Opinion Magazine
Number of visits: 9961880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકવીસમી સદીમાં અસ્તિત્વ ટકાવવાના બોધપાઠ ….

કિરણ કાપુરે|Opinion - Opinion|18 May 2022

“અપ્રાસંગિક માહિતીના પૂરમાં ડૂબેલી આ દુનિયામાં સ્પષ્ટતા એક મોટી શક્તિ છે. કોઈ વ્યક્તિ મનુષ્યના ભવિષ્યની ચર્ચામાં ભાગ લઈ શકે છે, પણ તેની માટે સ્પષ્ટ દૃષ્ટિ રાખવી એ પડકાર છે. એવું હંમેશાં જોયું છે કે કોઈ ચર્ચા ચાલતી હોય ત્યારે આપણું ધ્યાન તે તરફ નથી હોતું, અથવા તો આપણે ચર્ચામાં મહત્ત્વનો પ્રશ્ન શો છે તે નથી જાણતા. તે વિશે જાતતપાસ કરવી તે વિલાસ-સમૃદ્ધિ સૌની પાસે હોતી નથી. કારણ કે તેનાથી જરૂરી કામો આપણી પાસે છે, જે આપણે કરવાં પડે છે. આપણે કામ પર જવાનું હોય છે. બાળકોનું પાલન પોષણ કરવાનું હોય છે અથવા તો આપણાં વૃદ્ધ મા-બાપની સારસંભાળ રાખવાની હોય છે. બદકિસ્મતે, ઇતિહાસ કોઈ જ છૂટ આપતું નથી. જો મનુષ્યના ભવિષ્યનો નિર્ણય તમારી ગેરહાજરીમાં થાય છે, તો તેનો અર્થ એ નથી કે તમે તેના પરિણામોથી બચી શકો છો. પછી ભલે તમે એવું કારણ ધરો કે તમે તમારાં બાળકોના પેટ ભરવા કે તેનું શરીર ઢાંકવા અર્થે ખૂબ વ્યસ્ત હતા. આ અન્યાયની વાત છે; પરંતુ કોણ કહે છે કે ઇતિહાસ ન્યાયપૂર્ણ હોય છે?”

જાણીતાં પબ્લિક ઇન્ટેલેક્ચૂઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમનાં વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણાં જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.

યુવાલ નોઆહ હરારીએ અહીં કેટલાંક પ્રશ્નો આપણી સમક્ષ મૂક્યા છે કે, આપણી અંતરદૃષ્ટિ વર્તમાન ઘટનાઓ અને માનવ સમાજોની તત્કાલ મુશ્કેલીઓનો અર્થ સમજવામાં આપણી કેવી રીતે મદદ કરી શકે છે? આ સમયે ખરેખર શું થઈ રહ્યું છે? આપણે કંઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? આપણે બાળકોને શું શિખવાડવું જોઈએ? આ સવાલો અગત્યના છે, પણ સમયના વહેણમાં અત્યારે અટકીને વિચારવાનું જૂજ લોકો જ કરે છે. તે વિશે આગળ યુવાલ નોઆહ હરારી કહે છે કે, “નક્કી સાત અરબ લોકો પાસે સાત અરબ એજન્ડા છે. અને જેમ પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિચારવું એ એક દુર્લભ વિલાસિતા છે. મુંબઈના ચાલીછાપરાંમાં બે બાળકોનું પાલન કરી રહેલી તેમની એકલી માતાનું ધ્યાન આવનારાં જૂન મહિનામાં ભોજનની વ્યવસ્થા કરવામાં લાગેલું છે. ભૂમધ્ય દરિયાની વચ્ચે હોડીમાં સવાર શરણાર્થી જમીનના કોઈ ટુકડાની શોધમાં ક્ષિતિજમાં દૂરસુદૂર જોઈ રહ્યા છે. અને ક્ષમતાથી વધુ ભરાયેલાં લંડનની એક હોસ્પિટલમાં મૃત્યુ પામી રહેલી એક વ્યક્તિ એક વધુ શ્વાસ લેવા માટે પોતાની પાસેની બધી જ શક્તિ લગાવી રહી છે. આ બધાની વચ્ચે પૃથ્વી પર વધી રહેલું તાપમાન અથવા તો ઉદાર લોકશાહીના સંકટની સરખામણીએ ઘણી બધી તત્કાલની સમસ્યાઓ છે.”

યુવાલ હરારી એ બાબતે ખૂબ સ્પષ્ટ છે કે આ સમસ્યાઓનો ઉકેલ તે નહીં આપી શકે બલકે તે એમ કહે છે કે, “હું તેમની પાસેથી શિખવાની આશા રાખું છું.” મતલબ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે ટકે છે તેનું આશ્ચર્ય યુવાલને પણ છે. આ બધી ચર્ચાનો કેન્દ્રબિંદુ યુવાલ હરારીએ આલેખિત કરી આપ્યો છે કે, “આજની દુનિયામાં શું થઈ રહ્યું છે, અને આ ઘટનાઓનો ગર્ભિત અર્થ શો છે?” આ સંલગ્ન તેમણે કેટલાંક વર્તમાન પ્રશ્નોને સામે મૂક્યા છે જેમ કે, “ખોટાં સમાચારોની મહામારીથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ? ઉદાર લોકતંત્ર સંકટમાં કેમ છે? એ કંઈ સભ્યતા છે જેની હાલમાં બોલબાલા છે – પશ્ચિમી, ચીની, ઇસ્લામી? શું યુરોપ બહારથી આવનારાં લોકો માટે પોતાના દ્વારા ખુલ્લા રાખવા માંગે છે? આંતકવાદની સમસ્યાને આપણે કેવી રીતે ઉકેલીએ?”

આ બધા પ્રશ્નોનો ઠીકઠીક જવાબ યુવાલ હરારીએ મૂકી આપ્યો છે. તેઓના કથનક આપણી આસપાસ જે ચાલી રહ્યું છે તેનું પરિણામ આપણને દર્શાવી રહ્યા છે. એક સ્થાને તેઓ કહે છે : “વીસમી સદીના અંત વખતે એવું અનુભવ થઈ રહ્યો હતો કે, ફાસીવાદ, સામ્યવાદ અને ઉદારવાદની વચ્ચે વિચારધારાની લડાઈમાં અંતે ઉદારવાદે જબરજસ્ત જીત મેળવી છે. એવું લાગતું હતું કે, દુનિયાની લોકતાંત્રિક, રાજનીતિ, માનવધિકાર અને મુક્ત બજારમાં મૂડીવાદનો વિજય નિશ્ચિત છે. પરંતુ જેમ થતું આવ્યું છે હવે ઇતિહાસે એક વળાંક લીધો છે અને ફાસીવાદ તથા સામ્યવાદને ધ્વસ્ત કરનાર ઉદારવાદ હવે મુશ્કેલીમાં છે. તો આપણે કંઈ દિશામાં જઈ રહ્યા છે?”

આ પ્રશ્નને ઊંડાણથી સમજવાનો છે અને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં યુવાલ તે વિશે લખે છે : “ઉદારવાદ પોતાની વિશ્વસનીયતા એવી વખતે ખોઈ દીધી છે જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજીની ક્રાંતિએ આપણી સામે સૌથી મોટા પડકારો ઊભા કર્યા છે. આ પ્રકારના પડકાર મનુષ્ય જીવન સામે ક્યારે ય આવ્યા નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજીનું મિલન ઝડપથી અરબો મનુષ્યોના રોજગાર છીનવી લેશે અને સ્વતંત્રતા, સમાનતાને આપણાથી દૂર હડસેલી જશે. બિગ ડેટા એલ્ગોરિથમ એક એવી ડિજિટલ સરમુખત્યારશાહીની રચના કરી શકે છે, જેમાં તમામ શક્તિ નાનકડાં સમૃદ્ધ વર્ગ પાસે હશે. તે વેળાએ આ લોકો શોષણના નહીં, બલકે તેનાથી પણ ખરાબ બાબત અપ્રાંસગિકતાનો શિકાર બનશે.”

આ રીતે યુવાલ હરારીએ 21મી સદીના શિખમાં કામ, આઝાદી, સમાનતા, સમુદાય, સભ્યતા, રાષ્ટ્રવાદ, ધર્મ, આંતકવાદ, યુદ્ધ, ઈશ્વર, ધર્મનિરપેક્ષતા, ન્યાય, સત્ય અને શિક્ષણ જેવી ગંભીર બાબતો ઉમેરી છે. આ તમામ મુદ્દા એવા છે જેની સ્પષ્ટ સમજ આપણી સમક્ષ મૂકાતી નથી અને ખાસ તો એવું વાતાવરણ બનાવી રાખવામાં આવે છે કે બહુમતિ લોકો આ બધા જ મુદ્દા પર અટવાયેલાં રહે અને તેનાથી રાજકીય ઉદ્દેશ હાંસલ કરી શકાય.

આવી રહેલાં પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણી શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય. પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે. પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઉંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલે આપણી સમક્ષ મૂકે છે. તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે. અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે, અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યાર પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ અલ્ગોરિથમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિથમથી આપણે મનુષ્યોની પરવા કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ.

e.mail : kirankapure@gmail.com

Loading

પિતા કે પતિનું નામ સ્ત્રીને કામનું કેટલું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 May 2022

સ્ત્રી સશક્તિકરણ :

એ સાચું છે કે જન્મતાંની સાથે જ બાળકને, પોતાનું નામ મળે કે ન મળે, પણ પિતાનું નામ તો મળી જ જાય છે. સંતાનનું નામ મોડું વહેલું પડે, પણ પિતાનું નામ તો તરત જ વળગી જાય છે. જન્મ વખતે માતાનું નામ પણ નોંધાતું હશે, પણ પછી એ નામ ગૌણ થતું જાય છે ને સંતાન સાથે પિતાનું નામ જ બધે લેવાતું-પુછાતું રહે છે. એમાં જો છોકરી હોય તો લગ્ન સુધી તેની પાછળ પિતાનું નામ લાગે છે, પણ જેવી તે પરણે છે કે પિતાનું નામ ને અટક બંને ખસે છે ને તેને સ્થાને પતિનું નામ તથા તેની અટક તેનાં નામની પાછળ આવીને ગોઠવાઈ જાય છે. આ બધું પરંપરાગત રીતે ચાલ્યું આવે છે. એ ખરું કે પુત્રની સાથે પિતાનું નામ છેવટ સુધી જોડાયેલું રહે છે. કેટલાક કિસ્સાઓમાં પુત્ર પોતાનું નામ બદલે છે, પણ પિતાનું નામ છોડતો નથી. એવું પણ બને છે કે પુત્ર, પિતાનું નામ ચોક્કસ સ્ટેટસમાં ન મૂકતો હોય, પણ જ્યાં પણ માહિતી આપવાની ફરજ પુત્રને પડે છે, પિતાનું નામ જ દેવાય-લેવાય છે. એવું પુત્રીની બાબતમાં નથી. તે પરણે ત્યાં સુધી પિતાનું નામ ચાલે છે ને તે પછી તેની ઓળખ પતિનાં નામ સાથે જોડાવાથી બદલાય છે. પરણતાંની સાથે તેનું સરનામું તો બદલાય જ છે, તેની ઓળખ પણ બદલાય છે. તે પિતાની પુત્રી હતી, લગ્ન પછી તે પતિની પત્ની બની રહે છે.

એક સમય સુધી આ કશા વિરોધ વગર ચાલ્યું. ઘણા વખત સુધી એમ પણ મનાતું રહ્યું કે લગ્ન પહેલાં છોકરી પર પિતાનો હક હતો ને લગ્ન પછી પત્નીની માલિકી પતિની થતી હતી. મોટે ભાગની સ્ત્રીઓ એમ જ માનતી હોય છે કે લગ્ન થતાં તે પિતાનો ખૂંટો છોડીને પતિને બારણે બંધાય છે ને મરે ત્યાં સુધી તેણે એ બારણું જ શોભાવતાં રહેવાનું છે. પણ, પછી સ્ત્રીઓ શિક્ષિત થઈ. તેને હકનું ભાન થયું ને સમજાયું કે તે પતિની ગુલામી કરવા જ જાણે પિયર છોડીને સાસરે આવી છે. તેણે ખાવાપીવાનાં ને કપડાંલત્તાનાં બદલામાં પતિની ને સાસરાની જવાબદારી ઉપાડવાની છે ને સંતાનો ઉછેરવામાં આયખું ખુટાડવાનું છે. દેખીતું છે કે શિક્ષિત સ્ત્રીઓને આ બધું મંજૂર ન હોય. પિયરમાં પિતાને નામે ને સાસરામાં પતિને નામે જ ઓળખાવાનું હોય તો આખી જિંદગીમાં પોતાની કોઈ ઓળખ, પોતાનું કોઈ અસ્તિત્વ ખરું કે કેમ? એ પ્રશ્ન ઘણી સ્ત્રીઓને મૂંઝવતો હોય છે. પોતે શિક્ષિત હોય, નોકરી કે ધંધો કરતી હોય, કોઈ સંસ્થાનું સંચાલન કરતી હોય ને પોતાની ઓળખ માત્ર પિતા કે પતિ પર જ નિર્ભર હોય તે તો કેમ ચાલે? મહિલાઓ પોતાનાં અધિકારો બાબતે સભાન થઈ અને તેણે પિતા તરફથી મળેલી ઓળખને લગ્ન પછી પણ ચાલુ રાખવાનું સ્વીકાર્યું. પતિનું નામ કે તેની અટક તો તેણે ચલાવી લીધી, પણ પિતાની અટક પણ તેણે પતિની અટક સાથે વધારાની જોડી. ટૂંકમાં, તે પિતાની ને પતિની અટકથી ઓળખાવા લાગી. આ ફેરફાર નાનો છે, પણ મહત્ત્વનો છે. તેણે પિયરને વિસારે પાડ્યું નથી એ વાતની એમાં સ્વીકૃતિ છે.

આજે જો કે, પરિસ્થિતિ બદલાઈ છે છતાં હજી ક્યાંક એ બને જ છે. પિયર કે સાસરા પક્ષની સમજ એ રહી છે કે લગ્ન પછી કન્યાનો નવો જન્મ થાય છે એટલે તેણે પિતાનું નામ, પિતાનું ઘર, પિતાની અટક એમ બધું જ છોડવાનું છે ને જેનો ખાસ પરિચય નથી એ પતિની અટક, એનું નામ સ્વીકારવાનું છે. આમાં એની મરજી અતિશય ગૌણ બની રહે છે. કેટલાક સમાજમાં તો એવું પણ હતું ને હશે પણ, કે પત્નીનું નામ પણ બદલી કાઢવામાં આવતું. પત્નીનું પરણવા સુધીનું જે નામ હતું, જે નામે તે વર્ષો સુધી ઓળખાઈ, તે નામ પતિ ભૂંસી નાખતો ને તેનાં પર નવું નામ લખી દેતો. જાણે એ પત્ની નથી, પણ કોઈ સ્લેટ છે ને પતિ તેનાં પર લખેલું ભૂંસી કાઢે છે ને એના પર પોતાને ગમે છે તે નામ લખી દે છે. એનો વિરોધ થઈ શકતો નથી. એ નામ પછી ભૂંસાતું નથી. વ્યક્તિ ભૂંસાઈ જાય, પણ નામ તો એ જ રહે છે. કેવું છે આ? જે નામે પરિણીતા 20-22 વર્ષ સુધી ઓળખાઈ, એ નામે ભણી, સર્ટિફિકેટ મેળવ્યાં, નોકરી મેળવી, મિત્રોમાં બોલાવાઈ, કુટુંબે બોલાવી, તે મંગળફેરા ફરવા માત્રથી નામશેષ થઈ જાય? આ ઠીક છે?

એનો જ પડઘો શિક્ષિત મહિલા સમાજે એવો પાડ્યો કે હવે પતિના નામની સાથે તે પિયરની અટક પણ  જોડશે ને નામ તો તેનું અપવાદરૂપે જ બદલાશે. હવે એવું બને તો નવાઈ નહીં કે કોઈ પત્ની મંડપમાં પતિનું નામ બદલવાનો આગ્રહ રાખે. પતિ જો પત્નીનું નામ બદલી શક્તો હોય તો પત્ની શું કામ ન બદલે? સમાન અધિકાર કોને કહ્યો છે ! અત્યાર સુધી તો પત્નીએ પતિનું નામ બદલ્યું નથી, તેનો અર્થ એવો નહીં જ કે બદલાય જ નહીં ! આગળ જતાં એવું બને કે પતિની સાથે જ તે પિતાનું નામ પણ લે, પણ ત્યાં કદાચ એ ગરબડ થાય કે બેમાંથી પિતાનું કે પતિનું નામ કયું એ ન સમજાય. એટલે જ કદાચ પતિની સાથે પિતાનું નામ લેવાતું નથી. કેટલીક સ્ત્રીઓ પતિનું નામ પણ જરૂર પૂરતું જ સાથે રાખે છે, બાકી, પોતાનાં નામની સાથે હવે પિતાની કે પતિની અટકથી જ તે કામ કાઢી લે છે.

પત્ની થયા પછી, તેનું નામ તેની અટક વગેરે કાયદેસર રીતે બદલવામાં ઘણી વિધિઓ કાયદાકીય રીતે કરવાની આવે છે. તેનાં પ્રમાણપત્રો, તેની નોકરી વગેરેમાં તો તેનું પિયરનું નામ જ ચાલતું હોય છે. એ નામ બદલીને નવું નામ ને અટક વિધિવત રીતે દફ્તરોમાં નોંધાવવાનું કામ સહેલું નથી. ઘણી વાર તો એ લગ્ન કરાવનાર બ્રાહ્મણથી માંડીને અન્ય તંત્રો સુધી વિસ્તરે છે ને એમાં ઠીક ઠીક સમય, શક્તિ ને સંપત્તિ ખર્ચાય છે. આટલી મહેનત પછી જો લગ્ન ના ટક્યાં ને વાત છૂટાંછેડા સુધી પહોંચી તો મુશ્કેલીઓનો પાર નથી રહેતો. પતિએ આપેલાં નામ, અટક વગેરે ફરી વસ્ત્રોની જેમ ઉતારવાનો વારો આવે છે. જ્યાં પતિ જ પોતાનો નથી રહેતો ત્યાં તેનાં નામઠામ રાખીને શું કરવાનું? સાસરું તો છૂટે જ છે. એવે વખતે પતિનાં નામ કે અટક ઘણી સ્ત્રીઓ ચાલુ રાખતી નથી. કેટલીક સ્ત્રીઓ છૂટાછેડા પછી નામ નથી પણ બદલતી. અટક પણ પતિની જ ચાલુ રાખે છે. જો એ અટક કે નામનો દુરુપયોગ ન થાય તો કાયદો પણ એટલી છૂટ આપે છે ને નામ બદલ્યાં વગર ડિવોર્સી સ્ત્રી પોતાની રીતે રહી શકે છે. જો કે, કેટલીક સ્વમાની સ્ત્રીઓ જેમ પતિની ચીજવસ્તુઓ પાસે નથી રાખતી, તેમ જ પતિએ આપેલાં નામ કે અટક પણ સાથે નથી રાખતી. તેની મુશ્કેલી એ છે કે પતિનું નામ તે રાખી નથી શકતી કે નથી તો પતિને ઘરે રહી શકતી. વારુ, પિયર તો છૂટી જ ગયું છે, ત્યાં તો તેની જગ્યા જ નથી રહી. તે બહુ બહુ તો મહેમાન હતી, તે હવે પુત્રી તરીકે પાછી ફરી શકે એવું વાતાવરણ જ નથી. તેની જગ્યાઓ બીજી વ્યક્તિઓ વડે ભરાઈ ગઈ છે. પિયરે તેનાં વગર જીવવાનું શીખી લીધું છે, ત્યાં તે સાસરાથી ત્યજાઈ હોવાને લઈને પાછી ફરે તો પણ એ સ્થાન તેને મળે એમ નથી જે લગ્ન પહેલાં હતું. બલકે, પિયરમાં તેનું રહેવું સ્વમાનને ભોગે જ શક્ય છે. એવામાં તે પિયરનું નામ કે અટક રાખી પિયરની થવા મથે તો પણ ત્યાં તેનો સમાસ અપવાદરૂપે જ શક્ય છે. કેટલાંક કુટુંબો પાછી આવેલી સ્ત્રીને રાખે પણ છે, પણ ત્યાં તે પૂર્વવત જીવન જીવી શકે એ ગૌરવ જ બચતું નથી. એમાં જો બાળક હોય તો મુશ્કેલી ઓર વધે છે. એ વાતે તેને ફરી પરણવામાં પણ મુશ્કેલી પડે છે. તે આર્થિક રીતે પગભર હોય તો સ્વતંત્ર રીતે જીવી શકે છે કે બાળકને પણ રાખવામાં તેને બહુ વાંધો આવતો નથી, પણ જ્યાં એવું નથી ત્યાં ન તો તે સાસરે રહી શકે છે કે ન તો પિયરમાં તેની જગ્યા થાય છે ને હાલત ન ઘરની, ન ઘાટની, જેવી થાય છે.

આમાંથી ઉગરવાનું તો જ શક્ય છે જો તે આર્થિક રીતે પગભર હોય. સ્ત્રી આત્મનિર્ભર ન થાય ત્યાં સુધી તે પિયરમાં કે સાસરામાં ગમે ત્યારે પરાઈ કરી દેવાય એમ બને. કરુણતા એ છે કે શક્તિ હોવા છતાં, તે પિયર અને સાસરાએ આપેલ નામોની પાછળ એવી ઢંકાઈ જાય છે કે પોતાનો સાચો ચહેરો જગતમાં ભાગ્યે જ પહોંચે છે, એટલું જ નહીં, તેનો નકલી ચહેરો જ તેનું અસલી રૂપ હોય તેમ જીવવા કે મરવા તે વિવશ બની જાય છે. આ સ્થિતિ બદલાવી જોઈએ.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

સપનાંનો સોદાગર

સુરેશ બી. જાની|Opinion - Opinion|17 May 2022

હા! ડો. ચેન્ના રાજુ સપનાંનો સોદાગર છે. જાતે તો સપનાં જુએ જ છે, પણ વહેંચે પણ છે. બન્ગલુરૂથી દિલ્હી જતી ફ્લાઈટમાં ચેન્ના સપનામાં ખોવાઈ ગયો છે. એ સપનાં શી રીતે શરૂ થયાં – તેની વારંવાર આવતી યાદ તેને અત્યારે પણ એટલી જ તાજી છે. એનાં સપનાંઓની શરૂઆત બન્ગલુરૂની નજીક આવેલા અરેહલ્લી ગામની નિશાળમાં મજૂરીનું કામ કરતાં થઈ હતી – ઉઘાડી આંખનાં સપનાં.

૧૯૭૦

એ માત્ર આઠ જ વર્ષનો હતો. નાનકડો ચેન્ના એના અત્યંત ગરીબ માબાપનું છેલ્લું અને બારમું સંતાન હતો. નિશાળના મેદાનમાં તે નીંદણ કામ કરી રહ્યો હતો. નીંદતાં નીંદતાં આકાશમાં ધીમી ગતિથી સરકી રહેલાં વાદળો વચ્ચે એને સપનું દેખાયું. એ મોટો થશે અને આ વાદળો વચ્ચેથી હમણાં જ પસાર થઈ ગયેલા વિમાન જેવા જ વિમાનમાં બેઠો હશે.

પણ અરે! નિશાળમાં જવાનો સમય થઈ ગયો હતો. હાથ ધોતાંકને એ તો દોડ્યો. અલબત્ત તેને ભણવાનું તો ગમતું જ હતું, પણ વધારે આકર્ષણ હતું – બાર વાગે ગરમ ગરમ ભાત અને સંભાર. ઘેર તો આવું સોડમદાર ભોજન ક્યાં મળવાનું હતું? એના વ્હાલા બાપુએ એટલે જ તો તેને નિશાળમાં ભરતી કરાવ્યો હતો ને? મોટાં અગિયાર ભાઈ બહેનોને આ સવાદ ક્યાં મળતા હતા? આખા દિવસની કમરતોડ મજૂરી પછી, એમાંના કોઈને તેની સાથે રમવા પણ ક્યાં સમય હતો? અહીં નિશાળમાં તો દોસ્તારો હારે કેવી મજા? નીંદણ કામમાંથી મળતી નાનકડી આવક પણ કેટલી કિમતી હતી? એમાંથી જ તો તેના અંગ્રેજી ટ્યુશનનો ખર્ચ નીકળતો હતો ને?

પણ … સંભારના સબડકા મારતાં મારતાં પણ એને ઉઘાડી આંખના સપનામાં તો ઓલ્યું વિમાન જ દેખાતું હતું.

આમ ને આમ છ વર્ષ નીકળી ગયા. દસમા ધોરણમાં હતો ત્યારે ચેન્નાની નિશાળમાં જાહેરાત થઈ કે, ‘ચૌદ માઈલ દૂર આવેલા વ્હાઈટ ફિલ્ડમાં સત્ય સાંઈબાબાના આશ્રમે  સ્થાપેલી ‘સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યુટ’માં ભારતના રાષ્ટ્ર પ્રમુખ બી.ડી. જટ્ટી નવી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવા આવવાના છે. ચેન્નાને આટલા મોટા મહાનુભાવને જોવા મન થઈ ગયું. પણ એટલે દૂર જવા માટેની બસ ટિકિટનાં ફદિયાં તો એની પાસે થોડાં જ હોય ?  ચેન્નાભાઈ તો બીજા એક દોસ્તની સાથે તેની સાઈકલ પર ડબલ સવારી ઉપડયા. થાકીને લોથ થઈ ત્યાં પહોંચ્યા, ત્યારે જટ્ટી સાહેબ તો વિદાય થઈ ગયા હતા.

પણ વિદ્યાર્થીઓને રહેવા માટે, સફેદ બાસ્તા જેવી ચાદર પાથરેલા પલંગ, ચકચકાટ ટેબલ-ખુરશી અને પંખા સાથેની આવી સગવડ હોય, તેનો તેના કોઈ સપનામાં સમાવેશ થયો ન હતો! તેના સપનાંનું વિમાન તો ખાલી ઊડતું પક્ષી જ હતું. એમાં મુસાફરને બેસવા માટે કેવી સીટ હોય તેનો અંદાજ઼ ઝૂંપડાવાસીને થોડો જ હોય? બન્ને મિત્રો અહોભાવથી આ સપન મહેલને અચંબાથી જોઈ રહ્યા.

એટલામાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી. રાઘવાચાર ત્યાં આવી પહોંચ્યા. બન્ને લઘર વઘર ગામડિયા કિશોરોને એમણે મમતાથી આવવાનું કારણ પુછ્યું. જ્યારે તેમને ખબર પડી કે, જટ્ટી સાહેબના દર્શન કરવા આ અબુધ કિશોરો આટલી બધી જહેમત ઊઠાવીને આવ્યા છે, ત્યારે એમની આંખમાં આંસું આવી ગયા. તેમણે બન્નેને આખી કોલેજ બતાવવાની વ્યવસ્થા કરી આપી.

કોલેજ જોયા બાદ પાછા વળતાં બન્ને મિત્રો રાઘવાચાર સાહેબનો આભાર માનવા એમની ઓફિસમાં ગયા. ત્યાં સાહેબે બન્નેને કોફી અને નાસ્તો કરાવ્યા. સાથે કહ્યું કે, દર રવિવારે સત્ય સાંઈબાબા આશ્રમમાં ગરીબ બાળકોની બે બેચ માટે વિકાસ કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમણે કોઈક વાર સમય કાઢીને ત્યાં આવવા આમંત્રણ આપ્યું. ઘેર પહોંચતાં રસ્તામાં ચેન્નાએ સંકલ્પ કર્યો, ”દર રવિવારે સવારે વહેલો ઊઠીને હું આશ્રમમાં જઈશ અને આ કાર્યક્રમમાં  સેવા આપીશ.”

એ ધોમધખતા વૈશાખી બપોરમાં, ચેન્ના એકલાની જ નહીં પણ, અરેહલ્લીનાં બાળકોની જિંદગી પણ બદલાઈ ગઈ.

બે વર્ષ માટે દર રવિવારે ૨૮ કિલોમિટરની  પદયાત્રા અને આશ્રમમાં સેવા એ ચેન્નાનો નિયમિત ક્રમ બની ગયો. ચેન્ના બારમા ધોરણમાં ઝળહળતી સફળતા સાથે ઉત્તીર્ણ થઈ ગયો. હવે તે અંગ્રેજી કડકડાટ બોલી શકતો હતો. ગણિતમાં તો સોમાંથી સો માર્ક લાવ્યો હતો. રાઘવાચાર સાહેબે ચેન્નાને કોલેજમાં દાખલ કરી દીધો.

પણ કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે? એક કારખાનામાં ફીટર તરીકે તેને નોકરી મળી ગઈ. ચેન્નાએ હરખથી નિમણૂંકનો એ કાગળ એના  જીગરી દોસ્તો પ્રવીણ અને નવીન રાજાને બતાવ્યો. બન્નેએ વાંચ્યા વિના જ એ કાગળ ફાડી નાંખ્યો અને કહ્યું, ‘તારા કોલેજ ખર્ચની વ્યવસ્થા કરવાની જવાબદારી અમારી.’

બેન્કમાંથી લોન અને હંગામી કારકૂન તરીકે એક ખાનગી પેઢીમાં નોકરી મળી ગઈ. ચેન્ના સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યૂટમાં વિજ્ઞાનના અભ્યાસક્રમમાં જોડાઈ ગયો. રાઘવાચાર સાહેબની કૃપા અને તેણે બે વર્ષ કરેલી નિસ્વાર્થ સેવાના પ્રતાપે હોસ્ટેલમાં બહુ જ ઓછા દરથી રહેવાની સગવડ થઈ ગઈ હતી.

આવું જ સતત ઊડાણ અને ચેન્ના રાજુ ચાર વર્ષે ગોલ્ડ મેડલ સાથે વિજ્ઞાનનો સ્નાતક બની ગયો. આમ જ બીજી છલાંગ અને તે અન્ના યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે અનુસ્નાતક પણ બની ગયો. ચેન્નાની ફ્લાઈટ આટલેથી અટકે તેવી થોડી જ હતી? આવી જ એક ઓર છલાંગ અને આ સ્વપ્નદૃષ્ટાએ આઈ.આઈ.ટી. ચેન્નાઈમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી લીધી. હવે તે ડો. ચેન્ના રાજુ બની ગયો.  આઠ વર્ષની ઉમરથી વિમાનમાં બેસવાના જે સ્વપ્નાં તે જોતો હતો; તે વિમાનોની એરોડાયનેમિક ડિઝાઈનનો હવે તે નિષ્ણાત બની ગયો હતો.

૧૯૯૭

અને જુઓ તો ખરા – ચેન્નાને ક્યાં નોકરી મળી ? વિમાનમાં બેસવાનાં સપનાં જોતાં જોતાં એનાથી  હજારો ગણા ઊંચા કારકિર્દીના શિખર પર – દેશની વિમાનોની ડિઝાઈન અંગે સંશોધન કરતી સંસ્થા  National Aerospace Laboratories, Bangaloreમાં વૈજ્ઞાનિક તરીકે !

૨૦૦૦ની સાલમાં તેને કામ અંગે જર્મની પણ મોકલવામાં આવ્યો. આખું વિશ્વ ચેન્ના માટે ખુલ્લું થઈ ગયું. તે ધારત તો વિકસિત દેશોમાં તેના જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓને બહુ સહેલાઈથી મળી શકતી, વિકાસની તકો ઝડપી શક્યો હોત. પણ ચેન્નાનાં સપનાંએ હવે નવો આકાર ધારણ કરી લીધો હતો. પોતાનાં મૂળને ચેન્ના આટલી ઊંચાઈએ પહોંચ્યા છતાં ભુલ્યો ન હતો. અરેહલ્લીનાં ગરીબ બાળકોની સેવાનો સાદ તેનાં સપનાંઓમાં પડઘાતો રહ્યો, પડઘાતો જ રહ્યો.  ચેન્નાએ બીજો સંકલ્પ જર્મનીમાં કર્યો.

 એ ગરીબ બાળકોનો વિકાસ અને ઉત્થાન એ જ મારો ધર્મ અને એ જ મારા જીવનની ફલશ્રુતિ.

દેશ પાછા ફરીને, અરેહલ્લીમાં નવા અને નાનકડા પણ વ્યવસ્થિત મકાનની સામે આવેલા આંબલીના ઝાડ નીચે, તેણે પોતાના ફાજલ સમયમાં, આજુબાજુનાં ગરીબ બાળકોને તાલીમ અને પ્રેરણા આપવાનું શરૂ કર્યું. તેની જેમ જ ડો.ની પદવી પામેલા હમ્મેશના સાથીઓ પ્રવીણ અને નવીને આ યજ્ઞકાર્યમાં પણ સાથ આપવો ચાલુ રાખ્યો. દોઢ જ વર્ષ અને ગામની ફાજલ જમીનમાં લાકડાંની વળીઓ, નાળિયેરનાં પાનનાં છાપરાં અને છાણના લીંપણની ફર્શ વાળી,  એક નાનકડી શાળા શરૂ થઈ ગઈ. તેનું  નામ તેણે માતાના નામ પરથી ‘અંજના વિદ્યા કેન્દ્ર’ રાખ્યું. હવે તો આ શાળામાં ૮૦-૯૦ બાળકો ભણવા લાગ્યાં. આ માટે પોતાની બચતમાંથી ચેન્નાએ ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા.

અગરબત્તીની સુવાસ ફેલાતાં કાંઈ વાર લાગે છે? મદદનો પ્રવાહ અસ્ખલિત વહેતો થઈ ગયો. વધારે ને વધારે બાળકો એમાં જોડાવા માટે આતૂર હતાં.

૨૦૦૧

ચેન્ના અને તેના મિત્રોએ સાથે મળી ‘બ્રાહ્મી શિક્ષણ અને સાંસ્કૃતિક ટ્રસ્ટની (Brahmi Educational and Cultural Trust) સ્થાપના કરી. બંગલુરૂથી ૪૦ કિલોમિટર દૂર ગ્રામ્ય વિસ્તારમાં દેશપાન્ડે ગુટ્ટાહલ્લી ગામમાં દોઢ એકરના વિસ્તારમાં ‘અંજના વિદ્યાકેન્દ્ર’ કામ કરતું થઈ ગયું. બાજુની અઢી એકર જમીનમાં બાળકોના ભોજન અને દૂધની વ્યવસ્થા. આ માટે ઘણા બધા મિત્રો અને ખાસ તો તેની નોકરીની સંસ્થા ‘National Aeronautical Laboratory ( CSIR) તરફથી પણ સારી એવી રકમ અને પ્રોત્સાહન મળી શક્યાં.

શરૂઆતમાં પાંચ ધોરણ સુધી જ શિક્ષણ આપવાની સગવડ હતી, પણ હવે દસમા ધોરણ સુધી શિક્ષણ આપવામાં આવે છે – કોઈ પણ જાતની ફી લીધા વિના. આજુબાજુનાં ૧૨ ગામડાંઓનાં બાળકો આ શાળાનો લાભ લે છે. ઘણાં માબાપ પણ વિના મૂલ્યે એમની સેવાઓ આપે છે. બાળકે મહિનામાં એક દિવસ શાળામાં સેવા આપવાની હોય છે. આમ શિક્ષણ સાથે સ્વાશ્રય અને સેવાના પાઠ પણ બાળક શીખતું રહે છે. અભ્યાસક્રમની સાથે યોગ, કસરત અને ધ્યાનની પણ તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં શાળામાંથી ચાર બેચના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર પડ્યાં છે.

‘સપનાંના સોદાગર’ ચેન્નાની જેમ, એના જેવા બનવાનાં સપનાં હવે અંજના વિદ્યાકેન્દ્રનાં બાળકો સેવવા લાગ્યાં છે.

એક વીડિયો :  https://www.youtube.com/watch?v=ERm0Uwc6Sg8

સાભાર – ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’, ‘હિન્દુ’, ‘બેટર ઇન્ડિયા’.

સંદર્ભ –

http://epaper.timesofindia.com/Repository/ml.asp?Ref=VE9JQkcvMjAwOC8wOS8wNyNBcjAwNzAw&Mode=HTML&Locale=english-skin-custom

http://www.thebetterindia.com/25776/channa-raju-bengaluru-brahmi-anjana-vidya-kendra/

http://www.thehindu.com/news/national/karnataka/a-days-labour-is-one-months-fee-in-anjana-vidya-kendra/article5059418.ece

સ્કૂલનો બ્લોગ : https://anjanavidyakendra.wordpress.com/team-anjana/

બ્રાહ્મી ફાઉન્ડેશનની વેબ સાઈટ : http://brahmi.org/index.htm

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,6021,6031,6041,605...1,6101,6201,630...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved