Opinion Magazine
Number of visits: 9671846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુષ્ય બુદ્ધિવાન પ્રાણી હોવા છતાં અનુભવમાંથી કાંઈ શિખતો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|21 August 2022

આ જગતમાં મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેનામાં અન્ય પશુ-પક્ષીઓ કરતાં વધારે બુદ્ધિ હોવા છતાં અનુભવમાંથી કાંઈ શીખતું નથી. તમે જોયું હશે કે પશુ-પક્ષી એ જગ્યાએ ક્યારે ય પાછાં જતાં નથી જ્યાં તેમને ખરાબ અનુભવ થયો હોય, જ્યારે ગુનો કરનાર મનુષ્ય ગુનાની જગ્યાએ કમ સે કમ એક વાર તો પાછો જાય જ છે. ગુના-અન્વેષણ શાસ્ત્ર માટે આ હકીકત ગુનેગારને પકડવા માટેનું હુકમનું પાનું છે. મનુષ્ય પાસે વધારે વિકસિત ચિત્ત છે એટલે એ ચિત્તવૃત્તિને રોકી શકતો નથી. આખું પાતંજલ યોગશાસ્ત્ર આ ચિત્તવૃત્તિના નિરોધ માટે રચવામાં આવ્યું છે, પણ મનુષ્ય વારંવારના અનુભવ પછી પણ ચિત્તવૃત્તિઓને રોકી શકતો નથી.

આપણને ન ગમે એવું બોલનાર કે કરનાર વ્યક્તિની હત્યા કરવાથી એ વિચાર કે પ્રવૃત્તિનો અંત આવતો નથી એનો અનુભવ માણસજાતને જ્ઞાત ઇતિહાસમાં અનેકવાર થયો હોવા છતાં તે હત્યાઓ કરે જ છે. સોક્રેટીસથી લઈને ગાંધી સુધીના જ્ઞાત અને બીજા હજારો અજ્ઞાત લોકોની હત્યાઓ કરવામાં આવી છે અને છતાં ય આપણે જોઈએ છીએ કે સમાજ તેના પ્રભાવથી રોકતા રોકાતો નથી. આ એક એવી દોરીસ્પર્ધા છે જેમાં એક છેડે મોટું ટોળું હોય છે જે ઈચ્છે છે કે સમાજનું સ્વરૂપ એના એ સ્વરૂપમાં કાયમ રહે અને બીજા છેડે માત્ર એકલો અટૂલો માણસ હોય છે જે કહે છે કે પરિવર્તનની જરૂર છે. ટોળું ચિત્ત થઈ જાય છે અને પેલો અટૂલો માણસ સમાજરૂપી દોરીને પોતાના તરફ ખેંચી લે છે.

જેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો (અને એમ લાગે છે કે સદ્દનસીબે તેઓ બચી જશે) એ ભારતીય અંગ્રેજી સાહિત્યકાર સલમાન રશ્દીની તુલના હું ગાંધી-સોક્રેટીસ કે ઈશુ સાથે નથી કરતો, પણ હું એમ કહેવા માગું છું કે હત્યાઓ કરવાથી અવાજો બંધ થતા નથી. જો એમ હોત તો દુનિયા અત્યારે ત્યાં જ હોત જ્યાં બે-પાંચ હજાર વરસ પહેલાં હતી. દરેકે દરેક યુગમાં બહુમતી સમાજ ન ગમતા અવાજોથી ભાગવાનો પ્રયાસ કરે છે, પણ ભાગી શક્યો નથી. સર્જકના સર્જનાત્મક અવાજો પણ એક અવાજ છે જે કેટલાક લોકોને પરેશાન કરે છે. પાંચ વરસ પહેલાં એક યુવકે કન્નડ પત્રકાર અને લેખિકા ગૌરી લંકેશની હત્યા કરી હતી. શું હાથમાં આવ્યું? ગૌરી લંકેશ એ લોકો સુધી પહોંચી ગયાં જેણે તેમની હત્યા પહેલાં તેમનું નામ પણ નહોતું સાંભળ્યું. સલમાન રશ્દીની વિવાદાસ્પદ કૃતિ ‘સેતાનિક વર્સીસ’ આખા જગતમાં પહોચી ગઈ અને જગતની લગભગ દરેક ભાષામાં અનુવાદિત થઈ. હત્યાઓ અને સતામણી અવાજોને રૂંધવાની જગ્યાએ તેને ઝડપથી પ્રસારિત કરવાનું કામ કરે છે. આ અનુભવ છે, પણ માણસ તેમાંથી કાંઈ શીખતો નથી અને એની એ ભૂલ એ વારંવાર કરતો રહે છે.

વળી જે યુવકે ગૌરી લંકેશની હત્યા કરી હતી એણે તપાસકર્તા પોલીસ અધિકારીને કહ્યું હતું કે તેણે ગૌરી લંકેશનો એક લેખ સુદ્ધા નહોતો વાંચ્યો તો કૃતિ તો બાજુએ રહી. વગર વાંચ્યે તેનું દિલ દુભાયું હતું. મને ખાતરી છે કે સલમાન રશ્દીની હત્યા કરવાનો પ્રયાસ કરનારા યુવકે રશ્દીની કૃતિ નહીં વાંચી હોય. ઘણાં લોકોનાં વાંચ્યાકર્યા વિના કે ઘટના પ્રત્યક્ષ જોયા વિના દિલ દુભાય છે એ કાં તો બુદ્ધિની દરિદ્રતાની પરાકાષ્ટા છે અને કાં સંસ્કારિતાના અભાવની પરાકાષ્ટા છે. હકીકતમાં દિલ કોઈનાં દુભાતાં નથી, એ તો માત્ર દિલ-દુભામણીનું રાજકારણ હોય છે. જો ઓળખો દ્વારા રચાતાં ટોળાંનાં દિલ દુભાતાં હોત તો બિલ્કીસ બાનુના બળાત્કારીઓ અને તેનાં પરિવારના સભ્યોના હત્યારાઓને છોડી મુકવામાં આવ્યા અને ઉપરથી હત્યારા બળાત્કારીઓની જાહેરમાં આરતી ઉતારવામાં આવી ત્યારે દિલ દુભાવા જોઈતા હતા. હિંદુ આવો હોય? બળાત્કારી હત્યારાઓની આરતી ઉતારે? ક્યાં છે દિલ? પૂછી જુઓ પોતાના અંતરાત્માને જો પોતાને સાચા હિંદુ તરીકે ઓળખાવતા હો તો. આવો હોય હિંદુ? આ હિંદુ દેશને વિશ્વગુરુ બનાવશે? વળી બળાત્કારી હત્યારાઓનો કોઈ ધર્મ હોય?

સમાજ બદલાય નહીં, સમાજનું મસ્તિષ્ક વિકસે નહીં અને સમાજનું હ્રદય કોમળ સંવેદનશીલ બને નહીં એમાં કેટલાક લોકોનો સ્વાર્થ છે. મુખ્યત્વે ધર્મગુરુઓનો અને રાજકારણીઓનો. તેઓ વાતો દેશ અને ધર્મની મહાનતાની કરે છે અને કામ કુંઠિત માનસ અને અસંવેદનશીલ હ્રદય ધરાવનારાં ટોળાં પેદા કરવાનું કરે છે. તમારું સંતાન જો ટોળાંમાં જગ્યા અને સલામતી શોધતું હોય તો આજે જ ચેતી જજો.

રહી વાત સત્ય અને સર્જકતાની તો તેને આ જગતમાં કોઈ રૂંધી શક્યું નથી. માનવસમાજનો ઇતિહાસ તપાસી જુઓ. જગત આખામાં દરેક સમાજનું આ સત્ય છે. સત્ય અને સર્જકતા લોકો સુધી પહોંચીને જ રહે છે અને એનામાં જેટલી તાકાત હોય એટલા પ્રમાણમાં સમાજને પ્રભાવિત કરીને જ રહે છે. જગતની કોઈ તાકાત તેને અવરોધી શકી નથી અને અવરોધી શકવાની નથી. આખરી પરાજય તો એ લોકોનો જ થાય છે જે સત્ય અને સર્જકતાના અવાજોને રૂંધવાના પ્રયાસ કરે છે.

સલમાન રશ્દીની નવલકથા ‘શેતાનિક વર્સીસ’માં સર્જકતાની તાકાત કેટલી છે એ હું જાણતો નથી. મારામાં સાહિત્યકૃતિને સર્જકતાને એરણે મૂલવવા જેટલી ક્ષમતા નથી. જે લોકો આવી આવડત ધરાવે છે એમાંના કેટલાક લોકોએ કહ્યું છે કે ‘સેતાનિક વર્સીસ’ કોઈ મહાન કૃતિ નથી. જો એમ હોત તો એની મેળે જ એ કૃતિ ભુલાઈ જાત. પ્રતિબંધ મૂકનારાઓએ અને લેખકની હત્યા કરવાના ફતવા કાઢનારાઓએ કૃતિને જીવતદાન આપ્યું છે. ખોટનો ધંધો કર્યો છે અને મોટાભાગે આવા લોકો ખોટનો જ ધંધો કરતા હોય છે. માટે પ્રારંભમાં મેં કહ્યું છે કે પશુ-પક્ષીથી ઊલટું માનવી અનુભવમાંથી કાંઈ શીખતો નથી. પણ જો શીખવું હોય તો અંતિમ સત્ય એ છે કે સત્ય અને સર્જકતાને આંતરી શકાતાં નથી અને પરિવર્તનને રોકી શકાતું નથી. લાખ પ્રયાસ કરો, નિષ્ફળતા જ મળવાની છે. આજ નહીં તો કાલે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઑગસ્ટ 2022 

Loading

ચલ મન મુંબઈ નગરી—159

દીપક મહેતા|Opinion - Opinion|20 August 2022

સર્વસમાવેશીપણું એ દરેક સાચા ગુજરાતીની ઓળખ છે

એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?

“શરવ લોકોને પ્રગટ છે જે શ્રી હિન્દુસ્તાન મધ્યે પહેલી સંસ્કૃત ભાષા હતી. તે મધેથી કેટલી એક બીજી ભાષાઓ નીકળી છે, એમાંની એક ગુજરાતી ભાષા પણ છે. પણ એ ગુજરાતી ભાષા મધે મોગલાઈની હકુમતના વખતમાં ઘણાખરા ફારસીના, અરબીના બોલ આવેલા છે. અને વલી હવે અંગ્રેજ બહાદુરની હકૂમતમાં કેટલાક અંગ્રેજી બોલ પણ ભેળવાયા છે. ગુજરાતી બોલી એવી લેવા ધારી છ કે જે સર્વે લોકોની સમજમાં આવે. આપણે જો કદાપિ ચાહિએ કે નિતારી ગુજરાતી ભાષા બોલીએ તો તે એક બીજાને સમજવી કઠણ પડશે.”

આ શબ્દો લખાયા હતા આજથી ૨૦૦ વરસ પહેલાં. અને એ લખનાર નહોતા કોઈ પંડિત, નહોતા મોટા ભાષાશાસ્ત્રી. એ તો હતા ગુજરાતી મુદ્રણ, ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, જેવાં અનેક ક્ષેત્રોના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનસાહેબ.

“મારા ભાઈ, જરા ધીરજ ખમો, પરભાષાના સંપાદનના શ્રમ કરતાં સ્વભાષામાં પ્રવીણતા મેળવવાનો આયાસ અધિક છે. ભાષા કે બીજું કંઈ પણ આપણું હોય, તેમાં આપણે મનોયત્નથી પરિશ્રમ કરવો, ત્યારે જ તે દીપે. આર્ય કુળની સંસ્કૃતની દીકરી, ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી ગુજરાતી, તેને કોણ કદિ અધમ કહે? પ્રભુ એને આશીર્વાદ દેજો.”

ફરદુનજી મર્ઝબાન              રેવરન્ડ ટેલર             ઈચ્છારામ દેસાઈ

આ શબ્દો લખનારની માતૃભાષા ગુજરાતી નહોતી. પણ ‘મનોયત્નથી પરિશ્રમ’ કરી ગુજરાતી ભાષા શીખ્યા હતા. અને તે પણ કેવી? આ શબ્દો જેની પ્રસ્તાવનામાં લખ્યા છે તે તેમનું ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ ૧૮૬૭માં પ્રગટ થયું ત્યારથી દાયકાઓ સુધી ગુજરાતી વ્યાકરણ શીખવવા માટે બોમ્બે પ્રેસિડન્સીની સ્કૂલોમાં વપરાતું રહ્યું. એમણે લખેલાં ખ્રિસ્તી ધર્મભાવનાનાં પદો આજે પણ ગુજરાતની કેટલીક ચર્ચમાં ગવાય છે. એમનું નામ રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર. પિતાની જેમ લંડન મિશનરી સોસાયટીના પાદરી. પણ ૧૮૬૦માં એ સોસાયટીએ ગુજરાતમાંની પોતાની કામગીરી સમેટી લેવાનું નક્કી કર્યું. એક બાજુ બાપીકો સંપ્રદાય, બીજી બાજુ કર્મભૂમિ ગુજરાત. સંપ્રદાયને વળગી રહેવું હોય તો ગુજરાત છોડવું પડે. રેવરન્ડ ટેલરે શું કર્યું? બાપીકો સંપ્રદાય છોડ્યો, ગુજરાતમાં કામ કરતા આયરિશ પ્રેસબિટેરિયન મિશનમાં જોડાઈ ગયા.

“દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે. જ્યારે શબ્દો નાના નાના, સાદા અને સાધારણ લોકો સમજી શકે એવા હોય ત્યારે જ ખરેખરી ખૂબી માલુમ પડે છે અને બોલનાર અને લખનારના વિચારોની અસર સાંભળનાર અથવા વાંચનાર ઉપર બરાબર રીતે થઈ શકે છે.”

આ શબ્દો છપાયા હતા ૧૮૮૦ના ઓક્ટોબરની ૧૦મી તારીખે. ‘ગુજરાતી’ નામના અઠવાડિકના પહેલા અંકના તંત્રીલેખમાં. અને એ લખનાર હતા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ. મેટ્રિક પણ નહોતા થયા એવા ગુજરાતી ભાષાના મોટા ગજાના પત્રકાર અને લેખક.

ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ

પણ આજે લગભગ ભૂલાઈ ગયેલી વ્યક્તિઓના આ બધા શબ્દો આજે યાદ કરવાનું કારણ? કારણ ૨૪મી ઓગસ્ટ એટલે ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ.’ હા, આજે ગુજરાતી એક વિશ્વભાષા બની છે. પણ અર્વાચીન ગુજરાતી ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, રંગભૂમિ, ચલચિત્ર, સુગમ સંગીત, વગેરેની ગંગોત્રી છે મુંબઈ. અને તેમાં અસ્વાભાવિક કશું નથી. કારણ આજનું ગુજરાત ૧૯૬૦ સુધી વિશાળ બોમ્બે પ્રેસિડન્સીનો જ ભાગ હતું. એટલે ત્યાં સુધી ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું મુંબઈ.

કવિ નર્મદ

અને આ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ ઉજવાય છે દર વરસે ૨૪મી ઓગસ્ટે. કારણ? આપણે જેને અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખીએ છીએ તે કવિ નર્મદનો એ છે જન્મ દિવસ. નર્મદ જન્મ્યો હતો સુરતમાં. પણ તેને જાણ્યો અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેનું મોટા ભાગનું સ્કૂલનું શિક્ષણ મુંબઈમાં, કારણ પિતા લાલશંકર સરકારી છાપખાનામાં લહિયા તરીકે નોકરી કરતા હતા. અંગત સંજોગોને કારણે ભલે ગ્રેજ્યુએટ થવાનું સપનું પૂરું ન કરી શક્યો નર્મદ, પણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજનો વિદ્યાર્થી. પહેલું જાહેર ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’ કર્યું તે મુંબઈમાં. ૧૮૫૭ના એપ્રિલની પહેલી તારીખે નર્મદનું પહેલવહેલું પુસ્તક ‘પિંગળપ્રવેશ’ પ્રગટ થયું તે મુંબઈથી. અને તે પછીનાં પણ ઘણાં પુસ્તકો છપાયાં અને પ્રગટ થયાં મુંબઈથી. અને નર્મદની જુદી જુદી પ્રવૃત્તિઓને આર્થિક ટેકો આપનાર ઘણાખરા હતા મુંબઈગરા. આજે પણ જેનું નામ ભૂલાયું નથી તે ‘ડાંડિયો’ નામનું સામયિક પણ નર્મદે શરૂ કર્યું તે મુંબઈમાં. અને જન્મ્યો ભલે સુરતમાં. સુરતની ભૂમિને ચાહતો હતો પણ પુષ્કળ. પણ તાપી નદી ય છેવટે જે અરબી સમુદ્રમાં સમાઈ જાય છે તે જ સમુદ્રને કાંઠે આવેલા મુંબઈમાં નર્મદે છેલ્લા શ્વાસ લીધા. આ જ કવિ નર્મદે એક કાવ્યમાં પહેલી પંક્તિમાં સવાલ પૂછ્યો છે :

‘કોની કોની છે ગુજરાત?’

અને પછી આગળ જતાં પોતે જ જવાબ આપ્યો છે:

‘પૂર્વજ જેના, જે વળી આજે જન્મ થકી ગુજરાતી વદ્યા 

કોઈ રીતની તો પણ ને વળી આર્ય ધર્મને રાખી રહ્યા.

તેની તેની છે ગુજરાત, પછી હોય ગમે તે જાત. 

વળી પરદેશી બીજા જેને ભૂમિએ પાળી મોટા કર્યા,

પરધર્મી, પણ હિત ઇચ્છનારા માતતણું તે ભાઈ ઠર્યા. 

તેની તેની છે ગુજરાત, પછી હોય ગમે તે જાત,

તેની તેની છે ગુજરાત.

આ સર્વસમાવેશીપણું નર્મદમાં વિકસ્યું તે મુંબઈમાં. અને આ સર્વસમાવેશીપણું એ માત્ર નર્મદની નહિ, દરેક સાચા ગુજરાતીની ઓળખ છે.

ગુજરાતી ભાષાના છાપકામની શરૂઆત મુંબઈમાં થઈ તેમ ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણનું પુસ્તક પણ લખાયું અને છપાયું મુંબઈમાં. અને એના લખનાર હતા કંપની સરકારના મુંબઈ ઈલાકાના સર્જન જનરલ ડો. રોબર્ટ ડ્રમન્ડ. પુસ્તકનું નામ જરા લાંબું લચક હતું : ‘ઈલસટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મહરટ્ટ એન્ડ ઈંગ્લિશ લેન્ગવેજિસ’. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. આ પુસ્તક છપાયું હતું મુંબઈના બોમ્બે કુરિયર પ્રેસમાં. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કિટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના અસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન

બ્રિટિશ પદ્ધતિની સ્કૂલોમાં ગુજરાતી-મરાઠી જેવી દેશી ભાષાઓના શિક્ષણનો પાયો નાખ્યો તે પણ બે અંગ્રેજોએ. એટલું જ નહિ, એ બંને માનતા હતા કે ‘દેશી’ઓને શાળાનું શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ બેમાંના એક તે મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન અને બીજા તે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસ. આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમણે પહેલી સ્કૂલો શરૂ કરી. જુદા જુદા વિષયનાં પાઠ્ય પુસ્તકો ‘દેશી’ ભાષાઓમાં તૈયાર કરી કે કરાવી છપાવ્યાં. શિક્ષકોની તાલીમની વ્યવસ્થા ઊભી કરી. વ્યવસ્થિત અભ્યાસક્રમ તૈયાર કર્યા-કરાવ્યા. જર્વિસ વ્યવસાયે તો એન્જિનિયર. પણ એલ્ફિન્સ્ટનના કહેવાથી મંડી પડ્યો પાઠ્ય પુસ્તકોના કામમાં. અને એલ્ફિન્સ્ટન? તેમના પરિચય માટે આ એક પ્રસંગ જ પૂરતો છે. એક વાર તેઓ ડિસ્ટ્રિકટમાં ફરવા નીકળ્યા હતા. સાંજ પડી એટલે તંબુ તાણ્યા. ફાનસના આછા અજવાળામાં પુસ્તકોનો ઢગલો લઈને બેઠા. એક-એક પુસ્તક જોતા જાય, નોંધ ટપકાવતા જાય. તેમના તંબુથી થોડે દૂર બ્રિટિશ લશ્કરની છાવણી. તેના વડા કર્નલ બ્રિગ્સ ગવર્નરને મળવા આવ્યા. પૂછ્યું : સાહેબ, આટલા આછા અજવાળામાં આપ આ પુસ્તકો જોવા બેઠા છો, તો એવાં તે કેવાં મહત્ત્વનાં એ પુસ્તકો છે? જવાબ : આ બધાં ગુજરાતી-મરાઠી જેવે ‘દેશી’ ભાષાઓનાં પુસ્તકો છે. અહીંના લોકોને ભણાવવા માટે કેટલાં કામનાં છે એ તપાસી રહ્યો છું. બ્રિગ્સ : પણ સાહેબ, આ ‘દેશી’ઓને ભણાવવા એટલે તો આપણે માટે પાછા સ્વદેશ ભેગા થઈ જવા માટેનો રસ્તો બાંધવો. એક વાર ભણ્યા પછી આ લોકો આપણા તાબામાં રહેશે? જવાબ : જુઓ, આ લોકોને સારી રીતે ભણાવવા-ગણાવવા એ શાસનકર્તા તરીકે આપણી ફરજ છે. અને સાચો બ્રિટિશ બચ્ચો પોતાની ફરજ ક્યારે ય ચૂકે નહિ. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે.

બીજા એક અંગ્રેજ અમલદાર, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. સરકારી નોકરીનો મોટો ભાગ આજના ગુજરાતમાં. પણ ૧૮૬૨માં બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના થઈ ત્યારે તેના પહેલા છ જજની નિમણૂક ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ પોતે કરેલી. એ છ જજમાંના એક તે આ ફાર્બસ. ગુજરાતી બોલવા-વાંચવામાં એક્કો નર. ખાંખાંખોળાં કરી અંગ્રેજીમાં પહેલી વાર ગુજરાતનો ઇતિહાસ લખ્યો, ‘રાસ માળા’. અમદાવાદ, સુરત, ઇડર, જ્યાં ગયા ત્યાં ગુજરાતી ભાષા-સાહિત્યને, સંસ્કૃતિને પોષણ આપ્યું. ૧૮૬૫માં મુંબઈમાં તેમણે સ્થાપેલી ‘ગુજરાતી સભા, મુંબઈ’. એ જ વરસે ફાર્બસનું પૂનામાં કાચી વયે અવસાન થયું. તેમની યાદગીરીમાં ‘ગુજરાતી સભા’નું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવામાં આવ્યું. આજના ગુજરાત રાજ્ય બહાર ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના ક્ષેત્રે કામ કરતી આ સૌથી જૂની સંસ્થા.

હા, મુંબઈ શહેરને ઘડવામાં ગુજરાતીઓનો ફાળો ખરો જ. પણ ગુજરાતી ભાષા, સાહિત્ય, રંગભૂમિ, ફિલ્મ, રેડિયો, ટેલિવિઝન, મુદ્રણ, પુસ્તક પ્રકાશન, પત્રકારત્વ જેવાં અનેક ક્ષેત્રોમાં પારસીઓએ, પરદેશીઓએ, પાદરીઓએ જે ફાળો આપ્યો છે તેને વિશ્વ ગુજરાતી દિવસ નિમિત્તે તો યાદ કરીએ. આપણે તો વેપારી પ્રજા. જમા-ઉધારના ચોપડા બરાબર ચીતરીએ. તો આપણી આજની ઓળખને ઘડવામાં આ બધાએ જે ફાળો આપ્યો તેને જમા ખાતે તો લખીએ! તેનું ઋણ ચૂકવી તો ન શકાય, પણ ઋણસ્વીકાર તો કરી જ શકાય ને? આવો ઋણસ્વીકાર ન કરે તેને માટે જ કદાચ ઉમાશંકર જોશીએ આ પંક્તિ લખી હશે :

એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 ઓગસ્ટ 2022 

Loading

દેવકીની પીડા ..

દેવીકા ધ્રુવ|Poetry|20 August 2022

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરૂ થઈને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્ત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના કરી છે?

દેવકીની પીડા ..

 

 

 

 

 

 

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.

છાતીમાં ધગધગતી કેવી એ લ્હાય?

કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,

વદપક્ષની રાતે મુજ હૈયું વ્હેરાય.

લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય …..

સાત સાત નવજાત હોમીને સેવ્યો,

નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો.

જન્મીને જ જવાને આવ્યો જ શાને?

કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કા’ને?

ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય …..

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ, વાહ!

જગ તો ના જાણે ઝાઝુ, દેવકીને આજ.

વાંક વિણ, વેર વિણ, પીધા મેં વખ,

ને તોયે થાઉં રાજી, જોઈ યશોદાનું સુખ.

આઠમની રાતે જીવે ચૂંથારો થાય,

કેમે ખમાય? બહુ પીડા અમળાય .. હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય …..

Click the link below and kindly watch..
https://youtu.be/Ur68NBL09t4
https://devikadhruva.wordpress.com/2022/08/19/

Loading

...102030...1,4161,4171,4181,419...1,4301,4401,450...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved