Opinion Magazine
Number of visits: 9670954
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—161

દીપક મહેતા|Opinion - Opinion|4 September 2022

ગુરુ રૂપી ચિંતામણિનો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!

સાચો શિક્ષક વિચારો વહેંચતો નથી, પણ પોતાની જાતે વિચારતાં શીખવે છે

“સાચો શિક્ષક વિદ્યાર્થીઓને વિચારો વહેંચતો નથી, પણ તેમને પોતાની જાતે વિચારતાં શીખવે છે.” જેમનો જન્મ દિવસ, પાંચમી સપ્ટેમ્બર, શિક્ષક દિન તરીકે ઉજવાય છે તે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઓછામાં ઓછા શબ્દોમાં શિક્ષકની સાચી વ્યાખ્યા આપી છે. અને તેમની સાચી ઓળખ એટલે એક મહાન ફિલસૂફ અને શિક્ષણશાસ્ત્રી. આપણા દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા, બીજા રાષ્ટ્રપતિ હતા, એ તો પ્રમાણમાં ગૌણ ઓળખ. આ લખનારનું સારું નસીબ કે એને શાળામાં આવા સાચા શિક્ષકો મળ્યા. શિક્ષક દિન નિમિત્તે મુંબઈની કેટલીક નોખી સ્કૂલો અને એક અનોખા શિક્ષક વિષે થોડી વાતો.

પોદાર સ્કૂલના સ્થાપક આચાર્ય રામપ્રસાદ બક્ષી

વીસમી સદીના ત્રીજા દાયકામાં દેશની આઝાદી માટેની લડત તેના છેલ્લા તબક્કામાં દાખલ થઈ રહી હતી ત્યારે સારે નસીબે મુંબઈને કેટલીક એવી સ્કૂલ મળી જે રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલી હતી અને શિક્ષણનાં ઊંચામાં ઊંચા ધોરણોને તાકવા મથતી હતી. આળસ મરડીને બેઠું થતું મુંબઈનું એક પરું તે સાંતાક્રુઝ. અને ત્યાં ૧૯૨૭માં શરૂ થઈ એક નાનકડા, ભાડાના મકાનમાં પોદાર સ્કૂલ. આ સ્કૂલની શરૂઆતથી દાયકાઓ સુધીના તેના વિકાસના પાયામાં રહ્યું રામભાઈ બક્ષીનું સારસ્વત તપ. આ સ્કૂલ શરૂ થઈ તે પહેલાં રામભાઈ ધોબી તળાવ નજીકની સરકારી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં શિક્ષક. માત્ર મુંબઈ શહેરની નહિ, પણ આખા મુંબઈ ઈલાકાની એ સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્કૂલ. રાજીનામું લખી રામભાઈ અંગ્રેજ પ્રિન્સીપાલને આપવા ગયા. પહેલાં તો સ્કૂલ ન છોડવા સમજાવ્યા. ભવિષ્યમાં સરકારી નોકરીમાં કેવી ઉજળી તકો છે એ કહ્યું. પણ રામભાઈ એકના બે ન થયા. પ્રિન્સિપાલ કહે : મિસ્ટર બક્ષી! એક-બે વરસ પછી અહીં પાછા ફરવાની ઈચ્છા હોય તો તે પ્રમાણે કાગળિયાં કરું. જવાબ : સાહેબ, હવે તો સાંતાક્રુઝમાં બીજી એલ્ફિન્સ્ટન સ્કૂલ ઊભી કરું તે પછી જ અહીં પાછા ફરવાનો વિચાર કરી શકું. સ્કૂલ શરૂ થતાં પહેલાં શેઠ આનંદીલાલ પોદારે દરખાસ્ત મૂકી કે આ સ્કૂલમાં છોકરા-છોકરીને મફત શિક્ષણ આપવું. ત્યારે રામભાઈએ કહ્યું કે ના, ભલે ઓછી, પણ ફી તો લેવી જ જોઈએ. પોદારશેઠ : પણ કેમ? તમે જાણો છો કે આ સ્કૂલ હું કમાણી કરવા શરૂ નથી કરતો. રામભાઈ : ફી આપતા હોય તો વાલીઓ આપણી ભૂલો બતાવી શકે, આપણને સૂચનો કરી શકે. જો મફત હોય તો જે મળે તે મૂંગે મોઢે સ્વીકારી લે. અને તો આપણી સ્કૂલનો વિકાસ ન થાય. રામભાઈએ વાવેલો એ છોડ આજે તો વટવૃક્ષ બની ગયો છે.

ભરૂચ જિલ્લાના રાજપીપળાના બે યુવાનો ચંદુભાઈ અને મગનભાઈ વ્યાસ. ૧૯૨૨માં બંને ભાઈઓએ શુક્લતીર્થમાં આશ્રમ પદ્ધતિની શાળા શરૂ કરી. ડોક્ટર જ્યોર્જ અરુન્ડેલની અસર નીચે બંને આવ્યા. અરુન્ડેલનું સૂચન માનીને મગનભાઈ લંડન સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા. ૧૯૨૪થી ૧૯૨૭ સુધી ત્યાં અભ્યાસ કરીને પાછા મુંબઈ આવ્યા. ત્યાં સુધી મુંબઈના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ એજ્યુકેશનના હોદ્દા પર કોઈને કોઈ અંગ્રેજની જ નિમણૂક થતી. પણ મગનભાઈને એ હોદ્દો આપવાની સરકારે દરખાસ્ત કરી, જેનો તેમણે સવિનય અસ્વીકાર કર્યો. કારણ તેમની ઈચ્છા શિક્ષણ ક્ષેત્રે સક્રિય કામ કરવાની હતી. ઇન્ગ્લન્ડમાં અભ્યાસ કરતા હતા ત્યારે મગનભાઈ ન્યૂ એજ્યુકેશન ફેલોશીપ નામની શિક્ષણની ચળવળના સંપર્કમાં આવ્યા હતા. મુંબઈ પાછા આવ્યા ત્યારે રતનલાલ મોરારજી નામના ઉદ્યોગપતિએ મુંબઈમાં એક નવી સ્કૂલ શરૂ કરવા જણાવ્યું. અને ૧૯૨૭માં શરૂ થઈ ફેલોશીપ સ્કૂલ. પણ થોડા જ વખતમાં બીજા સાથીઓ સાથે કેટલીક બાબતમાં મતભેદ થયા, અને મગનભાઈ અને તેમનાં પત્ની સરોજબહેને ફેલોશીપ છોડી. સાથે નક્કી કર્યું કે હવે જે સ્કૂલ શરૂ કરવી તે એકલે હાથે કરવી.

સ્થાપક આચાર્ય મગનભાઈ વ્યાસ અને ન્યૂ ઈરા સ્કૂલ

ગોવાળિયા તળાવના મેદાનના એક છેડે હતી ફેલોશીપ સ્કૂલ. સામે છેડે ૧૯૩૦માં વ્યાસ દંપતી અને ચંદુભાઈએ શરૂ કરી ન્યૂ ઈરા સ્કૂલ. ઇન્ગ્લન્ડના અભ્યાસ દરમ્યાન જેનો પરિચય થયો હતો તે અદ્યતન શિક્ષણ પદ્ધતિ, મહાત્મા ગાંધીની પાયાની કેળવણી, અને ગુરુદેવ ટાગોરની વિવિધ કલાઓને પ્રાધાન્ય આપતી શિક્ષણ પદ્ધતિ – આ ત્રણેનો સમન્વય કરીને એક અનોખી સ્કૂલ તેમણે ઊભી કરી.

પ્યુપિલ્સ ઓન સ્કૂલના સ્થાપક જહાંગીરજી વકીલ અને જ્યાં એ સ્કૂલની મુંબઈમાં શરૂઆત થઈ તે મોર બંગલો (ફોટો સૌજન્ય: આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. ખેવના દેસાઈ)

એક જમાનામાં ખાર નામના પરાનું અલગ અસ્તિત્ત્વ નહોતું. વાંદરા તરીકે ઓળખાતા મોટા વિસ્તારનો એક ભાગ. ૧૯૨૪માં ‘ખાર રોડ’ સ્ટેશન શરૂ થયું ત્યારથી વિકાસ ઝડપી થયો. આ ખારમાં આજે આવેલી પ્યુપિલ્સ ઓન સ્કૂલ મુંબઈની એક અગ્રણી સ્કૂલ. તેની શરૂઆત ખારમાં નહિ, પૂનામાં થઈ હતી, ૧૯૨૯માં. આ સ્કૂલ એટલે ગાંધીજી અને ગુરુદેવ ટાગોરના રંગે રંગાયેલા પારસી દંપતી જહાંગીરજી અને કુંવરબાઈ વકીલનું સપનું. અને ત્યારના એના વિદ્યાર્થીઓમાંનાં કેટલાકનાં નામ : ઇન્દિરા ગાંધી, કમલનયન બજાજ, વિજયાલક્ષ્મી પંડિતની બે દીકરી. ૧૯૩૩માં પૂણેમાં પ્લેગનો રોગ ફેલાયો ત્યારે એ સ્કૂલ પૂણેથી આવી વિલે પાર્લે ઇસ્ટમાં આવેલા ભવ્ય મોર બંગલામાં. ખાર આવી તે તો છેક ૧૯૪૬માં. અને ચોથી સ્કૂલ તે એ વખતે ગુજરાતીઓના ગઢ તરીકે ઓળખાતા ‘સી’ વોર્ડમાં સિક્કા નગર ખાતે ૧૯૩૬માં શરૂ થયેલી મોર્ડન સ્કૂલ. રમણભાઈ વકીલ અને તેમનાં પત્ની પુષ્પાબહેન વકીલ તેના પાયાના પથ્થર.

પણ આ બધી સ્કૂલોમાં આ લખનારની પોતીકી સ્કૂલ તે તો ન્યૂ ઈરા, ના, ‘ધન્ય ન્યૂ ઈરા.’ જે હવે ભૂતકાળ બની ગઈ છે. ૧૯૪૭થી ૧૯૫૭નાં દસ વરસ ત્યાં ભણવા મળ્યું તે મોટું સદ્ભાગ્ય. ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’ એ સ્લોગન તો ઘણાં વરસ પછી પ્રચારમાં આવ્યું. પણ ન્યૂ ઈરાએ તો દાયકાઓ પહેલાં એ અમલમાં મૂકેલું. જેટલું મહત્ત્વ અભ્યાસનું, એટલું જ મહત્ત્વ અન્ય પ્રવૃત્તિઓનું. સંગીત, નૃત્ય, નાટક, વક્તૃત્ત્વ, ચિત્રકામ, કાંતણ. અને હા, રમતગમત તો ખરી જ. સ્કૂલનું વાતાવરણ મુક્ત, પણ સંયમી. અવારનવાર કોઈ ને કોઈ મહેમાન વક્તા આવે જ. સાહિત્ય, સંગીત, નૃત્ય, અને બીજી કલાઓના કેટલા ધુરંધરોને સાંભળવાની, જોવાની, જાણવાની તક મળી એ દસ વરસમાં! પહેલું લખાણ પ્રગટ થયું તે સ્કૂલના ‘ઉષા’ નામના વાર્ષિકમાં – કવિ સુન્દરમ્‌ની મુલાકાતનો અહેવાલ.

એ અરસામાં અહીં ભણેલા કોઈ પણ વિદ્યાર્થીને સૌથી પહેલાં યાદ આવે જરબેન ગ્યારા, પ્રાથમિક વિભાગના વડા. શિસ્તના અતિશય આગ્રહી. પણ કાળજું કપોતના જેવું. સોમભાઈ, ઈશ્વરભાઈ અને વરધભાઈ પટેલની ત્રિપુટી. દોલતભાઈ દેસાઈ અને સુશીલાબહેન વાંકાવાળા. શાસ્ત્રીય સંગીત શીખવા મળ્યું જોગળેકર સર પાસેથી તો સંસ્કૃત શીખવા મળ્યું ગાડગીળ સર પાસેથી. આજ સુધી જેમાં ગતાગમ નથી પડી એ વિજ્ઞાન શીખવે જામ્ભેકર સર. પહેલાં મધુભાઈ પટેલ અને પછી દિનેશભાઈ શાહ જેવા જાણીતા કલાકારો શીખવતા છતાં ચિત્રકામ ન જ આવડ્યું.

પિનાકિન ત્રિવેદી

પણ ન્યૂ ઇરાના શિક્ષકોમાંથી સૌથી વધુ પ્રભાવ પડ્યો તે તો પિનુભાઈનો. આ પિનુભાઈ એટલે પિનાકિન ત્રિવેદી. સાહિત્ય, સંગીત, અન્ય કળાઓનો જીવ. શાંતિનિકેતનમાં રહી ગુરુદેવ ટાગોર પાસે ભણેલા. એક વાર ટ્રેનમાં ટાગોર સાથે કલકત્તાથી મુંબઈ આવતા હતા ત્યારે આખે રસ્તે ગુરુદેવનાં ગીતો ગાઈને ગુરુદેવને સંભળાવેલાં. હંમેશ શ્વેતવસ્ત્રાવૃત – જાણે સરસ્વતીનો પુરુષદેહી અવતાર. કવિતા હોય કે નાટક, વાર્તા હોય કે નિબંધ – ભણાવતી વખતે તેમાં પોતે તલ્લીન અને વિદ્યાર્થીઓ પણ તલ્લીન. પ્રેમાનંદનું ‘સુદામાચરિત’ ભણાવતી વખતે ટેબલ પર પલાંઠી વાળીને બેસી જાય. એક પછી એક કડી ગાતા જાય અને સમજાવતા જાય. હથેળી વડે ટેબલ પર થાપ મારીને તાલ પણ શીખવે. રાગ-રાગિણી વિષે વાત કરે. કવિતા લખી, નાટક લખ્યાં, ઘણા અનુવાદો કર્યા. ગુરુદેવ ટાગોરની કવિતાના અનુવાદ તો ઘણા અનુવાદકોએ કર્યા. પણ સમગેય અનુવાદ કર્યા તે મુખ્યત્વે પિનુભાઈ-નિનુભાઈની જોડીએ. નિનુભાઈ તે નિનુ મઝુમદાર. મહાદેવભાઈ દેસાઈ અને પિનાકિનભાઈએ કરેલા ગુરુદેવના સમગેય અનુવાદોની સરખામણી કરતાં છેક ૧૯૩૯માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું : “પિનાકિન રચિત ચાર ગીતો અને આ બે ગીતો(એકલો જાને રે અને તારાં સ્વજન તને જાય મૂકી તો)નાં ગાયન વચ્ચે જે મોટો તફાવત પડી રહે છે તે જ બતાવી આપે છે – આપણી ગુજરાતી વાણીઓની ખૂબીઓની પિનાકિનને પ્રાપ્ત થયેલી પિછાન, અને મહાદેવભાઈને હાથ ન લાગેલી સાન. એ તફાવત ગુજરાતી ભાષાને કાન પકડી પરાણે બંગાળી વાણીના મરોડો પહેરાવવાના પ્રયત્નમાંથી પરિણમ્યો છે. પિનાકિન પણ ટાગોરની પાસે બેસી બંગાળી બાઉલ સંગીત તેમ જ શિષ્ટ સંગીતનું પાન કરનારા છે. મહાદેવભાઈ પણ બંગાળી ભાષાના જ્ઞાતા છે, ને એમણે કરેલા તરજૂમા મૂળ બાઉલ લયવાળાં ગીતોના છે. પિનાકિનનાં સ્વતંત્ર ગીતોમાં ભાષાનો કે સંગીતનો તરજુમો નથી, બંગાળી મરોડો ને સ્વરભારોનો મનોવિભ્રમ નથી, એથી તો ગુજરાતી મરોડો પરની પકડ મજબૂત છે. એટલે જ એમણે કર્યું છે રસાયણ, ને મહાદેવભાઈના તરજૂમાંમાં જે નિપજ્યું છે તે છે બંગાળીકરણ.”

પિનુભાઈની કાર્યનિષ્ઠા અને ધગશનું એક જ ઉદાહરણ : મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળે એક વાર ગીતો ગાવા આમંત્રણ આપેલું. તે જ દિવસે પિનુભાઈનો અવાજ સાવ બેસી ગયેલો. છતાં કાર્યક્રમ માટે ગયા. પોતાની સ્થિતિ જણાવી અને કહ્યું કે ફક્ત એક ગીત ગાઈશ. પણ પછી કોણ જાણે શું જાદુ થયો, તે પૂરા બે કલ્લાક સુધી સતત ગાતા રહ્યા. પછી મંડળના પ્રમુખે એમને વાર્યા ત્યારે કહે કે બસ, હવે આ છેલ્લું ગીત. પિનુભાઈના એ ગાયેલા ગીતની છેલ્લી પંક્તિઓ છે :

ચિંતામણિનો આ તો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!

કરશે કથીરને કનક આકાર, સો સો જ્યોત ઝગમગી!

ગુરુ, શિક્ષક, એ એક ચિંતામણી છે જેના ચમત્કારને પ્રતાપે માત્ર સો સો જ નહિ, હજારો વિદ્યાર્થીઓનાં જીવન કથીરમાંથી કનક થાય છે, એમના જીવનની જ્યોત ઝગમગતી થાય છે.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx  

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 03 સપ્ટેમ્બર 2022

Loading

એક્સરે 

મનીષી જાની|Poetry|3 September 2022

અમને એક્સરે જોતાં

આવડતું નથી

અને

જોતાં શિખવાની જરૂર નથી.

તારી પાંસળીઓ ગણી શકાય એટલી દેખાય છે.

પાંસળીઓ ગણવામાં અમને ટાઈમ નથી

ને

રસ પણ નથી.

ભૂખ્યો છે?

ભાગ અહીંથી.

પેટમાં ખાડો છે?

ભાગ અહીંથી.

અહીં તો ચાલનારાનું કામ છે …

ટહેલતાં ટહેલતાં ચાલવાનું.

તારે તો ખડબચડા ખાડામાં ભાગવાનું,

ભાગ અહીંથી!

બેકાર છે?

આ કંઈ આ પારથી પેલે પાર બેરોજગારોની લાઈન નથી કે ઊભા ઊભા થાકવાનું

ને ઊભા ઊભા ઠચુક ઠચુક લાઈનમાં ચાલ્યા કરવાનું.

બેકારોની, રાશનની, ઘંઉચોખાની, તેલની, બાજરીની, પાણીની, સરકારી મફત અનાજની લાઈન તો ફૂટપાથ પર લાગે.

ચલ ફૂટ અહીંથી !

આ ફૂટપાથ નથી,

આ ફૂટબ્રીજ છે.

આ ફૂટબ્રીજ પર તો

એક પછી એક ધીરે ધીરે

ફૂટ મૂકતાં મૂકતાં ..

ફૂટ એટલે તને સમજ નહીં પડે.

ફૂટ અહીંથી.

અહીં તો ફાંદ ના ટેકરે

આઈસ્ક્રીમનો કપ મૂકીને

ધીરે ધીરે ડાબા પછી જમણો, જમણા પછી ડાબો, એક એક પગ આગળ મૂકીને ચાલવાનું.

કેમ ઊભો છે?

‘રૂપિયા’શબ્દ લખતા આવડે છે?

હજી ઊભો છે?

બાઘાની જેમ શું જુએ છે?

બોલ,

રૂપિયામાં ‘પ’ ઉપર હ્સ્વ ઇ આવે કે દીર્ઘ ઈ?

આગળથી પાછળથી ‘ઈ’એમ નહીં !

બોલ,

રૂપિયામાં હ્સ્વ ઇ કે દીર્ધ ઈ?

ઈ નો આવડે તો

એક દો તીન હો જા!

હજી ઊભો છે?

કોઈ દિવસ ભાડું ખર્ચી રીક્ષા કે ટેક્સીમાં બેઠો છે?

મારી સામે શું જુએ છે?

ભાગ અહીંથી.

પેલા લીલા પડદા પાછળ છૂપાવીને રાખેલી

ઝૂંપડપટ્ટીના ખાડામાં સડસડાટ ઊતરી જા!

દોડી જા.

મફતમાં દોડી શકાય, મફતમાં હાંફી શકાય, મફતમાં ‘વોકી’ શકાય નહીં!

આ તો આ પારથી પેલે પાર કલરફૂલ વોકવાનો ફૂટબ્રીજ છે.

ચલ ફૂટ!

આ તો

આ પારથી પેલે પાર

વિકાસની વૈતરણી છે.

રહેવા દે, ફરી પાછી વિકાસની જોડણી પૂછીશ તો તને નહીં જ આવડે!

ચલ ફૂટ!

2 સપ્ટેમ્બર 2022
(સાબરમતી નદી પર અમદાવાદમાં અટલ નામના ફૂટબ્રીજનું ‘લોકાર્પણ’ થયું એ નિમિત્તે)

Loading

ગુપ્ત પાષાણ ઉદ્યાન

સુરેશ જાની|Opinion - Opinion|3 September 2022

નેક ચંદ સૈની! તમે એક ભેજાંગેપ જણ હતા. હાલ પાકિસ્તાનના ગુરદાસપુર જિલ્લામાં આવેલા  શકર ગઢમાં તમે ૧૯૨૪ની સાલમાં જન્મ્યા હતા. ૧૯૪૭માં ભાગલા બાદ તમારાં માવતર સાથે તમે ચંદીગઢ ખાતે સ્થળાંતર કર્યું. જીવન સંઘર્ષ માટે જાતજાતની કામગીરીઓ કરતાં કરતાં, છેવટે તમે ૧૯૫૧ની સાલમાં પંજાબ / હરિયાણાના નવા બની રહેલા પાટનગર ચંદીગઢમાં, સરકારી રોડ ઈન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા. ધીમે ધીમે તમે તમારા કામથી માહેર થતા ગયા, પણ તમારી અંદર બેઠેલો કલાકાર કાંઈક કલાત્મક શોખની તલાશમાં સતત રહેતો હતો.

૨૦૧૫ની સાલમાં આ ફાની દુનિયાનો ત્યાગ કરીને તમે લાંબી યાત્રાએ નીકળી પડ્યા છો, પણ છેક ૧૯૫૭ની સાલમાં તમે કોઈ આશય વિના કરેલી એક નાનકડી સફરે તમારું નામ વિશ્વ ભરમાં રોશન કરી દીધું હતું.

૧૯૫૭

તમારી નિમણૂંક ચંદીગઢ ખાતે થઈ છે. આમ તો તમે સરકારી સેવામાં સ્થાયી બની ગયા છો, પણ તમારા અફલાતૂન ભેજાંને એ જીવનથી સંતોષ નથી. તમે એક રવિવારે સાયકલ પર ચંદીગઢના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ‘સુખના’ તળાવની ઉત્તર બાજુએ અવાવરુ અને ઊંચાણ પર આવેલા જંગલ વિસ્તારમાં ખાલી સમય પસાર કરવા નીકળ્યા છો. આ જગ્યા સરકાર દ્વારા પૂર્ણ રીતે આરક્ષિત છે. અહીં કોઈ પણ વિકાસ કામ પર મનાઈ છે. ચંડીગઢ શહેરની ઉત્તર પૂર્વ બાજુના આ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય શહેરીકરણની પ્રક્રિયાથી બચે, એ ઉદ્દેશ એ સરકારી હુકમ પાછળ છે.

ત્યાં કાચા રસ્તાની બાજુમાં તમારી નજર એક ઊંડા કોતર તરફ જાય છે. એક બાજુથી એમાં એક નાનકડા ઝરાનું પાણી ધોધ રૂપે પડી રહ્યું છે, અને નાનકડી તળાવડી બનીને બીજી એક દિશામાં આવેલી ઊંડી ફાટમાંથી રસ્તો કરીને સુખના તળાવમાં ઠલવાઈ રહ્યું છે.

તમારી સાયકલ રસ્તાની બાજુમાં પાર્ક કરીને તમે એ કોતરમાં ગરકી જાઓ છો. જેમ જેમ તમે નીચે ને નીચે જતા જાઓ છો, તેમ તેમ દૃશ્ય વધારે ને વધારે રમણીય બનવા લાગે છે. તમે છેક નીચે એ તળાવડીના કિનારે મુગ્ધ બનીને બેસી જ પડો છો. કોઈ માણસનો પગ ત્યાં પડ્યો હોય તેવા કોઈ સગડ ત્યાં નથી. આ સાવ નિર્જન જગ્યાનું સૌંદર્ય તમારું મન મોહી લે છે. કોઈક અકળ પળે તમારા મનમાં એક ઝબકાર થાય છે; એક તરોતાજા, નવો નક્કોર સંકલ્પ જન્મ લે છે –

‘અહીં હું મારી કળા અજમાવીશ – સૌથી છાની.’

એ સંકલ્પ તમને એક સાવ સામાન્ય માનવીમાંથી વિશિષ્ઠ અને જગપ્રસિદ્ધ પ્રતિભામાં પરિવર્તિત કરવાનો છે. તમારા ભેજામાં સ્ફૂરેલો એ ફળદ્રુપ વિચાર ચંડીગઢને એક મહાન સર્જનની બક્ષિસ આપવાનો છે. ભાવિના ગર્ભમાં સૂતેલા એ સુભગ ભવિતવ્યનાં બારણાં તમારા આ શુભ સંકલ્પે ફટ્ટાબાર ખોલી દીધાં છે.

હવે આખા ચંડીગઢમાં ફરતાં ફરતાં તમે જાત જાતના કચરા ભેગા કરવા લાગો છો – તોડફોડ કરતાં પડી રહેલા, કાટ ખાતા, વાંકા ચૂંકા લોખંડના સળિયા, નવા શહેરનું બાંધકામ કરવા તોડી પડાયેલા જૂના ગામડાંઓના ઘરોના અવશેષો, જાતજાતના રંગ, આકાર અને કદના પથ્થરો, ટૂટેલા ટાઈલ્સના ટૂકડાઓ અને એવું બધું જ તો! શનિ-રવિના સમયમાં, નાના બાળકે એકઠી કરી હોય તેવી, આ બધી ‘સોગાત’(!) તમારી સપન ભોમકામાં તમારી જીવનસાથી જેવી સાયકલ પર લાદીને તમે ખસેડવા માંડો છો. એને જાતજાતનાં આકારોમાં ગોઠવી, ગાંઠનાં ગોપીચંદન કરી ખરીદેલા સિમેન્ટ વાપરીને તમે અવનવાં શિલ્પો બનાવવા માંડો છો. તમારાં કુટુમ્બીજનો તમારી આ હરકત ઉદાર દિલથી ખમી ખાય છે.

તમને કોઈ જાતનું કળાનું શિક્ષણ આ તેત્રીસ વર્ષમાં મળ્યું નથી. પણ કોઠા સૂઝથી તમારી અંદર રહેલો કલાકાર વાસંતી ફાગની કની મ્હોરવા લાગે છે. તમારી આ ઊભરી રહેલી કળા, કૌશલ્ય અને મહેનત તમે દિલ દઈને આ ઉદ્યાનમાં ઠાલવતા રહો છો. આમ ધીમે ધીમે તમારો એ ‘ગુપ્ત પાષાણ ઉદ્યાન’ અવનવા આકાર લેવા માંડે છે. સરકાર દ્વારા આરક્ષિત આ વિસ્તારમાં બીજું કોઈ  પગ પણ મુકવાની હિમ્મત કરતું નથી. એના કારણે તમારું આ સર્જન ઓગણીસ ઓગણીસ વર્ષ ગોપિત રહી શકે છે. માત્ર તમારા કુટુમ્બીજનોને તમે અવાર નવાર આ ઉદ્યાનાની સહેલ કરાવતા રહો છો. તમારો દીકરો અનુજ પણ મોટો થતાં તમારા આ શોખ અને ભેખમાં તમને મદદ કરાવવા લાગે છે.

૧૯૭૬

ઓગણીસ ઓગણીસ છાનું રાખેલું તમારું આ કામ છેવટે સરકારી ઇન્સ્પેક્ટરોના ધ્યાન પર આવે છે. તમારા આ ગેરકાનૂની ભેલાણ માટે તમને શિક્ષા કેમ ન કરવી? – તેનું કારણ દર્શાવવા નોટિસ ફટકારવામાં આવે છે. તમારી આ સપન ભોમકાને બુલડોઝર વડે તહસ નહસ કરી નાંખવા સરકારી હુકમો વહેતા થાય છે.

નેકચંદ ! તમારો કલાકાર આત્મા આ હાદસાથી કકળી ઊઠે છે. બાવન વર્ષની ઉમરે તમારી પણ થોડીક વગ છે જ. તમે મિત્રોનો સહારો લઈ, સ્થાનિક અખબારોની સહાયથી આ સરકારી અસહિષ્ણુતા સામે બગાવનો બુંગિયો ફૂંકો છો.

છેવટે ઊભરી રહેલા પ્રજામતને માન આપવા, પંજાબના શહેરી વિકાસ ખાતાના પ્રધાન અને ચંડીગઢના મેયર તમારા ગુપ્ત ઉદ્યાનની મુલાકાત લે છે. પહેલી જ નજરે એ બન્ને મહાનુભાવો અને તેમની સાથેના અધિકારીઓ તમારી આ સાધના પર ઓવારી જાય છે અને’ જંગલમાં મંગલ’ જેવા તમારા રોક ગાર્ડનના પ્રેમમાં પડી જાય છે. બધા નકારાત્મક સરકારી હુકમો પાછા ખેંચવામાં આવે છે. એક જ મહિનો અને ખાસ સરકારી કાયદા વડે તમારા આ બાળકને ચંડીગઢ મ્યુનિસિપાલિટી દ્વારા દત્તક લેવામાં આવે છે. બઢતી સાથે તમારી નિમણૂંક આ પાષાણ ઉદ્યાનના ક્યુરેટર તરીક કરવામાં આવે છે. મસ મોટું સરકારી બજેટ પણ થોડાક જ મહિનાઓમાં પસાર થાય છે. હવે ચાળીસ માણસોની સેના તમારો હુકમ પાળવા ખડે પગે તમારી સાથે છે.

તમારો આ બાગ હવે ‘બાગ–બાગ’ બનવા લાગે છે.

૨૦૧૬

ચાળીસ વર્ષ પછી …

સ્વ. નેકચંદ સૈનીએ ગુપ્ત રીતે સર્જેલ એ પાષાણ ઉધ્યાન ચંડીગઢનું ઘરેણું બની ગયો છે. હવે તે ચાળીસ એકર વિસ્તારમાં પથરાયેલો છે. ભારત તેમ જ વિદેશથી પ્રતિવર્ષ ૨.૫ લાખ કરતાં વધુ લોકો અહીં આ કલાકૃતિ જોવા આવે છે, જેની ટિકિટોના વેચાણથી આશરે રૂપિયા ૧.૮ કરોડની વાર્ષિક આવક થાય છે.

ભારત સરકારે પણ નેકચંદના આ નેક ભેખની કદર કરી છે, અને આ ટપાલ ટિકિટ એમની યાદમાં બહાર પાડી છે.

— 

વીડિયો

https://www.youtube.com/watch?v=nr0l21VwitY

નેક ચંદની વેબ સાઈટ 

http://nekchand.com/

સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Nek_Chand

https://en.wikipedia.org/wiki/Rock_Garden_of_Chandigarh

http://nekchand.com/about-nek-chand-0

https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95_%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165091

તેમના અવસાન પ્રસંગે ’મુંબાઈ સમાચાર’ માં પ્રગટ થયેલ અહેવાલ …..

 ચંડીગઢ: વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પોતાની અનોખી કલાકૃતિઓ વડે લોકોને દંગ કરનારા અને અહીંના પ્રતિષ્ઠિત રૉક ગાર્ડનનું નિર્માણ કરનારા નેક ચંદનું હાર્ટ એટેકને લીધે શુક્રવારે ચંડીગઢની એ હૉસ્પિટલમાં નિધન થયું હતું. તે ૯૦ વર્ષના હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે બીમાર હતા અને છેલ્લા અમુક દિવસોથી ચંડીગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. એમને ગુરુવારે સાંજે પી.જી.આઇ.એમ.ઇ.આર.માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેકનો હુમલો આવતાં મધરાતે એમનું નિધન થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ પ્રશાસને શુક્રવારે પોતાનાં કાર્યાલયોમાં રજા જાહેર કરી હતી.

ચંડીગઢના વધારાના ગૃહ સચિવ એસ.બી. દીપક કુમારે જણાવ્યું હતું કે, એમનું પાર્થિવ શરીર શુક્રવારે રૉક ગાર્ડનમાં રાખવામાં આવશે, જેથી લોકો એમનાં અંતિમ દર્શન કરી શકે. એમણે વધુમાં કહ્યું હતું કે, એમના પરિવારના સભ્યો એમનાં દીકરી વિદેશથી આવવાની રાહ જોઇ રહ્યાં છે. એમનો અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. ચંડીગઢ પ્રશાસન અને શહેરીજનોએ પદ્મશ્રી પુરસ્કૃત નેક ચંદનો ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરના રોજ ૯૦મો જન્મદિવસ ઊજવ્યો હતો.

નેક ચંદે રૉક ગાર્ડનમાં ચીની માટીનાં તૂટેલાં વાસણો, વીજળીનો સામાન, તૂટેલી બંગડીઓ, સ્નાનઘરની ટાઇલ્સો, વૉશ બેસિન અને સાઇકલની ફ્રેમ જેવા બેકાર સામાનનો ઉપયોગ કરીને પુરુષો, મહિલા, જાનવરો અને ભગવાનની મૂર્તિઓ બનાવી છે. આ ગાર્ડનનું ઉદ્ઘાટન ૧૯૭૬માં થયું હતું. નેક ચંદની અનોખી કલાને વૉશિંગટનના નેશનલ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ સહિત વિદેશમાં કેટલાં ય સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. 

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,4011,4021,4031,404...1,4101,4201,430...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved