Opinion Magazine
Number of visits: 9672660
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મનાં મૂળ તત્ત્વો અને એનાં આવરણો

મનસુખ સલ્લા|Opinion - Opinion|8 July 2022

અત્યારે દેશમાં જે માહોલ છે તેમાં લાગણીઓ વધુ સક્રિય છે. અંગત સંબંધોમાં લાગણી બળ પૂરું પાડે, પરંતુ રાષ્ટૃ કે તમામ નાગરિકો વિશે વિચારીએ ત્યારે નિરપેક્ષ વિચારને કેન્દ્રમાં મૂકવો જોઈએ. અત્યારનો મુખ્ય પ્રશ્ન ‘ધર્મ’ના સ્વરૂપ વિશેનો છે. તમામ ધર્મોના પ્રવર્તકો કોઈ વ્યક્તિ હોય છે. તેઓનાં મહાન કાર્યો અને વિચારોને કારણે લોકોએ તેમને ભગવાન, ખુદા, ઈશ, ગોડ તરીકે સ્વીકાર્યા હોય છે.

ધર્મ માટે એક સાદી વાત એ છે કે તેમાં અન્ય ધર્મ માટે આદર હોય, સન્માન હોય. કોઈ પણ ધર્મને ઊંચો કે નીચો ગણવાની જરૂર નથી. વળી ધર્મક્ષેત્રમાં બળજબરી, લાલચ કે ભયને સ્થાન નથી. એવું કરનારા ધાર્મિક તો નથી જ.

હવે એ વિશે સ્પષ્ટ થવું જરૂરી છે કે તમામ ધર્મોનાં મૂળ તત્ત્વો લગભગ સમાન હોય છે. માણસાઈને પોષણ આપનારા હોય છે. કોઈ પણ ધર્મ મનુષ્યનાં શુભ તત્ત્વોનો જ પુરસ્કાર કરે છે. સત્ય, પ્રેમ, કરુણા, સેવા, સાદગી, નિરહંકાર, વિશ્વાસ વગેરેને જે ધર્મો પુરસ્કારતા હોય છે, કારણ કે એ મૂળ તત્ત્વો છે.

સાથે જ ધર્મ સાથે વ્યવહાર, રીતરિવાજ, ઉપાસના પદ્ધતિ પણ જોડાયેલાં હોય છે. એમાં તફાવત હોય તે સહજ છે. એ તફાવત માટે ન પક્ષપાત હોય, ન નફરત હોય. કારણ કે ધર્મ આખરે તો વ્યક્તિની અંગત બાબત છે, પસંદગી છે. જેને જે રુચે તે ધર્મ પાળે. એ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. હિન્દુધર્મ તો નાસ્તિકનો પણ સ્વીકાર કરે છે. માણસ સ્વભાવ અને વલણ મુજબ જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ પસંદ કરતો હોય છે. એ વ્યક્તિની પોતાની પસંદગી હોય છે. એમાં બીજા કોઈએ વચ્ચે નહીં આવવું જોઈએ. સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારની બળજબરી એ ધર્મથી વિરોધી બાબત છે. બળજબરી હોય ત્યાં ધર્મ હોઈ શકતો નથી.

છેલ્લી ત્રણ સદીમાં એક નવો વ્યાપક સંદર્ભ, પણ ઊભો થયો છે − તે લોકશાહી રાજ્યરચનાનો. રાજાશાહી, બાદશાહી કે કોઈ પણ પ્રકારના એકહથ્થુ શાસનની જગ્યાએ લોકશાહી રાજ્યરચના વધુ માનવતાવાદી હોઈ શકે છે. કારણ કે તેમાં બંધારણ અને કાયદાનું શાસન નિર્ણાયક હોય છે.

ધર્મક્ષેત્રમાં પણ મૂળતત્ત્વો સિવાયની બાબતોમાં બંધારણ અને કાયદાનું શાસન જ મહત્ત્વનું રહેવું જોઈએ. બંધારણ માનવ અધિકારોના રક્ષણ માટે હોય છે. લગ્નપ્રથા અને લગ્નસંસ્થા, કાયદાભંગની સ્થિતિ, સ્ત્રીઓ સાથે કે નીચલી ગણાતી જાતિ-જ્ઞાતિ સાથેના વ્યવહારોમાં ધર્મના રીતરિવાજોને બદલે બંધારણના નિયમો જ લાગુ પડી શકે, એ ધર્મની બાબતો નથી, માનવઅધિકારની બાબતો છે, દા.ત. અસ્પૃશ્યતા. આ બાબતોમાં ધર્મને વચ્ચે નહીં લાવવો જોઈએ.

ઈસ્લામમાં વ્યાજ ન લેવું એવી ભલામણ છે. દોઢ હજાર વર્ષ પહેલાં સમાજને જાળવી રાખવા એ જરૂરી હતું. વ્યાજ ન લેવા પાછળ ખ્યાલ એ હતો કે બીજાને મુશ્કેલીમાં મદદરૂપ થવું જોઈએ, એનું વળતર ન લેવાય. આજે બેકીંગ પદ્ધતિ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રવેશી છે. બધા ધર્મના લોકો વ્યાજ લે છે કે આપે છે. પરિસ્થિતિ બદલાતા આ બદલાયું છે. એમાં ધર્મતત્ત્વનો ભંગ નથી. આજે શિક્ષણ, માંદગી, રોજ-બ-રોજની સુવિધાઓ અને સેવાઓ સરકાર અને અનેક સામાજિક સંસ્થાઓ નિ:શૂલ્ક આપે છે. એમાં નબળાને મદદરૂપ થવાની ભાવના જળવાય છે.

ધર્મના ક્ષેત્રમાં શબ્દોને નહીં વળગવું જોઈએ, એની પાછળનાં ભાવના, આદર્શ કે ધ્યેયને સ્વીકારવાં, સમજવાં જોઈએ. છૂટાછેડાનો કાયદો પિતૃપ્રધાન સમાજમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને ઘડાવો જોઈએ. એમાં ધર્મ વચ્ચે આવતો નથી. દરેક ધર્મ સૌ પ્રત્યે કરુણા અને માનવીય ગૌરવની વાત કરે છે તો તેમાં મહિલાઓના ગૌરવની બાદબાકી કેવી રીતે હોઈ શકે ? સતીપ્રથા, બહુપત્નીત્વ, સ્ત્રીઓના હકો એ ધાર્મિક મુદ્દો નથી સમાજવ્યવસ્થાનો, માનવીય ગૌરવનો મુદ્દો, તમામ નાગરિકને સ્પર્શતો મુદ્દો છે.

કોઈ પણ વિષય, તત્ત્વ કે રચનામાં અમુક પરિસ્થિતિમાં ખાસ હેતુથી અમુક બાબતો ગોઠવાયેલી હોય છે. તેમાં ચિરકાલીન તત્ત્વો હોય છે એમ જ તત્કાલીન જરૂરિયાત હોય છે. પરંતુ સમય જતાં મૂળ (ચિરકાલીન) તત્ત્વોને બદલે વ્યવહારો, પરંપરાઓ, રીતરિવાજો મુખ્ય બની જાય છે. એને જ ધર્મ ગણવાનું પણ શરૂ થઈ જાય છે. એમાંથી એને જાળવવાનું ઝનૂન ઊભું થાય છે.

ધર્મ અને ઝનૂન તદ્દન વિરોધી શબ્દો છે. તમામ ધર્મો તો ઉદાર, સહિષ્ણુ અને કરુણાળુ થવાનું શીખવે છે. પણ થાય છે એથી ઊલટું. તમામ ધર્મોમાં આ માટે સંઘર્ષો થયા છે. એ ધર્મવાળાએ જ એ ધર્મના લોકોને પજવ્યા કે પીડ્યા હોય છે. કોઈ વાર તત્કાલીન જરૂરિયાત માટે સદીઓ પહેલાં કહેવાયું હોય એને નવા સંદર્ભમાં બદલવાની મોકળાશ પણ હોવી જોઈએ. માનવતા મુખ્ય છે, રીતરિવાજ કે ઉપાસના પદ્ધતિ નહીં.

કોઈ પણ ધર્મમાં પૂજારી, પાદરી, મૌલવી કે ધર્મગુરુઓ રચાય છે. કારણ કે તેઓ અમુક ધારા-ધોરણો, વ્યવહારો, રીતરિવાજોને જાળવવાનું કામ કરે છે. પરંતુ તેમના શબ્દોને આખરી નહીં ગણવા જોઈએ. તેઓ પણ માનવીય મર્યાદાઓથી, અહંકાર, સ્વાર્થ કે ઈર્ષાથી ભરેલા હોઈ શકે છે. તેઓ પોતાનું સ્થાન મજબૂત રાખવા ધર્મતત્ત્વોને ગૌણ પણ ગણતા હોઈ શકે છે. એટલે વીસમી સદીના મહાન સાધક રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે, ‘દાણો બંધાય માટે ફોતરાં જરૂરી હોય છે, પણ આપણે ફોતરાં નહીં, દાણા ખાઈએ છીએ.’ આ વિવેક ધર્મક્ષેત્રમાં જાળવવા જેવો છે.

લોકશાહીના નાગરિક તરીકે આપણે ધર્મનાં મૂળ તત્ત્વો(સત્ય-પ્રેમ-કરુણા)ને પારખવા અને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂજારી, પાદરી કે મૌલવીઓએ જો ધર્મનાં મૂળતત્ત્વો આડે પડદો ઊભો કર્યો હોય તો એને પારખીને હટાવવો જોઈએ. જે કોઈ આપણે સત્ય-પ્રેમ-કરુણા સુધી લઈ જાય તેનો આદર કરીએ, પરંતુ જેઓ આપણને સંકુચિત, અભિમાની કે વિદ્વેષી બનાવે તેનાથી વેગળા થવું જોઈએ.

ધર્મતત્ત્વો અને એની ઉપાસના-પદ્ધતિ અને રીતરિવાજો એક નથી. રીતરિવાજો અને ઉપાસના પદ્ધતિઓનું મહત્ત્વ ત્યાં સુધી જ છે કે એ આપણને ધર્મતત્ત્વ સુધી લઈ જાય.

આજે માસમીડિયાનું ગાંડું પૂર આવ્યું છે. તેથી અસ્પષ્ટતા, ગેરસમજ, સંદર્ભરહિત હકીકતો, આખી વાતમાંથી ઉતરડીને અમુક જ બાબતને ઉપસાવવી આ બધું શક્ય બન્યું છે. કરુણતા એ છે કે લોકો વગર વિચાર્યે એને સ્વીકારે છે.

ધર્મક્ષેત્ર એવું શ્રદ્ધાક્ષેત્ર છે કે લોકો તપાસવા કે વિચારવાને બદલે માનીને બધું સ્વીકારી લે છે. રામકૃષ્ણ પરમહંસે બહુ વાજબી કહ્યું છે કે, ‘જેમ રૂપિયો સાચો છે કે બોદો એ ખખડાવીને લો છો એમ ગુરુને ખખડાવીને પસંદ કરવો જોઈએ.’ નહીં તો પૂજારી, પાદરી, મૌલવી આપણી આંખે પાટા બંધાવી દે એવું પણ બની શકે છે.

રાજકીય પક્ષો પણ જીતવાના સ્વાર્થમાં ગમે તેવાં વિધાનો, અવલોકનો કે અભિપ્રાયો રજૂ કરતા હોય છે. એના કેન્દ્રમાં સત્તા અને સ્વાર્થ હોય છે. પણ આપણે કાળજુ ઠેકાણે રાખીને એમને સાંભળવા જોઈએ. જે વિચાર કે અભિપ્રાય રાષ્ટૃને અને સમાન્ય જનને સમૃદ્ધિ, સ્વસ્થતા અને શાંતિ આપી શકે તેવો હોય તેનો જ સ્વીકાર કરવો જોઈએ. ધર્મનાં વાઘાં પહેરાવીને વહેંચાતા વિચારોને પારખતાં અને છોડતાં શીખવું એ આજની ગંભીર આવશ્યક્તા છે.

બહુ સાદી રીતે કહીએ તો જે જોડે, વિરોધને શમાવે અને સંવાદિતા વધારે એ જ ખરો ધર્મ છે. એ સિવાયનું ધર્મતત્ત્વ સિવાયનું છે. આપણે આવા કાળમાં દાખલ થઈ ચૂક્યા છીએ એ ધર્મના ભેદ વિના તમામ નાગરિકોએ સમજવું પડે તેમ છે.

06 જુલાઈ 2022

e.mail : mansukhsalla@gmail.com

C/403, Surel Apartment, Judges’ Bunglows area, AHMEDABAD – 380 015, India

Loading

સમગ્ર રંગભૂમિની માફક પીટર બ્રૂકનું મહાભારત માનવ પરિસ્થિતિનું અસામાન્ય વૃતાન્ત હતું

અશોક વાજપાઈ • અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|8 July 2022

અંતિમ સત્ય હોતું નથી એવું જ્ઞાન ધરાવતા અવકાશના જાદુગર

ભારતમાં પીટર બ્રૂક મહાભારતની એમની ચિરસ્મરણિય પ્રસ્તુતિ માટે ખાસ જાણીતા છે. આ નવ કલાક લાંબી નાટકીય પ્રસ્તુતિનો પ્રથમ ખેલ ૧૯૮૫માં ફેલ્ટીવલ ડૅ’વિન્યોંમાં થયો હતો. નસીબે એ ટાણે મને આમંત્રણ મળેલું અને પથ્થરની ખાણમાં, ઊભા કરાયેલાં પ્રાગૈતિહાસિક પરિવેશ વચ્ચે નાટક નિહાળવાનો મને લહાવો મળેલો.

સ્વાભાવિકપણે નાટક પૌરાણિક અને વાસ્તવિકને એકીકૃત કરવામાં સફળ રહ્યું હતું. ભારતમાં સંવેદનશીલ ઢબે કહેવાતું, આ નાટકને મંચ પર સમગ્ર માનવતાની અનંત ગાથા તરીકે રજૂ કરવામાં આવેલું. મને, એક ભારતીય તરીકે, આ અદ્ભૂત રજૂઆતે ભાન કરાવેલું કે ખરેખર મહાભારતમાં આખો માનવ ઇતિહાસ સમાયેલો છે. જે મહાભારતમાં નથી તે ક્યાં ય નથી!

ખંડિત સમયમાં સંયોજનોની રંગભૂમિ : ૧૬ દેશોમાંથી ૨૧ અભિનેતાએ, જેમાંથી અમુકે એકથી વધુ ભૂમિકા ભજવેલી, માનવીય દુર્દશા, મૂર્ખતા, આકાંક્ષા, નિષ્ફળતા, ભવ્યતા, સૌંદર્ય, વિશ્વાસઘાત, વિસંગતિ, હિંસા, મિથ્યાભિમાન, વિજય અને પરાજય દર્શાવતી અસાધારણ પરિમાણો ધરાવતી માનવ કથાની ભજવણી કરી.

ખંડિત અને ઊંડા ઘા પડેલા સમયમાં પીટર બ્રૂકે એવી રંગભૂમિ ઊભી કરવાનો પ્રયત્ન કરેલો જે આપણા ઘા ભરીને આપણને ગૌરવસભર અસ્તિત્વની ખાતરી આપે. જે સમયે એક મહાન કવિ વિલાપ કરતા હતા કે તે “કશાંને કશાં સાથે જોડી શકતાં નહોતા”, બ્રૂકે એવી રંગભૂમિ રચવાની પહેલ કરી જે આપણા કાળને વિતેલા કાળ સાથે, ઇતિહાસને પુરાણકથા સાથે અને નિષ્ફળતાને અર્થસૂચકતા સાથે જોડી શકે.

અસાધારણ પરિમાણો : પોતાની રંગભૂમિ મારફતે એમણે માનવ દશાનું અસાધારણ વૃતાન્ત પ્રતિપાદિત કર્યું. શૅક્સપિયરથી ઍટાર સુધીની નાટકીય વાચનાઓની વિશાળ શ્રેણીને પોતાના વ્યાપમાં સમાવતી બ્રૂકની રંગભૂમિ વૈશ્વિક હતી.

બ્રૂક માટે વાસ્તવિક્તા બહુલ અને સંકુલ હતી, જેનું સરલીકરણ અને સામાન્યીકરણ સંભવ નહોતું. આમે ય, તમામ રંગભૂમિ એ આશામાં માનવ વિશિષ્ટતાઓ તરફ લક્ષ્ય સાધે છે કે રંગભૂમિની પ્રક્રિયામાંથી પસાર થઈને વિશિષ્ટ છે તે સર્વવ્યાપક્તા પ્રાપ્ત કરશે. કર્મઠતા સાથે બ્રૂક્સ ના કેવળ ઘટનાસ્થળ, પરંપરા, પ્રથા, સ્મૃતિ, વગેરે પર કામ કરતા, પરંતુ તે તમામની વણ કહેવાયેલી, ઘણી વખત સહેલાઈથી દેખાય નહીં એવી માનવીયતાને જાળવવાની જહેમત લેતા. માનવ અને એની તમામ રંગછટાઓ એમના રંગભૂમિ સંબંધી દર્શનનું ખરું ક્ષેત્ર હતા.

લગભગ ૪૦ વર્ષો પૂર્વે ભારતના તત્કાલીન પ્રધાન મંત્રી ઈન્દિરા ગાંધીના હસ્તે ભોપાલ ખાતે ભારત ભવનના ઉદ્ઘાટન પ્રસંગે બ્રૂક એકમાત્ર વિદેશી મહેમાન હતા. શોમ્બુ મિત્રા, હબીબ તનવીર, વિજયા મહેતા, એન.સી. જૈન અને બી.વી. કારન્થ જેવાં રંગભૂમિની હસ્તીઓની નિગરાની હેઠળ બ્રૂકે થોડા દિવસો રંગભૂમિ સંબંધી કાર્યશિબિર ચલાવી હતી.

બ્રૂક સ્વાભાવિકપણે ધીરજ ધરાવતા માણસ હતા. એ ઉતાવળ ટાળતા અને જ્યાં સુધી ઈચ્છિત પરિણામ મળે નહીં ત્યાં સુધી રાહ જોતા! એ કાર્યશિબિરમાં ચહેરા પર સંઘર્ષ, સમાનુભૂતિ અને જ્ઞાનના સંગમથી ઉદ્ભવેલી પ્રતિભાવાળા ગ્રીક સાધુ જેવાં મને બ્રૂક લાગ્યા.

પૅરિસમાં બ્રિટિશર : એમણે ખાસ્સી સાહસિકતા અને દૂરાગ્રહથી હસ્તક્ષેપ કરીને સંકીર્ણ પણ અત્યંત સફળ એમના સમયની બ્રિટિશ રંગભૂમિને ઝડપથી વૈશ્વિકીકરણ તરફ ધપતા વિશ્વ સંદર્ભે ખુલ્લી મૂકવાનો પ્રયત્ન કરેલો. કાળક્રમે એમણે સ્થળાંતર કરી પૅરિસમાં ડેરાતંબુ તાણ્યા.

બ્રૂક અવકાશ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હતા. એમના નાટકોનું મંચન કરવા એમણે અનેક પ્રકારના અવકાશનો ઉપયોગ કર્યો : પ્રોઝૅનિયમ થિયેટરથી જંગલમાં વૃક્ષો કાપી ખુલ્લી કરેલી જગ્યા સુધી. એમના મુજબ કોઈ પણ પ્રકારના અવકાશને રંગભૂમિની ઉર્જાથી ભરવો શક્ય હતો, તેઓ માનતા કે અભિનયની ખુદની અવકાશ વિષયક ઉપસ્થિતિ હતી અને તે અવકાશનું એક ધબકતું પરિમાણ હતું.

પૅરિસમાં ઘૅર ડુ નો નજીક એમનાં પોતાના થિયેટર હાઉસમાં, વચ્ચે પાણીના કુંડ સાથે, બ્રૂકનું નાટક નિહાળતા મને સમજાયેલું કે બ્રૂક અવકાશના જાદુગર છે: કોઈ પણ અવકાશને રંગભૂમિના અવકાશમાં પરિવર્તિત કરવાની એમને ફાવટ હતી.

એમના નાટકોમાં હંમેશાં રસલક્ષી પૂર્ણતા હોતી. સાથે જ નૈતિક પ્રશ્નો પ્રત્યે પણ એ ખુલ્લા રખાતા. માનવજાતિની નૈતિક દ્વિધાઓ હંમેશાં, દુર્ભાગ્યપણે કદાચ અનંત હોય છે એવા એમના દશર્ન સાથે એ અનુરૂપ હતું. અંતિમ સત્ય જેવું કંઈ હોતું નથી અને હોય જ ન શકે.

બ્રૅક્ટ વિરોધી : બીજા રંગભૂમિ સંબંધી દાર્શનિક બરટૉલ્ટ બ્રૅક્ટ વિરુદ્ધ બ્રૂકની વ્યગ્રતા રાજકીય કરતાં કદાચ વધુ આધ્યાત્મિક હતી. રાજકારણથી તૂટતા જતા વિશ્વમાં બ્રૂકે માનવ પરિસ્થિતિનો નૈતિક સંદર્ભે સર્વસમાવેશક પરંતુ અપૂર્ણ ખ્યાલ રાખવાનો પસંદ કર્યો. એમની રંગભૂમિની પ્રશ્નાત્મકતા નિ:સંદેહ નૈતિક હતી અને માનવ પરિસ્થિતિને પ્રભાવિત કરતું એકમાત્ર પરિબળ રાજકારણ હતું.

એક રીતે જોતા એમનું દર્શન કરુણતાસભર હતું : એમને ઘા રુઝવવા હતા, દ્વિધાઓનું નિરાકરણ લાવવું હતું, વિરોધાભાસોનું સમાધાન કરવું હતું, પરંતુ, વક્રોક્તિ એવી કે રંગભૂમિ માત્ર પ્રયત્ન અને સંઘર્ષ કરી શકતી અને લગભગ હંમેશાં એમાં નિષ્ફળ રહેતી. મહાભારતના વ્યાસની માફક હાથ ઊંચકીને પીટર બ્રૂક નિરાશામાં ઉદ્ગાર કરી શકતા હતા, “મને કોઈ સાંભળતું નથી”. ભર્યું ભર્યું જીવન અને કારકિર્દી બાદ ૯૭ વર્ષે બ્રૂકે ફાની દુનિયામાંથી વિદાય લીધી છે. એમના મૃત્યુથી રંગભૂમિ જગતમાં શૂન્યાવકાશ સર્જાયો છે.

મૂળ અંગ્રેજી લેખ પ્રગટ : “ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા”, જુલાઈ 5, 2022

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

વરહાદનો નિબંધ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 July 2022

કાવ્યકૂકીઝ

હું પ્રાઈમરીનો ઈ-સ્ટુડન્ટ છું. મારા માસ્તરે વરહાદ પર નિબંધ લખવાનું કીધું છે તે લખતો છું. હાચું તો એ છે કે મને વરહાદ ગમતો નથી ને વરહાદ પર લખવાનું હો ગમતું નથી. તે એટલે કે હું મારો વરહાદ પાડું તે માસ્તરને ગમતું નથી. હું 2022નો વરહાદ પાડું તો એ મને માર્ક ની આપે. એને તો 1950ની નિબંધમાળામાં જે વરહાદ છે તે જ કાગળ પર પડવો જોઈએ, પણ હું તો મારો જ વરહાદ પાડા. ઢોર, તું શીદને ચિંતા કરે? માસ્તરે કરવું હોય તે કરે – એવું મારા ફાધર મને કે'તા હોય છે. શું છે કે મને વરહાદ દીઠો ગમતો નથી, પણ નિબંધ લખવો હોય તો ગમાડવો પડે છે ને લખવું પડે છે કે ભીના થવાની મઝા પડે. અમણાં કઉં તે મઝા પડે !

ઉપરવાળો લીંબું પીધું હોય તેમ બધું ભીનું કરે તેમાં મઝા હું પડે? મને તો કડાકા ભડાકા થાય તે હો ની ગમે. આપણામાં ને પેલા ચૂંટણી સરઘસમાં કોઈ તો ફેર હોય કે ની? આ વીજળી થાયને તે હો મને તો સિલિન્ડર ફાટતું હોય તેવું જ લાગે છે, જો ! વરહાદથી અનાજ પાકે તેવું કે'ય છે, પણ એ કૈં હાચું નથી. અનાજ ચોમાહામાં જ પાકતું હોય તો ઉનાળામાં હો ડોઝરું તો ભરાય જ છેને ! એટલે એવું કૈં નથી કે બધું વરહાદમાં જ થાય છે. મને બઉ વરહાદ પડે તે બે જ વાર ગમે. એક તો સ્કૂલે જતાં પહેલાં પડે તો ! ને બીજીવાર સ્કૂલમાં હોઉં ત્યારે પડે  તો, કારણ રજા પડી જાયને ! આમ તો તેલ લેવા હું જ જાઉં છું, પણ વરસતા વરહાદમાં મધર કાંદાના ભજિયાં બનાવે તે ફાધરના ખાતાં વધે તો મને હો મળે છે. મને બઉ ભાવે. મારા ફાધરને હો વરહાદ ની ગમે. એ તો ઘરની બા'ર હો ની નીકળે, તો હો ભગવાનને બે હાથ જોડીને કે'ય કે પાણી પાડતો જ રે’જે. જોઈએ તો બે લીંબું વધારે પીજે, પણ વરસતો રે’જે, હમયજો? ફાધરને એક ખોટી ટેવ એ છે કે એ બારે મહિના રસ્તા પર પાણી રેડતા જ રે'ય છે. ચોમાહામાં વરહાદ ધોધમાર પડતો હોય તો હો સડક પર પાણી છાંટવાનું ચૂકતા નથી ને જેટલું કીચડ થાય તેટલી એમને ખુશી વધારે થાય છે, તેમાં જો કોઈ પઈડું તો, તો બઉ દાંત કાઢે ને ભગવાનને કે'તા ફરે કે વરહાદ બઉ પાડ ને માણહોને હો પાડ !

તે એટલા માટે કે એ હાડવૈદ છે ..

000

('સંદેશ'ની મારી હળવી કોલમ)

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,4651,4661,4671,468...1,4801,4901,500...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved