Opinion Magazine
Number of visits: 9667538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રાહકવાદની કોરી ખાનારી શક્તિનો સામનો

ઇલાબહેન ગાંધી સાથે વાર્તાલાપ • અનુવાદ આશા બૂચ|Gandhiana|17 April 2023

“આપણે અહિંસા વિશે જેટલું વધુ જાણીએ તેટલું વધુ પ્રતીત થાય કે મોટામાં મોટા પડકારોનો અહિંસક ઉપાય હોય છે. આ એક આશાવાદી દર્શન છે અને તદ્દન વાસ્તવિક છે. અમે આશા રાખીએ કે આ સામગ્રી અને બનાવો વાચકોના વિચારોને ટેકો આપશે અને તેને પોષણ આપશે.”

(મેટા સેન્ટર ફોર નોન વાયોલન્સ)

“અહિંસા માનવ જાતના કાબૂમાં હોય તેવી સૌથી વધુ મોટી શક્તિ છે.” − ગાંધી

યુ.એસ.એ.સ્થિત મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સ એજ્યુકેશન ગાંધીજીનાં મૂલ્યો, ખાસ કરીને અહિંસાનો પ્રચાર પ્રસાર અલગ અલગ માધ્યમો દ્વારા અવિરતપણે કરી રહ્યું છે. થોડા સમય પહેલા નોનવાયોલન્સ રેડિયો પર દક્ષિણ આફ્રિકાસ્થિત શાતિવાદી કર્મશીલ ઇલાબહેન ગાંધી સાથે મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સ એજ્યુકેશન[Metta Center for Nonviolence Education]નાં વહીવટી નિયામક સ્ટેફની વાન હૂક અને અહિંસાના અમેરિકી કર્મશીલ ઝંડાધારી માઈકલ નાગલરે વાર્તાલાપ કર્યો તેની ઝલક પ્રસ્તુત છે.

​​ઇલાબહેન ગાંધી, મહાત્મા ગાંધીનાં પૌત્રી, પોતે એક શાંતિનાં કર્મશીલ અને અહિંસાનાં નિષ્ઠાવાન ટેકેદાર છે, તેમ જ માનવ જાતના હિત માટે આજીવન કાર્યરત રહ્યાં છે. સ્વનિર્ભરતાનાં મૂલ્યોને સમર્પિત, પ્રકૃતિ માટે ગાઢ નિસબત ધરાવનાર અને માનવ માત્રની ગરિમા જળવાય તેને પ્રોત્સાહન આપનાર ફિનિક્સ આશ્રમમાં ઇલાબહેનનો ઉછેર થયો, જે ગાંધીજીએ 1904માં સ્થાપેલ. સ્ટેફની વાન હૂક અને માઈકલ નાગલરે ઇલાબહેનનાં જીવન વિષે, સાંપ્રત ગ્રાહકવાદની કોરી ખાનારી શક્તિ વિષે તથા જીવ માત્ર પ્રત્યે કરુણા, પ્રકૃતિ તરફ ઔચિત્ય ભરી આમન્યા અને સદ્વ્યવહાર દર્શાવવાના મહત્ત્વ વિશે તેમ જ ગાંધીજીના મહત્ત્વના રચનાત્મક કાર્યક્રમ વિશે વાત કરી. સ્ટેફની વાન હૂક અને ઇલાબહેનના શબ્દોમાં આ વાર્તાલાપનો સારાંશ જોઈએ :

સ્ટેફની વાન હૂક

સ્ટેફની : આપનું નામ ઇલા ગાંધી સાંભળતાની સાથે જ લોકો આપના દાદાનાં કાર્ય સાથે આપને જોડી દે છે, પરંતુ આપનું જીવન અને કાર્ય એટલાં રસપ્રદ અને સમૃદ્ધ છે કે લોકો આપને પહેલાં ઇલાબહેન તરીકે પહેચાને અને અહિંસાના ક્ષેત્રમાં કઈ રીતે કામ કરો છો, કે જે અલબત્ત આપના દાદાજીની પ્રેરણાથી થાય છે પણ આપ તેનાથી પણ વધુ આગળ વધ્યાં છો તેના પર હું પહેલાં ધ્યાન આપવા માંગુ છું.

આપ ફિનિક્સ સેટલમેન્ટમાં જન્મેલાં. એ સ્થળ કેવું હતું અને દક્ષિણ આફિકાના સંઘર્ષમાં તેનું શું મહત્ત્વ હતું તે કહેશો ? 

ઇલાબહેન : ફિનિક્સ સેટલમેન્ટ 1904માં ગાંધીજીએ સ્થાપેલું. તે એવો સમય હતો જ્યારે તેમણે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમના વિચારો કેટલાક સમયથી બદલાતા હતા અને દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે તેમનો દૃષ્ટિકોણ તદ્દન બદલાઈ ગયેલો. તમે જાણો છો કે તેઓ વકીલ તરીકે પોતાના દરજ્જા વિશે ખૂબ જાગૃત હતા. તેમને જીવન પદ્ધતિ અને સભ્યતા કેવી રીતે જળવાવી જોઈએ એ વિશે કેટલાક આગ્રહો હતા. સમય વીતતાં એમને ખ્યાલ આવ્યો કે આપણે બધા સમાન છીએ. કોઈ ખાસ પદ જેવું કશું હોતું નથી. પદ કે દરજ્જામાં કોઈ પ્રકારનો ચડતો-ઉતરતો કર્મ ન હોવો જોઈએ. તેમણે પોતાના કાર્યક્ષેત્ર વિશે કહેલું, “વકીલ તરીકે સારું કામ કરવું.” 1904 સુધીમાં તેમની આવી સમજણ વિકસી હતી.

ઇલાબહેન ગાંધી

ગાંધીજીને એ પણ પ્રતીત થવા લાગ્યું હતું કે પ્રકૃતિની નિકટ રહેવું એ બહુ મહત્ત્વનું છે. પૂરતા ખોરાકની બાંયધરી હોવી, પોતાને જરૂરી શાકભાજી અને અનાજ જાતે ઉગાડવા, સ્વાશ્રયી બનવું અને એવું જીવન જીવવું જે પોતાની મેળે જ ટકી શકે અને તો જ સભર જીવન જીવી શકાય. આથી તેમણે શહેરથી દૂર ગરીબીથી પીડાતાં લોકો વચ્ચે રહેવા માટે સ્થળ જોવાનું નક્કી કર્યું. એટલે એક તરફ ભારતથી લાવેલા ખાંડના કારખાનાઓમાં કામ કરતા બંધુઆ મઝદૂર હતા, તો બીજી બાજુ આફ્રિકાના ધાર્મિક સીમબેક સમુદાયનું થાણું હતું. ફાર્મની સામી બાજુએ દુબે સેટલમેન્ટ હતું. મી. દુબે આફ્રિકન નેશનલ કાઁગ્રેસના પ્રથમ પ્રેસિડેન્ટ હતા, જે પહેલાં નેટિવ કાઉન્સિલ તરીકે ઓળખાતું.

આમ ગાંધીજીએ વિવિધ હિત ધરાવતા લોકો વચ્ચે જઈને તેમની સાથે વાત કરી, એ લોકોની શી વિપદાઓ હતી તે શોધી કાઢ્યું. સાથે પોતાની બદલાયેલી જીવનશૈલીનો પણ ક્યાસ કાઢતા હતા. પૂરા સુખ સુવિધાવાળા સ્થળને છોડીને જ્યાં વીજળી, નળમાં પાણી કે અન્ય કોઈ પ્રકારની સગવડો નહોતી એવા તદ્દન ગ્રામ્ય વિસ્તારમાં રહેવાનો નિર્ણય કર્યો.

ગાંધીજી આ નવી પરિસ્થિતિમાં કુદરતી પર્યાવરણની જાળવણી કરીને કઈ રીતે જીવતા શીખ્યા એ રસપ્રદ કહાણી હતી. સ્વાસ્થ્યમય જીવન કેવી રીતે જીવવું એ શોધતાં તેઓ સ્વાસ્થ્ય વિષે વધુ સમજતા થયા. લંડન અભ્યાસ અર્થે ગયા ત્યારે માતાને આપેલ વચનને કારણે ફરજિયાત શાકાહારી ભોજન સ્વીકારેલ એ ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમને ખાતરી થઈ ચૂકી હતી કે શાકાહારી ખોરાક જ તંદુરસ્ત જીવન જીવવાનો એક માત્ર માર્ગ હતો.

ફિનિક્સ આશ્રમમાં બીજા પ્રયોગો થયા. કુદરતી ઉપચાર, જેમાં માટી અને પાણીના ઉપચારથી લોકોની નાની મોટી તકલીફોનો ઉપચાર કરવામાં આવતો. મારો જન્મ આ વાતાવરણમાં થયો. તેમણે આ વારસો મારા માતા-પિતાને આપ્યો અને તેઓએ એ જ જીવન પદ્ધતિ અપનાવી હતી. જન્મથી જ હું સંવેદનશીલતાનું મહત્ત્વ, પોતાના સ્વાસ્થ્યની રક્ષા કરવી, સ્વાશ્રયી બનવું વગેરે જેવાં લાક્ષણિક મૂલ્યો વચ્ચે જ ઉછરી.

સ્ટેફની : આપનું બાળપણ ઘણું રસપ્રદ રહ્યું હશે. મારા વાંચવામાં આવ્યું છે કે આશ્રમમાં તમારાં માતાએ એક શાળા શરૂ કરેલી, તો એ શિક્ષણ પદ્ધતિની અને તમે આશ્રમ શાળા શા કારણે છોડી એ કહેશો?

ઇલાબહેન : મારાં માતા ભારતના સંયોગોના શિકાર બનેલાં. તેઓ ભારતમાં જન્મેલાં. ભારતમાં ઘણા લોકોએ બ્રિટિશ શિક્ષણનો બહિષ્કાર કર્યો, મારા માતાનાં માતાએ એ શાળાઓનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો, તેથી મારાં માતાએ હાઇસ્કૂલ શરૂ કરી તે પહેલાં શાળા છોડી. એ અહિંસક લડાઈનો વચગાળાનો સમય હતો.

આથી મારાં માતાને મન શિક્ષણનું ઘણું ઊંચું મૂલ્ય હતું. મારા દાદાજી અને મારા પિતાએ તેમના શિક્ષણની તમામ પ્રક્રિયામાં તેમને મદદ કરી. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે જે બાળકોને શાળાએ જવાની તક નથી મળતી તેમને માટે શિક્ષણનો રાહ બદલવો. તે વખતે શાળાઓ ઘણા ઓછા પ્રમાણમાં હતી અને ઘણાં બાળકોને શાળાએ જવાની સુવિધા નહોતી; ખાસ કરીને આફ્રિકન બાળકો, અને ભારતીય બાળકોને પણ.

મારાં માતાએ એક નાના ઓરડામાં શાળા શરૂ કરી, એમ માનીને કે તેમાં 10-15 બાળકો આવશે. પરંતુ જોતજોતામાં લગભગ 300 બાળકો આવવાં લાગ્યાં અને એમની પાસે મકાનની સવલત નહોતી. પછી સરકારની આંખ તેમના પર પડી. સરકારી અધિકારીઓએ કહ્યું, તમે આફ્રિકન બાળકોને ભણાવી નહીં શકો કેમ કે તેઓને શાળામાં અલગ રાખવામાં આવે તેવો નિયમ છે. આથી તેઓને ભારતીય બાળકો માટેની જ શાળા ચલાવવાનો વિકલ્પ માન્ય રાખવો પડ્યો કેમ કે ભારતીય લોકો માત્ર તેમનાં બાળકોની શાળા ચલાવી શકતાં. આ નિર્ણય તેમને માટે ઘણો નિરાશાજનક નીવડ્યો, કેમ કે તેમની પાસે એક સારું જૂથ જમા થયેલું. જો કે એ મકાન આટલાં બધાં વિદ્યાર્થીઓ માટે અપૂરતું હતું.

કન્યાઓને પણ શિક્ષણની તકો મેળવી જોઈએ, લિંગની સમાનતા હોવી જોઈએ એ બધી બાબતો મારા પિતાજી શીખેલા. મારાં માતા પણ ઘણા મક્કમ વિચારના હતાં, તેથી ફિનિક્સના આ સમાનતાના વાતાવરણમાં તેઓ તરત ગોઠવાઈ ગયાં. શાળાનું સંચાલન કરવા પાછળ આ એક મોટું પ્રેરણા બળ હતું. અલબત્ત મારા પિતાએ તેમને આ બધી બાબતોમાં ટેકો આપ્યો. એ લોકો એકજૂટ બનીને કામ કરતાં. તેઓ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતાં, જે અવિરત મહેનત માંગી લેનારું હતું. તેનું પ્રકાશન સાપ્તાહિક હતું, પરંતુ તેને માટેનું લખાણ, છપાઈ વગેરે બધાં કાર્યો રોજ ચાલતાં. ફિનિક્સમાં અમે એ બધાં કામ જાતે કરતાં. દરેક વાક્યના અક્ષરો ગોઠવવા વગેરે જેવાં કામ હાથથી કરવાં પડતા. મારાં માતા આ બધાં કામ શીખ્યાં અને આખું પ્રેસ કેમ ચલાવવું તે જાણી લીધું. મારા પિતાના અવસાન બાદ ઘણાં વર્ષો સુધી તેમણે પ્રેસનું સંચાલન સાંભળ્યું અને તેને કારણે ફિનિક્સ સેટલમેન્ટ ધબકતું રહ્યું.

સ્ટેફની : હવે, હું ઈચ્છું છું કે અમારા શ્રોતાઓ જાણે કે અહિંસા એટલે માત્ર શાળા ચલાવવી કે પ્રેસ સાંભળીને સામાયિક છાપવું એટલું જ નહોતું, બરાબર? એ જેને ‘અહિંસા’ અંતર્ગત ‘રચનાત્મક કાર્યક્રમ’ તરીકે જાણીએ છીએ તે કાર્ય હતું. જ્યારે કોઈ વ્યવસ્થા નીતિભ્રષ્ટ હોય કે બરાબર ન ચાલતી હોય તો તેનો વિકલ્પ આપવો. તેનો સામનો કે વિરોધ કરવાને બદલે તમે તેનો વિકલ્પ શોધી કાઢો. એ રચનાત્મક કાર્યક્રમને ચિરસ્થાયી બનાવવા અને વિકસાવવા તમે મદદ કરી, તો તેનું તમારે મન શું મૂલ્ય છે તેના વિષે વાત કરો તેવી મારી વિનંતી છે. 

ઇલાબહેન : ફિનિક્સ સેટલમેન્ટમાં લોકોને શાકભાજી વગેરે પાક જાતે ઉગાડવા પ્રોત્સાહન આપીએ છીએ. સ્વાશ્રયી બનવાનો અને મુખ્ય ધારાના અર્થતંત્ર પર ઓછા આધારિત બનવાનો એ એક માર્ગ છે. આ એવી આર્થિક વ્યવસ્થા ઊભી કેરવાની વાત છે જેનાથી તમે સ્વાશ્રયી બનો જેથી કરીને તમારું શોષણ કરનારા લોકો પર તમે આશ્રિત ન રહો.

બીજો મુદ્દો એ છે કે આ માર્ગે ચાલીને તમે એ શોષણકારી વ્યવસ્થાને ટેકો નથી આપતા. આ રીતે સ્વત્રંત્ર બનીને કે પોતાની જ શક્તિ પર આધાર રાખીને તમે એક નિવેદન કરો છો અને દર્શાવો છો કે આખર તેઓ ગ્રાહક તરીકે તમારા આશ્રિત છે. વર્તમાન ઉત્પાદન અને વેપારની પદ્ધતિથી લોકો સુખી નથી એ બતાવવાની આ રીત છે. અને એ તો તો જ શક્ય બને જો તમે આ પ્રકારનાં રચનાત્મક કાર્યમાં જોડાયેલા હો તથા મૂળ ધારાની અર્થવ્યવસ્થાનો સામનો કરી શકે તેવી નિજી અર્થ વ્યવસ્થા ઊભી કરી શકો. આજે આપણે એકબીજાં સાથે જોડાણ સાધવાનું વલણ જોઈ શકીએ છીએ, અને છતાં હજુ ઘણું શોષણ પણ થાય છે. અને એ શોષણને નાબૂદ કરવું રહ્યું. મને લાગે છે કે આજે પણ આપણે આત્મનિર્ભરતા સાધવા પ્રયત્નશીલ બનવું જોઈએ.

ગાંધીજીને લોકોના આ વિચારોમાં ઘણો રસ હતો. એ વસાહત કંઈ એટલી મોટી નહોતી કે દુનિયાને પ્રભાવિત કરી શકે, પણ એ એક એવો નમૂનો છે જેને દુનિયા અનુસરી શકે. એ નમૂનાના પાયા ઉપર એવો સમાજ રચી શકાય જેમાં હાલમાં છે તેના કરતાં વધુ સમાનતા હોય. અસમાનતામાં જ આધુનિક જીવનની આપત્તિના મૂળ છે.

સ્ટેફની : ઇલાબહેન, તમે ગાંધીના પહેલા આશ્રમ ફિનિક્સ આશ્રમનાં કેટલાંક મૂલ્યો અને તેની અસરની વાત કરો છો તો મને લાગે છે કે લોકોને બધા સાથે મળીને આ રીતે આશ્રમના કે કિબુત્ઝના માળખામાં રહેવાનું થોડું મુશ્કેલી ભર્યું લાગ્યું હશે. એ પ્રકારનાં વાતાવરણને સફળતાથી સંચાલિત રાખવા કયા પરિબળો હોય, એ વિશે તમારો શો અનુભવ છે? એક સાથે મળીને સ્વનિર્ભર જીવન જીવવાની ઈચ્છા હોવી એ એક ઉત્તમ આદર્શ છે, પરંતુ જ્યારે સહુ સાથે રહેવા લાગે ત્યારે આખર આપણે સાધારણ માનવી છીએ જેને પોતપોતાની સમસ્યાઓ હોય, અલગ વ્યક્તિત્વ હોય અને ઊણપો હોય. તો એવી પરિસ્થિતિમાં રહેવું કેવું લાગે અને પોતાની દૃષ્ટિને એ ઉચ્ચ લક્ષ્ય પર કેવી રીતે ટકાવી રાખવી એ વિશે કહેશો? 

ઇલાબહેન : મને લાગે છે કે ભૌતિકવાદે આ દુનિયા પર મોટી પકડ જમાવી છે. આજે આખા વિશ્વમાં લોકો વધુને વધુ વસ્તુ પ્રધાન બન્યા છે. માનવીય મૂલ્યો ભૌતિક મૂલ્યોથી દ્વિતીય નંબરે ગણવામાં આવે છે. લોકોની વાંછના વધતી જાય છે, લોકોને ઘણી વસ્તુઓ પ્રાપ્ત થાય તેવો માર્ગ જોઈએ છે.

આજે કોઈ સાથે વાત કરતાં મેં કહ્યું કે હાલમાં અહીં બેકારી ઘણી વધી છે, તો એ ગરીબી અને જીવન જરૂરિયાતની વસ્તુઓના અભાવથી પીડાતા લોકસમુદાયને ખોરાક અને અન્ય વસ્તુઓ પૂરી પાડી શકીએ તેવી કોઈ યોજના કરીએ. જ્યારે લોકોને પૂછ્યું કે તેઓને કઈ ચીજની જરૂર છે તો કેટલાક લોકોએ કહ્યું, તેમને સૌંદર્ય પ્રસાધનો જોઈએ છે. અમે વિચાર્યું, ખોરાકની વસ્તુઓ અત્યંત જરૂરી છે, પરંતુ માનવ સ્વભાવને વ્યક્ત થવા દો તો તેમને મન સૌંદર્ય પ્રસાધનો પણ એટલા જ મહત્ત્વના હોય છે. જો દાતાઓ પાસે જઈને કહો કે તમારે એ કોમના લોકો માટે સૌંદર્ય પ્રસાધનો જોઈએ છે, તો શું તેઓ તમને એ માટે દાન આપશે? ભૌતિકવાદે આવો ભરડો લીધો છે. સિક્કાની બીજી બાજુ જોઈએ તો તમે જો ગરીબ હો તો સૌંદર્ય પ્રસાધનોની ઈચ્છા હોવી એ શું ગુનો છે? સૌંદર્ય પ્રસાધનો શું માત્ર ધનિક લોકો માટે જ હોય? આ એક બીજી દલીલ છે.

આ બધાની વચ્ચે ગાંધીના સાદગી અને કુદરતે આપેલ સંપત્તિને બધાને સમાન ભાગે કેવી રીતે વિતરિત કરી શકાય એ વિચારો પડેલા છે. કેમ કે આપણી પાસે જે સંસાધનો છે તે સમાન ભાગે વહેંચી લઈએ તો બધા સારી અને સ્વાસ્થ્યયુક્ત જિંદગી જીવી શકે. આ અસમાન વહેંચણીને પરિણામે કેટલાક પાસે અઢળક સંપત્તિ છે તો બીજાને ભાગે કશું નથી. હવે પ્રાપ્ત સંપત્તિને સરખે ભાગે વહેંચવા માટે આપણે એક એવી કાર્યપદ્ધતિ શોધવી જોઈએ જે સૌંદર્ય પ્રસાધનોનું સ્થાન બીજી ચીજ ન લઇ લે. એક વખત કોઈએ ગાંધીજીને કહ્યું, હાથે કાંતેલા સૂતરને વણીને જે કાપડ બને છે એ ખૂબ જાડું હોય છે અને ભારતની ગરમ આબોહવામાં પહેરવું ન ગમે. મશીનમાં બનેલ કાપડ ઘણું બારીક અને હળવું અને પહેરવામાં ઠંડક આપે. ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો, “તમે ખૂબ ઝીણા તાર કાંતતા શીખીને હળવું કાપડ બનાવી શકો. કાંતવું એ એક કળા છે, જેનાથી અત્યંત સુંદર કાપડ બનાવી શકાય.”

હું એ કહેવા માંગુ છું કે કેટલીક વસ્તુઓ માત્ર ધનિક લોકોને પ્રાપ્ત થઇ શકે અને ગરીબ લોકોને તે મળે નહીં એવું ન હોવું જોઈએ. ગરીબ લોકોને સૌંદર્ય પ્રસાધનો જેવી ચીજો મેળવવાની સુવિધા હોવી જોઈએ. હું ધારું છું કે ગાંધીજીને સૌંદર્ય પ્રસાધનો કદાચ બહુ પસંદ ન હોત. તેમણે કહેલું, “ભગવાને તમને સુંદર ચહેરો આપ્યો છે, તેના પર બીજી વસ્તુઓ શા માટે લગાડવી જોઈએ?” પણ જે લોકોને એવી વસ્તુઓની ઝંખના હોય તેને એમ ન કહી શકો કે તવંગર લોકો એ ખરીદી શકે, પણ તમારા જેવા લોકો નહીં, કેમ કે તમે નિર્ધન છો.

સ્ટેફની : બીજા પાસે જે વસ્તુઓ હોય અને જે મેળવવાની તમને મનાઈ ફરમાવવામાં આવી હોય તે મેળવવા પાછળ એક પ્રકારનું ગૌરવ પણ અનુભવાતું હોય છે. પણ તમે એમ કહો છો કે આપણે ગૌરવ શેમાંથી મળે છે તેનું મૂલ્યાંકન ફરીથી કરવું જોઈએ. ભૌતિક વસ્તુઓ મેળવવા પાછળ દોડવાની નકલ કરવી એમાં ગૌરવ છે? પણ, માનવીના બદલાતાં મૂલ્યોને પાછાં કેમ વાળવાં? આપણી પ્રાથમિક જરૂરિયાતોને પૃથ્વી સાથે તમે જોડી આપી. આપણી ભૌતિક જરૂરિયાતો મેળવવામાં ગૌરવ અનુભવવું એ કેવી મૂર્ખામી છે? આ વિચારધારાને આપણે કેવી રીતે જુદો વળાંક આપી શકીએ?

મેં તમને એમ પણ કહેતાં સાંભળ્યાં કે વ્યક્તિ પોતાની આસપાસના લોકોનાં મૂલ્યોને આત્મસાત કરતી હોય છે. આપણે જળશોષક વાદળી જેવા છીએ. ભૌતિકવાદની અસર આપણને સહુને થાય છે કેમ કે તે આપણી આસપાસના વાતાવરણમાં છે, જેને આપણે શોષી લઈએ છીએ. આથી ચોક્કસ હેતુથી ઊભી કરેલી વસાહતો, આશ્રમો કે કિબુત્ઝમાં જુદા પ્રકારનાં મૂલ્યોને આત્મસાત કરવાની તક હોય છે જે સમાજને બદલવામાં સહાય કરે છે. આપણે શિખાઉ કાંતનાર કે વણકર જેવા અપૂર્ણ માનવી તરીકે એમાં દાખલ થઈએ તો જેમ કાંતણ-વણાટને એક કલા તરીકે વિકસાવી શકાય તેમ આ મૂલ્યોને પણ એક કળાની માફક જીવનમાં ઉતારી શકીએ. આપણે જો એ મૂલ્યોને કોઈ કામ સારી રીતે કરીએ અથવા તેમાં નિષ્ફ્ળ જઈએ એ રીતે નહીં પણ એક કલા તરીકે ગણનામાં લઈને કેળવીએ તો એ વધુ બારીક, નાજુક, છતાં વધુ શક્તિવંત બની શકે. મને લાગે છે કે આપનું જીવન ઘણી બાબતોમાં આનો નમૂનો પૂરો પડે છે.

મેં આપના વક્તવ્યોમાં કહેતાં અને આપના વિષે લખાયેલાં પુસ્તકોમાં વાંચ્યું છે કે આપ આ પદ્ધતિ બાળકોનાં શિક્ષણમાં પણ લાગુ પાડો છો. હું જાણું છું એ મુજબ કરુણાનો નમૂનો પૂરો પાડતા પુખ્તવયના લોકો વચ્ચે જો બાળકો ઉછરે તો સમાજ ઘણો જુદો થશે, તો એ પ્રકારના શિક્ષણ વિષે થોડું કહેશો?

ઇલાબહેન : હા, મેં જે સાંભળ્યું છે અને જે દૃષ્ટિ કેળવાઈ છે એ મુજબ બાળકોને જે કહેવામાં આવે છે તેમાંથી એ શીખે તેના કરતાં એ જે જુએ તેમાંથી વધુ શીખતું હોય છે. ઉદાહરણ તરીકે જો શિક્ષક કહે કે ધુમ્રપાન કરવું નુકસાનકારક છે, અને એ પોતે ધુમ્રપાન કરે તો બાળક ધુમ્રપાન કરતા શીખવાનો, કેમ કે તેને કહેવામાં આવ્યું કે એ નુકસાનકારક છે, પણ તેણે શિક્ષકને તો ધુમ્રપાન કરતા જોયો છે. તો એ નુકસાનકારક કેવી રીતે હોય? બાળકો આવી રીતે વિચારે અને શીખે. બાળકો પોતાની ઉંમરના સહાધ્યાયીઓ, માતા પિતા, કુટુંબના સભ્યો અને અન્ય લોકોને જોઈએ પાઠ શીખે. જો બાળક પોતાની આસપાસ હિંસા થતી જુએ તો એ શીખે. હાલમાં દક્ષિણ આફ્રિકામાં બાળકો ઘરેલુ હિંસા અને સમાજમાં હિંસાના બનાવોના સાક્ષી બને છે; એટલે જ્યારે તેઓ મોટા થાય ત્યારે એમ માને કે હિંસક માર્ગે જીવવું એ એક જ માત્ર રાહ જીવિત રહેવાનો છે. એ લોકો હિંસા વિના જીવી જ ન શકે.

જે લોકો બીજાને દૃષ્ટાંત પૂરો પાડી શકે તેવા લોકો આપણી આસપાસ હોવા જોઈએ, અને આ શિક્ષણ અમે આપીએ છીએ. અમે નાનાં બાળકો માટે શિક્ષણનો ખાસ કાર્યક્રમ ઘડ્યો છે કેમ કે બાળકના પહેલાં દસ વર્ષનો ગાળો તેની પાયાની સમજણ વિકસાવવા માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. ઘરમાં અને શાળામાં એ વર્ષો બાળક માટે અત્યંત મહત્ત્વના છે. એ વર્ષોમાં સારા શિક્ષકોની જરૂર હોય જે ઉત્તમ મૂલ્યો શીખવી શકે, અને એ પ્રવચનો આપવાથી ન શીખવી શકાય. એ માત્ર દૃષ્ટાંત પૂરા પાડવાથી જ બને. અમે શિક્ષકોને આ બાબત જ કહીએ છીએ. માત્ર કહેતા નથી, પણ જો શિક્ષકો પોતે એ રીતે ન વર્તે તો વિદ્યાર્થીઓ કઈ રીતે શીખે એ બતાવીએ પણ છીએ. દાખલા તરીકે જો શિક્ષકો વચ્ચે ખૂબ મતભેદ પ્રવર્તતા હોય તો બાળકો ઊંચા અવાજે બોલવું, દલીલો કરવી, અસભ્ય ભાષા વાપરવી એવું જ શીખશે. આથી જ હું માનું  છું કે તેઓએ શાળામાં અલગ રીતે વર્તવું જોઈએ. શિક્ષકોને આ રીતે તાલીમ આપ્યા બાદ અને સવિસ્તર ચર્ચા કર્યા બાદ શાળાના વાતાવરણમાં ઘણો સુધારો જોવામાં આવ્યો.

સ્ટેફની : આપે રંગભેદી નીતિનો સક્રિય સામનો કરેલો એ વિશે વાત કરશો? મેં સાંભળ્યું છે કે આપે તે મૂલ્યો વિષે વાત કરતાં કહેલું કે આપ કઈ રીતે એ સંયોગોમાં જીવન જીવતાં અને આપના પર રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયેલો અને નજરકેદ કરવામાં આવ્યાં હતાં. એ રંગભેદી નીતિ વાળી સરકારના અમલ હેઠળ જીવવાનો અનુભવ કેવો હતો અને એ ઘાવને રૂઝાવવા આપે શો ભાગ લીધેલો એ જણાવો તેવી વિનંતી. 

ઇલાબહેન : હું ધારું છું કે વર્તમાન સ્થિતિમાં આપણે જે અનુભવી રહ્યા છીએ એ કઇંક અંશે તે સમયે જીવન કેવું હતું તેનો ખ્યાલ આપે છે. કોવિડથી બચવા લોકડાઉન કરવામાં આવ્યું, જેથી આપણી અવરજવર, પરસ્પરના સંપર્ક અને સામાજિક સંબંધો પર મર્યાદા મુકાઈ. અમારી આવી જ સ્થિતિ હતી, પણ એ ફરજિયાત લાદવામાં આવેલી. હાલમાં કોવિડ એક કુદરતી આપત્તિ છે, જેના વિશે દરેકે કાળજી રાખવી જોઈએ, એ કારણે પ્રતિબંધ મુકાયા, જ્યારે અમારા પર ન્યાય ખાતાના હુકમ લાગુ કરવામાં આવેલા. લોકડાઉનની સ્થિતિમાં જીવન કેવું દુષ્કર થયું છે તે આપણે અનુભવ્યું. અમે ઘરની બહાર નહોતા નીકળી શકતાં. હું ‘અમે’ શબ્દ વાપરું છું કેમ કે મારા પતિ પણ એ સમય દરમ્યાન નજરકેદમાં હતા. અમારાં બાળકો એ સંયોગોમાં ઉછર્યાં. એ ખૂબ કઠિન સમય હતો. અમારાં બાળકોએ ભાગ લીધો હોય એવી શાળાની પ્રવૃત્તિઓમાં અમે હાજર નહોતા રહી શકતાં. અમારાં બાળકને પહેલા વર્ગમાં દાખલ કરવા હોય તો પણ અમને શાળામાં દાખલ થવાની પરવાનગી નહોતી. અમે માત્ર બાળકનાં માતા-પિતા છીએ એવું બયાન કરતા ખત પર સહી કરીએ તો જ શાળામાં દાખલ થવા દેવામાં આવતાં. હાલમાં જેમ લોકડાઉનમાં કર્ફ્યુ હોય છે તેમ સાંજના સાત વાગ્યાથી સવારના સાત વગ્યા સુધી કટોકટીભરી સ્થિતિ હોય તો પણ અમે ઘરની બહાર નહોતા નીકળી શકતાં.

સ્ટેફની : પણ મેં તો સાંભળ્યું છે કે આપ ઘરની બહાર નીકળેલાં?

ઈલાબહેન : તમે જાણો છો કે ક્યારેક એવી તક ઝડપી લેવી પડે. હાલની સ્થિતિમાં કુદરત આપણને કહે છે કે આ લોકડાઉન કરવું જરૂરી છે, નહીં તો કોરોના વાયરસનો ઘણાને ચેપ લાગે. તે વખતે ન્યાય ખાતાનો હુકમ હતો. અમે ઘણી વખત ન્યાય ખાતાના હુકમોનું ઉલ્લંઘન કરતાં, પણ કુદરતના હુકમની અવગણના નથી કરતાં. એ બંનેમાં ફરક છે.

સ્ટેફની : આ રસ પડે તેવો પદાર્થપાઠ છે, જેની થોડી વધુ ચર્ચા કરીએ. આ તો કુદરતના નિયમો અને માનવીય મૂલ્યોનો આદર કરવાનો જ વિષય છે. સત્ય અને સમાધાનની (truth and reconciliation) પ્રક્રિયાના સંક્ર્મણ કાળ દરમ્યાન એ અસરકારક છે એમ લાગવાથી પાર્લામેન્ટના સભ્ય તરીકે અને શાંતિના કર્મશીલ હોવાને દાવે આપે કયા કાર્યમાં ભાગ લીધેલો?

ઇલાબહેન : અમે સત્ય અને સમાધાન કમિશન (Truth and Reconciliation Commission) કાર્યાન્વિત થાય તે માટે કાયદો ઘડ્યો. એટલે કે પાર્લામેન્ટે એ કમિશનના કાર્ય સંચાલનમાં ભાગ નહોતો લીધો, પરંતુ એ કમિશન કેવી રીતે કાર્ય કરે અને તેનું કાર્ય શું છે તથા કેટલીક એવી શાખા છે જે ધ્યાનમાં લેવા યોગ્ય છે તે દર્શાવવા માટે કાયદા અને નિયમો ઘડ્યા.

અમારે બીજા દેશોમાં આના જેવા પહેલ કરેલા પગલાંઓનો વિગતે અભ્યાસ કરવો પડેલો. અમે આવા નિયમો ઘડનારાઓમાં પ્રથમ નહોતા. અન્યના પ્રયોગોમાં શું સફળતા મળી, શામાં નિષ્ફ્ળતા મળી તે વિષે અભ્યાસ કરવો પડ્યો અને ત્યાર બાદ અમારી યોજના ઘડી. હવે પાછળ નજર કરતાં લાગે છે કે અમારી યોજના ઉત્તમ નહોતી. અમારા કાયદામાં ઘણી બાબતોનો સમાવેશ નહોતો કર્યો જેમ કે નુક્શાનની ભરપાઈ કરવી અને સ્વાસ્થ્યકર ન્યાય જેવા મુદ્દાઓ, કે જેની વધુ સારી સમજણ કેળવીને યોજનામાં સામેલ કરવામાં આવે જેથી સમાજને ફાયદો થાય તે સામેલ કરવામાં ચૂકી ગયા. અને સમાજને એવી જ અપેક્ષા હતી.

પાર્લામેન્ટના સભ્યપદ દરમ્યાન હું એટલું જરૂર શીખી કે તમે કાયદાઓ ઘડી શકો, પણ જો સમાજ તેનાથી સંતુષ્ટ ન હોય, એ કાયદાઓ સ્વીકારે નહીં, તો તેનો ભંગ ઘણા પ્રમાણમાં થાય અને એ કાયદાઓ માત્ર કાગળ પર રહી જાય. સમાજ તેનો હર રોજ ભંગ કરે. આથી દરેક કાયદા અને નિયમ માટે સમાજનો ટેકો હોવો ખૂબ જરૂરી છે. અને એ મળી શકે, માત્ર તમારે એ માટે ઘણી મહેનત કરવી પડે. તમારે મતવિસ્તારમાં જઈને કેટલીક બાબતો શા માટે મહત્ત્વની છે એ સમજવવી પડે. લોકોએ સમજવું જરૂરી છે, લોકો તમને એ કામ અમુક રીતે કરવું કે ન કરવું તે કહી શકે. ત્યારે જ તમને અહેસાસ થાય કે એક જ કાર્ય બીજી રીતે પણ થઇ શકે. સમાજ સાથે ચર્ચા કરવી ઘણી જરૂરી છે. શરૂઆતનાં પાંચ વર્ષ દરમ્યાન અમે બંધારણ લખવામાં અને એ ટર્મમાં પસાર કરેલા કાયદાઓ વિષે લોકો સાથે ખૂબ મંત્રણાઓ કરેલી. પણ તે પછી તેનો અમલ કરવામાં અમે તદ્દન નિષ્ફ્ળ ગયા. આથી જ તો દક્ષિણ આફ્રિકા આવી ગંભીર પરિસ્થિતિમાં આવી પડ્યું છે. અસમાનતાનું પ્રમાણ ઊંચું ગયું અને બેકારીનું પ્રમાણ વધ્યું. 25 વર્ષ બાદ હજુ ઘણાંખરાંને પ્રાથમિક જરૂરિયાતો પૂરતાં પાણી, અન્ન, શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધાઓ, આવાસ વગેરે નથી સુલભ થયાં. આ બધી સગવડો અમારે બધાને પૂરી પાડવી જોઈતી હતી.

સ્ટેફનીના આભાર દર્શન સાથે આ મુલાકાત પૂરી થઇ.

માઇકલ નાગલર

મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સના સ્થાપક માઈકલ નાગલરે વાતનો દોર સંભાળતા ઇલાબહેનને પૂછ્યું, “આપ સહુએ ફિનિક્સ આશ્રમમાં આર્થિક રીતે કાર્યક્ષમ થવા માટે જે મથામણ કરી અને મહદ્દ અંશે સિદ્ધિ મેળવી તેનું સુંદર વર્ણન આપે કર્યું, તો એ મૂલ્યો અને કાર્યપદ્ધતિ આર્થિક ક્ષેત્રમાંથી તબદીલ કરીને સંઘર્ષના ક્ષેત્રમાં ઉપયોગમાં લાવી શકાય? મેં આ મુદ્દો એટલા માટે ઉઠાવ્યો કે અમારા દેશમાં એવા કેટલાક જનસમૂહ છે જે ઘર આંગણે શાંતિ જાળવી રાખવા માટે પોલીસ દળ પર આધાર રાખે છે, જેમ આખો દેશ પોતાની સુરક્ષા અને શાંતિ માટે અનેકગણા શક્તિશાળી એવા સૈન્યબળ પર આધાર રાખે છે. આપ લોકો જે પ્રયોગો ફિનિક્સમાં કરતાં હતાં તેમાં આ સમસ્યામાંથી છુટકારો થઇ શકે એવું ગર્ભિત સૂચન હતું?  

ઇલાબહેન : હા, બિલકુલ. જ્યારે ફિનિક્સમાં મારો ઉછેર થઇ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ વાડ નહોતી. એ 100 એકરની જમીન ગાંધીજીએ ખરીદેલી હતી. કોઈ એની સરહદનું ઉલ્લંઘન નહોતા કરતા. અમે બધું વહેંચીને વાપરતા. એક નદી અને એક કૂવો હતો, જ્યાંથી સહુ પાણી ભરી જતાં. એ અમારી મિલકત હતી, પણ એ કુદરતી સ્રોત પર કોઈ માલિકી ભાવ નહોતો. અમે શાકભાજી અને ફળો વાવ્યાં તો કોઈ ચોરી ન જતું. એ લોકો સમજતા કે જો બીજાં શાકભાજી વાવે, તો અમે પણ અમારી જમીન પર વાવીએ. બીજાની મિલકત શા માટે ચોરવી? તે સમયે લોકો એ પ્રકારની સમજણ ધરાવતા હતા. ‘70 અને ‘80ના દાયકા સુધી અમે ફિનિક્સ ખાતે આવું સુંદર જીવન જીવતા હતા. પછી સરકારે મોટી સંખ્યામાં લોકોને લાવીને ખેતરોને રહેણાંક વિસ્તારમાં બદલી નાખ્યા. તેને કારણે ઘણા ટંટા ફિસાદ થવા લાગ્યા. રંગભેદની નીતિની ઉશ્કેરણીથી ફિનિક્સને 1985માં આગ ચાંપવામાં આવી હતી. ‘70 પછી અમને એ બધી મર્યાદાઓ નડવા લાગી અને અમે ફરી ખેતીવાડી કરતો સમાજ ઊભો કરી ન શક્યા. હાલમાં અમે પાસ પાડોશના લોકો સાથે સારા સંબંધો કેળવીને શાકની વાડીઓ બનાવવાની કોશિશ કરીએ છીએ. પણ એ બધા નાના પ્રકલ્પો છે. ગાંધીજીના મનમાં મોટા પાયાની યોજના હતી.

માઈકલ : એક છેલ્લો પ્રશ્ન. ગાંધીજી અને અન્ય લોકોએ ફિનિક્સમાં શીખેલા પાઠ અને મૂલ્યોને 1906માં શરૂ થયેલી સત્યાગ્રહની ચળવળમાં અમલમાં મુકવા જાગૃતપણે પ્રયાસ કરેલો?

ઇલાબહેન : હા, એકદમ. 1910માં જોહાનિસબર્ગમાં જમીનની એક ટુકડો લઈને ત્યાં ટોલ્સટોય ફાર્મની એ જ મૂલ્યોને આધારે સ્થાપના કરી. એક વર્ષ બાદ ગાંધીજી ફિનિક્સ પાછા ફર્યા  કેમ કે એ શહેરથી ઘણું દૂર હતું અને ગાંધીજીને નતાલ પાછા આવવું પડતું, એવી સમસ્યાઓ હતી, એટલે ટોલ્સટોય ફાર્મ બંધ કરવો પડ્યો. પણ ફિનિક્સમાં એ જ મૂલ્યોને આગળ ધપાવવામાં આવ્યા. ત્યાં રહેલા ઘણા લોકો એમાં જ મોટા થયા અને પોતપોતાના સમાજમાં એ સાથે લઇ ગયા. એ દેખીતી રીતે દૃષ્ટિગોચર નથી થતા હોતા કેમ કે મોટા ભાગના ગાંધીને પગલે ચાલનારા ચૂપચાપ કામ કરતાં હોય છે. એ લોકો પોતાના કાર્ય વિશે ઢોલ નથી પીટતા હોતા. લોકોને એના વિશે કશું સાંભળવા નથી મળતું, એટલે દુનિયામાં શું થઈ રહ્યું છે એ આપણને જોવા નથી મળતું. તમારા આશ્રમના સ્થાપક એકનાથજી ગાંધી વિચારથી ખૂબ પ્રભાવિત હતા, માટે જ તમારો આશ્રમ બન્યો.

[મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સે લીધેલી માનનીય ઇલાબહેનની મુલાકાત દ્વારા આપણને સહુને ફિનિક્સ આશ્રમનાં મૂલ્યો, આશ્રમવાસીઓનાં જીવન અને કાર્ય વિષે જાણકારી મળી. રેડિયો મુલાકાતની લેખિત પ્રતનો અનુવાદ કરવાની મંજૂરી બદલ મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સના આભારી છીએ.]

e.mail : 71abuch@gmail.com

Loading

મીઠી મધમાખી 

દુર્ગેશ ઓઝા|Opinion - Short Stories|17 April 2023

બાળવાર્તા : 

દુર્ગેશ બી. ઓઝા

એક મોટું જંગલ હતું. જંગલનો રાજા કોણ તો કહે સિંહ. એક વાર એક શહેરમાંથી એક મધમાખી આ જંગલમાં આવી. ઘડીક આમ ઊડે, ઘડીક તેમ ઊડે. એમ કરતાં કરતાં એ આ સિંહ પાસે આવી, ને બોલી, ‘ઓ સિંહભાઈ, તમને વંદન. તમને વાંધો ન હોય તો મને તમારી મિત્ર બનાવશો? જો કે તમે આવડા મોટા, ને હું સાવ નાનકડી.’

સિંહ કહે, ‘મિત્રતામાં નાનુંમોટું એવું કાંઈ ન હોય. આજથી તું મારી મિત્ર. જા મોજ કર મોજ.’ ને મધમાખી તો એવી ખુશ થઈ કે ન પૂછો વાત. એ કહે, ‘ઓ વનરાજા, તમે રહો તાજામાજા ને સાજા. ધન્યવાદ. હું તમારા માથે બેસું?’

તો સિંહ કહે, ‘તું મધ ભેગું કરે છે ને? મધ હોય મીઠું એટલે તારામાં પણ મીઠાશ આવી ગઈ. તું તો છે મધ જેવી મીઠી. આજથી હું તારું નવું નામ રાખું છું. મેં દીઠી મધમાખી. એનું નામ મીઠી મધમાખી. આવ બેસ મારા માથે, આવી જા મારી સાથે.’ મધમાખી તો હરખભેર ઝપ દઈને બેસી ગઈ સિંહના માથે. સિંહને પણ મજા પડી, એણે પૂંછડી હલાવી ‘ઘૂમ ઘૂમ ઘૂમ’ મધમાખી તો આ જોઈ આનંદમાં ઠેકડા મારવા લાગી ‘છૂમ છૂમ છૂમ ..’

બાજુમાં હતું એક શિયાળ. એ બેઠું બેઠું આ બધું જોઈ રહ્યું હતું. એ બોલ્યું, ‘ઓ વનરાજા, આવડીક નાનકડી મધમાખીને પણ તમે દોસ્ત બનાવી એ તમે બહુ સારું કર્યું. હું થયું રાજી. જુઓ કેવી ખુશ થઈ આ જોઈને વનરાજી!’

સિંહ કહે, ‘કોઈ કાળું છે કે ધોળું, કદમાં નાનું છે કે મોટું, એવું બધું ન જોવાય. રૂપ ન જોવાય, ગુણ જોવાય ગુણ.’ શિયાળ કહે, ‘કંઈ ઘઉંની કે ચોખાની ગૂણ? એ તો મારાથી અર્ધી ય ન ઉપડે, હો!’

સિંહ ખડખડાટ હસી પડ્યો, ‘અરે મારા ભોળા શિયાળ, એ અનાજની, વસ્તુ ભરવાની ગૂણ નહીં. ગુણ એટલે ખૂબી, કોઈની સારી આવડત. આ મીઠી મધમાખી કદમાં તો છે સાવ નાની, પણ એનું દિલ કેવડું મોટું ને મજાનું છે! ડાહી છે આ મધમાખી, એટલે મેં એને મિત્ર તરીકે રાખી.’

મધમાખી કહે, ‘વનરાજા, હું આપીશ તમને મધ ચાખીચાખી, ને આ શિયાળને ય ચખાડીશ.’ શિયાળ કહે, ‘વાહ મધમાખી, હું તો મધની ભરી લઈશ મોટી શીશી આખેઆખી. આભાર.’  એક કીડીએ આ બધું જોયું. ખુશ થઈ એણે તાળી પાડી.

મધમાખી કહે, ‘આવ કીડી, બેસી જા મારા માથે.’ સિંહ કહે, ‘ઊભા રહો, હું કહું એમ કરો તો તમને બધાને વધુ મજા આવશે.’ ને બધાએ એમ કર્યું. સિંહના માથે શિયાળ, શિયાળ ઉપર મધમાખી ને મધમાખીના માથે બેઠી કીડી. કીડી બોલી, ‘કોઈને મારા માથે બેસવું હોય તો છૂટ છે હો!’

બાજુમાં હતું એક ઊંચું ઝાડ. એ ઝાડ બહુ કિંમતી હતું. એની નીચે હતી સરસ મજાની માટી. કીડીની આ વાત સાંભળી એ હસી પડી. માટીની એક નાનકડી કણી ઊડીને પ્રેમથી કીડી ઉપર બેસી ગઈ. કીડી કહે, ‘આમાં તો મને બહુ મજા પડી ગઈ. મને તો લાગે છે ઠંડુંઠંડું. એમ થાય છે કે હું નાચવા મંડું.’  બધાંએ ભેગાં મળી ખૂબ મસ્તી કરી, આનંદ કર્યો.

એક દિવસની વાત છે. શહેરમાંથી એક માણસ જંગલમાં આવ્યો, એના હાથમાં બંધુક હતી. એની પાસે કુહાડી પણ હતી. તે છાનોમાનો એક જગ્યાએ સંતાઈને બેસી ગયો, પછી ધીરેથી બોલ્યો, ‘અરે ઓ સિંહલા, આજ તારી ખેર નથી. પહેલાં હું તને મારીશ, પછી કુહાડીથી આ ઊંચા ઝાડને કાપી નાખીશ. તમને બેયને બજારમાં વેચી નાખીશ એટલે મને ઘણા બધા પૈસા મળશે.’

સિંહ તો એયને લહેરથી ઝાડ નીચે આરામ કરતો હતો. એને ખબર નહીં કે કોઈ માણસ પોતાનો શિકાર કરવા આવ્યો છે. એ શિકારીએ લાગ જોઈ બંધુકમાંથી ગોળી છોડવાની તૈયારી કરી ત્યાં જ પેલી મધમાખી ફટ દઈને આવી. એણે આખી વાત કાનોકાન સાંભળી લીધી હતી. એણે સપ દઈને માર્યો એ શિકારીના હાથે ડંખ. ‘વોય મા, વોય માડી’ કરતો શિકારી રાડો પાડવા લાગ્યો ને મધમાખી તો ઉપરાછાપરી ડંખ ઉપર ડંખ મારવા જ માંડી. પછી એ બોલી,

‘ચાલને આ માણસનાં નાક-કાન કેવાં છે એ જોતી આવું.’ એ પહેલાં એના નાકમાં ઘુસી, પછી કાનમાં, એણે ત્યાં પહેલાં ગણગણ કર્યું ને પછી એમાં ય ડંખ માર્યો. શિકારીના હાથમાંથી બંધુક પડી ગઈ. આ શોરબકોર જોઈ સિંહ સફાળો જાગ્યો. આ જોઈ શિકારી બંધુક ને કુહાડી લીધા વગર મુઠ્ઠી વાળીને જાય ભાગ્યો. મધમાખીએ માંડીને આખી વાત કરી કે શિકારી શું કામ જંગલમાં આવ્યો હતો?

જંગલની બાજુમાં એક નદી રહેતી ને વહેતી હતી ને ખળખળ કરતી ગીતો ગાતી ઘણુંબધું મજાનું કહેતી હતી. સિંહની ગર્જના ને આ બધો અવાજ સાંભળી હાથીભાઈ ત્યાં ધમધમ કરતાં દોડી આવ્યા. સિંહે બંધુકને મોઢામાં પકડી લીધી, પછી કહ્યું, ‘વાહ મીઠી મધમાખી. તેં મારો જીવ બચાવ્યો. ધન્યવાદ. તું નાની પણ તારું કામ બહુ મોટું. ચાલ, આપણે આ બંધુકને નદીમાં નાખી દઈએ.’

હાથીભાઈએ પોતાની સૂંઢ ઊંચી કરી કહ્યું, ‘વાહ માખી, તે બહુ સારું કામ કર્યું. સિંહને ને ઝાડને બચાવ્યાં. ને સિંહરાજા, ઊભા રહો, બંધુક નદીમાં નથી નાખવી. વળી કોઈક નદીમાંથી બંધુક ગોતી કોઈના ઉપર ગોળી ચલાવી કોઈને મારી નાખે તો?’ હાથીએ તો બંધુક ઉપર પોતાનો જાડોપાડો પગ વારંવાર મૂક્યો, અણીદાર દાંત ભરાવ્યા ને બંધુકના કરી નાખ્યા બે કટકા! શિયાળ ક્યાંકથી દીવાસળી વગેરે ગોતી આવ્યું ને સૌએ ભેગાં મળી બંધુક સળગાવી નાખી.

હાથી, મધમાખી. શિયાળ, કીડી ને સિંહ .. બધાં ગોળ કુંડાળું કરી બેસી ગયાં. કીડી કહે, ‘ચાલો આપણે બધાં નાચીએ.’ સૌએ એની વાત માની લીધી. સૌ ભેગાં મળી આનંદથી નાચવાં લાગ્યાં. નદીય રાજીની રેડ!

૦ ૦ ૦ – – – ૦ ૦ ૦

આ બાળવાર્તા ‘ગુજરાત સમાચાર’  સમાચારપત્રની  ૦૧. ૦૪. ૨૦૨૩ની ‘ઝગમગ’ પૂર્તિમાં પ્રકાશિત થઈ હતી.

૧, જલારામનગર, નરસંગ ટેકરી, પોરબંદર. ગુજરાત. ભારત. 360 575
ઈ-મેઈલ: durgeshoza65@gmail.com

Loading

સુરત મહાનગરપાલિકાને —

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 April 2023

રવીન્દ્ર પારેખ

વાત પાલિકાની કરવી છે, પણ તે હાલમાં બાલિકાની જેમ વધુ વર્તે છે, એટલે પાલિકા કહો કે બાલિકા, બહુ ફરક પડે એમ નથી. પાલિકાની ઉંમર તો વધી છે, પણ તે કદાચ ઉંમરલાયક થઈ નથી. સુરતની જ વાત કરીએ, તો તે અગિયારમાં સૈકામાં તાપીતટે વસ્યું ને 15 મે, 1852માં સુરત સુધરાઈની સ્થાપના થઈ. એ વાતને પણ આ 15 મે, 2023ને રોજ 171 વર્ષ પૂરાં થશે. એ પછી 1 ઓકટોબર, 1966થી સુધરાઈનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું. 11માં સૈકામાં સુરતનો વિસ્તાર આશરે 25 ચોરસ કિલોમીટર હતો, જે 2019ની ડાયરી પ્રમાણે (એ પછી ડાયરી પ્રગટ થઈ હોય તો ખબર નથી) 326.515 ચો.કિ.મી. થયો છે, એટલે કે ક્ષેત્રફળ 300થી વધુ ચો.કિ.મી. વધ્યું છે. 1482માં ભયંકર દુકાળ પડ્યો ત્યારે મલેક ગોપીએ અનાજપાણી સુરતને પૂરાં પાડ્યાં ને એણે જ ગોપીતળાવ બંધાવ્યું. ગોપીપરું પણ ગોપીની જ દેન છે. જે કિલ્લો અત્યારે નવા રંગેરૂપે ટિકિટ ખર્ચીને બતાવવાનું ચાલે છે તે ખુદાવંદખાને 1540-41માં બંધાવેલો. જો કે, હવે ઇતિહાસ બદલાઈ રહ્યો છે એટલે કોઈ, કિલ્લો કોર્પોરેશને બંધાવેલો એમ ભણાવે તો નવાઈ નહીં !

1955માં રંગ ઉપવન શરૂ થયું ને વર્ષો સુધી એ જ સુરતની સાંસ્કૃતિક અને કળાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું. તે પછી ટેક્સટાઇલ માર્કેટનાં ચોથા-પાંચમાં માળે પણ ઓડિટોરિયમ શરૂ થયું. ત્યાં પણ મુખ્યત્વે નાટ્યપ્રવૃત્તિઓ ઠીક ઠીક ચાલી. 1980માં ટીમલિયાવાડ, નાનપરા સુરત ખાતે ‘ગાંધી સ્મૃતિ ભવન’ થયું ને શહેરની મધ્યમાં અનેક કળાકીય પ્રવૃત્તિઓ એવી ધબકી કે સુરત સાચા અર્થમાં સાંસ્કૃતિક નગર તરીકે ખ્યાત થયું. તે પછી તો વરાછામાં સરદાર સ્મૃતિ ભવન અને પાલમાં સંજીવકુમાર ઓડિટોરિયમ પણ થયું, પણ ગાંધી સ્મૃતિ ભવનનો જે દબદબો હતો તે શહેરમાં બીજે જોવા ન મળ્યો. 2017માં ગાંધી સ્મૃતિ ભવન ચાર કરોડને ખર્ચે રીપેર થયું અને 10 મહિના બંધ રહ્યા પછી ફરી શરૂ થયું, પણ એક દિવસ ભવનમાં મોટો પોપડો ખરી પડતાં મોટો અકસ્માત થતાં રહી ગયો. આખી ઇમારત, રિપેરિંગ છતાં, ચાળીસ વર્ષ પણ ન ટકી ને સ્થિતિ એવી આવી કે જુલાઇ, 2019માં અનિશ્ચિત મુદ્દત માટે ગાંધી સ્મૃતિ ભવનને બંધ કરી દેવામાં આવ્યું. જૂન, 2022 સુધી તો 46 કરોડને ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન ફરી બાંધવાની વાત હતી, પણ હવે તેની કશી ખાતરી મળતી નથી. હવામાન એવું પણ છે કે તેનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ થાય. હાલ તો રંગ ઉપવન વાર્ષિકોત્સવ પૂરતું બચ્યું છે, બાકી તો, વૈધવ્ય ભોગવતું તે પણ ખૂણે પડ્યું છે, સંજીવકુમાર ઓડિટોરિયમ ક્યારેક જાગે છે ને કોર્પોરેશનની નાટ્ય સ્પર્ધા પૂરતું ખીલે છે, તો સરદાર સ્મૃતિ ભવન ધબકે છે તો ખબર પડે છે કે તે છે. એવું નથી કે સુરત એટલું ગરીબ થઈ ગયું છે કે ‘ગાંધી સ્મૃતિ ભવન’ ફરી બંધાય જ નહીં ! મૂળ વાત ઈચ્છા શક્તિની છે. ઈચ્છા શક્તિ વધુ લાલચની હોય તો કળાકીય પ્રવૃત્તિ બાજુ પર મૂકવાનું પણ સાવ અશક્ય નથી. સાચું તો એ છે કે કોર્પોરેશન હાલ તુરત તો કમાણી ને કલેક્શન પૂરતું જ સીમિત થઈ ગયું છે.

2023નાં ફેબ્રુઆરીના અંત સુધીમાં મિલકત વેરામાં જ પાલિકાએ 1,750 કરોડ વસૂલવાનો અંદાજ મૂક્યો છે. હવે નવી ટેકનિક એવી વિકસાવાઈ છે કે ગામડાં કોર્પોરેશનમાં ઉમેરી દેવાનાં ને ટેક્સ વસૂલવાનું શરૂ કરી દેવાનું. સગવડો ક્યાં ભાગી જાય છે, એ તો અપાયાં કરશે. સગવડ આપવાની વાત આવે ત્યારે સગવડિયા બહેરાશ પણ કોર્પોરેશન કેળવી શકે છે એ કોઇથી અજાણ્યું નથી. 2023-24નું 307 કરોડના વધારા સાથે 7,707 કરોડનું ડ્રાફ્ટ બજેટ આવ્યું. બ્રિજ, ઇન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય અને અન્ય સેવાઓ, સિનિયર સિટિઝન્સ ને હેલ્થકાર્ડ, આંગણવાડીનું આધુનિકરણ, નવાં ફાયર સ્ટેશન્સ જેવી અનેક સુવિધાઓ આપવાની વાત પણ છે. કૈં નથી થતું એવું નથી, પણ જે થાય છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આગળ નથી જતું. સુરત અત્યારે તો રાક્ષસી વિકાસ સાધી રહેલું દેખાય છે. આટલો વિકાસ જરૂરી છે કે માત્ર વિકાસને નામે બધું આડેધડ વધારતાં જ જવું છે એ અંગે ઠરીને વિચારવાની જરૂર છે. રાક્ષસી વિકાસનું પરિણામ એ આવ્યું છે કે સુરતીઓનો સ્વભાવ પણ રાક્ષસી થવા માંડ્યો છે. એનો લહેરી અને ઉદાર સ્વભાવ હવે લુચ્ચાઈ અને દોંગાઈમાં ફેરવાઇ રહ્યો છે. બધાં જ બધું કબજે કરવા દોડે છે ને પછી એક દિવસ અહીં જ બધું મૂકીને ધુમાડો થઈ જાય છે.

છેલ્લાં વર્ષોમાં વધેલી હિંસાખોરી, લૂંટફાટ અને દુષ્કર્મની ઘટનાઓમાં પણ એટલો જ વિકાસ થયો છે. આખી હવા હિંસક થઈ ગઈ હોય એવું લાગ્યા કરે છે. કોઈએ અટકવું જ નથી. શ્વાસ પાછળ રહી જાય ને માણસ આગળ નીકળી જાય એવી સ્થિતિ છે. અટકવું, પણ ટકવું જ છે એ સમજવાની જરૂર છે. એવું નથી કે ગુનાખોરી આજે જ છે, એ અગાઉ પણ હતી, પણ આજે તેનું પ્રમાણ અમર્યાદ રીતે વધ્યું છે. આવું થવાનું એક કારણ તે આ શહેરમાં વધી રહેલી વ્યાપારી ને આર્થિક પ્રવૃત્તિઓ છે. અનેક પ્રકારની, અન્ય રાજયોમાંથી આવેલી મિશ્ર પ્રજાઓ કમાવા ઉપરાંત અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પણ લઈને આવી છે. ટૂંકે રસ્તે હરામની કમાણીમાં રસ લેનારાઓની સંખ્યા પણ ખૂબ વધી છે. એ સાથે જ કળાકીય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભયંકર પડતી આવી છે, એટલે કમાણી ને ધંધાના વિકાસ સિવાય બીજો કોઈ રસ જ ન બચ્યો હોય એવું વાતાવરણ છે.

આ શહેરને અર્વાચીનોમાં આદ્ય એવો નર્મદ મળ્યો. પહેલો નવલકથાકાર નંદશંકર ને પહેલો વિવેચક નવલરામ પણ આ જ શહેરની ઉપજ છે. એ પછી તો આ શહેરમાં હાસ્યકારો, નાટ્યકારો, નવલકથાકારો, વાર્તાકારો, કવિઓ, વિવેચકોની લાંબી હારમાળા સર્જાઇ. આ શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાયું. અનેક સાહિત્યિક સંસ્થાઓ, નાટ્ય સંસ્થાઓ, કલામંડળો આ શહેરમાં થયાં. એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાઓ, ગરબા સ્પર્ધાઓ, કવિ સંમેલનો, વ્યાખ્યાનો … જેવી અનેક પ્રવૃત્તિઓ રંગ ઉપવન, ગાંધી સ્મૃતિ ભવનમાં થઈ. પછી કૈંક એવું બન્યું કે ઉદ્યોગોનો મહિમા વધ્યો. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, ગ્રીન સિટી ને સ્વચ્છ શહેર થવામાં જ એવો વેગ આવ્યો કે ઉદ્યોગોનો વિકાસ જ કેન્દ્રમાં આવી ગયો. સુરત મહાનગરપાલિકાને  સ્વચ્છતાના, સ્વસ્થતાના ઘણા એવોર્ડસ પણ મળ્યા ને તેની રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કદર પણ થઈ, પણ પછી આ શહેર એવી રીતે વિકસ્યું છે કે તેની ગતિ વિકાસની છે કે વિનાશની એ નક્કી થઈ શકતું નથી. કેટલું વિકસવું જોઈએ આ શહેરે, એ અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. આ શહેરે ન વિકસવું જોઈએ એવું કહેવાનું નથી, પણ સાંસ્કૃતિક કે કળાકીય વિકાસને ભોગે થતો વિકાસ ઘણાં અનિષ્ટોને નોતરશે એ સમજી લેવાનું રહે.

શહેરની સાહિત્યિક, સાંસ્કૃતિક સંસ્થાઓની જે પડતી થઈ છે તે અભૂતપૂર્વ છે. નિષ્પક્ષ, વિદ્વાન અને જે તે ક્ષેત્રના નિષ્ણાત હોદ્દેદારોને બદલે, તકવાદી, લાલચુ ને મતલબી લોકો કળાકીય સંસ્થાઓમાં દાખલ પડી ગયા છે. કોને કોરાણે મૂકવા, કોને સાથે રાખવા એના દાખલાઓ ગણાય છે ને એમાં હેતુ તો પોતાની જ સ્થાપનાનો વિશેષ છે. ઇનામો, ચંદ્રકો, એવોર્ડો સંસ્થાની બહાર ન જાય ને ઘીનાં ઠામમાં ઘી પડી રહે એની પેરવીઓ ચાલે છે. પાત્રતાને ભોગે બધું મેળવી લેવાને ઇરાદે કામ ચાલે છે, એટલે ઓછી મૂડીએ બહોળો નફો રળવાની યુક્તિઓ અજમાવાય છે. એનું પરિણામ એ આવ્યું છે કે શહેર પાસે નવી પેઢીનો સારો વાર્તાકાર નથી, સારો નવલકથાકાર નથી, સારો નાટ્યકાર નથી, સારો કવિ નથી, સારો વિવેચક નથી. ગઝલકારો 100 મળી આવે, પણ સારી ગઝલ જડવાનું મુશ્કેલ છે. જે બચ્યા છે તે માથે વેચાણ કિંમતની ટેગ મારીને બજારમાં વેચાવા ઊભા છે. ભાવ ઉપજાવવાની સ્પર્ધાઓ ચાલે છે. આમાં ક્યાંક સારું, સાત્ત્વિક પણ છે જ, પણ તે સાચવવાની ગરજ જણાતી નથી.

આ વિનિપાતમાં જે તે સંસ્થાઓ તો જવાબદાર છે જ, પણ સુરત મહાનગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે. સૌથી પહેલાં તો યુદ્ધને ધોરણે ‘ગાંધી સ્મૃતિ ભવન’ એ જ સ્થળે, રિપીટ, એ જ સ્થળે પૂરી સગવડ અને વ્યવસ્થા સાથે તૈયાર થાય એ જોવાની તાતી જરૂર છે. એ થશે તો નાટ્યપ્રવૃત્તિમાં જીવ  આવશે. પાલિકા, બાલિકા જેવી અબૂધ હોય તેમ ઘણું બધું ભૂલી ગઈ છે. શું ભૂલી જવું તે, તે બરાબર યાદ રાખે છે. પાલિકા દર વર્ષે નાટ્ય સ્પર્ધા કરે છે તે સારી વાત એટલે છે, કારણ, વિશ્વની કોઈ મહાનગરપાલિકા એ કરતી નથી. ઘણાંને ખબર ન હોય, પણ આ જ મહાનગરપાલિકા દર વર્ષે નાટ્ય લેખન સ્પર્ધા પણ કરતી હતી, એ સ્પર્ધા એમ જ બંધ કરી દેવાઈ. એ ફરી ચાલુ કરવી જોઈએ. સુરત મહાનગરપાલિકા દર વર્ષે પુસ્તક મેળાનું આયોજન કરતી હતી, તે ટલ્લે ચડી ગયું છે. કોરોનાનું બહાનું કોર્પોરેશન કાઢી શકે, પણ આ આયોજન વર્ષની શરૂઆતમાં થતું હતું ને ત્યારે એવું કૈં ન હતું તે યાદ રહે. આ ઉપરાંત મહાપાલિકા વરસે દિવસે અનેક પ્રકારની વ્યાખ્યાનમાળાઓ યોજતી હતી, દર વર્ષે ઉદ્યોગપતિઓનું, કલાકારોનું, સાહિત્યકારોનું સન્માન કરતી હતી, એ બધું જ બંધ પડ્યું છે ને વર્ષોથી બંધ પડ્યું છે, એ ફરી શરૂ થવું જોઈએ. સુરતના મેયર અને કમિશનરે વહેલી તકે એમાં પ્રાણ ફૂંકવાની જરૂર છે. પાલિકાની સાંસ્કૃતિક સમિતિ પણ હતી, એ હવે કાગળ પર હોય તો હોય, પણ તેની કોઈ અસર શહેરમાં વર્તાતી નથી. એ દુ:ખદ છે કે કોઈ પણ રીતે લોકોમાંથી પૈસા ઊભાં કરવાનું જેટલું ધ્યાન પાલિકા રાખે છે એટલું કળા, સાહિત્ય, સંગીત જેવી પ્રવૃત્તિઓ માટે રાખતી નથી. પાલિકા દર વર્ષે ટેક્સ વધારતી જાય છે ને એની સમાંતરે સાત્ત્વિક, સરળ ને સહજ જનજીવન તરફ દુર્લક્ષ સેવે છે. આ નીતિ સુધારવાની જરૂર છે.

એમાં કોઈ શંકા નથી કે આ શહેરનું જનજીવન સરળ અને સહજ નથી રહ્યું, એમાં પાલિકાની સાંસ્કૃતિક, સામાજિક અને કળાકીય પ્રવૃત્તિઓ માટે કેળવેલી ઘોર ઉપેક્ષા જવાબદાર છે. અહીંથી પાલિકાને કરબધ્ધ પ્રાર્થના છે કે તે સુરતને, ફરી એક વાર સાંસ્કૃતિક અને કળાકીય નકશા પર મૂકીને, સર્વાંગી પ્રવૃત્તિથી સજીવ અને સંવર્ધિત કરે. આટલું થશે તો શહેરીજનો પર ઉપકાર જ થશે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઍપ્રિલ 2023

Loading

...102030...1,1721,1731,1741,175...1,1801,1901,200...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved