુંબઈ  વિધાનસભામાંથી કાઁગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણસભાના સભ્ય બન્યા હતા.

નવમી ડિસેમ્બર ૧૯૪૭ના રોજ સ્વતંત્ર ભારતની બંધારણસભાની પ્રથમ બેઠક મળી હતી. બંધારણનો મુસદ્દો ઘડનારી સાત સભ્યોની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. આંબેડકરની વરણી થઈ અને તેને કારણે સંવિધાનના નિર્માણનું મુખ્ય કાર્ય તેમના શિરે આવ્યું. ‘માત્ર દલિતોના હિતોની હિફાજત માટે જ હું સંવિધાનસભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો.’ આમ કહેનાર ડૉ. આંબેડકરે ભાંગતી તબિયતે અપાર મહેનત અને લગનથી બંધારણના ઘડતરનું કામ કરીને બંધારણના મુખ્ય ઘડવૈયા બન્યા હતા. બંધારણસભાની વિવિધ સમિતિઓ અને સમગ્ર બંધારણસભામાં ભિન્નભિન્ન રાજકીય વિચારધારાના સભ્યોની સામેલગીરી અને ખુદ મુસદ્દા સમિતિના સભ્યોના અન્યત્ર રોકાણો છતાં ભારે ધીરજ અને કુનેહથી ડૉ. આંબેડકરે કામ કર્યું. મુસદ્દાની એક એક કંડિકાઓ પર વિચારવિમર્શ કરી સર્વસંમતિ ઊભી કરવાનું કપરું કામ તેમણે કર્યું હતું. બંધારણસભાના બાર અધિવેશનો અને સમિતિઓની અનેક બેઠકો યોજાઈ હતી. બંધારણના મુસદ્દામાં ૭,૬૩૫ સુધારા સૂચવાયા હતા અને ચર્ચાઓના અંતે ૨,૪૭૩ સ્વીકારાયા હતા. અંતે ૨૨ ભાગ, ૩૯૫ અનુચ્છેદ અને ૧૨ પરિશિષ્ઠ સાથેનું બંધારણ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ પસાર થયું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી તેનો અમલ થયો.

અંતિમ બેઠકમાં ડૉ. આંબેડકરના અદ્દભુત, અતુલનીય અને અણમોલ કામની સરાહના કરતાં બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું, ‘બંધારણસભાની મુસદ્દા સમિતિના કાર્યનું હું પ્રત્યેક દિવસે નિરીક્ષણ કરતો આવ્યો છું. મુસદ્દા સમિતિના સભ્યોએ જે ઉત્સાહ, ચીવટ અને નિષ્ઠાથી આ કાર્ય પૂર્ણ કર્યું છે તેની ખાતરી બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં મને સવિશેષ છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકરે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. આપણે સાત સભ્યોની મુસદ્દા સમિતિમાં નિમણૂક કરી હતી. એક સભ્યે રાજીનામું આપી દીધું અને તે બેઠક કદી ભરવામાં ન આવી. એક સભ્યનું મૃત્યુ થયું અને તે બેઠક પણ ખાલી રહી. એક સભ્ય અમેરિકા ચાલ્યા ગયા અને તેમની બેઠક પણ ખાલી રહી. બીજા એક સભ્ય દેશી રજવાડાંના પ્રશ્નમાં ગૂંચવાયેલા રહ્યા. એટલે વાસ્તવિક રીતે તો તે તે બેઠક પણ ખાલી જ હતી. એક બે સભ્યો આરોગ્ય અને બીજા કારણસર હાજર રહેતા નહોતા. એટલે બંધારણ ઘડવાની સમગ્ર જવાબદારી ડૉ. આંબેડકરના માથે જ આવી પડી હતી. અને તેમણે આવી પરિસ્થિતિ છતાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. આ બંધારણસભા તે માટે તેમની ઋણી છે.’ બંધારણસભાના ઘણાં સભ્યોએ પણ બાબાસાહેબના યોગદાનને મુક્ત રીતે બિરદાવ્યું હતું.

ડૉ. આંબેડકર દલિતોના હક અને હિત માટે બંધારણસભામાં આવ્યા હતા. બંધારણસભાને પોતાના સંગઠન ‘શિડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન’ તરફથી બંધારણમાં સમાવવાના દલિતોના અધિકારોનું આવેદનપત્ર, બંધારણની કલમો પ્રમાણે તેમણે આપ્યું હતું. ‘સ્ટેટ એન્ડ માઈનોરિટી’ તરીકે ગ્રંથસ્થ એ આવેદનપત્રની, ડૉ. આંબેડકરના સમગ્ર જીવનકાર્યના એજન્ડા સમી, એ માંગણીઓમાંથી કેટલીક જ બંધારણમાં સમાવવામાં આવી છે ! જો કે ડૉ. આંબેડકર દલિતોને અનામત સહિતના અધિકારો અપાવી, આભડછેટની નાબૂદી બંધારણ મારફત કરાવી શક્યા છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજના આદર્શની સદંતર અવહેલના કરી તેમણે બંધારણના કેન્દ્રમાં ગામડાંને નહીં વ્યક્તિને મૂક્યો છે. પંચાયતી રાજને માર્ગદર્શક સિદ્ધાન્તોમાં સમાવી દલિતોને રંજાડનાર ગામડાં અને પંચાયતોને તેમણે મહત્ત્વ આપ્યું નહોતું. ભારતના બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા સાથે બંધુત્વ બાબાસાહેબની દેન છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય પુખ્ત વયના તમામ નાગરિકોને બંધારણ થકી મતદાનનો અધિકાર મળ્યો તેમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. બંધારણ દિને બંધારણીય મૂલ્યોનાં સ્મરણ સાથે તેના શિલ્પીને પણ યાદ કરીએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,7051,7061,7071,708...1,7201,7301,740...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved