Opinion Magazine
Number of visits: 9567108
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકામાં પહેલીવાર સિએટલમાં જાતિ ભેદભાવ રોકતો કાનૂન પસાર થયો :

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 March 2023

જાતિવાદનું દૂષણ દુનિયામાં પ્રસરી રહ્યું છે

રાજ ગોસ્વામી

અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં, સિએટલ નામનું શહેર છે. વોશિંગ્ટન સ્ટેટનું આ સૌથી મોટું શહેર છે. તે વેસ્ટ કોસ્ટ એટલે કે પેસિફિક મહાસાગરના કિનારે વસેલું છે. રોજી-રોટી અને ખાસ તો શેરડીની ખેતીની તલાશમાં યુરોપિયનો પહેલીવાર અહીં આવ્યા હતા. એ પહેલાં લગભગ ચાર હજાર વર્ષ સુધી, દેશી (નેટિવ) અમેરિકનો સિએટલ વિસ્તારમાં રહેતા હતા. સિએટલમાં આજે પણ મોટા પ્રમાણમાં નેટિવ અમેરિકનો સાથે એશિયન, આફ્રિકન, યુરોપિયન, સ્કેન્ડિનેવિયન મૂળના લોકો રહે છે.

19મી સદીમાં, સિએટલ ઔધોગિક ક્રાંતિથી ધમધમ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી બોઇંગ કંપનીએ અહીં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખ્યો હતો. માઈક્રોસોફ્ટનું મથક પણ અહીં છે. તેના સ્થાપક બિલ ગેટ્સ જન્મે સિએટલવાદી છે. ઇન્ટરનેટ વેપારી એમેઝોનની શરૂઆત સિએટલથી થઇ હતી. અમેરિકાની અલાસ્કા એરલાઇન્સ સિએટલ સ્થિત છે. ઔધોગિક અને ટેકનોલોજી ક્રાંતિના કારણે 1920 અને 2000 વચ્ચે સિએટલમાં 50 હજાર લોકોનો વસ્તી વધારો થયો હતો. સિએટલમાં અત્યારે અંદાજે 75 હજાર ભારતીયો રહે છે.

અમેરિકાના આ ‘મેલ્ટિંગ પોટ’ ગણાતા શહેરમાં એક નવી ક્રાંતિ થઇ છે. ગઈ 21મી ફેબ્રુઆરીએ, સિએટલ સિટી કાઉન્સિલે (મ્યુનિસિપલ કોર્પોરેશન) જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકામાં રંગ, રૂપ, સેક્સ, જન્મ કે ધર્મના નામે ભેદભાવ-વિરોધી કાનૂન અમલમાં છે, પણ એમાં જાતિનો સમાવેશ કરનારું સિએટલ પહેલું શહેર બન્યું છે. એનો અર્થ એ થયો કે સિએટલમાં જાતિવાદી ભેદભાવનો સામનો કરતાં લોકોને કાનૂનનું રક્ષણ મળશે.

સિએટલ સિટી કાઉન્સિલના એક બયાન અનુસાર, “આ કાનૂન ઓફિસોમાં નવી નોકરીઓ અને પ્રમોશનમાં જાતિના આધારે કોઈ નિર્ણય કરવા પર રોક લગાવશે. આ કાનૂન સાર્વજનિક  જગ્યાઓ જેવી કે હોટલો, સાર્વજનિક વાહનો, ટોયલેટ્સ અથવા નાની-મોટી દુકાનોમાં જાતિના આધારે ભેદભાવ કરવા પર પ્રતિબંધ લગાવશે. આ કાનૂન ભાડાનાં મકાનો, દુકાનો, સંપત્તિ વેચવામાં જાતિના આધારે કોઇપણ પ્રકારના ભેદભાવને રોકશે.”

આ કાનૂન પસાર કરતી વખતે એ પણ કહેવામાં આવ્યું હતું કે સિએટલ અમેરિકાના એ શહેરોમાંથી એક છે જ્યાં જાતિવાદી ભેદભાવ ઘણો છે પણ કોઈ તેની ચર્ચા કરતું નથી. આ કાનૂન પસાર કરાવામાં, સિએટલ સિટી કાઉન્સિલની એક માત્ર અમેરિકન-ભારતીય કાઉન્સિલર ક્ષમા સાવંતનું યોગદાન છે. ક્ષમાએ એક ટ્વીટ કરીને લખ્યું છે, “અમારા આંદોલને સિએટલમાં જાતિવાદી ભેદભાવ પર ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો છે. હવે આ જીતને પૂરા દેશમાં ફેલાવવા માટે એક અંદોલન ઊભું કરવાની જરૂર છે. ભલે અમેરિકામાં દલિતો વિરુદ્ધ ભેદભાવ દેખાતો ન હોય, પરંતુ અહીંની સ્થિતિ લગભગ એવી જ છે જેવી રીતે દક્ષિણ એશિયામાં દરેક જગ્યાએ ભેદભાવ એક કડવી વાસ્તવિકતા છે.”

ક્ષમા સાવંતની યાદદાસ્તમાં બાળપણની એક વાત અટકેલી છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી ક્ષમાના દાદા તેમના ઘરમાં કામ કરતી એક મહિલા માટે એક શબ્દ વાપરતા હતા જે જાતિસૂચક અપમાન હતું. ક્ષમા કહે છે કે આમ તો ઘરમાં એ મહિલાનું પૂરું ધ્યાન રાખવામાં આવતું હતું પરંતુ તેને માટે  જાતિસૂચક શબ્દ બોલવાનું સામાન્ય હતું. ક્ષમા છ વર્ષની હતી ત્યારે તેણે તેના દાદાને એ જાતિસૂચક સંબોધન માટે ટોક્યા હતા. એ વખતે દાદાએ તેને ચૂપ કરાવી દીધી હતી. હવે 50 વર્ષની ક્ષમાએ હજારો કિલોમીટર દૂર અમેરિકામાં તેની જાતિવાદી ખટકને કાનૂની લડાઈથી દૂર કરી છે.

અમેરિકામાં પહેલીવાર એક શહેર જાતિવાદ ભેદભાવ વિરોધી કાનૂન પસાર કરે તેમાં આપણને રસ પડવો જોઈએ. જાતિવ્યવસ્થાનું મૂળ ભારતમાં છે. છેલ્લા ત્રણ હજાર વર્ષોથી કોઈને કોઈ સ્વરૂપે જાતિવાદી ભેદભાવ ભારતીય સમાજમાં મોજૂદ છે. એમ તો ભારતે 1948માં જ જાતિવાદી ભેદભાવને અપરાધ માન્યો હતો અને 1950માં અમલમાં આવેલા બંધારણમાં એ અંગેનો કાનૂન સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતમાં આજે પણ જાતિ આધારિત શોષણ અને ભેદભાવ છડેચોક થાય છે. એટલું જ નહીં, દલિતો પર અત્યાચારમાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં 2018 અને 2020 વચ્ચે દલિતો પર હિંસાના 1,39,045 કેસ નોંધાયા હતા. તેમાં 50 હજાર કેસ એકલા 2020માં નોંધાયા હતા. સૌથી વધુ (36,467) કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા.

એટલું જ નહીં, આ વૃત્તિ ભારતીય સમાજની સીમાપાર દક્ષિણ એશિયા, યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સમાજોમાં પણ પ્રચલિત થઇ ગઈ છે. અમેરિકામાં રહેતો દક્ષિણ એશિયાઈ સમુદાય જાતિઓમાં વહેંચાયેલો છે અને એટલે જ સિએટલમાં આ કાનૂનને લઈને અમુક હિંદુ જૂથોમાં નારાજગી પણ છે. તેમને એવો ડર છે કે કાનૂનના નામે તેમને નિશાન બનાવવામાં આવશે.

અમેરિકામાં ઇક્વિટી લેબ્સ નામના સંગઠને દક્ષિણ એશિયાના 1,500 લોકો વચ્ચે એક સરવેમાં કહ્યું હતું કે 67 પ્રતિશત દલિતોએ કાર્યસ્થળો પર ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. 40 પ્રતિશત વિધાર્થીઓને આવા અનુભવ થયા હતા. તેની સામે કથિત ઊંચી જાતિના વિધાર્થીઓ સાથે ભેદભાવની સંખ્યા 3 પ્રતિશત હતી. 40 પ્રતિશત દલિતોએ એવું પણ કહ્યું હતું કે તેમની જાતિનાં કારણે પૂજાસ્થળોએ જતાં તેમને સંકોચ થતો હતો. કેલિફોર્નિયાની સરકારે તાજેતરમાં ત્યાંની અંતરરાષ્ટ્રીય કંપની સિસ્કો સિસ્ટમ્સ સામે કેસ દાખલ કર્યો છે. ત્યાં કાર્યરત એક દલિત એન્જિનિયર સાથે ઊંચી જાતિના તેના સાથી બે સાથીઓ દ્વારા ભેદભાવ થયો હતો.

અમેરિકામાં જાતિવાદી સમસ્યા કેવી છે તે હકીકત પરથી સાબિત થાય છે કે ત્યાંના કોલોરાડો અને મિશિગન રાજ્યએ 14 એપ્રિલને ડો. બી.આર. આંબેડકર ઈક્વિટી ડે ઘોષિત કર્યો છે. એ પહેલાં કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતે એપ્રિલ મહિનાને દલિત હિસ્ટરી મંથ જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વર્લ્ડ કોન્ફરન્સ અગેન્સ્ટ રેસિઝમનો વૈશ્વિક જાતિભેદ પરનો રિપોર્ટ કહે છે કે, “દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત આવ્યો છે, પરંતુ વિશ્વમાં આજે પણ 25 કરોડ લોકો અલગ-વાસ અને દાસ્તામાં જીવે છે.

જાતિવાદી ભેદભાવનો સૌથી પહેલા સશક્ત અવાજ ડો. ભીમરાવ આંબેડકરે છેક 1916માં કહ્યું હતું કે, “જાતિની સમસ્યા, સૈદ્ધાંતિક અને વ્યવહારના સ્તરે એક વિકરાળ મુદ્દો છે. વ્યવહારના સ્તરે જોઈએ તો આ એક એવી વ્યવસ્થા છે જે પ્રચંડ પરિણામોના સંકેત આપે છે. આ સ્થાનિક સમસ્યા છે, પણ તે એક મોટી ક્ષતિને જન્મ આપી શકવા સક્ષમ છે.”

100 વર્ષ પહેલાં ડો. આંબેડકરે ભવિષ્યવાણી કરી હતી કે ભારતનો જાતિવાદી ભેદભાવ વિશ્વમાં ફેલાશે. પશ્ચિમના દેશો માણસો-માણસો વચ્ચે ભેદભાવને લઈને બહુ સંવેદનશીલ અને સક્રિય છે. એટલે જ સિએટલનો કાનૂન ઐતિહાસિક છે. સત્તાવાર રીતે તો ભારતમાં પણ એવો ભેદભાવ અપરાધ જ છે, પરંતુ વિડંબના એ છે કે ભારતનું રાજકારણ એ રીતે ઘડાયું છે કે ભેદભાવને ખતમ કરવાના તમામ પ્રયાસો તુષ્ટિકરણમાં પરિણમે છે અને સરવાળે જાતિવાદી ભેદભાવ ઔર મજબૂત થાય છે.

(પ્રગટ : ‘બ્રેકિગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગેરહાજરી

કુમાર ભટ્ટ|Poetry|5 March 2023

અસ્તિત્વની હાજરીની

અનિવાર્યતાની ઝાંખી થતાં જ

મેં

પૂછ્યું નિયતિને

કે

એ

ધારણાની કોન્ટેક્ટ ઇન્ફોર્મેશનનો

મને

તત્કાલ‌ SMS કરી શકે?

રહી રહીને……

કૉલ આવ્યો ધારાનો પોતાનો જ …!

કહે કે,

‘હમણાંથી તો કંઈ કેટલા…..ય વખતથી

અસ્તિત્વનો કોઇ પત્તો જ નથી!

આઇ એમ સો સોરી!’

એટલે

જીવવું પડે છે 

એની ગેરહાજરીમાં …

31 જાન્યુઆરી 2015
e.mail : kumarbhatt6@gmail.com

Loading

દરોડાનો શાસનકાળઃ સવાલ કરનારાઓને ચૂપ કરવા વપરાતી દરોડાની ચાબુકથી લોકશાહી લોહીલુહાણ થશે 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 March 2023

ભ્રષ્ટાચાર જે એક સમયે બહુ મોટો મુદ્દો હતો એ હવે સામાન્ય બની ગયો છે. કોઇ રાજકીય નેતા પર કે મીડિયા હાઉસિઝ પર દરોડા પડે તો સામાન્ય જનતા એ આખી બાબતને રાજકીય યુદ્ધની એક ચાલ તરીકે જ જુએ છે

ચિરંતના ભટ્ટ

2014-2022 દરમિયાન એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઇ.ડી. (Enforcement Directorate) દ્વારા 3,010 વખત અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ભા.જ.પા.ના શાસનમાં દરોડાનો સિલસિલો 27 ગણ્યો વધ્યો છે. 2004થી 2014 દરમિયાન કુલ 112 દરોડા પડ્યા હતા. આ આંકડા જુલાઇ 2022માં રાજ્યસભામાં રજૂ કરાયા હતા પણ એ પછી આ લખાઇ રહ્યું છે ત્યાર સુધીમાં વિવિધ સંસ્થાઓ પર અને રાજકીય નેતાઓ પર પાડવામાં આવેલા દરોડાની સંખ્યામાં વધારો જ થયો છે.

બે-એક અઠવાડિયા પહેલા આ દરોડાના સપાટામાં બી.બી.સી.નો વારો પણ આવ્યો. નરેન્દ્ર મોદી અને ૨૦૦૨નાં રમખાણોના સંદર્ભે બનેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થઇ જેને પગલે ઘણી ચર્ચાઓ અને આક્ષેપો થયા. આ ડૉક્યુમેન્ટરી ભારતમાં સોશ્યલ મીડિયા પર શૅર ન થાય એ માટે બ્લૉક પણ કરાઇ અને તેને ભારત વિરોધી કચરાનું લેબલ પણ અપાયું – ટૂંકમાં તેની એટલી વાત થઇ કે ઉત્સુક જીવોએ એ ક્યાંકને ક્યાંકથી મેળવીને જોઇ લીધી. સહેજ સમય પસાર થયો નથી કે બી.બી.સી.ની ઑફિસિઝ પર આવકવેરાનો દરોડો પડ્યો. સરકારી સૂર એવો છે કે આવક વેરાના દરોડા અને બી.બી.સી. ડૉક્યુમેન્ટરીને કોઇ લેવાદેવા નથી.  2021માં ગુજરાતના અગ્રણી દૈનિક અખબારની ઑફિસ પર પણ ઇન્કમ ટૅક્સના દરોડા પડ્યા હતા અને એક અભિપ્રાય એવો પણ હતો કે એ અખબારે ભા.જ.પા.ની સરકાર વાળા ગુજરાતમાં કોરોનાની સારવારના મેનેજમેન્ટની પોલંપોલ વિષે એટલું લખ્યું હતું કે આ દિવસ આવીને ઊભો રહ્યો. આ જ રીતે અલ્ટ ન્યૂઝના મોહંમદ ઝુબેરને મહિના સુધી જેલમાં ગોંધી રખાયા, યુ.પી.માં સામૂહિક બળાત્કારની તપાસ કરવા ગયેલા પત્રકાર સિદ્દિક કપ્પાન સામે પણ આક્ષેપો કરાયા તો એન.ડી.ટી.વી. પર સી.બી.આઇ.ના દરોડા કરાયા, ૨૦૨૦માં દિલ્હીમાં મુસલમાનો પર થયેલી હિંસાનું રિપોર્ટિંગ કરનારી મલિયાલમ ભાષાની  ટેલિવિઝન ચેનલ ધી મીડિયા વનને 48 કલાક માટે ઑફ એર કરી દેવાઇ હતી તો માનવાધિકાર માટે કામ કરનારા હર્ષ મંદર જેવા એક્ટિવિસ્ટે પણ દરોડાનો સામનો કર્યો હતો, વળી ઑક્સફામ, એમનેસ્ટી, ગ્રીનપીસ, ભીમા કોરેગાંવ કેસ, સેન્ટર ફોર પૉલિસી રીસર્ચ પર પર દરોડાના ચાબુક વિંઝવામાં આવી. કેન્દ્રિય સંસ્થાનો જેમ કે સી.બી.આઇ., ઇ.ડી., નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને શસ્ત્ર બનાવી વિરોધીઓને ચૂપ કરવાનો પ્રયત્ન કરાયો છે.

કેન્દ્ર સરકારના વિરોધીઓ – તે વ્યક્તિગત હોય કે કોઇ સંસ્થા હોય – તેમની પર દરોડાનું શસ્ત્ર અપનાવાય છે એ વાત હવે એટલી સાહજિક બની ગઇ છે કે કોઇને હવે તેની નવાઇ પણ નથી લાગતી. આ દરોડાના વિરોધમાં ઉઠતા અવાજોને સરકાર ધ્વનિ પ્રદૂષણ સમજીને અવગણી દે છે અને કાયદાને અનુસરવાના પોતાના આગ્રહને આગળ ધરે છે. ભ્રષ્ટાચારને નાથવા માટેનો એક માત્ર રસ્તો દરોડા છે એવો અભિપ્રાય સરકાર પક્ષે ધૂંટવામાં આવે છે. દરોડાનું રાજકીયકરણ થયું છે અને ભા.જ.પા.ની કેન્દ્ર સરકાર હેઠળ જે રીતે દરોડાનો ઉપયોગ વિરોધીએને ચૂપ કરી દેવા માટે કરવા માટે થઇ રહ્યો છે તે લોકશાહી માટે જોખમી પરિસ્થિતિ ખડી કરશે એ ચોક્કસ. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ – PMLA 2002ને હથિયાર બનાવીને ઇ.ડી.એ મોદી સરકારની સામે ચૂં કે ચા કરનારાઓને ‘હખણા’ કરવામાં પાછું વળીને જોયું નથી – દરોડાનું રાજકીયકરણ તો પહેલાંની સરકારમાં પણ થયું છે પણ અત્યારે જે તેમાં એક બહુ નોંધપાત્ર ફેર આવ્યો છે – પહેલાં આ દરોડા રાજકીય રાહે થતા પણ હવે આ દરોડા રાજકીય નિયંત્રણ કરવાના આશયથી જ કરવામાં આવે છે. વળી ભેદભાવ એટલો સાફ છે કે ન પૂછો વાત – કર્ણાટક સરકાર સામે થયેલા વિવિધ કૌભાંડોના આક્ષેપો કે મધ્ય પ્રદેશમાં થયેલા મધ્યાહ્ન ભોજનના આક્ષેપો કે પછી વ્યાપમ સ્કેમમાં ભા.જ.પા.ના નેતાઓની સંડોવણી વગેરે મામલે કાં તો થોડો ઘણો ઘોંઘાટ થાય અને પછી બધું શાંત પડી જાય અથવા તો જે – તે નેતા ભા.જ.પ.માં ન હોય અને જો પક્ષ પલટો કરી લે તો આ દરોડાના દોરડામાંથી મૂક્ત થઇ જાય. આવા નેતાઓની યાદીમાં સામેલ છે આસામના મુખ્ય મંત્રી હિમન્તા બિસ્વાસ શર્મા, ભા.જ.પા. બંગાળના સુવેન્ધુ અધિકારી અને મુકુલ રોય. અગાઉની સરકારમાં એમ થતું કે કોઇ રાજકીય ચહેરાના માથે ભ્રષ્ટાચારી હોવાનું લેબલ લાગે એટલે બે આંખની શરમે પણ જે તે નેતા પક્ષમાંથી નીકળી જતા – જેમ કે કોમવેલ્થ ગેમ્સ કૌભાંડલ કે 2જી સ્કેમ – જો અત્યારની સરકારને એવો બધો કોઇ ફેર નથી પડતો. શિવસેનાના જે મંત્રીઓ સામે તપાસ ચાલતી હતી તે ભા.જ.પા.માં જોડાયા અને મામલો કોરાણે મુકાઇ ગયો.

અત્યારે પરિસ્થિતિ એવી થઇ છે કે વડા પ્રધાનની છબી પર એક સળ પડી નથી કે વિરોધીઓ પર દરોડાની ચાબુક વિંઝાઇ નથી! જે રીતે રાજકીય સરઘસો વારંવાર થાય એમ દરોડા પણ છાશવારે પડે છે. ભ્રષ્ટાચાર જે એક સમયે બહુ મોટો મુદ્દો હતો એ હવે સામાન્ય બની ગયો છે. કોઇ રાજકીય નેતા પર કે મીડિયા હાઉસિઝ પર દરોડા પડે તો સામાન્ય જનતા એ આખી બાબતને રાજકીય યુદ્ધની એક ચાલ તરીકે જ જુએ છે. અમુક ચોક્કસ લોકો કે સંસ્થાઓને દરોડાના નિશાન બનાવાય ત્યારે લોકશાહીની પકડ ઢીલી બને. તમે સહેજ અવાજ ઉઠાવ્યો નથી કે બસ તમારું આવી બન્યું વાળો અભિગમ લોકશાહીના મૂળભૂત અધિકાર – જેમાં સત્તા સામે સવાલ કરી શકાય -ની વાતનું હનન કરે છે. આમ જ ચાલે તો જે પણ સત્તાધીશોને સવાલ કરવા માગે છે તે એમ કરતાં પહેલાં બે વાર વિચાર કરશે. આ દરોડાની વાહવાહી થશે તો શાસક પક્ષના વિકલ્પ તરીકે કોઇ રાજકીય પક્ષ આવવાની શક્યતાઓ પણ પાંખી બનતી જશે. રાજકારણ બળપૂર્વકનું શાસન બને છે એમાં પસંદગીની વાત રહેતી જ નથી જે લોકશાહીનો છેદ ઉડાડનારી બાબત જ છે. લોકશાહીમાં લોકોને પોતાનો મત અલગ ધરાવવાનો અધિકાર હોય છે પણ અહીં તો માળું દરોડાની બીકથી કોઇ પોતાના અલગ વિચાર કરવાનો વિચાર નહીં કરે કારણ કે કાયદાની પકડ નહીં પણ કેન્દ્ર સરકારના સકંજામાં આવી જશે આમ કાયદાનું શાસન પણ નબળું પડે. ડર ફેલાવીના શાસન કરવાની માનસિકતા લોકશાહીને કેટલી અને કેવા પ્રકારની હાનિ પહોંચાડી શકે છે એ સમજવું જરા ય મુશ્કેલ નથી. દરોડાથી ચાલતું રાજકીય લોકશાહીનું પોત પાતળું પાડશે એ સૌથી મોટું જોખમ અને આવું શાસન ભ્રષ્ટાચારના પ્રશ્નનો જવાબ તો નહીં શોધી શકે બલકે તેની ગંભીરતા પાંખી કરશે. 

બાય ધી વેઃ 

2002નાં રમખાણો વખતે વડા પ્રધાને બી.બી.સી.ને કહ્યું હતું કે તેમને મુસલમાન વિરોધી હિંસાને લઇને એક માત્ર અફસોસ એ હતો કે તે મીડિયાને સરખી રીતે ‘હેન્ડલ’ ન કરી શક્યા. અત્યારે સાહેબનો મિજાજ જોતાં એમ કહી શકાય કે અત્યારે એ ભૂલનું ક્યાંક પુનરાવર્તન ન થઇ જાય તેની એ પૂરી તકેદારી રાખી રહ્યા છે. ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક એડિટોરિયમાં લખાયું હતું કે 2014માં કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી આવ્યા પછી ઘણાં પત્રકારોએ સરકાર જે વિષયો પર રિપોર્ટિંગ નથી ઇચ્છતી તેની પર રિપોર્ટિંગ કરીને પોતાની કારકિર્દી અને જિંદગી જોખમમાં મૂકી છે. લોકશાહી દેશમાં, અખબારી સ્વાતંત્ર્ય અંગે વિદેશી મીડિયા હાઉસિઝનો આ અભિપ્રાય હોય તો જાગૃત નાગરિક તરીકે આપણને શરમ આવવી જોઇએ. વર્ષો પહેલાં દૂરદર્શન પર વિક્રમ ઔર વેતાળ સિરિયલમાં એક સંવાદ હંમેશાં વેતાળનાં મ્હોંએ બોલાતો – ‘તુ બોલા ઔર મેં ચલા’, અત્યારે સરકાર સામે અવાજ ઉઠાવનારાઓને દરોડાનો અવાજ સંભળાય કે, ‘તુ બોલા ઔર મેં આયા.’

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 માર્ચ 2023

Loading

...102030...1,1771,1781,1791,180...1,1901,2001,210...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved