Opinion Magazine
Number of visits: 9672122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોતીકું લાગતું ઘર મકાન-મિલકત બની જવાની વ્યથા

આરતી નાયર|Opinion - Opinion|13 August 2022

આશિષ કક્કડથી ઉંમરમાં બે દાયકા નાનાં, પણ તેમનાં અત્યંત નિકટનાં મિત્ર એવાં લેખિકા આલેખે છે એ ઘરનો મહિમા, જે આશિષ કક્કડના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંને આબાદ વ્યક્ત કરતું હતું.

—

એ ઘરની પહેલી મુલાકાત મારી કલ્પનાથી તદ્દન વિપરીત રહી હતી. તે શહેરના એક જાણીતા કલાકાર હતા. હું માંડ બે-એક મહિનાથી એમને ઓળખતી હતી અને એમના વિશે એટલું જાણી ચૂકી હતી કે તે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા અતરંગી માણસ હતા. મને હતું કે તેમનું ઘર ખૂબ જ કલાત્મક હશે અથવા મસ્ત મજાનો મોટો બંગલો હશે. પણ કાટ ખવાઈ ગયેલો ઝાંપો ધીમેથી ખોલીને, આડેધડ ઊગી નીકળેલાં ડાળી-ડાળખાં રસ્તામાંથી હટાવતાં ઘરમાં હું ઘરમાં દાખલ થઈ, ત્યાં જ મને સમજાઈ ગયું કે આ કંઈક અલગ છે. ઘરના વરંડામાં અઢળક લીલોતરી હતી, પણ વ્યવસ્થિત બગીચા જેવી નહીં. ઝાડવાં તેમની મરજી પ્રમાણે ઊગી નીકળ્યાં હતાં. ઘરના મુખ્ય બારણા પાસે ઠીક ઠીક કટાયેલો એક હીંચકો હતો, જેની છત પરનાં કેટલાંક નળિયાં તૂટેલાં હતાં.

એમણે ચહેરા પર સ્મિત સાથે બારણું ખોલ્યું અને ઉષ્માપૂર્વક ભેટ્યા. અમારી વચ્ચે ઉંમરમાં વીસ વરસનો તફાવત હતો. છતાં જે સહજતાથી અમે ભળી ગયેલાં, એની મને પણ નવાઈ લાગી. ઓરડામાં ખૂણામાં સોફા પડ્યો હતો. હું હજી બેસું એ પહેલાં જ તેમણે ચોખવટ કરી, “બધું જરા અસ્તવ્યસ્ત લાગશે. પણ હું આમ જ રહું છું. એટલે તું આરામથી બેસ.”

“બિલકુલ નહીં,” મેં ખોટેખોટું કહ્યું. અમારી વચ્ચેના નાના ટેબલ પર ઢગલાબંધ વસ્તુઓ ખડકાયેલી હતી. જેમનું કવર પણ ખૂલ્યું ન હોય એવાં મૅગેઝિન, નહીં ખોલાયેલાં કુરિયર, બૅન્કના ચેક ને ચેકબૂક, ધૂળ ખાતાં પુસ્તકો, કોરી ડાયરીઓ, બિઝનેસ કાર્ડ અને એચ.પી.નું એક જૂનુંપુરાણું કાળું લૅપટોપ. પુસ્તકો મને હંમેશાં આકર્ષે. તે પડ્યાં હોય તો જોવાનું મન થાય જ. ખડકલામાંથી મેં એક પુસ્તક ઉઠાવ્યું, ત્યાં તો કેટલીક ચોપડીઓ નીચે પડી. તરત તેમણે કહ્યું, “કશો વાંધો નહીં. ચાલ્યા કરે.” મેં ક્ષોભ સાથે કહ્યું, “સૉરી! હું જરા ક્લમ્ઝી (અથડાવા-કુટાવા-પડવા-આખડવાવાળી) છું.” તે હસીને કહે, “ડોન્ટ વરી. મારું પણ એવું જ છે.”

તેમના ઘરના પડદા આછા પીળા રંગના હતા. પાછળ દીવાલો પણ એ જ રંગની હતી. દીવાલ પર ચાર ફોટા હતા, જે તમામ તેમનાં સ્વર્ગસ્થ માતા-પિતાના હતા. મેં એ લોકોના અવસાન વિશે પૂછ્યું (તે કેન્સરમાં મૃત્યુ પામ્યાં હતાં) અને કહ્યું કે તેમનો ચહેરો બિલકુલ તેમના પપ્પા જેવો લાગતો હતો. વાતચીત દરમિયાન એમણે મને કૉફી માટે પૂછ્યું. મેં તેમને મારા કૉફીપ્રેમ વિશે કહ્યું. પછી અમે ડાઇનિંગ ટેબલ પર વાતો કરવા બેઠાં. તેની ફરતે પાંચ ખુરશી હતી. મને થયું, ઘરમાં માણસ એક ને તેને આવડા મોટા ડાઇનિંગ ટેબલની શી જરૂર હશે? જો કે હું બોલી નહીં.

એ દિવસે તેમના ઘરેથી નીકળી ત્યારે મને વિશિષ્ટ પ્રકારની હૂંફની અનુભૂતિ થઈ રહી હતી. ઘર ભલે ઘણી રીતે વેરવિખેર હતું, પણ તેના વાતાવરણમાંથી જાણે મારા માટે આવકાર ઊઠતો હતો. એ ઘર આગળ જતાં મારું ઘર બની રહેવાનું હતું— મારું મજબૂત આશ્રયસ્થાન.

આ ઘરે જ હું ટેબલ ટેનિસ રમતાં શીખી. ઘરના ઉપરના માળે, એમના બેડરૂમની સામેના ઓરડામાં ટેબલ રાખેલું હતું. અમે ત્રણ-ચાર મિત્રો ત્યાં રમવામાં નિયમિત હતાં. રમતાં પહેલાં અને પછી અમે સૌ ધાબા પર બેસીને વાતો કરતાં. હું આ ઘરમાં જ ફિલ્મોને માણતાં શીખી. એમની પાસે એક ટેરાબાઇટની હાર્ડ ડિસ્કમાં દુનિયાભરની ઉત્તમ ફિલ્મોનો ખજાનો હતો. માજિદ મજીદી, ચૅપ્લિન, તથા હિન્દી અને અંગ્રેજી ભાષાની કેટલીક ઉત્તમ ફિલ્મો વિશે મેં અહીંથી જ જાણ્યું હતું. ફિલ્મ જોયા પછી અમે અમારા પ્રતિભાવ અને અનુભૂતિ વિશે ચર્ચા કરતાં.

અમારી મિત્રાચારીનાં શરૂઆતનાં પાંચ વરસ દરમિયાન આ ઘર મારા ઘરેથી બીજે ક્યાં ય જતાં-આવતાં વચ્ચે કરવાનું સ્ટેશન બની ગયું. ઑફિસેથી, મિત્રોના ઘરેથી કે બહાર જમવા ગયા પછી પાછા ઘરે જતાં કે ત્યાર પહેલાં તેમને ફોન કરું. જો એ ઘરે હોય તો હું ઊડતી મુલાકાતે પહોંચી જાઉં. ‘હું ત્યાં મુલાકાતે જાઉં’ એમ કહેવું જરા વિચિત્ર લાગે છે. કારણ કે, એ ઘર લગભગ મને ખેંચતું. એકાદ વાર ત્યાં ન જઉં, તો જાણે દિવસ અધૂરો લાગતો. તેમને મળવું તો મને બહુ ગમતું જ. સાથોસાથ, તે એક એવું ઠેકાણું હતું જ્યાં હું કોઈ પણ જાતના ભાર કે બંધન વિના મારું અસ્તિત્વ અનુભવી શકતી. ત્યાં કોઈ સવાલ ન હતા ને કોઈ અપેક્ષા પણ નહીં.

જ્યારે પણ કોઈ પાર્ટીનું કે મિત્રોના મેળાવડાનું આયોજન કરવાનું હોય, એ કહી દેતા, ‘આપણા ઘરે રાખીએ.’ એ ક્યારે ‘આપણું ઘર’ બની ગયું એની સરત જ ન રહી. પણ એ અહેસાસ બહુ મીઠો હતો. જીવનમાં તેમની રીત હતીઃ નાનામાં નાની બાબતોને ઊજવવી. બૅન્કનું કામ પત્યું? તો અમે સેવ-પૂરી ખાઈને પાર્ટી કરતાં. ત્યારે મારું સ્ટાર્ટ અપ ચાલતું હતું. એટલે કોઈ રોકાણકાર સાથે મારી મિટિંગ સરસ જાય કે કઠણ લાગતી બ્લૉગ પોસ્ટ લખાઈ જાય તો અમે ડેઝર્ટ બનાવતાં. મારો બૉયફ્રેન્ડ સી.એ.ના પહેલા ગ્રૂપમાં પાસ થયો ત્યારે અમે તેની ઊજવણી કરી હતી—અને પછી બે વાર નાપાસ થયો ત્યારે પણ ઊજવણી તો ખરી જ. તેમના મિત્રો, મારા મિત્રો, અમારા મિત્રો … બસ, કાયમ જાણે પાર્ટી જ પાર્ટી. તેમના ઘરે મળતી મોકળાશથી મને વિચાર આવતો કે આટલી મુક્ત અને અંકુશમુક્ત તો કદાચ હું મારા ઘરમાં પણ ન રહી શકું—મારા ખાસ મિત્રો સાથે પણ નહીં.

આ ઘરમાં તૂટેલી વસ્તુઓ કાયમ એ જ અવસ્થામાં રહેતી. ફર્નિચર, બાથરૂમના નળ, રસોડાના કબાટ … પણ આ તો વસ્તુઓની વાત થઈ. માણસો માટે તો આ ઘર ચાર્જિંગ સ્ટેશન જેવું હતું. તમામ પ્રકારના લોકો ત્યાં આવતા અને હામ, હૂંફ તથા હૈયાધારણ મેળવતા.

આ જ ઘરે મારા બૉયફ્રેન્ડ (અને હવે મારા પતિ) હેમિલે વર્ષ ૨૦૧૭માં મારી બર્થ ડેની સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી. આંખે પટ્ટી બાંધીને એ મને “અજાણી જગ્યાએ” લઈ જવા નીકળ્યો. છતાં, તેના ઍક્ટિવાના દરેક વળાંકે અમે ક્યાં જઈ રહ્યાં છીએ તે વિશેની મારી ખાતરી પાકી થતી જતી હતી. મને ગૂંચવવા માટે તેણે લાંબો રસ્તો પસંદ કર્યો. છતાં, કટાયેલો ઝાંપો ખોલ્યા પછી તેણે મને ઢાળ હોવાથી સહેજ સાચવીને ડગ માંડવા કહ્યું, એટલે તરત જ મેં કહ્યું, ‘મને ખબર જ હતી.’ મારી આંખે પટ્ટી બંધાયેલી જ હતી. રસ્તામાં આવતાં ડાળીડાળખાં મારા હાથને સ્પર્શતાં હતાં. ઘરના બારણા પાસે પાર્ક કરેલા બાઇક પર હાથ ગયો. હવે તો સરપ્રાઇઝ જેવું કશું રહ્યું જ ન હતું. છતાં મેં આંખ પરથી પટ્ટી ખોલી ત્યારે આંખમાંથી આંસુની દડી પડ્યાં. એ રૂમમાં હું જેને ખૂબ ચાહતી હતી એવા તમામ લોકો— મારાં મમ્મી-પપ્પા, દાદી, મિત્રો— હાજર હતાં. અને ઘરના માલિક? એ કોઈ પણ પ્રકારના માલિકીપણાના ભાવ વિના એક ખૂણે ઊભા હતા. વર્ષગાંઠનું આ સરપ્રાઇઝ હું કદી નહીં ભૂલી શકું.

આ ઘર માત્ર મારા માટે જ નહીં, એમના ઘણા મિત્રો માટે કાયમ ખુલ્લું રહેતું. મને હજુ યાદ છે. તેમના એક મિત્ર ફક્ત તેમને મળવા માટે થઈને આઠ કલાકની મુસાફરી ખેડીને આવ્યા હતા. તેમની પ્રિયતમા તેમને છોડીને ચાલી ગઈ હોવાથી તે બહુ દુઃખી હતા અને જીવનમાંથી રસ ગુમાવી બેઠા હતા. તેમને લાગતું હતું કે હવે જીવન જીવવાનો કોઈ મતલબ રહ્યો નથી. એ આવ્યા ત્યારે હું ત્યાં હતી. ખરું કહું તો થોડા સમય પછી મને તેમની કથાથી અકળામણ થવા લાગી. પણ આ ઘરમાં તેમને આવકારો અને હૂંફ જ મળ્યાં. એવું નથી કે તે ઘરે પાછા જવા નીકળ્યા ત્યારે તેમની બધી તકલીફો દૂર થઈ ગઈ હતી. પણ તેમને માનસિક વ્યગ્રતામાં થોડી શાતા તો મળી હશે.

વચ્ચે ઘણા સમય સુધી ઘરની એક ચાવી મારી પાસે રહેતી હતી. મને ખબર હતી કે તે બધાને ઘરની ચાવી આપતા નથી. હું તેમના ઘરે જતાં પહેલાં ફોન કરી લેતી, પણ તેમણે મને કહી રાખેલું કે ઘર બંધ હોય તો પણ હું જઈ શકું. એ ઘરની ચાવીને દરવાજા પાસે એવી રીતે સંતાડીને જતા કે જેથી હું ત્યાંથી લઈને બારણું ખોલી શકું. અમારી મિત્રતા પછી એટલી ગાઢ થયેલી કે એક વરસ સુધી તો ચાવી મારી પાસે બૅગમાં જ રહી. નીચેના રૂમનું નામ જ ‘આરતીનો રૂમ’ પડી ગયું હતું. હું ત્યાં વાંચતી, લખતી, મારા પ્રોજેક્ટનાં કામ કરતી અને મન હળવું પણ કરતી.

હવે એ ઘર જોયાને ઘણા મહિના થયા. છેલ્લે ત્યાં ગઈ ત્યારે તેમને કૉફિનમાં લાવવામાં આવ્યા હતા. તે એવા જ હૅન્ડસમ લાગતા હતા. પણ ઘરનો રૂમ તેના પડઘાતા હાસ્યના અવાજને બદલે હળવાં ડૂસકાંના અવાજથી ભરાઈ ગયો હતો. લગભગ તે જ ક્ષણે મને પહેલી વાર લાગ્યું કે આ ઘર હવે મકાન બની ગયું છે— એક મકાન, એક મિલકત. હા, એક જ દિવસમાં ઘરમાંથી મિલકત. એક સાથે પ્રિય વ્યક્તિ અને વહાલું આશ્રયસ્થાન બંને જતાં રહ્યાં.

હવે હું અમદાવાદમાં નથી રહેતી. એ હકીકત કદાચ મારી વ્યથાને થોડી હળવી બનાવે છે. પણ મને નથી લાગતું કે એ ઘરે ફરી કદી પણ હું જઈ શકું. તેમના ખાલીપાથી ભરેલું ઘર હું નહીં જોઈ શકું. જેને આંખે પટ્ટી બાંધી હોવા છતાં પણ હું ઓળખી ગઈ હતી, એ ઘરને હવે છતી આંખે જોવાનું મને અશક્ય લાગે છે. કારણ કે એ ઘરનો આત્મા એવા મારા દિલોજાન મિત્ર હવે નથી. એ ઊપડી ગયા છે— અચાનક અને કાયમ માટે. એમના વિના કશું પહેલાં જેવું નહીં રહે— હું પણ નહીં ને એ ઘર પણ નહીં.

છતાં, તેમની પરંપરા ચાલુ રાખવા માટે આ લેખ લખી શકાયો અને પૂરો થયો, તેની પાર્ટી તો કરવી પડશે.

મૂળ અંગ્રેજી પરથી અનુવાદ :  સુજાત

E.mail : rtnair91@gmail.com
પ્રગટ : “સાર્થક જલસો − 15”, ઑક્ટોબર 2021; પૃ. 43-46

Loading

સરકારો જ હવે સરકાર બદલતી રહે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 August 2022

હવે નવી સરકાર લોકો નથી બનાવતા. લોકો સરકાર બદલે એટલી (તા)રાજકારણીઓમાં હવે ધીરજ જ રહી નથી, એટલે સરકારો જ સરકાર બદલતી રહે છે ને સત્તા સાચવવા મથતી રહે છે. ખુરશી ટકાવવા ને ખુરશી પડાવવા પક્ષો લોહીની જેમ પૈસા વેરે છે ને એમાં કોઈ, કોઇથી ગાંજ્યા જાય એમ નથી. લોકોની જરૂર તો મત આપવા પૂરતી જ છે, કારણ કે કહેવા ખાતર પણ ભારત લોકશાહી દેશ તો છે જ, એટલે મત વગર તો તેને ચાલે એમ નથી. જનાદેશ માથે ચડાવાય પણ છે, પણ પછી જનાદેશ, જનાવરદેશ થઈને રહી જાય છે. આખો દેશ તુક્કાઓ પર ચાલે છે. હાઇકમાન, હાઇકમાન્ડ આપે તો મિનિટોમાં મંત્રીઓની વગર મંત્રે મંતરાઈ જાય છે. ગયા સપ્ટેમ્બરમાં એમ જ મોવડીઓને લાગ્યું કે ગુજરાતની સરકારે બદલાવું જોઈએ તો ચપટી વગાડતામાં જ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પાણીચું મળી ગયું ને જેમને સપનું ય પડ્યું ન હતું એવા ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી થઈ ગયા. એટલાથી મોવડીઓ ધરાય એમ ન હતા, એમણે તો સાગમટે મંત્રીમંડળ પણ બદલવું હતું, એટલે બધા મંત્રીઓને તેમના કોઈ વાંકગુના વગર બદલી કઢાયા. ટૂંકમાં, લોકો હવે સરકાર બદલે એવું રહ્યું નથી, મોવડીઓને લાગે કે રાજ્યમાં પોતાની જ સરકાર બદલવી છે તો તે બદલી શકે છે. ભા.જ.પ.ની સરકાર ગુજરાતમાં હતી, નવી ચૂંટણીને વર્ષની જ વાર હતી, પણ સરકાર બદલાઈ અને ભા.જ.પ.ની જ સરકારે શપથવિધિ ફરી એકવાર કરી લીધી. આ બધાંમાં ચૂંટણી તો ઊભી જ છે. આ બધું મફત તો થતું નથી, પણ ખર્ચ સરકારને થતો નથી, ખર્ચ લોકોને માથે પડે છે. આ દેશ આટલો ખર્ચાળ તો કદી ન હતો. ખર્ચ ઘટે, તો ટેક્સ પણ ઘટે, પણ એ બધાંમાં કોઈને હવે રસ જ નથી. ગુલાલ ને લોહી આ દેશને કોઠે પડી ગયાં છે. ખૂબ મથવા છતાં, ગુજરાત સરકારની આખી કેટ ફરી શું કામ ચિપાઈ તેનો કોઈ જવાબ ગુજરાતની અબૂધ અને ‘ભોળી’ પ્રજાને વર્ષ થવા આવ્યું તો ય મળ્યો નથી ને હવે તો આખું ગુજરાત ચૂંટણીની (રાજ)રમતોમાં સપડાયું છે એટલે સમજવાની કોઈને જરૂર પણ લાગતી નથી. પ્રજાને મંજીરાં પકડાવી દેવાયાં છે એટલે એ તો ઉજવણું હોય કે ઉઠમણું ખખડાવ્યે જ જાય છે.

એની એ સરકાર બદલીને ફરી લાવવાની મોસમ બેઠી લાગે છે. થોડા મહિનાઓ પર મહારાષ્ટ્રમાં શિવસેનાની ગઠબંધન સરકાર પાડવામાં આવી ને ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી તરીકે ખસેડીને થાણેના શિવસૈનિક એકનાથ શિંદે મુખ્ય મંત્રી થયા ને ભા.જ.પ.ના દેવેન્દ્ર ફડનવીસને ડેપ્યુટી સી.એમ.નું પદ સોંપાયું. અટકળ તો એવી પણ હતી કે ફડનવીસ જ મુખ્ય મંત્રી થાય, પણ એકનાથની સરકાર કેટલું ટકશે એ ત્યારે નક્કી ન હતું એટલે ફડનવીસને બીજે નંબરે રખાયા ને હવે દોઢેક મહિને 18 મંત્રીઓનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે ને બાળાસાહેબ ઠાકરેમાં અટક જ સરખી છે. એ તો હોય, પણ જે આદર્શો સાથે શિવસેના મહારાષ્ટ્રમાં અસ્તિત્વમાં આવી એ આદર્શ જ અભરાઈએ ચડાવી દેવામાં આવે તો તે હોય કે ન હોય, કોઈ અર્થ રહેતો નથી. વાઘના દાંત ને નખ, વાઘ જ તાસકમાં મૂકીને સ્પર્ધકને આપી દે તો વાઘ હોય કે ન હોય, સરખું જ છે. ઉધ્ધવની સરકાર દાંત, નખ વગરની થઈ. જે હિન્દુત્વના મુદ્દે શિવસેનાની મહારાષ્ટ્રમાં ઓળખ ઊભી થઈ, એ મુદ્દો જ કાઁગ્રેસ અને એન.સી.પી. સાથે બેસવાને કારણે ગૌણ થઈ ગયો ને શિવસેનાનો વાઘ મ્યુઝિયમનો વાઘ થઈને રહી ગયો. એ બાળાસાહેબના અને હિન્દુત્વના ચાહકોથી સહન થયું નહીં અને એમણે સરકાર બદલવાનું નક્કી કર્યું. શિવસૈનિકોએ જ અઘાડી સરકારની સામે પડી સરકાર બદલી અને હવે એકનાથ શિંદેની સરકાર સક્રિય થઈ છે. અગાઉની સરકારનું જોડાણ બદલાયું છે ને શિવસેના અને ભા.જ.પ.ની સંયુક્ત સરકાર અમલમાં આવી છે. એકનાથ શિંદે મુખ્ય મંત્રી તરીકે 30 જૂને શપથ લઈ ચૂક્યા હતા તે પછી 9 ઓગસ્ટે શિંદે કેબિનેટનું વિસ્તરણ થયું છે ને એની વિશેષતા એ છે કે એમાં એક પણ મહિલા મંત્રી નથી. શિંદે જૂથના નવ અને ભા.જ.પ. જૂથના નવ એમ કુલ 18 મંત્રીઓએ શપથ લીધા છે.

એક તરફ ઉદ્ધવની સરકાર ખસે છે તે સાથે કાઁગ્રેસ અને એન.સી.પી. પણ ખસે છે ને શિવસેના અને ભા.જ.પ. કેન્દ્રમાં આવે છે તો બીજી તરફ એ જ અરસામાં બિહારની સરકાર પણ બદલાય છે ને મુખ્ય મંત્રી નીતીશકુમાર ભા.જ.પ. સાથેનો છેડો ફાડી ગઠબંધન જ નહીં, મહાગઠબંધનને ખોળે બેસે છે. નીતીશકુમારને ઉપરાષ્ટ્રપતિ બનવું હતું એવું કહેવાય છે. એ ઉપરાંત 2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો એક થાય તો નીતીશકુમારમાં એમને વડા પ્રધાનપદનો ઉમેદવાર પણ દેખાય એ ઇરાદે પ્રાદેશિક પક્ષોને પાંખમાં લેવાનું વિચારાયું હોય એમ બને. એ તો જે હોય તે, પણ જે ડી યુ ની ભા જ પ  સાથેની ચાર વર્ષ ચાલેલી સરકાર બદલાઈને હવે જે ડી યુ  અને મહાગઠબંધનની સરકાર થઈ છે. રાષ્ટ્રીય પક્ષનો સાથ છોડીને નીતીશકુમારે પ્રાદેશિક પક્ષોને આશરે જવાનું કેમ સ્વીકાર્યું, તો તેનું કારણ એ કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ એ જ્ઞાન વઘાર્યું કે ભા જ પ નો ઇરાદો પ્રાદેશિક પક્ષોનો અંત લાવવાનો છે. આ વઘારનું પરિણામ એ આવ્યું કે નીતીશકુમારની છાવણીમાં પ્રાદેશિક પક્ષો એક થયા ને ભા જ પ નો જ કાંકરો બિહારમાંથી નીકળી ગયો. નીતીશકુમારને એવું લાગ્યું કે ભા જ પ  મોટો ખેલ ખેલી રહ્યો છે એટલે તેમણે એન ડી એ  છોડવાનો નિર્ણય લીધો ને કાઁગ્રેસ, આર.જે.ડી., ડાબેરી સભ્યોનો ટેકો મેળવીને નવી સરકાર રચી જેમાં મુખ્ય મંત્રી પોતે થયા ને આર.જે.ડી.ના તેજસ્વી યાદવને નાયબ મુખ્ય મંત્રી બનાવાયા. બિહારના મુખ્ય મંત્રી થવાની નીતીશકુમારને નવાઈ નથી, તેઓ આઠમી વાર મુખ્ય મંત્રી થવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. નીતીશ અને નીતિ વચ્ચે મોટું અંતર છે.

તેમાં ભા.જ.પ.ની નીતિ તો આદેશાત્મક જ હોય એટલે સ્વમાની નેતાઓને તે કઠે જ, ગરજાઉ તેને અનુકૂળ થઈ શકે, પણ નીતીશ તો ગરજાઉ છે ને સ્વમાની હોવાનો ભ્રમ પણ પાળે છે એટલે તેમને કોઇની સાથે લાંબું ન ફાવે એમ બનવાનું ને લાલસાઓ જરા ય ઓછી નથી ને નીચી પણ નથી એટલે અનંતકાળ સુધી મંત્રી રહેવા કોઈનું પણ પડખું સેવવાની તેમને છોછ નથી. મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહેવાતું હોય તો એ કોઈને પણ વફાદાર રહી શકે એમ છે. આઠમી વખત શું આઠસોમી વખત પણ મુખ્ય મંત્રી થવાનો તેમને વાંધો નથી, શરત એટલી જ કે મુખ્ય મંત્રીપદ ચાલુ રહે. મુખ્ય મંત્રી રહી શકાય ને ભા.જ.પ.નો આંકડો ગળામાંથી નીકળી જતો હોય તો જેમની સાથે વાંધો હતો એમને પણ પાંખમાં લેવાનો તેમને વાંધો નથી. કાલ ઊઠીને ભા.જ.પ.ની સાથે વળી બેસવાનું આવે તો તેનું પડખું સેવવાની ય તેમને જરા ય નાનમ લાગે એમ નથી. એ રીતે નીતીશે રાજનીતિ હોજરીમાંથી પચાવી છે. ભા.જ.પ. અને મુખ્ય મંત્રી વચ્ચે મેળ ન હતો એટલે સરકાર બદલવાનો ખેલ બિહારમાં પણ ચાલ્યો. ગુજરાતમાં પક્ષ એનો એ જ રહ્યો ને મંત્રીમંડળ બદલાયું. મહારાષ્ટ્રમાં સાથીપક્ષ બદલાયા ને મુખ્ય મંત્રી પણ બદલાયા. બિહારમાં સાથી પક્ષ બદલાયો ને મુખ્ય મંત્રી એના એ જ રહ્યા. આ બધું કેટલું કામચલાઉ અને તકલાદી છે તે કહેવાની જરૂર નથી.

આ તો નમૂના દાખલ ગુજરાત, મહારાષ્ટ્ર, બિહારનાં ઉદાહરણો લીધાં. આવું બીજા રાજ્યોમાં પણ થયું છે ને ફરી ન થાય એવો કોઈ નિયમ નથી. કેન્દ્રને પણ ગઠબંધનની સરકારોની નવાઈ નથી, પણ જે ચાલી રહ્યું છે તે જોવા-તપાસવા જેવું છે. ચાલતી સરકારોને ઘોંચ પરોણો કરવો, સરકાર બદલાતી હોય તો બદલીને પણ મુખ્ય મંત્રી બની રહેવું, પોતાની સરકાર આવતી હોય તો મુખ્ય મંત્રીને બદલીને પણ પોતાની સરકાર અથવા પોતાને ફાવતી સરકાર લાવવી … એન્ડ સો ઓન. કાલે મોવડીઓને લાગે કે ભૂપેન્દ્ર પટેલ કે તેમનું મંત્રીમંડળ ઠીક નથી, તો તે ય બદલવાનો કોઈને બહુ વાંધો ન હોય એમ બને. એ જ રીતે શિવસેનાના થોડા સભ્યોને ફોડીને એન.સી.પી. કે કાઁગ્રેસ ફરી કોઈ આજ્ઞાંકિત મુખ્ય મંત્રી લાવે તો તેવી સરકાર પણ ન જ થાય એવું કૈં નથી, તો, કાલે નીતીશકુમારને ભા.જ.પ. ફરી કોઈ લોલીપોપ પકડાવે તો મહાગઠબંધન, મહાઠગબંધન લાગવા માંડે એમ પણ બને. એમાં પ્રજાને તો તળિયું જ નથી. તેતો આંગળિયાત જેવી છે. મુખ્ય મંત્રીની આંગળી ઝાલીને તે જેની સાથે નાતરું થાય ત્યાં જવા તૈયાર છે. તે તો મત આપે કે કામ પૂરું ! પછી મંત્રી બદલાય કે સરકાર બદલાય તેણે તો આમ પણ માથે હાથ જ દેવાનો છે, તો તેવી સગવડ તો કોઈ પણ સરકાર આપે એમ છે. પ્રજા સાવ નિર્માલ્ય, સ્વમાનહીન ને મફતિયું ખાવા ટેવાયેલી છે, તેને માથે કોઈ પણ આવે બહુ ફરક પડતો નથી. કોઈ રેવડો વેચે કે ‘બેવડો’, તેને તો બધું હજમ થઈ જાય એમ છે, પણ રાજકીયપક્ષો ને સરકારો જે ખેલ ખેલે છે તે અંગે એમણે કૈં વિચારવાનું થાય છે કે વિચારવાને નામે બધાંએ જ નાહી નાખ્યું છે તે નથી ખબર.

સવાલોનો સવાલ એ છે કે સરકારનું કામ હવે મંત્રીઓ બદલવાનું કે સાથી પક્ષોને બદલવાનું, એટલું જ રહ્યું છે? સરકારોનું કામ અદલાબદલીનું જ છે કે પ્રજાકીય કામોનું પણ છે? અદલાબદલીમાં કે નવી ચૂંટણી એ રમતમાં આવી પડે તો તેમાં, પ્રજાનાં કામો, પ્રજાના પ્રશ્નો ખોરંભે ચડે એવું ખરું કે કેમ? આમ પ્રજાએ જે હેતુથી મત આપ્યા હોય ને જનાદેશ કોઈ ચોક્કસ પક્ષ સંદર્ભે આપ્યો હોય ને પછી જે નાતરાં સરકારો અમલમાં આવે છે તેમાં જનાદેશ, જનાવરદેશને જ ચીંધતો હોય તો તેનો કોઈ ઉપાય ખરો કે પ્રજાએ ભોળાભાવે જે ચાલી રહ્યું છે તેને ભીની આંખે મંજૂરી જ આપ્યાં કરવાની છે? આ રીતે બદલાતા મંત્રીઓને કે પક્ષોને સરકાર પરિવર્તનનાં કામ સિવાય બીજું કૈં કરવાનું રહે છે કે એ જ એમનું એક માત્ર ને મુખ્યકામ છે? આવી સરકારને કોઈ શરમ, કોઈ સંકોચ, કોઈ સિદ્ધાંત, કોઈ આદર્શ, કોઈ નીતિ, કોઈ ફરજ જેવું ઊંડે ઊંડે પણ ક્યાંક છે કે તેને માત્ર ઢોરની જેમ જીવ છે ને અંતરાત્મા જેવું જડમૂળમાંથી જ ઊખડી ગયું છે તે નથી સમજાતું. તમને સમજાય છે? સમજાય છે કૈં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ઑગસ્ટ 2022

Loading

નીતીશકુમારના રાજકીય પલટાઓનો કોઈ બચાવ ન થઈ શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 August 2022

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ચોથીવાર પલટી મારવાથી દેશના સેક્યુલર રાજકારણની તાકાતમાં વધારો થવાનો નથી કે દેશના વિરોધ પક્ષોની સંયુક્ત તાકાતમાં પણ વધારો થવાનો નથી. ઊલટું કદાચ એ વધારે ક્ષીણ થશે. આમાં સેક્યુલર ભારતની ચિંતા કરનારાઓએ રાજી થવાની જરૂર નથી, ઊલટું શ્રદ્ધેય રાજકીય વિકલ્પ ક્યાં છે એવા પ્રશ્નનો જવાબ આપવો તેમના માટે મુશ્કેલ બનશે.

૨૦૧૩માં નરેન્દ્ર મોદીને બી.જે.પી.ના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે નીતીશકુમારે બી.જે.પી. સાથે છેડો ફાડ્યો હતો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બિહારમાં કુલ ૪૦ બેઠકોમાંથી બી.જે.પી.ને ૨૨ બેઠકો મળી હતી. ૨૦૦૯ની લોકસભા કરતાં દસ બેઠક વધુ. આ સિવાય બી.જે.પી.ના નેતૃત્વ હેઠળના એન.ડી.એ. મોરચાના ઘટકપક્ષ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને છ બેઠક અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને ત્રણ બેઠક મળી હતી. કુલ ૪૦માંથી ૩૧ બેઠકો. નીતીશકુમારને સમજાઈ ગયું હતું કે સમય બદલાઈ રહ્યો છે અને બિહારમાં બી.જે.પી.નો ઝડપી પ્રવેશ થઈ રહ્યો છે. આવો અનુભવ અન્ય રાજ્યોમાં અન્ય પ્રાદેશિક પક્ષોને પણ થયો હતો. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં.

હવે વિકલ્પ શો? બી.જે.પી.ના જગન્નાથના રથને રોકવો કઈ રીતે? રાજકીય અસ્તિત્વ જાળવી રાખવા શું કરવું જોઈએ? ૧૯૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામો જોઇને વિરોધ પક્ષો સામે સવાલ ઉપસ્થિત થયો હતો કે કાઁગ્રેસ સામે જગ્યા બનાવવી કેવી રીતે? ૨૦૧૪ પછી સવાલ ઉપસ્થિત થયો કે બી.જે.પી. સામે જગ્યા ટકાવવી કેવી રીતે? ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી અને આ વરસે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પછી આ સવાલ વધારે આકરો બન્યો હતો. કાઁગ્રેસ સામે જ્યારે જગ્યા બનાવવાની વાત હતી ત્યારની વાત જુદી હતી અને અત્યારે બી.જે.પી. સામે જગ્યા ટકાવી રાખવાની વાત આવે છે ત્યારની વાત જુદી છે. ત્યારે વિરોધ પક્ષોના નેતાઓ (જનસંઘ/બી.જે.પી. સહિત) રામનાથ ગોએન્કાની ભાષામાં કહીએ તો ન મિલી કે સાધુ હતા અને કાઁગ્રેસીઓ ભ્રષ્ટ હતા. બધા જાણે કે દેશ માટે ફના થવા નીકળ્યા હતા અને જનતાની સેવા કરવાની ચિંતા અહર્નિશ કરતા હતા.

અત્યારે બી.જે.પી.ના નેતાઓ પાસે હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ છે અને વિરોધ પક્ષોના નેતાઓ પાસે ખરડાયેલો ઇતિહાસ છે. મુખ્યત્વે ત્રણ ચીજ તેની ઉધાર બાજુએ છે; પરિવારવાદ, તકવાદ અને ભ્રષ્ટાચાર. નીતીશકુમારની વાત કરીએ તો તેમની સામે અત્યાર સુધી ભ્રષ્ટાચારના કોઈ ગંભીર આરોપ થયા નથી, તેમના પરિવારનો કોઈ સભ્ય રાજકારણમાં નથી અને તેઓ કાર્યક્ષમ અને કાર્યદક્ષ શાસકની ખ્યાતિ ધરાવે છે. તેઓ બે દાયકાથી શાસનમાં છે પણ કાળો ડાઘ લાગ્યો નથી અને બિહાર જેવા રાજ્યની તેમણે ઠીકઠીક પ્રમાણમાં કાયાપલટ કરી છે. આ સિવાય તેઓ મિતભાષી છે. બકવાસ કરતા નથી અને આક્રમક મિજાજ ધરાવતા નથી. નરેન્દ્ર મોદીનો સામેના છેડાનો એક ઠાવકો માણસ છે. માટે દેશમાં સર્વસાધારણપણે એમ માનવામાં આવતું હતું કે બી.જે.પી.ના વિકાસના ધ્યેય વિનાના અને ગરીબ માણસ માટેની નિસ્બત વિનાના ખોખલા રાષ્ટ્રવાદનો વિકલ્પ નીતીશકુમાર બની શકે. બી.જે.પી.ને હિંદુ સર્વોપરિતા સ્થાપવા સિવાય બીજી કોઈ ચીજમાં રસ નથી અને કોઈ એક પ્રજાની સર્વોપરિતા સ્થાપવી હોય તો દેખીતી રીતે લોકતંત્ર સાથે અને કાયદાનાં રાજ સાથે ચેડાં કરવાં પડે. ભારત એવો દેશ ન રહે જેવા દેશની કલ્પના ભારતનું બંધારણ ઘડનારાઓએ કરી હતી.

જો ભારતને બંધારણમાં કલ્પવામાં આવ્યો છે એવા દેશ તરીકે ટકાવી રાખવો હોય તો એમાં નીતીશકુમાર કામમાં આવે એમ છે. નરેન્દ્ર મોદીના હિંદુ ચહેરા સામે નીતીશકુમારને સર્વસમાવેશક ભારતના ચહેરા તરીકે રજૂ કરી શકાય. શરૂ શરૂમાં અરવિંદ કેજરીવાલ તરફ પણ નજર દોડાવવામાં આવી હતી, પણ સરવાળે એવું સાબિત થયું કે આ માણસ રતીભાર પણ ભરોસાપાત્ર નથી. તે રાજકીય રીતે બી.જે.પી.ના નેતાઓ કરતાં પણ વધારે નિર્દયી છે, નરેન્દ્ર મોદીની બરાબરી કરી શકે એવા સ્વકેન્દ્રી છે અને સૌથી વધુ તો એ કે તેઓ તેમની રાજકીય વિચારધારા છૂપાવે છે. આ માણસ સંઘપરિવારનો જ વૈકલ્પિક ચહેરો નીવડે તો જરા ય આશ્ચર્ય ન થાય. આમ રહી સહીને એક જ નામ સામે આવતું હતું, નીતીશકુમાર.

પણ નીતીશકુમારે એટલી રાજકીય પલટીઓ મારી છે કે જેનો કોઈ બચાવ ન થઈ શકે. ૨૦૧૫માં લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ અને કાઁગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને ચૂંટણી જીતી. લાલુપ્રસાદના પક્ષને નવ બેઠક વધારે મળી હોવા છતાં તેમણે ત્યારે નીતીશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. સામે નીતીશકુમારના પક્ષની બેઠકમાં ૨૦૧૦ની તુલનામાં ૪૪ બેઠકનો ઘટાડો થયો હતો. હજુ વરસ પહેલા(૨૦૧૪)માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૪૦માંથી ૨૨ બેઠક (એન.ડી.એ.ની ૩૧) મેળવનાર બી.જે.પી.ને વિધાનસભામાં માત્ર ૫૩ બેઠકો મળી હતી. બી.જે.પી.ની ૩૮ બેઠકો ઘટી હતી. આમ છતાં એવી ખાતરી થવા લાગી કે નીતીશકુમાર બી.જે.પી.નો અને નરેન્દ્ર મોદીનો રાજકીય વિકલ્પ બનશે.

૨૦૧૭માં નીતીશકુમારે ફરીવાર ગુલાંટ મારી. રાષ્ટ્રિય જનતા દળનો સાથ છોડીને તેમણે બી.જે.પી. સાથે હાથ મિલાવ્યો. એ માટેનાં તેમના રાજકીય કારણો હતાં, પણ તેમનું એ પગલું અનૈતિક હતું. એને કારણે દેશના સેક્યુલર પોલિટિક્સ ને મોટું નુકસાન પહોંચ્યું હતું. કોના પર ભરોસો મૂકવો? આ માણસ પ્રામાણિક છે, કાર્યક્ષમ છે, પરિવાની દુકાન નથી ચલાવતો તો ભરોસાપાત્ર નથી.

નીતીશકુમારને ૨૦૨૦ની વિધાનસભાની ચૂંટણીમાં આનો કડવો અનુભવ થયો હતો. બી.જે.પી.એ રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાનને એન.ડી.એ.ના ગઠબંધમાંથી જાણીબૂઝીને બહાર રાખ્યો હતો. તેનું કામ નીતીશકુમાનો ખેલ બગાડવાનું હતું. બી.જે.પી.એ નીતીશકુમારના જનતા દળ યુનાઈટને હરાવવમાં કાંઈ બાકી નહોતું રાખ્યું. ૨૦૧૦ની વિધાનસભમાં જે પક્ષ પાસે ૧૧૫ બેઠકો હતી એ ઘટીને ૨૦૧૫માં ૭૧ થઈ ગઈ અને ૨૦૨૦માં હજુ વધુ ઘટીને ૪૩ થઈ ગઈ. સૌથી વધુ ૭૫ બેઠકો તેજસ્વી યાદવના નેતૃત્માં રાષ્ટ્રીય જનતા દને મળી હતી. બીજા ક્રમે બી.જે.પી.ને ૭૪ બેઠકો મળી હતી. ૨૪૩ સભ્યની વિધાનસભામાં નીતીશકુમાર ત્રીજા ક્રમે ધકેલાઈ ગયા હતા. આ બી.જે.પી.ની ચાલ હતી એ નીતીશકુમારના જાણતા હતા પણ લાચાર હતા. તેમની અકળામણ તેમની બોડી લેન્ગવેમાં પ્રગટ થતી હતી.

બી.જે.પી.નો ઈરાદો દેશમાંથી પ્રાદેશિક પક્ષોને ખતમ કરી નાખવાનો છે. મહિના પહેલાં મહારાષ્ટ્રમાં શિવસેનાને ખતમ કરવામાં આવી. પંજાબમાં અકાલી દળને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. હજુ ગયા અવાડિયે બી.જે.પી.ના રાષ્ટ્રીય અધ્યક્ષ નદ્દાએ કહ્યું હતું કે બી.જે.પી. તમામ પ્રાદેશિક પક્ષોને હજમ કરી જવાનો ઈરાદો ધરાવે છે. આના ભાગરૂપે બિહારમાં જનતા દળ યુનાઈટેના વિધાનસભ્યોને ખરીદવાની તૈયારી ચાલી રહી હતી. આની જાણ નીતીશકુમારને થઈ અને બી.જે.પી.ને તેમાં સફળતા મળે એ પહેલાં તેમણે પાટલો બદલીને બી.જે.પી.ની યોજના રોળી નાખી.

બી.જે.પી.ના નેતાઓને ખબર છે દેશના અંદાજે ૬૦ ટકા હિન્દુઓ હિંદુરાષ્ટ્ના વિરોધી છે. તેમને ખબર છે કે દક્ષિણ ભારતમાં, કંઇક અંશે પૂર્વ ભારતમાં, પશ્ચિમ બંગાળમાં, કંઇક અંશે ઓડિશમાં, પંજાબમાં અને કાશ્મીરમાં પ્રવેશ અઘરો છે. તેનો મદાર ઉત્તર, મધ્ય અને પશ્વિમ ભારત પર છે અને માટે તે લાજશરમ નેવે મૂકીને સરકારો તોડે છે અને પ્રાદેશિક પક્ષોને ખતમ કરે છે.

આ બી.જે.પી.ની જરૂરિયાત થઈ. દેશની પણ એક જરૂરિયાત છે અને તે છે બી.જે.પી. અને નરેન્દ્ર મોદીના વિકલ્પની. લોકશાહીમાં આ પણ રાજકીય વિકલ્પ હોવો જોઇએ અને જ્યારે સત્તાધારી પક્ષનો એજન્ડા બંધારણ વિસંગત ભારતનાં નિર્માણનો હોય ત્યારે તો તેની વધુ જરૂર છે. દેશનાં ૬૦ ટકા હિન્દુને વિકલ્પ જોઇએ છે.

પણ મને એમ લાગે છે કે નીતીશકુમાર વિકલ્પ નહીં બની શકે. બુંદ સે ગઈ વો હોજ સે વાપસ નહીં આતી.

દરમ્યાન તમે એક વાત નોંધી? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશ માટે એક પક્ષ એક નેતાનું રાજકારણ હિતાવહ નથી. આમ કહીને તેમણે નરેન્દ્ર મોદીની ટીકા કરી છે એમ નહી માનતા. તેઓ તેમની મદદમાં આગળ આવ્યા છે. વખત આવ્યે અનેક રીતે અને અનેક મોઢે બોલવાની સંઘપરિવાર પ્રવીણતા ધરાવે છે.

એકવચની હોવું અને કથની અને કરણીમાં એકવાક્યતા હોવી એ તેમની સાવરકરેરીય ફિલસૂફી મુજબ સદ્દગુણ વિકૃતિ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 ઑગસ્ટ 2022

Loading

...102030...1,4261,4271,4281,429...1,4401,4501,460...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved