જે ચશ્માંથી
બાપુએ
ભારતને નિહાળ્યું
તે આજે પડ્યાં છે
મ્યૂઝિયમના ખૂણામાં
બાપુની લાઠી
વપરાઈ રહી છે
હડતાળિયાઓના
મોરચા વિખેરવામાં અને
જે પ્યાલીમાં
બાપુએ
બંગાળનાં તોફાનો પછી
પારણું કર્યું’તું તેને વાપરે છે
એમના અનુયાયીઓ
થૂંકદાની માટે!
બસ હવે કદાચ બચી છે
પેલાં ભૂલકાંએ આપેલી
અઢી ઇંચની પેન્સિલ …..
જેને હું શોધી રહ્યો છું
સવાર-સાંજ
ક્યાંક
એ પેન્સિલની અણી પરથી
સત્ય
બટકી તો નથી ગયું ને!!!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 02
![]()


વડા પ્રધાન કાર્યાલયની સીધી નિગેહબાની નીચે ગુજરાત સરકારે ગાંધી આશ્રમના કથિત નવીકરણનો પ્રકલ્પ ઉપાડ્યો તે હવે એક નિર્ણાયક તબક્કા લગોલગ હોય એવી છાપ તાજેતરમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ હેવાલ (૧૯-૧-૨૦૨૨) પરથી પડે છે. આ હેવાલ મુજબ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ નામનું નવું ટ્રસ્ટ સરકારી રાહે અસ્તિત્વમાં આવી ચૂક્યું છે. ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રીસિંક્ટ ડેવલપમેન્ટની ગવર્નિંગ કાઉન્સિલે એનું મેમોરેન્ડમ ઑફ એસોસિયેશન બહાલ રાખ્યું તે પછી ગયા સપ્ટેમ્બરમાં તે ૫ડમાં પ્રવેશ્યું પણ વચલા મહિનાઓ તે આપણાથી ઓઝલ રહ્યું. આ હેવાલ સંદર્ભે ગાંધી આશ્રમ તરફથી કોઈ અધિકૃત પ્રતિભાવ અને સ્પષ્ટીકરણ આ લખાય છે ત્યાં સુધી આવ્યાં નથી. માત્ર, હેવાલ અંતર્ગત કાર્તિકેય સારાભાઈએ એક ટ્રસ્ટીને નાતે કહેલી વાત નોંધાઈ છે કે વડા પ્રધાને પોતે જ કહ્યું છે કે સરકારીકરણની કોઈ વાત નથી.