Opinion Magazine
Number of visits: 9569947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્ય-જ્યોત—9

સુમન શાહ|Opinion - Opinion|29 May 2022

જ્યોત ૯ : નાટ્યકેન્દ્રી સાહિત્ય (‘નાટ્યશીલ’ પણ કહી શકાય) :

નાટ્યકેન્દ્રી સાહિત્ય વિશેની સમજનો પ્રારમ્ભ બે કે વધુ વ્યક્તિઓ વડે થતા સંવાદથી કરવો જોઈએ. એટલે, સૌ પહેલાં, સંવાદ.

પહેલાંની શાળાઓમાં ‘ગામડું સારું કે શહેર?’ જેવા સંવાદના કાર્યક્રમો થતા. બે વિદ્યાર્થીઓ સામસામે દલીલો કરીને પોતાનો મત જીતવા મથે. ત્યારે એ બન્ને જણા નાટકનાં પાત્રો લાગતા … હું ‘શહેર સારું’  – પક્ષે બોલતો ને સ્પર્ધા જીતી જતો; ઇનામમાં પિત્તળનું પવાલું મળતું.

એ પછીના ક્રમે મૂકી શકાશે : ઓપેરા. ૧૦-મિનિટનું નાટક. એકોક્તિ. એકાંકી. ત્રિ  અંકી. અનેકાંકી – શૂદ્રકકૃત “મૃચ્છકટિક” ૧૦ અંકનું નાટક છે.

સંસ્કૃત સાહિત્ય 1500 BC-થી આશરે AD 1100 દરમ્યાન વિકસ્યું મનાય છે.

સંસ્કૃત સાહિત્યમાં પહેલા નાટ્યકાર મનાય છે ત્રીજી સદીમાં થઈ ગયેલા, ભાસ.

એમણે ૧૩ નાટકો લખ્યાં છે એ હવે સ્પષ્ટપણે સ્વીકારાયું છે; એમાં “સ્વપ્નવાસવાદત્તા” શ્રેષ્ઠ મનાયું છે. નાટ્યોચિત અનેક કથાવસ્તુ ભાસે “રામાયણ” અને “મહાભારત”-માંથી મેળવ્યાં છે.

કેટલાક વિદ્વાનોએ પાંચમી સદીમાં થઈ ગયેલા નાટ્યકાર કાલિદાસ પર ભાસનાં નાટકોનો પ્રભાવ હોવાના નિર્દેશ કર્યા છે. કેટલાક એમ જણાવે છે કે કાલિદાસ ઇસવી સનની પહેલી સદીમાં થઈ ગયા હોવાની સંભાવના છે, અને ભાસ પાંચમીમાં થઇ ગયાની સંભાવના છે. તો કોનો પ્રભાવ કોના પર કે કોઇનો કોઇના પર નહીં એમ ગણીને ચાલવું.

આ ક્ષણે મને યાદ આવે છે ધોતી-ઝભ્ભામાં સજ્જ સાહેબો જેઓ કાલિદાસ કઇ સદીમાં થઇ ગયેલા તેની આવી સંભાવનાઓની કેટલા ય પીરિયડો લગી એવી તો ચૂંથાચૂંથ કરતા કે ન પૂછો વાત. "શાકુન્તલ" ક્યારે ભણાવશે એની ચિન્તાથી માથું દુ:ખી જતું. ભાસ કે કાલિદાસ સાહિત્યકલારસિકોના ચિત્તમાં જન્મે છે ને ચિર કાળ માટે ત્યાં જ વસે છે.

ભાસના જેટલો જ મહિમા ભરત મુનિનો છે. એમનો સમય 200 BCE અને 200 CE વચ્ચેનો મનાય છે, પણ એમ પણ મનાય છે કે અંદાજે 500 BCE અને 500 CE વચ્ચેનો હોઈ શકે.

ભારતીય નાટ્યકલાને સુગઠિત શાસ્ત્રરૂપ આપનાર ભરત છે, એમના જગવિખ્યાત ગ્રન્થનું નામ “નાટ્યશાસ્ત્ર” છે. એમાં, નાટક ઉપરાન્ત કવિતા રંગભૂમિ નૃત્ય અને સંગીતને વિશેની પણ પાયાની સિદ્ધાન્તસરણીઓ જોવા મળે છે. એમાં, ભરતે આપેલું રસસૂત્ર ‘વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત્ રસનિષ્પત્તિ:’ અને એથી વિકસેલો રસ-ધ્વનિવિચાર સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પ્રાણ છે.

અલંકાર, રીતિ, વક્રોક્તિ, રમણીયતા વગેરે સૌ સમ્પ્રદાયોમાં રસતત્ત્વની સર્વોપરીતા સ્વીકારાઇ છે. રસ વ્યંજિત કે ધ્વનિત થઈને જ હોઇ શકે છે. ધ્વનિવાદના પ્રવર્તક આચાર્ય આનન્દવર્ધન ધ્વનિનો ઘણો મહિમા કરે છે, પરન્તુ એમ ઠેરવવા કે રસ સર્વથા સ્પૃહણીય છે અને સર્જકે તેમ જ સહૃદયે એની હમેશાં આશાઅપેક્ષા સેવવી જોઇએ અને તદનુસાર વર્તવું જોઈએ.

ભરત સમેતના સૌ પ્રાચીનો ટૂંકમાં એટલું જ કહેવા ચાહે છે કે રસાનુભૂતિ અને અ-લૌકિક આનન્દ જ સાહિત્યકલાની સર્વોચ્ચ લબ્ધિ હોઈ શકે, ન કશું બીજું.

એ ટૂંકમાં કહેવાયેલાનો સાહિત્યના કોઈ પણ અધ્યેતાએ એના પૂર્ણ સ્વરૂપમાં સાક્ષાત્કાર કરવો જોઇએ. એટલે કે, સંસ્કૃત નાટક (શૂદ્રક, ભાસ, કાલિદાસ, ભવભૂતિ વગેરેની કૃતિઓ) અને કાવ્યશાસ્ત્રને જાણવાં તેમ જ સમજીને આત્મસાત્ કરવાં એના માટે અનિવાર્ય છે. બાકી એને ‘અધ્યેતા’ કહેતાં પહેલાં વિચાર કરવો. 

ટ્રેજેડી અને કૉમેડીના પ્રકારો નાટ્ય-સાહિત્યની પૂરા કાળથી ચાલી આવેલી પરમ્પરાઓ છે.

‘ટ્રેજેડી’-ને ‘કરુણાન્ત નાટક’ કહીએ તે ખોટું તો નથી પણ એથી એમ સૂચવાઈ જાય છે કે ટ્રેજેડીમાં કરુણ, અન્તે હોય છે, અથવા ‘એકલો, અન્ત કરુણ’ હોય છે ! હકીકત એ છે કે સમગ્ર નાટકમાં કરુણનો ક્રમે ક્રમે ઉપચય થતો હોય છે, શોકાદિ ભાવોની કિંકિણી અવારનવાર બજતી હોય છે.

ત્રણ ગ્રીક નાટ્યકારો ઍસ્કેલિસ (c. 525/524 – c. 456/455 BC), સૉફોક્લિસ (c. 497/ 6 – 406/5 BC) અને યુરિપિડિસ (c. 484 BC – 406) મહાન ટ્રેજેડીકાર મનાયા છે.

ઍસ્કેલિસ તો ‘ટ્રેજેડીના પિતા’ કહેવાય છે. એમ પણ કહેવાય છે કે એમનાં નાટકોનાં અધ્યયનોની ભૂમિકાએ ટ્રેજેડીની એક નાટ્યપ્રકાર તરીકેની સ્થાપના-પ્રતિષ્ઠા થઈ હતી. પોતા માટે એમણે ‘નાટ્યત્રયી’ લખવાનો શિરસ્તો અપનાવેલો. એક પછીનું બીજું અને તે પછીનું ત્રીજું નાટક કશા એક કથાતન્તુએ બંધાઈ જાય – કાઇન્ડ ઑફ સિકવલ. “ઑરેસ્ટિયા” ત્રયીના “ઍગેમેમ્નૉન”-માં ક્લિટેમ્નેસ્ટ્રા ઑરેસ્ટિસની હત્યા કરે છે એ, તેમ જ ઑરેસ્ટિસ ક્લિટેમ્નેસ્ટ્રાની હત્યા કરે છે એ, બન્ને કથાવસ્તુ વણાયેલાં છે.

ઍરિસ્ટોટલ જણાવે છે કે ઍસ્કેલિસે રંગભૂમિ પરનાં પાત્રોની સંખ્યામાં વધારો કર્યો અને તેમની વચ્ચે સંઘર્ષનું તત્ત્વ ઉમેર્યું; બાકી તો બધું કોરસથી – વૃન્દગાનથી – નભી જતું’તું. ઍસ્કેલિસે ૯૦ નાટકો લખ્યાં છે, બધાં નથી સચવાયાં, પણ એમાં “પ્રોમિથિયસ બાઉન્ડ” ખૂબ વખણાયું છે.

સૉફોક્લિસે ૧૨૦થી વધુ નાટકો લખેલાં પરન્તુ માત્ર ૭ એના પૂરા સ્વરૂપમાં બચ્યાં છે -“એજૅક્સ”, ખૂબ જાણીતું “ઍન્ટિગની”, એટલું જ જાણીતું “ઇડિપસ રૅક્સ”, “વીમેન ઑફ ટ્રેચસ”, “ઇલેક્ટ્રા”, “ફિલૉક્ટીટીસ”, “ઇડિપસ ઍટ કોલોનસ”.

યુરિપિડિસે ૯૫ નાટકો લખ્યાં છે, એમાં “મીડીઆ” સર્વોત્તમ ગણાય છે. મીડીઆ રાજકુંવરી હતી, જેસન સાથે એનાં લગ્ન થયાં હતાં. પરન્તુ જેસન બેવફા નીકળ્યો, ગ્રીસના કોરિન્થની રાજકુંવરીથી લલચાયો ને મીડીઆને છોડી ગયો. મીડીઆએ વૅર વાળ્યું. શી રીતે? પેલી કોરિન્થવાળીની હત્યા કરી, તેના બે પુત્રોની પણ હત્યા કરી ! ઍથેન્સ પાછા ફરીને એણે નવજીવન શરૂ કર્યું.

આ નાટકમાં જગજાણીતું કથાવસ્તુ છે – સ્ત્રી સાથે બેવફાઈ. એમાં, સનસનાટીનું તત્ત્વ છે, બદલો લેવાય છે અને તે પણ હત્યાથી બલકે એ જ સ્ત્રીને હાથે ! સ્વાભાવિક છે કે પ્રાથમિક કક્ષાના નારીવાદીઓને એમાં ‘ન્યાય’ દેખાયો અને નાટક આપણા સમયમાં યે ઊપડ્યું. એનાં ૩૫થી પણ વધુ ઍડેપ્ટેશન થયાં છે, કેટલાક તો પદ્યમાં ! ટીવી-શોઝ તેમ જ એકથી વધુ ફિલ્મો બની છે, જો કે સૌથી નૉંધપાત્ર હકીકત એ છે કે આ નાટક અનેકાનેક વાર રંગમંચ પર ભજવાયું છે.

નાટ્યસાહિત્યમાં ‘ક્લોસેટ ડ્રામા’ નામનો એક પ્રકાર વિકસ્યો છે. મૂળ નાટક તો ભજવણી માટે જ હોય પણ ક્લોસેટમાં તેને વાચન કે પઠન માટે બદલી નાખવામાં આવે છે. અભિનેતાઓ અને નાટકના જાણતલો તેનો સમુચિત પાઠ કરીને નાટકના હાર્દને પકડતા હોય છે.

આ સંદર્ભમાં મારે “સેનેકન ટ્રેજેડી”નો નિર્દેશ કરવો જોઇએ. સેનેકાએ સવિશેષે એ ત્રણ ટ્રેજેડીકારોનાં નાટકો પર કામ કર્યું છે. એમાં ૯ ‘ક્લોસેટ' નાટકો સંઘરાયાં છે, પઠનાર્થે નવેસર લખાયાં છે, બ્લૅન્ક વર્સમાં પદ્યાવતારે રચાયાં છે ! સેનેકા પહેલી સદીમાં થઇ ગયેલા. તેઓ રોમન હતા, ફિલસૂફ હતા. મૂળ કૃતિઓના નાટ્યપટને એમણે ટુંકાવી નાખ્યો છે, ઍક્શનને ઓછું કરી નાખ્યું છે, વાગ્વૈભવને પણ આછો કરી લીધો છે. “સેનેકન ટ્રેજેડી” ૧૬મી સદીમાં ફરીથી ઉપલબ્ધ થઈ અને તેને પ્રતાપે, કહે છે કે રૅનેસાંસ સમયમાં ટ્રેજેડીનો નવ્ય અવતાર પ્રગટ્યો અને તેથી ‘ફ્રૅન્ચ નીયોક્લાસિકલ ટ્રેજેડી’ તેમ જ ‘ઍલિઝાબેથન ટ્રેજેડી’ જેવી નાટ્યધારાઓ જન્મી.

જાણીતું છે કે ૧૬મી સદીમાં શેક્સપીયર થઇ ગયા અને ‘શેક્સપીયરિયન ટ્રેજેડી’-નું નૉંધપાત્ર ઉમેરણ થયું. છેલ્લી સદીમાં બૅકેટ અને આયોનેસ્કો થઈ ગયા અને “ટ્રેજી-કૉમેડી” જેવા આધુનિક પ્રકારનો આવિર્ભાવ થયો. બૅકેટે પોતાના “વેઇટિન્ગ ફૉર ગોદો”ને ‘એ ટ્રેજીકૉમેડી’ કહ્યું છે.

મને કહેવું ગમે છે કે “પોએટિક્સ”-ના કર્તા ઍરિસ્ટોટલે ટ્રેજેડીની વ્યાખ્યા કરી તેની ભૂમિકામાં આ ગ્રીક ટ્રેજેડીકારોની કૃતિઓનું ભાવન-અનુભાવન હતું. ઍરિસ્ટોટલ કે કોઈપણ સન્નિષ્ઠ સિદ્ધાન્તકાર કલાનુભવ વિના નથી બોલતો. બાકી, બીજાના સિદ્ધાન્તોને પોતાને નામે ચડાવનારા ખોખલા ઘણા હોય છે, આજુબાજુ ઝીણી નજર નાખવાથી દેખાઈ જતા હોય છે.

મૂવિ અથવા ફિલ્મ અથવા ચલચિત્ર ભલે અલગ કલાપ્રકાર ગણાય છે, એના હાર્દમાં નાટક છે. જે ફિલ્મમાં નાટ્ય-નામી ઍક્શન નથી હોતી, એને ઝાઝી વાર લગી જોઈ શકાતી નથી, સિવાય કે એ કશો ધીંગો પ્રયોગ હોય. બાકી એવી રચનાઓને ‘ટૉકેટિવ’ કહેવાય છે. અને એ એમ છે એવી પ્રામાણિક જાહેરાત પણ કરાય છે.

સર્વોપરી સત્ય એ છે કે નાટક પ્રેક્ષક સામે ઘટવું જોઈએ, બનતું જોઈ શકાવું જોઈએ, ઇટ મસ્ટ હૅપ્પન ! પાત્રો વાતો જ કર્યા કરે, તે ન ચાલે. વાતો માટે કે કથન કરવા માટે નાટક નથી, એ એના ઉત્તમોત્તમ અર્થમાં નાટ્ય છે, કાર્ય છે, ઍક્શન છે. આ જરૂરતને આપણે ત્યાં ‘મંચનક્ષમતા’ કહેવાય છે.

આપણે જો યાદી બનાવીએ તો કેટલાં ગુજરાતી નાટકો મંચનક્ષમ નીકળે?

અરે ! કૉમેડીના નાટ્ય-સાહિત્ય વિશે કહેવાનું તો રહી જ ગયું ! ફરી કોઈવાર.

= = =

(May 29, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કાઁગ્રેસમાં સવાલ ઉઠાવનારા અને પક્ષ છોડનારા મોવડીઓની રાજનૈતિક મજલનો આગલો પડાવ શું?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 May 2022

ભા.જ.પા.ને કાઁગ્રેસ મુક્ત ભારત જરા ય માફક આવે એમ નથી. ભા.જ.પા.ને એક ચોક્કસ પ્રકારની વિરોધીની જરૂર છે અને બીજા કોઇ પણ પક્ષ કરતાં કાઁગ્રેસ એ રોલ વધારે સારી રીતે ભજવતો આવ્યો છે.

કાઁગ્રેસમાં હવે કોણ નથી? આ સવાલ જાણે સામાન્ય બની રહ્યો છે. કપિલ સિબ્બલના નામ આગળ પણ હવે પૂર્વ કાઁગ્રેસ લીડર એમ લખવાનું થયું. તેમણે પોતાની એક્ઝિટ કાઁગ્રેસના ચિંતન શિબિર પહેલા જ પ્લાન કરી રાખી હતી. G-23 – એટલે કાઁગ્રેસના એવા 23 ચહેરા જેમણે પક્ષમાં ધરમૂળથી ફેરફારોની માંગ કરી, જે છે તેની સામે પોતાના વાંધા જાહેર કર્યા છે. આ 23નો આંકડો બદલાયો પણ છે. કપિલ સિબ્બલે કાઁગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાની વાત ભલે આ અઠવાડિયે બહાર આવી પણ એક રિપોર્ટ અનુસાર તેમણે ૧૬મી મેએ જ પક્ષને આવજો કહી દીધું હતું અને ૧૫મી એપ્રિલથી તેમણે પક્ષના સભ્યપદને પણ વિલીન કરી દીધું હતું કારણ કે ત્યારે જે સભ્યપદ અભિયાન થયું તેમાં તેમણે પોતાનું નામ જ નહોતુ નોંધાવ્યું. વળી તેમણે સમાજવાદી પાર્ટીના ટેકાથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાજ્ય સભાના ઉમેદવાર તરીકે પોતાનું નોમિનેશન પણ નોંધાવ્યું.

છેલ્લા પાંચ મહિનામાં કાઁગ્રેસ પક્ષમાંથી મોટાં નામો, વરિષ્ઠ નેતાઓ નીકળી ગયા છે. સુનિલ જાખડ, હાર્દિક પટેલ, અશ્વિની કુમાર, આર.પી.એન. સિંઘ, અમરિંદર સિંઘ જેવા નેતાઓએ છેલ્લા પાંચ મહિનામાં કાઁગ્રેસને આવજો કહી દીધું છે. વળી જિતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સીંધિયા, સુશ્મિતા દેવ પણ કાઁગ્રેસમાંથી પહેલાં નીકળી ગયા છે. કાઁગ્રેસનું બળ જાણે દર દાયકાએ ઓછું થતું ગયું. પક્ષની રાજકીય સફર પર નજર કરીએ તો તો તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. સૌથી પહેલાં હતી ‘ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ’ જે સ્વતંત્રતા સાથે આકારમાં આવી અને ૧૯૭૧માં ઇંદિરા ગાંધીએ જ્યારે પોતાના પિતાને ઓળખતા નેતાઓથી બનેલા આ પક્ષને છોડીને પોતાનો પક્ષ બનાવ્યો. ઇંદિરા ગાંધીનું ૧૯૮૪માં મૃત્યુ થયું ત્યાર બાદ પણ ૧૯૯૧માં દીકરા રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યાં સુધી આ પક્ષ ચાલ્યો. ૧૯૯૨ અને ૧૯૯૭ સુધીનો એવો વખત હતો જ્યારે પક્ષનું નેતૃત્વ નહેરુ-ગાંધી પરિવારના કોઇ સભ્યના હાથમાં નહોતું. ૧૯૯૭માં સોનિયા ગાંધીએ પક્ષની લગામ હાથમાં લીધી અને એ હતી કાઁગ્રેસ પક્ષની સાવ જુદા વર્ઝન સાથેની ત્રીજી ઇનિંગ્ઝ. સોનિયા ગાંધીએ ૨૦૦૪માં કાઁગ્રેસ પક્ષને બેઠો કર્યો અને સત્તાનું જોમ ભર્યું. એક દાયકા સુધી કાઁગ્રેસ પક્ષે, સાથી પક્ષો સાથેની સંધિની મદદથી રાજ કર્યું. ૨૦૧૪માં કાઁગ્રેસ પક્ષને ભા.જ.પા.ના જોર સામે પાછી પાની કરવી પડી. ભા.જ.પા.એ સત્તા પર આવ્યા પછી પોતાની લીટી લાંબી કરવાને બદલે કાઁગ્રેસની લીટી ભૂંસવાનું કામ વધારે જોરશોરથી કર્યું. બચાવ કરવામાં કાઁગ્રેસને કાં તો શાલીનતા નડી ગઇ, કાં તો ઝનૂન ઓછું પડ્યું, કાં તો દિશાહિનતાનો વ્યાપ વધી ગયો.

જોવાનું એ છે કે કાઁગ્રેસના ઇતિહાસમાં જેણે પણ પક્ષ છોડ્યો તેણે પોતાનો પક્ષ ખડો કર્યો, તે પોતાની આગવી ઓળખ બનાવી શક્યા. પરંતુ અત્યારે જે સંજોગો છે તેમાં G-23 આવું કંઇ કરી શકશે ખરા? આપણે એવા સંજોગોમાં તો નથી જ્યાં માત્ર બે જ પક્ષ હોય. પરંતુ આ નેતાઓ એવા ચહેરા છે જે કોઇ પણ પક્ષ સાથે પોતાનું નામ જોડાય એવું પસંદ નહીં કરે. G-23વાળી થયા પછી સોનિયા ગાંધીએ ઘણાં પગલાં લીધા જેમ કે કાઁગ્રેસ વર્કિંગ કમિટી ફરી બનાવાઇ જેમાં આ ૨૩ ચહેરાઓમાંના અગત્યના ચહેરાઓને આગળ કરાયા, મહત્ત્વનું પદ સોંપાયું. સંયુક્ત નેતૃત્વની માંગને ધ્યાનમાં રાખી સોનિયાએ ૬ સભ્યોને સમિતિ બનાવી જે તેમને જ આસિસ્ટ કરે તેમાં પણ G-23ના ચહેરા હતા. મુકુલ વાસનિકે આ પગલાં પછી પોતાની જાતને G-23થી દૂર કરી દીધા. ગાંધી પરિવારે G-23ને પ્રત્યાઘાત નહીં પણ પ્રતિભાવ આપ્યો અને કળપૂર્વક એ જૂથને તોડવાની કોશિશ કરી. G-23ને પક્ષમાં આંતરિક પસંદગીઓ માટેની ચૂંટણી થશેનું વચન અપાયું હતું, પણ કોરોના વાઇરસ રોગચાળાને કારણે એ બધું પાછું ઠેલાયું. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોઆની વિધાનસભાની ચૂંટણીમાં કાઁગ્રેસનો દેખાવ નબળો રહ્યો અને ફરી G-23એ સવાલ કર્યા, આ વખતે ૨૩ના ૧૮ થઇ ગયા કારણ કે નવ જણા નીકળ્યા અને નવા ચાર ઉમેરાયા. ઉદયપુરની નવ સંકલ્પ શિબિરના પ્રતિનિધિઓ પણ સોનિયા ગાંધીએ જાળવીને પસંદ કર્યા. પક્ષમાં નેતાઓને મહત્ત્વ અપાયું – જેમ કે ભુપિંદર સિંઘ હૂડાને સમિતિમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાનું સુકાન અપાયું અને તેમના વફાદાર ઉદઇ ભાણને હરિયાણા કાઁગ્રેસના પ્રેસિડન્ટ બનાવાયા, પછી ભલે આવું કરવામાં રાહુલ ગાંધીના ખાસ ગણાતા લેફ્ટનન્ટ રણદીપ સિંઘ સૂરજેવાલાને સાઇડમાં કરવા પડ્યા હોય. ટાસ્કફોર્સ – ૨૦૨૪ પણ સોનિયા ગાંધીએ તૈયાર કર્યો જેમાં પણ એ નેતાઓને લેવાયા જેમણે કાઁગ્રેસમાં ફેરફારની જરૂર છેની વાત મૂકી હતી. પક્ષમાં સેન્ટ્રલ પ્લાનિંગ ગ્રૂપ પણ છે, જે ભારત જોડો યાત્રા પર કામ કરશે. સિબ્બલ જ્યારે પોતાનું રાજ્ય સભા માટેની ઉમેદવારી નોંધાવતા હતા ત્યારે આ કમિટીઓ અને ગ્રૂપ કાઁગ્રેસમાં જાહેર થઇ રહ્યા હતા. કાઁગ્રેસ રાજ્ય સભાની ઉમેદવારી માટે શું કરશે તેની પર જ બધાની નજર ટકેલી છે. ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા રાજ્ય સભામાં નથી અને તેમને પુનઃઉમેદવારીની આશા છે. હવે જો તેમને જે જોઇએ છે તે મળી જશે તો કાઁગ્રેસમાં આ આંતરિક સ્તરે ઊભી થયેલી ક્રાંતિ પર ઠંડું પાણી ફરી વળશે? સિબ્બલે કાઁગ્રેસના નેતૃત્વ અંગે આકરી ટીકાઓ ખુલ્લે આમ કરી હતી અને તેમને કદાય એવો ખ્યાલ આવી ગયો હશે કે હવે કાઁગ્રેસ પક્ષ મારફતે તે રાજ્ય સભામાં નહીં પહોંચી શકે. તે ભા.જ.પા.ના આકરા વિરોધી છે એટલે તે ભા.જ.પા.માં જોડાય તે શક્ય જ નથી.

કાઁગ્રેસ નાના જૂથ બનાવી G-23ની આખી વિચારધારાને વિખેરવા માટે મક્કમ તો છે પણ પક્ષમાં ટેલેન્ટ ન બચે એ ખરેખર જોખમી કહેવાય. મજબૂત નેતાઓએ કાઁગ્રેસને આવજો કહ્યું છે કારણ કે તેમને પક્ષમાં પોતાનું ભવિષ્ય નથી દેખાયું. કાઁગ્રેસના મોવડીઓએ કામના મોવડીઓને રોકવા હવાતિયાં મારવા જ પડશે નહીંતર ‘એક હતી કાઁગ્રેસ…’ના દિવસો માથે આવી જશે.

બાય ધી વેઃ

આ હાલતમાં ભા.જ.પા. પોરસાતો હશે એ ખરું પણ તેમને કાઁગ્રેસ મુક્ત ભારત પોસાય એમ નથી. જ્યાં કાઁગ્રેસનું જોર ઘટ્યું છે ત્યાં પ્રાદેશિક પક્ષો જામ્યા છે. ચૂંટણીનું ગણિત એ જ સાબિત કરી છે કે આવા રાજ્યો જેમ કે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, ઓરિસ્સા, કેરળ વગેરે રાજ્યોમાં ભા.જ.પા. માટે જીતવું અઘરું થઇ પડે. ભા.જ.પ.ને જીતવા માટે કાઁગ્રેસ સાથે સીધો સામનો થતો હોય તેવી બેઠકોની જરૂર છે. આપની રાજકીય વિચારધારા સામે ભા.જ.પા. માટે લડવાનું આસાન નથી કારણ કે આપ પણ ભા.જ.પા.ની નીતિઓમાંથી બોધ લઇ રહ્યો છે, વળી પક્ષના વિકાસને મામલે આપના નેતાઓ ભા.જ.પા.નું ઉદાહરણ આપે છે કે બે બેઠકોમાંથી ત્રણસો બેઠકો સુધી પહોંચી શકાય છે. ભા.જ.પા.ના વિકાસ મૉડલ સામે આપનું સામાન્ય લોકોના કલ્યાણનું મૉડલ બરાબર ટક્કર આપે છે. આવામાં ભા.જ.પા.ને કાઁગ્રેસ મુક્ત ભારત જરા ય માફક આવે એમ નથી. ભા.જ.પા.ને એક વિરોધીની જરૂર છે અને બીજા કોઇ પણ પક્ષ કરતાં કાઁગ્રેસ એ રોલ વધારે સારી રીતે ભજવતો આવ્યો છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  29 મે 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—147

દીપક મહેતા|Opinion - Opinion|28 May 2022

ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા

ઊભા ઊભા તો બચાડા ભીખારીઓ ન છૂટકે ખાય

એટલે ‘સ્વરુચિ ભોજન’નો તો ત્યારે સવાલ જ નહિ 

નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા ભરી સભાના રાજા, એવા જીગરભાઈના દાદા
નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે

છેવટે લગનનો દિવસ વાજતેગાજતે આવી પહોંચ્યો. સવારથી કુટુંબીઓ, સગાંવહાલાં, મહેમાનો, એક પછી એક આવતાં જાય છે લગનની વાડીમાં. બૈરાંઓએ અને છોડીઓએ પણ, ગુજરાતી ઢબે જ સાડી પહેરી છે. હજી પંજાબીનું ચલણ નહોતું ત્યાં ઘરારા શરારા વગેરે તો હોય જ ક્યાંથી? મોભા અને સગપણ પ્રમાણે અંગે ઘરેણાં. કપાળની લગભગ વચમાં મોટો લાલ ચાંદલો. એ વખતે હજી નાકની દાંડી ઉપર ચાંદલો કરવાની ફેશન નહોતી આવી કે નહોતા આવ્યા જાતભાતના રંગના તૈયાર ચાંદલા. મેક-અપમાં પૂંઠાના ગોળ, ગુલાબી રંગના ડબ્બામાં વેચાતો ‘કલાપી’ પાવડર. બજારમાં લિપસ્ટિક મળતી તો ખરી, પણ ‘સારા ઘરની’ સ્ત્રીઓ એ વાપરે નહિ. હાથમાં સોનાની બંગડીઓ સાથે કાચની લાલ-લીલી બંગડીઓ હોય જ. પછી વળી પ્લાસ્ટિકની બંગડીની મોટી બહેન જેવી કચકડાની ચૂડી આવી. જો કે હવે તો એ પણ માત્ર વિનોદ જોશીના અફલાતૂન ગીતમાં જ સચવાઈ છે: ‘કચક્કડાની ચૂડી રે મારું કૂણું માખણ કાંડું, સૈયર શું કરીએ?’

પુરુષો કોઈ ઉઘાડે માથે તો હોય જ નહિ. ટોપી, પાઘડી, ફેંટો, પછી વળી આવી સફેદ ગાંધી ટોપી. ચીપી ચીપીને પાટલી પાડીને પહેરેલું ધોતિયું. ઉપર કફની કે સુરવાલ કે કોટ – ફૂલ કે હાફ. કોઈ સરકારી અમલદાર સૂટ-બૂટ, હેટ પહેરીને પણ આવે. ખુરસીઓ નહિ, શેતરંજી કે જાજમ પાથરી હોય તેના પર બધા બેસતા જાય – અલબત્ત, સ્ત્રીઓ અને પુરુષો અલગ-અલગ. રોજર્સ કે ડ્યૂક કે કાતરક કંપનીના કોલ્ડ ડ્રિંકની ગોળીવાળી બાટલીઓ ખૂલતી જાય. પણ એ તો પૈસાદારને પોસાય. બીજે તો લાલ લીલાં શરબત. પિત્તળના મોટા ટોપમાં પાણી ભરીને – ઉકાળવાની વાત નહિ હોં – તેમાં પધરાવવાનો આજે જે ‘બજાર આઈસ’ જેવા તુચ્છ નામે ઓળખાય છે તે બરફ. પછી એક બાટલીમાંથી લાલ કે લીલો રંગ – ફૂડ કલર – અને બીજી બાટલીમાંથી ગુલાબ કે રાસબરી કે ખસ કે કાચી કેરીનું એસન્સ. પછી ઉમેરાય અગાઉ બનાવી રાખેલી ખાંડની ચાસણી. રસોડામાં પિત્તળના ગ્લાસ ભરાતા જાય, અને બહાર માંડવામાં ઠલવાતા જાય.

બીજી બાજુ બપોરના ભોજનની તૈયારી થતી હોય. મહારાજ કે રસોઈયા આવીને ઉપરનું વસ્ત્ર કાઢીને ખીંટીએ ટીંગાડી દે. છતાં પરસેવાને કારણે જનોઈ શરીર સાથે ચોંટી ગઈ હોય તે ખાસ દેખાવી જોઈએ. બધી રસોઈ ચડે ચૂલા પર. લગન કે બીજા કોઈ પણ સારા પ્રસંગે ચૂલામાં જે વપરાય તેને ‘લાકડાં’ ન કહેવાય. પણ ‘બાફણાં’ કે ‘મગ બાફણિયાં’ કહેવાય. કારણ ‘લાકડાં’ તો અંતિમ ક્રિયામાં વપરાય. દેશ અને દુનિયાના જૂદા જૂદા ભાગોની ઢગલાબંધ વાનગીઓના ગુજરાતી અવતારનું આગમન થયું નહોતું. એટલે પહેલે ચૂલે ચડે મગ. કેમ એ તો રામ જાણે, પણ મગ શુકનમાં ગણાય. બીજે ચૂલે ચડે ભાત. સીધા-સાદા સફેદ ભાત. પુલાવ, બિરયાની, ડ્રાયફ્રૂટ ખીચડી નહિ. ત્રીજે ચૂલે શાક. કોઈ ફેન્સી શાક નહિ. વટાણા બટેટા કે ટમેટાં બટેટા કે કોબી બટેટા, કે એવું કોઈ સાદુંસીધું શાક. એક રસોઈયો પૂરી વણે, બીજો તળે. ફરસાણમાં ભજિયાં કે દૂધી કે મેથીની ફૂલવડી. આ બધાથી થોડા આઘા બેસીને બે રસોઈયા લાડુ વાળતા જાય. ચટણી, કચુંબર, અને ઘરમાં બનાવેલ વડી પાપડ. છેવટે છાશ.

ઊભા ઊભા તો બચાડા ભીખારીઓ ન છૂટકે ખાય. એટલે ‘સ્વરુચિ ભોજન’નો તો સવાલ જ નહિ. થોડા ખાસ મહેમાનો – મોટે ભાગે વરપક્ષના – માટે લાલ પાટલાની હાર. આજુબાજુ રંગોળી. બીજા માટે લાંબાં લાંબાં પાથરણાંની હાર. એને કહેવાય પંગત. સ્ત્રીઓ અને પુરુષોની પંગત અલગ-અલગ જ હોય. બે પંગતમાં લોકો આમને-સામને બેસે. વચ્ચેની જગ્યામાં ભાડુતી નહિ, કુટુંબના જ પિરસણિયા ફરતા રહે. પહેલાં તો એકદમ ઇકો ફ્રેન્ડલી પતરાવળી અને પડિયા વપરાતાં. પછી આવ્યાં પિત્તળનાં થાળી-વાટકા, અને ગિલાસ. વાનગીઓ કયા ક્રમમાં પીરસાય, કેટલી વાર પીરસાય, થાળીમાં ક્યાં મૂકાય એનો પાક્કો પ્રોટોકોલ.

એવો જ પ્રોટોકોલ પીરસણિયાનો. સૌથી પહેલાં આવે નવાસવા એપ્રેન્ટિસ જેવા છોકરાઓ ચટણી, અથાણું, વડી-પાપડ લઈને. પછી આવે અનુભવી જુવાનો મગ કે દાળ કે કઢી અને શાક લઈને. પછી આવે ગરમાગરમ પૂરી અને ભજિયાં. અને છેવટે આવે ઘરના કોઈ વડીલ, અનુભવી, લાડુ કે કંસાર કે બીજુ કોઈ મિષ્ટાન્ન પીરસવા. લાડુનો થાળ લઈને એક જુવાન ચાલે, પણ મહેમાનના ભાણામાં લાડુ મૂકે તો વડીલ. ખાસ મહેમાનોને, મોટેરાંઓને તો મનવર કરી કરીને પીરસાય. ‘મારા સમ, એક ખાવ, એક ખાવ’ કહી જમનારાના મોઢામાં લાડુ મૂકાય. સ્ત્રીઓની અલગ પંગત હોય તેમાં પીરસણિયા તરીકે જવા માટે જુવાનોમાં ગળાકાપ હરીફાઈ ચાલે. એક-બે અનુભવીઓ થોડે દૂર ‘સુપરવાઈઝર’ તરીકે ઊભા રહી બધો ખેલ જોતા હોય. કઈ વાનગી ખૂટશે કે વધી પડશે એનો અંદાજ કાઢી રસોડામાં સંદેશા મોકલતા રહે. ‘લાડુ જરા નાના વાળો.’ ‘દે દામોદર દાળમાં પાણી કરો’. ‘પૂરી ઓછી તળો,’ વગેરે.

બ્રાસ બેન્ડના બજવૈયા

સાંજ પડતાં પહેલાં તો લગ્નવિધિની તૈયારી થઈ ગઈ હોય. વરઘોડાની રાહ જોવાતી હોય. થોડી થોડી વારે એક-બે છોકરાને દોડાવાય. વરઘોડો ક્યાં સુધી પહોંચ્યો એ જાણવા. પહેલાં બેન્ડનો અવાજ સંભળાય, પછી બેન્ડવાળા દેખાય. લાલ કપડાંમાં બ્રાસ બેન્ડ. બેન્ડના તાલ-સૂર સાથે વરઘોડામાંથી કોઈ સ્ત્રી કે પુરુષ નાચે એ વાત ત્યારે કલ્પનાનીયે બહાર. હા, બહુ બહુ તો બે-ચાર નાના છોકરા – છોકરી તો નહિ જ – હવામાં હાથપગ ઉછાળી નાચવાનો દેખાવ કરતા બેન્ડની આગળ ચાલતા હોય. વરઘોડામાં આગળ ચાલે વડીલ પુરુષો. પછી યુવાનો, કિશોરો, બાળકો. પછી આવે ‘બૈરાં’ તેમાં ય ચાલવાનું પ્રોટોકોલ પ્રમાણે. પુરુષોનું જૂથ પૂરું થાય ત્યાં હોય ઘોડેસ્વાર વરરાજા.

વરમાળા પહેરાવતી વાધૂવસ્ત્રમાં સજ્જ કન્યા

જલ ઘટિકા યંત્ર

વરઘોડો આવે એટલે લજવાતી, શરમાતી, માથું ઢાંકેલી કન્યા વરરાજાને હાર પહેરાવે. એ વખતે મિત્રો વરને ઊંચકીને વધૂ માટે મુશ્કેલી ઊભી કરે, કે કન્યાવાળા વરરાજાનાં પગરખાં ‘ચોરી’ લે એવા રિવાજ પંજાબથી મુંબઈ આવ્યા નહોતા. સાજનમાજન માંડવામાં પહોંચે. કેટલીક જ્ઞાતિઓમાં કન્યા સફેદ સૂતરાઉ ‘વાધુવસ્ત્ર’ જ પહેરે. સફેદ મલમલ કે ઓરગંડીના પોત પર કેસર-કંકુ-હળદરથી બોર્ડર અને પાલવ પર ફૂલ-પાનની ભાત પાડી હોય તે ‘વાધૂવસ્ત્ર’. જો કે આ શબ્દ કોઈ ગુજરાતી શબ્દકોશમાં જોવા મળતો નથી. પણ ત્યારે ય વપરાતો, અને આજે ય વપરાય છે. ઘણાં લગ્ન ‘ગોધૂલીટાણે’ એટલે કે સાંજે થાય. પણ કેટલીક જ્ઞાતિમાં ઘડી-પળ સુધી લગ્નનું શુભ મુહૂર્ત સાચવવાનો આગ્રહ. ત્યાં ગોર મહારાજ જલ-ઘટિકા-યંત્ર, એટલે કે તાંબાકુંડી અને તાંબાની વાટકી લઈને આવે. વાટકીના નીચેના ભાગમાં સાવ નાનું છિદ્ર હોય. એ પાણી ભરેલી તાંબાકુંડીમાં તરતી મૂકાય એટલે ધીમે ધીમે તેમાં પાણી ભરાતું જાય. અડધી વાટકી ભરાઈ રહેવા આવે એટલે ગોર મહારાજ બૂમ પાડે : ‘કન્યા પધરાવો, સાવધાન.’ કન્યાને લઈને તેના મામા આવે. અને ગોરના મોમાંથી ધાણીની જેમ મંત્રો ફૂટવા લાગે. અને પછી આવે એ ઘડી :

ઢોલ ઢમક્યા  ને વરવહુના હાથ મળ્યા,
વાજાં વાગ્યાં  ને વરવહુના હાથ મળ્યા,
જાણે  ઈશ્વર ને  પારવતી  સાથ મળ્યાં
ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા.

અસલમાં તો લગ્નવિધિ વખતે મહેમાનોને કશું ખાવા-પીવા આપવાનો ચાલ નહિ. લગ્ન થઈ જાય એટલે હાજર રહેલાં સૌને પાન-ગુલાબ વહેંચાય. પછી ‘ડીશ’ આપવાનું શરૂ થયું. આ ‘ડીશ’ એટલે હેવી નાસ્તો. ૧૯૫૦-૬૦ના અરસામાં ‘રિસેપ્શન’નો ચાલ શરૂ થયો. ક્યાંથી આવ્યો એ તો રામ જાણે. રિસેપ્શનમાં આવેલાં સૌને અપાય એક-એક પ્લેટ આઈસ્ક્રીમ. બસ. આઈસ્ક્રીમ ખાઈ, ચાંદલો આપી થવાનું ઘર ભેગા. પછી આવ્યું પંગતભેર, પણ ટેબલ-ખુરસી પર જમવાનું. અને પછી આવ્યું સ્વરુચિભોજન કહેતાં બૂફે. માયાવી રાક્ષસની જેમ એનું પેટ તો ફૂલતું જ ગયું. પાર વગરની વાનગીઓ, દેશ-પરદેશની વાનગીઓ.

લગ્ન પછીનો સ્ટુડિયો ફોટો

જ્યાં સુધી આઉટ ડોર ફોટોગ્રાફી આવી નહોતી ત્યાં સુધી લગ્ન વખતે ફોટા પાડવાનું તો શક્ય જ નહોતું. બહુ બહુ તો થોડા દિવસ પછી કોઈ સ્ટુડિયોમાં જઈ વર-વહુ એક-બે ફોટા પડાવી આવે. ખુરસીમાં વહુ સંકોચાઈને બેઠી હોય. પાછળ વર ઊભો રહે. બહુ હિંમતવાળો હોય તો પત્નીને ખભે હાથ મૂકે. જો કે આ ફોટો ઘરની ભીંત પર તો ત્યારે જ દેખાય જ્યારે તેમાંના કોઈ એકે આ દુનિયામાંથી વિદાય લીધી હોય! ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના ૧૮૮૭માં પ્રગટ થયેલા પહેલા ભાગમાં આવતી આ વાત જુઓ : બાળક સરસ્વતીચંદ્રને ખોળામાં રાખીને તેના પિતા લક્ષ્મીનંદને પત્ની ચંદ્રલક્ષ્મી જોડે બેસી, સજોડે છબી પડાવી હતી. ગોવર્ધનરામ કહે છે : “મુંબઈવાસી હોવાને લીધે તેણે આ હિંમત ચલાવી હતી.” પણ છબી પડાવ્યાની ખબર પડ્યા પછી સાસુ ઈશ્વરકોરે વહુની બેશરમી બાબત મહિના સુધી જુદ્ધ ચલાવ્યું હતું. પરંતુ દીકરાની બેશરમી તેના મનમાં વસી ન હતી. લક્ષ્મીનંદને આ છબી પોતાની મેડીમાં રાખી હતી, પણ વહુ મરી ગયા પછી માએ બહાર કઢાવી. લેખક કહે છે : ‘મોઈ ભેંસના મોટા ડોળા’ એ ગામડિયા કહેવત પ્રમાણે.

એ વખતે ઘરનાં ‘બૈરાં’ સાચા ઉમળકાથી, અંતરની સૂઝથી લગ્ન ગીતો ગાતાં, પ્રોફેશનલ કલાકારો નહિ. આમ તો લગ્ન ગીતો એ લોકગીતોનો જ એક પ્રકાર. કંઠોપકંઠ સચવાતાં. ૧૯મી સદીમાં છાપકામ આવ્યું તે પછી પુસ્તકોમાં સંઘરાવા લાગ્યાં. આવાં થોડાં પુસ્તકો વિષે વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 28 મે 2022

Loading

...102030...1,4731,4741,4751,476...1,4801,4901,500...

Search by

Opinion

  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved