Opinion Magazine
Number of visits: 9667539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુવાદ

રવીન્દ્ર પારેખ|Poetry|22 February 2023

મારે અનુવાદ કરવો છે

બીજી ભાષામાંથી –

શું છે કે બીજી ભાષામાંથી પ્રેમ 

ગુજરાતીમાં આવે છે તો

ગુજરાતીઓ 

વેલેન્ટાઈન થઈ ઊઠે છે !

તમને ખબર છે ફ્લાવર્સને 

ફ્લેવર્સ હોય છે તેની?

ને તમે ફૂલો કહો તો આ ગુજ્જુઓ 

ગુજરાતીમાં ફૂલ્સ સમજે છે

વેલ, વિદેશી નદી ગુજરાતીમાં વહેને 

તો ગુજરાતીઓ તેમાં 

ડૂબકી મારીને 

પુણ્યશાળી બને છે

મારે પણ પુણ્ય કમાવું છે

પણ એ બીજી ભાષાને ગુજરાતીમાં 

લાવી શકાય તો જ શક્ય છે

ને પ્રોબ્લેમ એ છે કે મને

બીજી કોઈ ભાષા આવડતી નથી

ને મારે અનુવાદ કરવો છે

એટલે બહુ બહુ તો હું 

મારી કવિતાનો

ગુજરાતીમાં અનુવાદ કરી શકું

પણ તે ય કરી શકતો નથી

કેમ કે હું તો

ગુજરાતીમાં જ લખું છું

ને ગુજરાતીમાં તો

ગુજરાતીનો

અનુવાદ થાય નહીંને !

હા, ગુજરાતીનો

બીજી ભાષામાં અનુવાદ થઈ શકે

પણ

બીજી ભાષા હું જાણતો નથી

ને જે જાણે છે તે 

ગુજરાતીને શું કામ હાથમાં પકડે

જ્યાં 

ગુજરાતી જ

ગુજરાતીને પકડતાં નથી?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

વિશ્વ સામાજિક ન્યાય દિવસ 

રૂપાલી બર્ક|Opinion - Opinion|22 February 2023

“ક્યાંક પ્રવર્તતો અન્યાય સમગ્ર ન્યાય માટે જોખમ છે.” — આ માર્ટિન લૂથર કિંગના શબ્દો છે. દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીના દિવસને વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઠેરવેલો છે. સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવવાની હાકલ કરતો આ દિવસ આજના વિશ્વ માટે કેટલો મહત્ત્વનો છે, તેનો ખ્યાલ રોજ બ રોજ આપણી આસપાસ બનતી ઘટનાઓ પર ધ્યાન આપવાથી આવી જશે. સી.એન.બી.સી. મુજબ “સાંપ્રત સમયમાં દેશોમાં અને દેશો વચ્ચે ગરીબી અને અસમાનતા વધી રહ્યાં છે. કોવિડ-૧૯ મહામારી, કુદરતી હોનારતો, ઋતુ પરિવર્તન અને સશસ્ત્ર સંઘર્ષોને કારણે આર્થિક અને સામાજિક કટોકટી વધવા પામી છે.”

આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘની વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ છે, ‘સામાજિક ન્યાય માટે અવરોધો ઓળંગવા અને તકોની ભરમાર કરવી’. ૨૦ ફેબ્રુઆરીના દિવસે યોજાયેલી  સંયુક્ત રાષ્ટ્ર સંઘ આયોજીત એક બેઠક માટેના ફ્લાયર મુજબ, “… આપણા મોટા ભાગના કામદારોને મહામારી પૂર્વે મળતા વેતન અપાતા નથી. કામના કલાકો સંદર્ભે જાતિ-લિંગના ભેદભાવો વધ્યાં છે. ખાદ્ય પદાર્થો અને ઘર વપરાશની ચીજોના ધરખમ ભાવ વધારાએ કેટલાં ય ઘરો અને નાના ઉદ્યોગોને માઠી અસર કરી છે. વિશ્વની લગભગ અડધી વસ્તી સામાજિક સુરક્ષાથી વંચિત છે. ઘણી બઘી જગ્યાઓએ નોકરી ગરીબીમાંથી છૂટકારો આપતી નથી. ઘણા દેશોમાં માનભેર નોકરી કરવાની તકો, સામાજિક નીતિઓમાં અપૂરતું રોકાણ, અને કુદરતી સંસાધનોના અતિશય વપરાશને કારણે વિશ્વાસ ભંગ અને નબળા સામાજિક કરારનું પરિણામ આવ્યું છે. મહામારી પૂર્વે પણ અસમાનતાના ઊંચા અને વૃદ્ધિ પામતા દર અંગે ચિંતા હતી અને તેને ઓછી કરવા તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવાની લાગણી પણ હતી જેથી વધુ સર્વસમાવેશક વિકાસ સધાય, જેમાં દરેક માટે માનભેર કામ કરવાની તકોનું નિર્માણ કરવામાં આવે. હાલ, અસમાનતા અને ગરીબીમાં વધારો કરવામાં ડિજીટલ વિભાજન અને વૈશ્વિક વેપારમાં અંતરાયોની મોટી ભૂમિકા છે. ખાસ કરીને સ્ત્રીઓ અને યુવાનો આ બેવડાતી કટોકટી, બેરોજગારી અને સામાજજિક-આર્થિક અસુરક્ષાથી અસરગ્રસ્ત થયાં છે અને માનભેર કામ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.”

સમસ્યાના ઉકેલ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘ માને છે કે ‘ગ્રીન, ડિજીટલ અને કૅર ઇકૉનૉમીમાં મહત્તમ તકોનું નિર્માણ કરી શકાય એમ છે. ઝડપી તકનીકી વિકાસના યુગમાં યુવાનો અસમાનતા ખાળવાની તકો મેળવી શકે છે. યુવાન ઉદ્યોગ-સાહસિકોની સંખ્યા વધી રહી છે અને તેમને ટેકો આપીને આ વલણને પ્રોત્સાહન આપી શકાય છે. ટેક આગેવાનો તરીકે આ યુવાન ઉદ્યોગ-સાહસિકો વિવિધતા, ન્યાયસંગતતા અને સમાવેશને પ્રોતસાહન આપતી નીતિઓ અને વ્યવહારો અમલી બનાવવા માટે તેમનો પ્રભાવ વાપરી શકે છે.’

ગઈકાલે યોજાઈ બેઠક દરમ્યાન ચર્ચા માટેના પ્રશ્નો હતાં : 

– વધતી અસમાનતા, માનભેર કામની ઊણપ, સામાજિક સુરક્ષા સુધી પહોંચનો અભાવ, ડિજીટલ નિષેધ અને વેપારમાં ભંગાણ સંદર્ભે મુખ્ય મુશ્કેલીઓ અને પડકારો કયાં છે?

–    અસમાનતા ઘટાડવા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા, ખાસ કરીને યુવાનો માટે ગ્રીન અને ડિજીટલ ઈકૉનૉમીમાં કેવી અને કેટલી તકો છે? 

–    સામાજિક ન્યાય માટે રોકાણ વધારી શકાય તે દિશામાં સરકારો, સંયુક્ત રાષ્ટ્રનું તંત્ર, આંતર-રાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાઓ, નિયોજક અને કામદાર સંગઠનો, નાગરિક સમાજ અને અન્ય હિસ્સેદારો તરફથી કેવાં કર્મની જરૂર છે?

ઉપરોક્ત સંદર્ભે આદર્શ અને વાસ્તવ વચ્ચે બહુ મોટો તફાવત દેખાય છે. અલગ અલગ દેશો, સમાજો, સંસ્કૃતિઓમાં ભિન્ન પ્રકારના ભેદભાવો પ્રવર્તે છે. ક્યાંક વંશીય તો ક્યાંક વર્ગીય, ક્યાંક જ્ઞાતિ તો ક્યાંક જાતિ / જાતિ-લિંગ / લૈંગિક સંબંધી, ક્યાંક ધાર્મિક તો ક્યાંક ભાષાકીય, ક્યાંક શિક્ષણ તો ક્યાંક કલા સંબંધી … યાદી લાંબી છે. આ મહા યોજના છે અને જે રીતે દુનિયામાં સ્વકેન્દ્રિતાની મહામારી પ્રસરી છે આ ઉદ્દેશો સિદ્ધ કરવાનું માનવીય ધોરણે અશક્ય છે. પરસ્પર માનવીય સંબંધો સામે એ.આઈ., મેટાવર્સ, વગેરે કંઈ કેટલું જોખમ ખડું કરી રહ્યું તેવામાં સામાજિક ન્યાયના આદર્શ ધોરણો લાગુ કરી શકાય એમ છે? સોશ્યલ મીડિયા અને વર્ચ્યુઅલ વિશ્વમાં રાચતા માણસો એક બીજાથી દૂર થઈ રહ્યાં છે. પ્રતિદિન એવી ઘટનાઓ ઘટે છે કે સામાજિક માળખું જ હચમચી જાય છે. હાલમાં જ ઈલોન મસ્કે પોતાના પાલતું શ્વાન ફ્લૉકીને ટ્વિટરના સી.ઈ. પદે નિયુક્ત કરી વિધાન કર્યું કે માણસ કરતાં વધુ સક્ષમ છે આ શ્વાન!

તદ્દન ખોટા કારણોસર નિર્દોષ વ્યક્તિઓની હત્યા થતી હોય, માનસિક રીતે બિમાર સ્ત્રીઓની સંસ્થા દ્વારા જ અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતો હોય, માનવ તસ્કરી થતી હોય, ત્રણ મહિના સુધી વેતન ચુકવાતા ના હોય,  — માત્ર દૈનિકોનાં પાનાઓમાં જ વાંચીએ તો અરેરાટી વ્યાપી જાય તો પછી પોલીસના ચોપડે અને વણનોંધાયેલા ગુનાઓનો સરવાળો કરવા જઈએ તો પાર ન આવે એવામાં આવો દિવસ ઠેરવવો અને વર્ષદીઠ થીમ રાખવાથી કેટલો ફરક પાડી શકાશે તે મોટો પ્રશ્ન છે. શું આપણે સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવીએ છીએ? વાત અહીંથી શરૂ થાય છે…

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

અંતરની માટલી

મકરન્દ દવે|Opinion - Opinion|22 February 2023

ધર્મઝનૂની મૌલવીઓએ મોગલ બાદશાહોના કાન ભંભેર્યા અને શીખ લોકો ઉપર તવાઈ ઊતરી. ઔરંગઝેબના વખતમાં તો મોગલોના જુલમોએ માઝા મૂકી.

દશમા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહ ત્યારે ધર્મની ગાદી પર. તેમણે આ જુલમોનો સામનો કરવાનો નિરધાર કર્યો. એમણે પ્રતિજ્ઞા લીધી કે –

ચીડિયાસે મૈં બાજ ગિરાઉં, બિલ્લી સે મૈં શેર મરાઉં,

સવા લાખપે એક ચડાઉં, તબ ગોવિંદસિંહ નામ ધરાઉં.

સવા લાખની સામે લડવા નીકળે તેવા એક એક શીખ સિપાહીને હું તૈયાર કરું, તો જ મારું નામ ગોવિંદસિંહ !

ગુરુ ગોવિંદસિંહે રણહાક વગાડી. ગુરુની વાણી તો મડદાંને પણ બેઠાં કરે તેવી ! ગુરુના એક બોલ પર મરી ફીટવા હજારો યુવાનો થનગની રહ્યા. “વાહ, ગુરુ ! વાહ, ગુરુ કી ફત્તહ !”નો હુંકાર કરતા શીખ બેટડા ખડા થઈ ગયા. માથે મોકળા કેશ અને હાથે ચમકતી કિરપાલ – જાણે કેશવાળી ખંખેરી સિંહ જાગી ગયા ! ત્યારે એક બૂઢો આદમી એ રણબંકા જુવાનોને ટગરટગર જોઈ રહેતો. લડાઈના મેદાનમાં જવાની તેને જબરી હોંશ હતી. પણ કાયા કામ નહોતી કરતી. નેવું શિયાળા એણે જોઈ નાખ્યા હતા. હાથમાં સાવરણો લઈને એ ગુરુ સાહેબનું આંગણું વાળતો ને બેઠા બેઠા પરમાત્માના ગુણ ગાતો. ગુરુની હાકલ પડતાં આજ સહુ સંગાથે હાલી નીકળી નથી શકાતું, તેનો એને ભારે વસવસો રહેતો. એક દિવસ ગુરુ ગોવિંદસિંહ પાસે આવી, હાથ જોડી એણે કહ્યું : “ગુરુસાહેબ, મારે લડાઈના મેદાનમાં જવું છે. મને આજ્ઞા આપો.”

ગુરુ તો બૂઢા સામે જોઈ રહ્યા. તેનો દેહ નર્યો હાડકાંનો માળખો હતો. અંગો ધ્રૂજતાં હતાં. ગુરુએ કહ્યું, “પણ બાબા, તમે રણમેદાનમાં જઈને શું કરશો ? તલવાર ઉપાડવાની પણ શક્તિ નથી તમારામાં.”

“મારા ગુરુ ખાતર હું માથું ઉતારી આપીશ,” બૂઢાએ કહ્યું.

“બાબા, મારા શીખનાં માથાં એવાં સોંઘાં નથી.” થોડી વાર વિચાર કરીને ગુરુએ કહ્યું. “પણ તમે એક કામ કરો. લડાઈના મેદાનમાં ઘાયલ સૌનિકોને પાણી પાવાનું કામ તમારું.”

બૂઢો તો રાજી રાજી થઈ ગયો. કાંધે પાણીની મસક ઉપાડીને ચાલી નીકળ્યો.

પણ લડાઈના મેદાનમાં બૂઢાની હાજરી ઘણાને સાલવા માંડી. એની વિરુદ્ધની ફરિયાદો સાંભળી ગુરુ ગોવિંદસિંહે પૂછ્યું, “શું એ સોંપેલું કામ બરાબર નથી કરતો ?”

“ના, રે ગુરુસાહેબ,” સરદારોએ કહ્યું, “કામ તો એના જેટલું બીજો કોણ કરતો હશે ? મણ મણની મસક ઉપાડીને દોટ મૂકે છે. ઘાયલ ને તરસ્યાનું નામ સાંભળીને ઘમસાણ વચ્ચે ઘૂમી વળે છે. નથી ડરતો તીરથી, નથી ડરતો તલવાર કે ભાલાથી.”

“ત્યારે ? વાંધો શું છે ?”

“ગુરુસાહેબ, આ બૂઢો ઘાયલ શીખને પાણી પાય છે એમ દોડીને દુ:શ્મનને પણ પાણી પાય છે. ના પાડતાંયે કોઈનું માનતો નથી. પાણી કોણ માગે છે તે જોયા વગર જ એ તો પાણી પાવા લાગી જાય છે. મુસલમાન સિપાહીને માથે પણ પ્યારથી હાથ ફેરવે છે. એ જોયું નથી જતું, ગુરુસાહેબ !”

ગુરુ ગોવિંદસિંહની આંખમાં જળજળિયાં આવી ગયાં. તેમણે બૂઢાને બોલાવ્યો અને શીખ સરદારોની હાજરીમાં પૂછ્યું, “બાબા, તમારી ફરિયાદ આવી છે, તમે મુસલમાનોને પણ પાણી પાઓ છો ?”

બૂઢાએ હાથ જોડીને કહ્યું, “દશમ પાદશાહ, હું તો આપની આજ્ઞાનું પાલન કરું છું. ‘પાણી ! પાણી !’નો પોકાર જે કોઈ કરે તેને પાણી પાવા હું દોડું છું. મને બીજી કોઈ ખબર નથી.”

બૂઢાના ધ્રૂજતા હાથને ગુરુએ પોતાના પંજામાં લઈ લીધો. આનંદ અને પ્રેમથી છલકાતા સ્વરે કહ્યું, “બાબા ! તમે તો શીખ ધર્મને ઉજાળ્યો. ધન્ય છે ! આપણી હસ્તીને પડકાર થતાં આપણે તલવાર ઉઠાવી છે. પણ મોતને બારણે કોઈ ભેદ નથી. પાણી માટે તરફડતા હરકોઈ સૈનિકને તમતમારે ખુશીથી પાણી પાજો. અને બાબા, એક બીજી વાત પણ તમારે કરવાની છે ….”

“આજ્ઞા કરો, ગુરુસાહેબ !” બૂઢો બોલ્યો.

“મારા આ સરદારોના લોખંડી દિલમાં પણ તમારું પ્રેમજળ સીંચ્યા કરજો. આપણા ધર્મની તલવાર જેટલી તીખી છે, એટલું જ આપણા અંતરની માટલીનું જળ મીઠું છે, એ તેમને ભૂલવા ન દેતા !”

(‘અડધીસદીનીવાચનયાત્રા’માંથીસાભાર)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 08

Loading

...102030...1,2291,2301,2311,232...1,2401,2501,260...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved