Opinion Magazine
Number of visits: 9552846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—316 

દીપક મહેતા|Opinion - Opinion|23 November 2025

ટાઉન હોલ બંધાતાં પહેલાં : કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય         

કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય,

વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,

પણ પાછો હેઠો પડ્યો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર,

પણ તેમાં નહિ ફાવતાં, ફરી થયો તૈયાર.

ઓગણીસની સદીમાં જ લખાયેલી કવિ દલપતરામની આ પંક્તિઓ એ જ જમાનાના મેકિનટોશ કે ગવર્નર ડંકન, કે મુંબઈના બીજા કોઈ અંગ્રેજ અમલદારોએ તો ક્યાંથી વાંચી-સાંભળી હોય? પણ હાથમાં લીધેલું કામ પાર પાડવાની ધગશ તો તેમનામાં હતી જ. બીજી લોટરી રદ્દબાતલ થઈ, આવેલા પૈસા પાછા આપી દેવા પડ્યા, એટલે ‘જેવી ભગવાનની મરજી’ એમ કહી હાથ ઊંચા કરી શક્યા હોત. પણ ના. બીજી લોટરી રદ્દ કરવી પડી તે પછી થોડા દિવસોમાં જ ટાઉન હોલની દરખાસ્ત કરનારી મુંબઈવાસી અંગ્રેજોની સમિતિના સેક્રેટરી મિસ્ટર અર્સકીને ગવર્નરને કાગળ લખ્યો. આ સમિતિએ ટાઉન હોલનું મકાન બાંધવા માટેના પ્લાન મોકલવાની જાહેર વિનંતી કરી હતી. તેના જવાબમાં જે પ્લાન મળેલા તેમાંથી સમિતિએ લેફ્ટનન્ટ હોકિન્સનો પ્લાન પસંદ કર્યો છે, જે અમે આ સાથે આપને મોકલીએ છીએ. આ પ્લાન જો આપ મંજૂર કરો તો અમારે આપને ખાસ વિનંતી કરવાની કે ટાઉન હોલના બાંધકામ માટે ફાળવેલી જગ્યાની સાફસફાઈનું કામ શરૂ કરવાની મંજૂરી આપવાની મહેરબાની કરશો.

બોમ્બે ગ્રીન, ૧૭૬૭માં

પણ કેવી હતી એ જમીન, જે ટાઉન હોલ બાંધવા માટે ફાળવવામાં આવી હતી? આજે હોરનિમન સર્કલ તરીકે ઓળખાતા એ વખતના કોટન ગ્રીનના એક ખૂણામાં હતી એ જમીન. એક જમાનામાં ત્યાં કાચાં-પાકાં ગોડાઉન હતાં જેમાં બ્રિટન મોકલતાં પહેલાં કોટનની ગાંસડીઓ રાખવામાં આવતી હતી. પણ છેલ્લા કેટલાક વખતથી તેનો આ કામ માટે ઉપયોગ થતો નહોતો. અને જમીનનો એ પ્લોટ ઉકરડા જેવો બની ગયો હતો. ફાટેલી તૂટેલી શણની ગાંસડીઓ, ખરાબાવાળો કપાસ, કટાઈ-તૂટી ગયેલા ગાંસડી તોળવા માટેના મસ મોટા કાંટા, વગેરે ત્યાં ખડકાયાં હતાં. વળી રાતને વખતે ગંજેરી-ભંગેરીઓ તેનો ઉપયોગ પોતાના ‘વ્યવસાય’ માટે કરતા, અને દિવસે આસપાસના લોકો પોતાનો કચરો ત્યાં ઠાલવતા.

આવી જમીનને સાફ-સૂથરી કરી તેના પર મકાન બાંધવું એ કામ બહુ સહેલું તો નહોતું જ. એટલે સમિતિએ સરકારને વિનંતી કરી કે જેમણે આ મકાનનો પ્લાન બનાવ્યો છે તે લેફ્ટનન્ટ હોકિન્સને જ બાંધકામ પર દેખરેખ રાખવાનું કામ પણ સોંપવામાં આવે. અગાઉ જજ મેકિનટોશ સાથેની વાતચિત દરમ્યાન હોકિન્સ એ માટે તૈયાર પણ થયા હતા. 

પણ પછી શું થયું એ તો જિસસ જાણે, પણ સમિતિને આપેલા જવાબમાં સરકારે લખ્યું કે સરકાર સાથેની વાતચીત દરમ્યાન લેફ્ટનન્ટ હોકીન્સે જણાવ્યું છે કે બીજાં કેટલાંક કામોને કારણે ટાઉન હોલના બાંધકામ પર નજર રાખવાની જવાબદારી તેઓ સંભાળી શકે તેમ નથી. ફરી, પડદા પાછળ શું થયું હશે એની આપણને ખબર નથી. પણ ચાર મહિના પછી, ૧૮૧૪ના માર્ચની ૨૫મી તારીખે સરકારે એક પત્ર લખી સમિતિને જણાવ્યું કે અત્યાર સૂધી લેફ્ટનન્ટ હોકિન્સ જે કામમાં રોકાયેલા હતા તે કામ હવે પૂરું થવા આવ્યું છે અને તેના પર તેઓ દેખરેખ રાખે એ અનિવાર્ય નથી. એટલે તમારી અગાઉની વિનંતી સ્વીકારીને અમે તેમને ટાઉન હોલના મકાનના બાંધકામ પર દેખરેખ રાખવાની જવાબદારી સંભાળવા અંગે મંજૂરી આપીએ છીએ. અલબત્ત, બીજા કોઈ પણ કામ માટે જો અને જ્યારે સરકારને તેમની સેવાઓની જરૂર પડે તો સમિતિએ તેમને તાત્કાલિક છૂટા કરવા પડશે. 

પણ મુંબઈ સરકારની મંજૂરી મળે એટલે ‘ગંગા નહાયા’ એવું એ વખતે નહોતું. હવે આખો મામલો ગયો લંડનમાં બેઠેલા કંપની સરકારના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે. મુંબઈ સરકારે લાંબો લચક ખરીતો બનાવીને મોકલ્યો લંડન. ટાઉન હોલના મકાનના બાંધકામ માટે અત્યાર સુધીમાં રૂપિયા ૧,૧૧,૮૭૦ જેટલી રકમ ભેગી થયેલી હોવાનું તેમાં જણાવ્યું હતું. એની વિગતો જોતાંવેત ડિરેક્ટરોએ મુંબઈ સરકારનો ઉધડો લઈ નાખ્યો : રૂપિયા ૧,૧૧,૮૭૦ જેટલી જે રકમ એકઠી થઈ હોવાનું તમે જણાવ્યું છે તેમાં મુંબઈ સરકારે આપેલા દસ હજાર રૂપિયા જેવડી મોટી રકમનો પણ સમાવેશ થાય છે. આવી મોટી રકમ અમારી મંજૂરી વગર તમે આપી જ કઈ રીતે શકો? જવાબમાં મુંબઈ સરકારે લખ્યું કે ફલાણી તારીખે લખેલા પત્ર દ્વારા આપની મંજૂરી અમે મગાવી હતી, અને એ મળી જશે એમ માનીને અમે એ રકમ આ કામ માટે ફાળવી હતી, પણ હજી ચૂકવી નથી. સામો જવાબ મળ્યો : આ માટે અમારી મંજૂરી માગતો પત્ર તમે ૧૮૧૨ના જુલાઈની પહેલી તારીખે અમને લખ્યો હતો. પણ તમારા હિસાબ જોતાં જણાય છે કે તમે તો એ દિવસ પહેલાં જ એ રકમ ફાળવી દીધી હતી! ભવિષ્યમાં કોઈ પણ કામ માટે સરકારી મદદ આપતાં પહેલાં અમારી મંજૂરી અગાઉથી લેવાનું અનિવાર્ય છે એની નોંધ લેશો. આ ટાઉન હોલના બાંધકામ પાછળ તમે આપેલા દસ હજાર રૂપિયાની રકમ અમે અપવાદ રૂપે મંજૂર કરીએ છીએ, પણ હવે પછી આ ટાઉન હોલ બાંધવા પાછળ કે તે બંધાઈ રહ્યા પછી તેની સજાવટ કે જાળવણી કે બીજી કોઈ પણ બાબત અંગે જે કોઈ પણ ખર્ચ થાય એ માટે મુંબઈ સરકારે એક કાણો પઈસો પણ આપવો નહિ એવો અમે આદેશ આપીએ છીએ. 

પણ આના કરતાં પણ વધુ આકારો ઘા તો લંડનના પત્રના હવે પછીના ભાગમાં હતો.

તેમાં લખ્યું હતું કે તમારા એન્જિનિયરના રિપોર્ટમાં જણાવ્યું છે કે  બોમ્બે ગ્રીનના એક ખૂણામાં ટાઉન હોલનું મકાન બંધાવાથી કંપની સરકારના હિતને કોઈ રીતે હાનિ પહોંચી શકે તેમ નથી. તેમની અ વાત સાથે અમે સહમત થઈ શકતા નથી. ૧૮૦૬ના મે મહિનાની બીજી તારીખે અમે તમને એક વિગતવાર પત્ર મોકલ્યો હતો. તેના ૧૪૪મા પેરેગ્રાફમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બોમ્બે ગ્રીનનો આખો વિસ્તાર કોઈ પણ ઈમારત વગરનો જ રહેવો જોઈએ. આવું ઠરાવવા પાછળનું કારણ પણ અમે જણાવ્યું હતું : કોઈ પણ વખતે કટોકટી કે આફત આવી પડે અને મુંબઈમાંના કંપની સરકારના આખેઆખા લશ્કરને એક જ ઠેકાણે ભેગું કરવાની જરૂર પડે, તો તેમ કરી શકાય એવી આખા કોટ વિસ્તારમાં એક જ એવી જગ્યા છે : બોમ્બે ગ્રીન. લેફ્ટનન્ટ કર્નલ એટકિન્સે બોમ્બે ગવર્મેન્ટના સેક્રેટરી ન્યૂનહામને લખેલા પત્રમાં આ મકાન બાંધવા માટેની સંભવિત જગ્યાનો નકશો મોકલ્યો હોવાનો ઉલ્લેખ છે, પણ એ નકશો અમારા જોવામાં આવ્યો નથી. એટલે તમે સૂચવેલ જગ્યાએ ટાઉન હોલનું મકાન બાંધવાથી બોમ્બે ગ્રીનને અને તેથી કંપની સરકારનાં હિતને કેટલી હાનિ થશે એ અમે જાણી શકતા નથી. આ બાબત અંગે અમને પૂરેપૂરી ખાતરી ન થાય ત્યાં સુધી ટાઉન હોલ માટેનું મકાન બાંધવાની મંજૂરી આપી શકાય નહિ. 

લંડનમાં બેઠેલા હાકેમોના આ જવાબથી પહેલાં તો બોમ્બે ગવર્નમેન્ટના અધિકારીઓ ડઘાઈ ગયા. પછી તપાસ કરતાં જણાયું કે ટાઉન હોલની જગ્યા દર્શાવતો નકશો લંડન મોકલવાનું સરતચૂકથી રહી ગયું હતું. એટલે મુંબઈ સરકારે લંડનના હાકેમોને લખ્યું કે અગાઉ સરતચૂકથી જે નકશો મોકલવાનો રહી ગયો હતો તે આ સાથે અમે આપને મોકલીએ છીએ. તેના પરથી આપ જોઈ શકશો કે અમે જે જગ્યાએ ટાઉન હોલનું મકાન બાંધવાની દરખાસ્ત કરી છે તે જગ્યાની એક બાજુ મિન્ટ કહેતાં ટંકશાળ બાંધવાની અને બીજી બાજુ બોમ્બે ફોર્ટના ચોકિયાતો માટેની ઈમારત બાંધવાની મંજૂરી આપે અગાઉ આપી છે. અમે જ્યાં ટાઉન હોલનું મકાન બાંધવા માગીએ છીએ તે જગ્યા આ બે ઈમારતની વચ્ચે આવેલી છે. આ રીતે ત્રણ ઈમારત એક લાઈનમાં બાંધવાથી ઓછામાં ઓછી ૨૦૦ ફૂટ જેટલી ખુલ્લી જગ્યા બોમ્બે ગ્રીનમાં ઉમેરાશે. એટલે જ્યારે આ ત્રણે ઈમારત બંધાઈ રહેશે ત્યારે બોમ્બે ગ્રીનની શોભા વધવા ઉપરાંત લશ્કરી હેતુઓ માટે ઓછી નહિ, પણ વધુ જગ્યા મળી રહેશે. 

કર્નલ કાઉપરે બનાવેલી ટાઉન હોલની ડિઝાઈન

વળી અત્યારે લિટરરી સોસાયટીએ એકઠાં કરેલાં પુસ્તકો, મૂર્તિઓ, ચિત્રો, વગેરે જુદે જુદે સ્થળે ધૂળ ખાતાં પડ્યાં છે. વીસ હજાર પાઉન્ડને ખર્ચે તૈયાર થયેલાં કોર્નવોલીસ, મિસ્ટર પિટ, અને વેલેસ્લીનાં પૂતળાં અત્યારે ગોડાઉનમાં ધૂળ ખાતાં પડ્યાં છે. જો ટાઉન હોલનું મકાન બંધાય તો સોસાયટીએ ભેગા કરેલા અમૂલ્ય સંગ્રહને, અને આ ત્રણે પૂતળાંને કાયમી રહેઠાણ મળી રહેશે. વળી અમે જે વિગતવાર દરખાસ્ત આપને મોકલી હતી તેને આધારે અમને આપની મંજૂરી મળી રહેશે એવી અમને આશા જ નહિ, ખાતરી હતી. એટલે ટાઉન હોલના મકાનના બાંધકામ માટે રચાયેલી સમિતિએ જરૂરી એવી કેટલીક વસ્તુઓ ૮૦ હજાર રૂપિયાના ખર્ચે ગ્રેટ બ્રિટનથી મગાવવાનો ઓર્ડર આપી દીધો છે એટલું જ નહિ, તેમાંની કેટલીક વસ્તુઓ તો મુંબઈ પહોંચી પણ ગઈ છે. છેવટે મુંબઈ સરકારે ઉમેર્યું : અમને ખાતરી છે કે આપે જે વાંધા અને વિરોધ દર્શાવ્યા છે તે અધૂરી અને અપૂરતી માહિતીને કારણે છે. એક વાર આપ સાચી હકીકતથી વાકેફ થશો પછી અમે માગેલી પરવાનગી આપવામાં આપને કશું વાંધાજનક નહિ લાગે એની અમને ખાતરી છે.

ટાઉન હોલના મકાનમાંની તકતી

આ રુક્કાના જવાબમાં લંડનમાં બેઠેલા માંધાતાઓએ જણાવ્યું કે તમે જે ખુલાસા મોકલ્યા છે અને ચીફ એન્જીનિયરે બનાવેલો જે નકશો મોકલ્યો છે તે જોયા પછી અમે એવા નિર્ણય પર આવ્યા છીએ કે ટાઉન હોલનું મકાન બાંધવા માટે જે જગ્યા સૂચવવામાં આવી છે તે જગ્યા બોમ્બે ગવર્નમેન્ટ પચાસ વરસ માટે લીઝ પર આપે તો તે સામે અમને વાંધો નથી. લીઝ પેટે રકમ લેવી કે નહિ, અને લેવી તો કેટલી, એ બોમ્બે ગવર્નમેન્ટ નક્કી કરશે. પણ ગ્રેટ બ્રિટનમાં અત્યારે પ્રવર્તતા કાયદા પ્રમાણે પચાસ વરસને અંતે જમીન અને તેના પર બંધાયેલી ઈમારત આપોઆપ કંપની સરકારની માલિકીની બની જશે.

લંડનમાં આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઓફિસનું ચિત્ર 

ચાલો. એક મોટી ઘાત તો માંડ ટળી. પણ મકાન બાંધવા માટેનાં ફદિયાંનું શું? ટાઉન હોલ બાંધવા માટેની અંગ્રેજોની સમિતિએ ફરી એક વાર લોટરી કાઢવાની મંજૂરી મુંબઈ સરકાર પાસે માગી. પણ આ વખતે કુલ ટિકિટ ફક્ત ૧,૫૦૦, પહેલું ઇનામ રૂપિયા ત્રીસ હજાર. બીજાં ૩૩૬ ઇનામ. ત્રણ હજારનો ખરચ બાદ કરતાં સાફી આવક રૂપિયા ૧,૨૦,૦૦૦. સાથોસાથ લોટરીની રકમ એકઠી થાય તેની રાહ જોયા વગર ટાઉન હોલના મકાનનું બાંધકામ શરૂ કરવાની પરવાનગી સમિતિએ બોમ્બે ગવર્નમેન્ટ પાસે માગી. બંધાનારા મકાનનો મેજર કાઉપરે તૈયાર કરેલો  આરાખડો પણ સાથે મોકલ્યો. (જે અહીં મૂક્યો છે.)

પ્રિય વાચક! વિધિની કેવી વિચિત્રતા! ખાંખાંખોળાં કરવાથી ટાઉન હોલ અંગે આટલી બધી હકીકત જાણવા મળે છે, પણ તેના મકાનનું ખાતમુરત કયે દિવસે થયું, કોને હાથે થયું, એ વિષે કશું જ જાણવા મળતું નથી!. એ મકાનમાં ચોડેલી તકતીમાં પણ એટલું જ જણાવ્યું છે કે કર્નલ થોમસ કાઉપરે તૈયાર કરેલ ડિઝાઈન પ્રમાણે આ મકાનનું બાંધકામ ઈ.સ. ૧૮૨૧માં શરૂ થયું હતું અને ઈ.સ. ૧૮૩૩માં પૂરું થયું હતું.

આ તો જાણે બાર વરસે બાવો બોલ્યો! પણ એવું થયું કેમ? એની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 23 નવેમ્બર 2025

Loading

બિહાર ચૂંટણીમાં મહિલા : તુષ્ટિકરણ અને સશક્તિકરણ

નેહા શાહ|Opinion - Opinion|22 November 2025

નેહા શાહ

પાછલા એક વર્ષમાં થયેલ વિધાનસભા ચૂંટણીઓમાં લગભગ બધે જ સત્તા પક્ષને જ પાછી સત્તા મળી છે. મોટાભાગના રાજ્યોમાં મહિલાઓ માટે જાહેર કરાયેલ નાણાંકીય સહાયની ચૂંટણી પરિણામ પર નિર્ણાયક રહી છે. મહિલા મતદારોને આકર્ષવા મધ્ય પ્રદેશની લાડલી બહન યોજના, મહારાષ્ટ્રની માઝી લાડલી બહન યોજના, કર્ણાટકની ગૃહ લક્ષ્મી યોજનાની જેમ બિહારમાં પણ મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાની ભૂમિકા ચૂંટણી પરિણામની દિશા નક્કી કરવામાં નિર્ણાયક બની રહી. બિહારમાં મહિલા મતદાતાઓની સંખ્યા ૩.૫ કરોડ છે, એટલે કે લગભગ પચાસ ટકા. દરેક રાજકીય પક્ષ આટલા મોટા વર્ગને રીઝવવાના પ્રયત્ન કરતા રહે છે. જે સત્તામાં હોય એને ફાયદો વધારે મળે – જે વાયદો કરે એની યોજના બનાવીને ચૂંટણી ટાણે જ અમલમાં પણ મૂકી દે. એવું જ ‘દસ હજારી’ યોજનામાં થયું. મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ આર્થિક-સામજિક રીતે પછાત વર્ગોની ૨.૭૭ કરોડ મહિલાઓને દસ હજાર રોકડનો લાભ સ્વ-રોજગાર ઊભો કરવા માટે મળ્યો. 

બે દાયકાનો ઇતિહાસ બતાવે છે કે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધી છે. બિહાર જેવા રાજ્યમાં તો નોંધપાત્ર રીતે વધી છે. પાછલા દોઢ દાયકામાં મહિલા મતદાતાનું પ્રમાણ પુરુષો કરતાં સતત ઊંચું રહ્યું છે. ૨૦૨૦ની ચૂંટણીની સરખામણીએ ૨૦૨૫માં ૪.૪ કરોડ વધુ મહિલા મતદાતા હતી અને પુરુષોની સરખામણીએ ૮.૮ ટકા વધુ મતદાન કર્યું ! એક સમયે મહિલાઓને  મતદાન મથક સુધી લાવવી એ પડકાર હતો. વળી, પતિ કે કુટુંબના મોભીની છાયામાંથી બહાર આવીને એ પોતાનો આગવો નિર્ણય લે એ શક્ય લાગતું ન હતું. હવે, સમયની સાથે મહિલાઓ પોતાનો આગવો આભિપ્રાય વ્યક્ત કરે છે, એની આકાંક્ષા છે અને મતાધિકારનું મહત્ત્વ એ જાણે છે. મહિલાઓ બહાર આવી રહી છે અને ભારપૂર્વક પોતાનો હક દાવો રજૂ કરી રહી છે, તેમના મત ચૂંટણીના પરિણામ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ સત્તાધીશ પક્ષ રોકડ સહાય દ્વારા એમને આકર્ષે છે. 

એ વાતમાં કોઈ શક નથી કે મહિલાઓમાં નીતીશ કુમારની લોકપ્રિયતા માત્ર આ દસ હજાર રૂપિયા પૂરતી મર્યાદિત નથી. બિહારમાં દારુબંધી આવી એને કારણે ઘરેલું હિંસા ઘટી તેમ જ બચત વધી જેનો ફાયદો સ્ત્રીઓની જિંદગી પર સીધો પડ્યો. આ ઉપરાંત પંચાયતી રાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અને સરકારી નોકરીઓમાં ૩૫ ટકા અનામત લાગુ થયું જેને કારણે તેમની રાજકીય ભાગીદારી અને આર્થિક તકોમાં ઘણો સુધારો થયો. આ ઉપરાંત સ્વ સહાય જૂથો ઊભા થયા જેનો કરોડો ગરીબ મહિલાઓને ફાયદો થયો. એટલે, જમીન પર કામ કરનારા અનેક રાજકીય વિશ્લેષકો કહેતા હતા કે જ્ઞાતિ-વર્ગથી ઉપર ઊઠીને મહિલા મત નીતીશકુમારની તરફેણમાં જશે. આમ છતાં ‘દસ-હજારી’ જેવી યોજના – જેનો અમલનો હેતુ વિકાસ નહિ પણ રાજકીય હતો એટલે એની નૈતિકતા અંગે ચર્ચા થવી જ જોઈએ. પૈસા ટ્રાન્સફર કરવાથી મહિલાઓને ભલે મદદ મળી હોય પણ ચૂંટણીની છેલ્લી ઘડીઓમાં મહિલાઓના  સ્વરોજગારના નામે દસ હજાર રૂપિયાની આર્થિક મદદની યોજનાની જાહેરાત કરવી અને આચાર સંહિતા લાગુ પડ્યા પછી લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા થાય અને ચૂંટણી પંચ આ અંગે મૌન રહે તો ચૂંટણીની નિષ્પક્ષતા અંગે સવાલ ઊઠવા વાજબી છે.  

સરકાર દ્વારા અપાતી રોકડ સહાયના સારાં અને નરસાં બંને પાસાં છે. જેનો ઉલ્લેખ ‘રેવડી’ તરીકે થાય છે તેવા ખર્ચનું ભારણ સરકારી તિજોરી પર પડે છે. એનો લાભ સામાન્ય રીતે આર્થિક અને સામજિક રીતે નબળા વર્ગને મળતો હોય છે એટલે ‘ટેક્સ પેયર’ને આ ભાર પોતાના માથે લાગે છે. સરકારના નિરર્થક ખર્ચ સામે સવાલ થવા પણ જોઈએ. પણ, હકીકત એ છે કે કહેવાતું મુક્ત બજાર સૌને સરખી તક નથી આપતું. વિકાસના આ તબક્કામાં સમાજના ઘણાં વર્ગોને રાજ્ય તરફથી ટેકાની જરૂર છે. જ્યારે આવી યોજના મહિલા લક્ષી હોય તો સામાજિક અને આર્થિક બંને પક્ષે  ફાયદા થઇ શકે છે. લોકોની સહાય માટે કરેલ ખર્ચની લાંબા ગાળાની અસર વિકાસ લક્ષી હોઈ શકે છે જો એની પાછળ યોગ્ય આયોજન હોય તો. દા.ત. કર્ણાટક સરકારની મહિલા સશક્તિકરણ માટેની પાંચ યોજનાની અસર અંગે તાજેતરમાં બહાર આવેલા અભ્યાસો બતાવે છે કે બસમાં મફત મુસાફરીને કારણે તેઓ કામની શોધમાં દૂર સુધી પ્રવાસ કરે છે, મફત રેશન અને દર મહીને આવતા બે હજાર રૂપિયાની મદદથી કુટુંબના પોષણનું સ્તર સુધર્યું છે તેમ જ ૨૦૦ યુનિટ સુધીની મફત વીજળીને કારણે જીવનધોરણ ઊંચું આવતું દેખાય છે, કન્યા શિક્ષણ પર મહિલાઓના રોજગાર પર પણ અસર દેખાય છે. જો મહિલાઓમાં રોજગાર સુધરશે તો રાજ્યની આવકમાં(જી.ડી.પી.)માં પણ સુધારો થશે. પણ, કોઈ યોગ્ય આયોજન વગર રાતોરાત એક જ વખત માટે હાથમાં આવેલ દસ હજાર જેટલી નાનકડી રકમનો ઉપયોગ સ્વરોજગાર ઊભો કરવા માટે થશે એવું માની લેવું પણ હાસ્યાસ્પદ છે. બિહારની નવી ચૂંટાયેલી સરકારે આ યોજના પાછળની તેમની દૃષ્ટિ સમજાવવી રહી, ત્યાં સુધી એ સવાલોના નિશાન પર રહેશે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

BLOને BLOW …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 November 2025

રવીન્દ્ર પારેખ

સ્કૂલો, SMC અને આંગણવાડીનાં કાર્યકરોને BLO(બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીમાં જોતરાતા ઊહાપોહ થઈ રહ્યો છે ને BLOને ‘BLOW’ પડ્યો હોય તેમ સૌ ડઘાયેલા છે. બધાંને જ કોઈને કોઈ પ્રકારનો વાંધો પડ્યો છે. તેમાં કામગીરીમાં ગેરહાજરી સંદર્ભે ધરપકડનાં વોરંટ નીકળતાં શૈક્ષિક સંઘોએ પણ વિરોધ કર્યો છે ને સંપૂર્ણપણે વોરંટ બંધ થાય એવી માંગણી કરી છે. શિક્ષકો, કારકૂનો, કાર્યકરો BLOની કામગીરીમાં જોડાતા જે તે સંસ્થાઓની કામગીરીઓ ટલ્લે ચડી છે. વર્ગોમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વગર અટવાયા કરે એવી સ્થિતિ ઊભી થઈ છે. શિક્ષકો કામગીરીમાં હોવાને લીધે એક શિક્ષકે એકથી વધુ વર્ગો સંભાળવા પડે છે. ઓફિસોમાં આવનારા લોકોનાં કામ કર્મચારીની ગેરહાજરીને કારણે થતાં નથી અથવા તો એકથી વધુ ધક્કા પછી થાય છે.

આ સમસ્યાઓ ગુજરાતમાં જ સર્જાઈ છે એવું નથી. દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIR(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી ચાલી રહી છે અને BLO અનેક દબાણો અને સંજોગો વચ્ચે કામગીરી કરી રહ્યા છે. કેરળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં BLOએ આત્મહત્યા કર્યાના તો ક્યાંક આત્મહત્યાના પ્રયાસના સમાચારો પ્રગટ થયા છે. મોડે સુધી કામગીરી પહોંચતી હોવાથી મહિલા BLOને છેડછાડના અનુભવો પણ થઈ રહ્યા છે, એ ઉપરાંત તેમને કુટુંબ, બાળકો તરફ પૂરતું ધ્યાન આપવામાં ય મુશ્કેલીઓ ઊભી થઈ છે. સુરતમાં મહિલા BLO સ્કૂલમાં એકલી બેસે છે, તો મતદારો દારૂ પીને આવે છે ને લવારાઓ કરે છે. 2002 મતદાર યાદીમાં પરપ્રાંતીયોનાં નામ શોધવામાં કલાકો જાય છે. 23 વર્ષ પહેલાંની વિગતો મતદારો પાસેથી માંગવામાં આવે તે મળવાની શક્યતાઓ ઓછી જ છે. ફોર્મ તો શિક્ષિતો ભરે પણ ખરા, પણ જે શિક્ષિત નથી એમની વિગતો મેળવવાનું વધારે મુશ્કેલ છે. એમની સાથે ફોર્મને મામલે BLOએ કામ લેવાનું સહેલું નથી. મોટે ભાગે સ્થાનિક નેતાનો પ્રભાવ નામ રાખવા કે કાઢવા અંગે રહે છે. એ સ્થિતિમાં મતદાર યાદી સુધારણા ઉપક્રમ દૂષિત થયા વગર કેટલો રહે તે જોવાનું રહે.

ખરેખર તો આ સરવે મતદારોના ઘરે જઈને BLOએ કરવાનો છે, પણ ટાર્ગેટ પૂરો કરવા કે કામનાં દબાણને કારણે BLO ઘરે ઘરે ફરવાનું ટાળે ને મતદારોને એક સાથે કોઈ જાહેર સ્થળે બોલાવે ને વિગતો ભરે એમ બને. એ સ્થિતિમાં મતદાર અન્યની હાજરીમાં પોતાની વિગતો આપવામાં સંકોચ અનુભવે એ  શક્ય છે. આમ મતદાર અને BLO, બંને પક્ષે મુશ્કેલીઓ છે. સુરતમાં BLOને 1,200 ફોર્મનાં ટાર્ગેટ અપાયા છે. નવસારી જેવામાં મુખ્ય શિક્ષક-વિષય શિક્ષકોને મુક્ત રાખવાનો પરિપત્ર હોવા છતાં તેમના ઓર્ડર નીકળ્યા છે. ઘણાં રાજ્યોમાં BLOએ કામના કલાકો અને 4 ડિસેમ્બરની અવધિનો વિરોધ કર્યો છે. રાજસ્થાનના BLO અપાયેલા ટાર્ગેટને કારણે બોજ અનુભવે છે. તેમણે રોજ 200 મતદારોના ઘરે જઈ ફોર્મ કમ્પ્લિટ કરવાં પડે છે ને સવારે 8થી રાત્રે 10 સુધીમાં દર બે કલાકે ઈ.આર.ઓ.ને રિપોર્ટ મોકલવા પડે છે. છત્તીસગઢ જેવામાં BLO શિક્ષકો પણ છે ને તેમને SIRની કામગીરી ઉપરાંત વર્ગમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી છે, એટલે ઘણાં બેવડું દબાણ અનુભવે છે.

મોટે ભાગે BLOની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે. એનાથી બાળકોનું ભણતર બગડે છે તે સૌ જાણે છે. માત્ર આ એક જ કામગીરી હોય તો ધૂળ નાખી, પણ 56 જેટલી અન્ય કામગીરી શિક્ષકોને માથે નાખવામાં આવી છે. એમાં પરિપત્રોના જવાબો ને ડેટા ફીડ કરવાની કામગીરી તો નફામાં ! શિક્ષક આમ તો ભણાવવા માટે રખાય છે, પણ તે ભણાવી જ ન શકે એવી જાળ તેની ફરતે ગૂંથાતી રહે છે. જે કામચોર છે તેને તો આમાંથી ય રસ્તા કાઢતા આવડે છે, પણ જે સિન્સિયર છે ને જેને હૈયે વિદ્યાર્થીઓનું હિત છે, તેનો મરો થાય છે. તેને ભણાવવાનો પગાર મળે છે ને તે ભણાવી નથી શકતો એનું ગિલ્ટ તેને પીડે છે.

થાય છે એવું કે કેટલાક આચાર્યો સ્કૂલની ફરજ પૂરી કરાવીને પછી BLOની કામગીરીની પણ ફરજ શિક્ષકોને પાડે છે. ભિલોડા તાલુકામાં પ્રાથમિક શાળાના 229 શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. કેટલીક શાળામાં તો બે જ શિક્ષકો છે. આવામાં તાલુકાના કેળવણી નિરીક્ષક આગ્રહ રાખે છે કે શિક્ષક શાળાની ફરજ પહેલાં પૂરી કરે. એ કામગીરી કરવા જતાં BLOની કામગીરી થતી નથી ને ક્યાંક બંને કામગીરી કરવા જતાં બાવાના બે ય બગડે છે. પેટલાદમાં પણ શૈક્ષણિક મહાસંઘે શિક્ષકોની આવી મુશ્કેલીઓ દૂર કરવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી વાત ચૂંટણી પંચ સુધી પહોંચાડવા રજૂઆત કરી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપીએ પણ BLO અને સુપરવાઈઝરોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા નિઝર પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. એમાં વોરંટ રદ્દ કરવાની માંગ પણ છે જ ! તંત્ર ડંડાવાળા પોલીસની ભૂમિકામાં હોય તેવું ગુજરાતના અઢી લાખથી વધુ શિક્ષકો અનુભવી રહ્યા છે ને એ ઠીક નથી. આવામાં શિક્ષક વધારે સારી રીતે ભણાવી શકે તે વ્યવસ્થા કરવાની હોય, તેને બદલે તેને ભણાવવામાંથી જ મુક્ત કરવાનો પરિપત્ર ચૂંટણી પંચે બહાર પાડ્યો છે. આમેય શિક્ષકોની ઘટ તો છે જ, તેમાં છે તે શિક્ષકોને BLOની કામગીરી સોંપાતા સ્કૂલોએ આંગળાં ચાટીને પેટ ભરવાના દા’ડા આવ્યા છે.

શિક્ષકો વર્ગમાં નથી ને SIRની કામગીરીમાં દોડે છે, પણ પ્રયત્ન છતાં પહોંચી વળતા નથી ને કલેક્ટરનો મિજાજ જાય છે. સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા પૈકી 10માં, ફોર્મ પરત લેવાથી માંડીને ઓનલાઈન અપલોડ કરવાનું કામ ઢીલું ચાલે છે, એવું લાગતાં કલેકટરે સંબંધિત 10 મતદાર નોંધણી અધિકારીને નોટિસ ફટકારી છે ને 23 નવેમ્બર સુધીમાં 95 ટકા કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરી છે. લિંબાયત જેવામાં મોટે ભાગના પરપ્રાંતીયો છે ને સતત સ્થળાંતરિત થતાં રહે છે. એવામાં વિગતોની ચોકસાઈના ઘણા પ્રશ્નો છે.

છેલ્લે 2002માં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયેલો. તે વખતે કામ કરનારાઓમાંના હવે કોઈ નથી એટલે માર્ગદર્શક ભૂમિકા નથી ને નવા અધિકારીઓ ને તેના ઉપરીઓ હુકમો કરવાથી કામ થઇ જાય એવી સમજ ધરાવે છે, પરિણામે કામમાં કેટલો ભલીવાર રહે તે સમજી શકાય એવું છે. અત્યારે તો ટોટલ કેઓસ જેવું જ છે. આગળ જતાં કંઇ ફેર પડે તો મતદારોને, BLOને સુપરવાઈઝરોને રાહત થાય એમ બને. એમાં વળી રાજકીય પક્ષો એની રમત રમતા રહે છે, એટલે કામનો છેડો આવવાનું મુશ્કેલ થતું જાય છે.

એક બાજુ SIRની કામગીરીનું ઠેકાણું પડતું નથી, ત્યાં શિક્ષણ વિભાગની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી, ધોરણ એક અને બેના શિક્ષકોની, નવેમ્બરમાં, બે દિવસની તાલીમનો પરિપત્ર બહાર પાડે છે. કેમ જાણે તેને BLO-બબાલની કંઇ ખબર જ નથી ! કોણ જાણે કેમ, પણ શિક્ષણ વિભાગને રોજ જ ફરફરિયાં બહાર પાડવાની ટેવ પડી ગઈ છે. વિભાગના અધિકારીઓને તો એમ જ છે કે ફરફરિયાં બહાર પાડવાથી જ શિક્ષણ સુધરશે. 2020થી નવી શિક્ષણ નીતિ ગુજરાતમાં ય લાગુ થઈ છે, પણ ત્યારથી એવી પનોતિ બેઠી છે કે શિક્ષણમાં ગુજરાત શ્રેષ્ઠ તો ઠીક, નબળામાં પણ તળિયે બેઠું છે ને કોઈને જ તેની પડી ન હોય તેમ સૌ આંખ કાન બંધ કરીને શિક્ષણનું ઉઠમણું ઊજવી રહ્યાં છે. રાજકારણ સિવાય બીજું કોઈ શિક્ષણ જ બાકી રહ્યું ન હોય તેવું વાતાવરણ છે.

એમ લાગે છે ગુજરાતમાં ને અન્ય રાજ્યોમાં પણ જે સરળ છે તે ન કરવાનું તંત્રોએ સ્વીકારી લીધું છે. શિક્ષકો, કારકૂનો, કાર્યકરોને ચાલુ નોકરીએ SIRની કામગીરી સોંપીને તેમને આત્મહત્યા તરફ ધકેલ્યા છે. એ ઉપરાંત અનેક ઉપરી અધિકારીઓ, BLO અને સુપરવાઈઝરો આ કામગીરીને લીધે તાણ અનુભવી રહ્યા છે ને તેઓ આગામી દિવસોમાં કેવી રીતે પોતાને સાચવી શકશે ને SIRની કામગીરી પૂરી કરી શકશે તે ચિંતાનો વિષય છે. એને બદલે સરકાર શિક્ષિત બેકારોને ટ્રેનિંગ આપીને આ કામગીરીમાં જોતરી શકે, તો તેમને આવક થાય ને શિક્ષકો બાળકોને ભણાવવા તરફ વળી શકે, કારકૂનો ને કાર્યકરો પણ પોતાનાં ક્ષેત્રોમાં કામગીરી કરી શકે, પણ થોડા કરોડ ખર્ચવા ન પડે એટલે સરકાર શિક્ષકોને, કારકૂનોને, કાર્યકરોને SIRની કામગીરીમાં જોતરી રહી છે. એ શરમજનક છે કે અબજો અબજો રૂપિયા ખર્ચી શકતી સરકાર શિક્ષિત બેકારો પાછળ ખર્ચવા જરા ય રાજી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 નવેમ્બર 2025

Loading

...10...16171819...304050...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved