Opinion Magazine
Number of visits: 9458237
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટનમાં ઋષિ’રાજ’: ભારત અને ભારતીયો માટે આશીર્વાદ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 October 2022

42 વર્ષના બ્રિટિશ-ઇન્ડિયન ઋષિ સુનક, યુનાઇટેડ કિંગડમના સૌથી યુવાન પ્રધાન મંત્રી બન્યા, તેમાં દેશ-દુનિયાના ભારતીયોનાં હૈયે હરખ સમાતો ન હોય, તે સમજી શકાય તેમ છે તે એક વાત. એ હરખ અસ્થાને છે તે બીજી વાત. હરખનું મુખ્ય કારણ એ છે કે જે બ્રિટિશરોએ ભારતીયો પર બસો વર્ષ રાજ કર્યું હતું … રાજ કર્યું હતું એટલું જ નહીં … ભારતીયોને બધી રીતે એડી નીચે કચડી રાખ્યા હતા, તે બ્રિટિશરો પર આવે એ વ્યક્તિનું રાજ છે, જેનાં મૂળિયાં એ જ ભારતમાં છે. અંગ્રેજીમાં આને સ્વીટ રિવેન્જ કહે છે. સાદી ભાષામાં, કુદરતનો ન્યાય.

લગભગ 70 વર્ષ અગાઉ, તત્કાલીન બ્રિટિશ પ્રધાન મંત્રી અને દ્વિતીય વિશ્વયુદ્ધના મહાનાયક વિન્સ્ટન ચર્ચિલે, ભારતીઓમાં સ્વ-શાસનની ક્ષમતા અંગે સંદેહ વ્યક્ત કર્યો હતો (લેખના અંતે ‘લાસ્ટ લાઈન’ વાંચો), ત્યારે તેમણે દુ:સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે દસ વર્ષ સુધી તેઓ જે 10 ડાઉનિંગ સ્ટ્રીટની ખુરશીમાં બેઠા હતા, તેમાં એક દિવસ એવો માણસ બેસશે, જે પોતાને એક ‘ગર્વિત હિંદુ’ ગણાવે છે. ઋષિ સુનકના ‘ભારતીયપણા’માં બીજું એક છોગું તેમના લગ્નનું છે. તેમણે ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિ સાથે 2009માં બેંગ્લોરમાં લગ્ન કર્યા હતાં. બ્રિટિશ સંસદની ચૂંટણી વેળા, આ અક્ષતાની કથિત ટેક્સ ચોરીના મામલે ઋષિની બહુ બદનામી થઇ હતી.

એ હકીકત કે દુનિયાના સૌથી પહેલા વૈશ્વિક સુપરપાવર બ્રિટિશ સામ્રાજ્યના ઇતિહાસમાં, એક લઘુમતી અશ્વેત સર્વોચ્ચ પર પહોંચે તે નિશ્ચિતપણે નોંધપાત્ર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ આ વાતને ભાર દઈને કહી હતી. તેમણે કહ્યું કે એક અશ્વેત બ્રિટિશ પી.એમ. બને એ મોટી વાત છે. ઋષિની હિંદુ ઓળખ તો બરાબર છે, પણ ‘ભારતીયપણા’વાળી વાત થોડી વિવાદાસ્પદ છે. તેમના દાદા-પરદાદા ભારતના હતા તે સાચું, પણ તેમના પિતા કે ખુદ ઋષિ પોતે ન તો ભારતમાં જન્મ્યા હતા કે ન તો ભારતના નાગરિક રહ્યા છે. થોડાંક તથ્યો;

બ્રિટનમાં ચાન્સેલર ઓફ એક્સ્ચેકર (નાણાં મંત્રી) રહી ચુકેલા અને 2015થી સંસદ સભ્ય ઋષિ સુનક જન્મે બ્રિટિશર છે. તેમણે ચેન્સેલરપદે ભગવદ્દ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. તેમનાં માતા-પિતા યશ્વીર અને ઉષા સુનક, સાઉથઇસ્ટ આફ્રિકાના ભારતીય ડાયસ્પોરામાંથી આવે છે. પિતા યશ્વીર કોલોની એન્ડ પ્રોટેકટોરેટ ઓફ કેન્યા(હાલના કેન્યા)માં જન્મ્યા હતા, જ્યારે માતા ઉષા ટાંગાન્યીકા(જે પછીથી તાન્ઝાનિયામાં ભળી ગયું હતું)માં પેદા થયાં હતાં.

યશ્વીર અને ઉષાનાં પેરેન્ટ્સ મૂળ અવિભાજિત પંજાબના ગુજરાંવાલા (જે હવે પાકિસ્તાનમાં છે) હતાં. યશ્વીરના પિતા, એટલે કે ઋષિના દાદા, રામદાસ સુનક 1935માં નૈરોબીમાં ક્લાર્કની નોકરી કરવા માટે ગુજરાંવાલા છોડી ગયા હતા. બે વર્ષ પછી, ઋષિનાં દાદી, સુહાગ રાની નૈરોબી ગયાં હતાં. સાઈઠના દાયકામાં બંને ઇંગ્લેન્ડ ગયાં હતાં. ત્યાં યશ્વીર જનરલ ફીઝીશિયન હતા અને ઉષા દવાની દુકાન ચલાવતાં હતાં. સધર્ન ઇંગ્લેન્ડમાં આવેલા સધમ્પટન શહેરમાં 1980માં ઋષિ જન્મ્યા હતા. તેમને સંજય અને રાખી નામનાં બે ભાઈ-બહેન પણ છે.

ઋષિએ હેમ્પશાયરની સ્કૂલમાં અને વિન્શેસ્ટર બોર્ડિંગ કોલેજમાંથી પ્રાથમિક ભણતર મેળવ્યું હતું. વેકેશનમાં તે સધમ્પટનની હોટેલમાં વેઈટરનું કામ કરતા હતા. 2001માં તે ઓક્સફર્ડની લિંકન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તે પછી તે સક્રિય રાજકારણમાં આવ્યા હતા.

 મજાની વાત એ છે કે, ગયા સોમવારે પ્રધાન મંત્રી તરીકે ઋષિની વરણી થઇ, તે પછી પાકિસ્તાન અને આફ્રિકામાં પણ ‘આપણો ઋષિ’ના નામે જશ્ન મનાવાયો હતો! બ્રિટનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, તેમની ઓળખને લઈને એક ભારતીય પત્રકારને ઋષિએ કહ્યું હતું, “વસ્તી ગણતરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન’ નામનું એક ખાનું હોય છે, હું તેમાં ટિક કરું છું. હું સંપૂર્ણપણે બ્રિટિશ છું, આ મારું વતન અને મારો દેશ છે, પણ મારો ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક વારસો ભારતમાં છે, મારી પત્ની ભારતીય છે.”

ઋષિ સુનક, બ્રિટનના વડા પ્રધાનપદની રેસમાં પહોંચી ગયા તેમાં તેમનું બ્રિટિશ હોવું કારણભૂત છે, ભારતનું મૂળ નહીં. બ્રિટનમાં કોઈ પણ બ્રિટિશ નાગરિક વડા પ્રધાન બની શકે છે, પછી ભલે તેનો જન્મ બીજે ક્યાંક થયો હોય. બીજી રીતે કહીએ તો, કોમનવેલ્થ દેશનો કોઈ પણ નાગરિક બ્રિટિશ વડા પ્રધાન બની શકે. આમાં વ્યક્તિની લાયકાત તો ખરી જ, સિસ્ટમ પણ તેને મદદ કરે છે.

પ્રશ્ન એ છે કે ઋષિ સુનકનું હિંદુ હોવું કે ભારતીય મૂળના હોવું ભારત-બ્રિટનના સંબંધોમાં વિશેષ ભૂમિકા ભજવશે? ભારતીય તરીકે આપણને એવું માનવાનું મન થાય તે સમજાય તેવું છે, પરંતુ રાજકારણ લાગણીઓ પર નહીં, નક્કર હકીકતો પર નભતું હોય છે. ‘બિઝનેસ ટૂડે’ના વિશ્લેષણ અનુસાર, ઋષિ સામે ત્રણ તાકીદના પડકારો છે, એટલે તેઓ આંતરરાષ્ટ્રીય (એટલે કે ભારત) બાબતોમાં કેટલો સમય અને ઉર્જા આપી શકશે તે મોટો પ્રશ્ન છે.

એક. બ્રિટનની અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે.  ઋષિની પુરોગામી, લિઝ ટ્રસને, આર્થિક નીતિઓના ધબડકાના કારણે 44 દિવસમાં જ રાજીનામું આપી દેવું પડ્યું હતું. ઇન ફેક્ટ, લિઝે તેની પાર્ટીની નારાજગીથી રાજીનામું આપવું પડ્યું એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઋષિને દેશની કમાન સોંપવામાં આવી છે. એટલે, ઋષિ માટે યુદ્ધ સમો પડકાર અર્થવ્યવસ્થાને પાટે ચઢાવાનો છે. બ્રિટનમાં અત્યારે છેલ્લા એક દાયકાનો સૌથી વધુ, 10 ટકાથી વધારે, ફુગાવો છે. ઋષિએ સરકારી ખર્ચા ઓછા કરીને ટેક્સ વધારવો પડશે પણ એમાં મંદી વધુ ઘેરી થવાનો ડર છે.

બે. રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે બ્રિટનમાં ઉર્જાના પુરવઠા પર માઠી અસર પડી છે. એક વર્ષ પહેલાં, બ્રિટનમાં સરેરાશ એક પરિવારમાં એનર્જી બિલ 1,277 પાઉન્ડ આવતું હતું. અત્યારે તે વધીને 3,549 પાઉન્ડ થઇ ગયું છે. હવે શિયાળો આવશે એટલે ઉર્જાની ખપત વધવાની છે. ઋષિ તેની કિંમતો કેવી રીતે સ્થિર રાખી શકે છે તે જોવાનું રહેશે.

ત્રણ. ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીમાં લોકોને ભરોસો નથી. લોકપ્રિયતાના મામલે તે લેબર પાર્ટી કરતાં પાછળ છે. પાર્ટીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણ પ્રધાન મંત્રી (બોરિસ જોહ્ન્સન, લિઝ ટ્રસ અને ઋષિ સુનક) આપવા પડ્યા છે તે બતાવે છે કે પાર્ટીમાં કેટલી અસ્થિરતા છે. એ જ કારણથી લેબર પાર્ટી અત્યારે ફૂલ ફોર્મમાં છે અને તે ઋષિનું 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ‘જીવવાનું’ મુશ્કેલ કરી નાખશે.

આ ત્રણ મુસીબતોને સામે રાખીને જુઓ, તો ઋષિનું ‘ભારતીય’ હોવું આશીર્વાદ નહીં, અભિશાપ પણ સાબિત થઇ શકે છે. અમેરિકામાં બરાક ઓબામાનું ઉદાહરણ તાજું જ છે. ઓબામા પહેલા આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા હતા તે શરૂઆતમાં તો જશ્નનું કારણ હતું, પરંતુ પછીથી તેમના પર એવા આરોપ લાગ્યા હતા કે તેમનાં સગાં-વહાલાં જ્યાં રહેતાં હતાં તે અને પિતાના દેશ પ્રત્યે તેઓ ઢળેલા રહે છે. ઓબામાને આવા પક્ષપાતના આરોપ બહુ વાગ્યા હતા. 

ઋષિ સુનક સામે પણ એ જોખમ છે. વિશેષ કરીને તાજેતરનાં વર્ષોમાં બ્રિટનમાં હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે તે ત્યારે ઋષિ ભારત કે ભારતીયો તરફે ઝૂકેલા છે તેવી અફવા પણ તેમને ભારે પડી શકે છે અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટી પર કાયમી ગોબો પડી શકે છે. બ્રિટનમાં ભારતીયો અને ઈસાઈઓ પરંપરાગત રીતે લેફ્ટ-ઓફ-ધ-સેન્ટર લેબર પાર્ટી તરફ ઝૂકેલા રહ્યા હતા, પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેઓ રાઈટ-ઓફ-ધ-સેન્ટર કન્ઝર્વેટિવ પાર્ટી તરફ ગયા છે, જ્યારે મુસ્લિમો અને શિખો લેબર પાર્ટીના શરણમાં ગયા છે.

ઋષિના આગમનથી આ સમીકરણો વધુ મજબૂત થશે. એટલે એવું કહી શકાય કે ઋષિ બ્રિટનના હિંદુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે, પણ એનો અર્થ એ નથી કે તેઓ ભારતના ભારતીયોને કોઈ ફેવર કરે. ઘર-આંગણાંની સમસ્યા ડિપ્લોમેટિક મુસીબત બની જાય એ કોઈ દેશને ન પરવડે. ભારતે નૂપુર શર્માના કિસ્સામાં એ જોઈ લીધું છે. ઋષિને એ વાત ખબર હોવી જ જોઈએ.

પાંચમું, ઋષિ આંતરરાષ્ટ્રીય સંબંધોની બાબતોમાં બહુ રુચિ રાખતા હોય કે પાવધરા હોય તેમ લાગતું નથી. તેઓ પૂર્વ પ્રધાન મંત્રી બોરિસ જોહ્ન્સનના ઘીષિત ‘ભક્ત’ છે અને તેમણે ભારત સાથે જે લાઈન-દોરી સેટ કરી છે તે પ્રમાણે જ ચાલશે. ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપારને લઈને જોહ્ન્સન અને મોદી વચ્ચે જે દિશા નક્કી થઇ હતી, ઋષિ તેને જ આગળ ધપાવશે. એમાં ય, ચીનનો જે રીતે ઉદય થઇ રહ્યો છે તે જોતાં વ્યાપાર અને સંરક્ષણના મામલે બંને દેશોના સંબંધો વધુ ગહેરા થશે.

કાર્નેજી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસની એક વૈશ્વિક સંસ્થાનો એક રિપોર્ટ કહે છે કે, “સ્થાનિક સમીકરણોની વિદેશી મામલાઓમાં ઝાઝી અસર નહિ પડે, કારણ કે મોટા ભાગના બ્રિટિશ-ઇન્ડિયનો માટે ભારત-બ્રિટનના સંબંધો રુચિનો વિષય નથી. ભારત-બ્રિટન સંબંધોને લઈને તેઓ કોઈપણ પાર્ટીને ખેરખાં સમજતા નથી.”

લાસ્ટ લાઈન :

“જો ભારતને આઝાદ કરી દેવામાં આવ્યું, તો તેની સત્તા દુષ્ટ, ગુંડાઓ અને મફતિયું ખાનારાઓના હાથમાં જતી રહેશે. ભારતના નેતાઓ બહુ કમજોર અને ભૂસા ભરેલા પૂતળાં જેવા હશે.”

— વિન્સ્ટન ચર્ચિલ

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 30 ઑક્ટોબર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હે ભગવાન ! અમે ગુજરાતીઓ આટલા બધા બુદ્ધુ છીએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|31 October 2022

અમે ગુજરાતીઓ છીએ. ગુજરાતની કરોડોમાં ગણાતી ને ખેલતી પ્રજા છીએ. વડાપ્રધાનો અને કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતે આપ્યા છે, પણ પ્રજા તરીકે અમે ગુજ્જુઓ સ્વમાન વગરનાં નકલખોર ને નફાખોર લોકો છીએ. અમને કોઈ પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ શકે છે. અમે કોઈને પણ ઉલ્લુ બનાવી શકીએ છીએ એવા વહેમમાં ઉલ્લુ બનનારી પ્રજા છીએ. અમે, અમારે માટે નથી, અમે જાણે બીજાના ઉપયોગ માટે છીએ. અમે મત આપનારા જંતુઓ છીએ. અમે મતદાતાઓ, વિધાનસભામાં સરકાર બેસાડીએ છીએ અને પછી બેસી પડીએ છીએ. પછી નથી તો અમે સરકારની ચિંતા કરતા કે નથી સરકાર અમારી ચિંતા કરતી. નવી ચૂંટણી સુધી ભાગ્યે જ કોઈ એકબીજાનું સાંભળે છે. અમે જીતાડીને હારનારી પ્રજા છીએ. અમે બહુ ધાર્મિક નથી, પણ કોઈ પક્ષ ધાર્મિક બનાવવા ઈચ્છે તો અમે ધાર્મિક થઇ જઈએ છીએ. અમને કોઈ વિધર્મી વિરુદ્ધ ઉશ્કેરે છે, તો લાંબુ વિચાર્યા વગર તેમાં પણ ઝંપલાવી દઈએ છીએ. અમે રોબોટ્સ જેવાં છીએ. અમને ફીડ કરવામાં આવે છે. અમે યંત્રો છીએ. અમારા જેવું અમને કૈં નથી. અમને બધું જ બીજાના જેવું છે. બીજાઓ માટે જ છીએ અમે. કોઈ દાળભાત ખાઉ ન કહે એટલે પિઝા, પાસ્તા કે ચાઈનીઝ, પંજાબી કે ઇટાલિયન, મેક્સિકન ડિશિઝથી રાજી રહીએ છીએ. અમને ગુજરાતીની નાનમ લાગે છે એટલે અંગ્રેજી મીડિયમની મેથી મારીને કેનેડા કે યુ.એસ. ભાગીને ત્યાં જ ઠરીઠામ થવાની દાનત રાખીએ છીએ. આમ તો અમને અહીં સંઘરવા કોઈ રાજી નથી, પણ અહીંનું કોઈ  વિદેશમાં મંત્રી કે પ્રમુખ થાય છે તો તેને ભારતીય મૂળની વ્યક્તિ કહીને તેની આરતી ઉતારીએ છીએ, ભલે પછી એ વ્યક્તિએ ભારતનું નાહી નાખ્યું હોય !

રાજકારણીઓ અમને ગમે ત્યારે ઊઠાં ભણાવી શકે છે. એમાં ભા.જ.પ. હોય કે કાઁગ્રેસ કે આપ, ફરક પડતો નથી. જો ચૂંટણી નજીક હોય તો બધાં જ ભૂરાયાં થાય છે. દુનિયા જાણે છે કે ભા.જ.પ.નાં શાસન પહેલાં ‘વિધર્મી’ શબ્દ આજના જેટલો પ્રચારમાં ન હતો. કૉંગ્રેસી શાસનમાં જે અર્થમાં ‘લઘુમતી’ શબ્દ પ્રચારમાં હતો, એથી વધુ ઘેરાશ કોમ સંદર્ભે ‘વિધર્મી’એ પકડી છે. ‘હિન્દુત્વ’નો અર્થ પણ વધુ ઝનૂન પકડતો જાય છે. હાલમાં ગુજરાતની ચૂંટણી માથા પર છે, ત્યારે ‘હિન્દુત્વ’ના કાર્ડ પર એકથી વધુ વખત ભા.જ.પે. ગુજરાત ચૂંટણીમાં જીત મેળવી છે ને ભારે બહુમતીથી સરકાર બનાવી છે. અત્યારે પણ ધાર્મિક વાયરાઓ વાય તો છે જ ને હિન્દુત્વનાં કાર્ડ, પર પણ ખેલ ચાલે એમ છે, એટલે ભા.જ.પ.ના મંત્રીઓ પૂજન અર્ચન, આરતી દ્વારા મતદાતાઓને આકર્ષવાનો રાબેતા મુજબ પ્રયત્ન કરે છે. એનું જોઈને કૉંગ્રેસ પણ ફાંફાં મારી લે છે. આમ તો  હિંદુઓ પ્રતિ કૉંગ્રેસને કદી પણ સોફ્ટ કોર્નર રહ્યો નથી. તે તો લઘુમતીના મત પર જ રાજનીતિ કરતી આવી છે. કૉંગ્રેસનો છેલ્લી બે ચૂંટણીમાં પૂરતો સફાયો થઇ ચૂક્યો છે. આજ સુધી પરિવારની વ્યક્તિ સિવાય કોઈ કૉંગ્રેસ પ્રમુખ થઇ શકતું ન હતું. એ સ્થિતિ છેક હમણાં બદલાઈ છે અને ખડગે કૉંગ્રેસના પ્રમુખ થયા છે. કૉંગ્રેસની પોતાની સ્થિતિ દયાજનક છે ત્યારે ખડગે ભા.જ.પ.ની વિપક્ષ મુક્ત ભારતની નીતિ ને પડકારે છે. તેઓ વિપક્ષ મુક્ત ભારત નહીં થવા દેવાય – એવું કહે તો છે, પણ તે કેવી રીતે શક્ય છે એ કહી શકતા નથી. આમ છતાં રાહુલ ગાંધી ભારત ભ્રમણ કરીને કૉંગ્રેસને બેઠી કરવાના શક્ય તેટલા પ્રયત્નો કરે છે. પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન હિંદુત્વના પાઠ પણ ભણી-ભણાવી લે છે. એ પણ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં સંકોચ અનુભવતા નથી. એમ કરવાથી ગુજરાતીઓના મત મળતા હોય તો એમને કોઈ વાંધો નથી. આ બધું પોતે માને છે એટલે કરે છે એવું નથી, પણ આ બધું કરવાથી મત મળે એમ છે, એટલે કરે છે. ભા.જ.પ.ના પ્રચારકોને તો હિન્દુત્વ ચૂંટણી જીતાડી ચૂક્યું છે એટલે એ તો તેનો મહિમા કરે એમાં નવાઈ નથી, પણ વિધર્મીઓને ટપારવાથી હિંદુ મતો વધે એમ હોય તો તેવું કરવાનો પણ કોઈ સંકોચ ન હોય એ સ્પષ્ટ છે. વાત એટલી જ નથી, કયો કૉંગ્રેસી પૂર્વનેતા ભા.જ.પ.ની નીતિરીતિને માફક આવે એમ છે, તો તે વીણી લઈને બાકીના વિષે ટીકા કરીને કે તેમને વિષે મૌન પાળીને પણ પોતાનું કામ કાઢી-કઢાવી લેવાય છે. લગભગ બધા જ રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી સુધી અનેક રીતે પક્ષની પુન: પુન: સ્થાપના કરતા રહે છે ને ચૂંટણી આવે ત્યારે જીતવાના કારસા કરતા રહે છે. રાજ્કારણમાં બે જ નીતિ અત્યારે સક્રિય છે. સત્તાધારી પક્ષ સત્તા ન છૂટે તેની પેરવીમાં રહે છે ને વિપક્ષો સત્તા હાંસલ કરવાની ગણતરીમાં મચ્યા રહે છે. એમાં નહેરુને નીચા દેખાડવાથી કે સરદારને ગાંધીથી ઊંચા બતાવવાથી કામ નીકળી જતું હોય તો તેમ કરવાનું પણ સૌને સહજ છે. એમાં બધી વખતે એમ માની લેવાયું છે કે અમને ગુજરાતીઓને તો કોઈ અક્કલ જ નથી. જો કે અમે એટલા મૂર્ખ તો છીએ જ કે ફાલતુ વાતો પક્ષો કરે તો પણ મત તો તેને જ આપીએ છીએ. એ મતોથી પક્ષો જીતે પણ છે એટલે એ માની લે છે કે જે તે જીત મતદાતાઓને ઉલ્લુ બનાવવાનું જ પરિણામ છે.

એનું તાજું ઉદાહરણ આપ પાર્ટીના સર્વેસર્વાં અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પૂરું પાડ્યું છે. આમ તો એ બધું ફ્રીમાં આપવામાં માને છે. એટલે એ ‘ફ્રી’ મંત્રી પણ કહેવાય છે. દિલ્હીમાં એમણે ફ્રીનો પ્રયોગ કર્યો છે ને એ પત્તું ગુજરાતમાં પણ એમણે ઊતર્યું છે. એનું જોઈને રાહુલ ગાંધીએ પણ વગર દિવાળીએ બોણી વહેંચવાની વાત પણ કરી છે, પણ એટલાથી કોઈને સંતોષ નથી. એમને જ એમ લાગે છે કે અમે ગુજરાતીઓ એટલાથી પૂરેપૂરા મૂરખ બનીએ એમ નથી, એટલે એમણે વધુ લાલચ આપવા ધારી છે. આમ આદમી પાર્ટીના કેજરીવાલ સોફ્ટ હિંદુત્વને સ્વીકારતા હતા, પછી જોયું કે અહીં ગુજરાતીઓને તો પૂર્ણ હિન્દુત્વનો કાર્ડ ખેલીને શીશામાં ઉતારી શકાય એમ છે એટલે એમણે ઇન્ડોનેશિયાના મુસ્લિમ રાષ્ટ્રનો દાખલો આપીને એમ ભણાવ્યું કે ત્યાં તો હિંદુઓ બે ટકા જ છે છતાં, ત્યાંની ચલણી નોટો પર ગણેશની મૂર્તિ છે. જો ત્યાં ગણેશ ચાલી જતા હોય તો ગણેશ અને લક્ષ્મી ભારતની ચલણી નોટો પર કેમ ન ચાલે? એમને હિંદુ દેવી દેવતાઓને ચલણી બનાવવાની ચાનક ચડી છે. તેમને ચલણી નોટો પર ગાંધીજી છે તેમ રહે તેનો વાંધો નથી, પણ તેની પાછલી બાજુ પર ગણેશ અને લક્ષ્મીને છાપવાનું મન થયું છે. સરસ્વતીનો તો વિચાર એમને ન આવે, કારણ, એ જો ચલણી થાય તો લોકો જાગૃત થાય ને એ કોઈ પણ પક્ષ ન ઈચ્છે. એના અભાવમાં લક્ષ્મી જેટલી કલેક્ટ થાય એ જ એક માત્ર હેતુ પ્રજા કે પક્ષનો હોય તે સમજી શકાય એમ છે. વળી હિંદુઓનાં તો કરોડો દેવી દેવતાઓ છે, એ બધાં તો છપાય એમ નથી, વળી કોઈ શિવાજી કે આંબેડકરને નોટ પર લાવવા માંગે તો તે દાવાઓ પણ ખારિજ તો કેમ થઇ શકે ને એવા દાવાઓ તો શરૂ થઇ પણ ગયા છે. ટૂંકમાં, કેજરીવાલનું સૂચન વ્યવહારુ ન રહે એવા પ્રયત્નો થવાના. છતાં, કેજરીવાલે તો પ્રધાન મંત્રીને પત્ર લખીને નોટો પર ગણેશ, લક્ષ્મી છાપવાની વાત કરી જ છે. અમને ગુજરાતીઓને તો ગણેશ ને લક્ષ્મી છપાય તે કરતાં નોટ આવે એમાં રસ હોય, પણ કેજરીવાલને કઈ રીતે એવું લાગ્યું કે પી.એમ. એમની નોટ પર લક્ષ્મી-ગણેશ છાપવાની વાત માની જશે, તે તો નથી ખબર, પણ લોકોમાં એક ગતકડું તો એમણે કર્યું જ છે. એ વાત સાંભળીને ભા.જ.પ.ના પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષનો વિરોધ કરવાની ટેવ ચાલુ રાખતાં એટલું તો કહ્યું જ કે કેજરીવાલનું આ ગતકડું રાજરમતનો જ એક ભાગ છે, કેમ જાણે એ તો રાજનીતિનો વૈરાગ્ય ધારણ કરીને બેઠા છે ! ભા.જ.પ. કેજરીવાલની વાતે શાંત રહે એવું તો બને નહીં, એટલે એણે કોમન સિવિલ કોડ દાખલ કરવાની વાત વહેતી મૂકી છે.

ભા.જ.પ.ને ખબર છે કે વિધર્મીના મતથી ચૂંટણી જીતાવાની નથી એટલે એણે બહુમતી હિંદુ વોટ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વાત વિપક્ષો પણ સમજી ચૂક્યા છે એટલે આપ હોય કે કૉંગ્રેસ, ગુજરાતમાં હિંદુ મતો ઉઘરાવવાની ને બને તો ભા.જ.પ.ના મતો તોડવાની સસ્તી રમતો આદરી રહી છે. જે મતોથી ભા.જ.પ. જીતે છે, એ જ મતો પડાવીને સત્તા હાંસલ કરવાની વ્યૂહ રચના બધાએ જ અપનાવી છે, એમાં સફળતા મળે એવું એમને લાગે છે, પણ આપ અને કૉંગ્રેસ આ રમત સાથે રહીને નહીં, પણ એકબીજાની સામે રહીને રમે છે એટલે એમાં બંને કેટલા સફળ રહેશે એ તો સમય જ કહેશે. પણ, એટલું દેખાય છે કે બધા જ પક્ષો ગુજરાતમાં સામેવાળાના મતો તોડીને જીતવા માંગે છે ને એમાં એમ માની લેવાયું છે કે ગુજરાતીઓમાં અક્કલ નથી ને હિન્દુત્વની રમત કોઈ પણ પક્ષ રમે, આ ગુજ્જુઓ તો મત આપવાના જ છે એવી એ પક્ષોને ખાતરી છે. સાચું તો એ છે કે જે ભગવાનને છોડતા નથી, તે લોકોને છોડે એવી આશા કઈ રીતે રખાય? પક્ષોનું કામ છે મત પડાવવાનું ને અમારું કામ છે એમને જીતાડવાનું, એ સિવાય કોઈ કામનું નથી ને કૈં કામનું નથી, નથી એમને માટે, નથી અમારે માટે, તે કહેવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ઑક્ટોબર 2022

Loading

ગિનિસ રેકોર્ડ્ઝે સોમવારે ઠેરવ્યો અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ, સોમવારના કાળમુખાપણા અંગે પિષ્ટપેષણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 October 2022

શું તમે પણ એ લોકોમાંના એક છો જે રવિવારની બપોરથી સોમવાર સવારની ચિંતામાં પડી જાવ છો? જો એમ હોય તો વાંધો નથી કારણ કે એવું અનુભવનારા તમે એકલા નથી

‘મંડે બ્લૂઝ’ – આ શબ્દથી આપણે બધા બહુ સારી પેઠે પરિચીત છીએ. ભલેને આપણે હકારાત્મકતાના બણગાં ફૂંકીએ, પણ સોમવારની સવાર, માળી, અઘરી તો હોય જ છે. દિવાળીની રજાઓ પૂરી થઇ ગઇ. આપણે કંઇ ગિજુભાઇ બધેકાની વાર્તાના પાત્રની માફક નવે નાકે દિવાળી નથી કરવાની. છતાં ય કહેવાતી રજાઓનો જે થોડોઘણો હરખ, લોકોને મળ્યાનો ઉત્સાહ, વજન વધ્યાની ચિંતા એ બધાનું જ સરવૈયું કાઢી આપણે હોંશે હોશે કામે પાછા ચઢવા ‘રિચાર્જ’ થઇ ગયા છીએ એવું માનીએ ને રૂટિન ચાલુ કરીશું એટલે ગણતરીના કલાકોમાં જ્યાં હતા ત્યાંના ત્યાં જ આવવાના છીએ.

ના ના, જરીકે એમ ન માનતા કે તમારા ઉત્સવની ઉજવણીના ઉત્સાહ પર આપણી નોકરિયાત અને કામઢી લાચારીનું ગાર્નિશિંગ થઇ રહ્યું છે. આ વાત તો એ સંદર્ભે કરી રહ્યા છીએ કે અઠવાડિયા પહેલાં ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડે એક મોટી જાહેરાત કરી – આ જાહેરાત હતી કે આખા અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ છે સોમવાર. આ જાહેરાત સાથે જ મંડે બ્લૂઝની વાસ્તવિકતાઓ પર ચર્ચાઓ છેડાઇ. શું તમે પણ એ લોકોમાંના એક છો જે રવિવારની બપોરથી સોમવાર સવારની ચિંતામાં પડી જાવ છો? જો એમ હોય તો વાંધો નથી કારણ કે એવું અનુભવનારા તમે એકલા નથી. વળી ગિનિસ વર્લ્ડ રેકોર્ડે આ અધિકૃત જાહેરાત કરી એમાં નેટિઝન્સે તેમના ટ્વિટ નીચે એમ લખી પાડ્યું, કે લે તમને આ બહુ મોડા ખબર પડી નહીં કે સોમવાર અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ છે? વીકેન્ડ વાઇબ્સમાંથી વર્ક વાઇબ્સમાં પાછા ફરવા માટે આપણને ધક્કા મારતો દિવસ એટલે સોમવાર – મંડે – અને એટલે જ તો, માળું, એમાં બધી મજા મરી જાય છે.

સોમવાર આપણને મળ્યો છે ગ્રેગોરિયન કેલેન્ડરને કારણે જેની શરૂઆત રોમન કેથલિક કેલેન્ડર તરીકે થઇ હતી. આ કેલેન્ડર કોઇ પુરાણો પર આધારિત નથી, પણ પેગોન કેલેન્ડર અને ગણતરીઓ પર આધારિત છે – આ વાત આપણે ઘણાં વખત પહેલાં પણ અહીં કરી છે. સામ્રાજ્યવાદીઓએ આ કેલેન્ડર જ્યાં ગયા ત્યાં લાગુ કર્યું, જેથી ધંધો-ધાપો કરવામાં સરળતા રહે અને મોટાભાગની સંસ્કૃતિઓએ આ સ્વીકારી લીધું. જો કે આ સ્વીકૃતિઓ પણ ભાંજગડ બાદ જ થઇ હતી – અમુક સંસ્કૃતિઓએ આ બદલવાનો પ્રયાસ પણ કર્યો પણ કોઇ કારી ફાવી નહીં.

આપણું કેલેન્ડર એટલે કે પંચાંગ ગુપ્ત યગ દરમિયાન શોધાયેલું. આર્ય ભટ્ટ અને વરાહ મિહીરની ગણતરીઓને આધારે એ બન્યું હતું અને વિક્રમ સંવત રાજા વિક્રમાદિત્યને પગલે શરૂ થયું. આપણે ચંદ્રને આધારે ગણતરી કરીએ છીએ તો ગ્રોગેરિયન કેલેન્ડરમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે. ચાલો આપણે આ ઇતિહાસની ચર્ચા બાજુમાં મૂકીને આ સોમવારની મેથી મારીએ.

આપણે ભલે ચંદ્રને જોઇને કવિતાઓ કરીએ પણ સોમવાર – ચંદ્રનો વાર ભલભલી કવિતાઓ ભૂલાવી દે તેવો છે. વીકેન્ડને ગમે એટલો જોરદાર બનાવવાનું નક્કી કરીએ, રવિવારની સાંજથી જો તમે એ જોરદાર મુડમાં જ રહેતા હો તો, બૉસ, ડૉક્ટરને બતાડી આવો. ભલેને આપણે બધાએ કોરોનાકાળમાં ‘વર્ક ફ્રોમ હોમ’ કર્યું હોય પણ આપણો એ સોમવાર માટેનો ડર તો, માળો, ઘટવાને બદલે વધ્યો. કારણે એટલું જ કે ઑફિસથી તો છ વાગે નીકળી જઇએ પણ વર્ક ફ્રોમ હોમમાં લાંબા કલાકો પણ કામ ખેંચાયું છે અને આ અનુભવ બહુમતી કર્મચારીઓએ અનુભવ્યો છે. મંડે બ્લૂઝને તમે ભલેને કોઇ ‘ક્લિનિકલ ઇલનેસ’ ન માનતા હો પણ આ એક વાસ્તવિક અનુભૂતિ છે. કૉર્પોરેટના માલિકનો એવો દાવો હોઇ શકે કે તમે શનિ-રવિ આરામ કરીને આવ્યા તો પછી સોમવારે તમને તો રિચાર્જ્ડ લાગવું જોઇએ એને બદલે આવું કેમ લાગે છે. સોમવારે ઑફિસનાં પગથિયાં ચઢનારને બે લાગણી મનમાં હોય – એક તો એ કે હાય આખો દિવસ કાઢવાનો ફરી અને અઠવાડિયાનો એક દિવસ તો ગયો હાથમાંથી. એક રિસર્ચ અનુસાર કર્મચારીઓને હંમેશાં અઠવાડિયાનો પહેલો દિવસ ભારે જ લાગે કારણ કે નજર સામે કામનો ખડકલો હોય. નોકરી સામે લોકોને વાંધો નથી હોતો પણ સોમવારની શરૂઆતે પગે પાણાં બાંધ્યા હોય એવું તો લાગે જ છે. મંડે બ્લૂઝના ત્રાસ અને કામનાં સ્ટ્રેસને કારણે જ્યારે કર્મચારીઓ વર્ક-લાઇફ બેલેન્સ કરવામાં પાછા પડે છે એવું લાગ્યું તો આઇસલેન્ડ જેવા દેશે તો ચાર દિવસ વર્કની સિસ્મટ લાગુ કરી દીધી. આમાં નથી કામ ઘટતું, નથી કામના કલાકો ઘટતા કે ન તો પગાર ધોરણો પર ફરક પડે છે. કર્મચારીઓની પ્રોડક્ટીવિટી પર આનાથી સારી અસર પડે છે તેવું આનો અમલ કરનારા દેશોનું કહેવું છે. યુરોપમાં અમુક દેશોએ આની જાહેરાત કરી છે પણ હજી પૂરો અમલ નથી કર્યો તો યુ.કે.ની અમુક કંપનીઓએ આની ટ્રાયલ કરી અને ભારે સફળતા મેળવી. સ્કોટલેન્ડ અને વેલ્શ જેવા દેશોએ પણ આ પરિવર્તનોને લાગુ કરવા કવાયત કરી છે.

તમને લાગે છે કે ભારતમાં આ ચાર દિવસ વાળી વાત અમલમાં મુકાય તો કામને મામલે બધું સચવાઇ જાય? આ સવાલ કરવો પડે છે એ જ કદાચ બતાડે છે કે આપણે એવું જોખમ લેવાની જરૂર નથી. સોમવારની ચિંતામાં શુક્રવાર સાંજથી વીકેન્ડ મોડમાં આવી જનારા કર્મચારીઓની સંખ્યા મોટી છે.

સોમવાર આપણને એક રૂરિન – એક ઘટમાળ આપે છે. ભલે તમે તમારી ઘટમાળને ઘડિયાળના કાંટાની માફક અનુસરતા ન હો, પણ નકરી અચોક્કસતા અને અણધાર્યાપણાની લાગણીની તાણ કરતાં ઘટમાળ બહેતર છે. સોમવાર પણ આપણી ઘટમાળનો જ એક ભાગ છે. ગમે કે ન ગમે, હિંદુ પંચાગમાં હોય કે ગ્રેગોરિયન કેલેન્ડર – આપણે રોટલો રળવા તો જવું જ પડશે. સોમવારને ધિક્કારવાને બદલે કમને સ્વીકારી લઇએ તો બહેતર છે કારણ કે બદલી ન શકાય તો સ્વીકારી લેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે એવું કોઇકે તો ક્યાંકને ક્યાંક કીધું જ હશે.

બાય ધી વેઃ

કંટાળો, રૂટિન, થાક આ બધું જ આપણા મનની ઊપજ છે. સતત ઉત્સાહમાં નથી રહી શકાતું તેમ સતત ચિઢાયેલા રહેવાનો ય કોઇ અર્થ નથી. સોમવારનો થાક લગાડવાને બદલે એવી ચીજો પર ફૉકસ કરી શકાય કે જે આપણા કાબૂમાં હોય, જે આપણને મજા આપતી હોય અને એ સોમવાર હોય કે શુક્રવાર – કોઇ પણ વારે આપણા તાબામાં હોય. સોમવાર બહુ ધીમો, કંટાળાજનક અને લાંબો લાગી શકે છે પણ જો શુક્વારને આપણે અઠવાડિયાનો પહેલો દિવસ માનવાનું ચાલુ કરીશું તો એનો ય કંટાળો આવો જ હશે. તમારો અભિગમ જ આ બધા માનસિક મેનેજમેન્ટમાં કામ લાગશે. દિવાળીની રજાઓએ તમને રિચાર્જ કર્યા હોય તો આવો કોઇ અભિગમ વિકસાવવા પર કામ કરો તો મંડે બ્લુઝનો બોજ ઉપાડનારા કોર્પોરેટ મજૂરોને પ્રેરણા મળે એવું કંઇ કરજો, બાકી તો બ્લૂ હૈ પાની પાની પાનીની માફક બ્લુ હૈ મંડે મંડે … હેપ્પી ન્યુ યર … સોમવારે ઑફિસે જઇએ પછી વાત કરીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઑક્ટોબર 2022

Loading

...102030...1,2091,2101,2111,212...1,2201,2301,240...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved