થાઈલેન્ડમાં કોહ સુમોઇ નામના ટાપુ પર સ્પિન કિંગ શેન વોર્નનું શંકાસ્પદ મૃત્યુ થયું. માત્ર 52 વર્ષની ઉંમરે મોજીલા વોર્નીએ વિદાય લીધી. ઑફ ધ ફિલ્ડ રંગીનીમાં દેખાતા વોર્ન ઑન ફિલ્ડ પર પણ પોતાની હાજરીથી ક્રિકેટમાં રંગ ઉમેરતો રહ્યો. 1992થી 2007 સુધી તેણે સ્પિન બોલિંગ દ્વારા ક્રિકેટવિશ્વને કેટકેટલી અદ્ભુત પળો આપી. તેમાંની એક પળ તો આજે ય વારેવારે યાદ કરાય અને જોવાય છે; તે ઇંગ્લેન્ડના જાણીતા બેટ્સમેન માઇક ગેટિંગને નાંખેલો બોલ. 1993માં એશિઝની બીજી ટેસ્ટ મેચમાં માઇક ગેટિંગ ક્રિઝ પર પર હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલન બોર્ડરે યુવાન સ્પિન બોલર શેન વોર્નના હાથમાં બોલ આપ્યો. જમણેરી માઇક ગેટિંગની સામે શેન વોર્ને બોલ નાંખ્યો ત્યારે તે બોલ લેગ સ્ટમ્પની લાઈન દોરીથી ખાસ્સો બહાર પડ્યો. ગેટિંગે બોલને છોડી દેવાનું મુનાસિબ માન્યું, પણ બોલ ટર્ન થયો અને ગેટિંગનું ઑફ સ્ટમ્પ ઉડાવી દીધું. ગેટિંગને આ રીત ટર્ન થયેલાં બોલનું આશ્ચર્ય થયું. ઑસ્ટ્રેલિયન ટીમના સભ્યો અને ક્રિકેટ કોમેન્ટ્રેટરોને પણ લાગ્યું કે બોલ અકલ્પનીય રીતે ટર્ન થયો છે. તે પછી આ બોલને ‘બોલ ઑફ ધ સેન્ચુરી’ તરીકે ખ્યાતિ મળી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માંડ હજુ દોઢ વર્ષ થયું હતું ને વોર્ને પોતાના સ્પિનની કરતબ દાખવવાની શરૂ કરી દીધી હતી; પછીના દોઢ દાયકા સુધી લેગ સ્પિન બોલિંગમાં તેનું એકચક્રી શાસન ચાલતું રહ્યું.
ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ શેન વોર્ને આઠ વર્ષ સુધી એવું દમદાર પર્ફોમન્સ આપ્યું કે વિઝડન દ્વારા વીસમી સદીના મહાન ક્રિકેટરોને પસંદગી કરવાની હતી ત્યારે તેમાં પાંચમાંથી એક નામ વોર્નનું આવ્યું. અન્ય ચાર નામોમાં સર ડોનાલ્ડ બ્રેડમેન, સર ગારફિલ્ડ સોબર્સ, સર જેક હોબ્બ્સ અને વિવ રિચાર્ડ્સ હતા. આ યાદીમાં નામ પસંદ કરનારાંઓમાં વિશ્વભરના સો ક્રિકેટ નિષ્ણાતોની સમિતિ બની હતી. વિઝડનની આ યાદીમાં તે વખતે રમી રહેલાં ક્રિકેટરોમાં શેન વોર્ન એક માત્ર હતો. આવી અનેક સિદ્ધિઓથી શેન વોર્નનું જીવન સમૃદ્ધ થયું છે. આજે પણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારાં બોલર્સમાં શેન વોર્ન 708 વિકેટ સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા તરફથી રમતો વોર્ન ઇંગ્લિશ કાઉન્ટી ટીમ હેમ્પશાયર વતી પણ રમ્યો. આજે જેમ ભારતની આઈ.પી.એલ.ની બોલબાલા છે તેમ એક વખતે ઇંગ્લિશ કાઉન્ટી વતી રમવાનો ક્રિકેટરોમાં ક્રેઝ હતો. નિવૃત્તિ પછી વોર્ન આઈ.પી.એલ.માં રાજસ્થાન રોયલ્સનો મેન્ટર પણ બન્યો. એવું કહેવાય છે કે ક્રિકેટ વિશ્વમાં જ્યારે લેગ સ્પિન બોલિંગ મૃત્યુશૈય્યા પર હતી, ત્યારે વોર્ને તેને જીવંતદાન તો આપ્યું, પણ પછી એ લેગ સ્પિન બોલિંગને અમર બનાવી ગયો. તદ્ઉપરાંત કોમેન્ટ્રી સહિત અસંખ્ય પ્રવૃત્તિ સાથે તેનું જોડાણ હતું. ક્રિકેટની તેની આસમાની બુલંદીમાં કેટલાક કાળા ડાઘે ય લાગ્યા હતા; તેમાં ડ્રગ્સનું સેવન, અનૈતિક સંબંધ અને બુકીઓ પાસેથી પૈસા લેવાના આરોપ હતા. આ આરોપમાં ક્યાં ય શેન વોર્ન બચી શકે એમ નહોતો. ડ્રગ્સ સેવન બદલ તો તેના પર પ્રતિબંધ પણ લાગી ચૂક્યો હતો. જો કે આ બધું ય છતાં વોર્ન ક્યારે ય ઓન-કેમેરા ડિસ્ટર્બ દેખાયો નથી, તે તો ‘હું આવો જ છું’ તેમ બેફિકર લાગ્યો છે.
વોર્નની આ છબિ શરૂઆતથી રહી અને તેથી જ્યારે નેવુંના દાયકા પછી ક્રિકેટમાં બદલાવ આવતાં ગયા, તેમાં વોર્ન બરાબર ફિટ બેસતો ગયો. સફેદમાંથી રંગીન કપડાંમાં ગ્રાઉન્ડમાં ઉતરતાં ક્રિકેટરોમાં વોર્નનો મિજાજ બરાબર ગોઠવતો હતો. તેની કારકિર્દીની શરૂઆત મેચો સામાન્ય રહી. પણ 1993માં એશિઝ સિરીઝથી વોર્નનું ઇન્ટરનેશન ક્રિકેટમાં નામ ઝળકવા લાગ્યું. આ સિરીઝમાં છ ટેસ્ટમાં તેની સૌથી વધુ 34 વિકેટો હતી. 1993થી 1999માં વોર્નનો જાદુ એ રીતે ચાલતો ગયો કે તે ત્રણસો ટેસ્ટ વિકેટ લેવાની સિદ્ધિ સુધી પહોંચ્યો. તે પછી ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટનશીપ મળી. આ પછીના પડાવ ડ્રગ્સ સેવન, પુનરાગમન અને નિવૃત્તિનો રહ્યો, પણ કારકિર્દી પૂર્ણ થાય ત્યાં સુધી વોર્નનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ચૂક્યું હતું.
સુનિલ ગાવાસ્કરની વોર્નના અવસાન પછી એવી કોમેન્ટ આવી કે વોર્નનો ભારત સામેનો દેખાવ સાવ સામાન્ય કક્ષાનો રહ્યો છે. આ વાત સાચી છે કે વોર્નનું સૌથી નબળું પર્ફોમન્સ ભારત સામે રહ્યું છે. આમે ય ભારતીય ઉપખંડ સિવાયના સ્પિન બોલરોમાં ભાગ્યે જ કોઈ ભારત સામે દમદાર પર્ફોમન્સ આપી શકે. પરંતુ વોર્નનો અન્ય દેશ સામેનો દેખાવ નજરઅંદાજ ન કરી શકાય. ઓસ્ટ્રેલિયાના કટ્ટર પ્રતિસ્પર્ધી રહેલાં ઇંગ્લેન્ડ સામે વોર્ને 36 મેચમાં 195 વિકેટ લીધી છે અને એ રીતે સાઉથ આફ્રિકા સામે 24 મેચમાં 130 વિકેટ. એશિયાઈ દેશો શ્રીલંકા અને પાકિસ્તાન સામે પણ વોર્નનો દેખાવ પ્રભાવશાળી છે. બોલિંગની સાથે સાથે વોર્ન ઠીકઠાક બેટિંગ પણ કરી છે તે તેના રેકોર્ડ પરથી જાણી શકાય. 145 ટેસ્ટ મેચમાં તેના રન 3,154 છે અને તેમાં બાર અડધી સદી છે. ઓસ્ટ્રેલિયાની એવરગ્રીન ટીમમાં બોલિંગ જ નહીં બેટિંગ દ્વારા પણ વોર્નની ખાસ જગ્યા બની હતી. એટલે ગાવાસ્કરે ય વોર્નની મહાનતા ભારત સંદર્ભે ભલે નકારી હોય, પણ આંકડા જોતાં વોર્ન ક્રિકેટ લિજેન્ડમાં સ્થાન પામે છે.
વોર્નનું પર્ફોમન્સ જેમ ટેસ્ટમાં દમદાર રહ્યું તેમ વન ડેમાં 194 મેચમાં તેની વિકેટો 293 છે. વન ડેમાં કેટલીક મેચો વોર્નના કારણે યાદ કરી શકાય. આવી એક મેચ એટલે 1999ના વર્લ્ડ કપમાં રમાયેલી સેમિ ફાઈનલ. આ મેચમાં પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 213 રન કર્યા હતા. પ્રતિસ્પર્ધી સાઉથ આફ્રિકાની મજબૂત બેટિંગ લાઇનઅપ જોતા આ ટારગેટ સુધી પહોંચી જશે તેવું સૌને લાગતું હતું. ઓપનર હર્ષલ ગીબ્સ અને ગેરી કર્સ્ટનની પાર્ટનરશીપ જે આગળ વધી રહી હતી, તે પરથી તેમને આઉટ કરવું અશક્ય લાગતું હતું. બાર ઓવર સુધી 48 રનનો સ્કોર હતો. વોર્ન બોલિંગમાં આવ્યો અને તેણે ગિબ્સને બોલ્ડ કર્યો. બસ, તે પછી ધીરે-ધીરે સાઉથ આફ્રિકાની ટીમ ધરાશયી થતી ગઈ. આ મેચમાં વોર્ને માત્ર 29 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. મેચમાં પ્લેયર ઑફ ધ મેચ શેન વોર્ન બન્યો. આવી અનેક મેચો છે જે શેન વોર્ને પ્રતિસ્પર્ધીઓના હાથમાંથી લઈને ઓસ્ટ્રેલિયાને વિજયી ટીમનો ખિતાબ અપાવ્યો.
શેન વોર્નનો જાદુ ચાલ્યો હોય એવી બીજી એક ટેસ્ટ મેચ 2005ની છે. આ મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન એન્ડ્રુ સ્ટ્રોસને જે રીતે બોલ્ડ કર્યો તે અચંબિત કરનાર છે. એન્ડ઼્રુ સ્ટ્રોસ ડાબેરી બેટ્સમેન છે અને તેના માટે વોર્નનો બોલિંગ ટપ પડીને અંદરની બાજુ આવે. એન્ડ્રુ સ્ટ્રોસ રમતો હતો ત્યારે બોલ ઓફ સ્ટમ્પની લાઈનથી એટલો બધો બહાર પડ્યો કે તેને પગથી જ રોકી લેવા માટે એન્ડ્રુ સ્ટ્રોસ આગળ આવીને પેડ મારવા ગયો. પણ બોલ સ્ટ્રોસે ધાર્યા હતો એના કરતાં વધુ ટર્ન થયો અને લેગ સ્ટમ્પ ઊડી ગયું. ગ્રેટેસ્ટ બોલમાં ગણના થાય તેવાં અનેક બોલ વોર્ન દ્વારા ક્રિકેટ પિચ પર પડ્યા છે. સ્વાભાવિક છે કે તેમાં જે બોલ પર વિકેટ મળી હોય તેની જ ગણતરી થઈ હોય.
ગોડ ગિફ્ટેટ આ કરતબને વોર્ને ખૂબ નિખાર્યું અને પૂરી કારકિર્દી દરમિયાન પોતાના સ્પિન બોલિંગનો દબદબો જાળવી રાખ્યો. જેમ તેણે નાંખેલા દડા અદ્વિતીય હતા, તેમ તેની શારીરિક વિશેષતાયે હતી. તેની એક આંખ ગ્રીન હતી અને બીજી બ્લ્યુ. આંખની આ સ્થિતિને ‘કમ્પ્લીટ હેટેરોક્રોમિયા’ નામથી ઓળખાય છે. તેણે પોતાના નામનું ફાઉન્ડેશન પણ ઊભું કર્યું હતું, જેમાં ગરીબ બીમાર બાળકોની સારવાર થતી અને મદદેય થતી. આ કામ તેના નિવૃત્તિ પછી ખાસ્સું એવું વિસ્તર્યું હતું. આ બધાની સાથે તેનો રંગીન મિજાજની ખબરો પણ મીડિયામાં અવારનવાર આવતી રહેતી. નિવૃત્તિ પછી પણ મીડિયામાં વોર્નનું નામ ચમકતું રહ્યું છે અને તેના વિદાય પછી પણ વોર્ન ક્રિકેટમાં બુલંદ સિતારો બની રહેશે.
અલવિદા વોર્ન.
e.mail : kirankapure@gmail.com