Opinion Magazine
Number of visits: 9671847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આચાર્યશ્રી કુંજવિહારી મહેતા શતાબ્દીના પ્રારંભે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 July 2022

આજે 14 જુલાઇ, 2022. આચાર્યશ્રી કે.સી. મહેતા સાહેબનો 100મો જન્મદિન ! એમની સ્મૃતિને કોટિ કોટિ વંદન. 

શતાબ્દી વર્ષ દરમિયાન મહેતા સાહેબને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો, ડો. બી.એ. પરીખની અધ્યક્ષતામાં રચાયેલી ‘આચાર્યશ્રી કે.સી. મહેતા શતાબ્દીપર્વ સમિતિ’ દ્વારા થવાના છે. આ સમિતિની રચના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના નેજા હેઠળ કરવામાં આવી છે. આ સમિતિના મંત્રીઓ નરેશ કાપડીઆ અને આસીમ બક્ષી છે, જ્યારે કાર્યક્રમ સમિતિ, નાણાં સમિતિ, ગ્રંથ સંપાદન સમિતિના કન્વીનર અનુક્રમે કપિલદેવ શુક્લ, રાજન ભટ્ટ તથા રવીન્દ્ર પારેખ છે.

આજના પર્વે એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના કે.સી. મહેતા સેમિનાર હોલમાં સાંજે 5.30 કલાકે ‘મહેતા સાહેબ અને હું’ નામક કાર્યક્રમ ડો. બી.એ. પરીખ(દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય)ની અધ્યક્ષતામાં અને સોસાયટીના પ્રમુખ રાજેશ દેસાઇના અતિથિવિશેષ પદે થશે, જેમાં ડો. વિજય શાસ્ત્રી, ડો. હિમાંશી શેલત, ડો. શરીફા વીજળીવાળા, કશ્યપ મહેતા, ભાનુભાઇ જોશી, જયપ્રકાશ મહેતા સંસ્મરણો પ્રસ્તુત કરશે. વર્ષ દરમિયાન મહેતા સાહેબનું જે ક્ષેત્રોમાં પ્રદાન છે તે સંદર્ભે પણ કાર્યક્રમો થશે અને વર્ષને અંતે સાહેબ સાથેનાં સંસ્મરણોનું એક સંપાદન પણ પ્રગટ થશે.

આજના ઝડપી સમયમાં માણસ બહુ સહેલાઈથી ભુલાઈ જતું હોય ત્યારે મહેતા સાહેબ 100 વર્ષે પણ યાદ રહે એવી એમની સહજ પ્રતિભા હતી. એમને ઘરમાં અને કોલેજમાં કામ કરતા જોયા છે, સમારંભોમાં અધ્યક્ષ સ્થાનેથી વક્તવ્ય આપતા જોયા છે, એમ અનેક રીતે ને રૂપે સાહેબને પામવાનું બન્યું છે. 1939થી 1945 એ એમ.ટી.બી.ના વિદ્યાર્થી રહ્યા. જો કે, એમનો વિદ્યાર્થી કાળ બહુ ખબર નથી. હા, એમના માતા એમને બચુ કહેતાં ને, ’બચુ આવ્યો નહીં’ જેવું કહીને નવસારીના ઘરમાં રાહ જોતાં એ ખબર છે. સાહેબ, 1946થી 1969 સુધી અધ્યાપક અને 1969થી 1983 સુધી આચાર્ય એમ.ટી.બી.માં જ રહ્યા. એ ઉપરાંત છેવટ સુધી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવનનું સફળ સંચાલન પણ કર્યું ને એના જ પરિપાક રૂપે સોસાયટી આજે યુનિવર્સિટીનો સ્વતંત્ર દરજ્જો પ્રાપ્ત કરી શકી છે.

સાહેબે પોતાની ભક્તિ કરાવી નથી, પણ એ ગુરુભક્તિ ચૂક્યા નથી. સાક્ષરવર્ય ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના એ પરમ અને પ્રિય શિષ્ય. વિષ્ણુભાઈ માટે તેમણે છેલ્લા પુસ્તક ‘સાહિત્યકુંજ’માં બે લેખ લખીને ગુરુભક્તિ પ્રગટ પણ કરી છે. આચાર્ય ડો. યશવંત શુક્લ પણ ત્રિવેદી સાહેબના વિદ્યાર્થી. આ ત્રણેયને 1983માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે એક જ મંચ પર એકત્રિત કરવાનું નિમિત હું બનેલો તેનું ગૌરવ છે. વાત એમ હતી કે નર્મદનું એ સાર્ધ શતાબ્દી વર્ષ હતું. મને વિચાર આવ્યો કે સુરતમાં સાહિત્ય પરિષદનું અધિવેશન થવું જોઈએ. આ વાત મેં મિત્ર રાજન ભટ્ટને કરી. તેણે વાત વહેતી કરી ને તેનાં પરિણામ સ્વરૂપ અધિવેશન નક્કી થયું. એની સમિતિ રચાઇ. તેના અધ્યક્ષ ઉદ્યોગપતિ રણછોડદાસ પોપાવાળા બન્યા ને કાર્યકારી અધ્યક્ષ થયા મહેતા સાહેબ. એના ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષ હતા ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને પરિષદના પ્રમુખ હતા આચાર્ય ડો. યશવંત શુક્લ. આ ત્રણેયને એક મંચ પરથી સાંભળવાનો પણ લહાવો હતો.

1965થી હું છપાતો થયેલો. વહેતી વાર્તાનો એક કાર્યક્રમ હતો. એમાં એક પ્રકરણ રજૂ કરવાનું આમંત્રણ મને પણ હતું. સાહેબ એ કાર્યક્રમના અધ્યક્ષ. એમને કદાચ ત્યારે જ જોવાનું બનેલું. અધ્યક્ષ સ્થાનેથી એમણે કથાને વેગ આપવા બદલ મને બિરદાવેલો, પણ પ્રકરણમાં બબ્બે વાર અકસ્માતનો આશરો લેવો પડ્યો તે બદલ મારી ટીકા પણ કરેલી. એ જ સાહેબ મન મૂકીને વખાણતા પણ ખરા. ‘ગુજરાતમિત્ર’માં ત્યારે સાહેબની ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ ચાલતી. એ કૉલમ એક પણ હપ્તો પાડયા વગર તેમણે સતત 33 વર્ષ એવી ચલાવી કે એમના મૃત્યુ પછી પણ ત્રણેક હપ્તા સુધી એ ચાલુ રહેલી. સોંસરું ને સ્પષ્ટ લખે. ઘણાંને ગમે, ઘણાંને ન પણ ગમે. એ કૉલમ ચાલુ હતી ને મેં એ જ ‘ગુજરાતમિત્ર’માં શિક્ષણ વિષયક એક લેખમાળા શરૂ કરી. એક કાર્યક્રમમાં સાહેબ અધ્યક્ષ. એમણે મારા લેખોની પ્રશંસા કરી. કાર્યક્રમ પૂરો થયા પછી સાહેબ મને શોધતા આવ્યા ને મને થપથપાવતા કહે – શિક્ષણમાં તમારો રસ જોઈને આનંદ થાય છે. હું શું કહું? આભારવશ.

કોઈ વાર યશવંતભાઈ પણ હોય ને ત્રિવેદી સાહેબને ત્યાં અમે ભેગા થતા. ડો. રતન માર્શલ, કવિ વિવેચક ને મારા અધ્યાપક ડો. જયંત પાઠક, મહેતા સાહેબ, ભગવતીકુમાર શર્મા, મનહરલાલ ચોક્સી એમ પાંચ સાત લેખકો નૂતન વર્ષની સવારે ભેગા મળતા ને એમ અમારું નવું વર્ષ શરૂ થતું. ત્રિવેદી સાહેબ હતા ત્યાં સુધી આ ક્રમ જળવાયેલો, પછી તો મહેતા સાહેબે પણ 30 જાન્યુઆરી, 1994 ને રોજ અણધારી વિદાય લીધી. આખું સુરત આઘાતથી સ્તબ્ધ થઈ ગયું. ડો. જયંત પાઠકની અધ્યક્ષતામાં નર્મદના મકાનમાં મહેતા સાહેબની શોકસભા થઈ. એ દિવસે અંજલિ આપતા પાઠક સાહેબની આંખો મેં ઝળઝળિયાતી જોયેલી. એ આખો દિવસ હું એ વિચારતો રહેલો કે મૃત્યુ માણસનું બગાડે છે શું? એ બીજું કૈં કરતું નથી, માત્ર ભવિષ્ય પર ચોકડી મારે છે. એક વ્યક્તિ હોત અને એણે જે કર્યું હોત, તે શક્યતાનો જ મૃત્યુ છેદ ઉડાડે છે.

મહેતા સાહેબ એટલે ગરજ વગરની મદદ !

એમણે એટલા બધાંની મદદ કરી છે કે ઘણાંને આગળ વધવાના માર્ગો ખૂલી ગયા હોય તો નવાઈ નહીં.  વિદ્યાર્થીને ત્યાં સારેમાઠે પ્રસંગે સાહેબ જાતે પહોંચતા ને એમની હાજરી જ આશ્વસ્ત કરનારી નીવડતી. 1977માં મેં બી.એ.ની પરીક્ષા આપી. તેનું એક પેપર સાહેબ પાસે હતું. મારું પેપર વાંચીને સાહેબે નવયુગના સૂરતી સાહેબને ફોન કર્યો. પૂછ્યું – આ નંબરનો વિદ્યાર્થી કોણ છે? સાહેબે કહ્યું – એ અમારો વિદ્યાર્થી છે ને લખે છે. મહેતા સાહેબે કહ્યું – એમને મને મળવાનું કહો. હું ભગવતીકુમાર શર્માની સાથે એમને મળ્યો. સાહેબ કહે – એમ. એ. કરો. બી.એ.માં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા છો, તો એમ.એ.માં પણ આવશો. મેં કહ્યું – સાહેબ, હું તો બેંકમાં નોકરી કરું છું. કોલેજ નહીં આવી શકું. એમણે કહ્યું – જ્યારે અનુકૂળતા હોય ત્યારે આવજો ને મેં રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે એમ.એ. કર્યું. એ દરમિયાન મારી બાનું અવસાન થયું. હું ભાંગી પડ્યો હતો. બાના સમાચાર જાણીને સાહેબ ઘરે આવ્યા. હું ત્યારે ઘરે ન મળ્યો. બીજે દિવસે સાહેબનો આભાર માનવા ઓફિસે પહોંચ્યો. એમણે પૂછ્યું – તમે પરીક્ષા આપવા નથી માંગતા? એવું ન કરો. પરીક્ષા આપી દો. એમનું માનીને મેં પરીક્ષા આપી અને એમ.એ.માં પણ હું યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલ પામ્યો.

સાહેબનો વર્ગમાં કડપ ભારે. માત્ર દૃષ્ટિ ફેરવીને એ વર્ગને શાંત રાખી શકતા. એક વખત સાહેબે વર્ગમાં વાત છેડી. વિશ્વ સામે ધરી શકાય એવા ગુજરાતી સર્જકો કેટલા? ઉમાશંકર ને નિરંજન ભગત. મેં બેઠા બેઠા જ નકારમાં ડોકું ધૂણાવ્યું. સાહેબે પૂછ્યું – મારી વાત બરાબર નથી? મેં કહ્યું – એમાં સુરેશ જોશી ઉમેરવા જોઈએ. સાહેબે મને સોંસરો જોયો અને બોલ્યા – હા, વિશ્વ સામે ધરી શકાય એવા સર્જકો ત્રણ, ઉમાશંકર, નિરંજન અને સુરેશ જોશી. સાહેબે એમનો મત ન સ્વીકારવા બદલ મને ઠપકાર્યો હોત, પણ એમણે એવું ન કર્યું. એમણે સૌની સામે મારો મત સ્વીકાર્યો. આ ખેલદિલી આજે વર્તાતી નથી.

‘સાહિત્યકુંજ’, ’અનુબોધ’, ‘સાહિત્યરંગ’ જેવાં અગિયારેક પુસ્તકો સાહેબને નામે છે. એમણે વાર્તા, નાટક જેવા સાહિત્યપ્રકારો ઉપરાંત વિવેચનમાં પણ રસ લીધો. એમ લાગે છે કે અધ્યાપન અને વહીવટી કામોમાં એ એટલા ઓતપ્રોત રહ્યા કે સાહિત્ય સર્જન અને વિવેચનને વેઠવાનું આવ્યું. એ ન થયું હોત તો એમનું સ્પષ્ટ અને સત્ય વક્તૃત્વ જેમ શિક્ષણ અને સંસ્કારને ફળ્યું એમ જ સાહિત્યને પણ ફળ્યું હોત ! એ લોકપ્રિય હતા, પણ લોકપ્રિય રહેવા એમણે કોઈ સમાધાન સ્વીકાર્યું નથી. એકવાર કોલેજમાં વિદ્યાર્થીઓ આંદોલન કરશે એ ભયે પોલીસ કેમ્પસમાં પ્રવેશવા તૈયાર થઈ, તો એમણે પોતાના જોર પર તેને રોકી. તેમને વિદ્યાર્થીઓ પર ભરોસો હતો. સોસાયટીએ સાહેબને સમજાવ્યા કે પોલીસને આવવા દો. સાહેબે રાજીનામું ધરવાની વાત કરી ને પોલીસને કેમ્પસમાં પ્રવેશતી રોકી. આ સ્વસ્થ ખુમારીને લીધે જ નવનિર્માણના વિદ્યાર્થીઓ પણ સાહેબના કાબૂમાં રહ્યા. સાહેબને કોઇની શરમ નડી નથી, પણ તેમણે શરમ છોડી હોય એવો અપવાદ પણ નથી. યુનિવર્સિટી તો પછી આવી, પણ સાહેબની કુલપતિ કક્ષાની સજ્જતા તો તે પહેલાંની હતી. સાહેબ કુલપતિ થઈ શક્યા હોત, પણ તે માટેની ખુશામતનો તેમનામાં અભાવ હતો, એટલે એ તો એ પદની કલ્પના ય કેમ કરે?

નવસારીમાં 14 જુલાઇ, 1923ને રોજ કુંજવિહારી મહેતાનો જન્મ. તલાટી પિતા ચુનીલાલ ગુલાબદાસ મહેતા અને માતા કપિલાબહેનનું એ પ્રથમ સંતાન. તે પછી એક બહેન ઉષાદેવી અને એક ભાઈ કૃષ્ણકાંત મહેતા. કૃષ્ણકાંતભાઈ તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચીફ એકાઉન્ટન્ટ હતા. નવસારીમાં મહેતા સાહેબનું ઘર પંડયા ખડકીમાં. સાહેબ 19 વર્ષનાં હતા ત્યારે પિતાની છાયા ગુમાવી દીધી. ઘરનો ભાર કુંજવિહારી પર આવ્યો. સાધારણ રીતે સાહસ કરનાર સ્વસ્થ ન રહે, પણ સાહેબ સ્વસ્થ સાહસિક હતા. 1950માં તપોધન કન્યા લીલાબહેન રાવલ સાથે એમણે પ્રેમ લગ્ન કર્યાં. લગ્નનો વિરોધ થયો, પણ સાહેબે મચક ન આપી અને એ લગ્ન છેવટ સુધી ટક્યું. કુટુંબ સુરત આવીને વસ્યું એટલે નવસારીનું ઘર ખાલી પડ્યું. વર્ષો પછી એ ઘર કપાતમાં જતું હતું. બીજું કોઈ હોત તો વળતરની અપેક્ષાએ કુટુંબીજનો વાંધો લઈ શક્યાં હોત, પણ મહેતા સાહેબના દીકરા કશ્યપ અને દીકરી સ્વાતિએ રસ્તો પહોળો થતો હતો એટલે લોકહિતમાં અવેજ લીધા વિના સુધરાઈને સંમતિ આપી ને સુધરાઇએ પણ એ માર્ગને કુંજવિહારી મહેતા નામ આપીને સાહેબની સ્મૃતિ સજીવ રાખી.

સાહેબ વિષે વિચારું છું ત્યારે એક સવાલ થયા કરે છે કે માણસ મૃત્યુ પછી પણ જીવતો રહે છે તે કયાં કારણે? મહેતા સાહેબ, હજી લોકહૃદયમાં વસે છે. કેમ? એ અધ્યાપક હતા એટલે? આચાર્ય હતા એટલે? સોસાયટીના મંત્રી, સંચાલક હતા એટલે? કોલમો લખી, પુસ્તકો લખ્યાં એટલે? આવું તો ઘણાં કરે છે, પણ સ્પષ્ટ, સત્ય ને સોંસરું કહો તો અપ્રિય થવાની શક્યતાઓ વધે. મહેતા સાહેબ એમાં અપવાદ હતા. એમણે કશા સ્વાર્થ વગર સમગ્ર શિક્ષણ અને સંસ્કાર જગતને મદદ કરી છે. એ વાત સાહેબને બીજી વ્યક્તિઓથી અલગ તારવે છે. એવી વ્યક્તિ લોકપ્રિય ન થાય તો કોણ થાય?

છેલ્લે એક પ્રાર્થના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને. મહેતા સાહેબ અનેક સ્વરૂપે અને રીતે 1939થી 1994 સુધી એમ.ટી.બી.આર્ટ્સ કોલેજ અને સોસાયટી સાથે જોડાયેલા રહ્યા. એમના દીકરા કશ્યપ મહેતાએ પણ સોસાયટીનું અધ્યક્ષપદ સંભાળ્યું. એમની દીકરી સ્વાતિ મહેતા પણ કે.પી. કોમર્સમાં અધ્યાપક રહી ચૂકી છે. ટૂંકમાં, મહેતા સાહેબ અને તેમનો પરિવાર સોસાયટી સાથે પચાસથી પણ વધુ વર્ષથી સઘન સંપર્કમાં છે, તો સાર્વજનિક યુનિવર્સિટીની સાથે મહેતા સાહેબનું નામ જોડવું જોઈએ એમ લાગે છે. સોસાયટી જ્યારે મહેતા સાહેબની શતાબ્દી ઉજવતી હોય તો એમની સ્મૃતિ આમ કાયમી થાય એથી વિશેષ અંજલિ બીજી કઇ હોઈ શકે? આશા છે, એમ.ટી.બી., સોસાયટી અને આચાર્ય કે. સી. મહેતા શતાબ્દીપર્વ સમિતિ આ અંગે ગંભીરતાથી વિચારશે. આભાર.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જુલાઈ 2022

Loading

ન્યાયતંત્ર માત્ર અને માત્ર બંધારણને પ્રતિબદ્ધ

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2022

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રામન્નાએ અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધતા કહ્યું હતું કે ભારતમાં શાસક પક્ષ ઈચ્છે છે કે તે જે કાંઈ કરે તેને ન્યાયતંત્ર કબૂલ રાખે અને વિરોધ પક્ષો ઈચ્છે છે કે તેઓ જેનો વિરોધ કરે છે તેને ન્યાયતંત્ર કબૂલ રાખે છે, જ્યારે કે ન્યાયતંત્ર માત્ર અને માત્ર બંધારણને પ્રતિબદ્ધ છે. બહુ મુદ્દાની વાત તેમણે કરી છે. બંધારણમાં આવી જ જોગવાઈ છે, બંધારણ ઘડનારાઓની આવી જ અપેક્ષા હતી અને એ જ ન્યાયતંત્રનો ધર્મ છે. નિમણૂક પામેલા જજસાહેબો જજ તરીકે સોગંદ લેતી વખતે પણ આ જ વાતના સોગંદ લે છે. આ સિવાય નાગરિકશાસ્ત્રમાં પણ આ જ શીખવવામાં આવે છે.

તો પછી આમાં નવું શું છે? જાહેરમાં આ વિષે ઊહાપોહ કરવાની શી જરૂર પડી? ન્યાયતંત્ર માત્ર અને માત્ર બંધારણને વફાદાર હોવું જોઈએ એ દેખીતી રીતે અપેક્ષિત છે. નવું એ છે કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બીજા પાસેથી અપેક્ષા રાખે છે કે મહેરબાની કરીને અમને કફોડી સ્થિતિમાં ન મૂકો. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું પણ છે કે લોકશાહીમાં દરેક શાસનસંસ્થાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને મર્યાદા ન ઓળંગવી જોઈએ. તેમણે દુઃખ સાથે કહ્યું હતું કે આઝાદીનાં ૭૫ વરસ પછી અને દેશ પ્રજાસત્તાક થયો તેનાં ૭૨ વરસ પછી પણ શાસનસંસ્થાઓ મર્યાદાઓનો લોપ કરે છે.

દરેક શાસનસંસ્થાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને મર્યાદા ન ઓળંગવી જોઈએ. પણ સાહેબ, આ તો અપેક્ષા થઈ. વાસ્તવિકતાનું શું? શું બંધારણ ઘડનારાઓ માત્ર અપેક્ષા રાખીને ગયા હતા કે પછી અપેક્ષાભંગ થાય તો તેનું નિરાકરણ કરવાની કોઈ જોગવાઈ પણ કરતા ગયા છે? તેઓ એવી જોગવાઈ અને તેનું નિરાકરણ કરવાનો અધિકાર અથવા સત્તા કોને આપીને ગયા છે? જવાબ છે; ન્યાયતંત્રને અને મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતને. બંધારણમાં આવી સ્પષ્ટ જોગવાઈ છે અને સર્વોચ્ચ અદાલત પાસે અધિકાર અને સત્તા બન્ને છે. બંધારણ ઘડનારાઓને ખબર હતી કે લોકશાહીમાં લોકશાહી સંસ્થાઓ મર્યાદાઓનો લોપ કરતી રહે છે. ક્યારેક જાણીબૂજીને, ક્યારેક સ્વાર્થવશ તો ક્યારેક અનાવધાને. અદાલતો પણ મર્યાદા ઓળંગે છે. એવું જ્યારે થાય ત્યારે તેનો ઈલાજ કરવાનું કામ ન્યાયતંત્રનું અને મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતનું છે. બહુ સ્પષ્ટ જોગવાઈ છે. ત્યાં સુધી કે સર્વોચ્ચ અદાલત કોઈની અરજી વિના, પોતાની જાતે, સુ મોટો હસ્તક્ષેપ કરી શકે છે.

આ બાજુ ન્યાયતંત્ર અનાવધાને કોઈ ભૂલ કરી બેસે એવી શક્યતા નહીંવત્ છે, કારણ એ છે કે ત્યાં ખુલ્લી અદાલતમાં બધાની સામે દલીલો કરવામાં આવે છે. કોઈ પણ ઘટનાની દરેક બાજુ વકીલો કે પક્ષકારો દ્વારા રજૂ કરવામાં આવે છે. દેશ અને દુનિયામાં આવી જ સ્થિતિમાં અપાયેલા ચુકાદાઓ પ્રમાણ તરીકે રજૂ કરવામાં આવે છે. આ સિવાય અખબારો અને બીજાં માધ્યમોમાં ચર્ચા થાય છે. ન્યાયાધીશોએ કોઈ નિર્ણય ઉતાવળે રાતોરાત લેવાનો હોતો નથી, શાંતિથી બન્ને પક્ષોને કે જેટલા પક્ષો હોય એ દરેકને સાંભળ્યા પછી નિર્ણય લેવાનો હોય છે. વળી મહત્ત્વની બાબત એક કરતાં વધુ જજોની ખંડપીઠ સાંભળે છે એટલે પણ ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે. અને છેલ્લે બંધારણ નામનો અંતિમ પ્રમાણનો ગ્રંથ તો તેમની પાસે હોય જ છે. ન્યાયતંત્રનું પ્રતીક જ ત્રાજવું છે જે તોળવાનું કામ કરે છે. ન કોઈને વધારે ન કોઈને ઓછું. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ અનાવધાને ભૂલ કરી બેસે એવી શક્યતા નહીંવત્ છે.

માટે બંધારણ ઘડનારાઓએ દુરુસ્તીનું કામ સર્વોચ્ચ અદાલતને સોંપ્યું છે. બંધારણ ઘડનારાઓને જાણ હતી કે લોકતંત્ર નામનાં શરીરમાં વ્યાધિઓ આવતી રહેવાની છે એટલે કોઈ એક કાયમી દાકતર જોઈએ, જે દરેક પક્ષને ધીરજપૂર્વક સાંભળીને નીરક્ષીર વિવેક કરે અને ઈલાજ કરે. તેને એવો અબાધિત અધિકાર પણ આપવામાં આવ્યો છે. શબ્દપ્રયોગ પર ધ્યાન આપવામાં આવે, અબાધિત અધિકાર. આ સિવાય માત્ર અધિકાર નહીં તેનો આ ધર્મ છે એમ પણ કહેવામાં આવ્યું છે. પક્ષપાત વિના ઈલાજ તબીબનો ધર્મ છે અને તબીબ ધર્મ ચૂકી ન શકે એવાં જે હિપોક્રેટીક સોગંદ તબીબે લેવા પડે છે એમ જજ પણ લે છે. લોકોએ આરોગ્ય કેમ જાળવવું જોઈએ અને જીવન જીવવામાં કેવી રીતના સંયમ પાળવા જોઈએ એ વિષે તબીબ રોટરી ક્લબમાં કે અન્યત્ર ક્વચિત સલાહ આપશે, પણ રોગનો ઈલાજ કરવાનું એ ચૂકતો નથી. જજ પાસેથી પણ એવી જ અપેક્ષા છે. સલાહ જરૂર આપો, ઊહાપોહ કરો (જે રીતે મુખ્ય ન્યાયમૂર્તિએ અમેરિકામાં કર્યો), શાબ્દિક ફટકારો; પણ ઈલાજ કરો.

દેશનું ન્યાયતંત્ર અને સર્વોચ્ચ અદાલત આ કરે છે? એક કરતાં વધુ જજોની પીઠ હોવા છતાં, દરેક પક્ષ અને દરેક બાજુને સાંભળવા માટે જોઈએ એટલો સમય હોવા છતાં, આગળનાં ચુકાદાઓનાં પ્રમાણ તરીકે આધાર હોવા છતાં, બંધારણ નામનું અંતિમ પ્રમાણનું બાયબલ સામે હોવા છતાં કેમ સર્વોચ્ચ અદાલત ઈલાજ કરતી નથી? મહેરબાની કરીને તમારી અપેક્ષાઓ લઈને અમારી પાસે નહીં આવો અને આવો તો આવો, પણ અમારા ઉપર દબાણ નહીં લાવો એવી કાકલૂદી શા માટે? ખોટી અપેક્ષાઓને ફગાવી દેવાનો તમને અધિકાર છે અને દબાવમાં નહીં આવવાનું રક્ષાકવચ પણ છે. જો અદનો નાગરિક કોઇથી ડર્યા વિના સ્પષ્ટ અભિપ્રાય આપવાની હિંમત ધરાવતો હોય તો તમારી પાસે તો અધિકાર અને સત્તા બન્ને છે. ઉપરથી રક્ષાકવચ છે. અદના નાગરિક પાસે તો આમાનું કાંઈ જ નથી.

તો શું ખૂટે છે? દેશનું લોકતંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે કે પછી લોકતંત્રનો ઈલાજ કરવાનું કામ જેને સોંપવામાં આવ્યું છે એ તબીબ નિષ્ફળ નીવડી રહ્યો છે? બીજા પાસેથી અપેક્ષા તો નિરાધાર અદનો નાગરિક રાખે, જ્યારે તમારી પાસે તો અધિકાર અને રક્ષાકવચ એમ બન્ને છે. જો નિરાધાર નાગરિક બંધારણીય ભૂમિકા લઈ શકે, તાકાતવાનોને પડકારી શકે તો તમે કેમ તે ન કરી શકો? તમારી પાસે તો પદ, પ્રતિષ્ઠા, સત્તા અને બંધારણીય સંરક્ષણ એમ બધું જ છે. સરકારને ઊઠબેસ કરાવો તો પણ કોઈ તમારો વાળ વાંકો કરી શકે એમ નથી. બીજી બાજુ તીસ્તા સેતલવાડ જેવાં અદના નાગરિકો પાસે પોતાનાં અંતરાત્માનો અવાજ, કાયદાના રાજ માટેની પ્રતિબદ્ધતા, અન્યાયરહિત સમાજ માટેની નિસ્બત વગેરે મૂલ્યોની ગાંસડી સિવાય બીજું કશું જ નથી. તેઓ નિરાધાર હોવા છતાં ય બંધારણચિંધ્યા મૂલ્યોની ગાંસડી ફગાવી દેતા નથી, પણ સર્વોચ્ચ અદાલતના જજો ફગાવી દે છે.

દેશ માટે ચિંતાનો વિષય આ છે. લોકતંત્રનું એટલી હદે ક્ષરણ થયું છે કે લાચાર મુખ્ય ન્યાયમૂર્તિ બીજાઓ પાસેથી મર્યાદાના પાલનની અપેક્ષા રાખે છે કે જેથી સર્વોચ્ચ અદાલતના જજોની ન્યાયનિષ્ઠાની કસોટી ન થાય. તેમની આબરૂની કસોટી ન થાય. સર્વોચ્ચ અદાલતના અને વડી અદાલતોના જજોની આવી કસોટી પહેલીવાર નથી થઈ રહી. ઇન્દિરા ગાંધીના સમયમાં પણ જજોની આવી કસોટી થઈ હતી. ત્યારે પણ અનેક જજો પાણીમાં બેસી ગયા જે રીતે આજે જોવા મળી રહ્યું છે. ત્યારે પણ ન્યાયમૂર્તિ એચ.આર. ખન્ના જેવાઓએ સામી છાતીએ ન્યાયધર્મનું પાલન કર્યું હતું અને તેની કિંમત ચૂકવી હતી. કોઈકે યોગ્ય સૂચન કર્યું હતું કે સર્વોચ્ચ અદાલતની લોનમાં ન્યાયમૂર્તિ ખન્નાની પૂરા કદની પ્રતિમા સ્થાપવી જોઈએ.

સ્થાપિત હિતોનો સ્વભાવ છે કે તે કાયદાકીય તેમ જ નૈતિક મર્યાદાઓનો લોપ કરે. રેલવેમાં ચોથી સીટ ઉપર બેસવાનો ઉતારુનો અધિકાર હોવા છતાં ત્યાં કોઈ ન બેસે અને તમારી મોકળાશ જતી ન રહે એ માટેના પ્રયત્નો તમે કરો છો એના જેવું. આ સ્વાભાવિક છે. બીજી બાજુ ચોથી સીટ જો કોઈ ઉતારુને જોઈતી હોય તો તેણે તે સીટ પચાવી પાડનારા પાસેથી માગવી પડે અને ક્યારેક તે માટે ઝઘડવું પડે છે. પોતાના કાયદાકીય અધિકાર માટે લડવું પડે છે. પણ કાયદાનું રક્ષણ ન મળે તો? તો પછી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ જોવાનું કામ જેને સોંપવામાં આવ્યું છે તેની પાસે ધા નાખવાનો અર્થાત્ અદાલતમાં જવાનો માર્ગ બચે છે. લોકતંત્રમાં અથવા સભ્ય સમાજમાં આ છેલ્લો આશરો છે. બંધારણ ઘડનારાઓને સમાજના સ્વભાવની જાણ હતી જ. માટે તેમણે મર્યાદાભંગ કરવામાં ન આવે એવી અપેક્ષા માત્ર નહોતી રાખી, એ મર્યાદાલોપ ન કરી શકે અને કરે તો તેને તેની જગ્યા બતાવવામાં આવે એની પણ તજવીજ કરી હતી. અને જો છેલ્લો આશરો પણ નાગરિક સાથે વિશ્વાસઘાત કરે અને ન્યાય કરવામાં નિષ્ફળ નીવડે તો? તો સમજી લેવું કે સંસ્કારિતા અને સભ્યતાનો અંત આવી ગયો છે. આપણે ધીરે ધીરે એ દિશામાં જઈ રહ્યા છીએ.

અત્યારે દેશમાં સ્થાપિત હિતો પહોળા થઈ રહ્યા છે. જેને કાયદાની અમલબજાવણીનું કામ સોંપવામાં આવ્યું છે એ હવે સ્થાપિત હિતોના ભાગીદાર જોવા મળે છે. જેમનું કામ જાહેરહિત માટે ઊહાપોહ કરવાનું છે એ મીડિયા અત્યારે સ્થાપિત હિતોની માલિકીનાં છે. લોકતાંત્રિક સંતુલન જાળવનારી સી.એ.જી. કે ચૂંટણીપંચ જેવી લોકશાહી સંસ્થાઓ પાણીમાં બેસી ગઈ છે. ઊંટની પીઠ પરનાં છેલ્લાં તણખલા સમાન સર્વોચ્ચ અદાલત સહિત અદાલતોના જજો કાં તો ડરીને અથવા વેચાઈને મોઢું ફેરવી રહ્યા છે. છેલ્લી આશા અને છેલ્લો આશરો પણ ખતમ થઈ રહ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ રામન્ના બાવીસ વરસથી જજ છે. ૨૦૧૪થી સર્વોચ્ચ અદાલતમાં છે. તેમની નજર સામે સર્વોચ્ચ અદાલતના જજોએ બંધારણવિરુદ્ધ ચુકાદા આપ્યા છે. તેમની નજર સામે જજો વેચાયા છે. તેમની નજર સામે કરોડરજ્જુ વિનાના જજોએ સામાન્ય નાગરિકને અન્યાય કર્યો છે. માત્ર તીસ્તા સેતલવાડો કે જિગ્નેશ મેવાણીઓ જેવાં પારકી છઠ્ઠીના જાગતલ હિંમતથી સ્થાપિત હિતોનો મુકાબલો કરી રહ્યાં છે.

છેલ્લા કેટલાક વખતથી એક નવી રમત જોવા મળી રહી છે. ન્યાયની ખુરશીમાં બેઠા હોઈએ ત્યારે સાચવીને ચુકાદા આપવાના કે જેથી અંગત લાભથી વંચિત ન રહેવાય કે અંગત નુકસાન ન થાય, પણ જાહેરમાં લોકતાંત્રિક આદર્શોની મોટી મોટી વાતો કરવાની. બંધારણ અને મૂલ્યો માટેની નિસ્બત માત્ર જાહેરમંચ પર બતાવવાની. આ રીતે પાપ નહીં ધોવાય, મી લૉર્ડ.

[07-07-2022] 

Loading

કુંજવિહારીને –

રવીન્દ્ર પારેખ|Poetry|14 July 2022

ખોટું હતું તમારું નામ 
કુંજ તો હજી ય ચાલે
પણ વિહારી?
તમે પોતે કુંજ
ને તમે જ વિહાર કરો
એ ગળે ઊતરતું નથી
ક્યારેક તમે જ બહારથી
તમારામાં વિહારે નીકળ્યા હો 
નામને સાર્થક કરવા એમ બને
કુંજની પ્રસન્નતા ખરી
પણ તમે હસ્યા ઓછું
હસી કાઢ્યું ઘણું
પણ જે હતું તે 
તમારી આંખોમાં –
તમે આંખોમાં જ વસતા હતા
હથિયારની ચમક હતી એમાં
ઘા ક્યારેક દૃષ્ટિથી જ થતો
ને પરિણામ ઘવાવામાં આવતું
ખુન્નસ ઉગામ્યું જ નહીં
નહીંતર ઘણો સંહાર થઈ શક્યો હોત
ચહેરા પર કેવળ કરડાકી
એટલી ખડકાળ કે 
આંગળી મૂકો તો ટશર ફૂટે
વાણી અગ્નિદાહ જેવી 
બાળતી પણ શુદ્ધ કરતી
તમે શબ્દોથી સફાઈ અભિયાન ચલાવ્યું
જાહેર થયા ત્યારે અંગત પણ રહ્યા
તમે પોતે જ શસ્ત્રાગાર જેવા 
એટલે જ તો શતાબ્દીથી જીવો છો
તમને યાદ કરવા પડે એવું નથી
શ્વાસ કોઈ યાદ રાખીને લે છે !
તમે યોદ્ધા છતાં હિંસા રોકી
શિસ્ત આંખોથી જ ફેલાવ્યું
જે કરડાકી લોહી ટપકાવે
તેણે રક્તદાન કર્યું
જરૂર તમને ય હતી
પણ તમે બીજાની જરૂર રહ્યા
ખોટી દિશામાં દોડનારને 
તમે રોક્યા 
ન ચાલી શકનારને દોડાવ્યા
તમે વજ્રથી કઠોર હતા
પણ હૃદય કોમળ હતું
તે બીજાનાં આંસુ ઝીલવાથી !
કોઈ વ્યક્તિ સંસ્થા પણ હોય
તે તમે સિદ્ધ કર્યું
તમે નિવૃત્ત થયા જ નહીં !
હજી નથી થયા
ને થાવ એવું લાગતું નથી
કોઈએ આટલું બધું ન જીવવું જોઈએ
પણ એમાં દોષ તમારો નથી
તમે ઇચ્છો કે ન ઈચ્છો 
આ જગત તમને મરવા દે એમ નથી
અમે રહીએ કે ન રહીએ
તમે રહેશો
તમે જ નહીં રહો તો 
આ ધરતીને ય
કયું કારણ છે રહેવાનું 
તે કહેશો …?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,4601,4611,4621,463...1,4701,4801,490...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved