Opinion Magazine
Number of visits: 9458297
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રવીશકુમાર : જાગૃત નાગરિકો માટેનું જાગૃત પત્રકારત્વ વિકસી રહ્યું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 December 2022

“એક ડરા હુઆ પત્રકાર એક મરા હુઆ નાગરિક કો જન્મ દેતા હૈ.” 

– રવીશ કુમાર

આજથી સો વરસ પછી ભારતનાં કેટલાંક શહેરોમાં રવીશ કુમારના નામે રસ્તા હશે, પત્રકારભવનને રવીશ કુમારનું નામ અપાયેલું હશે, તેના નામે શ્રેષ્ઠ અને સ્વતંત્ર પત્રકારત્વના એવોર્ડ હશે અને જ્યારે પણ આદર્શ પત્રકાર અને પત્રકારત્વની વાત થશે ત્યારે રવીશ કુમારને યાદ કરવામાં આવશે. બીજી બાજુ બીકાઉ અને ડરપોક ગલુડિયાં કાળના ચાળણામાં ચળાઈને કાળના પેટમાં સમાઈ ગયાં હશે. તેને કોઈ યાદ પણ નહીં કરે. સો વરસની ક્યાં વાત કરીએ! ઈમરજન્સી હજુ ચાર દાયકા પહેલાંની ઘટના છે. એ સમયે ડરીને કે લાભ મેળવીને સરકારની ભાટાઈ કરનારા કેટલા પત્રકારોનાં નામ તમને યાદ છે? કેટલા જજોનાં નામ યાદ છે? બીજી બાજુ અરુણ શૌરી, રામનાથ ગોએન્કા અને ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાને લોકો આજે પણ યાદ કરે છે. બીકાઉ અને ડરપોક ગલુડિયાંને ત્યારે યાદ કરવામાં આવે છે જ્યારે કોઈ એમ કહેવા માગતું હોય કે પત્રકાર અને જજ આવા ન હોવા જોઈએ. આવું જ હિટલર અને મુસોલિનીના જમાનામાં અનુક્રમે જર્મની અને ઇટલીમાં બન્યું હતું.

પ્રકૃતિનો અને સમયનો સ્વભાવ એવો છે કે જ્યારે આંધી શમી જાય ત્યારે ધરતી પર અડગપણે ઊભેલું તરણું નજરે પડે છે અને જે નજરે પડતા હતા અને બહુ ઘોંઘાટ કરતાં હતાં એ મજબૂત મૂળિયાં વિનાનાં કહેવાતાં વિરાટ વૃક્ષો ક્યાંક કોઈક જગ્યાએ ધરાશયી થઈને પડ્યાં હોય! સનાતન કાળથી આમ જ બનતું આવ્યું છે. બીજું એક સનાતન સત્ય એ છે કે જે માણસ પાસે પોતીકી આંતરિક શક્તિ હોતી નથી એ સૌથી વધુ ડરપોક હોય છે. એને ખબર છે કે શક્તિનો સ્રોત ક્યાંક અન્યત્ર છે અને એ જળવાઈ રહે ત્યાં સુધી જ તેની શક્તિ જળવાઈ રહેવાની છે અને જે ક્ષણે એ શક્તિનો સ્રોત ગયો કે પત્યું. આવા માણસો પરાઈ શક્તિનો સ્રોત ખોરવાય નહીં કે કોઈ તેને શોધીને ખોરવે નહીં તે માટે આકાશપાતાળ એક કરે છે. આને માટે બે માર્ગ છે : એક છે જે વેચાઈ શકતો હોય તેને ખરીદો અને જે વેચાય એમ ન હોય તો તેને ડરાવો.

પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે નથી વેચાતા કે નથી ડરતા. એવા લોકોનું શું કરવું? એને માટેનો તેમની પાસે ઈલાજ છે તેમનાં પગ તળેની જાજમ આંચકી લો. એન.ડી.ટી.વી.ના સ્થાપક ડૉ. પ્રણય રોય અને રવીશ કુમાર નહોતા વેચાતા કે નહોતા ડરતા. માટે અદાણીએ એન.ડી.ટી.વી.ના શેર યેનકેન પ્રકારેણ ખરીદી લીધા અને એન.ડી.ટી.વી.ની જાજમ ખેંચી લીધી. ડૉ. રોય અને રવીશ કુમાર ભલે બાજી હારી ગયા, પણ તેમણે પ્રામાણિકતા અને નીડરતાના પક્ષે ઊભા રહીને અમરત્વ જીતી લીધું છે.

‘ઊંટ કાઢે ઢેકા તો માલિક કાઢે ઠેકા’ એ કહેવત પણ સનાતન સત્ય ઉજાગર કરે છે. મુખ્યધારાના પત્રકારત્વમાં સ્વતંત્ર અવાજો ગૂંગળાવા લાગ્યા અને સત્યને જાજમતળે ધેકલવાનું શરૂ થયું એટલે સત્યને ઉજાગર કરવાનું કામ લોકોએ પોતાના હાથમાં લઈ લીધું. એક સમય એવો હતો જ્યારે શાસકો જૂઠું બોલતા હતા કે કશુંક છૂપાવતા હતા, પત્રકારો તેને ઊઘાડું પાડતા હતા અને લોકો પત્રકારનાં પત્રકારત્વ પર શ્રદ્ધા રાખતા હતા. આજે પત્રકારો જૂઠું બોલે છે, કશુંક છૂપાવે છે, વરવી હકીકતો તરફથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ કરે છે ત્યારે લોકો સત્યની પૂંઠ પકડીને પત્રકારનો ધર્મ બજાવે છે. સત્ય દરેક યુગની જરૂરિયાત હોય છે, અત્યારના યુગની એ સૌથી વધુ મોટી જરૂરિયાત છે અને જ્યારે જેની જરૂરિયાત હોય એ લોકો મેળવીને જ રહે છે. આ પણ એક સનાતન સત્ય છે.

વાત એમ છે કે મુખ્યધારાના પત્રકારત્વનો યુગ સમાપ્ત થઈ રહ્યો છે, પછી એ રવીશ કુમાર કહે છે એવું ગોદી હોય કે રવીશ કુમારનું હતું એવું સ્વતંત્ર. એન.ડી.ટી.વી.ના સ્વતંત્ર અને ખુદ્દાર પત્રકારત્વનો આજે અંત આવ્યો છે તો ગોદીનો કાલે અંત આવવાનો છે. કારણ એ છે કે માહિતી હવે સાવ સસ્તામાં, લગભગ મફતમાં કરાગ્રહે મળતી થઈ ગઈ છે. માહિતીનું વિવરણ, તેની પાછળની હકીકતો અને તેનાં સૂચિતાર્થો વગેરે બધું જ તમારાં મોબાઈલના હેન્ડસેટ પર બે-ચાર વાર આંગળી વધુ વખત વાપરવાથી મળી જાય છે. બીજી બાજુ મુખ્યધારાના પત્રકારત્વ પાસે માહિતી એકઠી કરવાની અને રજૂ કરવાની જે યંત્રણા છે એ જૂની અને ખર્ચાળ છે. આને કારણે  મુખ્યધારાનાં મીડિયા પરવડે એમ રહ્યાં નથી પછી એ પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક, ગોદી હોય કે સ્વતંત્ર. એનો અંત નજીક છે. આ પહેલાં પણ એ પરવડે એમ હતાં જ નહીં, ત્યારે પણ એ સરકારી અને કોર્પોરેટ કંપનીઓની જાહેરાત પર જ નભતાં હતાં, પણ ત્યારે ડિજીટલ મીડિયાએ ચેલેન્જ ઊભી નહોતી કરી એટલે શાસકોની અને કુબેરપતિઓની કૃપાથી તે બચી શક્યાં હતાં. આજે હવે લગભગ મફતમાં ઉપલબ્ધ ડિજીટલ મીડિયા સામે તેનું ટકી રહેવું અશક્ય બની ગયું છે. આજે મુખ્યધારાના મીડિયાના માલિકો અને પત્રકારો ગોદમાં બેસી ગયા છે એનું એક કારણ એ પણ છે કે રોજેરોજ હાથીને ચારો નીરવો ક્યાંથી? વેચાઈ જવું અને ડરીને રહેવું એ તેમની મજબૂરી છે.

મુખ્યધારાના મીડિયાનો ભલે અંત આવે, નાગરિક લાભમાં છે. ઊલટો તેના અંત દ્વારા તે વધારે લાભમાં છે. અને આવું જગત આખામાં બની રહ્યું છે. નાગરિક હવે કુડીબંધ પત્રકારના ખાસ કલરનાં ચશ્માંથી મુક્ત થઈ રહ્યો છે. એની તો પાંચે ય આંગળી ઘીમાં છે. માનવીની દરેક પ્રવૃત્તિમાં સ્વહિત હોય છે. આગળ જતાં એમાંથી સમૂહનો અને વ્યક્તિનો સ્વાર્થ પેદા થાય છે, સ્વાર્થમાંથી સ્થાપિત હિત પેદા થાય છે, આગળ જતાં સ્થાપિત હિત ટકાવી રાખનારી વ્યવસ્થા પેદા થાય છે, એ વ્યવસ્થામાં આગળ જતાં પરિવર્તન અને પરિવર્તનનો પ્રતિકાર કરનારું રાજકારણ પેદા થાય છે એમ સમાજકારણની એક લાંબી સાઈકલ હોય છે. આ સાઈકલ સમજવા માટે વિવરણકારો અને સમીક્ષકોની જરૂર પડતી હતી અને તેમના સુધી પહોંચવા માટે અખબારો અને અન્ય મુખ્યધારાના માધ્યમોની જરૂર પડતી હતી. હવે નાગરિક પ્રસ્થાપિત માધ્યમોથી મુક્ત સ્વતંત્ર થઈ ગયો છે. હવે તે ઈચ્છે ત્યારે અમર્ત્ય સેન, રઘુરામ રાજન, રામચન્દ્ર ગુહા, રોમીલા થાપર અને રવીશ કુમાર સુધી પહોંચી શકે છે. હવે તે ગણતરીનાં માધ્યમોનો ઓશિયાળો નથી. જેને જે વિષયમાં રસ હોય તેમાં તેને વિશદ માહિતી અને તેનાં સૂચિતાર્થો મળી રહે છે. અનેક ડિજીટલ પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ થઈ ગયાં છે.

પ્રબુદ્ધ અને પ્રામાણિક નાગરિકોનું પત્રકારત્વ અને સાવ સહેલાઇથી મફતમાં રચાઈ રહેલાં પ્રબુદ્ધ નાગરિકોનાં ડિજીટલ પ્લેટફોર્મ્સ પર અંકુશ કેવી રીતે મૂકવો? ડરપોક શાસકો માટે આ માથાનો દુઃખાવો છે. જે નાગરિક બેવકૂફ નથી બનવા માગતો તેને બેવકૂફ બનાવવો હવે શક્ય નથી. હવે જાગૃત નાગરિકને એન.ડી.ટી.વી. હોય કે ન હોય, રવીશ કુમારની ખોટ પડવાની નથી અને અર્નબ ગોસ્વામીઓ ગમે એટલો ઘોંઘાટ કરે, જાગૃત રહેવા માગતા નાગરિકને બેવકૂફ બનાવી રાખવાની કોઈ ગેરંટી આપી શકે એમ નથી. જાગૃત નાગરિકોનું જાગૃત નાગરિકો માટેનું વૈકલ્પિક પત્રકારત્વ વિકસી રહ્યું છે. 

‘ઊંટ કાઢે ઢેકા તો માલિક કાઢે ઠેકા’. પ્રજા માલિક છે અને જરૂરિયાત સૌથી મોટું ચાલકબળ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ડિસેમ્બર 2022

Loading

પ્રાઈમ ટાઈમમાંથી હિંમત અને સત્યની વસમી વિદાય

ગણેશ દેવી (અનુવાદક : આશિષ મહેતા)|Opinion - Opinion|7 December 2022

(અદાણી જૂથે એન.ડી.ટી.વી. પર અંકુશ મેળવ્યો તે સાથે પ્રણોય રોયે રાજીનામું આપ્યું અને તે પછી તેની હિન્દી ચેનલના અગ્રણી પત્રકાર રવીશ કુમારે. તે દિવસે આપણા જાણીતા સાંસ્કૃતિક કર્મશીલ ગણેશ દેવીએ આ લેખ લખ્યો હતો. એ પછી રવીશે યુટ્યુબના મંચ પરથી ફરી દર્શકો સમક્ષ હાજર થવાની જાહેરાત કરી હતી, અને આજે, છઠ્ઠી ડિસેમ્બરે “ગોદી સેઠ”ને સંબોધીને એક વીડિયો રજૂ કર્યો છે.)

જે દિવસે જાણ્યું કે હવેથી રવીશ કુમારને તેમના પ્રાઈમ-ટાઈમ સમાચાર કાર્યક્રમમાં સાંભળવા નહિ મળે, તે દિવસે તેમના લાખો પ્રશંસકોની જેમ મને પણ ઘણું દુ:ખ થયું. એ એવી જ લાગણી હતી જે મહાત્મા ગાંધીની હત્યા થયાની ખબરે લોકોને થઈ હતી, કે પછી બાબરી મસ્જિદના ધ્વંસ કે બિલ્કિસ બાનો કેસના ગુનેગારો છૂટી ગયાનું જાણ્યા પછી થઈ હતી. માત્ર ઉદાસી નહિ, પણ ઊંડું દર્દ. રવીશની ટી.વી. ચેનલના ન્યૂઝરૂમમાંથી વિદાય એ દર્શાવે છે કે ભારતમાં પત્રકારત્વની સ્થિતિ હવે કેટલી હદે વણસી ગઈ છે.

થોડાં વર્ષો પહેલાં રવીશ રાષ્ટ્રના અંતરાત્માના પહેરી તરીકે ઊભરી આવ્યા. ચારે બાજુ જ્યારે પત્રકારત્વની જગ્યા સંકોરાઈ રહી હતી અને જૂઠી ખબરો બેરોકટોક ફેલાઈ રહી હતી તેવા વખતે એક મોટો દર્શક વર્ગ રોજ સાંજે ટી.વી. સેટ સામે બેસતો અને રવીશને તેમના પોતાના વિચારો વ્યક્ત કરતાં અને તેમની લાગણી વ્યક્ત કરતાં સાંભળતો હતો. રવીશે તેમનાં દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. તેમના દર્શકો ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ ફેલાયેલા છે. જ્યાં-જ્યાં હિન્દી બોલાય છે ત્યાં-ત્યાં રવીશના ફેન હાજર છે. તે સૌ તેમનો શો જોતાં, તેમના બ્લોગ ડાઉનલોડ કરતાં, યુટ્યુબ પરથી તેમનાં રેકોર્ડિંગ મેળવતાં અને મિત્રોમાં વહેંચતાં. આમ રવીશ પોતે જ ભારતમાં રોજની ખબર બની ગયા.

તેમના કામની કદર થઈ, અનેક પારિતોષિકોથી તેમનું સન્માન થયું, મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો. 2016માં બોમ્બે પ્રેસ ક્લબે તેમને શ્રેષ્ઠ પત્રકારનું પારિતોષિક આપ્યું. રામનાથ ગોયન્કા પારિતોષિક તો તેમને બે વાર, 2013માં અને ફરી 2017માં, મળ્યું. 2017માં તો તેમને કુલદીપ નાયર ફાઉન્ડેશનનો એવોર્ડ પણ મળ્યો. આ સિવાય કોડીબંધ સન્માનો તેમને મળ્યાં છે. ગૌરી ટ્રસ્ટ તરફથી પ્રથમ ગૌરી મેમોરિયલ એવોર્ડ માટે જ્યુરીએ સર્વાનુમતે તેમની પસંદગી કરી હતી.

હજુ જેણે માંડ ચાલીસી વટાવી છે એવા આ યુવાનમાં એવું તે શું છે કે તે ભોજપુરીભાષી હોવા છતાં, માત્ર ભારતમાં જ ભણ્યા હોવા છતાં અને અંગ્રેજી નહિ પણ હિન્દીમાં જ પત્રકારત્વ કરવાં છતાં પૂરા દેશ પર છવાઈ ગયો છે?

સમાચાર ટી.વી.ના બીજા ચહેરાઓની જેમ રવીશ આક્રમક અભિગમ નથી રાખતા. તેમના શોમાં જેમની સાથે વાતચીત કરે છે તેમની સામે ચીસાચીસ કરતા નથી. તેમણે ભારે વિદ્વત્તાનો દાવો કર્યો નથી, જો કે એમનાં કાર્યક્રમો માટે તેઓ કાળજીપૂર્વક અભ્યાસ કરીને આવે છે. રવીશની ખાસિયત એ છે કે તેઓ સામે જે વ્યક્તિ હોય તેને ધ્યાનથી અને ધીરજથી સાંભળે છે. એમના મૌનમાં પણ તેઓ તેમની શંકા કે પછી પોતાનું વિચારસ્વાતંત્ર્ય વ્યક્ત કરી શકે છે તે તેમની ખાસિયત છે. એન્કર તરીકે પોતાની સત્તા વાપરીને સામેની વ્યક્તિને નીચો દેખાડવાની કે પોતાને મહાન બતાવવાની ક્ષુલ્લક રમતોમાં તેઓ પડતા નથી. તેમના કાર્યક્રમમાં તેઓ એકાકી પણ હોય છે અને સચેત પણ, સંવેદનાશીલ પણ હોય છે અને શંકાશીલ પણ. અને આ બધાની વચ્ચેવચ્ચે તેઓ એક વિશિષ્ટ અદાથી સ્મિત પણ રેલાવતા રહે છે, જે તેમની ઓળખ બની ગયું છે. જ્યારે ટી.વી. પત્રકારત્વ સાવ નાટક અને દેખાડાના ખેલ બરાબર થઈ ગયું છે, ત્યારે એ સ્મિત એમની નિસબત અને સંવેદના સાથે તેમને અલગ પાડી જાય છે. તેમનું સ્મિત જાણે એમ કહે છે કે, “તમારા મનમાં શું છે તેની તો મને ખબર નથી, પણ એમ ના માનતા કે તમે મને ઉલ્લુ બનાવી શકશો.”

રવીશ સ્ટુડિયોમાં જતા ત્યારે સંપૂર્ણ સજ્જ થઈને જતા – છેલ્લામાં છેલ્લા આંકડા, હકીકતો બધું તપાસીને જતા. તેમણે એક વાર મને તેમના એક કલાકના પ્રાઈમટાઈમ શોમાં આમંત્રણ આપેલું ભારતના ભાષાવૈવિધ્યની ચર્ચા કરવા માટે. તે દિવસે સવારે દિલ્હીમાં એક ઓડિટોરિયમમાં મારાં કેટલાંક પુસ્તકોનું વિમોચન પણ હતું. મેં નોંધ્યું કે તેઓ એ કાર્યક્રમમાં હાજર હતા, અને એના સમાપન પછી હળવેકથી રવાના થઈ ગયેલા, પણ એક મિત્રને પોતાનો ફોન નંબર આપીને મને સંદેશો પાઠવ્યો હતો કે સાંજના ટી.વી. શોમાં આવો. મેં માન્યું કે તેમના પ્રશ્નો સવારના કાર્યક્રમની વાતચીત પર જ આધારિત હશે, પણ મને આશ્ચર્ય થયું કે તેમણે મારાં બે પુસ્તકો લઈને તેનો ઊંડો અભ્યાસ કરી રાખ્યો હતો. આ પુસ્તકો કાંઈ ‘હળવા વાચન’ જેવા તો હતાં નહિ. તેમણે આ અભ્યાસમાં બે-એક અઠવાડિયાં ગાળ્યાં હશે. કોઈ એન્કર માટે આ જેવીતેવી વાત નથી. હું ભાગ્યે કોઈ બીજા પત્રકારનું નામ આપી શકું જે મુલાકાત પહેલાં આવી તૈયારી કરીને આવતા હોય.

પણ જો તેઓ એક વ્યક્તિથી વધીને એક ઘટના બની ચૂક્યા હોય તો તે માટે તેમના દેખાવ, તેમના સ્મિત, તેમના અભ્યાસ અને તેમના સૌજન્યથી વધીને મોટું કારણ એ છે કે તેમની પાસે હિંમત છે એમ કહેવાની કે રાજકીય પરિબળો અને આજના શાસકોએ સ્વાતંત્ર્યની હાંસી ઊડાવી છે. એક વર્ગ તરફથી તેમને રોજ ધમકીઓ મળતી રહે છે, પણ રવીશ તેમનું મિશન સહેજ પણ ડર્યા વિના આગળ ધપાવે જાય છે. જ્યારે મોટા ભાગના ટી.વી. એન્કર-પત્રકારો ટી.આર.પી. મેળવવા માટે કશું પણ કરવા તૈયાર હતા, ત્યારે રવીશ દર્શકોને જરા પણ અચકાયા વિના કહી શકતા હતા કે તેમણે તેમના ટી.વી. સેટ બંધ કરી દેવા જોઈએ. તેઓ સ્ક્રીન પર અંધારું કરીને કહી શકતા હતા કે હવે ટી.વી. સત્ય માટેનું માધ્યમ રહ્યું નથી. ફેઈક ન્યૂઝ, જૂઠાણાં, ધાકધમકી, ડરામણી અને ટોળાંશાહી સામે તેમણે પોતાનું અભિયાન નિર્ભયપણે આગળ ચલાવ્યું, અને એ પણ એવા સમયે જ્યારે મોટા ભાગના પત્રકારોએ બદલાતી પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે. રવીશની એ હિંમત, મક્કમતા અને ઉત્તરદાયિત્વની ભાવના તેમને આપણા સમયમાં વિશિષ્ટ સ્થાન આપે છે. રવીશ કુમારનો ટી.વી. શો વાણીસ્વાતંત્ર્ય અને સમાચાર જગતના સ્વાતંત્ર્યના પ્રેરણાત્મક ઉદાહરણ તરીકે લાંબા સમય સુધી યાદ રહેશે.

—————————

e.mail : ashishupendramehta@gmail.com

Loading

સીમા વર્તે સાવધાન : લડાઈ, અંદરની અને બહારની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 December 2022

ભારત માટે એવું કહેવાય છે કે આપણે અંદરોઅંદર એટલાં બાઝતા રહીએ છીએ કે અસલમાં જે લડાઈઓ થતી હોય છે અથવા થવાની હોય છે તેના પ્રત્યે ક્રિમીનલ ઉપેક્ષા સેવીએ છીએ. અંગ્રેજો આપણી પર સફળતાપૂર્વક રાજ એટલા માટે જ કરી શક્યા કારણ કે આપણે ધર્મના નામે, જાતના નામે, પ્રદેશના નામે, ભાષાના નામે, ઊંચ-નીચના નામે સતત લડતા-ઝઘડતા રહ્યા હતા. ‘ભાગલા પાડો અને રાજ કરો’ એ નીતિ કોઈ નવી નવાઈની નહોતી. એ આપણે જ અંગ્રેજોને શીખવાડ્યું હતું. અંદરોઅંદર લડતા રહેવું આપણા ડી.એન.એ.માં છે, એ આપણા ‘સંસ્કાર’ છે. આજે, આઝાદીનાં 75 વર્ષ પછી પણ એમાં ફરક નથી પડ્યો. ઊલટાનું, એમાં વધારો થયો છે. આપણે અસલી મુદ્દાઓને ભૂલીને વ્યર્થ બાબતોને ‘રાષ્ટ્ર સ્તર’ની બનાવી દઈએ છીએ.

ગયા અઠવાડિયે, એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાની ટ્વીટ પર જે બબાલ થઇ, તેમાં આ વાત ફરી એકવાર સાબિત થઇ. બન્યું એવું કે ઋચાએ તેની એક ટ્વીટમાં સેનાની ઉત્તરીય કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના એક બયાનનો જવાબ આપ્યો હતો. જનરલ દ્વિવેદીએ તેમના બયાનમાં કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પુન: નિયંત્રણમાં લેવા માટે ભારતીય સેના કાયમ તૈયાર છે અને સરકારના આદેશની રાહ જુએ છે.

તેમનું આ બયાન પત્રકારોના એક સવાલના સંદર્ભમાં હતું. દર અસલ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે હિમાચલમાં એક ચૂંટણી સભામાં એવું કહ્યું હતું કે 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધવેળા જ પાકિસ્તાનવાળા કાશ્મીરનો ફેંસલો થઇ જવો જોઇતો હતો, પરંતુ એ અફસોસની વાત છે કે તે સમયે ભારતે પાકિસ્તાનના 90,000થી વધુ સૈનિક બંદી બનાવ્યા હતા છતાં ભારતે બદલામાં પી.ઓ.કે.ની માંગણી કરી નહોતી.

આ બંને વાતો, રાજનાથે જે કહ્યું તે અને જનરલે જે જવાબ આપ્યો તે, નવી નવાઈની નથી. ચૂંટણી પ્રચારમાં ઘણી બધી વાતો થતી હોય છે. એકવાર પ્રધા નમંત્રી નરેન્દ્ર મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે ન્યુક્લિયર બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી. એનો અર્થ એવો નથી થતો કે તેઓ સીમા બોમ્બ ફોડશે. પી.ઓ.કે. ભારતનું છે અને પાછું લેવાનું છે એ વાત ભારતની અધિકૃત પોલિસી હેઠળ આવે છે એટલે વખતો વખત તેનું રટણ કરતાં રહીએ છીએ. પી.ઓ.કે. કેવી રીતે પાછું લઈશું કે ક્યારે લઈશું તેની ન તો કોઈ યોજના છે કે ના તો સમય મર્યાદા.

એવી જ રીતે, ભારતીય સેનાનું કામ સરકારની નીતિને અનુસરવાનું છે. તમે એવું પૂછો કે તમે યુદ્ધ કરવા તૈયાર છો? તો સેના એવું તો ન કહે કે “ના, અમે તૈયાર નથી.” બસ, એ રીતે જ એક પત્રકારે રાજનાથનું બયાન યાદ કરાવીને સેનાને તેની તૈયારી અંગે પૂછ્યું (એ સવાલ બહુ મહાન પણ નહોતો) એટલે જનરલે સ્વાભાવિક રીતે જ કહ્યું કે અમે તો સરકાર કહે તેની રાહ જોઈએ છીએ. ભારત જ નહીં, દુનિયાભરની સેનાઓ રોજ તૈયાર થઈને એટલા માટે જ બેઠી હોય છે કે ક્યાંક સરકારનો કોઈ આદેશ આવી જાય.

આખી વાત બહુ જ સહજ હતી, પરંતુ ઋચા ચઢ્ઢાએ એક ટ્વીટ કરી તેમાં ‘લડાઈ’ ફાટી નીકળી. ઋચાએ જનરલ દ્વિવેદીના બયાનને ટેગ કરીને ઉપર લખ્યું, “ગલવાન સેઝ હાઈ” (ગલવાન યાદ કરે છે). એમાં ઋચાએ સેનાનું અપમાન કર્યું છે અને ઋચા દેશ-દ્રોહી છે તેવા આરોપોસર તેની પર એટલું બધું આક્રમણ થયું કે તેણે તેની ટ્વીટ ડિલીટ કરવી પડી. તેણે માફી માંગતા કહ્યું કે, “મારો આવો કોઈ ઈરાદો નહોતો, છતાં જે ત્રણ શબ્દો પર વિવાદ ઊભો કરવામાં આવ્યો છે તેનાથી સેનામાં કોઈની લાગણી દુભાઈ હોય તો મને ખેદ છે.” તેણે કહ્યું કે તેના નાના સેનામાં હતા અને 65ના યુદ્ધમાં પગમાં ગોળી વાગી હતી. “આ મારા લોહીમાં છે,” તેણે લખ્યું હતું, “કોઈ સપૂત દેશની સેવા કરતી વખતે શહીદ કે ઘાયલ થાય ત્યારે આખો પરિવાર પ્રભાવિત થાય છે. આ મારા માટે ભાવનાત્મક મુદ્દો છે.”

ઋચાના બચાવમાં જે લોકો આવ્યા હતા તેમની દલીલ એ હતી કે ઋચાએ સેનાની ટીકા નથી કરી. તેણે એ સરકારની ટીકા કરી છે જેની અણઆવડતના કારણે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે મારામારીમાં 20 જવાનો શહીદ થયા હતા. આપણા માટે ગલવાન એક દુઃખતી રગ બની ગયું છે. 2020માં, ત્યાં ભારત અને ચીનના જવાનો વચ્ચે અથડામણ થઇ, તે પછી ચીન ત્યાં લગાતાર તેની પ્રવૃત્તિઓ વધારતું રહ્યું છે. આ બે વર્ષમાં એવો એક પણ મહિનો પસાર નથી થયો, જેમાં ગલવાનમાં ચીનની લશ્કરી હિલચાલના કોઈ સમાચાર ન આવ્યાં હોય. ભારત સરકાર પણ વખતો વખત કહેતી રહી છે કે ત્યાં સીમા પર ચીન સાથે બધું સમુસૂતરું નથી.

ઇન ફેક્ટ, ઋચા ચઢ્ઢાના મુદ્દે આપણું લોહી ઉકળતું હોય તો તેનું પા ભાગનું લોહી સરહદ પર અને સરહદ પારથી જે સમાચારો આવી રહ્યા છે તેના પર ઉકળવું જોઈએ. વાંચવા-વિચારવા જેવો અસલી મુદ્દો અત્યારે ચીન અને પાકિસ્તાનનો છે, પરંતુ આપણે અંદરોઅંદરની લડાઈમાં એટલા મગ્ન છીએ કે ત્યાં શું બની રહ્યું છે તેની ચિંતા નથી કરતાં.

આપણને, એટલે કે સાધારણ જનતાને, એ અંદાજ નથી કે એ ઘટના પછી ચીન સાથેના આપણા સંબંધો કેટલા ખરાબ થઇ ચુક્યા છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં મંત્રણાઓના 14 દૌર થઇ ચુક્યા છે અને છતાં સ્થિતિ સુધરી નથી. કોરોના પછીની દુનિયામાં કૂટનીતિ સ્તરે ધરખમ ફેરફારો આવ્યાં છે. ચીન આર્થિક, રાજકીય અને લશ્કરી મોરચે અંત્યંત આક્રમક બન્યું છે અને દુનિયા કેવી રીતે ચાલવી જોઈએ તેના માટે તેનો કક્કો ખરો કરાવી રહ્યું છે. અમેરિકા સાથે તેનું શીત યુદ્ધ શરૂ થયું છે અને દુનિયાના દેશો ચીન અને અમેરિકા, એમ બે છાવણીઓમાં વહેંચાઇ રહ્યા છે. ચીન ભારતને અમેરિકાનું ‘પીઠ્ઠું’ અને દક્ષિણ એશિયામાં તેના હરીફ તરીકે જુએ છે.

એવી એક વ્યાપક માન્યતા છે કે ગલવાન વિવાદમાં ચીન ટસથી મસ થવા તૈયાર નથી અને તેની હરકત એવી છે જાણે તેને સેનાઓ વચ્ચે સંઘર્ષ થાય તેમાં રસ હોય. તાજેતરમાં જ, સેના પ્રમુખ મનોજ પાંડેએ વાસ્તવિક નિયંત્રણ રેખા(એલ.એ.સી.)ની સ્થિતિને ‘અસાધારણ’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે બે વર્ષ પછી પણ ત્યાં ચીની સૈનિકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. વિદેશી નિષ્ણાતો અનુસાર, ચીન સીમા પરના વિભિન્ન વિવાદિત ક્ષેત્રોમાં ઘૂસપેઠ કરવાની ફિરાકમાં છે. તે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભાં કરી રહ્યું છે.

ચીનની આ યોજનામાં તેને પાકિસ્તાનનો સાથ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાઈ થઇ તે પછી ચીન અને પાકિસ્તાન વચ્ચે દોસ્તીના કોલ લેવાયા છે અને તેની એક આડઅસર ભારતની સીમાઓ પર છે. ભારત અને ભારત બહારના સલામતી નિષ્ણાતો એક એવા ભવિષ્યની કલ્પના કરી રહ્યા છે કે ભારત સીમાએ જ્યારે પણ કોઈ યુદ્ધ થશે, ત્યારે તે ત્રિ-પાંખિયું હશે. એક તરફ ભારત અને બીજી તરફ ચીન અને પાકિસ્તાન.

એ સંદર્ભમાં, પાકિસ્તાનમાંથી આવેલા સમાચાર પણ ‘ચિંતાજનક’ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ., જે ભારતમાં બહુ સક્રિય છે, તેના ભૂતપૂર્વ વડા લેફ્ટનન્ટ-જનરલ સૈયદ અસિમ મુનિરને પાકિસ્તાનના આર્મી ચીફ બનાવવામાં આવ્યાં છે. 2019માં, પુલવામાની ઘટના બની ત્યારે આઈ.એસ.આઈ.ની કમાન મુનિરના હાથમાં હતી. ઉપરાંત, એર ફોર્સના પાયલોટ અભિનંદન વર્ધમાનની ભારત વાપસીમાં પણ તેમની મોટી ભૂમિકા હતી. 

નવા નિયમ પ્રમાણે, મુનિર આગામી ચાર વર્ષ સુધી એ પદ પર રહેશે. દિલ્હીમાં વર્તુળો માને છે કે આ ચાર વર્ષ દરમિયાન, મુનિર ભારત વિરોધી કટ્ટરતામાં વધુ હવા ભરશે. મુનિર રૂઢિચુસ્ત સાઉદી અરેબિયામાં કામ કરી ચુક્યા છે એટલે તેમનામાં ઉદારતાની અપેક્ષા અસ્થાને છે. ધાર્મિક વૃત્તિવાળા પાકિસ્તાની આર્મી ચીફ ભારત માટે કાયમ માથાનો દુઃખાવો રહ્યા છે અને મુનિર એમાં અપવાદ નથી રહેવાના.

મુનિર એવા સમયે પાક સેનાના વડા બન્યા છે જ્યારે પાકિસ્તાન આંતરિક રીતે રાજનૈતિક અને લશ્કરી સંકટમાંથી પસાર થઇ રહ્યું છે, જ્યારે બાહ્ય સ્તરે એક તરફ અફઘાનિસ્તાનની અસ્થિરતા તેના માટે ચિંતાનો વિષય છે અને બીજી તરફ આક્રમક ભારતનો ડર છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેને અમેરિકા અને ચીનની તંગ દોરી પર ચાલવાનું છે. એ બહુ સ્પષ્ટ છે કે વડા પ્રધાન શાહબાઝ શરીફ મુનિરને પૂછ્યા વગર ભારત, ચીન અને અફઘાનિસ્તાનના મોરચે પાણી પણ પીવાના નથી.

ભારત માટે એ જોવાનું રહેશે કે મુનિર, તેમના પુરોગામી જનરલ બાજવાની જેમ, કશ્મીરમાં સીમા રેખા પર ‘શાંતિ’ જાળવી રાખવાના પક્ષમાં છે કે પછી ત્યાં સળીઓ કરવાના મૂડમાં છે. ભારત, પાકિસ્તાન અને ચીન ત્રણે ન્યુક્લિયર તાકાતો છે. ત્રણેના એકબીજા સાથે ‘ટાંકા ભીડાયેલા’ છે. એકબીજાના દેશમાં કશું પણ થાય, તેનો સીધો પ્રભાવ તેમના સંબંધો અને સુરક્ષા પર પડે છે.

આટલી ‘પ્રસ્તાવના’ પછી આપણે એક જ સવાલ પૂછવાનો છે; સીમાઓ પર જ્યારે આવા અસલી મુદ્દાઓ ગંભીર સ્વરૂપ લેતા હોય, ત્યારે આપણે ફિલ્મ સ્ટારોની ટ્વીટ પર લડી પડતા હોઈએ તે કઈ રીતે દેશના હિતમાં છે?

લાસ્ટ લાઈન:

“યુદ્ધમાં લડવું અને વિજય પ્રાપ્ત કરવો સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા નથી, સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા વગર લડે દુશ્મનના પ્રતિરોધને તોડવામાં છે.”

— સુન ત્ઝુ, ચાઇનીઝ ચિંતક

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1741,1751,1761,177...1,1801,1901,200...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved