Opinion Magazine
Number of visits: 9672127
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમે ગમે તે કહો, પણ ગુજરાતમાં સરકાર તો આ જ આવશે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 May 2022

હા, સરકાર આ જ આવશે. આઈ મીન, સરકાર રિપીટ થશે. બીજા કોઈનો ગજ નહીં વાગે. જો તમે કાઁગ્રેસી હો કે આપ પાર્ટીના હો કે ગમે તે પાર્ટીના, તમને ગમે તેટલું એમ થતું હોય કે તમારી જ પાર્ટીની સરકાર બનશે અથવા તો મજબૂત વિપક્ષ તરીકે તો બેસવાનું થશે જ, પણ ભલા ભાઈ, જીતવું જુદી વાત છે ને જીતવાના ઘોડા દોડાવવા એ જુદી વાત છે. કાઁગ્રેસને એમ જ છે કે પક્ષમાં છેલ્લે સોનિયા કે રાહુલ ગાંધી જ કેમ ન રહી જાય, પણ કાઁગ્રેસને વાંધો નહીં આવે, તો તેમ માનો, માનવાના ક્યાં પૈસા પડે છે? ઓવૈસી કે કેજરીવાલને પણ તેમનો પક્ષ જીતે તેવી ઈચ્છા હોય, પણ પનો ટૂંકો પડે છે ને જીતવા માટેના જે નક્કર પ્રયત્નો થવા જોઈએ તેમાં જીવ નથી. આમ તો કચરો ઘણો છે, પણ ઝાડુથી થાય તો પણ કેટલુંક સાફ થાય ને પછી ઝાડુને કોણ સાફ કરે એ જ પ્રશ્ન છે ! જ્યાં તલવાર જોઈએ ત્યાં ટાંકણીથી કેટલુંક થાય ! ઠીક છે, કરી જુઓ, બાકી, સરકાર વગર તકરારે આ જ આવશે. એનું કારણ છે. આ સરકારની કાર્યપદ્ધતિ જુઓ, તેમના મોવડીઓના પ્રયત્નો જુઓ અને કાર્યકરોની ભક્તિ જુઓ તો આંખ બંધ કરીને કહી શકાય કે સરકાર તો આ જ આવશે. સરકારે તો ચૂંટણીનું ફંડ પણ ઊભું કરવા માંડ્યું છે. આ ફંડ આપનારાઓ કોણ હોય તે કહેવાની જરૂર છે? એમ ભોળાં ન બનો. તમને ખબર છે જ કે સરકારને કોણ કોણ પાળે પોષે છે ! આ તો પરસ્પર છે. તમે મને પાળો હું તમને પાડીશ, સોરી, પાળીશ ! આ ફાઇવ જી ને સિક્સ જીના લવારા કરો છો ને એટલી ખબર નથી પડતી કે કોથળી કોણ ઢીલી કરે છે? જરા ભૂતપૂર્વ મોઢેરા સ્ટેડિયમ ને અમદાવાદી એરપોર્ટ પર ફરી આવો ના સમજ પડતી હોય તો ! આ બધાં તીરથ કરવાં જેવાં છે.

હાલની સરકારને પણ એમ જ છે કે એ જ રિપીટ થવાની છે. આ ઓવરકોન્ફિડન્સ નથી, લોઅર કોન્ફિડન્સ છે. આ ઘેટાંબકરાં, આ ભક્તજનો બીજે ક્યાં જવાના હતાં? ફટકારો તો ય ચાટે એવી પ્રજા આ નહીં તો બીજી કઇ સરકાર લાવવાની હતી ? એ તો આ જ લોકો જીતાડશે. જીતાડશે એટલું જ નહીં, ભારે બહુમતથી ને મોટા આંકડાથી જીતાડશે. તમને થશે કે આટલા વિશ્વાસથી કેવી રીતે કહેવાય કે આ જ સરકાર રિપીટ થશે? તો એનાં કારણો છે. સરકારને ભક્તોમાં આંધળો વિશ્વાસ છે ને ભક્તો તો આંખ મીંચીને જ થાળી વાડકા વગાડે છે. કેમ ભૂલી ગયા, કોરોનાને બતાવી આપવા થાળીઓ નો’તી ઠોકી? સરકારને લોકોની તો ચિંતા જ નથી. આ જ નમૂનાઓ વિજયી બનાવવાના છે તે સરકાર બરાબર જાણે છે. સરકાર લોકોને હડસેલશે તો ય બધાં વેલ ઇન ટાઈમ ટેક્સ ભરવાના જ છે તેની સરકારને ખાતરી છે.  દુનિયામાં પેટ્રોલ સસ્તું હતું ત્યારે આ જ લોકોએ મોંઘું પેટ્રોલ ટાંકીમાં ઠાંસ્યું જ હતું તે સરકાર ભૂલી નથી. આવા લલ્લુઓ બીજે ક્યાં મળવાના હતા? પેટ્રોલના ભાવ આસમાને પહોંચે તો પણ લોકો ખમી ખાય એવા છે એટલે બધું મોંઘું થાય તો પણ મત આપવા આ જ અળસિયાં આવવાના છે તે સરકાર જાણે છે ને કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ સસ્તું કર્યું જ ને ! બીજું શું જોઈએ? જો કે કેન્દ્રે રાજ્યને વેટમાં ઘટાડો કરવાનું કહ્યું, પણ ગુજરાતે વેટમાં ઘટાડો કરવાનો સાફ ઇનકાર કર્યો. તેને ખાતરી છે કે વેટમાં ઘટાડો કરે કે ન કરે, આ પ્રજા વેઠી લે તેમ છે. જો કે સરકારે કહ્યું ખરું કે બીજા 12 રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ ઓછા છે. બીજા રાજ્યો જેટલા ભાવ વધે તેટલી રાહ પ્રજા જોઈ શકે એમ છે. ભાવ ન વધારવાનું બીજું કારણ પણ પ્રજા વત્સલ સરકારે એમ આપ્યું કે સરકારથી તિજોરી પર આર્થિક નુકસાન વેઠી શકાય એમ નથી. એમ કરતાં લોકોની તિજોરી ખાલી થાય તેનો વાંધો નથી, કારણ પ્રજા હોય છે જ ખંખેરાવા માટે. તેની તિજોરી તો ખાલી થવા માટે જ હોયને ! ના, ના, લોકો ખાલી થાય તે સારું કે સરકાર ખાલી થાય તે? પ્રજા પણ સમજે છે કે શ્રીલંકાવાળી કૈં અહીં થવા દેવાય નહીં. શ્રીલંકામાં પેટ્રોલ 420 પર પહોંચે તેવું તો નથીને અહીં ! કમ સે કમ અહીં તો 420 નથીને ! સરકાર ભલે વેઠ ના ઘટાડે, સોરી, વેટ ના ઘટાડે, તે 420ની હદે તો નથી પહોંચીને ! સરકાર એટલી સારી તો ખરી કે નહીં?ને ધારો કે 420 થાય તો પણ સરકાર તો આ જ રિપીટ થશે. જરા શ્રીલંકા અને પાકિસ્તાનની હાલત તો જુઓ. ગુજરાતે નાદારી નથી નોંધાવી તે જુઓ. એટલે કુછ ભી હો જાય, આવશે તો આ જ !

સરકાર હવે એટલી તટસ્થ થઈ છે કે તે તિજોરીને પણ અડવા રાજી નથી. અડવું એટલે વેટ ઘટાડવો ! એ ઝંઝટ જ શું કામ જોઈએ? સરકારી તિજોરીની વિશેષતા એ છે કે તે ખાલી થવા માટે નથી જ ! એ સાથે જ તે ભરાય તેની ચિંતા પણ સરકાર કરે છે. એટલી પણ ચિંતા ન કરે તો તિજોરી રાખવાનો મતલબ જ શો છે? તિજોરી ખાલી ન થાય એટલે બધી જ વસ્તુઓ મોંઘી થઈ છે. એમાં સરકારનો વાંક નથી. જે વેપારીઓ મદદ કરે તે કૈં ધર્માદા તો ન કરેને ! ને સરકાર એટલી સ્વમાની છે કે કોઈનો બોજ માથે નથી રાખતી. વેપારીઓને અને ઉદ્યોગપતિઓને પણ એ કમાવાની તક આપે છે. એ કમાય ક્યારે? જો ટામેટાં 100 રૂપિયે વેચે તો ! એટલે જ પાંચ મહિનામાં 30 રૂપિયે મળતાં ટામેટાં 100 રૂપિયે પહોંચ્યા છે. 400 રૂપિયે લીંબુ નિચોવ્યા તે શું એમ જ ! એ જ લીંબુ 100 પર લાવીને મૂક્યાં કે નહીં ! એમ ત્યારે. સરકાર 100 વધારીને 10 ઘટાડે તો તે શું ઘટાડો નથી? યાદ રાખો કે સરકાર ભાવ ઘટાડે પણ છે ને લીંબુ ઘટયા તો ટામેટાં ના વધે? જો કૈં વધારવાનું જ ન હોય તો સરકારે કરવાનું શું? મફતમાં મત મેળવીને ચૂંટાયા કરવાનું? એ તો બરાબર નથીને !

– ને ટામેટાં કેમ મોંઘાં કર્યાં તે જાણો છો? જરા સમજો કે ચૂંટણી આવી રહી છે, તો રેલી, રેલા ય નીકળશે. સભાઓ થશે. મત મંગાશે. એમાં કોઈ વિઘ્ન સંતોષી ટામેટાં મારે તો સરકારનો ફજેતો જ થાય કે બીજું કૈં? કોઈ ટામેટાં ન ફેંકે એટલે તે મોંઘાં કર્યાં છે. સમજાયું? હવે જો કોઈ કાંદા ફેંકવાના હોય તો કહી દેજો. એ ય મોંઘા કરતાં સરકારને વાર નહીં લાગે. તમે કાંદા ફેંકો ને તેનો બગાડ ન થાય એટલે સરકાર ભાવ વધારે તો તમે પાછા બૂમાબૂમ પણ કરો કે મોંઘવારીએ માઝા મૂકી ! નૉનસેન્સ ! બધી ચીજ વસ્તુઓના ભાવમાં 37થી 118 ટકાનો વધારો થયો છે તે એ જ કારણે કે તમે ચીજવસ્તુઓનો બગાડ ન કરો.

પેટ્રોલને વિકલ્પે સી.એન.જી. કાર, રિક્ષા આવી. તેનો ભાવ 2013માં 35.02 હતો, તે આજે 85 રૂપિયા છે. વનસ્પતિ તેલમાં 118 ટકાનો વધારો થયો છે, સીંગતેલના ડબ્બાના 3,050 થઈ ગયા છે. કપાસિયાં સસ્તાં  થાય તો પણ તેનું તેલ મોંઘું વેચાય છે. સિમેન્ટની થેલીમાં 55 રૂપિયા વધ્યા છે. કેરી ઓછી છે ને મોંઘી છે ત્યારે ગાંધીનગરમાં મેંગો મહોત્સવ ઉજવાય છે. આ એટલે થાય છે કે ચૂંટણી પહેલાં મોંઘવારીનો ઉત્સવ થાય ! તમે ફાલતુ દિવસો ઊજવો તો ‘મોંઘવારી ડે’ નહીં ઊજવવાનો? 2014માં ગેસ સિલિન્ડર 414 રૂપિયાનો હતો તે હવે 1,000 ને વટાવી ગયો છે, તે ઊજવણીના ભાગ રૂપે જ ! મોંઘવારી ઊજવી શકાય એટલે સરકાર કાળજી રાખી રહી છે કે કોઈ વસ્તુ મોંઘી થવામાં રહી તો નથી જતીને !

આમ છાપાંવાળાં લોકોની દયા ખાય છે કે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઇ ગયું છે, પણ એ સાચું નથી. કોઈનું બજેટ ખોરવાતું નથી. હકીકત એ છે કે મોંઘવારી કોઈને લાગતી જ નથી. એમને બધું કોઠે પડી ગયું છે. લોકો તો રોજ સવારે રાહ જુએ છે કે સરકાર આજે શું મોંઘું કરશે? કોઈ દિવસ ખાલી જાય છે તો લોકોને ખાલી ચડી જાય છે. ઘણાંને તો એમ પણ થાય છે કે સીંગતેલના ડબ્બાના 3,050 જ થયા? આટલો મોટો ડબ્બો તે ખાલી 3,050માં જ ! વધારે નહીં તો ડબ્બાના લાખેક તો હોવા જોઈએને ! આટલી લુચ્ચાઈ કરીએ, આટલી લાંચ લઇએ, આટલા કાળા બજાર કરીએ અને ડબ્બાના ખાલી 3,050 જ? બહુત ના ઈન્સાફી હૈ ! સરકાર પણ આ જાણે છે. એ જાણે છે કે કેટલાંને વધેરીને 3,050નો ડબ્બો ઊંચકી જવાય છે. એ પણ જાણે છે કે હરામનું ભેગું કરવાની તક જોઈએ છે લોકોને, એટલે એ એવી તક આપનારને જ ચૂંટે કે બીજાને? સરકાર હજી ભાવ આસમાને લઈ જાય તો પણ ભક્તજનો તો એને જ ચૂંટશે. સરકાર ચૂંથે તો ય લોકો એને જ ચૂંટે એમ બને. કારણ કૈં બદલવા માટે સામે કૈં હોવું પણ જોઈએને ! બીજો વિકલ્પ જ નથી એટલે સરકાર આખે આખા વેતરી નાખે તો પણ લોકો ચૂંટશે તો એને જ ! સરકાર લૂંટશે ને લોકો ચૂંટશે. ટ્રેજેડી એ છે કે સરકાર નબળી પ્રજાને બદલી શકે એમ નથી અને લોકોની લાચારી એ છે કે એ એકાદ બે કમળથી વધુ તે બદલી શકે એમ નથી ને જરૂર છે તે આખા તળાવનું પાણી બદલવાની, પણ સવાલ એ છે કે બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 મે 2022

Loading

કાશી-મથુરા તો ઝાંખી હૈ ….

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 May 2022

2014માં, વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પહેલીવાર ભાષણમાં કહ્યું હતું, “સદીઓથી આપણે કોઈને કોઈ કારણથી સાંપ્રદાયિક તનાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. સાંપ્રદાયિકતાના કારણે આપણે વિભાજન સુધી પહોંચી ગયા. આ પાપચાર ક્યાં સુધી ચાલશે? બહુ લડી લીધું, બહુ બચકાં ભરી લીધાં, બહુ લોકોને મારી નાખ્યા. ભાઈઓ-બહેનો, એકવાર પાછળ વાળીને જુઓ, કોઈને કશું મળ્યું નથી. ભારતના દામન પર ડાઘ સિવાય આપણને કશું નથી મળ્યું. એટલે હું દેશવાસીઓને અપીલ કરું છું કે સાંપ્રદાયિકતા, જાતિવાદ, પ્રાંતવાદ, ઊંચ-નીચના ભાવ પર દશ વર્ષ સુધી રોક લગાવી દો અને પ્રણ લો કે આપણે તમામ તનાવોથી મુક્તિની તરફ જવું છે. શાંતિ, એકતા, સદભાવના અને ભાઈચારાથી આગળ વધવામાં કેટલી તાકાત છે. મારા શબ્દો પર વિશ્વાસ કરજો. આપણે અત્યાર સુધી કરેલાં પાપોને છોડી દઈએ અને દેશને આગળ લઇ જવાનો સંકલ્પ કરીએ.”

વડા પ્રધાનની આ વાતને આઠ વર્ષ થાય છે ત્યારે, તેમણે કહેલા આ સુંદર શબ્દો કેટલા સાર્થક છે તેનો જવાબ બહુજન સમાજ પાર્ટીની નેતા માયાવતીના એક તાજા બયાનમાં મળે છે. બુધવારે મીડિયા સાથે વાત કરતાં માયાવતીએ કહ્યું હતું, “દેશમાં ગરીબી, બેરોજગારી નિરંતર વધી રહી છે અને આકાશને આંબી રહેલી મોંઘવારી જેવા મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી સંગઠન ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી રહ્યાં છે. એનાથી અહીં ક્યારે ય માહોલ બગડી શકે છે. જ્ઞાનવ્યાપી, મથુરા, તાજમહેલ વગેરેની આડમાં જે પ્રકારે કાવતરું કરીને લોકોની ભાવનાઓને ભડકવામાં આવી રહી છે તેનાથી દેશ મજબૂત નહીં બલકે કમજોર થઇ જશે.”

માત્ર માયાવતી જ નહીં, કાઁગ્રેસના અજય માકન, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પી.ડબ્લ્યુ.ડી. પાર્ટીની મહેબૂબા મુફ્તીએ પણ આ અઠવાડિયે કહ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારીના અસલી મુદ્દાઓ પર ચર્ચા ન થાય તે માટે ભા.જ.પ. જ્ઞાનવ્યાપી જેવા મુદ્દાઓ લાવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ભા.જ.પ.ના સહયોગથી મુખ્ય મંત્રી બનેલી મહેબૂબાએ કહ્યું હતું કે, “મસ્જિદ લઇ લેવાથી જો બેરોજગારી અને મોંઘવારીની સમસ્યા હલ થઇ જવાની હોય તો પછી ભારતીય જનતા પાર્ટીએ મસ્જિદોની એક યાદી બનાવી લેવી જોઈએ.”

આ નેતાઓનાં નિવેદન ત્યારે જ આવ્યાં હતાં જ્યારે એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર રેકોર્ડ 15.08 ટકા પર પહોંચી ગયો હતો. માર્ચમાં આ આંકડો 14.55 ટકા હતો. ગયા વર્ષે એપ્રિલમાં તે સંખ્યા 10.74 ટકા હતી. કોમર્સ મિનિસ્ટ્રીનું કહેવું છે કે મિનરલ ઓઈલ, બેઝિક મેટલ્સ, ક્રુડ પેટ્રોલિયમ અને ગેસ, ખાદ્ય અને બિન-ખાદ્ય વસ્તુઓ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ્સની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં થયેલી વૃદ્ધિની આ અસર છે.

ભા.જ.પ. આને જનતાના મુદ્દા ગણે છે. પાર્ટીના મહાસચિવ વિજયવર્ગીએ વિપક્ષને જવાબ આપતાં કહ્યું હતું કે, “વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદનો વિવાદ તેમની પાર્ટી નહીં પણ જનતા ઉઠાવી રહી છે. આમ લોકોને ભા.જ.પ.ની સરકાર પાસે અપેક્ષા છે કે તે આવા મુદ્દાઓનો ઉકેલ લાવે.”

જે આમ જનતાની તેઓ વાત કરે છે તે જ જનતાની વચ્ચે જઈને પૂછો તો મોટા ભાગના લોકો એ વાતથી સંમત છે કે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી વખતે ધ્રુવીકરણનો કોઈને કોઈ મુદ્દો લઇ આવે છે. છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણીમાં આપણે આ જોયું હતું અને હવે જ્ઞાનવ્યાપી મસ્જિદનો મુદ્દો જે રીતે કાનૂની દાવપેચમાં થઈને સમાચારોની હેડલાઇન્સમાં આવ્યો છે તે જોતા એવું લાગે છે કે 2024ની લોકસભા ચૂંટણી સુધી આ મુદ્દો સળગતો રહેશે.

એ બહુ જાણીતી વાત છે કે વારાણસી અને મથુરાની મસ્જિદોને લઈને જુનો વિવાદ છે. અયોધ્યાનો વિવાદ જ્યારે ચરમસીમા પર હતો અને મંદિરના પક્ષમાં સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ફેંસલો આવ્યો ત્યારે ભા.જ.પ. અને તેનાં સમર્થક સંગઠનોનો એક નારો હવામાં ગુંજતો હતો, “અયોધ્યા-બાબરી સિર્ફ ઝાંખી હૈ કાશી-મથુરા અભી બાકી હૈ.”

જ્ઞાનવ્યાપી અને પૂજા સ્થળ કાનૂન

વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદ અને મથુરાની શાહી ઇદગાહને લઈને અયોધ્યાની જેમ કોઈ જનઅંદોલન નથી થયું, પરંતુ “પુન:સ્થાપના માટેની ઇસ્લામિક જગ્યાઓ”ની યાદીમાં એ મોખરે હતાં. હવે તો રાજ્યમાં અને કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર છે એટલે અયોધ્યા જેવી રથયાત્રા જેવું જનઅંદોલન શક્ય નથી એટલે તેના માટે કાનૂની દાવપેચનો રસ્તો અપનાવામાં આવ્યો છે.

રસપ્રદ વાત એ છે કે, અયોધ્યામાં મંદિર માટે ફેંસલો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે ૧૯૯૧ના પૂજા સ્થળોના કાનૂનનો હવાલો આપીને કહ્યું હતું કે દેશમાં પૂજા સ્થળોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે અને તેમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાનો દાવો કરીને હવે ૧૯૯૧ના પૂજા સ્થળોના કાનૂનમાં જ પરિવર્તનની માંગણી કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે હવે આ કાનૂની લડાઈ લાંબી ચાલશે. એ યાદ રાખવા જેવું છે કે ભા.જ.પ. અને અન્ય હિંદુ સંગઠનો આ કાનૂનમાંથી અયોધ્યા, કાશી અને મથુરાને બાકાત રાખવાની માંગણી ઘણા વખતથી કરી રહ્યાં છે.

૧૯૯૧માં, અયોધ્યા અંદોલન વચ્ચે, તત્કાલીન પ્રધાન મંત્રી પી.વી. નરસિમ્હા રાવની સરકાર પૂજા સ્થળ કાનૂન લઈ આવી હતી. આ કાનૂન અનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલાંથી અસ્તિત્વમાં હોય તે કોઈ પણ ધાર્મિક પૂજા સ્થળને બીજા કોઈ ધર્મના પૂજા સ્થળમાં બદલવામાં નહીં આવે. એવું જો કોઈ કરે તો તેને ત્રણ વર્ષની જેલ અને દંડ થઇ શકે. અયોધ્યાનો મુદ્દો ત્યારે કોર્ટમાં હતો એટલે તેને આ કાનૂનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

આ કાનૂનની કલમ-બે કહે છે કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ હયાત કોઇ પણ ધાર્મિક સ્થળના ચરિત્ર્યમાં પરિવર્તનને લઈને કોઈ અરજી કે અન્ય કાર્યવાહી કોઈ પણ અદાલતમાં હોય, તો તેને તત્કાળ બંધ કરી દેવી. તેની કલમ-ત્રણ કોઇ પણ પૂજા સ્થળને બીજા ધર્મના પૂજા સ્થળમાં બદલવા પર રોક લગાવે છે. તેની કલમ-4 નવા વિવાદોને દાખલ કરવા પર પણ રોક લગાવે છે.

આ કાનૂનની બંધારણીય વૈધતા સામે એ મુદ્દા પર સર્વોચ્ચ અદાલતમાં અગાઉથી જ બે પિટીશન થયેલી છે. એક અરજી લખનૌના વિશ્વ ભદ્ર પુજારી પુરોહિત મહાસંઘ અને અન્ય સનાતન ધર્મના લોકોની છે. બીજી અરજી ભા.જ.પ.ના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરી છે.

અરજીકર્તાઓની દલીલ એવી છે કે આ કાનૂન ધાર્મિક સ્થળોની અદાલતી સમીક્ષા પર રોક લગાવે છે, જે બંધારણની વિશેષતા છે. એ ઉપરાંત, આ કાનૂને મનસ્વીપણે કટ ઓફ ડેટ (૧૫ ઓગસ્ટ ૧૯૪૯) નક્કી કરી છે, જે હિંદુ, જૈન, બૌદ્ધ અને શિખ ધર્મના અનુયાયીના અધિકારને સીમિત કરે છે. અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી, પણ તેનો જવાબ હજુ ફાઈલ કરવામાં આવ્યો નથી.

આ કાનૂન જ્યારે સંસદમાં આવ્યો હતો ત્યારે ભા.જ.પે. તેનો વિરોધ કર્યો હતો અને રાજ્ય સભામાં અરુણ જેટલી અને લોકસભામાં ઉમા ભારતીએ તેને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મોકલવાની માંગણી કરી હતી. વાસ્તવમાં, હિંદુ સંગઠનો અને પક્ષો કાશી-મથુરા સહિત દેશભરમાં 100 જેટલાં પૂજા સ્થળો પર મંદિર હોવાનો દાવો કરી રહ્યાં છે, પરંતુ ૧૯૯૧ના પૂજા સ્થળ કાનૂનના કારણે કોર્ટ તેમની માંગણી પર ધ્યાન નથી આપતી. જ્ઞાનવ્યાપી મસ્જિદમાં મુસ્લિમ પક્ષકારોએ આ જ કાનૂનનો ભંગ થતો હોવાની દલીલ પેશ કરી છે. એટલે હવે થશે એવું કે એક તરફ જ્ઞાનવ્યાપી મસ્જિદમાં શિવનું મંદિર હતું તે સાબિત કરવા માટે કાનૂની લડાઈ લડશે અને બીજી તરફ ૧૯૯૧નો કાનૂન અન્યાયી છે એટલે તેને ગેરમાન્ય ઠેરવવા (અને અન્ય પૂજા સ્થળોના મામલા કોર્ટોમાં લાવવા) માટે જંગ છેડવામાં આવશે.

અશ્વિની ઉપાધ્યાયે તેમની અરજીમાં કહ્યું છે કે દેશમાં ૯૦૦ મંદિરો એવાં છે જેમને ૧૧૯૨થી ૧૯૪૭ વચ્ચે તોડીને તેની પર મસ્જિદ અથવા ચર્ચ બનાવી દેવામાં આવ્યાં હતાં. તેમાંથી ૧૮નો ઉલ્લેખ તો પુરાણોમાં પણ છે. તેઓ કહે છે કે આ કાનૂનની કટ ઓફ ડેટ વાસ્તવમાં ૧૧૯૨ હોવી જોઈએ. ટૂંકમાં, મહેબૂબા મુફ્તીના નિવેદનને યાદ કરીએ તો, મંદિર-મસ્જિદના વિવાદોની એટલી મોટી યાદી તૈયાર છે કે દાયકાઓ સુધી કાનૂનના દરબારમાં અને જનતાના દરબારમાં તેની દલીલો ચાલતી રહેશે.

ના કાનૂન, ના ઇતિહાસ, પણ રાજનીતિ

નોંધવા જેવું એ છે કે જ્ઞાનવ્યાપી મસ્જિદમાં જે ઝડપે ઘટનાઓ બની છે – સ્થાનિક કોર્ટના હુકમથી સર્વે આવી ગયો, સર્વે લીક થયો, એમાં “શિવલિગ” મળી આવ્યું, સર્વોચ્ચ અદાલતે “શિવલિંગ”વાળો ભાગ સીલ કરવા અને બાકીના ભાગમાં નમાજ અદા કરવા હુકમ કર્યો અને છેલ્લી સુનાવણીમાં આ કેસને વારાણસી સિવિલ કોર્ટમાંથી ખસેડીને જિલ્લા કોર્ટમાં સોંપવા હુકમ કર્યો તે પરથી સ્પષ્ટ દેખાય છે કે બહુ ઝડપથી આ મામલો ગંભીર બની ગયો છે. હવે તો, મથુરાની સિવિલ કોર્ટે પણ ઇદગાહ પર કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની અરજીને “મેઇન્ટેનેબલ” ગણીને તેમાં ય એક નવું કાનૂની પ્રકરણ શરૂ કર્યું છે.

છેલ્લા દોઢ વર્ષથી હિંદુ-મુસ્લિમને લઈને દેશમાં સતત કોઈને કોઈ ચર્ચા-વિવાદ ચાલતો રહ્યો છે. ચાહે હિઝાબનો વિવાદ હોય, ધર્મસંસદ હોય, હલાલ માંસનો મુદ્દો હોય, રામનવમી અને હનુમાન જયંતીનાં તોફાનો હોય, લાઉડસ્પીકર હોય, બુલડોઝર હોય, તાજમહેલ કે કુતુબ મીનાર હોય, એવો એક પણ દિવસ પસાર થતો નથી જ્યાં ધ્રુવીકરણના, ધાર્મિક ભાવનાના અને કાયદો અને વ્યવસ્થાના સમાચારો આવતા ન હોય. એમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ અચાનક સૌથી મોટો વિવાદ બની ગઈ છે.

આગળ કહ્યું તેમ, ત્યાં મંદિર હોવાનો દાવો નવો નથી અને કોર્ટમાં આ મામલો ઘણા સમયથી છે, પરંતુ અયોધ્યાના ફેંસલા પછી, અને ખાસ તો બીજાં કોઈ પૂજા સ્થળમાં ફેરફાર કરવામાં નહીં આવે તેવા કોર્ટના નિરીક્ષણ પછી, કોઈને એવી આશા નહોતી કે જ્ઞાનવ્યાપીનો મુદ્દો અયોધ્યાની જેમ મોટો થઇ જશે. ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ અયોધ્યાના ચુકાદા પછી વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે “આજનો દિવસ કડવાહટ ભૂલી જવાનો છે.” ઇન ફેક્ટ, મુસ્લિમો સહિત બહુમતી લોકોએ પણ એક પીડાદાયક પ્રકરણ પૂરું થયું છે તેમ માનીને આગળ વધવાનું નક્કી કર્યું હતું.

એ જ દિવસે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતને પણ એવું પૂછવામાં આવ્યું હતું કે શું સંઘ હવે વારાણસી અને મથુરાનો મુદ્દો ઉઠાવશે? ત્યારે તેમણે કહ્યું હતું કે,” અયોધ્યાની ચળવળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હોવાથી એક સંગઠન તરીકે સંઘ એમાં જોડાયું હતું. એ એક અપવાદ હતો. હવે અમે માનવીય વિકાસના કામોમાં ધ્યાન આપીશું.”

જ્ઞાનવ્યાપી મસ્જિદને લઈને જે રીતે હેડલાઈન્સ આવી રહી છે તે જોતાં તો એવું લાગે છે કે પૂજા સ્થળ કાનૂનને રદ્દ કરવા માટે અને દેશમાં મંદિરોની પુન:સ્થાપના કરવા માટેની એક વ્યવસ્થિત મુહિમ છેડાઈ ચુકી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશાં “જનતાની ભાવના”ને સર્વોપરી માનીને માથે ચઢાવતી આવી છે. એવું લાગે છે કે જનતાની ભાવના ફરી એકવાર જાગી રહી છે. કોર્ટમાં આ મુદ્દાનું જે થવું હોય તે થાય, ભા.જ.પ. માટે તો કાશી-મથુરાની નવી ઝાંખી ઉઘડી રહી છે.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 22 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

જગત અત્યારે જ્વાળામુખીના મુખ પર

રમેશ ઓઝા|Opinion - Opinion|29 May 2022

આ જગતમાં અત્યારે સંયુક્ત રાષ્ટ્રસંસ્થા (યુનો) જેવી એક ડઝન જેટલી વાંઝણી સંસ્થાઓ અને જે તે દેશોના પરસ્પર હિતસંબંધો પર આધારિત દેશોના સમૂહો (બ્લોકસ) અસ્તિત્વ ધરાવે છે, એમાં એક ‘ક્વાડ’ છે. ‘ક્વાડ’ ‘ક્વાડ્રીલેટરલ સિક્યુરિટી ડાયલોગ’નું ટૂંકું રૂપ છે. એમાં ભારત, અમેરિકા, જપાન અને ઓસ્ટ્રેલિયા એમ માત્ર ચાર જ દેશો સભ્યદેશ છે અને તેમની કોમન ચિંતા ચીન છે. જગતમાં અત્યારે જેટલા બ્લોકસ અસ્તિત્વ ધરાવે છે, એમાં સૌથી વધુ સક્રિય બે બ્લોકસ છે અને એ છે; નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) જેમાં ૩૦ દેશો છે અને બીજો ક્વાડ, જેમાં ચાર દેશો છે. આજકાલ ક્વાડને ‘એશિયન નાટો’ તરીકે ઓળખાવવાનું શરૂ થયું છે. જે બ્લોકની તુલના નાટો સાથે કરવામાં આવે છે, એ બ્લોક વાંઝિયો કઈ રીતે હોઈ શકે? અને બીજો સવાલ એ છે કે એમાં માત્ર ચાર જ દેશો કેમ છે?

સક્રિય હોવાનો અર્થ ઉપજાઉ નથી થતો. ઘણીવાર સક્રિયતા બતાવવા માટેની હોય છે, ઘણીવાર પરિસ્થિતિના દબાણને કારણે સક્રિય બનવું પડતું હોય છે, પણ સંજોગો એવા હોય કે પરિણામ ન મળે. ક્વાડની બાબતમાં બન્ને સ્થિતિ સાચી છે. ક્વાડની રચના ૨૦૦૭ની સાલમાં જપાનની પહેલથી થઈ હતી. ક્યાં અમેરિકા, ક્યાં ભારત, ક્યાં જપાન અને ક્યાં ઓસ્ટ્રેલિયા. આ ચાર દેશો વચ્ચે સમાનતા એટલી જ છે કે આ ચાર દેશો લોકશાહી દેશો છે અને લોકશાહી ટકાવી રાખવા માટે સમૂહ રચવાની જરૂર નથી. ઊલટું ભારત અને અમેરિકામાં તો ત્યાંના શાસકોને કારણે અને ભ્રમિત નાગરિકોને કારણે લોકશાહી ભીંસમાં છે. અમેરિકામાં સત્તાપલટાને કારણે અત્યારે તો લોકતંત્ર પરની ભીંસ ઓછી થઈ છે, સાવ દૂર નથી થઈ. બીજું, એક ઊલટી હકીકત એ પણ છે કે આ ચાર મહાન લોકશાહી દેશો તેની લોકશાહી ટકાવી રાખે, એમ ચીન પણ ઈચ્છે છે. માથાભારે થવા માટે ધારાધોરણો અને મર્યાદાઓનો અંચળો ફગાવવો પડે એમ ચીન નથી ઈચ્છતું કે આ ચાર દેશોમાંથી કોઈ કે ચાર દેશો સામૂહિકપણે તેની સામે નાગાઈની રિંગમાં ઊતરે. ત્રીજી ઊલટી હકીકત એ પણ છે કે અમેરિકાએ તેનો સૂર્ય જ્યારે મધ્યાહ્ને હતો ત્યારે જગતના લોકશાહી દેશોને ઓછી મદદ કરી છે અને ગામના ઉતાર જેવા શાસકોને અને એવ દેશોને જ વધારે મદદ કરી છે.

તો ક્વાડની રચનાના કેન્દ્રમાં ચીન છે. ભૌગોલિક રીતે મોટું અંતર ધરાવનારા આ ચાર દેશો નજીક એટલા માટે આવ્યા છે કે ચીન અત્યારે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાએ વિસ્તરી રહ્યું છે. ઉત્તરે રશિયા છે અને રશિયા તો હમસફર છે. ભૌગોલિક રીતે જોઈએ તો પૂર્વે પ્રશાંત મહાસાગરથી લઈને પશ્ચિમે એટલાન્ટીક મહાસાગર સુધી ચીન અને રશિયા વિસ્તરેલાં છે. આ સિવાય દક્ષિણે શ્રીલંકા સુધી તેનાં ખંડિયા રાષ્ટ્રો છે. ક્વાડની સક્રિયતાનું કારણ આ છે. પણ સમસ્યા એ છે કે બિલ્લીની ડોકે ઘંટ બાંધે કોણ? આ ચાર દેશોમાં ભૌગોલિક અંતરના કારણે સૌથી સુરક્ષિત દેશ અમેરિકા છે અને સૌથી અસુરક્ષિત દેશ ભારત છે. એમાં અમેરિકા ભરોસાપાત્ર સાથી નથી એવો તેનો કલંકિત ઇતિહાસ છે. યુક્રેન આનું તાજું ઉદાહરણ છે. જપાન પણ ભૌગોલિક અંતરના કારણે ભારતની જેમ અસુરક્ષિત છે, પણ જપાને અન્ય સમાન ચિંતા ધરાવતા દેશોના સહયોગ સાથે મળીને સુરક્ષાની તજવીજ કરવાનું મન બનાવી લીધું છે. જપાન ભારતની જેમ દ્વિધામાં નથી. દ્વિધામાં ભારત અને ઓસ્ટ્રેલિયા રહ્યા છે. ૨૦૦૭ની સાલમાં કવાડની રચના થઈ એ પછીથી ૨૦૧૭ સુધી તે લગભગ કાગળ પર જ હતો અને તેનું કારણ ભારત અને ઓસ્ટ્રેલિયા હતાં. ઓસ્ટ્રેલિયાએ ચીનની સામે નહીં પડવાનું વલણ અપનાવ્યું હતું અને ભારતમાં ચીન સામે સક્રિય મોરચો માંડવો કે કેમ એ વિષે દુવિધા હતી. છેલ્લે ૨૦૨૦ની ગાલ્વાનની ઘટના પછી ભારતને એમ લાગ્યું હતું કે હવે ચીનના નેતાઓને હિંચકે ઝૂલાવવાનો અને ઢોકળાં ખવડાવવાનો કોઈ અર્થ નથી.

પણ કરવું શું અને કરે કોણ? સક્રિયતા સાચી છે અને સક્રિય થવું પડે એમ પણ છે કારણ કે પરિસ્થિતિનું દબાણ પ્રચંડ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ક્વાડમાં નામ પૂરતી સક્રિયતા દાખવી હતી અને ભારતની જેમ હળવે હલેસે કામ લેતું હતું, પરંતુ ત્યાં અત્યારે ચીનની સામે સક્રિય થવા માટે પ્રજાકીય દબાણ વધવા માંડ્યું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન સ્કોટ મોરિસનની લિબરલ પાર્ટીનો પરાજય થયો, તેનાં કેટલાંક કારણોમાં એક કારણ તેમનું ચીન સામેનું ઢીલું વલણ હતું. નવા વડા પ્રધાન એન્થોની એલબેન્સી ચીન સામે વધારે આક્રમક વલણ ધારાવે છે. આમ પરિસ્થિતિવશાત્ ક્વાડ દેશો સક્રિય તો થયા છે, પણ ઉપાય શો અને અજમાવે કોણ? માટે ટોક્યોમાં મળેલી ચાર દેશોના વડાઓની પરિષદ પછી જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એમાં ચીનનો નામોલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નથી.

જગત અત્યારે જ્વાળામુખીના મુખ પર છે. ગમે ત્યારે જ્વાળામુખી ફાટી શકે છે. વિશ્વના કહેવાતા આગેવાન દેશો પાસે ટકી રહેવા માટે અત્યારે માત્ર શસ્ત્રો છે અને પાળેલા (કે કલ્પિત) દુ:શ્મનો અને દુ:શ્મનો સામેનો દ્વેષ છે. આ સિવાય કાંઈ જ નથી એ યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાની નાદારીએ સાબિત કરી આપ્યું છે. યુદ્ધને ત્રણ મહિના થઈ ગયા પણ રશિયા યુક્રેનને હરાવી શક્યું નથી. તાકાતની પુનઃવ્યાખ્યા કરવી પડે એમ છે અને ભારતે પણ પોતાની તાકાતની અને જરૂરિયાતોની વસ્તુનિષ્ઠ ચકાસણી કરવી જોઈએ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 મે 2022

Loading

...102030...1,5091,5101,5111,512...1,5201,5301,540...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved