ગોધરાકાંડના ૨૫ વર્ષ પછી પણ સવાલ એ જ છે કે, શું એક પ્રજા તરીકે આપણે હિંસાના પસ્તાવામાંથી કંઈ શીખ્યા છીએ કે પછી હજી પુખ્ત થવાનું બાકી છે?

પ્રકાશ ન. શાહ
મતાધિકારમાં તો આપણે એકવીસમેથી અઢારમે આવી ગયા, પણ પ્રજાકીય પુખ્તતા પચીસમે વરસે પહોંચતાયે લાભીશું કે કેમઃ ગોધરા-અનુગોધરા વિષાદે ભર્યા અધ્યાયને ફેબ્રુઆરી ઊતરતે ચોવીસ વરસ થયાં, અને હવે તો પચીસમું બેઠું.
પુખ્તતતાની આ જે ખોજમથામણ, એમાં હું જે છેડેથી પ્રવેશવા ઇચ્છું છું તે કંવરપાલ સિંઘ ગિલ કહેતા કે.પી.એસ. ગિલનો છે. વડા પ્રધાન વાજપેયી ગુજરાતનો આંટો મારી ગયા અને રાજધર્મના પાલનનું પ્રબોધન તો કરી ગયા પણ એમને વાસ્તવમાં કરાર વળ્યો નહોતો. તે અરસામાં, લઘુમતી પંચ સાથે સંકળાયેલા તરલોચન સિંઘે એમને સૂચવ્યું કે પંજાબમાં સફળતા મેળવનાર કે.પી.એસ.ને ગુજરાત મોકલો. 2002ના મે માસના પહેલા અઠવાડિયામાં એ આવ્યા અને, તરલોચન સિંઘના શબ્દોમાં, એમની ખ્યાતિથી પરિચિત પોલીસને થયું કે હવે પોલીસપણામાં આવવું પડશે તેમ જ લઘુમતીને પણ ભરોસો બેઠો.
ગિલે ગુજરાતમાં વિશેષ અખત્યાર સંભાળ્યો ને શરૂ શરૂના દિવસોમાં જ એ બોલ્યા વિના રહી શક્યા નહીં કે હું અહીં ક્યાંયે કલિંગબોધ જોતો નથી. કલિંગની ફતેહ પછી આ આખી પ્રક્રિયામાં વહેલાં લોહી અને વેરાયેલ વિનાશે સમ્રાટ અશોકને પુનર્વિચારની પ્રેરણા આપી હતી. એમનો પંથ આખો પલટાઈ ગયો હતો. ગુજરાત પહેલાં મેં પંજાબ સહિત જ્યાં જ્યાં હિંસાનિવારક ફાયરફાઈટરનું કામ કર્યું છે ત્યાં ત્યાં પ્રજાકીય ને શાસકીય સ્તરે દસવીસ દિવસમાં તો થતાં શું થઈ ગયું કે કરતાં શું કરી નાખ્યું એ વિશે પુનર્વિચારનો ધક્કો અનુભવ્યો છે. પણ અહીં એક મહિના પર બીજો મહિનો એમ સમયગાળો વહી રહ્યો છે … અને હજુ પેલો કલિંગ સ્પર્શ, એ તો વેગળો ને વેગળો છે.
ગિલ સાથે એમની ગુજરાતની કામગીરી દરમ્યાન મળવાનુંયે થયું હતું, પણ એની વાત ઘડીક રહીને. અહીં માત્ર ગુજરાતે તે પહેલાં જે મોટું કોમી રમખાણ જોયું, 1969ના ગાંધી શતાબ્દી વર્ષમાં, એને સંભારું તો એમાંયે સરકાર ઊણી ઊતરી હશે પણ હિંસા સાથે શાસક વર્ગમાં મેળાપીપણું નહોતું. હા, હિતેન્દ્ર દેસાઈનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો હતો એને જફા જરૂર પહોંચી. બાકી, જે.પી. આંદોલન દરમ્યાન રામનાથ ગોયન્કા સાથે અનૌપચારિક વાતોનો નાતો બંધાયો ત્યારે એમની પાસે સાંભળ્યું છે કે હિતેન્દ્રભાઈ રાષ્ટ્રીય રાજનીતિમાં કદાચ મોરારજીભાઈ કરતાંયે આગળ નીકળી જશે એવું મને લાગ્યું ને મેં એક્સપ્રેસની અમદાવાદ આવૃત્તિનો વિચાર પાકો કર્યો હતો.
ખેર, વાત વધુ અવાન્તરે ચાલે તે પહેલાં અટકું પણ જેમ ગિલનું તેમ રિબેરોનુંયે સ્મરણ કરી લઉં. 1985માં માધવસિંહ સોલંકીની સરકાર હતી અને અનામત વિરોધી ઉત્પાતે કોમી વળાંક લીધો હતો. તોફાનો શમવાનું નામ લેતાં નહોતાં અને પંજાબમાં શાંતિ સ્થાપનની યશસ્વી ભૂમિકા ભજવી જાણનાર, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રિબેરોની સેવાઓ લેવામાં આવી હતી. માધવસિંહ સોલંકી પછી મુખ્ય મંત્રી પદ સંભાળનાર અમરસિંહ ચૌધરીના શબ્દોમાં ‘રિબેરો સફળ થયા, કેમ કે તે કોઈને બદ્યા બદે નહીં એવી આઝાદ સમજના માલિક હતા. કોઈની શેહમાં આવે તે રિબેરો નહીં.’
જો કે, રિબેરો સાથે નાગરિક સંગઠનના સાથીઓ જોડે વાત કરવાનું થયું ત્યારે એમનો ઉત્તર સરળ હતોઃ ‘મને વાસુદેવ મહેતાએ ઈન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમે એવું શું કર્યું કે તોફાનો જાણે ચાંપ દાબી ને બંધ થઈ ગયાં. મેં કહ્યું કે પોલીસ ખાતામાં આને સારુ સીધીસાદી એસ.ઓ.પી. (સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) છે.’ દરેક થાણા પાસે વાંધાજનક તત્ત્વોની યાદી હોય જ. એમને તત્કાળ રાઉન્ડ અપ કરી લો કે મામલો ખતમ.
જ્યારે ગોધરા ટ્રેનની નિર્ઘૃણ ઘટના બની ત્યારે જિલ્લા કલેક્ટર જયંતી રવિ હતાં. સાંભળ્યું છે કે એમણે તરત મુંબઈબેઠા રિબેરોનો સંપર્ક સાધી માર્ગદર્શન માગ્યું હતું. આ વાત જો ખરી હોય તો રિબેરોએ એમને બીજું શું કહ્યું હશે, સિવાય કે એસ.ઓ.પી. બને કે ગોધરા શહેર વિશેષ વકર્યું વણસ્યું નહીં એમાં આ જ બીજમંત્ર કામ કરી ગયો હશે. ગમે તેમ પણ, સ્થાનિક શાંતિ જાળવી રાખવા સબબ કલેક્ટરે જે ‘રાઉન્ડ અપ’થી જે સફળતા મેળવી હશે તે પછી ભા.જ.પ. સાંસદના દબાણ હેઠળ એમની બદલી કરવામાં આવી હતી એ ચોપડે ચઢેલી બીના છે.
1969-1981-1985-2002ના ફલક પર જોઉં છું ત્યારે 1985માં તત્કાલીન રાજ્યપાલ બી.કે. નેહરુને ઉમાશંકર જોશીના નેતૃત્વમાં બિનપક્ષીય નાગરિક મંડળ તરીકે મળવાનું થયું હતું તે સાંભરે છે. તોફાનો શમતાં નહોતાં અને શહેર લશ્કરને સોંપવાની અમારી વાત, સામાન્યપણે લોકશાહી ધોરણે અણગમતી પણ અનિવાર્ય વાત હતી. કવિએ તત્કાલીન રાજકીય-શાળાકીય નેતૃત્વ વિશે વાત કરતાં રમણભાઈ નીલકંઠને ટાંક્યા હતાઃ
‘દુર્વૃત્તિઓ જે જગવે જનોની
એ ખેલ માંડે ભયથી ભરેલો
ભર્યાં તળાવો તણી પાળ તોડી
રોકી શક્યાં છે જળધોધ કોણ?’
વળી ગિલને સંભારું. ગુજરાતની કામગીરી પાર પાડી એ પાછા ફરી રહ્યા હતા ત્યારે પણ એમણે અમારી વિદાયમુલાકાતમાં કહ્યું હતું, હું હજી કલિંગબોધ જોતો નથી.
અગિયાર વરસ પછી 2013માં દિલ્હીમાં એમનું જીવનચરિત્ર બહાર પડ્યું – ‘કે.પી.એસ. ગિલ ધ પેરેમાઉન્ટ કોપ’, ત્યારે જો કે 2002ને એમણે બહુધા ‘પોલીસ ફેઈલ્યોર’માં ખતવી કાઢ્યું હતું. પોલીસ ફેઈલ્યોર એ અલબત્ત હતી જ. પણ 1969 અને 2002માં રાજકીય-શાસકીય નેતૃત્વનો જે ભૂમિકાફેર હતો, એનું શું. આ લખું છું ત્યારે ઉમાશંકરને સાંભળું છું : ‘દુર્વૃત્તિઓ જે જગવે જનોની …’
આટલું પચીસમા ઉંબરપ્રવેશે, પુખ્તતાની ખોજમથામણાં.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 માર્ચ 2026
![]()





ફેબ્રુઆરી 1990 વેળા રંગભેદી શાસનના પ્રમુખ એફ.ડબલ્યુ. દ’ ક્લાર્કે આઝાદીની ચળવળ માટે જે કોઈ આંદોલન કે સંસ્થા પર પ્રતિબંધો લદાયેલાં તે ઊઠાવી લેવાની જાહેરાત કરતાં, ફ્રેનીબહેન જીનવાલા વતન પાછાં ફર્યાં હતાં. નેલ્સન મંડેલાના દફતરમાં પરિણામે એમની તત્કાળ નિમણૂંક કરવામાં આવી. આમ 1991 – 1994 દરમિયાન, ફ્રેનીબહેન આફ્રિકન નેશનલ કાઁગ્રેસના સંશોધન વિભાગનાં વડાં તરીકે સેવાઓ આપતાં રહ્યાં. સન 1992 વેળા એમણે રાષ્ટૃીય સ્તરે ‘કોન્સ્પિરેસી ઑવ્ વિમેન’ નામે દરેકને સાંકળતું એક જૂથ ઊભું કર્યું. રંગભેદ વિહોણું બંધારણ ઘડતી વેળા, વાટાઘાટમાં મહિલાઓ માટેની વિગતો શરતચૂકે હાંસિયામાં ધકેલી દેવાય નહીં, તે ધ્યાને લઈ જાતભાતની રાજકીય વિચારધારા ધરાવતી સંસ્થાઓને અને વ્યક્તિઓને, વિવિધ ધર્મમંડળોને, કામદાર મંડળોને તેમ જ નાગરિક સમાજને એક છત્તર હેઠળ એકઠાં કરવાનું એમણે કેન્દ્રગામી રાખેલું. થયું તેમ જ, મહિલાઓની વાતને કોરાણે હડસેલી મુકવામાં આવી. મહિલાઓ પ્રત્યે હિંસાચારના દાખલાઓને પણ ચૂકી જવાયું છે.