ઘણા ક્રિપ્ટો પ્રોજેક્ટ મોતના કૂવામાં ધકેલાયા પણ FTXનું પતન આંખે ઊડીને વળગે એવું છે. બેંકમેનની કરતૂતોને પગલે આખી ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી શંકાના ઘેરાવામાં આવી ગઇ
2018માં સુરતના એક બિલ્ડરે ગુજરાત સરકારને પત્ર લખીને પોતાની પાસેથી કરોડોના બિટકોઈનની ખંડણી લેવાઇ હોવાની જાણ કરી. તપાસ કરતાં બિલ્ડર પોતે જ ખંડણીખોર નીકળ્યા. ગુજરાતનું આ બિટકોઈન કૌભાંડ ખાસ્સું ગાજ્યું. ગુજરાતમાં એક કરતાં વધારે ક્રિપ્ટો કરન્સી કૌભાંડ થયા. બિટકનેક્ટ ડૉટ કૉમના માધ્યમથી લોકોને છેતરનારા દિવ્યેશ દરજી પણ સુરતના જ હતા. ભારતમાં અમિત ભારદ્વાજ, જેનું નામ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો પોન્ઝી સ્કીમર તરીકે ગેઇન બિટકોઇન કેસમાં બોલે છે, એણે તો લોકોનું કરી નાખ્યું એનું પણ તબિયત કથળતા મોત થયું.
આપણે ક્રિપ્ટો કરન્સી એટલે કે ડિજિટલ કરન્સીની વાત છેડવી પડી છે કારણ કે આ બધા કૌભાંડો થયા, લોકો ક્રિપ્ટોને જાણતા થયા ત્યારથી લઇને આજ સુધી નવી નવી ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં આવી અને જતી પણ રહી. બિટકોઇન એ ઓરિજિનલ ક્રિપ્ટોકરન્સી છે. છેલ્લા એક વર્ષમાં બિટકોઇનના ભાવ તેના મૂળ ભાવથી 75 ટકા નીચે ગયા છે. જો કે આ માત્ર બિટકોઇન સાથે નથી થયું, બીજી ઘણી ક્રિપ્ટો કરન્સીના ભાવ સડસડાટ તળિયે પહોંચ્યા છે. એક સમયે બિટકોઇનને બીજી કોઇ પણ સંપત્તિ કરતાં બહેતર કે એના જેટલી જ મહામૂલી કરન્સી ગણવવામાં આવતી હતી. અત્યારે એવી હાલત છે કે મોટા ભાગના રોકાણકારો ખોટ ખાઇને ચુપચાપ બેઠા છે.
ક્રિપ્ટો કરન્સીની દુનિયાના જાણકારો માટે સેમ બેન્કમેન ફ્રાઇડનું નામ નવું નથી. તેણે એફ.ટી.એક્સ.કૉમ(FTX.COM)ની સ્થાપના કરી જે એક મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે – એક એવું પ્લેટફોર્મ જ્યાં લોકો પોતાની ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરે અને પોતાની કરન્સી સ્ટોર પણ કરે. વિશ્વમાં બીજા ક્રમાંકે ગણાતી ૩૨ બિલિયન ડૉલર્સની ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીનું રાતોરાત બાષ્પિભવન થઇ ગયું. આર્થિક વહેવારમાં અનિયમિતતાઓ, ગ્રાહકોની ડિપોઝિટ્સથી પોતાની જ કંપનીની ક્રિપ્ટો કરન્સી ખરીદવાની ચેષ્ટાઓના ગોટાળાએ તેમની પોલ ખુલ્લી પાડી. એક સમયે જેની સરખામણી વૉરેન બફેટ જેવા માંધાતાઓ સાથે કરાતી હતી તે સેમ નાદારીના રસ્તે છે.
ચેતન ભગત જે મેનેજમેન્ટના વિદ્યાર્થી રહ્યા છે તેમણે ક્રિપ્ટો વિશે એવી ટિપ્પણી કરી કે ક્રિપ્ટો સામ્યવાદ જેવી બાબત છે તે લોકોને વિકેદ્રીકરણ દ્વારા સત્તા આપવાની વાત તો કરે છે, પણ અંતે સત્તા તો ગણતરીના લોકો પાસે જ રહે છે. ક્રિપ્ટો કરન્સીના ડિજીટલ લેજર – બ્લૉકચેન પર થતી લેવડદેવડ એટલી હદે ભ્રામક નીવડી કે કોણ બ્રોકર, કઇ બેંક, શું કોમોડિટી અને શું કલેક્ટિબલ જેવા પ્રશ્નો વચ્ચેની ભેદરેખા સાવ ઝાંખી જ થઇ ગઇ. પૉન્ઝી સ્કીમનું એક જ લૉજિક હોય છે – પૈસા આવ્યા કરે ત્યાં સુધી પૈસા બન્યા કરે.

FTXની સામે તેના સ્પર્ધક ચાંગપેન્ગ શાઓએ શિંગડા ઉલાળ્યા છે અને એમની લડાઇ ચાલી રહી છે. પરંતુ ક્રિપ્ટોમાં રોકાણ કરાનાર રિટેલ ખરીદદારોની પીડા જુદી છે. તેમણે ભવિષ્યની સંપત્તિને નામ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું અને ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં આવેલા કડાકાએ તેમની છાતીના પાટિયા બેસાડી દીધાં છે.
રિટેલ રોકાણકારોના રોકાણનું કારણ હોય છે લાલચ. કોઇ પણ એસેટનો પરપોટો મોટો થઇ રહ્યો હોય ત્યારે અણધાર્યા વળતરો ભલભલાને લલચાવે. ગ્લોબલ સ્તરે લિક્વિડિટી પાંખી થઇ રહી છે ત્યારે માર્કેટમાં જોખમ લેનારા પણ ઘટશે અને ડિજીટલ કરન્સીના માર્કેટ પર પણ તેની માઠી અસર જ પડશે.
ક્રિપ્ટો અંતે તો એક ડિજીટલ ટોકન છે જે ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ માટે વપરાય છે. તેની ખાસિયત એ છે કે તે બેંક પર આધારિત નથી અને લોકો વચ્ચે સીધી જ લેવડ-દેવડ થતી હોય છે. ક્રિપ્ટો ઉત્સાહીઓએ નિયમન, બેંક્સ અને સરકારોના નિયંત્રણોથી પર જઇને મજા પડી ગઇ પણ એમને યાદ ન રહ્યું કે કરન્સીનું મૂલ્ય શેના લીધે નિયત થાય છે. રૂપિયાની વેલ્યુ ભારત સરકાર કરે તો ડૉલરની વેલ્યુ અમેરિકન સરકારને તોતિંગ સૈન્યની તાકતને આધારે થાય છે. ક્રિપ્ટો કરન્સીનો આવો કોઇ ટેકો નથી. ક્રિપ્ટોને કારણે અબજોપતિ બનેલા લોકો પણ છે કારણ કે ત્યારે ક્રિપ્ટોમાં લોકોને એવી રીતે વિશ્વાસ બેઠો જાણે કોઇ સંપ્રદાયના વડામાં કે કોઇ કલ્ટમાં બેઠો હોય.
આખરે ક્રિપ્ટોનો ફુગ્ગો ફૂટ્યો, આ વખતે FTXને કારણે ફૂટ્યો અને હવે ક્રિપ્ટોમાં કૂદી પડનારા ઓછા હશે એ ચોક્કસ. આર્થિક રોકાણોમાં સલામતી અને કેલ્ક્યુલેટેડ રિસ્કની સલાહ આપનારાઓના મતે ક્રિપ્ટો કોઇ રોકાણ નથી, એમાં ન પડવું જોઇએ. ઝડપથી પૈસા ક્યારે ય નથી કમાઇ શકાતા અને પૈસા કમાવાની જૂની રીતોમાં કશું જ ખોટું નથી કારણ કે તેમાં આપણને એક ખાતરી અને બાંયધારી મળે છે. જ્યાં નિયમન અને સરકાર મુક્ત વહેવાર હોય છે ત્યાં સૌથી વધુ ગોટાળા થાય છે.
પેન્ડેમિક દરમિયાન ક્રિપ્ટોએ સ્પીડ પકડી. આ સંજોગોમાં તેને લગતા નીતિ નિમયો હજી બરાબર ઘડાયા નહોતા. જે લોકો અતિ-ઉત્સાહિત થઇને ક્રિપ્ટોના ખરીદ-વેચાણમાં પડ્યા તેમને હજી તેની સાથે જોડાયેલું જોખમ ખબર નહોતી. જો બેંક ફડચામાં જાય તો સરકાર મદદ કરે પણ ક્રિપ્ટોને મામલે તો કોઇ એવું બૅક-અપ કે સપોર્ટ સિસ્ટમ જ નથી. કસ્ટમર સર્વિસને ફોન કરીને હેક્સને ઉલટાવી નથી શકાતા કે ખોટા ફંડ્ઝને પાછા નથી મેળવી શકાતા. ક્રિપ્ટો એક્સચેન્જને સરકારી બેલ-આઉટ પણ નથી મળવાનું. આમ તો ઘણા ક્રિપ્ટો પ્રોજેક્ટ મોતના કૂવામાં ધકેલાયા પણ FTXનું પતન આંખે ઊડીને વળગે એવું છે. બેંકમેનની કરતૂતોને પગલે આખી ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી શંકાના ઘેરાવામાં આવી ગઇ. FTXની પડતી એવા સમયે આવી જ્યારે ટૅક સ્ટોક્સમાં કડાકો બોલાયો છે. એમેઝોન, ટ્વીટર અને મેટા જેવી કંપનીઓએ છટણીના મામલે ભૂકો બોલાવી દીધો છે. વળી આર્થિક સદ્ધરતા ટકાવી રાખવા માટે ટૅક કંપનીઓના વ્યાજ દરો એવા પણ નથી કે નાણાં ઉછીના લઇ શકે. પેન્ડેમિકને કારણે છેલ્લાં બે વર્ષમાં ઉછાળો આવ્યો હતો તે શમી રહ્યો છે. હાલમાં વ્યાજના દર પણ ઊંચા છે જે કંપનીઓના વેલ્યુએશન અને કેપિટલ એક્સેસમાં નડરત બન્યા છે. લિક્વિડિટીની કટોકટીની સીધી અસર ક્રિપ્ટોકરન્સીની દુનિયા પણ થાય જ.
ક્રિપ્ટોમાં ઝંપલાવનારાઓએ વિચારવું રહ્યું કે નવી, હજી જેની ક્ષમતા પુરવાર નથી થઇ એવી અને જે હજી અનિયંત્રિત છે તેવી અસ્ક્યામતો પર તેઓ નિવૃત્તિની યોજના માટે આધાર રાખે એ કેટલું યોગ્ય? આ ક્રિપ્ટોની દુનિયામાં એવા એસેટ્સ પણ છે જે ખરેખર તો છે જ નહીં.
બાય ધી વેઃ
તાજેતરમાં જ બર્કશાયર હાથવેના વાઇસ ચેરમેન ચાર્લી મુંગેરે હમણાં એક ઇન્ટરવ્યુમાં ક્રિપ્ટો કરન્સી અને ક્રિપ્ટો કરન્સી વાળાને ઝાટકી નાખતા કહ્યું હતું કે બિટકોઇનને બધું તો બાળ વેશ્યા વૃત્તિ જેવું છે. ક્રિપ્ટો હૉટ ગણાય છે એટલે બધા તેમાં ઝંપલાવે છે. તેમણે FTXના સ્થાપક બેંકમેનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ લોકો સંસ્કૃતિના પતનને પ્રોત્સાહન આપી રહ્યા છે. સંપત્તિ વધારવા યેનકેન પ્રકારેણ કંઇ પણ કરી છુટતા લોકો માટે મુંગેરનો તિરસ્કાર આ વાતચીતમાં દેખાઇ આવતો હતો. ક્રિપ્ટો રિયલ એસેટ છે જ નહીં તેવું તે ભાર દઇને કહે છે અને તેમના મતે ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી એટલે અડધી છેતરપિંડી છે અને બાકી ભ્રમ છે. વૉરેન બફેટે ક્રિપ્ટો વિશે કહ્યું હતું કે તે પોતે ક્યારે ય ક્રિપ્ટો કરન્સી નહીં ખરીદે કારણ કે અંતે તે એ કોઇને વેચી દેશે કારણ કે એનો બીજો કોઇ ઉપયોગ પણ નહીં હોય.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 નવેમ્બર 2022
![]()


‘દિવ્ય ભાસ્કર’ની મુંબઈની આવૃત્તિ શરૂ થઈ ત્યારે તેની એક નાનકડી લોન્ચિંગ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બી.જે.પી.ના નેતા પ્રમોદ મહાજન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાત સાથે સંવાદ કરતા હોય એવા અંદાજમાં કહ્યું હતુ કે હમ કહાં જાને નિકલે થે ઔર હમ પહુંચે કહાં. એ પછી તેમણે કહ્યું હતું કે ભારતના સત્તાકીય સંસદીય રાજકારણમાં ટકી રહેવા માટે સામાધાનો કરવા પડે છે અને એ એવો કૂવો છે જેને તળિયું જ નથી. એક દિવસ તમે તમારો મૂળ ચહેરો જ ગુમાવી બેસો તે ત્યાં સુધી કે તમે તમને જ ન ઓળખી શકો. આ વાત તેમણે મીડિયાને તેનો ધર્મ યાદ કરાવવા માટે કરી હતી. મીડિયાએ નેતાઓને યાદ દેવડાવતા રહેવું જોઈએ કે સાહેબ, તમે શું કહેતા હતા અને અત્યારે શું કરો છો.
‘ઊંચાઈ’ જોઈ. જોવા જેવી છે. કોઈ પર્વત પોતાને જોવા આવવાનું કહેતો નથી. હિમાલય પર કોઈ જાય કે ન જાય, હિમાલયને ફરક પડતો નથી. એ તો એની બર્ફિલી સાધનામાં મસ્ત છે. માણસ પણ પહાડોમાં ન જાય તો એનું રૂટિન ખોરવાતું નથી, પણ રૂટિન ખોરવીને પણ એ હિમાલયનાં દર્શને નીકળી પડે છે એ પણ ખરું. એ સાધુ નથી એટલે સંસાર પણ ખીણમાંથી પહાડો સુધી ખેંચાઈ આવે છે. બલકે, એ ખટમીઠો સંસાર જ એને એ ઊંચાઈ આંબવા પ્રેરે છે. અહીં સગવડો નથી. કારની ગતિ નથી. ટ્રેનની ઝડપ નથી. એક એક ડગલું શ્વાસને બરફ બનાવતી સ્થિતિમાં જાતે જ માંડવાનું હોય છે. આપણે કોઈના વતી હોઈએ તો પણ, કોઈ અહીં આપણા વતી નથી. બધા અહંકારો બાજુ પર મૂકીને, જાતને નમાવીને જાતે જ આગળ વધવાનું હોય છે. ઝૂકો નહીં તો શિખર સુધી પહોંચાતું નથી. ખરેખર તો આપણે જ પર્વત સુધી જવાનું હોય છે, પર્વત સામે તેડવા આવે એવું બનતું નથી. એ તો કહે જ છે કે ઈચ્છા હોય તો આવો ને ન હોય તો ઘર તો બોલાવે જ છે …
રાજશ્રી પ્રોડક્શનની સૂરજ બડજાત્યા દિગ્દર્શિત ફિલ્મો ઘણુંખરું તો સામાજિક રીતરિવાજોની ફિલ્મો રહેતી. તે લોકોનાં મનોરંજન માટે જ બનાવાઇ, પણ ‘ઊંચાઈ’ સૂરજે પોતાને માટે બનાવી છે, એવું એમણે જ કહ્યું છે ને એ ફિલ્મ દરમિયાન અનુભવાય પણ છે. એક જ લીટીમાં કહેવું હોય તો કહેવાય કે આ ફિલ્મ સિત્તેર, એંશીની આસપાસના ત્રણ મિત્રો એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી કેવી રીતે પહોંચે છે તેની વાત કરે છે. પણ, વાત એટલી જ નથી. ચાર મિત્રોની એકબીજા પ્રત્યેની લાગણીની આ ફિલ્મ છે. અમિત શ્રીવાસ્તવ (અમિતાભ બચ્ચન), ઓમ શર્મા (અનુપમ ખેર), જાવેદ સિદ્દિકી (બમન ઈરાની) અને ભૂપેન બરૂઆ (ડેની ડોંગ્ઝપ્પા) આ ચાર મિત્રો ભૂપેનની વર્ષગાંઠે પાર્ટીમાં ભેગા થાય છે ને અહીં ભૂપેન અગાઉ ઘણીવાર કહી ચૂકેલો તે વાત, માઉન્ટ એવરેસ્ટ જવાની, ફરી દોહરાવે છે ને મિત્રો પોતાની ઉંમરને જોતાં એ વાત નકારતા રહે છે. અચાનક ભૂપેનનું મૃત્યુ થાય છે ને આઘાત પામેલા મિત્રો નક્કી કરે છે કે ઉંમર, માંદગી ને બીજા અનેક પ્રશ્નો છતાં ભૂપેનની આખરી ઈચ્છા એવરેસ્ટ બેઝ કેમ્પ જવાની પૂરી કરવી. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર શ્રદ્ધા(પરિણતિ ચોપરા)ની દોરવણી હેઠળ અન્યોની સાથે આ મિત્રો વિમાન માર્ગે હિમાલયની ખીણમાં ઊતરે છે. ખીણમાં ઊતરે છે એ સાથે જ આ બધાં પોતાનાં સંસારની સ્મૃતિમાં ય ઊતરે છે. જેમ કે એવરેસ્ટ જતાં પહેલાં લખનૌમાં રહેતી દીકરીને સાસરે ઓચિંતા પહોંચીને જાવેદ અને તેની પત્ની શબીના (નીના ગુપ્તા) ને આ મિત્રો, વર્ષગાંઠ નિમિત્તે સરપ્રાઈઝ આપવા માંગે છે, પણ દીકરીએ તેનાં ગ્રૂપમાં પાર્ટી અગાઉથી ફિક્સ કરી દીધી છે ને સરપ્રાઇઝની સામે સરપ્રાઈઝ મળતાં અગવડ એવી ઊભી થાય છે કે આ મિત્રોએ હોટેલ શોધવી પડે છે. માર્ગમાં માલા ત્રિવેદી (સારિકા) જોડાય છે. તેને એર ટિકિટ ભૂપેને મોકલી છે. ભૂપેનની તે પર્વતી મિત્ર/પ્રેમિકા છે. એ જ કારણ છે કે ભૂપેન પરણ્યો નથી ને માલા પરિસ્થિતિવશ પરણી જાય છે, પણ ભૂપેનને તે વર્ષો પછી પણ ભૂલી નથી, જો કે, આ મિત્રો માલાને, ભૂપેન માટે જવાબદાર ગણે છે ને તેને બહુ ભળવાથી દૂર રાખે છે. ઓમ શર્મા ગોરખપુરમાં પૂર્વજોની પોતાની હવેલી છે, તેમાં રહેવાની વાત કરે છે ને ભવ્ય હવેલીનો ફોટો પણ બતાવે છે, પણ વર્ષો પછી પાછા ફરેલા ઓમને હવેલી બિસ્માર હાલતમાં જોવા મળે છે ને ઘર છોડીને નીકળી ગયેલા ઓમને આવકારમાં ઠપકો મળે છે. અમિત શ્રીવાસ્તવ લેખક છે અને લોકપ્રિય રહેવા જે લખવું પડે તે લખે છે. મતભેદ થતાં પત્ની ઘણા સમય પહેલાં અલગ રહેવા ચાલી ગઈ છે. જાવેદની પત્ની શબીનાથી છુપાવીને આ મિત્રો એવરેસ્ટ બેઝ કેમ્પ જવા નીકળ્યાં છે, પણ તે જાણી જાય છે ને ઝઘડો છતાં, જાવેદ, પત્નીને નારાજ કરીને અમિત અને ઓમ સાથે એવરેસ્ટ માટે નીકળી પડે છે. ટ્રેક ઇન્સ્ટ્રક્ટર શ્રદ્ધાના પિતા અમિતથી પ્રભાવિત છે ને તેને આદર્શ માનીને શ્રદ્ધાને અમિતનાં પુસ્તકો વાંચવા આપે છે, પણ તેને એમાં ભરોસો પડતો નથી. અમિતને પણ પોતાની પોકળતા સમજાય છે ને તે, તે હજારો પ્રશંસકો સમક્ષ જાહેર પણ કરે છે. આ વાતે શ્રદ્ધા પ્રભાવિત થાય છે ને નાદુરસ્ત તબિયતને કારણે ત્રણે વૃદ્ધોને પરત મોકલવાનો પોતાનો નિર્ણય બદલે છે. બેઝ કેમ્પ સુધીનો જોખમી માર્ગ અનેક મુશ્કેલીઓ વચ્ચે પાર પડે છે એ પછી બર્ફીલી સફેદીમાં ભૂપેનની રાખનું વિસર્જન થાય છે. એ દૃશ્ય હૃદયસ્પર્શી છે. અમિત, ભૂપેનની રાખને હવામાં છોડે છે. ઓમ પણ એમ જ રાખ વિસર્જિત કરે છે. જાવેદ ઘડાને ચૂમે છે ને ડૂસકાતી આંખે રાખ છોડે છે, પછી એ ઘડો માલા તરફ લંબાવે છે. જેને જવાબદાર ગણી હતી એનો જ કદાચ વધારે હક ભૂપેનની રાખ પર હતો. એ રાખ વિસર્જિત કરે છે .., આ દૃશ્ય હૈયું વલોવનારું છે.