
હથેળીમાં રોપ્યો છે ફરફરતો ઝંડો
નિરંતર બગાવતનો.
ઠરીઠામ નહીં થવા દેતા ઉદ્રેકોને
સૂત્રોમાં પરોવી વહેતા મૂકી દઉં છું.
ક્યાં ય પણ, કોઈ પણ
કચડાઈ રહ્યું હોય એની પીડા
ઊંડા કણસાટમાં પલટાઈ
મારી નિરાંતમાં અફળાયા કરે છે.
વરસ પછી વરસ પછી વરસ વિતાવી
આ અહીં પહોંચેલી મારી ઇચ્છાઓ,
કશું પણ ઊલટસૂલટ કરવા
હજી ય તલપાપડ છે.
મારી આંખો જુએ છે
દૃશ્યોપારનાં દૃશ્યો.
પજવતાં અવદૃશ્યોને ડહોળી મૂકતા
આ હાથ હજી થાક્યા નથી.
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 07
![]()


દીપા મોહનન નામની ૩૬ વર્ષીય દલિત મહિલા કોટ્ટાયમ (કેરાલા) ખાતે ઇન્ટરનૅશનલ ઍન્ડ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર નેનોસાયન્સ ઍન્ડ નેનોટેક્નોલૉજીમાં સંશોધન-છાત્રા હતી. આ સંસ્થામાં નંદકુમાર નામના એક અધ્યાપક સપ્ટેમ્બર ૨૦૧૧થી દીપાને સંશોધનમાં અવારનવાર અને સતત અવરોધો પેદા કરતા હતા. આ અધ્યાપક પાછળથી સંસ્થાના નિયામક તરીકે બઢતી પામ્યા હતા. દીપા મોહનનને સ્ટાઇપેન્ડ, લૅબોરેટરીમાં પ્રયોગ, વિજ્ઞાનસાધનોનો ઉપયોગ કે બેસવાની સુવિધા સુધ્ધાં ન હતી. માત્ર દલિત હોવાના નાતે તે આ જાતિગત ભેદભાવનો ભોગ બની હતી. દીપાની ફરિયાદ પરથી યુનિવર્સિટીએ તેના આક્ષેપોની તપાસ માટે બે સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિએ દીપાના નંદકુમાર સામેના આક્ષેપો સાચા માન્યા છે. સમિતિએ દીપાને સંશોધન માટે પૂરતી સુવિધાઓ પૂરી પાડવા ભલામણ પણ કરી હતી, આમ છતાં દીપાની સ્થિતિમાં કાંઈ જ ફરક પડ્યો નહીં.