Opinion Magazine
Number of visits: 9552863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લિયોનાર્ડો દા વિન્સી; પરંપરાગત દુનિયામાં મિસફિટ જીનિયસ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 August 2025

રાજ ગોસ્વામી

તાજેતરમાં દિલ્હીવાસીઓને ઇટાલીના મહાન ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સીની સર્જનાત્મક દુનિયાનો પહેલીવાર ‘પ્રત્યક્ષ’ પરિચય થયો. ધ લેજેન્ડ ઈમર્સિવ સિનેમા અને ડી.એલ.એફ. મોલ્સના સહકારમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સહારે ફર્શથી શરૂ કરીને છત સુધી વિન્સીની કળાની દુનિયાને જીવંત કરવામાં આવી હતી. લોકો ચાર હજાર ચોરસ ફૂટના એક ડોમમાં હરતાં-ફરતાં 500 વર્ષ પહેલાં થઇ ગયેલા આ કમાલના કલાકારના દિમાગમાં ઝાંખી શક્યા હતા.

દુનિયામાં બે શખ્સિયતોનાં મગજ વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય રહ્યાં છે; એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને બીજા લિયોનાર્ડો દા વિન્સી. આઇન્સ્ટાઇનનું નામ આપણે ત્યાં સ્કૂલ સમયથી જ પરિચિત છે, પણ વિન્સી કલાકારોના વર્ગ સુધી સીમિત રહ્યો છે.

ઇટાલીના આ મહાન કલાકાર લિયોનાર્ડો દા વિન્સીને દુનિયા તેના મોનાલિસાના ચિત્ર માટે ઓળખે છે. નવી પેઢીના લોકો તેને થોડાં વર્ષો પહેલાં આવેલી ટોમ હેન્ક્સની ફિલ્મ ‘ધ વિન્સી કોડ’થી પણ જાણે છે. ચિત્રકળામાં ઊંડો રસ ધરાવતા લોકો વિન્સીની પ્રતિભા માટે અન્ય કેટલાંક ચિત્રોની પણ ગવાહી પૂરે છે, જેમ કે – ધ એનન્સિયેશન, ધ બાપ્ટિઝમ ઓફ ક્રાઇસ્ટ, મેડોના ઓફ ધ કાર્નેશન અને ધ એડોરેશન ઓફ ધ મેગી. 

ટૂંકમાં, વિન્સીની જગવિખ્યાતી એક પેઈન્ટર તરીકેની છે, પરંતુ આ તેનો સીમિત પરિચય છે. વિન્સી એક ચિત્રકાર ઉપરાંત મૂર્તિકાર, વાસ્તુશિલ્પી, સંગીતજ્ઞ, કુશળ યાંત્રિક, એન્જીનિયર અને વૈજ્ઞાનિક પણ હતો. તેણે ઘણી શોધખોળોનું પ્રારંભિક દિશાસૂચન કર્યું હતું. 

જેમ કે તેણે માનવ શરીરની રચના, ઉડતા મશીન, સશસ્ત્ર વાહનો, સૌર ઊર્જાનો ઉપયોગ અંગે ચિત્રો મારફતે વિચારો કર્યા હતા. કાતરની શોધ પણ તેમણે કરી હતી તેવું કહેવાય છે. વિન્સી પહેલો માણસ હતો જેણે આકાશનો રંગ ભૂરો કેમ છે તેની શોધ કરી હતી. તેનું કારણ સૂરજમાંથી આવતી રોશનીનું હવાના કારણે ફેલાઈ જવાનું હતું અને બીજા રંગોની સરખામણીમાં ભૂરો રંગ વધુ ફેલાય છે.

વિન્સી એક જ સમયે એક હાથથી લખતો હતો અને બીજા હાથથી ચિત્રો દોરી શકતો હતો. તે બહુ આસાનીથી ઊલટા ક્રમમાં શબ્દો લખતો હતો. સૌથી પહેલાં તેણે જ પેરાશૂટ, હેલિકોપ્ટર અને એરોપ્લેનના સ્કેચ બનાવ્યા હતા. તેણે ઝુલતા પૂલ અને પેડલ વાળી બોટની પણ કલ્પના કરી હતી.

લિયોનાર્ડોએ હોસ્પિટલોમાં જઈને મૃતદેહોનો અભ્યાસ કર્યો અને તેના પરથી 240 રેખાચિત્રો બનાવ્યાં હતાં. માનવ શરીરની આંતરિક રચનાનાં આ ચિત્રો અને 13,000 શબ્દોનો દસ્તાવેજ શરીર વિજ્ઞાનની પ્રગતિમાં પાયાનો પથ્થર સમાન છે.

વિન્સી સ્કૂલ પણ ગયો નહોતો. તેમ છતાં પ્રકૃતિદત્ત અસાધારણ પ્રતિભાના જોરે તેણે સ્થાપત્ય, જીવવિજ્ઞાન અને શરીર રચના વિજ્ઞાનનું ઘણું જ્ઞાન મેળવ્યું હતું. વિન્સીનો જન્મ 15 એપ્રિલ, 1452ના રોજ ઈટાલીના ફ્લોરેન્સ પ્રાંતના વિન્સી ગામમાં થયો હતો. તે અવૈદ્ય સંતાન હતો. દેખાવે ખૂબસુરત અને સ્ફૂર્તિવાન વિન્સીમાં સ્વભાવની મોહકતા, વ્યવહારકુશળતા અને બૌદ્ધિક નિપુણતા હતી.

કળા, વિજ્ઞાન, માનવતા અને ટેકનોલોજી જેવી વિભિન્ન વિદ્યાઓનો સંગમ એક વ્યક્તિમાં કેવી રીતે થયો તે કુતૂહલનો વિષય છે. એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સે એકવાર કહ્યું હતું કે, “વિન્સી કળા અને એન્જીનીયરિંગ બંનેમાં સૌન્દર્ય જોઈ શકતા હતા અને બંને વચ્ચે જોડાણ કરવાની તેમની ક્ષમતા તેમને જીનિયસ બનાવે છે.”

જોબ્સ, આઇન્સ્ટાઇન અને ઈલોન મસ્ક જેવા લોકોનાં બેસ્ટસેલર જીવનચરિત્રો લખનારા અમેરિકન લેખક વોલ્ટર આઈઝેક્સને વિન્સીનું પણ એક સુંદર ચરિત્ર્ય લખ્યું છે. તેમાં તેઓ લખે છે;

“લિયોનાર્ડો પાસે નહીં બરાબર શિક્ષણ હતું. તેને ન તો લેટિન વાંચતાં આવડતું હતું કે ન તો ગુણાકાર-ભાગાકાર આવડતા હતા. પણ તેનામાં એવી પ્રતિભા હતી જેમાંથી આપણને કશુંક શીખી શકીએ. તેનામાં જિજ્ઞાસા અને તીવ્ર નિરીક્ષણ વૃત્તિની કળા હતી. તેની કલ્પનાશક્તિ એટલી જબરદસ્ત હતી કે તે આપણને તરંગી લાગે. પણ એ જ એક એવી વસ્તુ હતી જે આપણે આપણા બાળકોમાં જોવા ઇચ્છતા હોઈએ છીએ.”

અમેરિકામાં લિયોનાર્ડો શ્લાઇન નામના એક સર્જન થઇ ગયા. તે 2009માં અવસાન પામ્યા. વ્યવસાયે તે ડોક્ટર હતા પરંતુ તેમને મેડિકલ સિવાયનું લખવા-વાંચવામાંનો બહુ શોખ હતો. તેમણે અમુક જે નોંધપાત્ર પુસ્તકો લખ્યાં હતાં, તેમાં એક પુસ્તક વિન્સી પર હતું. નામ હતું – લિયોનાર્ડો’ઝ બ્રેઈન: અન્ડરસ્ટેન્ડિંગ દા વિન્સી’ઝ ક્રીએટિવ બ્રેઈન. નામ પરથી જ સ્પષ્ટ છે તેમ શ્લાઇનને વિન્સીના અસાધારણ રીતે સર્જનાત્મક દિમાગનો અભ્યાસ કરવામાં રસ હતો.

શ્લાઇને તેમને ચોથા સ્ટેજનું બ્રેઈન કેન્સર હતું ત્યારે આ પુસ્તક લખ્યું હતું અને તે તેમના અવસાન પછી તેમના પરિવારજનોએ પ્રગટ કર્યું હતું. શ્લાઇને આ પુસ્તકને ‘મરણોત્તર બ્રેઈન સ્કેન’ ગણાવ્યું હતું. 

તેમાં તેમણે કહ્યું હતું કે વિન્સી બાકી તમામ માણસોથી શારીરિક રીતે ભિન્ન હતા. આપણે જાણીએ છીએ તેમ આપણામાં બે મગજ હોય છે; જમણું અને ડાબું. દરેક વ્યક્તિમાં બેમાંથી કોઈ એક મગજ વધુ સક્રિય અથવા હાવી હોય છે. વિન્સી એક માત્ર એવો માણસ હતો જેનામાં બંને મગજ વચ્ચે સટીક સંતુલન હતું. તે તેમની ખોપડીની રચનાની એક પ્રકારની ખામી હતી. 

વિન્સી પરંપરાગત વિચારો અને સર્જનશીલતાની દુનિયામાં મિસફિટ હતો. તે બીજા કરતાં જુદી રીતે વિચારતો હતો. જુદી રીતે મહેસૂસ કરતો હતો. જુદી રીતે વર્તન કરતો હતો. તે જુદી રીતે કપડાં પહેરતો હતો અને બોલતો હતો. લોકો તેની સામે અસ્વસ્થતા અનુભવતા. શ્લાઇન લખે છે;

“વિન્સીનું ડાબું અને જમણું મગજ અસાધારણ રીતે એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલાં હતાં. બંને મગજને જોડતું ‘કોર્પસ કલોસમ’ (તંત્રિકા પીંડ) બંને મગજ સાથે સતત સંવાદ કરતું હતું. દરેક મગજને બરાબર ખબર હતી કે બીજું મગજ શું કરી રહ્યું છે. તેના કારણે વિન્સીને અભૂતપૂર્વ અને અનિયંત્રિત રીતે નિરીક્ષણ કરવાની, સમજવાની અને સર્જન કરવાની સ્વતંત્રતા મળી હતી.”

21મી સદીના વિજ્ઞાન સામે હજુ પણ એક મોટું રહસ્ય યથવત છે અને તે છે માનવીય દિમાગ. વિજ્ઞાને મગજની શારીરિક રચના વિશે ઘણું જ્ઞાન હાંસલ કર્યું છે, પરંતુ તેમાં ચેતના (કોન્સિયસનેસ) અને સ્મૃતિ (મેમેરી) કેવી રીતે કામ કરે છે હજુ પણ એટલી સ્પષ્ટતા નથી. 

વૈજ્ઞાનિકોને એ પણ ખબર છે કે ડાબું મગજ અને જમણું મગજ કેવી રીતે કામ કરે છે પરંતુ વિન્સી જેવા લોકો તે જ્ઞાન સામે પણ પડકાર ફેંકતા હોય છે. તેના મગજ તેને ઉંધેથી લખવાની અનન્ય ક્ષમતા આપી હતી. અર્થાત તમારે વિન્સીનાં લખાણને ઉકેલવા માટે અરીસાની જરૂર પડે. આવી અજીબ ક્ષમતાના કારણે જ વિન્સી જેવું વિચારી શકતો હતો અને કલ્પના કરી શકતો હતો તે ઇતિહાસમાં અનન્ય હતું. 

લિયોનાર્ડો દા વિન્સીની વિરાસત માનવ મગજની અસીમ ક્ષમતા, સર્જનશીલતા અને જિજ્ઞાસાની સ્થાયી શક્તિના પ્રમાણ તરીકે ઇતિહાસમાં કાયમ છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 10 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સોમનાથ સંઘર્ષ …..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 August 2025

રવીન્દ્ર પારેખ

ઉત્તરકાશીના ધરાલી અને અન્ય બે સ્થળો પર વાદળ ફાટવાને કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યાં અને સેંકડોની હજી કોઈ ભાળ મળી નથી. એ ખરું કે વાદળ ફાટવાની આગાહી થઇ શકતી નથી, એટલે હાનિ વધુ થાય છે. હાનિ કરનારાં કારણો નજર સામે હોય, તો તે દૂર કરી શકાય, પણ હંમેશ દૂર થાય જ એવું નથી. પર્વતીય ક્ષેત્રોમાં નાના મોટા પ્રોજેક્ટ્સ દ્વારા વિકાસ સાધવાની જે ઘાતક ઘેલછા સરકારોમાં ઘર કરી ગઈ છે, તે વિકાસને વિનાશમાં પલટ્યા કરે છે. વારુ, આ પર્વતીય ક્ષેત્રોમાં પવિત્ર યાત્રાધામો આવેલાં છે ને તે વિકાસને નામે વધુ પ્રદૂષિત થઇ રહ્યાં છે, પણ તેમાં સુધારો કરવાની તંત્રોની તૈયારી નથી. તે એટલે કે આ વિકાસ વધુ કમાણી કરાવનારો છે. કોણ જાણે કેમ પણ, આપણા ઘણા ખરા વિકાસનું લક્ષ્ય આર્થિક લાભ જ છે, એથી વચમાં કંઇ પણ આવે તો તેને જમીનદોસ્ત કરવાનો કોઈને ય સંકોચ થતો નથી. સાચું તો એ છે ધાર્મિક ઓઠાં હેઠળ પણ હેતુ તો આર્થિક લાભ ખાટવાનો જ હોય છે. આવો ધાર્મિક લાભ ખાટવાની ઈચ્છા તંત્રોની જ હોય છે એવું નથી, એ ઈરાદો પ્રજાનો ય હોય જ છે. આવું અત્યારે સોમનાથ કોરિડોર મુદ્દે જોવા મળી રહ્યું છે.

સોમનાથ, બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે ને પહેલું છે. ભારતની સ્વતંત્રતા પછી, તે વખતના નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલના આદેશથી આ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું ને તે 1951માં પૂર્ણ થયું. આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે ને દેખીતી રીતે જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન-પૂજન-અર્ચન માટે ઉમટશે, પણ આ બધાંમાં ત્યાંના નિવાસીઓનો અસંતોષ પણ સપાટી પર આવ્યો છે. અસંતોષનું કારણ સોમનાથ મંદિર નથી, પણ સોમનાથ કોરિડોર છે. સોમનાથ કોરિડોર અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ આઠેક મહિના પર મળેલી મંદિર ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને વડા પ્રધાન મોદીએ કોરિડોર પ્રોજેક્ટ પર આખરી મહોર મારતાં તેમાં વેગ આવ્યો છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટની કામગીરીનો એક નમૂનો જાણવા જેવો છે. દશનામ ગોસ્વામી સમાજના સભ્યો  રુદ્રેશ્વર મંદિર પાસે વર્ષોથી રહેતા હતા, પણ કોર્ટના આદેશ બાદ સમાજે જગ્યા ખાલી કરી આપી હતી. એ સાથે જ ટ્રસ્ટને મંદિરમાં પૂજા કરવા દેવાનું અને 200 વર્ષ જૂનું સમાધિ સ્થળ ન તોડવાનું સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું. ટ્રસ્ટ મૌખિક રીતે તો સંમત થયું, પણ 9 જુલાઈ, 2025ની રાત્રે દોઢેક વાગે 100 જૂનાં સમાધિ સ્થળો તોડી પાડવામાં આવ્યાં ને રુદ્રેશ્વર મંદિર કોર્ડન કરી દેવાયું. આમ તો સોમનાથ અને રુદ્રેશ્વર વચ્ચેનું અંતર દોઢેક કિલોમીટરનું જ છે ને બન્ને શિવ મંદિરો જ છે, છતાં બન્ને વચ્ચે કેટલું બધું ‘અંતર’ છે ! આ મામલે દશનામ ગોસ્વામી સાધુ સમાજે ગંભીર આરોપો સોમનાથ ટ્રસ્ટ પર મૂક્યા ને સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું તે સાથે જરૂર પડે તો સમાજની તૈયારી હાઈકોર્ટ સુધી જવાની છે તે ય સ્પષ્ટ કર્યું. આશ્ચર્ય એ વાતે છે કે વિધર્મીઓને શરમાવે એવો આ મામલો બે મંદિરો વચ્ચેનો છે.

જો કે, સોમનાથ કોરિડોરનું નિર્માણ હાથ ધરાતાં ત્યાંના સ્થાનિકો પર તવાઈ આવી છે. તવાઈ આવે તો પણ ભવાઈ ન અટકે એવી તંત્રોની ગતિ છે, એટલે યેન કેન પ્રકારેણ જમીન સંપાદિત થયા વિના રહેવાની નથી એ સ્થાનિકોએ સમજી લેવાનું રહે. કારણ, ધાર્મિક હોય તો પણ, આર્થિક લાભ માટે ને ભક્તોને વધુ સગવડ મળી રહે એ નામે, કોરિડોર થઈને રહે એવી પૂરી શક્યતાઓ છે. સ્થાનિકો સમજીને આપે તો ઠીક છે ને ન સમજે તો જમીન આંચકી લેતાં પણ, સત્તાધીશો અચકાવાના નથી તે નક્કી છે. આ સંપાદનમાં 8 મંદિરો સહિત 384 મિલકતો જમીનદોસ્ત થાય એમ છે. આ મિલકતદારોની અહીં પાંચથી વધુ પેઢીઓ વર્ષોથી રહી છે અને અહીં જ તેઓ દુકાનો, હોટેલો, ગેસ્ટ હાઉસ દ્વારા વ્યવસાય કરતા આવ્યા છે. આ મંદિર સાથે ને આ ભૂમિ સાથે તેમનો ઘરોબો છે. અહીં ઘણાં જન્મ્યાં છે ને ઘણાં આ ભૂમિમાં જ મર્યાં છે. એમાં હિંદુઓ છે, તો મુસ્લિમો પણ છે. એમને આ ભૂમિ છોડવાનો સ્વાભાવિક જ વિરોધ હોય તે સમજી શકાય એવું છે.

વિરોધ એટલે પણ તીવ્ર છે કે કોઈ પણ નોટિસ કે વળતર વગર તેમને જગ્યા ખાલી કરવાનું કલેકટર કે પોલીસ દ્વારા ક્યારેક ધાકધમકીથી પણ કહેવાયું છે. એટલે જ એક મહિલા વિરોધમાં સૂચક રીતે કહેતી સંભળાય છે, ‘વિનાશના ભોગે વિકાસ ન હોય.’ ઘણાનું આ ભૂમિ, જીવન નિર્વાહનું નિમિત્ત બની છે ને સ્વાભાવિક જ જીવ કરતાં જીવાઈ એમને વધારે વ્હાલી હોય. અહીં જ રહેણાંક વિસ્તાર ઉપરાંત ધર્મશાળા, મંદિરો, દરગાહ, ખુલ્લા પ્લોટ પણ છે. આ માત્ર નિર્જીવ જમીન નથી. અહીં ઘણાનાં સંવેદનો ઊછર્યાં છે, એ ભૂમિ જાય તો લાગી આવે ને એટલે જ પ્રભાસ પાટણ રોષે ભરાયું છે. ઘણાં ઘર આપવા તૈયાર નથી. તેની સામે બીજું કંઇ પણ મળે, તેમને આ ઘર સિવાય કંઇ ખપે એમ નથી. 6 ઓગસ્ટને દિવસે પ્રભાસ પાટણે સજ્જડ બંધ પાળ્યો. મહિલાઓનું સ્પષ્ટ કહેવું છે કે તેમને કોરિડોર જોઈતો જ નથી-

આગેવાનોનું માનવું છે કે સમજાવટથી જ આનો ઉકેલ આવે એમ છે. નાયબ કલેકટરને આવેદન પત્રો આપીને વિરોધ નોંધાવાયો છે. વેરાવળના નાયબ કલેકટર વિનોદ જોશીનું માનવું છે કે કિંમત જાહેર થશે તો બધું શાંત થઈ જશે ને 25,000 ચોરસ મીટરનું સંપાદન ઝડપથી પૂર્ણ થઈ શકશે. જો કે, આ મામલે વિનોદ જોશીએ મહિલાઓની વાતો ન સાંભળી હોવાનું પણ કહેવાય છે. એક વૃદ્ધાનું કહેવું હતું કે તેને પૈસા નથી જોઈતા, ઘર જોઈએ છે. ઘણી મહિલાઓએ ‘કોરિડોર હાય હાય’ના નારા પણ લગાવ્યા. ઘણાને એમ પણ છે કે આ કોરિડોર સેવા માટે નહીં, પણ કમાણી માટે થઈ રહ્યો છે. એટલે જ કોઈ કહે છે – એ કમાણી માટે અમારે જીવથી વ્હાલી જમીન આપી દેવાની? અમે જીવ આપીશું, જમીન નહીં ! ઘણાં 5 કરોડ રૂપિયા મળે તો પણ ઘર આપવા તૈયાર નથી, તો ઘણાનું એમ પણ માનવું છે કે જે વળતર મળે એમાં બીજે ઘર ન ખરીદી શકાય. એને બદલે બીજે ઘર અપાય અથવા એટલું વળતર અપાય કે ઘર ખરીદી શકાય તો તેમને જગ્યા છોડવાનો વાંધો નથી. આગળ જતાં સ્થાનિકોમાં બે ભાગ પડી જાય કે બે ભાગ પડાવાય, તો તંત્રોનું કામ થઈ જાય એમ બને.

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ સ્થાનિકોની મુલાકાત કરી. તેમણે અસરગ્રસ્તોની રજૂઆતો સાંભળી અને તેમને એ મુદ્દે આશ્વસ્ત કર્યા કે તંત્રો સાથે તેમની મુલાકાત કરાવીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોશિશ કરવામાં આવશે. પ્રભાસ પાટણ ગામ સમસ્તની બ્રહ્મલુરી ખાતે એક બેઠક મળી હતી, જેમાં જેમની જમીન જાય એમ છે એ 384 પરિવારો પણ હાજર રહ્યા હતા ને કોરિડોર મુદ્દો ઉકેલવા ‘પ્રભાસ હિત રક્ષક સમિતિ’ની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં દરેક સમાજના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પછીની જે કંઇ રજૂઆતો હશે તે આ સમિતિ દ્વારા થશે. લગભગ 2,500 લોકોને સ્પર્શતો આ મુદ્દો કેવી રીતે ઉકેલાશે તે તો નજીકના ભવિષ્યમાં ખબર પડશે, પણ વિકસી રહેલી બુલડોઝર સંસ્કૃતિ જ વિકાસ કહેવાય એવી તાજી વ્યાખ્યા પુનર્વિચાર તો માંગે જ છે. આ બધાં પરથી એવું લાગે છે કે કોઈ ધર્મ, કોઈ પક્ષ, કોઈ નીતિ, કોઈ શિક્ષણ, કોઈ વ્યક્તિ કે કોઈ સમૂહ છેવટે તો લોકશાહીમાં પણ એ જ સૂત્ર સાચું ઠેરવે છે કે સત્તા જ સર્વોપરી છે …..

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑગસ્ટ 2025

Loading

“ઇગલ અને ડ્રેગન વચ્ચે ભારતનું સંતુલન : નવી વૈશ્વિક વ્યવસ્થામાં રાજકીય કુશળતા”

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 August 2025

વધુ મુશ્કેલ બાબત એ છે કે ભારતની સંરક્ષણ સંપાદનની કામગીરી ધીમી તો છે જ પણ અમુક વાર અપારદર્શક પણ હોય છે. બોઈંગના સોદાની કિંમતનો વધારો એ તંત્ર સ્તરે કાર્યક્ષમતાનો અભાવ દર્શાવે છે. આ કારણે જ આપણે બાહ્ય આર્થિક દબાણોમાં સપડાવા માટે સંવેદનશીલ રાષ્ટ્ર બનીએ છીએ.

ચિરંતના ભટ્ટ

વૈશ્વિક વ્યવસ્થાની ચાકીઓ ફરી રહી છે, રાષ્ટ્રીય સત્તાઓના સ્તર, તેમની તાકાત, તેમની નીતિઓ – બધું જ બદલાઈ રહ્યું છે. ફેરફાર આવી રહ્યા છે અને લીલા ભેગું સૂકું બળે એવો ઘાટ પણ થઇ રહ્યો છે.  એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો જેવી સ્થિતિ ઓછે વત્તે અંશે બધા જ દેશો માટે છે. આપણે માત્ર આપણા દેશની દૃષ્ટિએ વાત કરીએ તો રાજકીય ભૌગોલિક સંજોગો એવા રચાયા છે કે અમેરિકન ઇગલ અને ચાઈનીઝ ડ્રેગન સાથે આપણો ભારતીય હાથી સંતુલન કરવા માટે જાણે દોરડા પરનું તરકટ કરતો હોય એવી રીતે સંતુલન બનાવી રહ્યો છે.

ટ્રમ્પની ભૂલભરેલી વ્યૂહરચના

ડોનાલ્ડ ટ્રમ્પને યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ તરીકે બીજીવારની ઇનિંગના આઠ મહિના પૂરા થયા છે. આટલા વખતમાં તેણે ભારત-યુ.એસ.ની આટલાં વર્ષોની વ્યૂહાત્મક ભાગીદારીને ભૂતકાળ બનાવી દીધી હોય એવું લાગે છે. અમેરિકા ફર્સ્ટ – એ ટ્રમ્પનો નારો હતો. પોતાના આ એજન્ડાને લઈને વિચાર્યા વગર આગળ વધેલા ટ્રમ્પે એશિયા પેસિફિકના તેના સૌથી સારા સાથી રાષ્ટ્ર પર આર્થિક શસ્ત્રોનો હુમલો કર્યો.

પરિણામ? ભારતે આ અઠવાડિયે 3.6 બિલિયન ડૉલર્સની બોઈંગ P-8I મેરિટાઈમ સર્વિલિયન્સ એરક્રાફ્ટના સોદાને અટકાવી દીધો છે. ટ્રમ્પે 25 ટકા (અમુક કિસ્સામાં 50 ટકા સુધી) ટેરિફ ઝીંક્યાનો આ સીધો જવાબ છે. 1998માં ભારત અને યુ.એસ.એ. વચ્ચેના સંબંધોમાં ન્યુક્લિયર ટેસ્ટને કારણે નાટ્યાત્મક તિરાડ પડી હતી. તે પછી એ પ્રકારના સંજોગો અત્યારે ખડા થયાં છે.

આ પરિસ્થિતિમાં વિરોધાભાસ દેખીતો છે. ટ્રમ્પ, જેણે ચીનને કાબૂમાં રાખવાની ઝુંબેશ ચલાવી, તેણે પોતાના સાથી ગણાતા રાષ્ટ્ર ભારતને જાણે પોતાના હરીફ ચીનના હાથમાં ધકેલ્યો. આને ભૌગોલિક રાજકીય કૂટનીતિ નહીં પણ રાજદ્વારી આત્મહત્યા કહેવાય. ટ્રમ્પ ભારત સાથે જે વહેવાર કરે છે તે અતાર્કિકતા અને અસંગતતાનો માસ્ટર ક્લાસ છે. જાન્યુઆરી 2025થી ટ્રમ્પે ટેરિફના ગાણાં ગાયાં હતા અને આખરે તેણે ધાર્યું કર્યું પણ.

ભારતીય આઈ.ટી. સેવાઓ અને ફાર્માસ્યુટિકલ્સની અમેરિકા તરફથી તોતિંગ માંગ છે જે સરપ્લસમાં છે. યુ.એસ.એ. સાથેના આ વ્યાપારનો ભારતને હંમેશાંથી લાભ મળતો આવ્યો છે. હવે જેટના મામલે જે રીતે સોદો અટક્યો છે તે બતાડે છે કે ટ્રમ્પની લેવડ-દેવડની કૂટનીતિ સાવ ઢંગ ધડા વગરની છે.

2021માં 2.42 બિલિયન ડૉલર્સમાં મંજૂર થયેલો આ સોદો આમે ય પુરવઠાની ચેઈનમાં આવેલા અવરોધો અને ફુગાવાને કારણે 3.6 બિલિયન ડૉલર્સ પર પહોંચ્યો હતો. ટ્રમ્પના ટેરિફના દાવને કારણે એરક્રાફ્ટ ભારતના સુરક્ષા બજેટ માટે બહુ મોંઘા થઈ ગયા. ભારતીય નૌકા દળ બાર P-8I એરક્રાફ્ટ ઓપરેટ કરે છે અને તે ઈન્ડો-પેસિફિક સર્વેલિયન્સ માટે અનિવાર્ય છે. હવે ભારતીય નૌકાદળે નવા અને સ્વદેશી વિકલ્પો શોધવા પડશે. અમેરિકા તરફથી સુરક્ષા માટેના સંસાધનોના નિકાસકારો માટે આ સ્થિતિ બહુ આવકાર્ય નથી.

ટ્રમ્પનો આ વહેવાર સાબિત કરે છે કે તેને મિત્રો અને શત્રુઓ વચ્ચેનો ભેદ પારખતા નથી આવડતું. આ એ જ પ્રેસિડન્ટ છે જેણે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચી લીધું અને ભાગીદાર દેશોને પણ ગણતરીમાં ન લીધા. જોવાનું એ છે કે ટ્રમ્પને એવી અપેક્ષા છે કે પોતાની આ દાદાગીરી અથવા તો આર્થિક દંડને ભારતે ચૂપચાપ વેઠી લઈને ચીન સામેનું પોતાનું વિરોધાભાસી વલણ યથાવત રાખે. રાજદ્વારી સ્તરનું આવું આંધળુકિયું વલણ હાસ્યાસ્પદ સાબિત થઈ શકે છે એવું ટ્રમ્પ સમજે તો સારું.

ચીનનો તકવાદી અભિગમ

આ તરફ ભારતે જેટનો સોદો અટકાવ્યો તેની સાથે બેઈજિંગ સાથે રાજદ્વારી વાતચીત પુનર્જીવિત કરી. ચીને જે વ્યૂહાત્મક ધીરજ દાખવી છે જે ટ્રમ્પમાં ક્યાં ય વર્તાતી નથી. 2020માં ગલવાનમાં થયેલા સંઘર્ષ અને સરહદ પરના તણાવ છતાં બેઈજિંગે બહુ સિફતથી અમેરિકાની ભૂલનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. તાજેતરમાં જ્યારે ચીન-ભારતના સૈન્ય વચ્ચે થયેલા સંવાદને પગલે સમયાંતરે પૂર્વ લદાખમાંથી લશ્કરી ટૂકડીઓનું વિસર્જન થયું, તે અચાનક થયેલી ઘટના નથી પણ બહુ ગણતરીપૂર્વકનો તકવાદ છે. ચીનની ઉદારતા નથી પણ હોંશિયારી છે. જે રીતે ટ્રમ્પની આડોડાઈને કારણે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાન જેવા દેશોએ ચીન સાથે સંબંધો સુધાર્યા છે, તે જ દિશામાં ભારત પણ કદમ માંડે એવો વખત આવ્યો છે.

વડા પ્રધાન મોદીએ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં હાજરી આપી તે પણ એક વૈચારિક પગલું હતું. જ્યારે તમારા કૂટનૈતિક ભાગીદાર તમને આર્થિક શત્રુ તરીકે જોતા હોય ત્યારે તમારા પરંપરાગત શત્રુ સાથે સંબંધો હળવા કરવાની પહેલ ભૌગોલિક-રાજકીય સ્તરે તાર્કિક પગલું જ ગણાય.

ભારતનો પડકાર – “સંતુલન!”

જો કે ભારતે ચીન સાથેની દોસ્તીમાં ચેતતા રહેવું પડશે તે જરૂરી છે. દિલ્હી અને બેઈજિંગ વચ્ચે વિશ્વાસની અછત તો સરહદના સંઘર્ષો કરતાં ઘણી ઊંડી છે. પાકિસ્તાન માટે ચીનનો સતત ટેકો અવગણી ન શકાય.

વળી મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ગુપ્ત માહિતીની આપ-લેમાં ચીનનો હાથ હોવાનો અહેવાલ પણ છે. કોઈપણ વ્યૂહાત્મક દોસ્તીની, ભાગીદારીની કે સહયોગની આગવી મર્યાદાઓ હોય છે. ભારત-અમેરિકા વચ્ચેના તણાવને બેઈજિંગ ભારતની સ્વાયત્તતાને મર્યાદામાં રાખવાની તક તરીકે જુએ છે, ખરેખર દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે નહીં.

અત્યારે આપણી સરકાર એક સંકુલ પરિસ્થિતિમાં છે. એક તરફ આર્થિક વ્યવહાર માટે આપણે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. બીજી તરફ વ્યૂહાત્મક વાસ્તવિકતા માટે હિંદ મહાસાગર અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન પોતાનો પ્રસાર ન કરે, પકડ ન જમાવે તેની પણ પૂરી કાળજી રાખવાની જરૂર છે.

ટ્રમ્પના ટેરિફના તાંડવ સામે ભારતે બહુ માપી-જોખીને મક્કમ જવાબ આપ્યો છે. બોઈંગના સોદાને અટકાવીને આપણે ચોખ્ખો સંદેશ આપ્યો છે કે જો આર્થિક દબાણ કરાશે તો સામે આર્થિક ખોટ જાય એવાં પગલાં જ લેવાશે. જો કે સરકારે બેઈજિંગ તરફ વધુ પડતો ઝુકાવ રાખવાની લાલચ ટાળવી જોઈએ. ચીન પણ પોતાનો સ્વાર્થ જ જુએ છે, ચીનને ભારત સાથે વ્યૂહાત્મક સ્તરે સારાસારી કરીને સરળતાની કોઈ ચાહ ન હોય એ આપણે ન ભૂલવું જોઈએ. આપણો પડકાર છે વોશિંગ્ટન હોય કે બેઈજિંગ હોય – કોઈની ય શરણાગતિ સ્વીકાર્યા વિના વ્યૂહાત્મક સ્વાયત્તતા સચવાયેલી રહે.

સરકારની ભૂલો અને સુધારાની અનિવાર્યતા

હવે ટ્રમ્પે ટેરિફના નામે અરાજકતા ફેલાવી છે તો આપણી સરકારે પણ કંઈ બહુ શાલીનતા નથી જાળવી. ભારતને વિશ્વ ગુરુ ગણાવવાની કેન્દ્ર સરકારની ઘેલછાને કારણે સત્તાના રાજકારણનું સત્ય ઢંકાઈ ગયું છે. આપણે યુ.એસ.એ. સાથેની દોસ્તી જાહેરમાં અનેકવાર ઉજવી છે. આપણને તેની સ્થાનિક રીતે જરૂર હતી ત્યારે પણ આપણે અમેરિકા પાસેથી આપણી કેટલી અપેક્ષાઓ પૂરી થઈ શકે છે તેનું અવાસ્તવિક ચિત્ર આપણે ખડું કરી ચૂક્યા છીએ. વધુ મુશ્કેલ બાબત એ છે કે ભારતની સંરક્ષણ સંપાદનની કામગીરી ધીમી તો છે જ પણ અમુક વાર અપારદર્શક પણ હોય છે. બોઈંગના સોદાની કિંમતનો વધારો એ તંત્ર સ્તરે કાર્યક્ષમતાનો અભાવ દર્શાવે છે. આ કારણે જ આપણે બાહ્ય આર્થિક દબાણોમાં સપડાવા માટે સંવેદનશીલ રાષ્ટ્ર બનીએ છીએ.

આપણે સંરક્ષણના મામલે સ્વદેશીકરણની વાત ત્યારે જ કરીએ છીએ જ્યારે ટ્રમ્પના કારણે આપણું નાક દબાય છે. આપણે પ્રો-એક્ટિવ થવાની જરૂર છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવામાં કોઈ સાર નથી. આપણી સુરક્ષાના મામલે આપણું સ્વદેશીકરણ કાયમી વ્યૂહરચનાનો હિસ્સો બને એ રીતે તેને વેગ આપવો જોઈએ.

હવે આગળ શું?

આપણે ઘણી મહત્ત્વપૂર્ણ ગણતરીઓ કરવી પડે તેમ છે. પહેલાં તો ભારતે અમેરિકન સિસ્ટમોથી આગળ વધીને ઓપરેશનલ પ્રભાવમાં કોઈપણ સમાધાન કર્યા વિના સંરક્ષણના સંસાધનો મેળવવાં જોઈએ.

સ્વદેશી વિકલ્પો કદાચ વ્યૂહાત્મક રીતે મજબૂત ન હોય – તે રાતોરાત ખડાં પણ ન થઈ શકે. પણ અમેરિકા નહીં હોય તો આપણે સંરક્ષણના મામલે કાચા રહી જઈશું એવું અન્ય રાષ્ટ્રો ન માની લે તે જરૂરી છે.

બીજું એ કે નવી દિલ્હીએ અમેરિકા-ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ફ્રાન્સ, જર્મની અને જાપાન જેવા રાષ્ટ્રો સાથે સંબંધ બહેતર કરવા જોઈએ.

ભારતે ચીન સાથેના સંબંધોને કાયમી દોસ્તી માની લેવાની ભૂલ તો કોઈ કાળે ન કરવી જોઈએ. બેઈજિંગની અત્યારે મધ્યસ્થી તરીકેની માનસિકતા અમેરિકન દબાણ અને ભારતીય લાભનું પ્રતિબિંબ છે. જો ટ્રમ્પની આડોડાઈ ભારતને નબળો પાડે તો ચીનનું વર્તન જેવું હતું એવું ફરી થઈ જ શકે છે.

રશિયન તેલ પર આપણી વધુ પડતી નિર્ભરતાથી વોશિંગ્ટન બુરાશે. ભારતનો તર્ક ટ્રમ્પને માફક નહીં આવે એ આપણે યાદ રાખવું જોઈએ. ચીન પર બહુ આધાર રાખીશું તો આપણે તેની મહત્ત્વાકાંક્ષાઓનો ભોગ બનીએ એમ તો બને જ પણ અન્ય વૈશ્વિક સાથીઓને પણ ચિંતા થઈ જશે.

મોદીએ ટ્રમ્પને દોસ્તીના નામે બહુ માથે બેસાડ્યા હતા તેની ટીકા પણ ચોમેર છે એટલે આવા જોખમો આપણે ટાળીએ એ પણ જરૂરી છે.

બાય ધી વે: 

આપણે ઈગલ અને ડ્રેગન વચ્ચેથી પસંદગી કરવામાં સમય બગાડવા કરતાં સ્વતંત્ર કાર્યવાહી માટે આપણું સ્થાન મજબૂત કરવામાં સમય અને બળ વપારવા જોઈએ. આ માટે આર્થિક વૈવિધ્ય, સુરક્ષાના મામલે સ્વદેશીકરણ અને અમેરિકા-ચીન સાથેના સંબંધોમાં કાળજી અને સાવચેતી રાખવાની જરૂર છે. આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતા ત્યારે મજબૂત બનશે જ્યારે આપણે સમજદારી વાપરીશું. અન્ય લોકશાહી રાષ્ટ્રોની તાકાત અને આવડત આપણને કઈ રીતે કામ લાગી શકે છે તે વિચારીને આગળ વધવું પડશે. અમેરિકાના દબાણ અને ચીનના પ્રલોભનનો પ્રતિકાર કરવાની આપણામાં આવડત હોય તે અનિવાર્ય છે. અત્યારે સંજોગો આકરા હોવા છતાં હંમેશાં આપદામાંથી અવસર કરનારા આપણા વડા પ્રધાને અત્યારે પણ એ કરી બતાડવું જોઈએ. ટ્રમ્પે અમેરિકા માટે રાષ્ટ્રીય હિતોની વાત કરી પણ પોતાનું જોર બતાડવામાં ચીનને પ્રભુત્વ મળે એવી પરિસ્થિતિ બનાવી દીધી. આજના જમાનામાં ભારતની મજબૂતાઈ પસંદગીમાં નહીં પણ સ્વતંત્ર નિર્ણયની ક્ષમતામાં છે. ટ્રમ્પે ચીનને મહાસત્તા બનાવવાનું કામ અજાણ્યે કર્યું છે. ભારતે આ પરિસ્થિતિમાં પોતાની ગરિમા અને હિતોને સાચવીને આગળ વધવું જ પડશે. અમેરિકાના નાટકમાં હિસ્સો લીધા વિના, આપણી ગરિમા જાળવી આપણે નુકસાનથી દૂર રહી તાકાત ખડી કરીએ તે જ જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2025

Loading

...102030...129130131132...140150160...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved