Opinion Magazine
Number of visits: 9674076
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધ છે ..

નારણ મકવાણા|Poetry|21 March 2022

વિશ્વ કવિતા દિવસે એક કવિતા

યુદ્ધ ચાલું છે
સરહદ પરનાં ગામો હતાં કે નહીં
એ પણ યાદ કરવું પડે. 
શહેરો ખાલી થઇ ગયાં છે
રોજ બોમ્બ ને મિસાઈલ ફેંકાય છે. 
બંકરોનો કોઈ ભરોસો નહીં. 
લાચાર અસહાય વિધવાઓ
થર થર કાંપી રહી છે
ભૂખ્યા ડાંસ સૈનિકો તેમની ઉપર
બળાત્કાર કરે છે, મારી નાખે છે, 
કોઈ પૂછવાવાળું નથી. 
કોઇ જોવાવાળું નથી. 
કોઈ મદદ પણ નથી કરતું. 
કોઈ કાયદો નથી. 
આમ તો વિશ્વમાં આંતરરાષ્ટ્રીય કાયદા છે. 
માનવાધિકાર અમલી છે. 
વસુધૈવ કુટુમ્બક્મ્‌ની ભાવનાના પાઠો ભણાવાય છે. 
સંગઠનોના નામે વાર્તાલાપો કરાય છે. 
મજાક નથી લાગતું?? 
દેશના વડાના કહેવાથી
દરેક વ્યક્તિ આપણો દુશ્મન, 
પાડોશીથી કાયમ ડર લાગે છે એવું કેમ? 
મહામહેનતે ભેગું કરેલ છોડવું પડે. 
શિર સલામત તો પઘડિયા બહોત. 
જાન બચી તો લાખો પાયે. 
આ કહેવતો સાચી ઠરે છે
યુદ્ધ બાબતે. 

બધા યુદ્ધના શોખીન માંધાતાઓ
શું લઇ ગયા? શું આપી ગયા? 
ધૂળમાં મળી ગયા હશે! 
કહેવાય છે કે ઇતિહાસ ખોટા લખવા પડે છે
લખાયા છે. 
લેખકો, કવિઓ ગુણગાન ગાયાં કરે છે. 
મહાનતાના અધ્યાયો ભણાવાય છે. 
ધબકતું જીવન સન્નાટામાં ફેરવાય છે. 
મારો, કાપો, ઘડામ, ઢિશૂમ, ધાંય, ધાંય, ચીસો
રમકડાંની રમત બની જાય છે. 
અજાણ્યાં વ્યકિતને ઉડાવી દેવો
વાંક ગુના વગર .. 
યુદ્ધ છે. 

બાળકોને બિચારાઓને કંઈ ખબર નથી. 
એમની મસ્તી બાન થઈ જાય છે. 
વૃદ્ધો અસહાય બની જાય છે. 
મરી જવાનાં વાંકે જીવી રહ્યાં છે. 
યુદ્ધ નથી કરી શકતા. 
લડવા ગયેલ જવાન પુત્રની
પાછા આવવાની રાહ જુએ છે. 
અચોક્કસ છે બધું
આશા ને સપનાં જ અમર છે
લગન કરીને આવેલ સ્ત્રીઓ
લશ્કરમાં નોકરી કરતા સૈનિક પતિને
ક્યારે રજા મળે તેવા વિચારોમા જીવી રહી છે. 
પેટે પડેલ પ્રજાને પાળી રહી છે, 
સૂની સેજ પર પડખાં ફરી ફરીને. 
કશું નકકી નથી હોતું. કંઈ પણ .. 
યુદ્ધ છે. 

બાગ બગીચા વેરાન છે. 
ખેતરોને ટેંકોએ ઘમરોળી નાખ્યા છે. 
ઊંચી ઊંચી ઈમારતો ધરાશાયી થઇ છે. 
દેખાય છે બધે
બળી ગયેલો કાળો કચરો. 
બંધારણ પ્રમાણેના હક્કોની કોઈ કિંમત નથી. 
ફરજ, નિષ્ઠા, વફાદારી, કર્તવ્ય, 
મરી ફીટવાની ભાવના
પૂરજોશમાં ફૂલે ફાલે છે. 
દેશ માટે? માતૃભૂમિ માટે? 
વિશ્વના દેશો એક પ્રકારના ભાગલા જ છે ને, 
વાડા છે, બંધનો છે. 
ને પામર માનવી
તું યુદ્ધ ને પણ ક્રિકેટની કોમેન્ટરી બનાવે છે. 
મરી જતા સળગી જતા લોકોની લાશોના 
આંકડા આપવામાં તને સ્હેજ પણ ક્ષોભ નથી થતો
આપણે શું??? 
યુદ્ધ છે. 

જયાં યુદ્ધ નથી
એવાં એક દેશના
કોઈ એક શહેરના ખૂણામાં બેઠેલો
હું
સમાચારો વાચી, 
ટી.વી., મોબાઇલ જોઇને
કવિ હોવાનાં ભ્રમમાં
કવિતા લખું છું.. 
કવિતા દિવસે
બસ ..

21/3/2022

e.mail : naranmakwana20@gmail.com

Loading

શા માટે કાઁગ્રેસના નેતાઓ વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં અને કમર કસવામાં પાછા પડે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 March 2022

આ વખતના પરાજય પછી એમ લાગતું હતું કે કાઁગ્રેસ પક્ષની અંદર શરમ, સંકોચ અને સ્વાર્થને બાજુએ રાખીને મુક્ત ચર્ચા થશે, પક્ષની વારંવારની નિષ્ફળતાનાં કારણો ઓળખી કાઢવામાં આવશે અને ભવિષ્યમાં પક્ષને કઈ રીતે બેઠો કરવો એ વિષે પણ ચર્ચા થશે. પરંતુ પરમ આશ્ચર્યની વાત છે કે એવું કશું જ બન્યું નહીં. હંમેશ મુજબ પક્ષની કાર્યસમિતિની બેઠકમાં ગાંધીપરિવારે જવાબદારીનો સ્વીકાર કર્યો, સોનિયા ગાંધીએ રાજીનામું આપવાની ઓફર કરી, એ ઓફર ઠુકરાવવામાં આવી, નિષ્ફળતા માટે સામૂહિક જવાબદારીની વાતો કરવામાં આવી અને અંતે આઠ-દસ વાક્યોનું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં એ જ વાત કહેવામાં આવી છે જે ૨૦૧૪થી કરવામાં આવી રહી છે. લોકસભાની બે ચૂંટણીમાં અને રાજ્યોની વિધાનસભાઓની એક ડઝન જેટલી ચૂંટણીઓમાં પરાજય પછી પણ પક્ષના નેતાઓને એમ નથી લાગતું કે હવે સમય આવી ગયો છે કે સાચું નિદાન કરવામાં આવે અને અસરકારક ઈલાજ શોધવામાં આવે.

શા માટે કાઁગ્રેસના નેતાઓ વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં અને કમર કસવામાં પાછા પડે છે? એવી કઈ મજબૂરી છે કે પક્ષ ખતમ થઈ રહ્યો હોવા છતાં પક્ષના નેતાઓ આત્મવંચના કરી રહ્યા છે અને ભ્રમની દુનિયામાં રહીને સમય પસાર કરી રહ્યા છે? ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વખતમાં પક્ષ ઉપર ગાંધીપરિવારનો જે પ્રભાવ હતો એ પણ હવે તો બચ્યો નથી. પક્ષના નેતાઓ ધારે ત્યારે પક્ષને ગાંધીપરિવારથી મુક્ત કરી શકે છે. સવાલ એ પણ છે કે પરિવાર શા માટે એક વાર કાયમ માટે બાજુએ હટીને પક્ષને નવા નેતૃત્વ અને નવી તાજગીની તકથી વંચિત કરી રહ્યો છે? શા માટે? જો આનો વિચાર કરશો તો ખ્યાલ આવશે કે શા માટે વારંવારના પરાજય પછી પણ કાઁગ્રેસના નેતાઓ સમીક્ષાથી ભાગે છે.

પહેલું કારણ તો એ છે કે પક્ષમાં હવે એવા બહુ ઓછા નેતાઓ બચ્યા છે જે સીધો લોકસંપર્ક ધરાવતા હોય જેને અંગ્રેજીમાં ગ્રાસરૂટ લીડર કહેવામાં આવે છે. શરદ પવાર અને મમતા બેનર્જી જેવા જનાધાર ધરાવનારા નેતાઓ એક પછી એક પક્ષ છોડીને જતા રહ્યા છે અથવા જવું પડ્યું છે. કાઁગ્રસ પક્ષ જનાધાર વિનાના નેતાઓનો પક્ષ છે. ઇન્દિરા ગાંધીના સમયથી જનાધાર ધરાવનારા નેતાઓને કદ પ્રમાણે વેતરવાનું શરૂ થયું હતું કે જેથી કોઈ પરિવારના નેતૃત્વને પડકારી ન શકે. અત્યારના મોટા ભાગના નેતાઓએ લોકોની વચ્ચે કામ કર્યા વિના સીધો પક્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને સત્તા ભોગવી હતી. કપિલ સિબ્બલ મુખરપણે ગાંધીપરિવારે ખસી જવું જોઈએ એમ કહે છે, પરંતુ તેઓ પોતે કોઈ પ્રકારનો જનાધાર ધરાવતા નથી. તેઓ ઉપરથી સીધા પક્ષમાં પ્રવેશ્યા હતા અને સારા દિવસોમાં સત્તા ભોગવી હતી. તેઓ જ્યારે પક્ષમાં સત્તા ભોગવતા હતા ત્યારે તેમને એમ નહોતું લાગ્યું કે પક્ષ અંતર્ગત લોકતંત્ર હોવું જોઈએ અને નેતાઓએ નીચેથી ઉપર જવાનો માર્ગ અપનાવવો જોઈએ. નરેન્દ્ર મોદી છેક નીચેથી ઉપર સુધી પહોંચ્યા છે. કપિલ સિબ્બલ તો એક ઉદાહરણ માત્ર છે. આવા બીજા અનેક નેતાઓ છે. જે નેતા જનાધાર ન ધરાવતો હોય એ શિવધનુષ ઉઠાવવાની હિંમત ન કરી શકે.

બીજું કારણ એ છે કે ગાંધીપરિવારનાં સભ્યો અને પક્ષના નેતાઓ વર્તમાન શાસકો પરત્વેના લોકોના મોહભંગની રાહ જોઈ રહ્યા છે. આવું ભૂતકાળમાં બનતું હતું, પણ હવે એમ બનતું નથી તો એનાં કોઈ કારણો હોવાં જોઈએ. એ કારણો શોધવાનો અને એ મુજબ રણનીતિ બદલવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર અને રાજ્યોમાં બી.જે.પી.ની સરકારના કામકાજને જોઇને મોહભંગ થવા માટે કારણો છે, લોકોનો મોહભંગ થયો પણ છે અને એ છતાં હિંદુ મતદાતાઓ બી.જે.પી.ને મત આપે છે તો શા માટે? કાઁગ્રેસના નેતાઓએ એ દિવસો યાદ કરવા જોઈએ જ્યારે કાઁગ્રેસનો સૂર્ય જ્યારે મધ્યાહ્ને તપતો હતો અને ત્યારે ભારતીય જનતા પક્ષના નેતાઓ કેવળ લોકોના મોહભંગની રાહ જોઇને બેસી નહોતા રહ્યા. તેઓ લોકમાનસમાં મોહભંગ આધારિત નહીં, પણ પોતીકી જગ્યા બનાવવા પ્રયત્નો કરતા હતા. તેઓ હિંદુ માનસને કેળવતા હતા, ઘડતા હતા અને પોતાના માટે જગ્યા બનાવતા હતા. અંગ્રેજીમાં આને કાઉન્ટર નેરેટિવ કહે છે. બી.જે.પી.ના હિંદુ સામે કાઁગ્રેસે ભારતીય નાગરિકનું ઘડતર કરવું જોઈએ, તેને કેળવવો જોઈએ અને તેને માટેની ભાષા અને અભિવ્યક્તિ (નેરેટિવ) વિકસાવવાં જોઈએ. દેશના અડધોઅડધ હિંદુ ઘેટાં બનવા તૈયાર નથી.

કાઁગ્રેસના કેટલાક નેતાઓને આ વાત સમજાય પણ છે. આ સિવાય સમાજવિજ્ઞાનીઓ પણ વખતો વખત કાઉન્ટર નેરેટિવ વિકસાવવાની વાત કરી રહ્યા છે. આ જ એક માત્ર ઈલાજ છે એમ પણ તેઓ કહે છે. પણ કરે કોણ એ ત્રીજી સમસ્યા છે. અત્યારે વાવો તો બે દાયકે ફળ મળે ત્યારે એવી મહેનત કરે કોણ? ખાસ કરીને એવા નેતાઓ તો કરી જ શકવાના નથી અને કરવાના નથી જેઓ નીચેથી ઉપર આવ્યા નથી અને જનાધાર ધરાવતા નથી. જે લોકોએ શોર્ટકટ દ્વારા સત્તા ભોગવી હોય એ પરસેવો પાડવાના છે? બીજી બાજુ જે નેતાઓ થોડો પણ જનાધાર ધરાવે છે તેઓ પોતાનાં રાજ્યોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહદમાં પડ્યા છે અને તેમને સતત અસ્થિરતાનો સમાનો કરવો પડે છે. જે નેતા પોતાનાં રાજ્યમાં અસ્તિત્વની લડાઈ લડતો હોય અને સતત અસ્થિરતાનો સમાનો કરતો હોય એ રાષ્ટ્રીય સ્તરે પક્ષને બેઠો કરવા કોઈ યોગદાન આપી શકે એ શક્ય જ નથી. આવા નેતાઓએ પોતાનાં રાજ્યમાં પોતાના પ્રતિસ્પર્ધીઓથી બચવા ગાંધીપરિવારની મદદ લેવી પડે છે. કાઁગ્રેસ કાર્યસમિતિમાં રાજસ્થાનના અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનોએ રાહુલ ગાંધીને ફરી કાઁગ્રેસ પ્રમુખ બનાવવામાં આવે એવી માગણી કરી હતી. આ સત્તામાં ટકી રહેવા માટેની તેમની મજબૂરી છે.

ચોથું કારણ એ છે કે કાઁગ્રેસ પક્ષ કાર્યકર્તા વિનાનો પક્ષ છે. જમીની સ્તરે ચોવીસ કલાક પ્રતિબદ્ધતા સાથે પક્ષ માટે કામ કરતો હોય એવા કાર્યકર્તા જ પક્ષ પાસે બચ્યા નથી. આનો અર્થ એ થયો કે કાઁગ્રેસ પક્ષ ખરા અર્થમાં રાજકીય પક્ષ રહ્યો જ નથી, જેનો શક્તિસ્રોત નીચે કેડરના રૂપમાં હોય અને શક્તિ નીચેથી ઉપર ટ્રાન્સમીટ થતી હોય. વિચાર અને નેરેટિવ ઉપરથી નીચે જાય અને એ કાર્યકર્તાઓ દ્વારા શક્તિમાં રૂપાંતરિત થઈને નીચેથી ઉપર જાય ત્યારે રાજકીય પક્ષ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. કાઁગ્રેસમાં આનો અંત દાયકાઓ પહેલાં આવી ચુક્યો છે. ધીરે ધીરે કાઁગ્રેસ પક્ષનું રૂપાંતર ચૂંટણી લડનાર અને સત્તા ભોગવનાર એક પ્રકારની વ્યવસ્થા કે યંત્રણામાં થઈ ગયું હતું. ડૉ રજની કોઠારીએ આને કાઁગ્રેસ સીસ્ટમ તરીકે ઓળખાવી હતી.

તો આનો અર્થ એ થયો કે કાઁગ્રેસને ચેતનવંતો કરવો એ આજની ઘડીએ અઘરું કામ છે. કપરાં ચઢાણ છે. પક્ષના નેતાઓ આ જાણે છે અને માટે ચર્ચા ટાળે છે. ઈલાજથી બચવા નિદાન ટાળવામાં આવે છે. અને તમને આશ્ચર્ય થશે, પણ હકીકત એ છે કે આમાં ગાંધીપરિવારનો દરેક નિષ્ફળતા વખતે જવાબદારીથી બચવા માટે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો સફળતા મળે તો સત્તા ભોગવવાની અને જો નિષ્ફળતા મળે તો નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવવા માટે પરિવાર હાથવગો છે. વિડંબના તો જુઓ! જે પરિવારનો એક સમયે વિજય માટે બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો એ પરિવારનો અત્યારે પરાજય વખતે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પક્ષના નેતાઓ માટે પરિવાર બલિનો બકરો છે.

કહ્યું છે ને, સમય બડા બલવાન!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 માર્ચ 2022

Loading

પ્રચારક ફિલ્મોઃ સિનેમેટિક સ્વતંત્રતાને બદલે પૂર્વગ્રહો ઘડવા માટે લેવાતી છૂટ સમાજ માટે જોખમી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 March 2022

ફિલ્મોનો ઉપયોગ પ્રચાર માધ્યમ તરીકે પહેલેથી થતો આવ્યો છે, સ્ટોરી ટેલિંગથી જેટલો પ્રભાવ માનસ પર પાડી શકાય છે તેટલો બીજા કશાયથી નથી પડતો

સૌથી પહેલી વાત તો એ કે કાશ્મીરી પંડિતોએ જે પણ વેઠ્યું, જે હિંસાનો તે ભોગ બન્યાં, જે રીતે તેમણે પોતાનાં મૂળિયાંથી દૂર થવું પડ્યું તેની પીડાને વર્ણવવી આસાન નથી. વિસ્થાપન ક્યારે ય પણ આરામદાયક નથી હોતું. કાશ્મીરી પંડિતોની વેદનાને અવગણવાનો કોઇ પ્રયાસ નથી થઇ રહ્યો. આ ડિસ્ક્લેમર – ચોખવટ એટલા ખાતર કારણ કે આજકાલ લોકોને ધુંધવાઇ જતા વાર નથી લગતી. અહીં વાત થઇ રહી છે માત્ર ને માત્ર સિનેમાની, ફિલ્મના પડદે જોવા મળતી વાર્તાઓની, તેમાં લેવાતી સિનેમેટિક સ્વતંત્રતા – સર્જનાત્મક સ્વતંત્રતાની, પૂર્વગ્રહો નહીંવત્ હોય તેવી ફિલ્મો પણ તેમાં ય રાજકીય વિચારધારાની છાંટ હોય તેવી ફિલ્મોની.

ભારત કુમારના નામથી જાણીતા એક્ટર મનોજ કુમારની ફિલ્મ ‘ઉપકાર’નું બીજ તેમને પૂર્વ પ્રધાન મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી સાથેની વાતચીતમાંથી મળ્યું હતું. ‘જય જવાન, જય કિસાન’ના નારાને કેન્દ્રમાં રાખી કંઇક થવું જોઇએની વાતચીત મનોજ કુમાર અને લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે થઇ અને ‘ઉપકાર’ ફિલ્મ બની. ૬ ફિલ્મફેર અને ૩ નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ ઉપકાર પછી મનોજ કુમારે દેશભક્તિ, દેશની સંસ્કૃતિ, સમસ્યાઓ વગેરેને આવરી લેતી ફિલ્મો બનાવી.  ‘રોટી, કપડાં ઔર મકાન’ ફિલ્મની પ્રેરણા હતી ઇંદિરા ગાંધીનું ગરીબી હટાઓ સૂત્ર. કમનસીબે તે ફિલ્મમાં દર્શાવાયેલો બેરોજગારીનો પ્રશ્ન આજે પણ એટલો જ પ્રસ્તુત છે વળી તે ફિલ્મમાં ગવાયેલું ગીત ‘મહેંગાઇ માર ગઇ’ આજે પણ ગાઇએ તો કોઇને જરાક પણ માઠું નહીં લાગે. આ ફિલ્મોમાં રાજકીય-સામાજિક પરિસ્થિતિનો ચિતાર ચોક્કસ હતો પણ તેમાં પૂર્વગ્રહો નહોતા, કોઇ પણ વિચારધારા એ હદે ધૂંટવામાં નહોતી આવી કે ફિલ્મ જોઇને દર્શકોનું લોહી ઉકળી ઊઠે અથવા તો ઇતિહાસના અધકચરા જ્ઞાનને સાચું માની લે. ફિલ્મો જો વૈમનસ્ય ફેલાવે, ઝનૂની બનાવે, ધ્રુવીકરણના વિચારને તીવ્ર કરે તો તે સિનેમાના માધ્યમને જે કામ કરવાનુ હોય છે તેના સિવાયનું કામ કરી બેસે છે. છેલ્લા દસ વર્ષોમાં પ્રોપેગેન્ડા ફિલ્મોનું પ્રમાણ વધ્યું છે. વળી જે પક્ષની સરકાર હોય તેના તરફી વિચારધારાની ફિલ્મો સરળતાથી બને. પરંતુ તેમાં તેનાથી વિરોધી વાત દર્શાવાઇ હોય તો ફિલ્મનો ગજ ન વાગે. રાહુલ ધોળકિયાની પરઝાનિયા કે નંદિતા દાસની ફિલ્મ ફિરાકને લઇને હોબાળા-વાહવાહી નથી થઇ. ફિલ્મોમાં બધું હોય છે સાચું જ હોય છે તે જરૂરી નથી કારણ કે ફિલ્મ મેકર્સ ડૉક્યુમેન્ટરી ફિલ્મ નથી બનાવી રહ્યા તેમણે સિનેમેટિક લિબર્ટી તો લેવી જ પડે કારણ કે આમ જનતાને મૂળે વાર્તા કહેવાની છે. ઠાકરે, તાન્હાજી, ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, ઉરીઃ ધી સર્જિકલ સ્ટ્રાઇક, મણિકર્ણિકા, પાણીપત, પૅડમેન, ગોલ્ડ, ટોઇલેટ એક પ્રેમ કથા, સત્યમેવ જયતે જેવી ફિલ્મો છેલ્લા એક

દાયકામાં આવી છે.  એટલું ઓછું હોય તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ફિલ્મ બની. આ બધી જ ફિલ્મો કોઇ પ્રચાર માટે હતી એવું ‘બ્લેન્કેટ સ્ટેટમેન્ટ’ ન કરીએ છતાં ય રાજકારણ સાથેના તાણાવાણા જોડવા સહેલા તો થઇ જ જાય છે.

ઇતિહાસ કે વર્તમાનની ઘટનાઓથી-સમસ્યાઓથી બનેલી ફિલ્મો નવી નથી. આવી ફિલ્મો પહેલાં પણ બની છે. વળી પ્રોપેગેન્ડા ફિલ્મ્સ અન્ય દેશોમાં પણ બની છે. પહેલા વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશરોને ખ્યાલ આવ્યો કે જનતાનો અભિપ્રાય બદલવો હોય – તેમાં કોઇ ચોક્કસ વળાંક લાવવો હોય તો ફિલ્મો બહુ શક્તિશાળી માધ્યમ ગણાય. વીસના દાયકામાં સોવિયેટ્સને સમજાયું કે ફિલ્મોનો પ્રભાવ ધાર્યા કરતાં ઘણો વધારે હોય છે. નાઝી જર્મનીની શક્તિ અને સત્તા દર્શાવતી ફિલ્મો પણ બનતી જેમાં હિટલરને મહાન દર્શાવાયો છે. અમુક ફિલ્મો એવી બની જેમાં નાઝીઓને મહાન ન બતાવાયા પણ યહૂદીઓ જેવી લઘુમતીને ગુનાઇત, ખેપાની, જોખમી બતાડવામાં આવી. જર્મનીમાં બનેલી એન્ટિસેમિટિક ફિલ્મ – ધી ઇટર્નલ જ્યુ – ડૉક્યુમેન્ટરી જેવી ફિલ્મ હતી, તેમાં પારાવાર જૂઠાણાં બતાડાયાં હતાં અને માટે જ જર્મનીની બહાર જ્યારે ફિલ્મ દર્શાવાઇ ત્યારે તેમાંથી અમુક હિસ્સાઓ એડિટ કરી લેવાયા.

ફિલ્મોનો ઉપયોગ પ્રચાર માધ્યમ તરીકે પહેલેથી થતો આવ્યો છે, સ્ટોરી ટેલિંગથી જેટલો પ્રભાવ માનસ પર પાડી શકાય છે તેટલો બીજા કશાયથી નથી પડતો. વધતા જતા ક્રાઇમ રેટની પાછળ પણ ફિલ્મો અને ટેલિવિઝનના ક્રાઇમ શો કારણભૂત બને છે તે આપણે જાણીએ છીએ. ફિલ્મોનું રાજકારણ પેચીદું છે. ગુલઝારની ફિલ્મ આંધી સામે ઇંદિરા ગાંધીની સરકારને વાંધો હતો પણ તે ફિલ્મ કાલ્પનિક હતી, તેનાં પાત્રો ક્યાંક કોઇને મળતા આવતા હોય તે બને. કિસ્સા કુર્સી કા ફિલ્મને પણ રાજકારણ નડ્યું હતું. ફિલ્મો કોઇપણ દૃશ્યને સંચાર આપે છે, જીવંત બનાવે છે, ઊંડાણ બક્ષે છે અને લોકોના વિચારો પર તેની અસર પડે છે. ફિલ્મ કેમરાની આંખે બની છે તે ભૂલી જઇને દર્શકો જે દેખાય છે જ સાચું છે માની લેતા હોય છે. નાઝીવાદીઓ માનતા કે હકીકતો અથવા કોઇ પણ નેરેટિવને રજૂ કરવામાં જો સફળતા પૂર્વક ખેલ કરાશે તો લોકોને આપણે એ મનાવી શકીશું જે મનાવવા માગીએ છીએ. વિએટનામ વૉર પર બનેલી બે જાણીતી ફિલ્મો ફુલ મેટર જેકેટ અને પ્લેટૂનમાં અમેરિકન મિશનની ટીકા કરાઇ હતી. આ એન્ટી – પ્રોપેગેન્ડા ફિલ્મો બની જેમાં યુદ્ધ નહીં પણ તે પ્રત્યેનો પ્રતિભાવ દર્શાવાયો.

સત્ય દરેકનું જુદું હોય છે. વળી કોઇ પણ હકીકતને મુલવવાના એક કરતાં વધારે રસ્તા હોય છે, દૃષ્ટિકોણ હોય છે. સંદર્ભને કારણે સમજ અને સત્ય એકબીજાથી જોડાય કાં તો છૂટા પડે. કાશ્મીર ફાઇલ્સ હોય કે તાશ્કંત ફાઇલ – ફિલ્મમાં જો કશું અધૂરું રહી જાય તો કાચું કપાય તે યોગ્ય નથી. જે દર્શાવાયું છે એ ખોટું છે એમ કોઇ નથી કહી રહ્યું પણ ૩૬૦ ડિગ્રીમાં સત્ય ફરતે આંટો મારવો પડે. માત્ર કાશ્મીરી મુસલમાનો, સેક્યુલર રાજકારણીઓ અને ડાબેરી બૌદ્ધિકો વિશે કોઇ ડાયરેક્ટર શું મનાવવા માગે છે તેનો પ્રયાસ કાશ્મીરી પંડિતોના પ્રશ્નનો જવાબ નથી આપી શકવાનો. શીખ રમખાણો, ૨૦૦૨ના રમખાણો, ગોધરા કાંડ, એંશીના દયાકામાં થયેલા રમખાણો, બાબરી ધ્વંસ જેવી ઘણી બધી ઘટનાઓ છે જેની પર ફિલ્મો બની શકે છે.

લોકો આ ફિલ્મને ‘શિન્ડલર્સ લિસ્ટ’ સાથે સરખાવે છે. આ સરખામણી સાવ ખોટી છે. શિન્ડલર્સ લિસ્ટ જોઇને કોઇ સામાન્ય માણસને એવો જ વિચાર આવે કે ભગવાન કરે કે આવું ફરી ક્યારે ય ન થાય. પણ આપણે ત્યાંની આ પ્રકારની ફિલ્મો જોઇને બીજા ધર્મના લોકો પર કે બિનસાંપ્રદાયિક લોકો પર કે ડાબેરી વિચારધારા ધરાવનારાઓ પર ક્યારે ય વિશ્વાસ ન કરવો જોઇએની લાગણી દર્શકોમાં જન્મે છે. સિનેમાના માધ્યમનો બેફામ ઉપયોગ થશે તો આપણું આવી બનશે, આપણને શાંતિપ્રિય સમાજની જરૂર છે ઝનૂની અને ધ્રુવીકરણમાં રાચનારા સમાજની નહીં.

બાય ધી વેઃ

ભારે ઝનૂનથી ‘કાશ્મીરી પંડિતોનું શું?’ એવું પૂછનારા રાજકારણીઓએ આટલાં વર્ષોમાં તેમના ઉધ્ધાર માટે કંઇ કર્યું નથી. લેખ પૂરો કરતાં ફરી એકવાર ડિસક્લેમર કે કાશ્મીરી પંડિતોએ જે વેઠ્યું તેની અવગણના કરવાની વાત છે જ નહીં, પરંતુ આ લેખ સિનેમાના માધ્યમના ઉપયોગ અંગે છે. સિનેમા સાક્ષી ભાવે જોવાની બાબત છે. તમારી સામે જે થાય છે તે જુઓ, તેના પ્રભાવમાં એ હદે ન આવી જાવ કે સત્ય, ઇતિહાસ કે પેચીદા રાજકીય કોકડાં ઉકેલવાની જાણકારી મેળવવાની તમે તસ્દી પણ ન લો. ધ્રુવીકરણનું રાજકારણ તો વેઠ્યું હવે ફિલ્મોનો ઉપયોગ પણ તેને માટે થાય તો ન ચાલે. એક પત્રકાર તરીકે મને હંમેશાં એ વાત કઠી છે જ્યારે મેં અખબારોમાં મોતના આંકડાઓમાં હિંદુ કેટલા મર્યા અને મુસલમાન કેટલા મર્યા એમ વાંચ્યું છે. મરનાર તો અંતે માણસ હોય છે, આ વહી જતાં લોહીમાં બીજાઓની હોળી થઇ જાય છે એ વાત સમાન્ય નાગરિકોએ યાદ રાખવી જોઇએ, પછી ભલે તે કોઇપણ ધર્મના હોય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  20 માર્ચ 2022

Loading

...102030...1,5961,5971,5981,599...1,6101,6201,630...

Search by

Opinion

  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved