Opinion Magazine
Number of visits: 9674452
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરામની કમાણીએ ઘણાંને હરામી બનાવ્યા છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 January 2022

જાવેદ હબીબ જાણીતો હેર સ્ટાઇલિસ્ટ છે. તેની દેશવિદેશમાં અનેક શાખાઓ છે. તે ઉપરાંત તે હેર કટિંગના ટ્રેનિંગ ક્લાસ ચલાવે છે. મુઝફ્ફરનગરની એક મહિલા એક ટ્રેનિંગ દરમિયાન ખુરશી પર બેઠી છે અને જાવેદ હબીબ ટ્રેનિંગમાં હાજર લોકોને ટિપ્સ આપતાં કહે છે કે પાણી ન હોય તો વાળ કાપતી વખતે માથામાં થૂંકવું, એ થૂંકમાં તાકાત છે. આ કહેતી વખતે તે પેલી મહિલાના માથામાં થૂંકીને બતાવે છે. એ વીડિયો વાયરલ થયો ને પેલી મહિલાએ જાવેદ સામે પોલીસ ફરિયાદ કરી છે. મહિલા પોતે બ્યુટી પાર્લર ચલાવે છે ને તે જાવેદનો સેમિનાર એટેન્ડ કરવા ગઈ હતી, જ્યાં થૂંકવાનો વ્યવહાર થતાં તે ગુસ્સે થઈ હતી ને તેણે વાળ કપાવવાનું માંડી વાળતાં કહ્યું હતું કે તે ગલીના કોઈ હેર ડ્રેસર પાસે વાળ કપાવશે, પણ જાવેદ હબીબ પાસે નહીં કપાવે. આ ઘટનાની જે અસરો પડવી જોઈએ તે પડી છે ને એકાદ હિન્દુ સંગઠને તો જાવેદની ધરપકડ માટે પ્રદર્શન પણ કર્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હી અને યુ.પી. પોલીસને પત્ર લખીને જાવેદની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે રિપોર્ટ માંગ્યો છે. જાવેદે આ મામલે વીડિયો રજૂ કર્યો છે ને પોતાનાં આવાં વર્તનથી કોઈને દુ:ખ પહોંચ્યું હોય તો તેની માફી માંગી છે. વાતને હિન્દુ-મુસ્લિમ રંગ પણ અપાયો છે ને તેની સાથે બીજા વીડિયો પણ ન્યૂઝ ચેનલો બતાવે છે, જેમાં કોઈ લારીવાળો ફળોને થૂંક લગાવીને લારીમાં ગોઠવે છે. તો કોઈ રોટી બનાવનારો રોટી બનાવતાં પહેલાં તેનાં પર થૂંકે છે. આવું બીજી બાબતે પણ બનતું હશે ને લોકો જાણ્યે અજાણ્યે બધું વેઠતા પણ હશે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે આ બાબતો કોઈ પણ રીતે તિરસ્કારને પાત્ર છે. એ કોઈ પણ કરતું હોય ને ગમે તેવા ઉત્તમ ઇરાદે કરતું હોય તો પણ તે વખોડવા પાત્ર છે. એનો બચાવ ન હોઈ શકે. બધા મુસ્લિમો ખરાબ નથી જ. એમાંના ઘણાએ આ દેશને બેઠો કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું જ છે, છતાં ઘણા આ દેશનું ખાઈને આ દેશને પારકો ગણે છે એ કોઈ પણ રીતે યોગ્ય નથી. બહુમતી હિન્દુઓની હોય છતાં આ દેશ લઘુમતીઓનો દેશ પણ છે જ. મુસ્લિમ આક્રમણો દરમિયાન ઘણાં મંદિરો તૂટ્યાં છે ને ઘણાંને ઇસ્લામ અપનાવવાની ફરજ પડાઈ છે, એ પછી પણ આ બંને કોમ આ દેશમાં ટકી રહી છે તે સૂચક છે. બધાં હિન્દુ, મુસલમાન નથી થયાં કે બધાં મુસલમાન, હિન્દુ નથી થયાં. લઘુમતી હોવા છતાં દેશમાં 20 કરોડ મુસ્લિમો ભારતીય નાગરિક હોવાનો હક આગળ કરી જ શકે છે. આમાં કેટલાકને એવું છે કે થૂંકેલું ખવડાવવાથી સામેની કોમ વટલાઈ જશે. આ એક ભ્રમ છે ને એમાં ભારોભાર નાદાનિયત છે. જેમને ખબર પડશે કે પોતે થૂંકેલું પામે છે તો લોકો ત્યાં જતાં અટકશે ને એમ થવામાં જો કોઈને ધંધાનો વિકાસ લાગતો હોય તો અહીં કૈં કહેવાનું નથી. કોઈ મુસ્લિમ થૂંકીને રોટલી બનાવી હિન્દુને છેતરી શકે કદાચ, પણ એવી થૂંકેલી રોટલી કોઈ જાણી કરીને મુસ્લિમ પણ ખાશે કે? કોઈ હિન્દુ કોઈને મુસ્લિમ બનાવવા થૂંકેલી રોટલી ખવડાવતો ન હોય તો મુસ્લિમે એવું કરવાની જરૂર ખરી? એવું કરવાથી આવક વધે છે કે ધંધો તૂટે છે તે વિચારવા જેવું છે. ધારો કે કોઈ અજાણતાં થૂંકેલું ખાય છે, તો થૂંકનાર રાજી થઈ શકે, પણ તેણે જે કર્યું છે તેનો સાક્ષી તો તે પોતે છે જ. એ શું પોતાનાં ધર્મની વિરુદ્ધ જતી વાત નથી?

એ પણ દુ:ખદ છે કે કોઈ મુસ્લિમ, હિન્દુ કન્યાને મુસ્લિમ બનાવવાને ઇરાદે ઓળખ છુપાવીને પ્રેમનું નાટક કરે છે. પ્રેમ, જાતિ-ધર્મ નથી જોતો એ સાચું, પણ જાતિ, ધર્મ સંતાડીને કોઈ ધર્મ બદલાવવાને ઇરાદે કોઈને છેતરે એને પોતાનો જ ધર્મ અનુમોદન નહીં આપે એ કહેવાની જરૂર નથી. જો કે, બુલ્લીબાઈ એપ હવે નષ્ટ થઈ ગઈ છે, છતાં એમાં જે ચાલ્યું તે પણ ખોટું જ હતું. એ એપ બનાવવા પાછળનો એક હેતુ મુસ્લિમ મહિલાઓની લીલામી કરીને પૈસા કમાવાનો હતો. એ એપની મદદથી સાઇબર અપરાધીઓ લોકપ્રિય મહિલાઓ, સેલેબ્સના ફોટાઓનો ઈન્ટરનેટ સાથે તોડ પાડીને, એનો ઉપયોગ પૈસા ઊભા કરવામાં કરતા હતા. કમનસીબી એ છે કે મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ આવું ષડયંત્ર રચનારી ઉત્તરાખંડની એક 18 વર્ષની હિન્દુ યુવતી છે, જેણે તેના 21 વર્ષના પુરુષ સાથીની મદદથી આ કામ કર્યું હતું. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી છે. આ મામલામાં પૈસા કમાવા કરતાં પણ ધાર્મિક કટ્ટરતા કામ કરી રહી હોવાનું ઘણાંને લાગે છે. વિશેષ વાતો તો કેસ આગળ ચાલે ત્યારે બહાર આવશે, પણ ધાર્મિક ઉન્માદ ક્યાંક પ્રભાવક બની રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. કેમ હશે આટલી સંકુચિતતા તે નથી સમજાતું. ટૂંકમાં, લઘુમતીની હોય કે બહુમતીની, કટ્ટરતા લાંબે ગાળે તો ઘાતક જ પુરવાર થતી હોય છે.

દરેક જાતિ, ધર્મને તેની વિશેષતાઓ છે, તેમ જ મર્યાદાઓ પણ છે. અન્ય રીતે ફરજ ન પડે તો મોટે ભાગના તો જન્મથી મળેલ જાતિ, ધર્મને નિભાવે છે. એવાઓને કોઈ પણ ધર્મ છેડે, છંછેડે એ વાજબી નથી. ધર્મ, કોઈ પણ મહાન જ છે, પણ ધર્માંધતા એટલી જ ખતરનાક છે. ધર્માંતરણથી ધર્મ વિશાળ થતો નથી. હા, વિશાળ હોવાનો ભ્રમ એથી થઈ શકે, પણ ગમે તેવા પ્રચંડ ધર્માંતરણથી એક જ ધર્મ બચે એવું થતું નથી. એવું થયું હોત તો વિશ્વમાં એક જ ધર્મ બચ્યો હોત, પણ એવું નથી. એટલે જેને તેને પોતાની રીતે, ધર્મ માનવા, મનાવવાની મોકળાશ મળી રહે એટલું જોવાય તો, તે પણ ધર્મ જ છે. બધાં ધર્મને લાગુ પડતો એક સીધો ધર્મ છે, માનવ ધર્મ. એ બધાં ધર્મની ઉપરવટ જઈને પણ નિભાવવા જેવો છે. માનવધર્મ નિભાવનારથી અલ્લાહ, ઈશુ કે કોઈ પણ દેવ નારાજ નથી થતા, છતાં આજે સૌથી વધુ ખૂટે છે માનવધર્મ !

ધાર્મિક કટ્ટરતા જેમ નકારવા લાયક છે એમ જ હરામની કમાણી પણ વખોડવા લાયક છે. જાવેદ હબીબ જેવા ઘણા એવા હશે જે આવી મળેલી સંપત્તિ જીરવી શકતા નથી. આમ તો તે માત્ર એક વાળ કાપનાર છે, પણ તે કામને લીધે જાણીતો થયો. દેશવિદેશમાં તેની સંસ્થાઓ બની. આવક વધી. તેને કારણે નમ્રતા આવવી જોઈતી હતી, પણ એવું ન થયું. નમ્રતાને બદલે ઉદ્ધતાઈ, અહંકારનો પડઘો પડ્યો. તે વગર પોતાનું થૂંક તેને પાણી કરતાં વધુ તાકાતવાળું લાગે ને તે વાળમાં પાણી નાખવાને બદલે થૂંકે? આ બીભત્સ છે, ગંદું  છે. પોતાનું થૂંક એટલું જ તાકાતવાળું હોય તો તેનો ઉપયોગ તેણે પોતાને માટે ને પોતાના પર જ કરવો જોઈએ, પણ ઇરાદો તાકાતનો નથી, સામેનાને અપમાનિત કરવાનો ને નીચા ગણવા-દેખાડવાનો છે. વાળ કપાવવા એક મહિલા બેઠી હોય ને તેના માથામાં જાવેદ થૂંકે એ બધી રીતે અક્ષમ્ય છે. એ ગમે એટલો મહાન કે તાકતવર જ કેમ ન હોય, તેને કોઈ હક નથી પહોંચતો કોઈના પણ માથામાં થૂંકવાનો. આમ તો ગમે ત્યાં થૂંકવાની મનાઈ છે ત્યાં, કોઈનું માથું કૈં થૂંકદાની નથી કે કોઈ પણ બહાને તેમાં થૂંકી દેવાય ! એમાં જો થૂંકનાર વિધર્મી હોય તો તેનાં તંતુ, કોઈ તે રીતે વિક્સાવે તો તેનો વાંક કાઢી શકાય નહીં. કોઈને ભલે તે ગમે એટલી લાભદાયી લાગતી હોય તો પણ, થૂંકવાની આખેઆખી રીત જ મનુષ્ય માત્રનું અપમાન કરનારી છે.

એની સામે ઝારખંડના ધનબાદના એક કિસ્સામાં એક મુસ્લિમ યુવકને ભા.જ.પ.ના કાર્યકરોએ તેનું જ થૂંક ચાટવાની ફરજ પાડી. તેને ઢોર માર મારવામાં આવ્યો ને એ આખી ઘટનામાં પોલીસ તમાશો જોઈ રહી હતી. યુવકનો વાંક એ હતો કે તે વડા પ્રધાન વિષે અપશબ્દો બોલ્યો હતો. એ સાચું હોય તો પણ તેને સડક પર માર મારીને થૂંક ચટાવવાનો આખો ઉદ્યમ જ શરમજનક છે. જવાબદાર યુવક સામે ફરિયાદ દાખલ થઈ શકતી હતી, પણ તેવું ન કરતાં કાર્યકરો પોતે ન્યાય કરવા બેઠા, એમાં અપમાન આખી ન્યાય પદ્ધતિનું થયું. આ જે તે ગ્રૂપના વધારે પડતા આત્મવિશ્વાસનું પરિણામ છે. ભા.જ.પ.નો સાધારણ માણસ પણ તુમાખી અને તુચ્છતાથી વર્તતો થયો છે, એ ફેરવિચારણાને પાત્ર છે. દાયકાઓનું કાઁગ્રેસનું શાસન જો જમીનદોસ્ત થઈ શકતું હોય તો ભા.જ.પ.ને તો દાયકો પણ થયો નથી એ ભૂલવા જેવું નથી.

મહેરબાની કરીને કોઈ એવું ન માને કે ભા.જ.પ. કે મોદી વિરુદ્ધ કોઈ પ્રચારનો ઉપક્રમ અહીં છે. એવું નથી, પણ ભા.જ.પ.ને કોઈ પૂછવાવાળું રહ્યું નથી એવી સમજ જે સાધારણ કાર્યકર્તાઓમાં વિકસી રહી છે તેણે, ચા કરતાં કીટલી ગરમની સ્થિતિ સર્જી છે ને એ પક્ષની વર્ષો જૂની મહેનત અને સિદ્ધિની તરફેણમાં નહીં જાય એ સમજી લેવાનું રહે.

કારણ કોઈ પણ હોય, ધર્મ કોઈ પણ હોય, કોમ કોઈ પણ હોય, પક્ષ કોઈ પણ હોય કોઈએ મનુષ્યનું ગૌરવ ન જાળવવાનું કહ્યું નથી ને દુ:ખ એ વાતનું છે કે અત્યારે સ્થિતિ સામાન્ય માણસનું અપમાન કરનારી વધુ છે. આ અંગે ગંભીરતાથી વિચારીએ –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જાન્યુઆરી 2022

Loading

મારી અગાશીએ ઘટેલી એક આકાશી ઘટના –

યોગેશ ભટ્ટ|Poetry|10 January 2022

મારી અગાશીએ
ચન્દ્ર
આખી રાત ટહેલતો રહ્યો હતો –
(મારી ઊડી ગયેલી ઊંઘે મને જતાં જતાં આ કહ્યું!)
– મારી રાહ જોતો –
તેના પ્રકાશની પૂંછડીને છેડે મને બાંધી લઇને
આ આકાશેથી તે આકાશે તેના સરકવામાં મને સમાવી લેવા ……
રાતની નિસરણીને છેક છેડે ચડીને ઉપર ગયો અગાશીએ, તો –
સવારસવારના ખીલેલાં ફૂલ જેવા તાજાતાજા ઊગેલા પરોઢી તારલાએ ટમટમ મહેક્તું સ્મિત કર્યું!
પૂછતાં તેને,
તેણે કહ્યું :
ચન્દ્ર?
– એ તો ગયો!
એક મસમોટ્ટા પક્ષીની પાંખે ચડીને,
દિશા ચીંધતો દીવો બનીને …..
– એ તો ગયો! ને,
અંતે
એ જ પક્ષી પોતાની વિશાળ પાંખોમાં
ચન્દ્રને જ બીડી લઇને
ઊતરી ગયું …
ક્યાં’ક -!
આમતેમઆકૂળવ્યાકૂળચોગરદમવિહ્વળવિહ્વળ
ઉપરની યે ઉપર
નીચેની યે નીચે
જોઇ વળું હું – ચન્દ્રે મૂકી દીધેલું પાછળ
આખું
રેઢૂં
આકાશ –
– ને
ચળકચળક ચડી આવે સૂરજ
મારી રેઢી પડેલી
આંખે -!

Loading

સોબત વગરનો મનુષ્ય વિરોધાભાસ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 January 2022

૨૬મી ડિસેમ્બરે દુનિયા ક્રિસમસ ઉજવી રહી હતી ત્યારે, દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સંઘર્ષના પ્રતીક અને નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂનું, ૯૦ વર્ષની ઉંમરે, કેપટાઉનમાં અવસાન થઇ ગયું. દેશ અને દુનિયામાં માનવાધિકારો સંકટમાં છે, ત્યારે દક્ષિણ આક્રિકાને નસ્લીય ભેદભાવની ખાઈમાંથી બહાર કાઢીને સમાનતાના પથ પર મુકનાર ટૂટૂનું જવું સમગ્ર માનવજાત માટે નિરાશાના સમાચાર છે.

દુનિયાને બહેતર બનાવનારાઓ એક પછી એક અલીવિદા ફરમાવે, ત્યારે દુનિયાના ભવિષ્યને લઈને ચિંતા થવી સહજ છે. ટૂટૂ માત્ર દક્ષિણ આફ્રિકા જ નહીં, દુનિયાના એ તમામ સમાજો માટે સક્રિય હતા, જ્યાં સામાજિક અન્યાય અને અશાંતિનું સંકટ તેમના વિકાસમાં અવરોધરૂપ હતું. એટલા માટે તેમને મોરલ કમ્પાસ (નૈતિક દીવાદાંડી) કહેવામાં આવતા હતા. ભારતના લોકોને ટૂટૂ માટે અને ટૂટૂને ભારત માટે વિશેષ પ્રેમ હતો, કારણ કે ટૂટૂ એ જ રંગભેદમાંથી જન્મ્યા હતા, જેમાંથી મહાત્મા ઊભા થયા હતા.

ટૂટૂને અને તેમના અભિગમને સમજવો હોય તો, આફ્રિકાની બન્ટુ ભાષાના પ્રાચીન ‘ઉબન્ટુ’ શબ્દને સમજવો પડે. માનવતાના અર્થમાં આ શબ્દ વપરાય છે. તેનો શબ્દશ: અર્થ થાય છે; ‘તું છે એટલે હું છું.’ માનવતાનો અર્થ થાય છે એકબીજા સાથે જોડાયેલા રહેવું. આપણે અલગાવમાં એક મનુષ્ય રહી શકતા નથી. એકલતામાં આપણે બધા વ્યક્તિ છીએ, પણ આપણે જ્યારે એક થઇએ છીએ, ત્યારે આપણે મનુષ્ય થઇએ છીએ. વ્યક્તિ તરીકે આપણે માત્ર આપણા વિશે જ વિચારીએ છીએ, પરંતુ મનુષ્ય તરીકે આપણે બીજા લોકો વિશે વિચારીએ છીએ. આને ઉબન્ટુ કહે છે.

ડેસમન્ડ ટૂટૂનું માનવતાવાદી ચિંતન આ એક શબ્દની આસપાસ ઘડાયું હતું. અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ સ્થિત નૈતિક ધર્મશાસ્ત્રી માઈકલ બાટલેએ ટૂટૂના દર્શનને સમજાવવા માટે ૧૯૯૭માં એક પુસ્તક લખ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રેકન્સિલીએશન : ધ ઉબન્ટુ થિયોલોજી ઓફ ડેસમન્ડ ટૂટૂ.’ તેમાં તે લખે છે કે જેમ આખી જિંદગી પાણીમાં રહેતી માછલીને ભીના થવું કોને કહેવાય તે સમજમાં ન આવે, તે રીતે વ્યક્તિવાદી વિચારોથી ઘડાયેલા પશ્ચિમના લોકોને ઉબન્ટુ શબ્દનો સામુદાયિક અને આધ્યાત્મિક ભાવ વિચિત્ર લાગી શકે.

ટૂટૂના સમકાલીન અને સહયોગી નેલ્સન મંડેલાએ આ શબ્દને સમજાવતાં કહ્યું હતું, “એક દેશમાંથી પસાર થતો મુસાફર એક ગામમાં રોકાય, તો તેણે ખાવા-પીવા માટે પૂછવું ન પડે. એ રોકાઈ જાય, તો લોકો તેને ખાવાનું આપે છે, તેનું મનોરંજન કરે છે. ઉબન્ટુનું આ એક પાસું છે, પરંતુ તેનાં ઘણાં પાસાં છે.

ઉબન્ટુનો અર્થ એવો નથી કે લોકોએ ખુદને સમૃદ્ધ ન કરવા જોઈએ. સવાલ એ છે કે તમે એવું શું કરી શકો જેનાથી આસપાસના સમુદાયમાં પ્રગતિ થાય?”

ઉબન્ટુ માટે નજીકનો પર્યાય સહઅસ્તિત્વ છે. બ્રાઝિલમાં મહાત્મા ગાંધીના આદર્શોને પ્રચલિત કરવાનું કામ કરતાં અને એક એન.જી.ઓ.ના સંચાલક પ્રોફેસર લિયા ડિસ્કને, બ્રાઝિલમાં યોજાયેલા એક શાંતિ મહોત્સવમાં, ઉબન્ટુ શબ્દને સમજાવવા માટે એક માનવવંશશાસ્ત્રીના અનુભવની સુંદર વાર્તા કહી હતી.

આ સંશોધક આફ્રિકાની બન્ટુ જાતિના રીત-રિવાજો અને પરંપરાઓનો અભ્યાસ કરવા ગયો હતો. તેનું કામ પતી ગયું, તે પછી તે વતન પાછા આવવા માટે તૈયારી કરતો હતો. અભ્યાસ દરમિયાન તે બન્ટુ જાતિનાં બાળકોમાં પ્રિય બની ગયો હતો. તેની હવાઈયાત્રા શરૂ થવામાં વાર હતી અને સમય પસાર કરવા માટે તે બાળકો સાથે રમત રમતો હતો.

તે તેની સાથે ખૂબ બધી કેન્ડી અને મીઠાઈઓ લાવ્યો હતો. તેણે એ બધું એક બાસ્કેટમાં મૂકીને ઉપર સુંદર મજાની રિબીન બાંધી અને બાસ્કેટને એક ઝાડ નીચે મૂકી. એ પછી તેણે બધાં બાળકોને બોલાવ્યાં. બાળકોને દૂર ઊભાં રાખીને તેમની સામે જમીન પર તેણે એક રેખા દોરી, અને સમજાવ્યું કે બધાએ એ રેખાની અંદર રહેવાનું અને ઈશારાની રાહ જોવાની. એ જેવો ઈશારો કરે તે સાથે બાળકોએ દોડવાનું અને જે બાળક સૌથી પહેલાં બાસ્કેટ પાસે જાય એ તમામ કેન્ડી લઇ જાય.

તેણે જેવો ‘દોડો’ એવો ઈશારો કર્યો, તો તેના આશ્ચર્ય વચ્ચે તમામ બાળકોએ એકબીજાના હાથ પકડી લીધા અને બધાં એક સાથે દોડ્યાં. ઝાડ નીચે પહોંચીને તેમણે બાસ્કેટ ખોલીને બધી કેન્ડી એકબીજા સાથે વહેંચી લીધી.

સંશોધકને બાળકોના વ્યવહાર અંગે જિજ્ઞાસા થઇ. તેણે પૂછ્યું કે મેં તો તમને એમ કહ્યું હતું કે જે સૌથી પહેલાં પહોંચશે, તેને તમામ કેન્ડી મળશે, તો પછી તેમેં સૌ સાથે કેમ દોડ્યાં?

તેમાંથી એક નાની છોકરીએ જવાબ આપ્યો, “બીજા બધા નિરાશ હોય, તો પછી અમારામાંથી કોઈ એક કેવી રીતે ખુશ થઇ શકે?”

વ્યક્તિવાદી સમાજમાંથી આવતો સંશોધક અવાચક રહી ગયો! એ મહિનાઓથી બન્ટુ જાતિનો અભ્યાસ કરતો હતો, પણ તેને છેલ્લા દિવસે એ સમાજનું મૂળ સત્વ સમજમાં આવ્યું હતું. વર્ષો પછી, ડેસમન્ડ ટૂટૂએ એ નાની છોકરીના વિચારને ઉબન્ટુ શબ્દથી સમજાવ્યો હતો :

“આફ્રિકન સંસ્કૃતિમાં ઉબન્ટુ નામનો એક વિચાર છે. મનુષ્ય હોવાનું એ સત્વ છે અને વિશ્વને આફ્રિકાની એ ભેટ છે. એમાં યજમાનવૃતિ, બીજા માટેની દરકાર અને કોઈના માટે બે ડગલાં વધુ ચાલવાનો ભાવ સમાયેલો છે. અમે માનીએ છીએ કે એક માણસ બીજા માણસોના માધ્યમથી જ માણસ બને છે, મારી માનવતા તમારી માનવતા સાથે અટપટી રીતે બંધાયેલી છે. હું જ્યારે તમને અમાનવીય બનાવું, ત્યારે હું મને પણ અમાનવીય બનાવું છું. સોબત વગરનો મનુષ્ય વિરોધાભાસી શબ્દ છે. એટલા માટે તમારે સર્વહિતમાં કામ કરવું જોઈએ કારણ કે માનવતા તમારા સામુદાયિક લગાવમાં પેદા થાય છે.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 જાન્યુઆરી 2022

Loading

...102030...1,6741,6751,6761,677...1,6801,6901,700...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved