Opinion Magazine
Number of visits: 9670524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં ભા.જ.પા.નાં પાસાં પોબારઃ મોદી ફેક્ટર, માઇક્રોમેનેજમેન્ટ, હિંદુત્વ, વિકાસ અને મજબૂત નેરેટિવ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|11 December 2022

કાઁગ્રેસ પાસે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરનો એકે ય નેતા પ્રચાર ટાણે ન હોવાની વાત જનતાને આંખે ઊડીને વળગી. ગાંધી પરિવારમાં લોકોને રસ નથી પણ છતાં ય રાહુલ ગાંધી કાઁગ્રેસ માટે જરૂરી તો છે જ પણ ભારત જોડો યાત્રામાં એક પોઇન્ટ પછી ગુજરાતનો છેદ ઊડી ગયો.

ગયા અઠવાડિયે જ્યારથી એક્ઝિટ પોલ શરૂ થયા ત્યારથી લઇને અત્યારે તમે અત્યારે ચ્હા પીઓ છો ત્યાં સુધીમાં માધવસિંહ સોલંકીને જેટલા યાદ કરાયા છે, એટલા તો આ પહેલા ભાગ્યે જ કોઇએ યાદ કર્યા હશે. ભા.જ.પા. આ વખતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન માધવસિંહ સોલંકીનો ૧૯૮૫નો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડશે કે કેમ ત્યાંથી શરૂ થયેલી વાત ભા.જ.પા.એ ૧૫૬ બેઠકો પર ગુજરાતમાં જીત મેળવીને એ રેકોર્ડ તોડ્યો એ પછી પણ ચાલુ રહી.

ભા.જ.પા.ની વ્યૂહરચના જાણે દર ચૂંટણી પછી ધારદાર થઇ રહી છે. ભા.જ.પા.નો ચહેરો એટલે કે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરે સત્તા મેળવ્યા પછી પણ રાજ્યની ચૂંટણી ટાણે માઇક્રોમેનેજમેન્ટ કરવામાં કોઇ કસર નથી છોડી. ‘સાહેબ’ના બોલે પક્ષના મોટા માથાઓથી માંડીને નાનામાં નાના કાર્યકરે મતદારોને બાંધી રાખવામાં જે કરવું પડ્યું તે કર્યું. ૨૭ વર્ષથી જે સત્તા હાથમાં છે જતી થોડી કરાય? નરેન્દ્ર મોદી માટે અંગ્રેજીનું પેલું બહુ વપરાયેલું વાક્ય, ‘લવ હિમ હેટ હીમ, યુ કાન્ટ ઇગ્નોર હિમ’ અચૂક યાદ આવે. ભા.જ.પા.એ ગુજરાતમાં જે સપાટો બોલાવ્યો એમાં નરેન્દ્ર મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા સૌથી મોટું કારણ છે.

એક તરફ હિમાચલમાં ભા.જ.પા.ને કાઁગ્રેસે પાછળ છોડી દીધી, તો બીજી તરફ ગુજરાત જે મોદીની હોમ પીચ છે ત્યાં ભા.જ.પે. સપાટો બોલાવી દીધો. રાજકીય સમીક્ષક તથા ભારજતીય જનતા પાર્ટી – સૌથી મોટા રાજકીય પક્ષની વિકાસગાથાના લેખક તેવા શાંતનુ ગુપ્તાને જ્યારે ભા.જ.પા.ની ગુજરાતની વ્યૂહરચના વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, “૨૦૧૭માં ભા.જ.પા.ની ૧૮૨માંથી ૯૯ બેઠક જીતી શકી. કાઁગ્રેસ ત્યારે ૭૭ બેઠકો મેળવી શકી હતી. આ પુરાવો હતો કે કાઁગ્રેસે બહુ ચિવટથી આ જંગ ખેલ્યો હતો અને ભા.જ.પા.ને અમુક બેઠકથી આગળ નહોતી વધવા દીધી. ૨૦૧૭ના એ બોધ પછી ભા.જ.પા. માટે જરૂરી હતું કે કાઁગ્રેસે જે યુવા ચહેરાઓ પર દાવ ખેલ્યો હતો તેની સામે કોઇ વ્યૂહરચના મુકવી. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી ૨૦૧૭માં કાઁગ્રેસ માટે અગત્યના ચહેરા હતા. આ રીતે તેમણે દલિત, પાટીદાર અને ઓ.બી.સી. આંદોલનની ત્રિરાશી પર જ આખું કેમ્પેઇન પ્લાન કરાયુ હતું. કાઁગ્રેસે ગુજરાતમાં હાર્દિક પટેલને તો કાર્યકારી પ્રમુખની પદવી પણ આપી. ભા.જ.પા.એ એ પછી જે ખેલ ઘડ્યો તેમાં ૨૦૨૨ની ચૂંટણી પહેલાના પાંચ વર્ષના ગાળામાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પોતાની તરફ કરી લીધા અને તેઓ ઠીકઠાક માર્જીનથી જીત્યા પણ ખરા. એક માત્ર જિજ્ઞેશ મેવાણીને ભા.જ.પા. પોતાની તરફ ન કરી શકી.”

કાઁગ્રેસની અને તેમાં ય ખાસ કરીને માધવસિંહ સોલંકીની જૂની અને જાણીતી ખામ (KHAM) થિયરી જેમાં કોળી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાનને ફરી જીવંત કરવાનું કાઁગ્રેસને યાદ તો આવ્યું પણ એ લાગુ કરવામાં જરા મોડું થઇ ગયું; વળી; હવે અહેમદ પટેલ જેવો ચહેરો કાઁગ્રેસ પાસે ન હોવાની અસર પણ પડે જ. જાતિવાદની ચાલ ગોઠવવામાં ભા.જ.પા.ની મુત્સદ્દીગીરી ફાવી ગઇ.

ભા.જ.પા.ની બીજી વ્યૂહરચનાની ચર્ચા કરતાં શાંતનુ ગુપ્તા કહે છે “ભા.જ.પા.ની સરકાર અને ધારા સભ્યો સામે સત્તા વિરોધનું લેબલ ન લાગવું જોઇએ તેની પૂરી તકેદારી રાખી. અડધી ટર્મ પતી અને સરકારને માથે રાજ્ય સ્તરે માછલાં ધોવાયા તો ભા.જ.પા.એ ગુજરાતમાં મુખ્ય મંત્રી તો બદલ્યા જ પણ કેબિનેટમાં ય ફેરફાર કરી નાખ્યો. આખો કારસો એવી રીતે ઘડાયો કે કોઇને વાંકુ પણ ન પડ્યું અને કોઇ હોહા ન કરી, સરળતાથી આ ફેરફાર કરવાની ભા.જ.પા.ની રણનીતિએ સત્તા વિરોધ રોકી લીધો. ૨૭ વર્ષથી રાજ કરતી ભા.જ.પા.ને ખબર હતી કે જરા સરખો વિરોધ પણ ભારે પડી શકે છે. વળી એક બે નહીં પણ ૪૦થી વધુ નવા લોકોને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાઇ. ભા.જ.પા.એ જ્યાં જ્યાં ૨૦૧૭માં બેઠકો ખોઇ હતી ત્યાં કઇ રીતે આદિવાસીઓ, દલિત અને પાટીદારો સહિતના અન્ય સૌરાષ્ટ્રવાસીઓને પોતાની તરફ કરવા તેનું વિગતવાર પ્લાનિંગ કરાયું અને એ જ પ્રમાણે કામગારી પણ કરાઇ.” આ આખી ગોઠવણમાં ભૂપેન્દ્ર પટેલનું સત્તા પર આવવું પણ બહુ ગણતરી પૂર્વકનો મૂવ હતો. સાફ છબી, મૈત્રીપૂર્ણ વહેવાર આ બધું ભૂપેન્દ્ર પટેલની તરફેણમાં રહ્યું અને આમાં પટેલો પણ સચવાયા.

માણસોને કામે લગાડવા અને કામના માણસોને મહત્ત્વ આપવાનું નરેન્દ્ર મોદીને સુપેરે આવડે છે. આ વાતનું ઉદાહરણ છે સુરતના સી.આર. પાટીલ. સી.આર. પાટીલની નરેન્દ્ર મોદી સાથેની નિકટતા તો ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ત્યારે જ આંખે ઊડીને વળગે તેમ હતી, જ્યારે તેમને બનારસમાં અનૌપચારિક પ્રભારી તો હતા જ પણ ૨૦૨૨ નજીક આવતા સુધીમાં તેમને પક્ષના રાજ્ય પ્રમુખ બનાવાયા. સી.આર. પાટીલે એકે એક બેઠક પર, એકે એક બુથ પર, ફરી વળવાનું નક્કી કર્યું, જાણે પક્ષના આખા માળખાને ઠમઠોરવાનું કામ કર્યું. ભા.જ.પા.ના મતદારોને કેન્દ્ર અને રાજ્ય સ્તરે એક કરાયા, પક્ષના પ્રમુખનું તંત્ર ખડું કરી મતદાનના દિવસે લોકો મથક સુધી આવે તેની પણ પૂરી તકેદારી રખાઇ. વળી જે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન ખુદ ૩૦થી વધુ રેલીઓમાં હાજરી આપતા હોય, રોડ શોઝમાં હાજરી આપતા હોય ત્યારે તે વડા પ્રધાન પછી પણ રાજ્યના પનોતા પુત્ર અને પક્ષના કાર્યકર્તા હોવાની પોતાની છબી મતદારો સામે આગળ ધરતા હોય છે.

વળી ભા.જ.પા.એ એ પણ ધ્યાન રાખ્યું કે જ્યાં પ્રચાર કરવા ગયા ત્યાં જે પ્રકારનુ ટી.જી. એટલે કે ટાર્ગેટ ગ્રૂપ છે તે પ્રકારના એટલે કે ખાસ કરીને તે ભાષા-જ્ઞાતિના રાષ્ટ્રીય અને અન્ય રાજ્યોના રાજકીય સ્તરના નેતાઓ પણ હાજરી આપે. ભા.જ.પા.એ ગુજરાતમાં આખી બ્રિગેડ ઉતારી અને જરૂર પડ્યે યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઇરાની, જે.પી. નડ્ડા, અમિત શાહ જેવાં નેતાઓએ પણ હાજરી આપી. નાના વિસ્તારોમાં સાંસદો અને ધારાશાસ્ત્રીને ખડા કરાયા જે તે વિસ્તારના લોકો સાથે કનેક્ટ સ્થાપી શકે. વળી આમ આદમી પાર્ટીનું ઝાડુ પણ કાઁગ્રેસનો વૉટ શૅર લઇ ગયું જેનો ફાયદો ભા.જ.પા.ને આડકતરી રીતે એ દિશામા એક આંગળી હલાવ્યા વિના મળી ગયો.

ભા.જ.પા.એ શું કર્યું અને તેને શું ફળ્યું એ સાથે રાહુલ ગાંધીએ જે રીતે ગુજરાતમાં પ્રચાર કરવાની આખી વાતને વખારે નાખી તેનો ફાયદો પણ તો ભા.જ.પા.ને જ થયો. આમે ય કાઁગ્રેસની વલે થઇ હતી એમાં કાઁગ્રેસ પાસે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરનો એકે ય નેતા પ્રચાર ટાણે ન હોવાની વાત જનતાને આંખે ઊડીને વળગી. ગાંધી પરિવારમાં લોકોને રસ નથી પણ છતાં ય રાહુલ ગાંધી કાઁગ્રેસ માટે જરૂરી તો છે જ પણ ભારત જોડો યાત્રામાં એક પોઇન્ટ પછી ગુજરાતનો છેદ ઊડી ગયો અને એમાં ગુજરાતમાં કાઁગ્રેસ સાવ ખૂણામાં ધકેલાઇ ગઇ. કાઁગ્રેસ આ હળવાશથી લેતે તો ગુજરાતમાંથી તેના પૂરી રીતે અદૃશ્ય થવાનો વખત ભા.જ.પા.એ ધાર્યું હશે તે પહેલાં જ આવી જશે.

બાય ધી વેઃ

આપણે ત્યાં ત્રણમાંથી બે સરકારો ફેંકાઇ જાયનો ઘાટ રહ્યો છે પણ નરેન્દ્ર મોદી અપવાદ સાબિત થયા છે અને ભા.જ.પા.ને તેમણે રાષ્ટ્રીય સ્તરે તથા હોમ પીચમાં પાછળ નથી પડવા દીધી. વળી હિંદુત્વ અને વિકાસ આ બે એવા પાસાં છે જે ભા.જ.પા. માટે કાયમ પોબાર પડે છે. ભા.જ.પા.ના વિકાસના વચન સામે ‘આપ’ની રેવડી દાણાદાણ થઇ ગઇ તો ગરીબો માટે મફત રાશનની વાત સાથે ગુજરાતની સોલારના ક્ષેત્રની સફળતા પણ પ્રચારમાં વપરાઇ. હિંદુત્વનું કાર્ડ વાપરી અમિત શાહે ગોધરાનો દાખલો આપ્યો. સત્તાનું અભિમાન કોઇને સદતું નથી, અને નરેન્દ્ર મોદી તથા ભા.જ.પા. બન્નેએ આ સાવ સાદી વાત યાદ રાખવી જ પડશે. નરેન્દ્ર મોદીને ગુજરાતમાં છબી ખરડાય તે કોઇ કાળે પોસાય તેમ નથી એટલે એ માટે તે બધું જ કરી છૂટે છે. અરવિંદ કેજરીવાલને પણ હળવાશથી લેવા જેવા નથી એ પણ નરેન્દ્ર મોદીને સમજાય છે. હવે ગુજરાતમાં ભા.જ.પા.ના શાસનને સીધા ૨૯ વર્ષ થશે, આ પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાએ પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષ આ રીતે શાસન કર્યું છે. ભા.જ.પા.ને લોકોની નસ પરખાઇ ગઇ છે અને રાજકારણમાં એ આવડતની સામે બીજું બધું આડવાત જ લાગે કારણકે જનતા અંતે તો ટોળું છે, ટોળાંને મેનેજ કરવા માટે જોઇએ નેરેટિવ – કથા અને એ મેનેજ કરતા નરેન્દ્ર મોદી અને અમિત શાહને ન આવડે તો જ નવાઇ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ડિસેમ્બર 2022

Loading

ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારે ય ફાવ્યો નથી 

રમેશ ઓઝા|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|11 December 2022

બી.જે.પી.એ ગુજરાતમાં ૧૯૮૫નો કાઁગ્રેસનો રેકોર્ડ તોડ્યો છે. ૧૯૮૫ની સાલમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એ સમયના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કાઁગ્રેસને કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો મળી હતી અને ૫૫.૫૫ ટકા મત મળ્યા હતા. બી.જે.પી.ને ત્યારે ૧૪.૯૬ ટકા મત સાથે માત્ર ૧૧ બેઠકો મળી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસને ૪૯.૧૦ ટકા મત સાથે લોકસભાની ૫૧૫ બેઠકોમાંથી ૪૦૪ બેઠકો મળી હતી અને બી.જે.પી.ને ૭.૭૪ ટકા મત સાથે માત્ર બે બેઠકો મળી હતી. બન્ને ચૂંટણીઓ ઇન્દિરા ગાંધીની હત્યા પછી તરતમાં યોજાઈ હતી જેનું આ પરિણામ હતું. ૧૯૮૫ની વિધાનસભાની ચૂંટણી પછી થોડાક જ મહિનામાં અનામતવિરોધી આંદોલન થયું હતું અને ગુજરાતના પાટીદારોનો કાઁગ્રેસ સાથે સંબંધવિચ્છેદ થયો હતો.

આ ઘટના ૩૭ વરસ જૂની છે અને ૩૭ વરસમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી જીતવાની કેમિસ્ટ્રી વિકસાવી છે, પણ કોઈ અકળ કારણસર ગુજરાત પ્રદેશ કાઁગ્રેસ ચૂંટણી જીતવાની નથી કોઈ કેમેસ્ટ્રી વિકસાવી શકી કે નથી બી.જે.પી.ની કેમેસ્ટ્રીમાં કોઈ ઘોંસ પાડી શકી. તમને એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૨૦૦૨માં ગોધરા-ગુજરાતકાંડ પછી તરતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૧૨૭ બેઠકો અને ૪૯.૮ ટકા મત મળ્યા હતા અને એ પછી તેમાં ઉત્તરોત્તર ઘટાડો જ થયો હતો. નરેન્દ્ર મોદી સ્વયં ગુજરાતના મુખ્ય પ્રધાન હોવા છતાં અને ગુજરાત મોડેલની મુઠ્ઠી હજુ ઊઘાડી નહોતી પડી એ છતાં બી.જે.પી.ને એ પછીની કોઈ ચૂંટણીમાં ૧૨૭ બેઠકો અને ૪૯ ટકા મત મળ્યા નહોતા. ૨૦૧૭ની ચૂંટણીમાં બી.જે.પી.ને માત્ર ૯૯ બેઠકો મળી હતી, જ્યારે કે હિંદુહ્રદયસમ્રાટ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને દેશના વડા પ્રધાન તરીકે સાક્ષાત્‌ હાજરી ધરાવતા હતા.

તો પછી આ વખતે એવું શું બન્યું કે બી.જે.પી.એ ૧૯૮૫નો કાઁગ્રેસનો રેકોર્ડ તોડ્યો? કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે એવી કોઈ સિદ્ધિ મેળવી નથી કે પ્રજા સમરકંદ બુખારા ઓવારી જાય! ઊલટું બી.જે.પી.ને મત નહીં આપવા માટે વધુ કારણો હતાં. જવાબ બહુ સરળ છે. ગુજરાત પ્રદેશ કાઁગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટી બી.જે.પી.ની બી ટીમ છે. આ છે ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા કે વિનિંગ કેમેસ્ટ્રી. ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીનો યુગ પૂરો થયો એ પછીથી ગુજરાતના કાઁગ્રેસના નેતાઓની કોઈ સક્રિયતા ક્યારે ય નજરે પડી નથી. આ હું પહેલીવાર નથી કહેતો અનેકવાર કહી ચુક્યો છું અને બીજા અનેક લોકો અનેકવાર કહી ચુક્યા છે. આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇશારે રચાયેલી બી ટીમ છે એ પણ હું ૨૦૧૧માં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનું આંદોલન શરૂ થયું ત્યારથી કહેતો આવ્યો છું. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ૨૭ વરસની એન્ટી ઇન્કમબન્સીને માત આપીને ૧૯૮૫નો રેકોર્ડ બી.જે.પી. તોડી શકી એનાં કારણો આ છે, બાકી જે ૨૦૦૨થી ૨૦૧૭નાં વર્ષોમાં ન બન્યું એ આજે કેમ બને!  

૨૦૧૭માં બી.જે.પી.ની મોટા પાયે પીછેહઠ થઈ હતી એનું કારણ રાહુલ ગાંધીએ ત્યારે કરેલો અથાક પરિશ્રમ હતો. તેમણે ત્યારે ગુજરાત ખુંદી વળ્યું હતું. આ સિવાય હાર્દિક પટેલના કારણે પટેલોના એક વર્ગનો કાઁગ્રેસને ટોકો મળ્યો હતો. ૨૦૧૭ પછીથી ગુજરાત કાઁગ્રેસના નેતાઓએ હજુ વધુ સરસાઈ મેળવવા અને વધુ જગ્યા બનાવવા કોઈ મહેનત કરી હોય એવું જોવા મળ્યું નથી. આ વખતે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારમાં ખાસ રસ લીધો નહોતો અને સમય આપ્યો નહોતો.

રાહુલ ગાંધી ભારત જોડો પદયાત્રા કાઢી રહ્યા છે અને એમ લાગે છે કે તેમની પ્રાથમિકતા કાઁગ્રેસના નવસર્જનની છે. તેમને સમજાઈ ગયું છે કે પક્ષનું નવસર્જન નીચેથી લોકોની વચ્ચે જવાથી અને નવયુવાનોને ભરતી કરવાથી થવાનું છે, ગુજરાત કાઁગ્રેસના નેતાઓ જેવાઓનો બોજો ઊંચકવાથી નથી થવાનું. તેઓ પક્ષ માટે બોજારૂપ છે. આવા લોકોને બી.જે.પી.માં જવું હોય તો જતા રહે અથવા પક્ષની અંદર હાંસિયામાં પડ્યા રહે, પણ પક્ષને એવા લોકોનો જ ખપ છે જે પક્ષ માટે નવસર્જનના યજ્ઞમાં ઉપયોગી થાય. ગુજરાતમાંથી એક માત્ર જિગ્નેશ મેવાણી સિવાય આવી લાયકાત બીજો કોઈ કાઁગ્રેસી નેતા ધરાવતો નથી. જિગ્નેશ મેવાણી બી.જે.પી.ના તોફાન વચ્ચે વડગામમાંથી બીજી વખત ચૂંટણી જીતી શક્યા છે એ તેમની મહેનત અને રાજકીય પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

જે બી.જે.પી.એ ગુજરાતમાં ભવ્ય વિજય મેળવ્યો એનો દિલ્હી મહાનગરપલિકામાં અને હિમાચલ પ્રદેશમાં પરાજય થયો. ચૂંટણી પંચ દરેક રીતે મદદરૂપ બન્યું હોવા છતાં. રાહુલ ગાંધીએ ગુજરાતની જેમ હિમાચલ પ્રદેશમાં પણ કોઈ સઘન પ્રચાર નહોતો કર્યો. આમ બી.જે.પી. અજેય છે એવું નથી. ચોવીસે કલાક સક્રિય રહેતો અને નજરે પડતો રાજકીય વિકલ્પ હોય તો મતદાતાઓને જોઇએ છે. પશ્ચિમ બગાળ અને બિહાર આનાં ઉદાહરણ છે. ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારે ય ફાવ્યો નથી. આમ આદમી પાર્ટીનું કામ કાઁગ્રેસને નુકસાન પહોંચાવાનું અને બી.જે.પી.ને મદદરૂપ થવાનું હતું જે તેણે કરી આપ્યું. આમ આદમી પાર્ટીના જુવાળની અને તે કાઁગ્રેસની જગ્યા લેશે વગેરે વાતો થતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીને કાઁગ્રેસની ચોથા ભાગની બેઠકો નથી મળી.

આવતા વર્ષે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ નિર્ણાયક નીવડવાની છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ડિસેમ્બર 2022

Loading

ચલ મન મુંબઈ નગરી— 174

દીપક મહેતા|Opinion - Opinion|10 December 2022

‘કોકોનટ’ શબ્દમાંના ‘કોકો’નો અર્થ થાય છે ‘ખોપરી’

શેરડી એટલે મધમાખી વગર મધ બનાવતું હિન્દુસ્તાની ઘાસ!      

‘ગોળ કેરી ભીંતલડી ને
  શેરડી કેરા સાંઠા 
  ટોપરે ઘર છાયાં
  બચ્ચાં બારણાં ઉઘાડો’

બકરીએ ઘર બનાવ્યું નામની વાર્તામાં આવતું આ જોડકણું આજે તો લગભગ ભૂલાઈ ગયું છે. કારણ આજનાં બાળકોને આવી વાર્તાઓમાં ભાગ્યે જ રસ પડે. પણ આ જોડકણામાં સૌથી જૂની બે વનસ્પતિનાં નામ અજાણતાં જ સંકળાઈ ગયાં છે. મુંબઈના સાત ટાપુ જ્યારે એકમેકથી જૂદા હતા ત્યારે જાતભાતનાં ઝાડોની વાડીઓ અહીં હતી. તાડ વાડી, ફણસ વાડી, ફોફળ વાડી, જામ્બુલ વાડી, અને લટકામાં પાછી ખેત વાડી પણ ખરી. શેરડી અને નાળિયેરથી બકરીબાઈનું ઘર બંધાય કે ન બંધાય, પણ આપણા ઘરના મંગળ પ્રસંગોમાં એમની હાજરી તો હોય જ. એટલું જ નહિ, આ બંને અનેક જીવોની તરસ પણ છીપાવે.

કેટલાકને મતે શેરડીનું પિયર છે ભારત. ઈ.સ. પૂર્વે ૫૧૦માં પર્શિયાના દરાયસે જ્યારે હિન્દુસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે તેણે અહીં શેરડીના સાંઠા જોયા હતા. તેમાંથી મીઠો મધુરો રસ નીકળતો હતો તે જોઈને તેને ખૂબ નવાઈ લાગેલી. તેણે નોંધ્યું છે કે હિન્દુસ્તાનમાં એક એવું ઘાસ ઊગે છે જે મધમાખી વગર પણ મધ બનાવી શકે છે. હા જી. વનસ્પતિ શાસ્ત્રની દૃષ્ટિએ શેરડી એ એક જાતનું ઘાસ જ છે. તેમાંથી સાકર કઈ રીતે બનાવાય તેની રીત દાયકાઓ સુધી ગુપ્ત રાખવામાં આવેલી. પણ શેરડીમાંથી બનાવેલી સાકર બીજા દેશોમાં મોકલીને અહીંના લોકો ઘણા પૈસા રળતા. સાકર, શક્કર, શર્કરા, શુગર. નામરૂપ જૂજવાં. અંગ્રેજીનો શુગર શબ્દ ઊતરી આવ્યો છે સીધો સંસ્કૃત શબ્દ શર્કરામાંથી. બોલો, મેરા ભારત મહાન.

આ શેરડીનો રસ એ એક જમાનામાં મુંબઈમાં આમજનતાનું પીણું, ખાસ કરીને ઉનાળામાં. હાથ વડે ચાલતા સંચામાં બે સિલિન્ડર સામસામી દિશામાં ફરતાં જાય. કોલ્હુ (એ સંચાનું નામ) ચલાવનાર એ બે સિલિન્ડરની વચ્ચે એક પછી એક તાજી શેરડીનો લીલો છમ્મ સાંઠો ગોઠવતો જાય. રસ નીકળે તે ગરણીમાં ગળાઈને જાય સીધો નીચે રાખેલા વાસણમાં. એકનો એક સાંઠો બે-ત્રણ વખત પીલાય. પછી સાંઠાના કૂચાના ઢગલા ભેગો ભળી જાય. પીલતી વખતે સાથે થોડું આદુ નાખ્યું હોય. તમે માગો તો કાચના ગ્લાસમાં બરફ પણ નાખી આપે. પણ એ બરફ તે ‘બજાર આઈસ’ હોં! એક ગ્લાસ પીઓ તો બત્રીસ કોઠે દીવા થઈ જાય અને કવિ કલાપીના કાવ્ય ગ્રામ્ય માતાની પેલી પંક્તિઓ યાદ આવે :

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

હા, એક જમાનામાં મુંબઈમાં શેરડીનો રસ વેચનારા ઠેર ઠેર જોવા મળતા. વહેલી સવારે ગાડું આવીને શેરડીના સાંઠા દુકાન પાસે ઠાલવે. મોટે ભાગે બળદ માંદા ન હોય. એ વખતે ગાડાંને રબરનાં ટાયરવાળાં પૈડાં નહિ. મજબૂત લાકડાનાં પૈડાં પર લોખંડનો પાટો ચડાવ્યો હોય. ગાડું હાંકતાં બે બળદ અને ગાડાવાળો, એમ ત્રણેને ઘણી મહેનત પડે. એમાં ય જો ભલે નાનો, પણ ઢાળ ચડવાનો હોય તો તો આવી જ બને! પછી વીજળીથી ચાલતાં કોલ્હુ આવ્યાં અને રબરના પાટાવાળાં ગાડાં. કોલ્હુ અને ગાડું, બંને સડસડાટ દોડે. પણ પછી એક બાજુથી લોકોના ગમા-અણગમા બદલાતા ગયા. બીજી બાજુથી જગ્યાનાં ભાડાં સતત વધતાં ગયાં. એટલે જેમ એકલી ચાની દુકાન પોસાય નહિ, તેમ એકલા શેરડીના રસની દુકાન પણ પોસાય નહિ. અને બજારમાં જાત જાતનાં ઠંડાં-ગરમ પીણાં આવતાં ગયાં તેમ તેમ શેરડીના રસનો ધંધો મોળો પડતો ગયો. છતાં, શોધો તો આજે પણ મુંબઈમાં શેરડીનો રસ પીવા તો મળે. પણ લાંબા ફેશનેબલ ગ્લાસમાં, સ્ટ્રો નાખીને. અને હા, ‘બજાર આઈસ’ તો નહિ જ, હોં!

શેરડીના રસ કરતાં નાળિયેર પાણી વધુ નસીબદાર. કારણ, એક તો મુંબઈને લાંબો દરિયા કિનારો. દરિયે ચાલવા કે ફરવા જઈએ ત્યારે નાળિયેર પાણી તો પીવું પડે એવી હજી લોકોની માન્યતા. વળી એમાં દુકાનની કે મોટી જગ્યાની જરૂર નહિ. નાળિયેર ટોપલામાં, કે બહુ બહુ તો રેંકડીમાં રખાય. સાધનમાં એક-બે કોયતા. ઘણા લોકો સીધું નાળિયેર જ મોઢે માંડે અથવા તેમાં સ્ટ્રો નાખીને પીએ. એટલે ઝાઝા ગ્લાસની ય જરૂર નહિ. નાળિયેરની મુખ્યત્વે ત્રણ જાત : નુસ્તા પાણી : પાણી વધારે, પણ થોડું તૂરું. મલાઈ-પાણી, પાતળી મલાઈ સાથે મીઠું પાણી. અને કોપરા-પાણીમાં જાડું કોપરું વધુ, પાણી ઓછું, પણ મીઠું. વળી નાળિયેર વેચનારાઓની બીજી પણ એક જમાત. રોજ સવારે સાઈકલ પર નાળિયેર લઈને નીકળી પડે. બાંધેલા ઘરાકોને ત્યાં જોઈતાં નાળિયેર રોજ પહોંચાડે. કેરળનાં લાલ છાલનાં નાળિયેર અહીં બહુ ઓછાં જોવા મળે. મોટા ભાગનાં લીલી છાલનાં. આખા દેશમાં સૌથી વધુ નાળિયેર થાય કર્ણાટકમાં. દેશના કુલ ઉત્પાદનમાં તેનો હિસ્સો ૩૦ ટકા જેટલો. દક્ષિણનાં તમિળનાડુ, કેરળ, અને આંધ્ર પ્રદેશ ભેગા કરો તો એમનો કુલ હિસ્સો બીજા ૬૦ ટકા! એટલે કે દક્ષિણનાં રાજ્યોની મોનોપોલી. ત્યાંથી રોજ ઢગલાબંધ ટ્રક નાળિયેર મુંબઈમાં ઠલવાય અને ૭૦થી ૧૦૦ રૂપિયે નંગના ભાવે વેચાય. 

નાળિયેરીનાં ઝાડને વ્યવસ્થિત વાવવાની પહેલ ઓસ્ટ્રોનેશિયન લોકોએ કરી હતી. બીજાં ઘણાં ઝાડ એક દેશથી બીજે દેશ જમીન માર્ગે પહોંચ્યાં. જ્યારે નાળિયેરી મોટે ભાગે સમુદ્ર વાટે બીજા દેશો સુધી પહોંચી. અંગ્રેજીનો કોકોનટ શબ્દ મૂળ પોર્ટુગીઝ ભાષાના ‘કોકો’ શબ્દ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘માથું’ કે ‘ખોપરી.’ સૂકા નાળિયેર(શ્રીફળ)નો આકાર માણસના માથા કે ખોપરી જેવો હોય છે તેથી આ નામ. વળી પોર્ટુગીઝ ભાષાની ઘણી લોકકથાઓમાં ‘કોકો’ નામની ડાકણ પણ જોવા મળે છે. વળી, આપણે જેને ‘કોપરું’ કે ‘ખોપરું’ કહીએ છીએ તેને હિન્દીમાં ‘ખોપડા’ કહે છે જેને સીધો સંબંધ છે ‘ખોપરી’ સાથે. કેટલાકને મતે હોમ-હવનમાં જે નાળિયેર હોમાય છે તે મૂળમાં થતા મનુષ્યબલિનું પ્રતિક છે. આયુર્વેદ અને એલોપથી પણ નાળિયેરનાં પાણીના કેટલાક આરોગ્યની દૃષ્ટિએ ફાયદા સ્વીકારે છે. પણ આવા કોઈ પણ લાભ માટે નાળિયેર ખોલ્યા કે કાપ્યા પછી તરત તેનું પાણી પી લેવું જોઈએ. પણ હવે તો કેટલીક કંપનીઓએ બાટલીમાં ભરેલું નાળિયેર પાણી પણ બજારમાં મૂક્યું છે.

ક્યાં મોટા માથા જેવું નાળિયેર અને ક્યાં નાનકડું લીબું! પણ તેના ય ફાયદા અનેક. એટલે એક જમાનામાં ઠેર ઠેર લીંબુ-પાણી વેચનારા ફેરિયા જોવા મળતા. આપણું આ લીંબુ પાણી જ ઉત્તર ભારતમાં ‘શિકંજી’ તરીકે ઓળખાય છે. જો કે લીંબુ પાણીમાં જે સાકર, મસાલો વગેરે વપરાય તેની ગુણવત્તા વિષે ઘણાને સંદેહ રહે. ખટાશ માટે સાઈટ્રીક એસિડનો ઉપયોગ થતો હોવાનું પણ કહેવાય છે. વળી ચોમાસામાં તો આ ધંધો બંધ જેવો. લોકોમાં પ્રચલિત વસ્તુઓને થોડી બદલી, સુધારીને વેચતી કંપની ખાણી-પીણીની ઘણી વસ્તુઓ બજારમાં મોંઘા ભાવે વેચે છે તેમ સીધાસાદા લીંબુ પાણીને પણ બાટલીમાં ભરીને વેચાતી થઈ છે.

વચ્ચે થોડાં વરસ મુંબઈમાં ‘નીરો’ ઘણો પોપ્યુલર થયેલો. દરેક રેલવે સ્ટેશન પર નીરાના સ્ટોલ્સ હોય જ. સ્ટેનલેસ સ્ટીલની પવાલીમાં ઠંડો નીરો ભર્યો હોય. એક ગ્લાસ પીઓ તો તરબતર. પછી ગમે તે કારણસર નીરાનું ચલણ ઘટતું ગયું. એક કારણ એ પણ ખરું કે એ સવારના નવ-દસ વાગ્યા સુધી જ પી શકાય. ગરમી વધે તેમ તેમાં આથો આવીને તેની તાડી બનવા લાગે.

ગુજરાત અને ખાસ કરીને કાઠિયાવાડમાં ‘સોડા’ કલ્ચર જેટલું વિકસ્યું છે તેટલું મુંબઈમાં વિકસ્યું નથી. એક લોકપ્રિય સિરિયલમાં મુંબઈના પરામાં આવેલી સોસાયટીના પુરુષો લગભગ રોજ રાતે સોડા પીવા એકઠા થાય છે એવું બતાવાય છે. પણ આવું ‘સોડા કલ્ચર’ કાઠિયાવાડનું છે, મુંબઈનું નહીં. તેવી જ રીતે ‘લસ્સી કલ્ચર’ જેટલું પંજાબ, દિલ્હી વગેરેમાં ખીલ્યું છે તેટલું મુંબઈમાં નથી ખીલ્યું. બંને લસ્સી પણ સાવ જૂદી. મુંબઈની સારી લસ્સી પણ પંજાબીને મન તો દહીનું ગળ્યું પાણી! પંજાબી લસ્સી આપણને જાડો રગડો લાગે. તો બીજી બાજુ ગરમ મસાલા દૂધ એ મહારાષ્ટ્રની ખાસિયત. જો કે મુંબઈમાં થોડીક મરાઠી હોટેલો સિવાય બીજે બહુ જોવા ન મળે. પણશીકર જેવી કેટલીક દુકાનો તો આ મસાલા મિલ્ક માટે પ્રખ્યાત. મરાઠી હોટેલોમાં – અને ઘરોમાં પણ – જોવા મળે તે ‘પીયૂષ’ પણ બીજી હોટેલોમાં ભાગ્યે જ જોવા મળે. જે તેના શોખીન ન હોય તેમને માટે તો શ્રીખંડમાં પાણી નાખીને તેને છાશની જેમ વલોવવાથી જે તૈયાર થાય તે ‘પીયૂષ.’ પણ શોખીનો માટે તો તે અમૃતતુલ્ય!

ગરમ મસાલા મિલ્ક ભલે બહુ લોકપ્રિય ન બની શક્યું હોય પણ સરકારી આરેએ મુંબઈગરાને ‘કોલ્ડ ફ્લેવર્ડ મિલ્ક’ પીતા કર્યા. ‘એનર્જી’ નામ નીચે જૂદી જૂદી ફ્લેવરમાં વેચાતી બાટલીઓ ઠેર ઠેર દેખાય. તેમાં સૌથી વધુ પોપ્યુલર કદાચ પીળા રંગનું પાઇનએપલ મિલ્ક. આરેની હરીફાઈમાં બીજી કંપનીઓ પણ આવી. તો પૂંઠાનાં ખોખાં – કાર્ટન –માં ભરીને આવું દૂધ વેચનારી કંપનીઓ પણ આવી. તેમાં સૌથી વધુ પીવાય છે કદાચ ચોકલેટ મિલ્ક, ખાસ કરીને ટીન એજર્સનું એ માનીતું. દિલ્હીમાં અને ઉત્તર ભારતનાં ઘણાં શહેરોમાં ઉનાળામાં ઠંડુ પાણી વેચતી હાથલારીઓ કે રેંકડીઓ જોવા મળે. મુંબઈમાં જોવા ન મળે. જો કે હવે ઉત્તર ભારતમાં પણ ‘મિનરલ વોટર’ની બોલબાલા થઈ છે. તો ગુજરાતનાં ઘણાં નાનાંમોટાં શહેરોમાં પ્લાસ્ટીકના નાના પાઉચમાં પાણી વેચાતું જોવા મળે, ખાસ તો ઉનાળામાં. પણ મુંબઈમાં એ ભાગ્યે જ જોવા મળે.

મુંબઈ પીએ છે, સતત પીતું રહે છે. જે પીએ છે એ બદલાય છે. પણ પીવાનું બદલાતું નથી. હવે પછી કરશું મુંબઈના ‘પીવા’ની થોડીક વાત. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ડિસેમ્બર 2022

Loading

...102030...1,3061,3071,3081,309...1,3201,3301,340...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved