Opinion Magazine
Number of visits: 9736366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિ

કુંવર નારાયણ (હિન્દી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક)|Poetry|1 March 2026

તમે માર્યા જશો
હત્યારા રોબોટ તાકમાં છે
કવિતાના તાપથી એ હેરાન છે
કવિતાનું સત્ય
એમની ફ્રીક્વન્સી બગાડી રહ્યું છે

એ સત્ય નથી જાણવા માગતા
માત્ર અસત્યના બળ પર
કાંતેલી ભાષાના શબ્દોથી
મંત્રમુગ્ધ કરી
તમને એમના ગુલામ બનાવવા માગે છે

કવિ જો તમે સત્ય બોલશો
કવિતા લખશો
તો નિઃસંદેહ તમે
માર્યા જશો

પણ હા
મરતા પહેલાં
એક એવી કવિતા જરૂર લખજો
કે રોબોટોથી ડરેલા લોકો
એમની હેસિયત સમજી શકે.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

મુજે ઈન્સાફ નહીં મિલા !

રમેશ ઓઝા|Opinion - Opinion|1 March 2026

રમેશ ઓઝા

ત્રણ પ્રકારના લોકો અદાલતમાં જાય છે. એક એ જેનાથી અન્યાય સહન થતો નથી, ન્યાય માટે ઝૂરે છે અને ધાર્યો ન્યાય મેળવવા માટે તેમની પાસે મસલ પાવર, મની પાવર કે ઓળખાણ જેવી અન્ય તાકાત નથી. તેમની પાસે બે જ વિકલ્પ છે; કાં તો અન્યાય સહન કરીને બેસી જાય અથવા અદાલતમાં ન્યાય માગવા જાય. ન્યાય માટેનો ઝૂરાપો એટલો હોય છે કે ભારતીય ન્યાયતંત્રમાં ઝડપી અને કદાચ સાચો ન્યાય મળવાનો નથી તેવી શંકા હોવા છતાં તેઓ અદાલતમાં જાય છે. અન્યાય સહન નરીને અને અન્યાયને પડકારીને તેઓ કમ સે કમ પોતાની જાતને, પોતાના અંતરાત્માને ન્યાય કરે છે. ૨૦૧૭માં દિલ્હીમાં ૧૦૩ વરસની ઉંમરે ગુજરી ગયેલાં અમર કૌરના છેલ્લા શબ્દો હતા ઇન્સાફ. મુઝે ઇન્સાફ મિલા નહીં. એ કદાચ ઇન્સાફ જોવા માટે જ આટલું લાંબુ જીવ્યાં હતાં. લુધિયાણાનાં વતની અમર કૌરના પુત્ર અને જમાઈનું ૧૯૯૪ની સાલમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી હત્યા કરવામાં આવી હતી. બે દાયકા પછી પણ ખટલાની સુનવાઈ થતી નહોતી અને ન્યાય મળતો નહોતો એટલે અમર કૌર ૨૦૦૪ની સાલમાં સર્વોચ્ચ અદાલતમાં ગયાં. સર્વોચ્ચ અદાલતે માથાભારે લોકો ન્યાયનું કાસળ ન કાઢો એ માટે કેસને લુધિયાણાની અદાલતમાનથી દિલ્હીની અદાલતમાં ટ્રાન્સફર કર્યો. અમર કૌરને લાગ્યું કે હવે તો ન્યાય મળશે જ પણ ૧૩ વરસ રાહ જોયા પછી ૨૦૧૭ની સાલમાં તેઓ ‘ઇન્સાફ’ ‘ઇન્સાફ’ એમ વલોપાત કરતાં ચાલ્યાં ગયાં.

અદાલતમાં જનારા બીજા પ્રકારના લોકો એ છે જે પૈસા દ્વારા ન્યાય ખરીદી શકે છે અથવા જજોને ડરાવી ધમકાવીને કે લાલચ આપીને ન્યાય મેળવી શકે છે. બજારમાં રમકડું ખરીદવા ગયેલો માણસ જેમ તેને જોઈએ છે એ જ રમકડું ખરીદી આવે છે એમ આ લોકો તેમને જે ‘ન્યાય’ જોઈએ છે એ જ ‘ન્યાય’ ખરીદી આવે છે કે મેળવી લે છે. તેમને અમર કૌરની માફક બે-ત્રણ દાયકા રાહ જોવી પડતી નથી અને તેમને ન્યાય પણ તેમની ઇચ્છાની વિરુદ્ધ મળતો નથી. તેમને જે જોઈએ છે એ જ અદાલત તેમને આપે છે અને એ પણ ઝડપથી. ઉપરથી અદાલતી ચુકાદાનું લેબલ લાગી ગયું એટલે બધું ન્યાયી અને નૈતિક બની ગયું. બાબરી મસ્જીદનો ચુકાદો આનું સૌથી મોટું અને સૈકાઓ સુધી યાદ રહેનારું ઉદાહરણ છે. દરજી માપ મુજબ ખમીસ સીવી આપે એમ ચુકાદો સીવી આપ્યો. જજો તેમના આક્કાઓની ખિદમત કરે છે. આક્કાઓ એ છે જેમની પાસે સત્તા છે અથવા પૈસા છે અને હવે તો બન્ને છે. 

અદાલતમાં જનારા ત્રીજા પ્રકારના લોકો આળવીતરા છે. તેઓ ન્યાય મેળવવા માટે અદાલતમાં નથી જતા, પરંતુ ન્યાયનું પવિત્ર મંદિર કેટલું ગોબરું છે એ પ્રજાને અને જગતને બતાવવા માટે અદાલતમાં જાય છે. તેમને ખબર છે કે તેમને ન્યાય મળવાનો નથી, પણ એ બહાને જજનું અને ન્યાયતંત્ર નામની કહેવાતી સ્વતંત્ર સંસ્થાનું પાણી માપી લેવાય. જજો (ખાસ કરીને ઉપલી અદાલતોમાં અને એમાં પણ સર્વોચ્ચ અદાલતમાં બિરાજમાન જજો) પણ જાણતા હોય છે કે આ લોકો તેમનું પાણી માપવા અદાલતમાં આવ્યા છે, પણ કરે શું? બિચારા સુનાવણી દરમ્યાન ન્યાયની મહાન વાતો કરે, સ્થાપિત હિતો વિરુદ્ધ આકરા વેણ બોલે, પણ ચુકાદો આપવામાં આવે ત્યારે પાણીમાં બેસી જાય. આળવીતરા દેશદ્રોહીઓ માટે આટલું પૂરતું છે. આવા આળવીતરાઓને સોક્રેટિસે બગાઈ તરીકે ઓળખાવ્યા છે. જેમ બગાઈ ઢોર ગમે એટલું ધમપછાડા કરે પણ તેનો આંચળ છોડતી નથી એમ સમાજના આવા ઉપદ્રવી આળવીતરાઓ બીકાઉ અને નમાલાઓને તેમની જગ્યા બતાવ્યા વિના છોડતા નથી. સોક્રેટિસે કહ્યું હતું કે સમાજને આવી બગાઈની જરૂર હોય છે. સમાજની તન્દુરસ્તી માટે આવશ્યક છે. આજકાલ આવી બગાઈને ખાન માર્કેટ ગેંગ, અર્બન નક્સલ, ટુકડે ટુકડે ગેંગ, દેશદ્રોહી, હિંદુદ્રોહી, વગેરે નામે ઓળખવામાં આવે છે. 

ન્યાયતંત્રનો ચહેરો ગોબરો છે અને તે ભ્રષ્ટ છે એ શાળાના પાઠ્યપુસ્તકનો વિષય બની જાય ત્યારે અદાલતોમાં બિરાજમાન ન્યાયમૂર્તિઓએ શરમાવું જોઈએ કે ક્રોધિત થવું જોઈએ? તેમને સોક્રેટિસે ઓળખાવેલી બગાઈ બહુ પજવે છે એ ખરું, પણ એ ઉપરાંત અમર કૌરોનો ઇન્સાફ માટેનો ઝૂરાપો અને સ્થાપિત હિતોનું ઉઘાડું બીભત્સ વલણ પણ કારણભૂત છે. અમર કૌરો ન્યાયતંત્રને પ્રાસંગિક બનાવે છે અને સ્થાપિત હિતો ન્યાયતંત્રને અપ્રાસંગિક અને હાસ્યાસ્પદ બનાવે છે. રોજે રોજ ન્યાયની ડેલીએથી હતાશ થઈને પાછા જતા લોકોનો ચહેરો ઘણું બધું કહી જાય છે. તો બીજી બાજુ આ દેશમાં દરેક ચીજ બીકાઉ જણસ છે જે ખરીદી શકાય છે અથવા દરેકને ડરાવી શકાય છે અને તેમાં ન્યાયનો અને ન્યાયાધીશોનો પણ સમાવેશ થાય છે એવું નીચ જનોનું બીભત્સ વલણ લોકોને નજરે પડે છે. ટૂંકમાં સામાન્ય માણસનો ન્યાય માટેનો ઝૂરાપો, સ્થાપિત હિતોનું બીભત્સ વર્તન અને પવિત્ર જગ્યાએ બેસીને અપવિત્ર કામ કરનારાઓને ઉઘાડા પાડતી બગાઈ એમ ત્રણેયે મળીને ન્યાયતંત્રનો ‘સાચો’ ચહેરો ઉઘાડો કર્યો છે. હા, સાચો ચહેરો. ક્રોધ કરવાથી ચહેરો બદલાવાનો નથી. લોકોનો તમારા વિશેનો અભિપ્રાય પણ બદલવાનો નથી. 

તમને ખબર છે દેશભરમાં પાચ કરોડ ત્રીસ લાખ કેસ અદાલતોમાં ન્યાયની રાહ જોતા પડ્યા છે? તમને કદાચ એ વાતની પણ જાણ નહીં હોય કે એમાં ૩૦ ટકાનો વધારો ૨૦૨૦ થી ૨૦૨૫નાં માત્ર પાંચ વર્ષમાં થયો છે. વરસે છ ટકાનો વધારો દેશમાં દેશપ્રેમી સરકાર નહોતી અને દેશદ્રોહીઓ રાજ કરતા હતા ત્યારે નહોતો થયો. એકલી સર્વોચ્ચ અદાલતમાં ૮૯,૪૩૪ કેસો ચુકાદાની રાહ જોતા પડ્યા છે અને એમાં એક કેસ તો ચાર દાયકા જૂનો છે. દેશની વડી અદાલતોમાં ૬૩ લાખ કેસોનો ભરાવો થયો છે અને ચાર કરોડ ૭૦ લાખ કેસ નીચલી અદાલતોમાં પડ્યા છે. 

આનું કારણ એ છે કે દેશને જેટલી અદાલતોની અને જજોની જરૂર છે એમાં અછત છે. ભારતમાં દસ લાખ લોકો દીઠ માત્ર ૨૧ જજ છે. એમાં ૨૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે. અર્થાત્ દસ લાખ લોકો દીઠ ૧૫ જજ. યુરોપના દેશોમાં દસ લાખ લોકો દીઠ સરેરાશ ૨૨૦ જજો છે, અમેરિકામાં આનું પ્રમાણ ૧૫૦ જજોનું છે, જર્મનીમાં ૨૪૫ જજો છે, કેનેડામાં ૧૨૦ જજો છે. વિકસિત લોકશાહી દેશો ન્યાયતંત્ર પાછળ જી.ડી.પી.ના ૦.૫ ટકા નાણાં ખર્ચે છે જ્યારે ભારત માત્ર ૦.૦૮ ટકા નાણાં ખર્ચે છે. ૧૯૮૭માં કાયદા પંચે ભલામણ કરી હતી કે દેશમાં જજોનું પ્રમાણ દર દસ લાખે ૫૦નું કરવું જોઈએ. ચાર દાયકા થવા આવ્યા ૫૦ (ક્યાં ૨૦૦ અને ક્યાં ૫૦) જજોનું પ્રમાણ પણ નથી હાંસલ કરવામાં આવ્યું. 

કાઁગ્રેસના વખતથી ન્યાયતંત્રને જાણીબૂજીને મારવામાં આવી રહ્યું છે અને ૨૦૨૦ પછીથી પ્રાણ હરવાનું પ્રમાણ જાણીબૂજીને વધારવામાં આવ્યું છે. ચાવીરૂપ જગ્યાએ બને ત્યાં સુધી ઓછા લોકો રાખવા. ઓછા હોય તો અંકુશમાં રાખી શકાય, નજર રાખી શકાય, અનુકૂળ બનાવી શકાય અને અછતના અર્થતંત્રનો લાભ લઈ શકાય. આઠમાં ધોરણનાં પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્ર વિષે જે પ્રકરણ ઉમેરવામાં આવ્યું એ ભૂલ નથી, એ પણ જાણીબૂજીને કરવામાં આવ્યું છે. લોકો અદાલતના નામે નાહી નાખે તો ન્યાયની અને કાયદાના રાજની આશા રાખતા મટે. 

ન્યાયાધીશોએ અકળાવાની જગ્યાએ આત્મમંથન કરવાની જરૂર છે. પોતાની જાતને પૂછવું જોઈએ કે આપણે ન્યાયને, કાયદાને, બંધારણને, બંધારણીય મૂલ્યોને, માનવીય મૂલ્યોને અને ન્યાય માગવા આવેલ સામાન્ય માણસ માટે કેટલી નિસ્બત ધરાવીએ છીએ? આપણે કોની ખિદમત કરીએ છીએ અને આપણી કરોડરજ્જુ કેટલી ટટ્ટાર છે. 

બાકી તો બગાઈ પોતાનું કામ કરી જ રહી છે.    

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 માર્ચ 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—330

દીપક મહેતા|Opinion - Opinion|28 February 2026

મુંબઈના અસલ વતની ‘દર્યાચા રાજા’ કોળી માછીમારો       

वल्हव रे नाखवा हो वल्हव रे रामा (४)

मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा

मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा

घर पान्यावरी बंदराला करतो ये जा

मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा

મરાઠીના મોટા ગજાના કવિ શાંતા શેળકેનું આ પ્રખ્યાત ગીત આજ સુધી મરાઠી માણુસનાં હોઠે અને હૈયે રમતું રહ્યું છે. હૃદયનાથ મંગેશકરનું સંગીત અને લતા મંગેશકર અને હેમંતકુમારનો કંઠ. સાંભળીએ ત્યારે આખેઆખા ડોલવા લાગીએ, દરિયાનાં પાણીમાં ડોલતા મછવાની જેમ. અને આ કાંઈ મરાઠીનું એકલ-દોકલ કોળી ગીત નથી. ઢગલાબંધ કોળી ગીતો લખાયાં અને ગવાયાં છે મરાઠીમાં. અને એ દરેકમાં ભાષા, ભાવ, લય, તાલ-ઠેકો, કોળી જીવનની ભાત ઉપસાવે તેવાં.

૧૯મી સદીમાં મુંબઈના કોળી માછીમાર 

હા, સુજ્ઞ વાચકના મનમાં કૌતુક થતું હશે કે આજે આ મરાઠી કોળી ગીત કેમ યાદ આવ્યાં? કારણ આજે વાત કરવી છે મુંબઈના મૂળ, અસલ, વતનીઓ એવા કોળીઓ વિષે. ૨૦૨૪-૨૦૨૫ની છેલ્લામાં છેલ્લી ગણતરી પ્રમાણે આપણા દેશનો દરિયા કિનારો કુલ ૧૧,૦૯૮.૮૧ કિલોમીટર લાંબો છે. અને જ્યાં દરિયો છે ત્યાં માછીમારીનો વ્યવસાય ચાલે છે. પણ કોળીઓની વસતી દેશના આખા દરિયા કિનારા પર નથી. કોળી જમાતની વસતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, અને ગોવાના દરિયા કાંઠાના પ્રદેશોમાં જોવા મળે છે. અને લગભગ આ બધા પ્રદેશોમાં ભીલ જાતિની વસતી પણ જોવા મળે છે, મુખ્યત્વે ડુંગરાળ પ્રદેશોમાં. રેવરન્ડ જોન વિલ્સન જેવા હિન્દુસ્તાનના, અને ખાસ કરીને પશ્ચિમ હિન્દુસ્તાનના, કેટલાક અભ્યાસીઓ માને છે કે અસલમાં ભીલ અને કોળી એ એક જ જાત હતી. પણ પછી સમય વિતતો ગયો તેમ તેમાંની કેટલીક ટોળીઓ ડુંગર છોડી દરિયાકિનારે આવીને વસી, અને તે ‘કોળી’ તરીકે ઓળખાઈ. જે ટોળીઓ ડુંગરાળ પ્રદેશોમાં કે જંગલોમાં રહી તે ‘ભીલ’ તરીકે ઓળખાઈ. 

૧૯મી સદીના પ્રખ્યાત ચિત્રકાર ધુરંધરની પીછી વડે કોળી દંપતી

જો કે આજના કેટલાક અભ્યાસીઓ જરા જુદી વાત કરે છે. ૧૧મી સદીમાં કોળીઓ બુદ્ધ ધર્મ પાળતા હતા અને મુંબઈથી થોડે દૂર વૈતરણા નદીને કાંઠે વસતા હતા. એ વખતે તેમનો મુખ્ય વ્યવસાય ગુફાઓ કોતરવાનો અને હોડી બનાવવાનો હતો. પણ બારમી સદીમાં તેમના પર થયેલા આક્રમણથી બચવા તેઓ મુંબઈ આવીને મુખ્યત્વે કોલાબા અને માહિમના ટાપુઓ પર વસ્યા. તેની પાછળનું મુખ્ય કારણ એ કે એ વખતે મુંબઈના સાતે ટાપુ એક બીજાથી અલગ હતા, વચમાં દરિયાનાં પાણી હતાં, એટલે મુંબઈ આવી તેમના પર આક્રમણ કરવાનું સહેલું નહોતું. પણ ૧૬મી સદીમાં પોર્ટુગીઝોએ મુંબઈ પર આક્રમણ કર્યું, ધર્મસ્થાનો તોડ્યાં, લૂંટ-ફાટ કરી, પણ આ બધા સામે કોળીઓ ટકી ગયા. હા, એ વખતે તેમાંના કેટલાકે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ખરો. સત્તરમી સદીના અંત પહેલાં તો મુંબઈમાં જુદી જુદી જગ્યાએ ‘કોળીવાડા’ ઊભા કરી કોળીઓ પાક્કા મુંબઈવાસી બની ગયા હતા. 

૧૮મી સદીમાં અંગ્રેજોએ મુંબઈનો કોટ બાંધ્યો તો સાથોસાથ નાનાં-મોટાં બંદરો પણ ઊભાં કર્યાં. પરિણામે કોળીઓનો વ્યવસાય વધુ ફૂલ્યોફાલ્યો. પણ જેમ જેમ આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો મુંબઈ આવી વસવા લાગ્યા તેમ તેમ કોળીવાડાઓ પરની ભીંસ વધવા લાગી. નવા નવા રસ્તાઓ, ઇમારતો, પૂલો વગેરે બનતા ગયા તેમ તેમ કોળીઓને માટે માછલી પકડવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું. એક જ દાખલો લઈએ : બાંદ્રા-વરલી સિ-લિંક બનતાં મારા-તમારા જેવાને આવન-જાવનની ઘણી સગવડ થઈ. પણ બાંદ્રા-માહિમ અને વરળી એ બંને છેડા પાસે માછીમારી કરતા કોળીઓના ધંધા પર કેટલી માઠી અસર પડી એનો આપણે વિચાર કર્યો? 

તો બીજી બાજુ જૂનાં મકાનો તોડી, તેની જગ્યાએ ગગનચુમ્બી ઇમારતો બાંધનારા ‘ડેવલપરો’ કોળીવાડાની જમીન હડપ કરવા જાતજાતના નુસખા અપનાવે છે. પરંપરાગત રીતે કોળીવાડાઓ ‘પ્રોટેક્ટેડ એરિયા’ ગણાય છે. પણ એક યા બીજી રીતે પહેલાં કોઈ કોળીવાડાને ‘સ્લમ’ (ઝૂંપડપટ્ટી) જાહેર કરાય છે. થોડા વખત પછી એના ‘રિડેવલપમેન્ટ’ની યોજના ઘડાય છે. અને પછી કોઈક વગવાળો રિડેવલપર કોળીઓનાં ઘરની જગ્યાએ ઊંચાં ઊંચાં મકાનો બાંધી દઈને કોળીઓને બીજે ક્યાંક દૂર દૂર ધકેલી દે છે. આમ થવાનું એક કારણ એ પણ ખરું, કે મહારાષ્ટ્ર અને મુંબઈના રાજકારણમાં કોળી જમાતનો અવાજ ન-જેવો છે. હા, ગણેશ નાખવા, દેવેન્દ્ર ટંડેલ, વંદના કોળી, ગાયત્રી પાટિલ, જેવા કેટલાંક નેતાઓ કે વકીલો કોળીઓના હક્ક માટે લડવાનો પ્રયત્ન કરે છે ખરા.

આ બધું હોવા છતાં કેટલાક કોળીવાડા હજી તેમની અસલિયત જાળવીને ઊભા છે. જેમ કે, ખાર-દાંડા, સાયન, જુહુ, ચારકોપ, કોલાબા, વરળી, વરસોવા, ધારાવી, માહિમ વગેરે સ્થળોએ આવેલા કોળીવાડા. મુંબઈના સાત ટાપુઓમાંના એકનું નામ કોલાબા. (ગુજરાતીમાં નર્મદ, અને એના જમાનાના ઘણા લેખકો ‘કોલાબા’ને બદલે ‘કુલાબો’ લખતા.) હજી સુધી ‘કોલાબા’ નામ જળવાઈ રહ્યું છે એટલું જ નહિ, એ વિસ્તારમાં આવેલ કોળીવાડો પણ હજી ઊભો છે. મુંબઈની ગ્રામદેવી ‘મુંબાદેવી’ પણ અસલમાં તો કોળીઓની કુલ દેવી. આ દેવીનું અસલ મંદિર હતું બોરી બંદરને કાંઠે. પછીથી અંગ્રેજોએ કોટ બાંધ્યો ત્યારે તેને આજની જગ્યાએ ખસેડ્યું.

કોળીઓનો મુખ્ય વ્યવસાય માછલી પકડવાનો અને વેચવાનો. વરસના આઠ મહિના પુરુષો દરિયો ખેડે. વહેલી સવારથી નીકળી પડે. મોડી સાંજે પાછા આવે ત્યારે થાકીને લોથ થઈ ગયા હોય. એક-બે બાટલી ખાલી કરીને ખાટલામાં ઢળી પડે. દરિયો ખેડીને માછલી પકડવા સિવાયની બીજી બધી જવાબદારી કોળણની. નાની-મોટી કે અલગ અલગ જાતની માછલીઓ જુદી તારવવી, ખુલ્લી જગ્યામાં સૂકવવી, તાજી માછલી સુંડલામાં ભરીને વેચવા લઇ જવી. કરકસરથી ઘર ચલાવવું અને થોડા પૈસા ભેગા થાય કે તરત સોનું ખરીદી લેવું. (એટલે જ કોઈ પણ કોળીવાડાની નજીક સોનીની બે-ચાર દુકાન ન હોય એવું બને જ નહિ.) છોકરાંને ભણાવવાં-પરણાવવાં, અને બધા સામાજિક વ્યવહારો સાચવવાનું પણ કોળી સ્ત્રીને માથે. 

માછલીની સુકવણી

આપણે અગાઉ જેમને વિષે ઘણી વાર વાત કરી છે તે કર્નલ મેકિનટોશે નોંધ્યું છે કે કોળી સ્ત્રીઓ મોટે ભાગે પાતળી, સુડોળ, ઘણુંખરું દેખાવડી હોય છે. જ્યારે કોળી પુરુષો દેખાવમાં કેટલેક અંશે રાજપુત પુરુષોને મળતા લાગે છે. સતત દરિયો ખેડતા હોવાથી, અને કુદરત સાથે સંઘર્ષ કરતા હોવાથી, કોળી પુરુષો સુદ્રઢ અને મજબૂત બાંધાના હોય છે. પુરુષો હોડી કે વહાણ હંકારવામાં, જાળ બીછાવવામાં, માછલી પકડવામાં પાવરધા હોય છે. અને સાધારણ રીતે કુદરતી આફતોથી ડરતા નથી. કોળીઓનો વ્યવસાય માછલી મારવાનો, એટલે કે જીવહત્યાનો હોવાથી, કેટલાક પ્રદેશોમાં બ્રાહ્મણો તેમને ‘અસ્પર્શ્ય’ ગણે છે. પણ જન્મ, લગ્ન, મરણ, વગેરે પ્રસંગો માટે કોળીઓના પોતાના ‘ગોર’ હોય છે જે આવે વખતે બધી વિધિઓ કરાવે છે. આ બધી જ વિધિઓમાં હિંદુ ધર્મની વિધિઓ અને આદિવાસીઓની ધર્મવિધિઓનું મિશ્રણ જોવા મળે છે.

સાસૂન ડોક પર નાંગરેલી માછીમારોની હોડીઓ

પહેલી નજરે ભૂતકાળમાં જીવતો લાગે એવો કોળી નવી સગવડો, રીતિઓ, વગેરે સહેલાઈથી અને ઝડપથી અપનાવી શકે છે. આજે મુંબઈનો કોઈ કોળી એવો નહિ હોય જે હલેસાંવાળી હોડી લઈને એકલો નીકળી પડે. બધા જ મોટર બોટ વાપરે છે. દરિયામાં દૂર અને ઊંડે સુધી જાળ ફેલાવવા માટે આધુનિક સાધનો વાપરે છે. કોળીવાડામાં માછલી સૂકવવા માટે અને વહાણ નાંગરવા માટે ખુલ્લી જગ્યા તો રાખવી જ પડે. એટલે કોળીનાં ઘર મુંબઈની બીજી વસ્તીઓના ઘર જેવાં સાંકડાં, અંધારિયાં, નથી હોતાં. હવે કોળી સમાજમાં માત્ર છોકરાઓ જ નહિ, છોકરીઓ પણ ભણતી થઈ છે. તેથી એ સમાજ જૂની રીતરસમમાં જકડાઈ રહ્યો નથી. તો બીજી બાજુ ભણ્યા પછી ઘણા છોકરા કોળીનું જીવન જીવવાને બદલે બીજા વ્યવસાયો કે નોકરીઓ તરફ વળે છે. પછી બે પાંદડે થતાં કોળીવાડો છોડી બીજે રહેતા પણ થાય છે. 

કોળી સમાજમાં ભલે ધીમું, પણ મક્કમપણે કેવું પરિવર્તન આવ્યું છે એનો દાખલો લગભગ રોજ જોવા મળે છે. આ લખનાર રહે છે તે સોસાયટીમાં રોજ સવારે બે માછણો માથે ટોપલા મૂકી માછલી વેચવા આવે છે. એક મોટી, આધેડ ઉંમરની, બીજી તેના કરતાં ઉંમરમાં નાની. બનતાં સુધી સાસુ-વહુ. આજથી દસેક વરસ પહેલાં રોજ બંને સ્ત્રીઓ માછણોની પરંપરાગત રીતે કછોટો મારીને સાડી પહેરીને આવતી. થોડા વખત પછી બેમાંથી નાનીએ પંજાબી પહેરવાનું શરૂ કર્યું. મોટી સ્ત્રી હજી પંજાબી પહેરતી નથી. સાડી જ પહેરે છે, પણ માછણોની પરંપરાગત રીતે નહિ. ‘બંગાળી’ ઢબે પહેરે છે. અને પરિવર્તન માત્ર પોશાકમાં જ આવ્યું હોય તેવું ન બને. તેમના જીવનમાં બીજી બાબતોમાં પણ આવ્યું જ હોય. 

ગુજરાત અને મહારાષ્ટ્ર, બંનેને લાંબો દરિયા કાંઠો. પણ કોળી, માછીમાર, ખલાસી વગેરે વિષે મરાઠીમાં જેટલાં ગીતો લખાયાં છે તેના દસમા ભાગનાં પણ ગુજરાતીમાં લખાયાં નહિ હોય. તેમાં એક અપવાદ તે રાજેન્દ્ર શાહનાં કેટલાંક કાવ્યો. તેમણે વનવાસીનાં ગીત લખ્યાં છે તેમ સાગરખેડુનાં ગીત પણ લખ્યાં છે. અને તેમાનું એક ગીત તો આપણા એક મોટા ગજાના સ્વરકાર-ગાયક અજીત શેઠ અને નિરુપમા શેઠે ગાયું છે. અજીતભાઈએ બાંધેલી ગીતની બંદિશ અને બંને કલાકારોની ગાયકી ગીતના શબ્દોને જ નહિ, ગીતના મિજાજને પણ આબેહુબ ખડો કરી દે છે. જો સાંભળવું હોય તો યુટ્યૂબ પર શોધતાં મળી જશે. એ ગીતના થોડા શબ્દો સાથે મુંબઈના માછીમારોને કહીએ ‘રામ, રામ, મંડળી.’

હે ઈ ચાંગા, શુકર, બોમાન, શાની!

… ભરતી આવી ભૂર, હો ભૂરાં અલબેલાનાં ઉછળે પાણી,

હેઈ રે હેલા આ…ય ભરકાંઠાનાં જળ તે આપણ જાળમાં બાંધ્યાં જાય.

ખારનો સાગર ખેડીએ, માછી! રોજ ઋતુ, રોજ મોલ;

આજની મ્હેનત આજ ફળે, નહિ કાલનો લેવો કોલ.

રે હેલા હે ઈ રે હેલા આ…ય,

ભરકાંઠાનાં જળ તે આપણ જાળમાં બાંધ્યાં જાય.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે’; 28 ફેબ્રુઆરી 2026 

Loading

...10...15161718...304050...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved