Opinion Magazine
Number of visits: 9746181
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે

સુમન શાહ|Opinion - Literature|28 March 2022

ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે સુજ્ઞ જનો અવારનવાર પ્રશ્નો ઊઠાવતા હોય છે. એ બહુ જ જરૂરી છે.

એ વિશે મેં 'મારી વિદ્યાયાત્રા'-માં પૂછ્યું છે કે – ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે આપણો સંદર્ભ શું કહે છે. એ વિશે મેં મારાં પાંચ નિરીક્ષણો રજૂ કર્યાં છે, દરેકને અંગે એક એક પ્રશ્ન પૂછ્યો છે, અને આઠ નિરાશાઓ રજૂ કરી છે. એ આખું લખાણ નીચે મુજબ છે :

૧ – નર્મદે જોડણી ઉપરાન્ત પરિભાષા રચવાનો નોંધપાત્ર પુરુષાર્થ કરેલો. એ પુરુષાર્થ આજની તારીખે ચાલુ છે. એટલે કે, આ બાબતે આપણે અભાન નથી. પ્રશ્ન : તેમ છતાં, આ બાબતે કશો સહિયારો, બહુસમ્મત અને નિત્યવર્ધમાન કોઈ પ્રોજેક્ટ આપણે ત્યાં કેમ નથી?

૨ – તેમ છતાં, નર્મદના એ પુરુષાર્થમાં જરૂરી વિજ્ઞાનીયતાનો અભાવ છે. પ્રશ્ન : એ અભાવ વિશે પ્રેમપૂર્વકનો કશો વિમર્શ-પરામર્શ કેમ નથી? છેક સુધારક અને પણ્ડિત યુગ-થી આપણે ત્યાં, નહીં જાણનારા વધુ અને જાણકારો વિરલ એવું વ્યસ્ત પ્રમાણ છે. એ વિરલોમાં અંદર અંદરની લટિયાંખૅંચ એક કાયમી લક્ષણ છે. ટૂંકમાં, આપણો સંદર્ભ પોતે જ અ-વિજ્ઞાનીય સ્વરૂપનો છે. એ ખાટલે મોટી ખોટને કેવી રીતે નિવારી શકાય?

૩ – ચાવી રૂપ કે પારિભાષિક સંજ્ઞાઓને વિશેનો પુરુષાર્થ તેનાં ઉત્તમ દૃષ્ટાન્તોમાં પણ જેટલો સર્જકતા-સ્મૃતિથી લિપ્ત છે, ઘણી વાર તો આત્મલક્ષી છે, તેટલો વસ્તુલક્ષીતાથી સંરચિત નથી. પ્રશ્ન : આ હકીકતનાં જરૂરી લેખાંજોખાં અને તેની સાધક-બાધક ચર્ચાઓ કેમ નથી?

૪ – એટલે એમ ભાસે છે કે પેલા sclerosisનો ભય અથવા પરિવર્તનનો અતિશયિત પ્રતિકાર, બદલાવું જ નથી એવી હઠ, એમાં લેશ માત્ર રહેતી નથી. પ્રશ્ન : જો એમ છે, તો તેવા સ્થિતસ્યને કેટલું સમર્થનીય કે આવકાર્ય-સ્વીકાર્ય ગણી શકાય?

૫ – સરવાળે, ક્ષેત્ર યોગ્ય ધણીધોરી વિનાનું અનાથ દીસે છે. પ્રશ્ન : એ અનાથતાના વિદારણને સારુ સાહિત્યસંસ્થાઓને અને યુનિવર્સિટીઓને જવાબદાર ગણી શકાય કે કેમ? બીજી રીતે એમ પૂછાય કે આ કામને વૈયક્તિક ધોરણે કેટલુંક નભાવી શકાય એમ છે?

Pic courtesy : Learning Together

મને આઠ પ્રકારે બધું નિરાશાજનક લાગે છે :

૧ – આપણે ત્યાં જોડણી અને લિપ્યન્તરણને વિશે એકવાક્યતા નથી એ જુદી ચર્ચાનો વિષય છે. પણ એની જેમ જ પારિભાષિક સંજ્ઞાઓ વિશે પણ નિર્વિવાદ બહુસમ્મતિ નથી. દાખલા તરીકે, ‘પોસ્ટમૉડર્ન-ને ‘અનુઆધુનિક’ અને ‘આધુનિકોત્તર’ – બન્ને કહેવાય છે. અંગ્રજી ‘મૉડર્ન’ માટે ‘અર્વાચીન’ અને ‘આધુનિક’ – બન્ને વપરાય છે.

૨ – મોટા ભાગનાઓનું કામ પરિભાષા વિના ચાલી જાય છે. જેમ કે, ઘણા આવું આવું વારંવાર બોલે છે – મજા પડે એવું છે. ભાષાકર્મ સરસ છે. રસપ્રદ છે. અનુભવની તાકાત તો જુઓ. વગેરે.

૩ – જેઓ પ્રયોજે છે તેમાંના કેટલાક, જરૂરત વિના, પ્રદર્શનાર્થે, પ્રયોજે છે. જેમ કે, આપણે ત્યાં ફૉર્મ-નો મહિમા સ્વીકારાયા પછી અને સંરચનાવાદ-ની વાત થયા પછી, મેં અનેક લોકોને ‘ફૉર્મ' અને ‘સંરચના’ શબ્દ કશા કારણ વગર અથવા વગર સમજ્યે બોલતા સાંભળ્યા છે.

૪ – સંજ્ઞાઓ જાણકારીથી વપરાતી હોય તો સારું જ છે. પણ, તો જ સારું છે. ક્યારેક એનો વપરાશ ટેવવશ કે ફૅશનવશ વરતાય છે. જેમ કે, કાવ્યચર્ચાના લગભગ બધા પ્રસંગોમાં, ‘કલ્પન અને પ્રતીકનો વિનિયોગ’ – એ શબ્દગુચ્છ લગભગ એક નિયમ તરીકે સાંભળવા મળે છે.

૫ – પરિભાષા કે ચાવીથી જે ખૂલે તેને પામવા માટે અને સ્વીકારીને આગળ ચાલવા માટે જે ઍકેડેમિક ડીઝાયર, શિષ્યવૃત્તિ, જોઈએ તેની ઠીક ઠીક અછત પ્રવર્તે છે. દાખલા તરીકે, મુનિ ભરતે આપેલા રસસૂત્ર-માં છેલ્લે આવતો ‘રસનિષ્પત્તિ’ શબ્દ. એનો અર્થ પામવાને માટે ‘રસઉત્પત્તિ’, ‘રસઅનુમિતિ’, ‘રસભુક્તિ’, ‘રસઅભિવ્યંજના’ જેવા સંકેતોથી પ્રગટેલા ચર્ચાવૈભવને જાણવો રહે. લોલ્લટ, શંકુક, નાયક અને અભિનવગુપ્તે કરેલા એના પરામર્શમાં જવું પડે. જોવાશે કે, મોટા ભાગનાઓ સૂંઠને ગાંગડે ગાંધી થઈ ગયા છે અને આજકાલ કમનસીબે એ જ વલણ સ્થિર થવા લાગ્યું છે.

૬ – સંજ્ઞા જેમાંથી જન્મી હોય તે પૂર્વસંદર્ભમાં જવાની, એટલે કે જે-તે વ્યાપક સિદ્ધાન્તમાં પરોવાવાની તૈયારી ખાસ નથી જણાતી. કોઈને તેવી જરૂરિયાત પણ ભાગ્યે જ વરતાતી હોય છે. જેમ કે ‘રસ’-નો છેવટનો સમ્બન્ધ જાણવા જઈએ તો ‘ધ્વનિ’-વિચાર પાસે જવું રહે. અને એમ પણ જાણવું રહે કે રસ તેમ જ ધ્વનિ-વિચાર સાહિત્યકલાના અનુભવમૂલક વિમર્શ-પરામર્શનો સંવિભાગ છે – જેમ, અલંકાર અને વક્રોક્તિ-વિચાર સાહિત્યકલાના ભાષાપરક વિમર્શ-પરામર્શનો સંવિભાગ છે.

૭ – સંજ્ઞાઓ અનેક સ્થળે યોગ્ય રીતે પણ પ્રયોજાઈ હોય છે, તેમ છતાં, એથી ભડકવાનું વલણ જોવા મળે છે – આ તો અંગ્રેજી છે, પરદેશી છે, સંસ્કૃત છે, અઘરું છે, શી જરૂર વગેરે ઢાલો ધરાતી હોય છે. એટલે કે, નાસીપાસીનું વલણ જોવા મળે છે. આટલા વિવેચકોને બાજુએ મૂકો, કેમ કે તેઓ પોતાની વાત સંજ્ઞાઓમાં કરે છે વગેરે. કહેવાતા અનુ-આધુનિક યુગમાં આવાં બધાં વલણો પાછળનું શિથિલ અને સુસ્ત માનસ કોઈને વાંધાજનક નથી લાગતું, બલકે, નભી જાય છે, એટલું જ નહીં, એ માનસની જ તરફદારી કરનારા મોરચા મંડાય છે. અને ત્યારે, સંભવ છે કે મનોદશા ઘણીબધી ‘ફન્ડામૅન્ટાલિસ્ટિક’ હોય.

૮ – પારિભાષિક કે ચાવીરૂપ સંજ્ઞાઓને વિશેની લાપરવાહી કે એને વિશેનું અ-મન આપણે ત્યાં અકારણ નથી. એનાં મૂળ વિવેચનને વિશેની આપણી સૂગમાં રહેલાં છે. આપણા સાહિત્યિક વિશેષોમાં વિવેચન વિશેની સૂગનું આગળ પડતું સ્થાન છે. કોઈ પણ વ્યક્તિને, આ તો વિવેચક છે – કહીને ઉતારી પાડનારાઓની આપણે ત્યાં ખોટ નથી. કેટલાકોએ તો, – મારું કામ નહીં,  હું તો યાર, સર્જક, એવી ડિંગ મારવા માટે જ એ પૅંતરો કર્યો હોય છે. સાહિત્યકારોની સર્જકતા પહેલી, પણ પછી એઓ વિવેચનાને કારણે નામાંકિત થયા હોય એવા દાખલા આપણે ત્યાં ઘણા છે. મારી ૫૬થી પણ વધુ વર્ષની કારકિર્દી દરમ્યાન એ નામાંકિતોને મેં વિવેચકોને ગાળો આપતા જોયા છે, વિવેચનાને ભાંડતા જોયા છે. કોઈ કોઈ એમાનાં હાલ વિવેચન-જેવું લખી-કરીને જાણ્યે-અજાણ્યે કદાચ પ્રાયશ્ચિત કરી રહ્યા છે.

પણ હકીકત એ છે કે એ ગલીચ માનસકિતાથી લિપ્ત સૂગ ફરતીફરતી વિવેચનાના આ પરિભાષા નામના ઉપકરણ-સમવાયને વિશે પણ જામેલી છે. અને તેથી વિવેચન અને અધ્યયન-અધ્યાપનમાં કશો ભલીવાર આવવાના દિવસો દૂર-ના-દૂર વરતાય છે.

મને એવું લાગે છે કે આ અષ્ટરૂપા નિરાશામાંથી બહાર નહીં અવાય, ઉક્ત પાંચ નિરીક્ષણો સાથે જોડાયેલા પ્રશ્નોના ઉત્તર નહીં મેળવાય, તો મારું ધારવું છે કે ગુજરાતી સાહિત્યવારતામાં વિજ્ઞાનીયતાનું કશું ચિહ્ન બચશે જ નહીં. અને મને નથી ગમતું છતાં કહેવા દો કે સરવાળે સાહિત્યપરક શાસ્ત્રીયતા પણ નામશેષ થઈ જશે. અને મને બિલકુલ નથી ગમતું છતાં કહેવા દો કે સાહિત્યિક સૌન્દર્ય પણ ચિહ્નિત થયા વિના આપોઆપ ભૂલું પડી જશે …

= = =

(March 27, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

આઝાન બની છે

બીજલ જગડ|Opinion - Opinion|28 March 2022

શ્રાવણી ઝરમારોની અસર છે
મૌસમ કેવી આ માતબર છે
પરિમલ પેઠે પુષ્પોનો જીવ છે

સર્વ બંધ કળીમાં ઉપવન છે
ઝાકળ સૂર્યઝલકને પામી
ફૂલો ય ચમનના ડાક ઘર છે.

હું કફસમાં છું, દિલ ચમનમાં છે
વાસ ને ગુલ, જ્યોત ને દીપક
ચમકતાં તારલા કોને ઘર છે ?

વસંતો જીવનમાં બધી ઉજવી છે
ગજબની જમાને ય હિંમત કરી,
ફરી એકથી કંઈ હકીકત કરી છે.

જ્યારથી નમણી નઝર થઈ છે,
દર્દ જીવનની તાન બની,
સકળ આલમની આઝાન બની છે.

ઘાટકોપર, મુંબઇ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

ભારતે કોનો ભરોસો કરવો ? ચીન, રશિયા કે અમેરિકાનો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|27 March 2022

રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે જગતમાં જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે, એ ગંભીર છે અને એમાં ભારતની વિદેશનીતિમાં જોવા મળતી અનિશ્ચિતતા ચિંતા ઉપજાવે છે. એક બાજુએ ચીનના નેતાને હીંચકે બેસાડીને ઢોકળા ખવડાવો, અને બીજી બાજુ ચીન સામે ચીન વિરોધી દેશોને ભેગા કરીને ઘેરાબંધી કરો અથવા ચીનવિરોધી છાવણીના સભ્ય બનો, એમ બે દિશાની વિરુદ્ધ નીતિ લાંબો સમય ન ચાલે. ઓછામાં પૂરું, ચૂંટણી જીતવા સારુ બહુમતી હિંદુ પ્રજાને હિંદુ રાષ્ટ્રવાદ નજરે પડતો રહે એ માટે પાડોશી દેશો સાથે ખાસ પ્રકારના બળુકાપણાનું પ્રદર્શન કરવાની નીતિ અપનાવી, જેને પરિણામે પાડોશી દેશો સાથે સંબંધ બગાડ્યા છે. ડાહ્યા માણસો બધા મોરચા એક સાથે નથી ખોલતા. અત્યાર સુધીના શાસકો ઝૂકતું માપ આપીને પાડોશી દેશો સાથે સંબંધ સાચવતા હતા કે જેથી તેઓ ચીન અને પાકિસ્તાનની નજીક ન જાય. તેમને હિંદુ ખુમારીના પ્રદર્શનની જરૂર નહોતી તે એ સમયે ભારતની વિદેશનીતિની મોટી તાકાત હતી. આજે સ્થિતિ એવી છે કે જ્યાં હિંદુઓની વસ્તી મોટા પ્રમાણમાં છે એ નેપાલ પણ ભારતથી દૂર થયું છે અને ભૂતાન અંતર રાખતું થયું છે.

ચીનની બાબતમાં ભારત બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને સમય પસાર કરતું રહ્યું અને કોઈ ટકાઉ ઉપાય શોધી રહ્યું હતું, ત્યારે એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ચીનની ભારત સાથેની નીતિ એક જ દિશાની છે. ચીન જગતનો સૌથી શક્તિશાળી દેશ છે, વર્તમાન અને હવે પછી એકાદ સદી ચીનની છે, ભારતે આ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ, ભારતે હવે ચીનની બરોબરી કરવાના ફાંફા નહીં મારવા જોઈએ, નવી વાસ્તવિકતા સ્વીકારીને ભારતે ચીન સાથે સંબંધો વિકસાવવા જોઈએ, નિ:શંક બનીને ચીનના ભાગીદાર બનવામાં ભારતનું હિત છે, અમેરિકાનો યુગ પૂરો થઈ ગયો છે, વગેરે વગેરે. ચીનના શાસકો અલગ અલગ રીતે ભારતને આ કહી રહ્યા છે અને સાથે સાથે લદાખ, ડોકલામ અને અરુણાચલમાં છાશવારે પ્રવેશીને પોતાની તાકાત અને ભારતની નિર્બળતાનું પ્રદર્શન કરે છે.

પણ ચીન ઉપર ભરોસો કરી શકાય? લાખ રૂપિયાનો સવાલ આ છે. મૂંઝવણ ભારતની છે, ચીનની નથી. ચીન ઉપર ભરોસો ન કરાય એમ જો નરેન્દ્ર મોદીને અને તેમના વિદેશ પ્રધાનને  લાગતું હોય તો તેમનું અનુમાન ખોટું નથી. ચીન ઉપર ભરોસો કરીને આપણે દાઝેલા છીએ. બીજો લાખ રૂપિયાનો સવાલ એ છે કે ચીનની બરાબરી કરવાનાં સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ અને ચીન ક્યારે ય આંબી ન શકાય એટલું આગળ નીકળી ગયું છે એ વાત શું એક નરી વાસ્તવિકતા છે જે ભારતે સ્વીકારી લેવી જોઈએ? આ બન્ને પ્રશ્નોના ઉત્તર ભારતે શોધવા પડશે અને શોધેલા માર્ગે ચાલવું પડશે. નિ:શંક બનીને કોઈ એક માર્ગ અપનાવવામાં જોખમ તો છે જ, પણ જોખમ તો નિર્ણયના અભાવમાં વચ્ચે ઊભા રહીને સમય વેડફવામાં પણ છે, જેનો અનુભવ ભારતને થઈ રહ્યો છે.

મારો ઉત્તર એ છે કે ચીન ભારત કરતાં ક્યાં ય આગળ નીકળી ગયું છે એ એક વાસ્તવિકતા છે, પરંતુ એનો અર્થ એવો નથી કે ચીનની બરાબરી કરવાનાં સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ. પણ પહેલો સવાલ તો હજુ અનુત્તરીત જ છે કે ચીનની બરાબરી ચીનના ભાઈબંધ બનીને કરવી જોઈએ કે પછી ચીનવિરોધી ધરીનો ભાગ બનીને? ચીનવિરોધી ધરીનું નેતૃત્વ અમેરિકા કરે છે અને અમેરિકાનો ભરોસો કરી શકાય? અમેરિકા જરા ય ભરોસાપાત્ર મિત્ર નથી એનો અનુભવ પણ આપણને થયો છે. અમેરિકા જગતનો સૌથી ઓછો ભરોસામંદ દેશ છે. અત્યંત મૂંઝવણભરી સ્થિતિ છે નહીં? નથી અમેરિકા ભરોસાપાત્ર કે નથી ચીન ભરોસાપાત્ર. તો પછી કરવું શું?

ઉત્તર છે પોતાની જાત ઉપર, દેશની પ્રજા ઉપર ભરોસો કરીને વિકાસના માર્ગે પોતાની જગ્યા બનાવવાનો. માર્ગ મહેનતવાળો છે, ધીરજની કસોટી કરનારો છે, પણ છે ટકાઉ. ઉછીની તાકાત અને પોતાની તાકાતની વચ્ચે કોઈ તુલના જ ન થઈ શકે. પણ આ ૩૬૫ દિવસ અને ચોવીસે કલાક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હિંદુ-મુસ્લિમ વિખવાદ પેદા કરીને ન થઈ શકે. ચીન માથાભારે દેશ છે, પણ તેનું માથાભારેપણું રાષ્ટ્રીય છે, પ્રજાકીય નથી. ચીનની એક પ્રજા બીજી પ્રજા સાથે માથાભારે બનીને નથી વર્તતી. પ્રજાકીય ઉર્જા રચનાત્મક માર્ગે વાળવામાં આવે તો જ દેશ આગળ વધે. આ તો સનાતન સત્ય છે, જગતનો ઇતિહાસ તપાસી જાવ. બીજી બાજુ પ્રજાને (અને એ પણ બહુમતી પ્રજાને) રડાવવામાં આવે, ડરાવવામાં આવે, ખોટી તાકાતનો અહેસાસ કરાવીને પોરસાવામાં આવે તો એવો દેશ ક્યારે ય બે પાંદડે ન થાય. આ પણ સનાતન સત્ય છે. જગતનો ઇતિહાસ તપાસી જાવ.

૨૦૧૪ની સાલમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી અને આપણી નજર સામે આઠ વરસ વેડફાઈ ગયાં. આઠ વરસથી રસ્તાની વચ્ચે ઊભા રહીને ક્યારેક જમણે ક્યારેક ડાબે એમ ચીન સાથેની બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવી રહ્યા છીએ. હિંદુઓને હિંદુ રાષ્ટ્રવાદનું બળુકાપણું બતાવવામાં પાડોશી દેશો સાથેના સંબંધો બગાડી નાખ્યા છે. આઠ વર્ષથી વર્તમાન શાસકો માત્ર ચૂંટણી લડી રહ્યા છે અને ચૂંટણી જીતવા પ્રજાકીય ઉર્જાને હિંદુ-મુસ્લિમ વિખવાદમાં વેડફી રહ્યા છે. આઠ મૂલ્યવાન વર્ષ આમાં ખર્ચી નાખ્યાં અને હવે અચાનક રશિયા-યુક્રેન યુદ્ધે જગતને બે છાવણીમાં વહેંચી નાખ્યું. વચ્ચે ઊભા રહેવાનો અને ચીન સાથે બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવવાનો વિકલ્પ હાથમાંથી સરકી રહ્યો છે. અચાનક આવી કોઈ ઘટના બનશે એની કોઈએ કલ્પના નહોતી કરી. ચીન અને રશિયાની ધરી રચાઈ છે. એક પાસે સોવિયેત યુગની સૈનિકી તાકાત છે અને બીજા પાસે આર્થિક અને સૈનિકી એમ બન્ને તાકાત છે. બન્ને માથાભારે છે, બેશરમ છે અને પૃથ્વીના ગોળાની આ બાજુએ પ્રશાંત મહાસાગરથી લઈને એટલાન્ટીક મહાસાગર સુધી ફેલાયેલા છે.

ભારતે રશિયાને રાજી રાખવા માટે અને રશિયા ચીનની પાંખમાં જતું ન રહે એટલા માટે રશિયા પાસેથી ક્રુડ તેલનો મામૂલી જથ્થો ખરીદ્યો અને તરત જ બે પ્રતિક્રિયા આવી પડી. અમેરિકાના પ્રમુખ બાયદને (વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ નહીં, ખુદ પ્રમુખે) જે કહ્યું એના સૂચિતાર્થો સમજવા જેવા છે. પહેલાં તો તેમણે ભારતને અમેરિકાના નેતૃત્વ હેઠળ રચાયેલી રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય જાહેર કર્યું. પોતાની મેળે જ, મનસ્વીપણે. ૯/૧૧ પછી ત્રાસવાદ સામેની લડત માટે જે ધરી રચાઈ હતી તેમાં ભારત ભાગીદાર બને એ માટે ભારતનું મન જાણવા અને મંજૂરી મેળવવા અમેરિકન વિદેશ પ્રધાન કોલીન પોવેલ ભારત આવ્યા હતા. આ વખતની લડાઈ એનાં કરતાં પણ મોટી છે, પણ અમેરિકન પ્રમુખને એવી જરૂર ન લાગી કે કોઈને દિલ્હી મોકલવામાં આવે. તેમણે બારોબાર જાહેરાત કરી દીધી કે ભારત ચીન-રશિયા વિરોધી છાવણીનો ઘટક દેશ છે. એ પછી તેમણે ભારતની ટીકા પણ કરી કે ભારતની ભૂમિકા ડાબે-જમણે ડગમગનારી છે. કોઈ બારોબાર હાથ પકડીને પરાણે હોજમાં ખેંચી લે અને પછી કહે કે પાણીમાં સ્થિર ઊભા રહેતા નથી આવડતું એના જેવી આ વાત થઈ. ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. ‘નમસ્તે ટ્રમ્પ’ અને ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નું પણ આ પરિણામ છે. જો અમેરિકન ચૂંટણીમાં ભારતે માથું ન માર્યું હોત તો કમ સે કમ ભારતના નેતાઓ સાથે વાતચીત કરવા વિદેશ પ્રધાનને દિલ્હી મોકલવા જેટલું સૌજન્ય બાયદને બતાવ્યું હોત જે રીતે ૨૦૦૧માં ૯/૧૧ પછી તે વેળાના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે બતાવ્યું હતું.

“ભારત પણ અમારી સાથે રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય છે” એવી બારોબાર જાહેરાત અમેરિકન પ્રમુખે કરી ન કરી અને ચીનના વિદેશ પ્રધાને નિવેદન કર્યું કે અમેરિકા જેમ રશિયા સામે યુક્રેનનો ઉપયોગ કરે છે, એમ ચીન સામે ભારતનો ઉપયોગ કરે છે. આ બન્ને નિવેદનો ગંભીર છે અને ચીનના વિદેશ પ્રધાનનું નિવેદન વધારે ગંભીર છે. અમેરિકા ચીન-રશિયા સામેની છાવણીમાં ભારતને પરાણે ઊભું રાખે છે અને નહીં ડગમગવાની ચેતવણી આપે છે તો ચીન એક ડગલું આગળ વધીને ભારતને ચીન વિરોધી છાવણીનો નહીં ડગમગનારો સ્થિર દેશ જાહેર કરે છે. બન્ને નિવેદનો બારોબાર, ભારતની ભૂમિકાની તમા રાખ્યા વિના, પોતાને અનુકૂળ આવે એ રીતે કરવામાં આવ્યાં છે. ભારતે ચીની નિવેદન વિષે પણ આ લખાય છે ત્યાં સુધીમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ચીન એક ડગલું હજુ આગળ વધ્યું છે. પાકિસ્તાનમાં ‘ઓર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન’ની બેઠકમાં ભાગ લેવા ગયેલા ચીનના વિદેશ પ્રધાને ભારત દ્વારા પ્રતાડિત કાશ્મીરી મુસલમાનો માટે ચીન સહાનુભૂતિ ધરાવે છે, એવું નિવેદન કર્યું. ભારતે આ વિષે પ્રતિક્રિયા આપી છે, પણ ભારતની યુક્રેન સાથેની સરખામણી વિષે એમાં કહેવામાં આવ્યું નથી. જે અભિપ્રાય પુતિનનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય ચીનનો ભારત વિષે છે. જે અભિપ્રાય અમેરિકાનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય અમેરિકાનો ભારત વિષે છે. જે ઘટનાઓ બની રહી છે એ ડરાવનારી છે અને ભારતના નેતાઓ સાદી સ્પષ્ટતા પણ કરવાની સ્થિતિમાં નથી. આમ પણ આપણા નેતાઓ સંકટ સમયે મોઢું ફેરવી લેવામાં મહારત ધરાવે છે.

બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને રસ્તાની વચ્ચે ઊભા રહો, મૂલ્યવાન સમય વેડફો અને પૂરી તાકાત ચૂંટણીઓ લડવામાં અને પ્રજાકીય વિખવાદ પેદા કરવામાં ખર્ચો તો આવું થાય.

જુઓ, આગળ આગળ શું થાય છે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 માર્ચ 2022

Loading

...102030...1,6181,6191,6201,621...1,6301,6401,650...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved