Opinion Magazine
Number of visits: 9456396
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચશ્માં

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|2 May 2025

“પપ્પા.”

 “હા, બેટા.”

 “દાદાજીનાં ચશ્માં મારાથી તૂટી ગયાં.” 

“કેવી રીતે તૂટી ગયાં? ધ્યાન રાખવું જોઈએને.”

 “દાદાજીને હું ચશ્માં દેવા જતો હતો, હાથમાંથી છૂટી ગયાં ને તૂટી ગયાં.” “દાદાજીએ તને શું કામ ચશ્માં આપવાનું કહ્યું. તેમને હાથે લઈ લેવા જોઈએ ને.”

“દાદાજીને મેં જ ઊભા થવાની ના પાડી હતી. દાદાજી પડી જાય તો વાગી જાય ને, એટલે. પપ્પા, કાલે દાદાજીનાં ચશ્માં લેતા આવજો.”

 “તારા દાદાજીને ચશ્માંની શું જરૂર છે? છાપું વાંચે કે ટી.વી. જુએ, આંખો બગડી જાય અને મારી પાસે અત્યારે તારા દાદાજીનાં ચશ્માનાં પૈસા નથી.”

 “પપ્પા, મારે આવતા અઠવાડિયે પિકનીકમાં જવાનું છે. તેના સાતસો રૂપિયા ભરવાના છે. મેં એ પિકનીકનું સ્થળ જોયું છે, હું નહીં જાઉં તો એ રૂપિયા બચશે, તેમાંથી દાદાજીનાં ચશ્માં લેતા આવો.” 

“હવે દાદાની વકીલાત કરતો જા, દાદાજીને ચશ્માંની કોઈ જરૂર નથી, સમજ્યો.”

“દાદાજી, તમારાં ચશ્માં, મારાથી તૂટી ગયાં એટલે તમને બહુ તકલીફ પડે છે ને? પણ, પપ્પા માનતા નથી.”

 “બીટ્ટુ, તારા પપ્પા સાચું કહે છે. હવે મારે છાપું વાંચીને કે ટી.વી. જોઈને શું કરવાનું. મને કોઈ તકલીફ નથી.” પણ બીટ્ટુ રોજ જોતો હતો કે દાદાજીને છાપું વાંચ્યા વગર ચેન પડતું નહોતું. જોવામાં પણ તકલીફ થતી એટલે ઘણી વખત ક્યાંક ને ક્યાંક અથડાઈ જતા. બીટ્ટુ, દુઃખી થવા સિવાય બીજું કંઈ કરી શકે તેમ નહોતો.

“જો તો બીટ્ટુ બહાર કાર ઊભી રહેવાનો અવાજ આવ્યો, કોણ આવ્યું છે?” “એ તો હું છું, તારો મિત્ર મનુ.”

 “આવ, ભાઈ, આવ, ઘણા દિવસે ભૂલો પડ્યો.”

 “આ બાજુથી ચેતન જતો હતો એટલે થયું લાવ તને મળી લઉં. ચેતન અને તેનો દીકરો પિન્ટુ પણ સાથે આવ્યા છે.”

 “કેમ છે, કાકા?” 

“મજામાં, દીકરા.”

બીટ્ટુ અને પિન્ટુને ભાઈબંધી થઈ ગઈ. “દાદા, તમને હું દાદાજી કહી શકું?” 

“ચોક્કસ, પણ હું, તારા પપ્પાનો કાકો એટલે તારે મને કાકા દાદાજી કહેવાનું.” બીટ્ટુ અને પિન્ટુ બંને ખુશ થઈ ગયા.

“અરે! અમુલખ તને કહેવાનું તો રહી જ ગયું કે તું તારાં, બીજી જોડ ચશ્માં મારે ઘરે ભૂલી ગયો હતો.” હમણાં તારી ભાભીએ સાફસૂફી કરી તેમાં હાથમાં આવ્યાં અને મને ભાઈબંધનું ધ્યાન નથી રાખતા, એવો ઠપકો પણ તારી ભાભી તરફથી મળ્યો, લે આ તારાં ચશ્માં.” 

“સારું થયું તું આપવા આવ્યો, ચશ્માં વગર મને બહુ તકલીફ પડે છે.” બીટ્ટુ આ વાત સાંભળી ખુશ થઈ ગયો કે હવે દાદાજીને છાપું વાંચી શકાશે અને ટી.વી. પણ જોઈ શકાશે.

સમયનું ચક્ર ફરતું ચાલ્યું. મયૂરભાઈ, બીટ્ટુના પપ્પા અને અમૂલખભાઈના દીકરા એંશી વર્ષની ઉંમરે પહોંચી ગયા. “બેટા, મારાં ચશ્માં તૂટી ગયા છે નવા લેતો આવજે ને?”

“પપ્પા, હવે તમારે ચશ્માંનું શું કરવું છે? સારું થયું, છાપું વાંચવાથી અને ટી.વી. જોવાથી આંખો બગડે, હવે તમે આરામ કરો.” 

“કેમ એમ બોલે છે?” “પપ્પા, તમને યાદ છે? મને તો બધું જ યાદ છે. તમે દાદાજીને નવાં ચશ્માં નહોતા લાવી આપ્યાં અને દાદાજીએ જે મુશ્કેલી સહન કરી તે મેં નજરે જોઈ છે. સારું થયું કે મનુદાદા, દાદાજીને બીજી જોડ ચશ્માંની આપી ગયા એટલે વાંધો ન આવ્યો પણ તમારે તો મનુદાદા જેવો કોઈ મિત્ર નથી કે બીજી જોડ ચશ્માંની આપી જશે.”

મયૂરભાઈ, ભૂતકાળમાં કરેલા કર્મનાં ફળ ભોગવતા હોય એવી લાગણી અનુભવી રહ્યા હતા પણ સમય હાથથી નીકળી ચુક્યો હતો.

“લો, પપ્પા આ તમારાં ચશ્માં.” મયૂરભાઈએ જોયું તો બીટ્ટુ હાથમાં ચશ્માં લઈને ઊભો હતો. 

“પપ્પા, હું તમારો દીકરો છું, પણ અમુલખદાદા જેવા પવિત્ર માણસનો પૌત્ર છું એટલે તમારી જેમ વર્તન ન કરી શકું.” મયૂરભાઈ હાથમાં ચશ્માંને જોતા રહ્યા અને બીટ્ટુ સડસડાટ તેના રૂમમાં ચાલ્યો ગયો.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 May 2025

રવીન્દ્ર પારેખ

એમ લાગે છે કે દેશમાં જૂથબંધીનું રાજ ચાલે છે. નાનાં મોટાં જૂથો, તંત્રો પર દબાણ લાવીને ધારેલું કરે છે. આ ઠીક નથી. લોકશાહી એ કૈં લોકો પર ફેરવી દીધેલી શાહી નથી કે એકાદ બે જૂથો ઘણા મોટા વર્ગને સારીનબળી બાબતોથી વંચિત રાખે. 

ગુરુવાર, 1 મેના ગુજરાત રાજ્ય સ્થાપના દિને સાંજે 6.45 કલાકે ‘ગોડસેને ગાંધી કો ક્યોં મારા?’ નામનો ‘વાચિકમ’નો ચોથો પ્રયોગ ડો. આત્મન શાહ અને પ્રો. હેમંતકુમાર શાહ, પ્રાર્થના સંઘ અને મૈત્રી ટ્રસ્ટને ઉપક્રમે, રોટરી હૉલ, જીવનભારતી મંડળ, સુરતમાં થવાનો હતો, પણ જીવનભારતીના એક ટ્રસ્ટીએ પ્રાર્થના સંઘના ઉપપ્રમુખ કિશોર દેસાઈને ફોન કરીને બુધવારે રાત્રે જણાવ્યું કે ટ્રસ્ટની ઓફિસ પર પોલીસ રૂબરૂ આવીને કહી ગઈ છે કે આ કાર્યક્રમ થશે તો ટ્રસ્ટીઓને પકડી લેવામાં આવશે. પોલીસ, ટ્રસ્ટીઓને કેમ પકડી જવાની હતી તેનો ખુલાસો તો નથી થયો, પણ આશ્ચર્ય એ વાતનું છે કે આ કાર્યક્રમનું આમંત્રણ કિશોર દેસાઇએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને 23 એપ્રિલે આપ્યું હતું. તે વખતે પોલીસને કશું વાંધાજનક ન લાગ્યું ને કાર્યક્રમની આગલી રાત્રે જ ટ્રસ્ટીઓને પકડી જવાની વાત કરે તે અકળ છે. કોઈ જૂથનું દબાણ પોલીસ પર વધ્યું હોય ને પોલીસે કાર્યક્રમ બંધ કરાવ્યો હોય એમ બને. એ નોંધનીય છે કે ઐતિહાસિક દસ્તાવેજોના આધારે, ગાંધીહત્યા પાછળની હકીકતો દર્શાવવા હેમંત શાહ અને આત્મન શાહ કાર્યક્રમ કરવાના હતા. વડોદરાના ત્રીજા પ્રયોગ સુધી કોઈને પણ વાંધો ન પડ્યો હોય ને એ જ પ્રયોગ માટે પોલીસને સુરતમાં વાંધો પડે ને કાર્યક્રમ ન થવા દે તે આઘાતજનક છે. એમ લાગે છે કે લોકશાહીનો ઠેકો હવે નાનાં મોટાં જૂથોએ લઈ લીધો છે. હવે વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, જૂથ આપે તેના પર આધારિત છે. તેને લાગે કે અમુક કાર્યક્રમ નથી થવા દેવો તો, તે પોલીસ પર દબાણ લાવીને એ સ્થિતિ ઊભી કરે કે કાર્યક્રમ થાય જ નહીં ! 

તાજેતરમાં વિવાદ ‘ફૂલે’ ફિલ્મ માટે પણ થયો. 25 માર્ચ, 2025ને રોજ માત્ર ટ્રેલર આવ્યું કે બ્રાહ્મણ સમાજને વાંધો પડ્યો. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં બ્રાહ્મણોને જાણીબૂઝીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. એક દૃશ્યમાં બ્રાહ્મણ બાળકો સાવિત્રીબાઇ ફૂલે પર પથ્થર ને કચરો ફેંકતા બતાવાયાં છે, તો એક દૃશ્યમાં શૂદ્રોને ઝાડૂ બાંધીને ચાલતા બતાવાયા છે. ફિલ્મ પર એવો આરોપ છે કે આવાં દૃશ્યો સમાજમાં ખોટો મેસેજ મોકલે છે. એ ફિલ્મમાં સેન્સર બોર્ડે પણ, કેટલાંક શબ્દો ને દૃશ્યો બદલવાનું સૂચવ્યું. બોર્ડની સૂચના મુજબ ફેરફારો પણ કર્યા. એને લીધે ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી, તે 25 એપ્રિલ પર ઠેલાઈ. આ વિવાદમાં જાતિવાદ ખતમ થઈ ગયો છે એવું વડા પ્રધાનને નામે ટોળમાં કહીને અનુરાગ કશ્યપે ઝુકાવ્યું, તો એનો ય વંટોળ ઊઠ્યો. ફિલ્મ નિર્દેશક અનંત મહાદેવને કહ્યું કે આજે પણ આપણો સમાજ માનસિક રીતે એટલો જ સંકુચિત છે, જેટલો સો વર્ષ પહેલાં હતો. તેમણે એમ પણ કહ્યું કે ફિલ્મ કોઈને પણ નીચા દેખાડવા માટે નહીં, પણ યુવાનોને એવી સચ્ચાઈ બતાવવા બનાવી છે કે સામાજિક પરિવર્તન, કેવા સંઘર્ષોથી શક્ય બને છે ! 

ફિલ્મ વિષે જેટલો વિરોધ છે, એટલું જ સમર્થન પણ છે. ફિલ્મ રિલીઝ થતાં વડા પ્રધાન અને યુ.પી.ના સી.એમ. યોગીએ જોઈ અને એમણે ફિલ્મની ભારે પ્રશંસા કરી ને એવો આગ્રહ રાખ્યો કે ફિલ્મને કોઈ પણ કાપકૂપ વગર દર્શાવવી જોઈએ. ફિલ્મ જોઈને બહાર આવેલા પ્રેક્ષકોએ પણ ફિલ્મને મન મૂકીને વખાણી છે. વડા પ્રધાન અને સી.એમ. યોગીએ આ ફિલ્મનાં વખાણ કર્યા એ પછી પ્રેક્ષકોનું વલણ બદલાયું ને આ ફિલ્મ હવે બધે જ રિલીઝ થાય એમ બને. કહેવાનું એ છે કે લોકશાહીમાં જૂથબંધી વધુ પ્રભાવી થઈ રહી છે. કોઈને કાર્યક્રમ કે ફિલ્મ જોયાં પહેલાં જ વાંધો પડે છે ને તે જેમને જોવાની સ્વતંત્રતા છે, તેમની સ્વતંત્રતા પર, કાર્યક્રમ કે ફિલ્મ રોકીને સીધી તરાપ મારે છે. કોઈને લાગે છે કે ફિલ્મ બાન થવી જોઈએ, પણ વડા પ્રધાન કે સી.એમ. એને વખાણે છે, તો વિરોધની ધાર બુઠ્ઠી થવા લાગે છે. 

જો ભણેલા હોય તો આજના સાંસદો અને ધારાસભ્યો કે કોર્પોરેટરો મોગલ, મરાઠા, અંગ્રેજનો ઇતિહાસ ભણ્યા જ હશે. એ વખતની કાઁગ્રેસી સરકારોએ લઘુમતીની તરફેણમાં નિર્ણયો લીધા ને તે મુજબનો ઇતિહાસ ભણાવ્યો. આવું તો ઘણું ખરુંખોટું આપણે શીખતાં આવ્યાં છીએ. જેમ કે, વાલ્મીકિ વિષે આપણે એ ગોખી કાઢ્યું છે કે વાલિયો લૂંટારો હતો, પણ હકીકત એ છે કે વાલ્મીકિ લૂંટારા ન હતા. તે બ્રહ્માના માનસપુત્ર પ્રચેતસના પુત્ર છે. એવું તો ઘણું ખરુંખોટું ચાલ્યું, પણ તેને અભ્યાસમાંથી કાઢવાનું થયું નથી. વાલ્મીકિ રામાયણ છે, એમ જ તુલસીદાસનું રામચરિત માનસ પણ છે ને આપણે બંનેનો આદર કરીએ છીએ. વ્યાસનું મહાભારત છે એમ જ અન્ય પણ છે. આજે તો કલ્પી ન શકાય એટલાં મંદિરો રાધાકૃષ્ણનાં છે, પણ કે.કા. શાસ્ત્રી જેવા પ્રખર વિદ્વાન રાધાને કવિઓની કલ્પના માત્ર ગણે છે. ભારતમાં રામાનુજ ને બીજા સંપ્રદાયો રાધાની નિંદા કરે છે. આજની તારીખે પણ રાધાનાં ઐતિહાસિક અસ્તિત્વ વિષે પ્રશ્નો જ છે. આવું હોવા છતાં રાધાના નકારની કલ્પના પણ થઈ શકતી નથી. એ રીતે ભારતીયો સહિષ્ણુ છે. રાધાનો નકાર છે, તો સ્વીકાર પણ છે ને બંને મતને સમર્થન પણ છે. 

એ જ રીતે મુસ્લિમોનો નકાર હોય ને હિન્દુત્વનો મહિમા હોય એવી સ્થિતિ પણ સમાંતરે દેશમાં છે, પણ શાસકો વધુ સંકુચિત અને એકાંગી થતાં જાય છે. સુરતના ચોકબજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાનું બે ફેઝમાં રિસ્ટોરેશન પૂરું થયું. સુરત મ.ન.પા.ના શાસકોએ એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવાનું આયોજન પણ કર્યું. કોર્પોરેશનના એક અધિકારીએ થોડાં વર્ષો પર એની સ્ક્રિપ્ટ લખવાનું કામ આ લખનારને સોંપ્યું હતું. એ સ્ક્રિપ્ટ તૈયાર થઈ, પણ તે પછી ન તો શાસકોએ કે ન તો અધિકારીએ તે જોવાની તસ્દી લીધી. તે પછી 29 એપ્રિલના રોજ ખબર પડી કે શો માટેની ફિલ્મ બનાવવાનું તો 2021માં બીજે સોંપાઈ ગયું હતું ને સિસ્ટમ ઊભી કરવા 10 કરોડનો ખર્ચ પણ કરાયો હતો. સિસ્ટમ તો ઊભી થઈ, પણ શોમાં દર્શાવાનારી દસ દસ મિનિટની ત્રણ ફિલ્મને મંજૂરી મળતી નથી. ફિલ્મ અંગે શાસકોને વાંધો એ છે કે તેમાં ‘મુઘલકાળ’નું જ બધું બતાવાયું છે. શાસકોએ ફિલ્મ બતાવનાર અધિકારીઓને સોંસરું પૂછ્યું પણ છે, ‘અત્યારે પણ આપણે મુઘલકાળમાં જીવી રહ્યા છે?’

આ ફિલ્મને બદલે શાસકોએ નવી ફિલ્મ બનાવવાનું કહ્યું છે ને ‘મુઘલસરાય’ જેવો શબ્દ હટાવી દેવાની સૂચના પણ આપી છે. પ્રોબ્લેમ એ છે કે આ કામ હેરિટેજ વિભાગને સોંપાયું હતું, એટલે દેખીતું છે કે એ શાસકોને વફાદાર રહેવાને બદલે, ઇતિહાસને વધારે વફાદાર રહેવાનું સ્વીકારે. શાસકોમાં કોઈ ઇતિહાસવિદ ન હોય તે સમજી શકાય, પણ ઇતિહાસની જાણકારી મેળવવાનું પ્રતિબંધિત નથી. સાહેબો થોડો ઇતિહાસ જાણી લે તો કિલ્લો ખુદાવંદખાને 1540-1541માં બંધાવેલો તે સમજાશે. એ બાંધવા ત્રણ જગ્યાઓ જોવાયેલી, પણ સુલતાન બહાદુરશાહને નદી કિનારાવાળી જગ્યા પસંદ પડી ને કિલ્લો ત્યાં જ બંધાયો. તે એટલો મજબૂત હતો કે અકબર જેવાને પણ તેના પર કાબૂ મેળવતા દોઢ મહિનો લાગેલો. કિલ્લાની ફિલ્મમાં તો આવો જ ઇતિહાસ હોય ને ! કિલ્લાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય તો કિલ્લાની નહીં, તો શેની વાત આવે? એ ખરું કે આજે ‘મોઘલકાળ’માં કોઈ જીવતું નથી, પણ કિલ્લાનો કાળ ‘મોઘલકાળ’ જ હોય તો વાત એની નહીં તો કોની થાય?

શાહજહાંએ એની દીકરી જહાંઆરાને સુરત બંદરની જકાત અને મહેસૂલની પંદરેક લાખની આવક ખર્ચ પેટે લખી આપેલી. એનો હિસાબ રાખવા જહાંઆરાએ ઇશાકબેગ યઝદીની નિમણૂક કરેલી જે પાછળથી હકીકતખાન તરીકે ઓળખાયો. એણે 1644માં એક મુસાફરખાનું બાંધ્યું. તે ‘મુઘલસરાઈ’ તરીકે ઓળખાયું. હવે હેરિટેજવાળા તેને ‘મુઘલસરાઈ’ તરીકે નહીં, તો ‘ભાજપ’સરાઈ તરીકે ઓળખાવે? 

એવી જ માથાકૂટ NCERTએ ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી મુગલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના પ્રકરણો દૂર કરીને કરી છે. તેને બદલે મહાકુંભ, ‘મેક ઇન ઈન્ડિયા’, ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ જેવા વિષયો ઉમેરવામાં આવ્યા છે. નવું ઉમેરાય તેનો તો વાંધો જ નથી, પણ તે જૂનું કાઢીને ઉમેરાય તો બરાબર નથી. આમાંના કોઈ મોગલ સાથે આ લખનારને લેવા દેવા નથી કે નથી કોઈ રાજકીય પક્ષનું સભ્ય પદ પણ ! નથી કાઁગ્રેસ જોડે કોઈ સંબંધ કે નથી ભા.જ.પ. સાથે કોઈ શત્રુતા, પણ અગાઉના શાસકોએ ઇતિહાસ મચડ્યાનો વાંધો પડતો હોય, તો આજના શાસકોની મુગલ શાસકો માટેની નફરત ફેર વિચારણા માંગે, એવું ખરું કે કેમ? મુગલકાળને પાઠ્યપુસ્તકમાંથી કાઢવાથી તાજમહાલ, લાલકિલ્લો, ફતેહપુર સિક્રી … નીકળી જશે? સંભાજીનું મૃત્યુ કેવી રીતે થયું એ કોઈ જાણવા માંગશે તો ઔરંગઝેબને બદલે ખોટું નામ દઇશું? કે પછી શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી એવું જ કર્યા કરીશું? 

વિચારીએ –                                                                                                                                                                                                                                                                                                               000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 મે 2025

Loading

વિધવાવિવાહ અને ખ્રિસ્તી ધર્મનો પુરસ્કાર કરતી મરાઠી નવલકથા

દીપક મહેતા|Opinion - Literature, Opinion - Opinion|1 May 2025

ગ્રંથયાત્રા : 2

આજે પહેલી મે – મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે ખાસ 

દીપક મહેતા

જેમ ભારતના રાજકીય ઇતિહાસમાં ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે, તેમ ભારતીય સાહિત્યના ઇતિહાસમાં પણ ૧૮૫૭ની સાલ સીમાચિહ્ન રૂપ છે. કારણ, ભારતીય સાહિત્યની પહેલી નવલકથા ૧૮૫૭માં પ્રગટ થઈ હતી. આ નવલકથા તે બાબા પદમનજીની મરાઠી નવલકથા યમુનાપર્યટણ. આ નવલકથા પ્રગટ થઈ તે જ અરસામાં દેશના સામા કાંઠે, ટેકચંદ ઠાકુર ઉર્ફે પિયારીચંદ મિત્રા બંગાળી ભાષાની પહેલી નવલકથા આલા ઘરેર દુલાલ માસિક પત્રિકા નામના પોતાના સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રગટ કરી રહ્યા હતા. પણ તે પુસ્તક રૂપે પ્રગટ થઈ ૧૮૫૮માં. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ એ ભારતીય ભાષાની ત્રીજી નવલકથા. 

૧૮૫૭ના વર્ષમાં આપણા દેશમાં જે ત્રણ યુનિવર્સિટી સ્થપાઈ તેમાંની બે મુંબઈ અને કલકત્તા ખાતે શરૂ થઈ હતી. એટલે ભારતીય સાહિત્યને પહેલી ત્રણ નવલકથા મરાઠી, બંગાળી અને ગુજરાતી પાસેથી મળે છે તે સાવ અકસ્માત નથી. આ યુનિવર્સિટીઓ શરૂ થઈ તે પહેલાં ચાળીસેક વર્ષે બોમ્બે પ્રેસિડેન્સી અને કલકત્તા પ્રેસિડેન્સીમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી નિશાળો શરૂ થઈ ચૂકી હતી, અને તેમાં ભણતા છોકરાઓ (એ વખતે છોકરીઓ ભાગ્યે જ નિશાળોમાં ભણવા જતી) અંગ્રેજી સાહિત્યની કૃતિઓના સંપર્કમાં આવી ચૂક્યા હતા. આ પરિચયને પ્રતાપે અંગ્રેજી ભાષામાં લખાયેલી કૃતિઓ જેવી કૃતિઓ પોતાની ભાષામાં લખવાના કોડ તેમના મનમાં જાગ્યા. મુંબઈને કારણે મરાઠી અને ગુજરાતીમાં અને કલકત્તાને કારણે બંગાળીમાં આ અંગે પહેલ થાય તે સ્વાભાવિક હતું.

આપણા દેશની ઘણીખરી ભાષાઓ પાસે કવિતા કે પદ્યની તો ઠીક ઠીક લાંબી અને સમૃદ્ધ પરંપરા હતી, પણ વિવિધ ગદ્ય પ્રકારોનું ખેડાણ કરવા માટેની પ્રેરણા તો અંગ્રેજી સાહિત્યમાંથી મળી. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં ગદ્યકથાનું સ્વરૂપ ખેડાયેલું જોવા મળે છે, પણ જેને આપણે મરાઠીમાં કાદમ્બરી તરીકે અને ગુજરાતીમાં નવલકથા તરીકે ઓળખીએ છીએ તે ગદ્ય પ્રકાર તો આપણે અંગ્રેજી સાહિત્યમાંથી જ અપનાવ્યો છે. 

પહેલી ભારતીય નવલકથા ‘યમુનાપર્યટણ’ના લેખક બાબા પદમનજીનો જન્મ ૧૮૩૧ના મે મહિનામાં, એ વખતે મુંબઈ ઇલાકામાં આવેલા બેળગાંવના એક રૂઢિચુસ્ત કુટુંબમાં થયેલો. વ્રત-ઉપવાસ, કથાકીર્તન, પૂજા-યાત્રામાં તેમની માને દૃઢ વિશ્વાસ. બેળગાંવની સરકારી નિશાળમાં કન્નડ ભાષા દ્વારા પ્રાથમિક શિક્ષણ લીધા પછી ૧૮૪૩માં ત્યાંની જ મિશન હાઈ સ્કૂલમાં તેઓ દાખલ થયા. ૧૮૪૯માં મુંબઈ ગયા. ફ્રી ચર્ચ હાઈ સ્કૂલમાં અને પછી એજ્યુકેશન સોસાયટીની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભણ્યા. અહીં  તેમને ખ્રિસ્તી ધર્મમાં રસ પડવા માંડ્યો. તેઓ જ્ઞાતિપ્રથા અને મૂર્તિપૂજાના વિરોધી અને વિધવાવિવાહના હિમાયતી હતા. પોતાના આ વિચારોનું સમર્થન તેમને પરમહંસ સભાની વિચારણામાં દેખાયું અને તેઓ તેમાં જોડાયા. પણ પછી બીજા કેટલાક સભ્યો સાથે મતભેદ થતાં તેમણે તે છોડી અને ૧૮૫૪ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કર્યો. 

બાબા પદમનજીએ લખેલાં સો જેટલાં પુસ્તકોમાં યમુનાપર્યટણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આપણે જેને સુધારક યુગ (મરાઠીમાં આવું યુગવિભાજન કરતા નથી) તરીકે ઓળખીએ છીએ તે સમયના, એટલે કે ઓગણીસમી સદીના ઘણા લેખકો માટે તત્કાલીન હિંદુ સમાજમાંની સ્ત્રીની દુર્દશા એ એક કૂટ સમસ્યા હતી અને સ્ત્રીઓની દશા સુધારવા માટેના જુદા જુદા રસ્તાઓએ તેમનું સવિશેષ ધ્યાન ખેંચ્યું હતું. મરાઠીની પહેલી નવલકથા યમુનાપર્યટણ અને ગુજરાતીની પહેલી સામાજિક નવલકથા મહીપતરામ નીલકંઠની ‘સાસુ વહુની લડાઈ’ (૧૮૬૬) એ બંને નવલકથાઓના કેન્દ્રમાં હિંદુ સમાજમાંની સ્ત્રીની દુર્દશા રહેલી છે.  યમુના પર્યટણનું ઉપશીર્ષક છે: ‘अथवा हिंदु विधवांच्या स्थितीचें निरूपण.’ બાબા પદમનજીની નવલકથાનું મુખ્ય પાત્ર યમુના પોતે તો નહીં, પણ તેના સંપર્કમાં આવતાં બીજાં સ્ત્રી પાત્રો હિંદુ સમાજના એક યા બીજા કુરિવાજનો ભોગ બનેલાં છે. જ્યારે મહીપતરામની નવલકથાની નાયિકા સુંદર પોતે જ સંયુક્ત કુટુંબમાં રહીને સાસુના ત્રાસનો ભોગ બને છે. બાબા પદમનજીની યમુના ખ્રિસ્તી મિશનરી સ્કૂલમાં ચાર ચોપડી ભણેલી છે અને તેને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષણ અભ્યાસકાળથી જ છે. તેનો પતિ વિનાયકરાવ પણ સમજુ, શાણો, અને સુશિક્ષિત છે. પડોશમાં રહેતી વિધવા થયેલી ગોદુ મુંડન વિધિમાંથી બચવા માટે ઘરેથી ભાગી તો નીકળે છે, પણ પછી બીજો કોઈ રસ્તો ન દેખાતાં કૂવામાં પડી આપઘાત કરે છે તે જોઈ યમુના અને વિનાયકનું હ્રદય દ્રવે છે. થોડી આશાયેશ મેળવવા બંને પર્યટને (મુસાફરીએ) નીકળી પડે છે. સાતારામાં બહુ ચુસ્તતાપૂર્વક વિધવાજીવનના નિયમો પાળતી વેણુના સંપર્કમાં આવે છે. પછી નાગપુરમાં વિનાયકના એક મિત્રને ત્યાં પહોંચે છે. એ મિત્રની યુવાન વિધવા બહેન તેને ધર્મોપદેશ આપવા માટે કુટુંબે રોકેલા ભૂદેવ સાથે જ ભાગી ગઈ છે. તો સાતારાની બીજી એક ખાધેપીધે સુખી કુટુંબની દીકરીનાં લગ્ન ગ્વાલિયરના એક યુવાન સાથે થયા પછી થોડા કલાકોમાં જ તે વિધવા બને છે. પણ આ યુવતી વિધવા કરતાં વેશ્યા તરીકે જીવવાનું વધુ પસંદ કરે છે. પંઢરપુરની એક વિધવા શરીરની ભૂખ શમાવવા રાતે વેશ બદલી ઘરની બહાર જતી રહે છે. 

આ બધાં જ પાત્રોની દુર્દશાના સાક્ષી બનનાર યમુના અને વિનાયકના જીવનમાં હવે અણધાર્યો વળાંક આવે છે. મુસાફરી દરમ્યાન વિનાયકને જીવલેણ અકસ્માત થાય છે. મૃત્યુ પહેલાં યમુનાને હાથે તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે. તેના મૃત્યુ પછી યમુના પંઢરપુર પાછી આવે છે. કેટલાંક સગાંઓ તેના કેશવપનની તૈયારી કરે છે પણ યમુના તે માટે મક્કમતાથી ના પાડી દે છે અને તેના સસરા પણ તેને ટેકો આપે છે. બાકીનું જીવન વિધવા તરીકે વિતાવાવાને બદલે તે સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે અને એક ખ્રિસ્તી યુવક સાથે ફરી લગ્ન કરે છે. 

કૃતિના નામમાં જે ‘પર્યટણ’ શબ્દ છે તે ભૌગોલિક પ્રવાસનો નિર્દેશ તો કરે જ છે, પણ તેના કરતાં વધુ તો યમુનાના આંતરિક પ્રવાસનો નિર્દેશ કરે છે. આની સરખામણીમાં મહીપતરામની નવલકથાની નાયિકા સુંદર કથાને અંતે મૃત્યુ પામે છે એટલું જ નહીં, એક આદર્શ હિંદુ નારીની જેમ મરતાં પહેલાં એવું નિવેદન કરે છે કે મારા મૃત્યુ માટે મારા પતિ કે સાસરિયાં જવાબદાર નથી. યમુના ફરી લગ્ન કરી શકે છે કારણ તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે. યમુનાપર્યટણ લખવા પાછળ બાબાના બે મુખ્ય હેતુ હતા. પહેલો, હિંદુ સમાજમાં વિધવાની જે દુર્દશા થાય છે તે તરફ સમાજનું ધ્યાન દોરવું, અને બીજો, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો. આખી કૃતિમાં જુદી જુદી વિધવાઓની વિટમ્બણાઓ આલેખીને તેમણે પહેલો હેતુ પાર પાડ્યો, તો કથાને અંતે યમુનાને ખ્રિસ્તી થતી બતાવીને બીજો હેતુ પાર પાડ્યો. 

મરાઠી ભાષાની પહેલી જ નવલકથાના લેખક વિધવાવિવાહ કરાવવાની હિંમત બતાવી શક્યા. જ્યારે ગુજરાતી નવલકથામાં છેક ૧૮૮૦માં પહેલી વાર વિધવાવિવાહ જોવા મળે છે. કમલાકુમારી નામની કૃતિમાં લીમડી જેવા નાના ગામમાં રહેતા ભવાનીશંકર નરસિંહરામ કવિએ બાળવિધવા રાજકુંવરી કમલા કુમારીનાં પુનર્લગ્ન જુગલકિશોર નામના વિધુર યુવક સાથે કરાવ્યાં છે, એટલું જ નહીં, અલકાપુર નામના દેશી રાજ્યના લોકો પણ તેને ટેકો આપે છે એમ બતાવ્યું છે. આ નવલકથાની ૧૯૦૯માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં રમણભાઈ નીલકંઠે અંગ્રેજીમાં સોળ પાનાંની પ્રસ્તાવના લખી છે. તેમાં તેઓ લખે છે: “The author Mr. Bhavanishankar Narsinhram of Limdi has rendered a service to the cause of social reform. He has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident.” સામાજિક સમસ્યાઓ સાથે નિકટનો નાતો ધરાવતી નવલકથાની પરંપરા બાબા પદમનજી પછી હરી નારાયણ આપટે, વામન મલ્હાર જોશી, સાને ગુરુજી, વિભાવરી શિરુરકર, ભાઉ પાધ્યે, અનંત કદમ, દીનાનાથ મનોહર, જેવા લેખકોએ ચાલુ રાખી છે. 

નોંધ : યમુનાપર્યટણનો મેનકા જાદવે કરેલો ગુજરાતી અનુવાદ ૨૦૧૧માં પ્રગટ થયો હતો.

XXX XXX XXX

01 May 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...164165166167...170180190...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved