Opinion Magazine
Number of visits: 9674291
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીડાનો કોઈ રંગ નથી હોતો : ડેસ્મન્ડ ટુટુ

સોનલ પરીખ|Opinion - Opinion|13 February 2022

નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર ડેસમન્ડ ટુટુ કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત આર્ચબિશપ હતા. ગયા રવિવારે એટલે કે 26 ડિસેમ્બર 2021ના દિવસે 90 વર્ષની વયે એમનું મૃત્યુ થયું. તેઓ જીવનભર અસમાન નાગરિક-અધિકાર, રંગભેદી પાસપોર્ટ પ્રક્રિયા, શિક્ષણમાં ભેદભાવ અને દક્ષિણ આફ્રિકામાંથી અશ્વેતોની બળજબરીથી કરવામાં આવતી હકાલપટ્ટી વિરુદ્ધ લડ્યા હતા. પ્રસ્તુત છે એમનાં જીવન અને કાર્યોની નાની ઝલક … 

‘મારા સુંદર અને પ્રિય દક્ષિણ આફ્રિકાથી અહીં આવવા નીકળ્યો એ પહેલા સાઉથ આફ્રિકન કાઉન્સિલ ઑફ ચર્ચીઝની એક્ઝિક્યુટિવ કમિટીની કટોકટીની મિટિંગમાં હાજર રહેવાનું થયું. આ મિટિંગ, અમારી ભૂમિ પર ચાલી રહેલા હિંસાચારના અનુસંધાનમાં બોલાવવામાં આવી હતી. અમે કેટલાક પીડિતોને પણ મળ્યા. એક વૃદ્ધાએ કહ્યું, ‘હું મારા પૌત્ર અને જેમની મા કામે જતી હોય તેવાં થોડાં પડોશી બાળકોને સાચવતી. એક દિવસ પોલિસથી બચવા વિદ્યાર્થીઓ ભાગતા હતા. અચાનક કોઈ દોડી આવ્યું અને મને બહાર આવવા કહ્યું. મેં જોયું તો મારો છ વર્ષનો પૌત્ર લોહીલુહાણ પડ્યો હતો. પોલિસે તેને ગોળીથી વીંધી નાખ્યો હતો.’ રોજ કેપટાઉનના પાંચસાત કામચલાઉ ઝૂંપડાં પોલિસ તોડી નાખે છે. સામાન ફેંકી દે છે. રડતાં નાનાં બાળકોને ગોદમાં લઈ માતાઓ વરસતા વરસાદમાં ભીંજાતી રહે છે. આ સ્ત્રીઓનો ગુનો એટલો જ છે કે એમને એમના પતિ સાથે, એમનાં સંતાનોના પિતા સાથે રહેવું છે.

દક્ષિણ આફ્રિકાની ભૂમિ, જ્યાં ખ્રિસ્તીઓ વસે છે, જ્યાં ‘ફેમિલી ડે’ નામનો તહેવાર ઉજવાય છે, ત્યાં અમારાં નાનાં નિર્દોષ બાળકોની, પ્રેમાળ પત્નીઓની આવી દશા ? અશ્વેતોના કુટુંબ, કુટુંબ નથી હોતાં ? આ કોઇ આકસ્મિક ઘટના નથી. સરકારી નીતિ અનુસાર અમને પદ્ધતિસર હાંકી કઢાય છે, મારી નખાય છે. કેમ કે અમે કાળા છીએ. ભગવાને આપેલા ચામડીના રંગ બદલ આવી સજા હોય ?’

1984માં નોબેલ શાંતિ પુરસ્કાર સ્વીકારતી વખતે ડેસ્મન્ડ ટુટુએ આ શબ્દોથી એમના નોબેલ-સ્વીકૃતિ વ્યાખ્યાનની શરૂઆત કરી હતી. રંગભેદ સમાપ્ત કરવાના અને એલ.જી.બી.ટી. માટે સમાન અધિકાર પ્રાપ્ત કરવાના પ્રયત્નો માટે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર ડેસમન્ડ ટુટુ કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત આર્કબિશપ હતા. તેઓ જીવનભર અસમાન નાગરિક-અધિકાર, રંગભેદી પાસપોર્ટ પ્રક્રિયા, શિક્ષણમાં ભેદભાવ અને દક્ષિણ આફ્રિકામાંથી અશ્વેતોની બળજબરીથી કરવામાં આવતી હકાલપટ્ટી વિરુદ્ધ લડ્યા હતા. ગયા વરસના અંતે, રવિવાર, 26 ડિસેમ્બર 2021ના દિવસે, 90 વર્ષની વયે, એમનું મૃત્યુ થયું. જોઈએ એમનાં જીવન અને કાર્યોની નાની ઝલક.

શિક્ષક પિતા ઝાકરિયાહ અને ઘરકામ કરનારી માતા અલેથાને ત્યાં 1931માં ટુટુનો જન્મ. 1943માં આખો પરિવાર એંગ્લિકન બન્યો. ગરીબી અને વિસ્થાપનો વચ્ચે ટુટુએ અભ્યાસ, સ્કાઉટિંગ અને ટેન્ડરફૂડની તાલીમ લીધી. હાઈસ્કૂલમાં ફાધર હડલ્સ્ટને વાંચવાનો શોખ લગાડ્યો. મેડિકલમાં પ્રવેશ મળ્યો હોવા છતાં ગરીબીને કારણે તેમણે શિક્ષક બનવાનું પસંદ કર્યું. 1955માં પિતાની સૌથી તેજસ્વી વિદ્યાર્થિની લેહ સાથે લગ્ન કર્યાં અને થિયોલોજીનો અભ્યાસ કરી પાદરી-પદ મેળવ્યું. 1962માં થિયોલોજીના વધુ અભ્યાસ માટે લંડન ગયા અને દક્ષિણ આફ્રિકાના સૌથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવનાર એંગ્લિકન પાદરી બન્યા.

એમણે ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ઈસ્લામ પર ડૉક્ટરેટ શરૂ કર્યું. સાથે રંગભેદ વિરુદ્ધ કામ પણ કરવા માંડ્યું. 1972માં ફરી ઈંગ્લૅન્ડ ગયા અને છ મહિના ત્રીજા વિશ્વની મુસાફરીમાં ગાળ્યા. 1975માં દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા અને જોહાનિસબર્ગના પ્રથમ અશ્વેત એંગ્લિકન ડીન અને જોહાનિસબર્ગમાં સેન્ટ મેરી કેથેડ્રલ પેરિશના રેક્ટર નિયુક્ત થયા. અશ્વેત લોકોની અવદશાના શાંતિપૂર્ણ પરિવર્તન માટે તેઓ સતત મથ્યા. પણ ગોરી સરકારના અત્યાચારો અને હત્યાઓ ચાલતા રહ્યા. 1976માં તેઓ બિશપ બન્યા. ગ્રામીણ પરગણાઓની મુલાકાત દરમિયાન, તેઓ કલાકો સુધી ઘોડા પર મુસાફરી કરતા. 1978માં તેઓ દક્ષિણ આફ્રિકન કાઉન્સિલ ઓફ ચર્ચના જનરલ સેક્રેટરી થયા.  

એમણે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંધિ કરાવવા પ્રયત્ન કર્યો અને ઝિમ્બાબ્વે, લેસોથો અને સ્વાઝીલેન્ડના વડા પ્રધાનો અને બોત્સ્વાના અને મોઝામ્બિકના પ્રમુખોને પત્ર લખીને દક્ષિણ આફ્રિકાના શરણાર્થીઓને હોસ્ટ કરવા બદલ આભાર માન્યો. આ બધાથી રૂઢિચુસ્ત દક્ષિણ આફ્રિકન ગોરાઓ, માધ્યમો અને કેટલાક અશ્વેતો નારાજ થયા, પણ ટુટુ પાદરી તરીકેની પોતાની ભૂમિકા અને જવાબદારીને ન વીસર્યા. દક્ષિણ આફ્રિકાના લોકોને વિદેશમાં ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમણે એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટી કાઉન્સિલની પણ શરૂઆત કરી. અશ્વેતો પર બળજબરી માટે સરકારની કડક ટીકા બદલ સરકારે એમની ધરપકડ કરી બે વર્ષ માટે પાસપૉર્ટ જપ્ત કર્યો. પછીથી એમણે અમેરિકા જઈ ત્યાંના લોકોને નેલ્સન મંડેલા વિશે જાગૃત કર્યા. અસંખ્ય પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કર્યું અને યુનો સુરક્ષા પરિષદને દક્ષિણ આફ્રિકાની સ્થિતિ સમજાવી. આ બધાં કામોમાં ટુટુને પત્ની લેહનો પૂરો સાથ મળતો.

18 ઑક્ટોબર 1984ના રોજ, ટુટુને જાણવા મળ્યું કે દક્ષિણ આફ્રિકામાં શ્વેત લઘુમતી શાસનનો અંત લાવવાના તેમના પ્રયાસ બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ટુટુ ત્યારે અમેરિકામાં હતા. દક્ષિણ આફ્રિકાના અશ્વેતોએ આ ઘટનાની ઉજવણી કરી હતી, પણ સરકારે ટુટુને તેની સારુ અભિનંદન પણ આપ્યા નહીં. ટુટુ એની પરવા કર્યા વિના આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય રહ્યા, અનેક સંસ્થાઓ સ્થાપી, સેવાકાર્યો કર્યા અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. બર્માના વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા અને સાથી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીની મુક્તિ માટે હાકલ કરી. 1994માં શ્વેત શાસનનો અંત આવ્યો.

2007માં, ટુટુ નેલ્સન મંડેલા અને રાજદ્વારી પ્રક્રિયાની બહાર વરિષ્ઠ વિશ્વ નેતાઓના અનુભવને એકત્ર કરતી પહેલ રૂપે બનેલા ‘ધ એલ્ડર્સ’માં ભૂતપૂર્વ યુ.એસ. પ્રમુખ જીમી કાર્ટર, નિવૃત્ત યુ.એન. સેક્રેટરી જનરલ કોફી અન્નાન અને ભૂતપૂર્વ આઇરિશ રાષ્ટ્રપતિ મેરી રોબિન્સન સાથે જોડાયા. ટુટુને જૂથના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. કાર્ટર અને ટુટુએ લાંબા સમયથી ચાલતા સંઘર્ષોને ઉકેલવાના પ્રયાસરૂપે ડાર્ફુર, ગાઝા અને સાયપ્રસનો પ્રવાસ કર્યો. વિશ્વશાંતિ માટેનાં કાર્યો માટે બરાક ઓબામાએ ટુટુને યુનાઇટેડ સ્ટેટ્સનું સર્વોચ્ચ પ્રેસિન્ડેશ્યલ મેડલ ઑફ ફ્રિડમ આપ્યું.

2010માં ટુટુ સત્તાવાર રીતે જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા. ટુટુ અને દલાઈ લામાએ સાથે મળીને એક પુસ્તક લખવા માંડ્યુ હતું. 2016માં ટુટુની પુત્રીએ એની સ્ત્રીસાથી સાથે લગ્ન કર્યાં, એ પછી ટુટુએ આંતરરાષ્ટ્રીય સ્તરે અને એંગ્લિકન ચર્ચની અંદર સમલૈંગિક અધિકારોના સમર્થનમાં કાર્યો કર્યાં.

જેને પોતે અનૈતિક વર્તન માનતા તેની વિરુદ્ધ જાહેરમાં બોલતાં ટુટુ કદી અચકાતા નહીં. પછી ભલે પોતે ચીન-યુરોપમાં હોય કે યુનાઇટેડ સ્ટેટ્સમાં. ટૂટુએ દક્ષિણ આફ્રિકાની વિવિધ જાતિઓ વચ્ચે જોવા મળતા તફાવતની સુંદરતાનું વર્ણન કરવા માટે ‘રેઈનબો નેશન્સ’ની રચના કરી હતી. વર્ષોથી આ શબ્દની લોકપ્રિયતા ઓછી ન થઈ હોવા છતાં, સંયુક્ત સુમેળભર્યા દક્ષિણ આફ્રિકન રાષ્ટ્રનો આદર્શ સિદ્ધ કરવાનો હજુ બાકી છે.

એક માણસ પર્વત પરથી પડી ગયો. તેના હાથમાં એક ડાળ આવી ગઈ. એને પકડીને લટકતાં તેણે બૂમ  મારી, ‘ઉપર કોઈ છે ?’ અવાજ આવ્યો. ‘હું છું.’ ‘હું કોણ ?’ ‘હું ભગવાન. તને બચાવીશ. ડાળી છોડી દે.’ માણસે બૂમ મારી, ‘ઉપર બીજું કોઈ છે ?’ આ ટુટુની પ્રિય વાર્તા હતી. ટુટુની સૌથી મોટી સિદ્ધિ હતું દક્ષિણ આફ્રિકા સ્વતંત્ર થયું એ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના નિર્દેશ પર સ્થપાયેલું ‘ટ્રુથ એન્ડ રિકન્સિલીએશન કમિશન’. ટુટુ તેના અધ્યક્ષ હતા. પીડિતો અને એમના પરના અત્યાચારોની તપાસ કરતા. વિની મંડેલાની ‘ફૂટબૉલ ટીમ’ના અશ્વેતોએ ગોરાઓ પર ખૂબ અત્યાચાર કર્યા ત્યારે કોઈએ એમને પૂછ્યું, ‘એમના કેસોની પણ તપાસ કરશો ?’ ત્યારે ટુટુ બોલ્યા, ‘કેમ નહીં, વિક્ટિમ ઈઝ અ વિક્ટિમ ઈઝ અ વિક્ટિમ. પીડાનો કોઈ રંગ નથી હોતો.’ રંગભેદ યુગમાંથી દક્ષિણ આફ્રિકાના સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડેસ્મન્ડ ટુટુને દુનિયા જલદી ભૂલી નહીં શકે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 જાન્યુઆરી 2022 

Loading

સત્તા ભોગવે એ શું હિંદુરાષ્ટૃ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|13 February 2022

તમે ટ્રેડ્સ (Trads) અને રાઈતાઝ (Raitas) વિષે કાંઈ સાંભળ્યું છે? આ શું છે એ વિષે તમે કાંઈ ન જાણતા હોય તો જાણી લેવું જરૂરી છે. ખાસ કરીને હિન્દુત્વવાદીઓએ આ જાણી લેવું ખાસ જરૂરી છે.

ટ્રેડ્સ અને રાઈતાઝ હિન્દુત્વવાદીઓનાં બે ધડા છે. ટ્રેડ્સ એવા હિંદુઓ છે જે પોતાને ટ્રેડીશનાલીસ્ટ એટલે કે પરંપરાવાદી તરીકે ઓળખાવે છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમના સમર્થક હિન્દુત્વવાદીઓને રાઈતાઝ તરીકે ઓળખાવે છે. રાઈતાઝ એટલે કે (right-wing Hindutvawadis) અર્થાત્ જમણેરી હિન્દુત્વવાદીઓ. હિન્દી ભાષામાં ‘ઇસને રાયતા ફેલા દિયા’ એવો નિંદાવાચક વાક્યપ્રયોગ કરવામાં આવે છે એ તો તમે જાણતા હશો. ટ્રેડ્સના મતે  રાયતાઝ હિન્દુત્વવાદીઓની એવી જમાત છે જે સાચવીને ચાલે છે, જે પોચટ છે, જે આક્રમક અને કઠોર બનતા ડરે છે, જે સત્તાલક્ષી છે અને હિન્દુત્વવાદી થઈને હિંદુઓના જ એક વર્ગના મત ગુમાવવાથી ડરે છે, વગેરે. તેમનો સૌથી મોટો આરોપ એ છે કે નરેન્દ્ર મોદી બ્રેન્ડ હિંદુરાષ્ટ્ર મુસલમાનોને ડરાવી તેમ જ દબાવી રાખવામાં અને હિંદુઓને ‘આપણે પણ કાંઈક છીએ’ એનો અહેસાસ કરાવવામાં ચરિતાર્થ થઈ જાય છે. મુસલમાનોને ડરાવીને અને હિંદુઓને પોરસાવીને તેઓ સત્તા ભોગવે છે.

ટ્રેડ્સ કહે છે કે હિંદુઓનું શાસન અને હિંદુઓનું માથાભરેપણું એ હિંદુરાષ્ટ્ર નથી. સાચું હિંદુરાષ્ટ્ર ત્યારે સ્થાપાશે જ્યારે હિંદુઓની પારંપારિક વ્યવસ્થા ફરી લાગુ કરવામાં આવશે. સનાતન ધર્મે ચીંધેલો માર્ગ અપનાવવામાં આવશે. ટ્રેડ્સ અને રાઈતાઝ વચ્ચે ફરક એ છે કે રાઈતાઝ હિંદુઓની મહાનતાના પાઠ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ભણીને ધન્યતાનો અનુભવ કરે છે, જ્યારે ટ્રેડ્સ એ ઇતિહાસને વર્તમાનમાં પાછો જીવતો કરવા માગે છે. તેઓ માને છે કે સનાતન ધર્મ આધારિત હિંદુરાષ્ટ્ર સ્થાપવામાં માત્ર મુસલમાન આડખીલીરૂપ નથી; સામાજિક ન્યાય અને સમાનતાની માગણી કરતાં દલિતો (જેમને તેઓ ભીમતાઝ તરીકે ઓળખાવે છે), ઉદારમતવાદી હિંદુઓ, લૈંગિક સમાનતા અને ન્યાયની વાતો કરનારી નારીવાદી હિંદુ સ્ત્રીઓ અને સત્તાકાંક્ષી નરેન્દ્ર મોદી જેવા હિન્દુત્વવાદીઓ પણ પણ આડખીલીરૂપ છે.

આ વાંચીને એમ નહીં માનતા કે ટ્રેડ્સ ધોતિયાં પહેરતાં હશે, તેમનાં કપાળે તિલક હશે અને શીખાધારી હશે. ના, તેઓ વિચારો છોડીને દરેક અર્થમાં આધુનિક (જો તેને આધુનિકતા કહેવાતી હોય તો) છે. તેઓ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે, તેઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે, ફૅક એકાઉન્ટ્સ ધરાવે છે, ‘બુલ્લી બાઈ’ જેવી ઍપ તૈયાર કરે છે, ‘ભીમતાસ’, ‘કોમીઝ’, ‘લિબ્ઝ’, ‘મૌલાનામોદી’ જેવા હેશટેગના લેબલ ચલણી કરે છે, ઠઠ્ઠા કરનારા કાર્ટૂનો અને કેરીકેચર બનાવે છે. માત્ર દિમાગથી પાછળ છે, બાકી દરેક રીતે સમય સાથે અથવા સમય કરતાં આગળ છે.

હવે જો તમે હિન્દુત્વવાદી હો તો કહો કે તમે કોની સાથે છો? ટ્રેડ્સ સાથે છો કે પછી ટ્રેડ્સ જેને રાઈતાઝ તરીકે ઓળખાવે છે એવા રાયતા છો? ટ્રેડ્સનો મુદ્દો તો બિલકુલ સાચો છે કે મુસલમાનોને ડરાવી-દબાવી રાખીને કેવળ હિંદુઓનાં માથાભારેપણાં દ્વારા હિંદુ સર્વોપરિતાનો અહેસાસ અનુભવે અને એવો અહેસાસ કરાવનારા એના દ્વારા સત્તા ભોગવે એ શું હિંદુરાષ્ટ્ર છે? એ તો સત્તા માટેનું હિંદુ રાજકારણ થયું, હિંદુરાષ્ટ્ર તો જુદી જ વાત છે. સાચા હિન્દુત્વવાદીને હિંદુરાષ્ટ્રથી ઓછું કશું ન ખપે. હિન્દુત્વવાદી હોવા છતાં જો તમને ટ્રેડ્સની દલીલો ગળે ન ઉતરતી હોય તો તમારી પાસે વળતી દલીલો હોવી જ જોઈએ.

અને જો વળતી દલીલ ન હોય તો? તો આફતથી ઓછું કાંઈ ન હોય!

એ વાત સમજવા માટે ૭૫ વરસ સુધી સમયને રિવાઈન્ડ કરવો પડશે, જ્યારે પાકિસ્તાનની સ્થાપના થઈ હતી. નવા સ્થપાયેલા પાકિસ્તાનના ટ્રેડ્સ પ્રકારના મુસલમાનોએ મહમ્મદ અલી ઝીણાને સવાલ પૂછ્યો હતો કે મુસલમાન માટે પાકિસ્તાનની રચના કરવામાં આવી છે ને, તો ઇસ્લામની બાદબાકી કરીને મુસલમાનની વ્યાખ્યા કરી બતાવો? તેમણે સવાલ પૂછ્યો હતો કે હિંદુઓથી અલગ થઈને મુસ્લિમ બહુમતી દેશની સ્થાપના તમે સહેલાઈથી સત્તા ભોગવી શકાય એ માટે કરી છે કે પછી મુસલમાનના કલ્યાણ માટે? મુસલમાનનું કલ્યાણ તો ઇસ્લામનિષ્ઠામાં છે અને માટે પાકિસ્તાન દરેક અર્થમાં ઇસ્લામિક દેશ બનવો જોઈએ. તેમણે સવાલ પૂછ્યો હતો કે પાકિસ્તાનમાં હિંદુ હાંસિયામાં હોય, ઓશિયાળો હોય અને મુસલમાનનો હાથ ઉપર હોય એવી આભાસી સર્વોપરિતા માટે પાકિસ્તાનની સ્થાપના કરવામાં આવી છે કે મુસલમાનને ખરા અર્થમાં સમર્થ બનાવવા માટે? મુસલમાન માત્ર ઇસ્લામના માર્ગે જ સમર્થ થઈ શકે અને જો સેક્યુલર માર્ગે મુસલમાન સમર્થ થઈ શકતો હોત તો અવિભાજિત ભારતમાં હિંદુની સાથે મુસલમાન પણ સમર્થ થઈ શક્યો હોત, એને માટે મુસલમાનનાં કલ્યાણનાં નામે અલગ દેશ સ્થાપવાની ક્યાં જરૂર પડી? તેમણે એવો પણ સવાલ પૂછ્યો હતો કે તમારા રાજકારણના કેન્દ્રમાં મુસલમાન છે કે પછી સત્તા?

મહમ્મદ અલી ઝીણા પાસે એ સમયના પાકિસ્તાની ટ્રેડ્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ નહોતા. જો ગળે ઉતરે એવા જવાબ હોત તો પાકિસ્તાનનો ઇતિહાસ જુદો હોત. સાચી વાત તો એ હતી કે માત્ર સત્તા ભોગવવા માટે ઝીણા અને અન્ય મુસલમાન નેતાઓએ મુસ્લિમ કોમવાદી રાજકારણ કરીને પાકિસ્તાન મેળવ્યું હતું, તેને ઇસ્લામ સાથે કોઈ સંબંધ નહોતો. આ જ વાત સંઘપરિવારને પણ લાગુ પડે છે. તેઓ સત્તા માટે હિંદુ કોમવાદી રાજકારણ કરી રહ્યા છે, બાકી તેને હિંદુ ધર્મ કે પરંપરા સાથે કોઈ લેવાદેવા નથી.

પણ સમસ્યા એ છે કે કોમવાદ એક દિવસ મૂળભૂતવાદને જન્મ આપે છે. અનિવાર્યપણે. ૭૫ વરસ પહેલાં, પાકિસ્તાનના જન્મ સાથે જ પાકિસ્તાનમાં મૂળભૂતવાદનાં બીજ રોપાયાં અને તેનું પરિણામ આપણી સામે છે. ધીરેધીરે સત્તા માટે કોમવાદી રાજકારણ કરનારાઓના હાથમાંથી પાકિસ્તાન સરકી ગયું અને પાકિસ્તાની મુસલમાનો ટ્રેડ્સને ત્રાજવે તોળાવા લાગ્યા. તેમણે લિબ્સ, કોમિઝ, ભીમતાસ (શિયા અને અહમદિયા મુસલમાનો ત્યાંના ટ્રેડ્સ માટે ભીમતાસ છે) અને નારીવાદી મહિલાઓને તેમની જગ્યા બતાવવાનું શરૂ કર્યું. ઇસ્લામિક રાષ્ટ્રની સ્થાપનામાં આ બધા અડચણરૂપ છે. આજે પાકિસ્તાનમાં મુસલમાન મુસલમાનને મારી રહ્યાં છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ફેબ્રુઆરી 2022

Loading

હિજાબ અને ભગવોઃ ચૂંટણી ટાણે ધર્મનાં રાજકારણનું તાપણું કરવા વપરાયેલા ચકમક પથ્થર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 February 2022

પહેરવેશ કોઇને પ્રગતિશીલ કે પછાત નથી બનાવતો; માનસિકતા બનાવે છે એ વ્યાપક વિચારને સમજી વિદ્યાર્થીઓનો વિભાજન માટે ઉપયોગ ટાળીએ ત્યારે આપણે બહેતર બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનીએ

આ લખાઇ રહ્યું છે ત્યારે કર્ણાટક, હિજાબ, મુસ્કાન, ટોળાં, પ્રતિબંધ જેવું ઘણું બધું ચર્ચાઇ ચૂક્યું છે અને ચર્ચાઇ રહ્યું છે. બીજાં રાજ્યોમાં હિજાબ પર પ્રતિબંધની વાતો થઇ, પાછી ખેંચાઇ, રાજકીય ટિપ્પણીઓ આવી અને ઊહાપોહ હજી ચાલુ છે.

ગયા મહિને કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાને હિજાબ પહેરીની આવનારી મુસલમાન વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાની ના પાડી અને પછી તણખામાંથી ભડકો થયો. પહેલી વાત તો એ સમજવી રહી કે તણખો પણ ચકમક ઘસવાથી પેદા થાય છે અને ભડકો કરાવવાના ઇરાદાથી જ ચકમક ઘસાય એવી નોબત ખડી કરાય છે. પ્રજાસત્તાક દિવસે બંધારણની વાતો કરીને ફાંકા મારનારાઓએ બંધારણનો એક ફકરો પણ નહીં વાંચ્યો હોય કારણ કે એવું હોત તો ‘બિનસાંપ્રદાયિકતા’ની બહોળી વ્યાખ્યા તેમને ખબર હોત. બંધારણની કલમ 25(1)નો મૂળભૂત અર્થ એમ છે કે રાજ્યએ તેની ખાતરી કરવી જોઇએ કે વ્યક્તિ ચાહે તે ધર્મનું પાલન કરી શકે અને તેમાં કોઇ દખલ ન આવે. જો કે બધા મૂળભૂત અધિકારોની માફક ધર્મના પાલનના અધિકાર પર રાજ્ય ત્યારે પ્રતિબંધ મૂકી શકે જ્યારે તેના થકી સભ્યતા, નૈતિકતા, સ્વાસ્થ્ય અને રાજ્યનાં બીજા હિતને નુકસાન થતું હોય. ભારત આઝાદ થયું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં હિજાબ પહેરનારી વિદ્યાર્થિનીઓને કારણે આવાં કોઇ નુકસાન થયાં હોવાનું સાંભળ્યું નથી (ધિક્કારને ગળે વળગાડનારાઓએ વિદ્યાર્થિનીઓની વાત થાય છે એટલું ધ્યાનમાં રાખવું).

હિજાબના વિરોધની શરૂઆત થઇ જ્યારે ઉડુપીની સરકારી કૉલેજમાં છ છોકરીઓને હિજાબ પહેરવા બદલ ક્લાસમાં પ્રવેશ ન આપ્યો. વાત પહોંચી ઉડુપી ભા.જ.પા.ના ધારાસભ્ય સુધી અને પછી બેઠકો પછી ‘ડ્રેસ કૉડ’ અનુસરવાની વાત કરાઇ. હિજાબ પર પ્રતિબંધ મુકાતા આ છ છોકરીઓએ વિરોધ નોંધાવવા વર્ગ ન ભરવાનું નક્કી કર્યું, હાઇકોર્ટમાં અરજી કરી અને માનવ અધિકાર પંચનો સંપર્ક કર્યો. આ વિવાદને પગલે કુંડાપુરની સરકારી પ્રિ-યુનિવર્સિટી કૉલેજમાં કેટલાક છોકરાઓ ભગવા રંગની શાલ પહેરીને આવ્યા અને હિજાબ પહેરેલી છોકરીઓનો તેમણે વિરોધ કર્યો. આ હતી ચકમકથી તણખો પેદા કરવાની શરૂઆત. કર્ણાટકની બે કૉલેજમાં આ બબાલ થઇ તો ચિકમંગલુરમાં સરકારી કૉલેજના વિદ્યાર્થીઓએ ભૂરા રંગની શાલ પહેરી જય ભીમના નારા લગાડી મુસલમાન વિદ્યાર્થિનીઓને ટેકો આપ્યો. અહીં લઘુમતી, હાંસિયામાંના લોકોએ એક થવાની કોશિશ કરી અને બીજી તરફ સત્તાધીશોએ કૉલેજ માટે ડ્રેસકૉડનું દબાણ કર્યું. રાજકીય આંટીઘૂંટીઓને જરા બાજુમાં મૂકીએ તો આપણે ત્યાં શાળાઓમાં બાર વર્ષ સુધી યુનિફોર્મ પહેરનાર દરેક છોકરું કૉલેજમાં જવા થનગને છે કારણ કે ત્યાં યુનિફોર્મ કે ડ્રેસકૉડ નથી હોતો અને તેઓ પોતાની ઓળખ-પસંદ પ્રમાણે તૈયાર થઇ શકે. કૉલેજનું શિક્ષણ અને માહોલ વિદ્યાર્થીમાં સ્વતંત્રતાના વિચારને વિકસવાની છૂટ આપનારું જ હોવું જોઇએ. યુનિવર્સિટી કેમ્પસ અને કૉલેજિઝ હંમેશાંથી રાજકારણના અખાડા હોય છે કારણ કે ત્યાંથી ભવિષ્યના નેતાઓ ઘડાય છે. કોઇ જમણેરી હોય તો કોઇ ડાબેરી તો કોઇનો રાજકીય મત આ બન્નેની વચ્ચેનો હોય એવું પણ બને, પણ એ વિકસે તે માટેની મોકળાશ માટે કોઇ પણ તરફનાં કટ્ટરવાદી દબાણમાં ન વિકસી શકે.

અત્યારે આપણા દેશમાં જે થઇ રહ્યું છે તેની પાછળ નકરું રાજકારણ છે અને તેની આગ પર પરસ્પર વિરોધી વિચારધારાના બન્ને તરફના ખેલંદાઓ પોતાની રોટલી શેકી રહ્યાં છે. વળી ચૂંટણીનો માહોલ છે એટલે અત્યારે જ આ બધાં ગતકડાં કરવા જરૂરી છે. આ છોકરીઓ કંઇ તે દિવસે પહેલીવાર હિજાબ પહેરીને તો કૉલેજ નહીં ગઇ હોય? એ દિવસે અચાનક જ એવું તે શું થઇ ગયું કે વાત વણસી ગઇ અને હિજાબ સામે વાંધો પડ્યો? કૉલેજને તાત્કાલિક નવા નિયમો બનાવવાની શું જરૂર પડી? નવા નિયમો લાગુ કરાય તો વિદ્યાર્થીઓને તે જણાવવાની કોઇ યોગ્ય પદ્ધતિ હોય છે કે તે અચાનક જ જાહેર કરી દેવાય છે? તમને ખબર જ હશે કે વિદેશમાં શીખોને પાઘડી ન પહેરવા દેવાના મુદ્દે વિવાદ થયા છે અને જ્યારે શીખો પોતાના હક માટે લડ્યા અને જીત્યા છે ત્યારે આપણે પણ ખુશ થયા છીએ. કિરપાણ કૉલેજમાં ન લઇ જવા દેવાય, સમજી શકાય પણ કડું અને પાઘડી તેમની સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મનો એવો ભાગ છે જેનાથી બીજા કોઇને નુકસાન નથી થતું. હું જે સ્કૂલમાં ભણી ત્યાં મને યાદ છે કે અમુક વિદ્યાર્થીઓ દેરાસર જઇને આવે તો પીળો ચાંદલો કર્યો હોય, કોઇ સ્વામીનારાયણનો ચાંદલો પણ કરતા, અમુક વિદ્યાર્થીઓ જનોઇ પહેરતા અને તેમનો ક્યારે ય કોઇ વિરોધ નહોતો થયો. હા છોકરીઓને શણગારના ભાગ રૂપે ચાંદલા કરવાની ના પડાતી પણ ધાર્મિક માન્યતાઓ પર પ્રહાર ક્યારે ય નહોતો થયો. સ્કૂલમાં જ ગવડાવતા કે ‘મઝબહ નહીં સિખાતા આપસ મેં બેર રખના’ પણ માળું હવે બધે અવળી ગંગા ચાલી છે. આપણને ગમે કે ન ગમે પણ વાસ્તિવકતા એ છે કે ભાગલા પાડો અને રાજ કરો-વાળું અંગ્રેજોનું ગણિત આપણા સત્તાધીશોને આજે પણ માફક આવે છે અને ખાસ કરીને ચૂંટણી ટાણે તો એ હાથવગું હથિયાર બની જાય છે. આ કોઇ એક પક્ષની વાત નથી, બધાં ખેલાડીઓ આ સરકસમાં કૂદી પડે છે અને જેના ઠેકડામાં દમ હોય, જેની પાસે વધારે સત્તા હોય એનો ઘોંઘાટ વધુ મોટો હોય છે.

શિક્ષણ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે હોય છે, તેમનો હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે નહીં. વિદ્યાર્થીઓમાં જ વિભાજન થઇ રહ્યું છે. હિજાબ પહેરેલી એક છોકરી સામે ભગવી શાલ ઓઢેલા છોકરાઓનું ટોળું કેટલું બેહૂદું લાગતું હતું. હિજાબ તેની સભ્યતાનો હિસ્સો છે. શહેરોમાં એવી મુસલમાન છોકરીઓ પણ છે જેમણે ક્યારે ય હિજાબ નથી પહેર્યો – ભલે તે તેમના ધર્મની નિશાની છે – આ તેમની અંગત પસંદગી છે. હિંદુમાં પણ એવી સ્ત્રીઓ કે યુવાન છોકરીઓ છે જેમાંથી કેટલીકને માથે ઓઢવાનું ગમે છે તો કેટલીક નથી ઓઢતી – તે તેમની સભ્યતા, જે શહેર, ગામ કે કુટુંબનો તે હિસ્સો છે તે પ્રમાણે અપનાવે છે –  વળી આ માથે ઓઢવું હિંદુ ધર્મની ઓળખ નથી. પસંદગી પ્રમાણેનો પહેરવેશ સ્વતંત્ર, બિનસાંપ્રદાયિક ભારત દેશના બંધારણનો હિસ્સો છે. પહેરવેશ કોઇને પ્રગતિશીલ કે પછાત નથી બનાવતો, માનસિકતા બનાવે છે. હિજાબ પહેરેલી છોકરીઓનો શિક્ષણનો હક છીનવી લેવાનું પગલું પછાત છે કે પ્રગતિશીલ એ તમને સારી પેઠે સમજો છો.

બાય ધી વેઃ 

વિશ્વના અમુક દેશોમાં હિજાબ, નકાબ કે બુરખા પર નિયંત્રણ છે, પણ તેનો સંબંધ સુરક્ષા સાથે છે, ધર્મ સાથે નહીં. કેમરૂનમાં બુરખા પહેરેલી સ્ત્રીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો, શ્રીલંકામાં પણ આતંકી હુમલા પછી પ્રતિબંધ મુકાયો, ચીનમાં તો ધાર્મિકતા છતી કરતા કોઇપણ પ્રકારના પોશાક પર શાળા અને સરકારી કચેરીઓમાં નિષેધ છે, આવો જ નિયમ ફ્રાંસમાં પણ છે અને નેધરલેન્ડમાં પણ છે. આ તમામ રાષ્ટ્રોમાં વાત સુરક્ષાની છે, ધર્મંની નથી. વળી આ રાષ્ટ્રો  પહેલેથી જ ભારત જેવા ‘વિવિધતામાં એકતા’ પ્રકારના છે એવું પણ નથી. બલ્ગેરિયા, રશિયા, બેલ્જિયમ બધા દેશોમાં ચહેરો ઢંકાય તેવા પહેરવેશને લઇને અમૂક નિયમો છે જે આતંકવાદના ફેલાવા પછી છેલ્લા દસ – પંદર વર્ષમાં લાગુ કરાયા છે. ઇજીપ્ત અને સિરિયા જેવા મુસલમાન દેશોમાં પણ ચહેરો પૂરેપૂરો ઢાંકવાની મનાઇ છે. ભારતની વાત કરીએ તો એક રાષ્ટ્ર તરીકે આપણે ધિક્કારના રાજકારણની ઉપર ઊઠવું પડશે. સત્તા હાથમાં આવે પછી ચકમક પથ્થરો વાપરી તણખામાંથી ભડકો કરાવનારા રાજકારણીઓ આ પથ્થરો ખિસ્સામાં સંતાડી દેશે. રામ અને અલ્હાના નામનો ઉપયોગ નારા માટે કરનારાઓ થોડો વખત મળેલી વાઇરલ સ્પેસમાંથી બહાર ધકેલાઇ જશે. ‘ખુદા કે લિયે’ – એક પાકિસ્તાની ફિલ્મમાં નસીરૂદ્દીન શાહના પાત્રનો એક સંવાદ છે – દીન મેં દાઢી હૈ, દાઢી મેં દીન નહીં – એટલે કે ધર્મમાં દાઢીની માંગ છે પણ તેનો અર્થ એમ નથી કે જે બધા દાઢી રાખે છે તે ધાર્મિક છે. ધાર્મિક અને કટ્ટરવાદી શબ્દોનો ભેદ આપણે જાણવો રહ્યો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  13 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,6371,6381,6391,640...1,6501,6601,670...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved